રોઝાની શબીહ અને ઝરીહ જાએઝ કઈ રીતે?

હિન્દુસ્તાન અને પાકીસ્તાનના શીઆઓના ઘરો અને ઈમામવાડાઓમાં અઈમ્મએ મઅસુમીન અલહેમુસ્સલામની ઝરીહ, ખાસ કરીને સૈયદુશ્શોહદા હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામના રોઝા મુબારકની તસ્વીર (અથવા પ્રતિમા) જોવા મળે છે. (શબીહ એટલે તસ્વીર અને ઝરીહ એટલે કબ્ર મુબારક રોઝાની પ્રતિમા) આ સુન્નત માટે કેટલાક ઓલમા-એ-એહલે સુન્નત એતરાઝ કરે છે. જેની સાથો સાથ કેટલાક ‘કહેવાતા’ આધુનિક વિચારસરણી ધરાવતા શીઆ વર્તુળના લોકો પણ એતરાઝ કરનાર પૈકી હોય છે. જે લોકો આ સુન્નતની સામે પ્રશ્નચિન્હ લગાવે છે અને આ સુન્નતની દીની હયસિયતને શંકાની દ્રષ્ટિથી જોતા હોય છે. આ લેખમાં વિવિધ ગ્રંથોના સંદર્ભ પ્રત્યે અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે જેનો અભ્યાસ કરવાથી દરેક જાતનું ગુમાન અને કાલ્પનિક વાતો દૂર થઈ જશે તેમજ આ વિષય પર થતી શંકાઓનું સમાધાન થઈ જશે.

(1) મશ્હુર અને મઅરૂફ (વિખ્યાત અને પરિચિત) રાવી અબ્દુલ્લાહ બિન સનાનની રિવાયત છે કે:

હું આશુરાના દિવસે મારા આકા અને મૌલા હઝરત ઈમામ જઅફર સાદિક અલયહીસ્સલામની ખિદમતે અકદસમાં હાજર થયો. મેં જોયું કે આપ ખૂબજ ગમગીન છે, આપ (અ.સ.)ના ચહેરાનો રંગ બદલાઈ ગયો છે. આપની મુબારક આંખોમાંથી મોતીઓની જેમ દડ દડ આંસુ વહી રહ્યા છે. મેં અર્ઝ કરી અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.) ખુદા કરે, આપની આંખો આંસુઓથી ભીંજાએલી ન રહે. આ સમયે રૂદન કરવાનું કારણ શું?

હઝરતે ફરમાવ્યું: ‘શું તને ખબર નથી કે આજના જ દિવસે હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામ ઉપર મુસીબતો પડી હતી?

ત્યાર પછી ઈમામ અલયહીસ્સલામે આશુરાના દિવસના બનાવ બયાન કર્યા. અંધકાર અને પ્રકાશની ઉત્પતિનો ઉલ્લેખ કર્યો અને પછી બયાન ચાલુ રાખતા ફરમાવ્યું:

‘યા અબ્દલ્લાહિ ઈબ્ને સનાને ઈન્ન અફઝલ મા તઓની બેહી ફી હાઝલ યવ્મે અન તઅમદ એલા સેયાબીન તાહેરતીન ફતલસોહા વતતસલ્લબો સુમ્મ તુખરોજો એલા અરઝીન મુકફેરતીન અવ મકાનીન લા યરાક બેહી અહદુન અવ તઅમદ એલા મનઝેલીન લક ખાલીન અવફી ખલવતીન હીન તરફેઉન્નહારો ફતો સલ્લી અરબઅ રકઆત સુમ્મ તોસ્લીમ્મો વ તોહવ્વેલો વજહક નહવ કબ્રીલ હુસય્ને અલયહીસ્સલામો વ મઝજએહી ફ તોમસ્સેલો લે નફસેક મસરઅહૂ વમન કાન મઅહૂ મિન વુલ્દેહી વઅહલેહી વતોસલ્લેમો વતોસલ્લી અલયહે વ તલઅનો કાતેલીહે ફતબરરઓ મિન અફઆલેહીમ યરફઉલ્લાહો અઝઝ વ જલ્લ લક બેઝાલેખ ફીલ જન્નતે મેનદદરજાતે વયહુત્તો અન્ક મેનસ્યય્યેઆતે…’

(બેહાર જી. 4, 103/303-304 મિસ્બાહ શૈખ તૂસી 547)

‘અય અબ્દુલ્લાહ બિન સનાન આ દિવસે શ્રેષ્ઠ અમલ તમે કરી શકો તો એ છે કે પાકીઝા વસ્ત્રો પહેરો અને મુસીબતમાં ઘેરાએલા લોકોની જેમ તમારા પહેરણના બટન ખુલ્લા રાખો, તમારી બાંયો ચડાવી દો… જ્યારે સુરજ બુલંદ થઈ જાય ત્યારે તમારા ઘરેથી નીકળી રણ (નિર્જન વિસ્તાર) તરફ અથવા તો એવી જગ્યાએ જાવ જ્યાં કોઈ તમને જોતું ન હોય, અથવા કોઈ ખાલી મકાનમાં જાવ ત્યાં ચાર રકાત નમાઝ પઢો. સલામ ફેરવ્યો પછી તમાં મુખ હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામની કબ્રે મુતહહર તરફ કરો અને તેમના મકતલ અને તેમના ફરઝંદ અને અઝીઝોના મકતલને તમારી સામે (કલ્પનામાં) લાવો. તેઓ ઉપર દુરૂદો સલામ મોકલો. તેમના કાતિલો ઉપર લઅનત કરો અને તેમના કાર્યો પ્રત્યે નફરત તથા નારાજગી વ્યકત કરો. ખુદાવંદે આલમ તમારા એ કાર્ય દ્વારા જન્નતમાં તમારા દરજ્જા ઉંચા કરશે અને તમારા ગુનાહો માફ કરશે.

ઉપરની હદીસમાં જે વકય ધ્યાનાકર્ષક છે તે આ છે: ‘ફતોમસ્સેલો લે નફસેક મસ્રઅહુ’

એટલેકે, તેમની કત્લગાહને તમારી સામે સાકાર કરો. જનાબે સૈયદ બિન તાઉસ અલયહીસ્સલામએ ઈકબાલ પાના નં. 41 ઉપર આ વાકયને આ રીતે લખ્યું છે.

વતમસ્સલ બયન યદય્ક મસરઅહૂ વતફરરગ ઝેહનેક વ જમીઅ બદનેક વતો જમ્મઅ લહૂ અકલક

તમારી નજરો સામે તેઓની કત્લગાહને મુજસ્સમ (સાકાર) કરો. તમારા દિમાગ, શરીર અને અકલની સાથે તેઓ પ્રત્યે એકાગ્ર બની જાવ. દરેક પ્રકારના વિચારોથી તમારા અસ્તિત્વને પાક કરી દો. અને તેઓની તમામ મુસીબતોને તમારી નજર સમક્ષ રાખો ‘તમસીલ’ એટલે પોતાની સામે આકૃતિ ખડી કરવી.

આ બારામાં નીચે મુજબની બે બાબત બયાન કરી શકાય છે.

(1) પોતાના દિમાગમાં તેઓની કત્લગાહને મુજસ્સમ (સાકાર) કરો.

(2) પોતાની સામે કત્લગાહની શબીહ બનાવો અને તેની તરફ એકાગ્ર બનો.

જનાબે તુસી અલયહિરહમાની રિવાયત પ્રમાણે પહેલી બાબત વધારે નઝદીક જણાય છે જો કે ‘લે નફસેક’ માં જે ‘લામ’(લે) ને ધ્યાનમાં રાખતા બીજી બાબત હકીકતથી વધારે નઝદીક જણાય છે.

જનાબે સૈયદ બિન તાઉસ અલયહિરહમાની રિવાયત પ્રમાણે બીજી રિવાયત હકીકતની વધારે નજદીક છે કારણકે આ વાકય:

તમસ્સેલો બયન યદયક મસઅહુ.

પોતાની સામે કત્લગાહને મજુસ્સમ (સાકાર) કરો. (બયનયદેક) ‘પોતાની સામે’ આ શબ્દોથી બીજી વાત સ્પષ્ટ થઈ જાય છે અને પહેલી વાતના સંદેહનો અંત આવી જાય છે.

(2) અલ્લામા મજલીસી અલયહિરહમાએ 17 મી રબીયુલ અવ્વલના આઅમાલમાં જનાબે શેખ મુફીદ, શહીદ, સૈયદ બિન તાઉસ રહમતુલ્લાહ અલયહીમથી નોંધ્યું છે કે: જો મદીનએ મુનવ્વરા સિવાય બીજી કોઈ જગ્યાએ હઝરત રસૂલે અકરમ (સ.અ.વ.)ની ઝિયારત, કરવા (પડવા) ઈચ્છા હો તો ગુસ્લ કરો અને ‘કબ્રની શબીહ’ તમારી સામે બનાવો અને આં હઝરતનું પવિત્ર નામ તેની ઉપર લખો અને ત્યાં હઝરતની તરફ તમારા દિલને એક ચિત્તા કરી ને કહો…

(ઝાદુલ મઆદ, અલ્લામા)

(3) જનાબે શેખ બહાઈ અલયહિરહમા ફરમાવે છે: જો કોઈ મુશ્કેલી આવી પડે તો કોઈ નિર્જન વિસ્તારમાં જાવ ત્યાં (જમીન ઉપર) ચાર લીટી કરો અને તે હઝરત રસૂલે અકરમ (સ.અ.વ.)ની કબ્રે મુતહહર હોવાની કલ્પના કરો. અને તેની તરફ ઈશારો કરીને (12000) બાર હજાર વખત ‘સલ્લલ્લાહો અલયક યા રસૂલુલ્લાહ’ કહો. આ અમલથી તે મુશ્કેલી દૂર થઈ જશે.

(સહીફતુલ હીદાયહ 82)

ઉપરની રિવાયતો જોતાં અઈમ્મએ મઅસુમીન અલયહેમુસ્સલામની કબ્રે મુતહહર, મદફન (દફનની જગ્યા) અને કત્લગાહની શબીહ બનાવવી અને તે દિશા તરફ મુખ કરીને ઝિયારત પઢવી યોગ્ય અને દુરસ્ત છે. એટલુંજ નહીં પસંદ કરવા લાયક કામ પણ છે.

જે એમ સમજે છે કે મુજસ્સમાસાઝી (આકૃતિ બનાવવા) નો અર્થ શબીહ સાઝી (તસ્વીર બનાવવી) પણ હોઈ શકે છે તો એ રિવાયતોને ધ્યાનમાં લેતા શબીહ ન બનાવવી જોઈએ, તો તેવા લોકોનો ખ્યાલ સાચો નથી. કારણકે રિવાયતોમાં જીવંત વસ્તુઓના મુજસ્સમાને હરામ ગણવામાં આવેલ છે. નિર્જીવ વસ્તુઓના મુજસ્સમાને હરામ ગણાવવામાં આવેલ નથી. અને કબ્ર જીવંત ગણાતી નથી. જે રીતે ઘણી મસ્જીદો, મજીસ્દે નબવીની શબીહ છે. તેવી જ રીતે મજકુર રિવાયતોનું અર્થઘટન ઝરીહ સાથે ન થવું જોઈએ.

સંક્ષિપ્તમાં

(1) દૂરથી ઝિયારત કરવા માટે મઅસુમીન (અ.સ.)ની ઝરીહની શબીહ બનાવવામાં કોઈ વાંધો નથી. બલ્કે તેમને મરતબાવાળા અને ટોચના હદીસવેત્તાઓએ તેને પસંદ કરવા યોગ્ય કાર્ય ગણાવેલ છે.

(2) શબીહની ઝરીહ બનાવવા માટે કોઈ વિશેષ વસ્તુ કે આવડતની જરૂર હોતી નથી. પરંતુ જમીન ઉપર ફકત ચાર લીટી કરીને (તેની ઉપર) અઈમ્મએ મઅસુમીન અલયહેમુસ્સલામનું પવિત્ર નામ લખી નાખવું પણ પૂરતું છે. જેથી કરીને દિમાગ તેઓ પ્રત્યે એકાગ્ર બની જાય.

(3) મુસલમાનોના બીજા ફીરકાઓની રિવાયતોમાં પન કોઈ સચોટ દલીલ મળી આવતી નથી, જેમાં આ કાર્યથી મનાઈ કરવામાં આવી હોય. આનાથી ઉલટું ફીકહે એહલે સુન્નતમાં આ કાર્યને મુબાહ ગણાવવામાં આવ્યું છે. રિવાયતોમાં મુજસ્સમાસાઝી (પ્રતિમા બનાવવા)ની સાથે શબીહસાઝી (તસ્વીર બનાવવી) ગણાતી નથી.

અલ્લાહુમ્મ અરઝુકના ફીદ દુન્યા ઝિયારતલ હુસયને વ ફીલ આખેરતે શફા અતલ હુસયન બે હક્કે મોહમ્મદીન વ આલેહી.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *