હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ અને કરબલાનો બનાવ

ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત વિશે રસૂલે અકરમ સલ્લલ્લાહો અલયહે વઆલેહી વસલ્લમની ભવિષ્યવાણી

ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત વિશે આં હઝરત સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમની હદીસો એહલે સુન્નત અને એહલે તશય્યો (શિયાઓ)ની કિતાબોમાં આવી છે. અમે અત્રે એહલે સુન્નત હઝરાતની કિતાબોમાંથી કેટલીક સૌથી વધુ મોઅતબર હદીસો પ્રસ્તુત કરીએ છીએ.

(1) ઈબ્ને સઅદ અને તબરાનીએ હઝરત આઈશાથી રિવાયત કરી છે કે પયગંબરે અકરમ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમે ફરમાવ્યું:

અખબરની જબ્રઈલો અન્નબનેયલ હુસયન યુકતલો બઅદી બેઅરઝીત તફ વ જાઅની બેહાઝેહીત તુરબતે ફ અખબરની અન્ન ફીહા મઝજઅહો.

જીબ્રઈલે મને ખબર આપી કે મારી (હયાતી) પછી મારા ફરઝંદ હુસૈન (અ.સ.)ને ઝમીને ‘તફ’ પર કત્લ કરવામાં આવશે. અને (તેઓ) એ માટી મારા માટે લાવ્યા અને મને ખબર આપી કે આમાં તેમના મદફન (દફનની જગ્યા) છે. આ હદીસનું મુલ્લા અલી કારીએ રિવાયતમાં આ કરતા પણ વિગતવાર વર્ણન કર્યું છે. અને ખલીલીએ પણ ઈરશાદમાં હઝરત આઈશા અને ઉમ્મે સલમાથી આ શબ્દોમાં રિવાયત કરી છે.

‘ઈન્ન જબ્રઈલ અખ્બરની અન્નબનેયલ હુસયન યૂકતલો વ હાઝેહી તુરબતો તિલકલ અરઝે.’

આ જ હદીસને હઝરત આઈશાએ આ રીતે રિવાયત કરી છે.

‘ઈન્ન જબ્રઈલ અરાનીયત તુરબતલ્લતી યુકતલો અલયહલ હુસયનો ફશતદદ ગઝબુલ્લાહે અલામન યસફેકો દમહ.’ (સવાએક પાના નં. 190, 191 ક્ધઝુલ અમ્માલ જીલ્દ 6, પાના નં. 223)

(2) અબુ દાઉદ અને હાકીમે ઉમ્મે ફઝલ બિન્તે હારીસથી રિવાયત નોંધી છે કે પયગંબરે ઈસ્લામે ફરમાવ્યું:

‘અતાની જબ્રઈલો ફઅખભરની અન્ન ઉમ્મતી સતકતોલુબ્ની, હાઝલ યઅની અલ હુસયન વ અતાની તુરબતન મિન તુરબતીન હમ્રાઅ.’ (સવાએક પાના નં. 190, મકતલે ખ્વારઝમી પાના નં 156).

એટલે કે: જીબ્રઈલ મારી પાસે આવ્યા અને મને ખબર આપી કે મારી ઉમ્મત મારા ફરઝંદ હુસયન (અ.સ.) ને કત્લ કરશે અને તે લાલ માટીમાંથી થોડી ખાક મારા માટે લાવ્યા.

(3) તબરાની અને અબુ યઅલાએ ઝયનબ બિન્તે હજશથી રિવાયત નોંધી છે કે પયગંબર સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમે ફરમાવ્યું:

‘ઈન્ન જબ્રઈલ અતાની વ અખબરની અન્નબની હાઝા તકતોલોહુ ઉમ્મતી ફકુલ્તો: ફઅરેની તુરબતોહુ ફઅતાની બેતુરબતીન હમ્રાઅ. (ક્ધઝુલ આમ્માલ, જીલ્દ 6, પાના નં. 223).

જીબ્રઈલ મારી પાસે આવ્યા અને મને ખબર આપી કે મારા આ પુત્ર (હુસયન અ.સ.) ને મારી ઉમ્મત કત્લ કરી નાખશે. મેં કહ્યું મને તેમની તુરબત દેખાડો. (તુરબતની માટી લાવો) તે પછી તેઓ એક લાલ માટી મારા માટે લઈ આવ્યા.

(4) એહમદ બિન હમ્બલે રિવાયત નોંધી છે કે પયગંબર સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમે ફરમાવ્યું:

લકદ દખલ અલય્યલ બય્ત મલકુન લમ યદખુલ અલય્ય કબ્લહા ફકાલલી: ઈન્ન અબ્નક હાઝા હુસયનન મકતુલુન વ ઈન શેઅત અરયતોક મિન તુરબતિલ અરઝીલ્લતી યુકતલો બેહી કાલ: ફખ્રજ તુરબતન હમ્રાઅ. (સવાએક, પાના નં. 190)

મારા મકાનમાં એક ફરિશ્તો દાખલ થયો જે આ પહેલા કદી આવ્યો ન હતો તેણે મને કહ્યું: આપનો આ ફરઝંદ હુસયન (અ.સ.) કત્લ થનાર છે. જો આપ ફરમાવો તો હું તેઓ (અ.સ.) જ્યાં દફન થવાના છે ત્યાંની માટી આપની ખિદમતમાં હાજર કં. પછી થોડી લાલ માટી કાઢીને મારી પાસે લાવ્યો.

(5) ઈબ્ને સઅદે ઉમ્મે સલમાથી રિવાયત કરી છે કે પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું: જીબ્રઈલે મને ખબર આપી કે મારા ફરઝંદ હુસયન (અ.સ.)ને ઈરાકની જમીન ઉપર કત્લ કરવામાં આવશે. મેં કહ્યું કે જે જમીન ઉપર તેમને કત્લ કરવામાં આવશે તેની ખાક મને દેખાડો, પછી તેઓ ખાક લાવ્યા અને કહ્યું કે આ તેઓ (અ.સ.)ની તુરબત છે. આના અનુસંધાને ઈબ્ને અસાકીરે ઉમ્મે સલમાથી આ શબ્દોમાં હદીસ નોંધી છે.

ઈન્ન જબ્રઈલ અખ્બરની અન્નબ્ની હાઝા યુકતલો ફસતદદ ગઝબલ્લાહો અલા મંય યકતોલોહુ. (ક્ધઝુલ ઉમ્માલ જીલ્દ 6, પાના નં. 223)

‘જીબ્રઈલે મને ખબર આપી કે મારા આ ફરઝંદ હુસયન (અ.સ.)ને કત્લ કરવામાં આવશે. બસ, જે કોઈ તેને કત્લ કરે તેની ઉપર ખુદાનો ગઝબ થાય.’

(6) ઈબ્ને સઅદે શોઅબીથી રિવાયત કરી છે કે તેણે કહ્યું:

જ્યારે હઝરત અલી અલયહીસ્સલામ સિફફીન જઈ રહ્યા હતા ત્યારે તેઓને કરબલા-એ-મોઅલ્લાથી પસાર થવાનું થયું. ફુરાત નદીના કિનારા ઉપર ‘નયનવા’ નામનું એક ગામડું છે ત્યાં પહોંચીને આપ (અ.સ.) રોકાઈ ગયા. અને તે જમીનનું નામ પૂછયું. ત્યારે આપ (અ.સ.) ને કહેવામાં આવ્યું કે આ જમીનનું નામ ‘કરબલા’ છે. (આ સાંભળીને) આપે એટલું બધુ રૂદન કર્યું કે જમીન આંસુઓથી તર થઈ ગઈ.

અબ્દુલ્લાહ ઈબ્ને યહ્યા એ તેમના પિતા, જેઓ હઝરત અલી અલયહીસ્સલામના ખાદીમ હતા તેમનાથી રિવાયત કરી છે કે આપે ફરમાવ્યું:

સબ્રન યા અબા અબ્દીલ્લાહ સબ્રન યા અબા અબ્દીલ્લાહ સબ્રન યા અબા અબ્દીલ્લાહ બે શાતેઈલ ફુરાત.

ત્યાર પછી ફરમાવ્યું: હું એક વખત પયગંબરે ઈસ્લામ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમની ખિદમતમાં હાજર થયો ત્યારે આપ (સ.અ.વ.) રૂદન કરતા હતા. મેં રૂદનનું કારણ પુછયું ત્યારે આપે ફરમાવ્યું:

કાન ઈન્દી જબ્રઈલો આનેફન વ અખ્બરની અન્ન વલદેયલ હુસયન યુકતલો બેશાતેઈલ ફુરાતે બે મવઝેઈન યોકાલો લહુ કરબલા સુમ્મ કબઝ જબ્રઈલો કબ્ઝતન મિન તોરાબિન શમ્મની ઈય્યાહો ફલમ અમલેક અયનયય અન ફાઝતા.

(સવાએક, પાના નં. 190, તઝકેરતુલ ખવાસ પાના નં. 260, ઝખાએરૂલ ઉકબા પાના નં. 148).

‘એક દિવસ જીબ્રઈલ મારી સામે હાજર હતા અને ખબર આપી કે મારા ફરઝંદ હુસયન (અ.સ.)ને ફુરાતને કિનારે એક જગ્યાએ જેનું નામ કરબલા છે તે જગ્યાએ કત્લ કરવામાં આવશે. ત્યાર પછી જીબ્રઈલે એક મુઠ્ઠી માટી કાઢી તેની ખુશ્બુ મારા નાક સુધી પહોંચી (તે ખુશ્બુ નાકમાં પહોંચતાની સાથેજ) મારી આંખો બેઈખ્તયાર આંસુઓથી ભરાઈ ગઈ.

એહમદ બિન હમ્બલ અને ઈબ્ને ઝહાકે પણ આ હદીસને હઝરત અલી અલયહીસ્સલામથી રિવાયત કરી છે. અબ્દુલ્લાહ બિન યહ્યાએ તેમના પિતા અને તેઓએ હઝરત અલી અલયહીસ્સલામ પાસેથી આ હદીસ સાંભળી હતી.

(7) ખ્વારઝમીએ રિવાયત કરી છે કે અબુ અલી સલામી બયહકીએ પોતાની કિતાબ તારીખમાં લખ્યું છે કે પયગંબરે અકરમ (સ.અ.વ.) એ હુસયન અલયહીસ્સલામને ફરમાવ્યું:

ઈન્ન લક ફીલ જન્નતે દરજતન લા તનાલોહા ઈલ્લા બિશ્શહાદતે.

બેશક, તમારા માટે બેહીશ્તમાં એક (વિશેષ) દરજ્જો છે જે શહાદત વગર પ્રાપ્ત થઈ શકશે નહીં. અબૂ અલી સલામી કહે છે: જ્યારે હુસયન (અ.સ.)ની સાથે જંગ કરવા માટે શત્રુઓ સેના એકઠી કરવા લાગ્યા ત્યારે તેઓ (અ.સ.) ને એ વાતની જાણ થઈ ગઈ કે તેઓને કત્લ કરી નાખવામાં આવશે. અને તેઓએ ધીરજ ધરી. (મકતલે ખ્વારઝમી પાના નં. 170)

(8) સિબ્તે ઈબ્ને જવઝી એ રિવાયત કરી છે કે જ્યારે હુસૈન (અ.સ.) જમીને કરબલા ઉપર પધાર્યા ત્યારે આપે તે જમીનનું નામ પૂછયું લોકોએ કહ્યું આ જમીનનું નામ કરબલા છે અને તેને ‘નયનવા’ પણ કહે છે, જે એક ગામડાનું નામ છે.

હુસયન (અ.સ.) એ રૂદન કર્યું અને ફરમાવ્યું: અહીં મૂંઝવણ અને બેચેની છે. જનાબે ઉમ્મે સલમા (ર.) એ મને ફરમાવ્યું કે જીબ્રઈલ રસૂલે ખુદા (સ.અ.વ.) પાસે હતા અને તમે (હુસયન અ.સ.) મારી પાસે હતા.

ઉમ્મે સલમાએ ફરમાવ્યું: કે પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું: મારા ફરઝંદને મારી પાસે લાવો. પછી આપ (અ.સ.) ને પકડીને પોતાના ખોળામાં લઈ લીધા. ત્યારે જીબ્રઈલે કહ્યું: શું આપ (અ.સ.) આમને દોસ્ત રાખો છો?

રસૂલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: બેશક, જીબ્રઈલે કહ્યું: આપની ઉમ્મત આમને (હુસયન અ.સ.)ને કત્લ કરી નાખશે અને જો આપ હુકમ આપો તો હું આપને જમીન દેખાડું જ્યાં તેઓને કત્લ કરવામાં આવશે. પછી જીબ્રઈલે પયગંબર (સ.અ.વ.) ને જમીને કરબલા દેખાડી.

આમ, જ્યારે ઈમામ હુસયન (અ.સ.)ને કહેવામાં આવ્યું કે આ કરબલાની જમીન છે. ત્યારે આપ (સ.અ.વ.) એ જમીન (ખાકે કરબલા)ને સુંઘી અને ફરમાવ્યું: આ એ જ જમીન છે જેના વિશે જીબ્રઈલે પયગંબર (સ.અ.વ.)ને ખબર આપી હતી કે: હું આ જમીન ઉપર કત્લ થઈશ.

બીજી એક રિવાયતમાં છે જ્યારે આપ (સ.અ.વ)ને કહેવામાં આવ્યું કે આ જમીને કરબલા છે ત્યો (આપ અ.સ.) તેમાંથી એક મુઠ્ઠી માટી ઉઠાવી અને સુંઘી આજ હદીસને ઈબ્ને સઅદે તબકાતમાં વાકદીથી નકલ કરી છે. (તઝકેરતુલ ખવાસ, પાના નં. 259 અને 260).

(9) ઈબ્ને અસીર અને તબરી વગેરેએ ફઝારહથી નોંધેલ છે કે તેઓએ કહ્યું ઝોહેર ઈબ્ને કયન બજલી, જેઓ ‘ઉસ્માની’ હતા તે એ વર્ષ (જે વર્ષે હઝરત ઈમામ હુસયન અ.સ. ઈરાફ તરફ રવાના થયા હતા) હજ્જે બયતુલ્લાહ માટે ગયા હતા. તેઓને પાછા ફરતી વખતે માર્ગમાં હ. ઈ. હુસૈન (અ.સ.) સાથે મુલાકાત થઈ. તેઓ હ. ઉસ્માનના દોસ્ત હતા તેથી તેમને હુસયન (અ.સ.) સાથે રહેવામાં અણગમો થતો હતો. પરંતુ તેઓ એક જગ્યાએ સાથે થઈ ગયા.

એક દિવસ જ્યારે હુસયન (અ.સ.) પોતાના ખયમામાંથી બહાર તશ્રીફ લાવ્યા ત્યારે તેઓ પણ બહાર નીકળ્યા.

ફઝારહનું બયાન છે કે: (એક દિવસ) જ્યારે અમે લોકો નાશ્તો કરવામાં વ્યસ્ત હતા. ત્યારે હુસયન (અ.સ.)નો કાસિદ આવ્યો અને અર્ઝ કરી: અય ઝોહૈર, ઈમામ હુસૈન (અ.સ.) મને સંદેશો લઈને મોકલ્યો છે કે તમે તેઓ (અ.સ.)ની ખિદમતમાં હાજર થાવ. અમારા લોકોના હાથમાં કોળિયા રહી ગયા અને અમે લોકો દંગ થઈ ગયા. કારણકે ઝોહૈરને તે હઝરત (અ.સ.) પાસે જવાનો અણગમો થતો હતો. ઝોહૈરની પત્ની દયલમ બિન્તે ઉમરૂ એ આ જોઈને કહ્યું: સુબ્હાનલ્લાહ, ફરઝંદે રસૂલે ખુદા (સ.અ.વ.) કાસિદ મોકલીને તમને બોલાવે છે અને તમારે જવું નથી? (આ સાંભળીને) ઝોહૈર અણગમા સાથે ઈમામ હુસયન (અ.સ.)ની ખિદમતમાં હાજર થયા. થોડી વારમાં તેઓ પાછા આવ્યા અને તેમનો ચહેરો ખુશીથી ચમકતો હતો. તેમણે પોતાના ખયમાને હુસયન (અ.સ.)ના ખયમાની પાસે નખાવ્યો અને કહ્યું: મેં ઈમામ હુસયન (અ.સ.)ની સાથે રહીને તેમનું રક્ષણ કરવાનો નિશ્ચય કર્યો છે, તે માટે હું મારા પ્રાણની આહુતિ આપી દઈશ.

તેની પત્નીએ તેમને રૂખસત કરતા કહ્યું: ખુદા તમને નેકી અતા કરે. તમોને મારી એક વિનંતી છે કે કયામતમાં હુસયન (અ.સ.)ના નાના (સ.અ.વ.) સમક્ષ મને અવશ્ય યાદ કરજો.

ત્યાર પછી ઝોહૈરે તેમના અસ્હાબને સંબોધીને કહ્યું: તમારામાંથી જે લોકો મારી પૈરવી કરવા ઈચ્છતા હોય તે મારી સાથે ચાલો અને જે લોકો મારો સાથ આપવા ન ઈચ્છતા હોય તેમની સાથેની મારી આ અંતિમ મુલાકાત છે. હું તમને લોકોને એક બનાવ કહું છું. તે સાંભળો. ‘અમે લોકો તુર્કસ્તાનના બલનજર નામના શહેરમાં જેહાદ માટે ગયા હતા. ખુદાવંદે આલમે અમને વિજય અપાવ્યો અમને ઘણો બધો ‘માલે ગનીમત’ પ્રાપ્ત થયો. જેના કારણે અમે બહુજ ખુશ થયા. સલમાને ફારસીએ અમને કહ્યું:

એઝા અદરકતુમ શબાબ આલે મોહંમદીન ફકૂનૂ અશદદ ફરહન બેકેતાલેકુમ મઅહુમ મિમ્મા અસબતુમ મિનલ ગનાએમે.

તમને આલે મોહંમદ (અ.સ.)ના યુવાનો સાથે રહેવાનું નસીબ થાય તો તેઓની સાથે રહીને જંગ કરવામાં જે આનંદ અને ખુશી મળે છે તે (તેવા આનંદ) તે જંગમાંથી મળેલા માલે ગનીમત કરતાં કેટલાય ગણો વધારે છે. (ઝોહૈરે કહ્યું) હું તમોને ખુદાને હવાલે કં છું. ત્યાર પછી તેઓ સય્યદુશ્શોહદા (અ.સ.)ની ખિદમતમાં હાજર થયા અને તેઓ (અ.સ.)ની સાથેજ શહીદ થયા.

કામિલ બિન અસીરે નોંધેલું લખાણ આ પ્રમાણે છે.

એઝા અદરકતુમ સય્યદ શબાબે આલે મોહંમદીન ફકૂનૂ અશદદ ફરહન બેકેતાલેકુમ મઅહૂ બેમા અસબ્તોમુલ યવ્મ મેનલ ગનાએમે.

જ્યારે તમને આલે મોહંમદ (અ.સ.) ના સરદારના યુગ (નું સદ્ભાગ્ય) પ્રાપ્ર થાય તો તેઓ (અ.સ.) સાથે રહીને જંગ કરવામાં આજના યુગમાં માલે ગનીમત મેળવવા કરતા (તમોને) વધારે ખુશી થશે.

અને તબરીએ સલમાન ફારસીની જગ્યાએ સલમાન બાહલી લખ્યું છે અને બાહલી વધારે સાચુ લાગે છે. કારણકે, સલમાન બાહલી બલનજરમાં કત્લ થયા હતા. (સુમ્મુલ માઅની, પાના નં. 141, અલ કામિલ જીલ્દ 3, પાના નં. 277, તબરી જીલ્દ 4 પાના નં. 299)

(10) ઈબ્ને અસીરે, પયગંબર (સ.અ.વ.) ના સહાબી ગુરફહ અઝદીથી આ રિવાયત નોંધી છે તેઓ કહે છે કે: મારા દિલમાં શાને અલી (અ.સ.) વિશે એક સંદેહ ઉત્પન્ન થયો હતો. તેથી હું હઝરત અલી (અ.સ.) ની સાથે શત-અલ-ફુરાત તરફ રવાના થયો. રસ્તામાં હ. અલી (અ.સ.) એક બાજુ થઈને એક જગ્યાએ રોકાઈ ગયા. અમે લોકો પણ તેમની બાજુમાં રોકાયા ત્યાર પછી તેઓ (અ.સ.) એ હાથથી ઈશારો કરીને ફરમાવ્યું.

હાઝા મવઝેઓ રવાહેલેહીમ વ મનાખો રકાબેહીમ વ મહરાતો દેમાએહિમ બે અબી મન લા નાસેરલહૂ ફીલ અરઝે વલા ફીસ્સમાએ ઈલ્લલ્લાહ.

આ જગ્યા ઉંટો અને તેની સવારીના જાનવરોની વસતીની જગ્યા છે અને આ તે જગ્યા છે જ્યાં તેમનું રકત વહાવવામાં આવશે. મારા (મા) બાપ તેઓ ઉપર ફીદા થાય કે જમીન અને આસમાનમાં ખુદા સિવાય તેમનો કોઈ મદદગાર નહીં હોય.

(ગુરફહ કહે છે કે) જ્યારે હુસયન (અ.સ.) શહીદ થયા ત્યારે હું તેઓ (અ.સ.) અને તેમના સાથીઓની શહાદતની જગ્યાએ પહોંચ્યો. મેં જોયું તો એ બરાબર એજ જગ્યા હતી જે હઝરત અલી (અ.સ.) એ મને દેખાડી હતી. તે જગ્યામાં સહેજ પણ ફેરફાર ન હતો. તે કહે છે કે: હું મારા તે સંદેહ માટે ખુદા પાસે તૌબા કરૂ છું અને મને એ વાતની ખાત્રી થઈ ગઈ કે હ. અલી (અ.સ.) ખુદાની મરજી વગર કોઈ પણ કામ કરતાં નથી. (અસદુલ ગાબહ જીલ્દ 4 પાના નં. 169).

(11) દયલમીએ મઆઝથી રિવાયત કરી છે કે રસૂલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

નોએય એલય્યલ હુસય્નો વ ઓતીતો વે તુરબતેહી વ ઉખ્બીરતો મોકાતેલેહી.

હુસયન (અ.સ.)ની શહાદત (થવાની છે તે વાત) વિશે હું જાણું છું, તેમની તુરબત હું જોઈ ચુકયો છું. અને તેના કાતિલ (વિશે) ની જાણકારી પણ મને આપવામાં આવી છે. (ક્ન્ઝુલ ઉમ્માલ જીલ્દ 6, પાના નં. 223)

(12) ઈબ્ને અસાકિરે ઈબ્ને ઉમરૂથી રિવાયત કરી છે કે: હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

લા બારકલ્લાહો ફી યઝીદીત્ત તઆનીલ્લ લઆને અમા ઈન્નહુ નોએય એલય્ય હબીબી વ સખીલી હુસયન ઓતીતો બે તુરબતેહી વ રઅય્તો કાતેલહો અમા ઈન્નહો લા યુકતલો બયન ઝહરા નીએ કવ્મીન ફલા યનસોરૂહો ઈલ્લા અમ્મહોમુલ્લાહો બે એકાબ. (ક્ધઝુલ ઉમ્માલ જીલ્દ 6, પાના નં. 223).

ખુદા, યઝીદ (તઆન અને લઆન) ને પોતાની બરકતથી વંચિત રાખે. જાણીલો કે મને મારા હબીબ અને ફરઝંદ હુસયન (અ.સ.)ની શહાદતની જાણકારી મળી ગઈ છે, તેમની તુરબતની માટી પણ મારા માટે લાવવામાં આવી છે અને હું તેઓ (અ.સ.)ના કાતિલને જોઈ ચુકયો છું. આગાહ થઈ જાવ કે હુસયન (અ.સ.) તેમના દોસ્તો વચ્ચે કત્લ કરવામાં નથી આવ્યા પણ ખુદા એ લોકો ઉપર ગઝબ નાઝીલ કરશે.

(13) બયહકીએ રિવાયત નોંધી છે તે પ્રમાણે પયગંબરે અકરમ (સ.અ.વ.) એ હુસયન (અ.સ.)ની શહાદતની ખબર આપી. આપે ફરમાવ્યું કે: કુફા પાસે ‘તફ’ નામની જગ્યા છે ત્યાં (તેઓ અ.સ.ને) શહીદ કરવામાં આવશે. (અસ્સીરતુન્નબવીયહ જીલ્દ 3, પાના નં. 220).

(14) યાકૂબી કહે છે: મદીનામાં સૌથી પહેલા હુસયન (અ.સ.) મુસીબત ઉપર રૂદન અને ફરિયાદ કરનાર પયગંબર (સ.અ.વ.)ના હમસર ઉમ્મે સલમા (ર.) હતા. કારણ કે પયગંબર (સ.અ.વ.) એ હુસયન (અ.સ.)ની તુરબતની માટી વાળુ વાસણ ઉમ્મે સલમાને આપ્યું હતું અને તેઓ ફરમાવ્યું હતું કે: જીબ્રઈલે મને ખબર આપી છે કે મારી ઉમ્મત હુસયન (અ.સ.)ને કત્લ કરશે અને જ્યારે આ માટી તાજા લોહીમાં પરિવર્તિત થઈ જાય ત્યારે સમજજો કે હુસયન (અ.સ.) કત્લ થઈ ચુકયા છે. જ્યારે ઈમામ હુસયન (અ.સ.) કત્લ થઈ ચુકયા છે. જ્યારે ઈમામ હુસયન (અ.સ.) એ ઈરાકનો પ્રવાસ કર્યો ત્યારે એ માટી ઉમ્મે સલમાની પાસે હતી. ઉમ્મે સલમા એ માટીને હંમેશા પોતાની નજર સામે રાખતા હતા. એક વખત તેઓએ જોયું કે માટી લોહીમાં ફેરવાઈ ગઈ ત્યારે તેમણે આહો ફરિયાદ કરવાની શરૂ કરી. (વા હુસયનાહો વા ઈબ્ન રસૂલિલ્લાહ)

તેમની આહો ફરિયાદ અને રૂદનને સાંભળીને ચારે બાજુની સ્ત્રીઓમાં રોક્કળ મચી ગઈ. એવી આહો ફરિયાદથી શહેર તે પહેલા કયારે ગુંજી ઉઠયું ન હતું. (તારીખે યાકુબી જીલ્દ 2, પાના નં. 218, 219).

ઈબ્ને હજરે મુલ્લા અલી કારીથી સવાએકે મોહરકામાં અને ઈબ્ને એહમદે મસ્નદમાં સામાન્ય ફેરફાર સાથે નોંધ્યુ છે અને રિવાયત કરી છે કે તે તુરબત (માટી) ઈમામ હુસયન (અ.સ.)ની કત્લગાહની જમીનની હતી. (સવાએકે મોહરકા 191).

આ વિષયની હ. રસૂલે ખુદા (સ.અ.વ.)ની હદીસોની સંખ્યા એટલી બધી છે કે જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ (સ.અ.વ.) એ તમામ બનાવોનું વર્ણન કરી નાખ્યું હતું. એટલુંજ નહીં તેમના કાતિલોના નામ પણ જણાવી દીધા હતા. આટલી સ્પષ્ટ હકીકત હોવા છતાં એ નથી સમજાતું કે કેટલાક લોકો વાકએ કરબલાના ઉલ્લેખથી શા માટે આટલા બધા ગભરાય છે? અને સુન્નતે રસૂલે ખુદા ઉપર અમલ શા માટે નથી કરતા?

આ બાબત બયાન કરનારાઓ ઉપર જાત જાતના આક્ષેપો શા માટે થાય છે?

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *