બની હાશીમ (અ.સ.) ના શહીદો
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના દીને-ઈસ્લામના રક્ષણનો જે વાયદો હઝરત અબુ તાલિબ અલયહીસ્સલામે કર્યો હતો તે વાયદાની વફાદારીનો સ્પષ્ટ નમૂનો દરેક યુગમાં જોવા મળે છે. જ્યારે પણ ઈસ્લામ ઉપર કોઈ આફત આવી પડી ત્યારે હઝરત અબુ તાલીબ અલયહીસ્સલામના સંતાનો ઢાલ બનીને ઉભા રહ્યા અને તેઓએ દરેક પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફોને સ્વીકારી લીધી. કત્લ થવું, દર-બદર થવું એ બધી વાતોનો સ્વીકાર કર્યો, પરંતુ ઈસ્લામના રક્ષણ કરવા કાજે તેઓએ કશીજ કચાશ ન રહેવા દીધી.
ઈસ્લામના કેન્દ્ર સ્થાનમાં હઝરત અલી (અ.સ.) અને હઝરત જઅફરે તૈયાર (અ.સ.)ની ફીદાકારીઓને કોણ નથી જાણતું? એવું કયું મૈદાન છે જે આ લોકોએ જીત્યું ન હોય? અને એવા કયા પ્રસંગ છે જ્યાં તેઓ છાતીને ઢાલ બનાવીને ઉભા ન રહ્યા હોય? આ બંને હઝરત, હઝરત અબૂ તાલીબ અલયહીસ્સલામના નૂરે નઝર છે અને તેમની ફીદાકારી અને જાં-નિસારીની આબેહુબ તસ્વીર છે.
કરબલાના બનાવમાં ઠેર ઠેર હઝરત અબુ તાલિબ અલયહીસ્સલામની કુરબાની અને વફાદારીના નમૂના દ્રષ્ટિમાન થાય છે. કરબલાના ઐતિહાસિક બનાવમાં બની હાશીમના ખાનદાનમાંથી જે લોકોને શહાદત પામવાનો અવસર પ્રાપ્ત થયો છે તે બધા અબુ તાલિબ (અ.સ.) ના બાગના પૂષ્પો હતા. અત્રે એ બધા નિર્મળ, તાજા, પુષ્પોનો ઉલ્લેખ પ્રસ્તુત કરીએ છીએ. આજે દુનિયામાં જ્યાં પણ ઈસ્લામનું નામ છે ત્યાં તેઓની કુરબાનીની અસર જળવાઈ રહી છે. આ વાત ધ્યાનમાં રાખવાની છે કે આ લેખ સમીક્ષા દ્વારા પ્રાપ્ર થએલ વિગત છે, તેહકિક (સંશોધન) નથી. તેથી શોહદાઓના નામ અને સંખ્યામાં વિવાદ હોઈ શકે છે. અત્રે પહેલા સંક્ષિપ્ર વર્ણન અને ત્યાર પછી તેની વિગતો રજૂ કરીએ છીએ.
હઝરત અકીલ બિન અબિ તાલિબના ફરઝંદ અબ્દુર રહેમાન બિન અકીલ, જઅફર બિન અકીલ, મોહંમદ બિન અબી સઈદ બિન અકીલ, અબ્દુલ્લાહ બિન મુસ્લીમ બિન અકીલ, મોહંમદ બિન મુસ્લીમ બિન અકીલ.
હઝરત જઅફર તૈયાર ઈબ્ને અબી તાલીબના ફરઝંદ ઔન બિન અબ્દુલ્લાહ બિન જઅફર તૈયાર, મોહંમદ બિન અબ્દુલ્લાહ બિન જઅફર તૈયાર.
હઝરત અલી બિન અબી તાલિબના ફરઝંદ અબ્દુલ્લાહ બિન અલી, જઅફર બિન અલી, ઉસ્માન બિન અલી, અબ્બાસ બિન અલી, અબૂ બક્ર બિન અલી.
હઝરત હસન બિન અલી બિન અબી તાલિબના ફરઝંદ અબુબક્ર બિન હસન, કાસિમ બિન હસન, અબ્દુલ્લાહ બિન હસન.
હઝરત હુસૈન બિન અલી બિન અબી તાલિબના ફરઝંદ અલી બિન હુસૈન (અલી અકબર), અબ્દુલ્લાહ બિન હુસૈન (અલી અસગર).
હઝરત ફાતેમા ઝહેરાના ફરઝંદ હઝરત હુસૈન બિન અલી અલયહીસ્સલામ.
જો વંશાવલીના ઉલ્લેખ સાથે દરેક શહીદનું નામ લખવામાં આવે તો દરેકનો વંશ હઝરત અબુ તાલિબ ઉપર પુરો થાય છે.
જ્યારે ઈમામતની શમાના પરવાનાઓ અન્સાર અને અસ્હાબ શમ્એ – ઈમામતની સુરક્ષા માટે પોતાની નિર્મળ ભાવનાથી પ્રાણની આહુતિ આપી ચુકયા અને શહાદતના મહાન દરજ્જે પહોંચી ગયા ત્યાર પછી ઈમામ (અ.સ.)ના કુટુંબીજનો શહાદત માટે મૈદાનમાં આવ્યા અને હુજ્જતે ખુદા, ઈમામે વકતની હિફાઝત માટે કુરબાની પેશ કરવા લાગ્યા. સૌ પ્રથમ જે બહાદુરે મૈદાને શહાદત અને અઝમતમાં ડગ માંડયા તે ઈમામ હુસૈન બિન અલી અલયહીસ્સલામના યુવાન પૂત્ર શબીહે રસુલ હઝરત અલી ઈબ્ને હુસૈન અલી અકબર અલયહીસ્સલામ હતા.
હઝરત અલી અકબર અલયહીસ્સલામના દાદાના કૂળ અને મોસાળના કૂળ (એટલે કે માતા અને પિતા બંનેના પૂર્વજો) તરફથી અઝમતો ધરાવે છે. આપ (અ.સ.) ના દાદાને તમામ લોકો ઓળખે છે અને મોસાળમાં આપના નાના જનાબ ઉર્વાહ બિન મસ્ઉદ સકફી ઈસ્લામના ચાર સરદારો પૈકીના એક સરદાર છે. આં હઝરતે તેઓ (અ.સ.) ને કયારેક સાહેબે યાસીન, કયારેક હઝરત ઈસા (અ.સ.) ની મિસાલ અને કયારેક સરદારે ઈસ્લામ ગણાવ્યા હતા.
(અસદુલ ગાબા, 1/191 નફસુલ મહમૂમ 307)
જ્યારે જનાબે અલી અકબર અલયહીસ્સલામ મૈદાનમાં જવા માટે તૈયાર થયા ત્યારે તેઓને ખૈમાની ઔરતોએ ઘેરમાં લઈ લીધા. કારણકે તે ઔરતોને તેમની આશાઓના તાંતણા તૂટા દેખાઈ રહ્યા હતા. તેમનો મદદગાર વિદાય લઈ રહ્યો છે. આ ચાંદ જેવો ચેહરો લોહીમાં લથબથ થઈ જવાનો છે, શબીહે પયગંબર તેમનાથી જુદા થઈ રહ્યા છે. બધાના હોઠો ઉપર એકજ વાકય હતું: ઈરહમ ગુરબતના. અમારી ગુરબત ઉપર રહમ કરો. તમારી જુદાઈ અમારા માટે અસહ્ય થઈ પડશે. હઝરત અલી અકબર ખૈમામાંથી બહાર આવ્યા અને ઈમામ હુસૈન અલયહીસ્સલામના ‘લાહક’ નામના અશ્વ પર સવાર થયા. આ જોઈને ઈમામ હુસૈન (અ.સ.)ની આંખોમાં આંસુ આવી ગયા. આપની દાઢી મુબારક આંસુઓથી ભીંજાઈ ગઈ. આપ (અ.સ.) એ દોઆ માટે હાથ ઉંચા કર્યા ‘પરવરદિગાર, તું આ કૌમ માટે ગવાહ રહેજે. એ જવાન જઈ રહ્યો છે જેનો દેખાવ રસુલે ખુદા (સ.અ.વ.) સાથે ઘણો મળતો હતો… જ્યારે મને હ. રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝિયારતની ઈચ્છા થતી ત્યારે હું આ જવાનને જોઈ લેતો હતો…
આપે મૈદાનમાં કદમ મૂકયા કે તરતજ યઝીદી ફૌજના સીપાહીએ કહ્યું: ‘આપ યઝીદના સગા છો. આપના સગપણને લક્ષમાં લઈને જો આપ ઈચ્છતા હો તો આપના માટે અમાન (યુધ્ધમાં રક્ષણ) મેળવી શકો છો.’ ત્યારે જવાબમાં હ. અલી અકબર (અ.સ.) એ ફરમાવ્યું: ‘રસુલે ખુદા (સ.અ.વ.) સાથેના સગપણને ધ્યાનમાં રાખવું વધારે જરૂરી અને વાજીબ છે.’ (‘મકતલુલ-મુકર્રમ’-311) (દરેક યુગમાં લોકોની આ પ્રકૃતિ રહી છે કે વ્યકિતગત નિકટતા, સગપણ અને સંબંધને દીન ઉપર અગ્રતા આપવામાં આવે છે). આપે આ શબ્દમાં રજઝ (શોર્ય સંદેશ) રજુ કર્યો.
અના અલી બિનલ હુસૈન બીન અલી વ બય્તુલ્લાહ અવલા બિન્નબી.
‘હું હુસૈન બિન અલીનો ફરઝંદ અલી છું. ખાનએ કાબાની કસમ, હું રસુલે ખુદા (સ.અ.વ.) થી વધારે નિકટ છું.’
જેહાદ દરમ્યાન કયારેક મયમના ઉપર હુમલો કરતા હતા કયારેક મયસરહ ઉપર તૂટી પડતા હતા આપ (અ.સ.)ની સામે જે શત્રુ આવતો હતો તે હલાક થઈ જતો હતો. એટલે સુધી કે આપ (અ.સ.) 150 માણસોને વાસિલે જહન્નમ કર્યા અને જ્યારે પ્યાસની તીવ્રતા અસહ્ય થઈ પડી ત્યારે તાજગી પ્રાપ્ર કરવા માટે શફીક (વત્સલ) પિતાની ખિદમતમાં હાજર થયા. યુવાન પૂત્રને તરસ્યો જોઈને ઈમામ હુસૈન અલયહીસ્સલામ કાબુ રાખી ન શકયા અને આપ રડવા લાગ્યા અને ફરમાવ્યું: વાગવસાહ.. તમારા દાદા રસુલે ખુદા (સ.અ.વ.) તમને તૃપ્ર કરશે. પોતાની જીભ હ. અલી અકબર (અ.સ.)ના મુખમાં મુકી અને ત્યાર પછી પોતાની વીંટી તેમનાં મુખમાં રાખી. જનાબે અલી અકબર (અ.સ.) મૈદાનમાં પુન: પરત આવ્યા અને તૃષાતુર હાલતમાં બીજા બસો શત્રુઓને કત્લ કરી નાખ્યા. મુર્રહ બિન મુનકઝ અબદી એ કહ્યું કે: ‘જો હું આમની માતાને ગમગીન ન કં તો બધા અરબોના ગુનાહની જવાબદારી મારી.’ આમ કહીને તેણે એક નેઝો (ભાલો) હ. અલી અકબર (અ.સ.)ની પીઠમાં માર્યો અને માથા ઉપર તલવાર મારી જેનાથી આપ (અ.સ.)નું માથુ ફાટી ગયું. આપે ઘોડાની ગરદનમાં બંને હાથો વીંટાળી દીધા. ઘોડો મકતલ તરફ ગયો જ્યાં દુશ્મનોએ હ. અલી અકબર (અ.સ.) ના ટુકડે ટુકડા કરી નાખ્યા આપે મોટા સાદે ફરમાવ્યું:
‘યા અબતાહ-અલયક મીન્નીસ્સલામ.’
બાબા, મારા અંતિમ સલામ કબુલ કરજો. આ મારી સામે નાના રસુલે ખુદા (સ.અ.વ.) છે તેઓ મને તૃપ્ત કરી રહ્યા છે ફરમાવી રહ્યા છે કે આપના માટે પણ પાણીનો જામ તૈયાર છે.
ઈમામ હુસૈન અલયહીસ્સલામ યુવાન પૂત્રની લાશ ઉપર પહોંચ્યા અને પડી ગયા. યુવાન પૂત્રના ગાલ ઉપર પોતાના ગાલ રાખી દીધા અને કહેવા લાગ્યા. તારી વિદાય પછી મારી દુનિયાની ઝીંદગી ઉપર ખાક. ખુદા વિશે આ લોકો કેટલા લાપરવાહ છે. તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની હુરમતને કેવી પાયમાલ કરી રહ્યા છે? તારા દાદા અને તારા પિતા માટે એ વાત કેટલી પીડાદાયક છે કે તું તેઓને બોલાવે અને તે તારી મદદ ન કરી શકે. ત્યાર પછી ઈમામે હુસૈન અલયહીસ્સલામે હ. અલી અકબર (અ.સ.)ના પવિત્ર લોહીને ખોબામાં લીધું અને તે લોહીને આસમાનની તરફ ફેંકયુ. જેમાંથી એક ટીપુ પણ પાછું ન આવ્યું. ઈમામ હુસૈન અલયહીસ્સલામ આંસુઓને ખાળી ન શકયા. ખૈમામાંથી બાળકોને બોલાવ્યા અને મૈયને મકતલમાંથી ઉઠાવી લાવ્યા.
ખૈમામાં ઔરતો હ. અલી અકબરની રકતમાં ભીંજાએલી લાશને જોઈને આક્રંદ કરવા લાગી. બધી ઔરતો છાતી અને માથા કુટવા લાગી. એવું લાગતું હતું કે કલેજા ફાટી જશે. જેમાં સૌથી આગળ જનાબે ઝયનબ (સ.અ.) હતા. તેઓ હૈયાફાટ રૂદન કરતા આગળ વધ્યા અને લાશને વળગી પડયા કેમકે તેઓ જોઈ રહ્યા હતા કે ઘરનો દીપક બુઝાઈ ગયો છે અને ઘરની રોનક રૂખ્સત થઈ ચુકી છે.
તબરી અને ખ્વારઝમીની રિવાયત પ્રમાણે ગમને કારણે બધી ઔરતો ખૈમાની બહાર નીકળી આવી હતી. એ વાત સ્પષ્ટ છે કે આ ગમની તીવ્રતા એટલી બધી હતી કે જેમાં સબ્ર કરવી અશકય વાત હતી.
અબ્દુલ્લાહ બિન મુસ્લિમ
ત્યાર પછી જનાબે અબ્દુલ્લાહ બિન મુસ્લિમ બિન અકીલ મૈદાનમાં આવ્યા. તેઓ જનાબે અકીલના પૌત્ર અને હઝરત અલી અલયહીસ્સલામના દોહિત્ર હતા.
તેઓએ કેટલાય હુમલા કર્યા યઝીદ બિન રક્કાદ અલ જહની એ તીરનું નિશાન તાકયું. આપે હાથો વડે તીર રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો હુમલો એટલો સખત હતો કે તીરની સાથે હાથ પણ કપાળ ઉપર ખુંચી ગયો. તેઓએ કોશીશ કરી પણ હાથ છુટો પડી ન શકયો. ફરમાવ્યું: અય ખુદા, ગવાહ રહેજે કે આ લોકોએ અમોને કમજોર સમજ્યા છે અને અમોને ઝલીલ જાણ્યા છે. આ લોકોએ અમોને જે રીતે કત્લ કર્યા છે. તું પણ તેમને એવી રીતે કત્લ કર. તેઓ હજી આ પ્રમાણે દુઆ કરી રહ્યા હતા ત્યાં એક બદબખ્તે તેમની છાતી ઉપર એક ભાલો માર્યો. જેનાં કારણે તેઓ સ્થિર રહી ન શકયા.
જનાબે જઅફર અને અકીલ (અ.સ.)ના ફરઝંદો
ત્યાર પછી જનાબે જઅફરે તૈયાર (અ.સ.) અને જનાબે અકીલ (અ.સ.) ના ફરઝંદો એક પછી એક મૈદાનમાં આવ્યા અને ઈમામે વકત, હુજ્જતે ખુદા, ફરઝંદે રસૂલ, નૂરે-નઝરે-ઝહરાની સુરક્ષા કરતા રહ્યા અને બારગાહે હકમાં શહાદતના હદીયા પેશ કરતા રહ્યા.
કયારેક જનાબ ‘ઔન બિન અબ્દુલ્લાહ’ મૈદાનમાં આવ્યા તો કયારેક તેમના ભાઈ જનાબ ‘મોહંમદ બિન અબ્દુલ્લાહ’ મૈદાનમાં આવ્યા. કયારેક ‘અબ્દુર રહેમાન બિન અકીલ’ નીચે પ્રમાણે રજઝ પઢતા મૈદાનમાં આવ્યા કે:
‘હું ફરઝંદે અકીલ છું.મારા સ્થાનને ઓળખો. હું ખાનદાને હાશિમનો પૂત્ર છું. હું સત્ય, ઉચ્ચતા અને અઝમતનો અડગ પહાડ છું. આ ઉચ્ચતાના શિખર સમા હુસૈન (અ.સ.) છે. તેઓ જન્નતના જવાનોના સરદાર છે.’
ત્યાર પછી ભાઈ ‘જઅફર બિન અકીલ’ મૈદાનમાં આવ્યા અને કહેવા લાગ્યા: ‘હું તાલબી અને અલબત્હી યુવાન છું. આ હુસૈન પવિત્ર અને સૌથી વધુ પવિત્ર છે.’
ત્યાર પછી ‘અબ્દુલ્લાહ બિન અકીલ’ મૈદાનમાં આવ્યા. જંગ કરતા રહ્યા એટલે સુધી કે ઝખ્મોથી ચૂર ચૂર થઈને પડી ગયા. તેમને ઉસ્માન બિન ખાલિદ તમીમીએ શહીદ કરી નાખ્યા.
હઝરત ઈમામ હસન (અ.સ.)ના ફરઝંદ
‘અબુબક્ર બિન હસન’ મૈદાનમાં આવ્યા. આપને ‘અબ્દુલ્લાહ અકબર’ પણ કહેવામાં આવે છે. તેઓએ ઈમામે વકત અને દીને હકની રક્ષા માટે પ્રાણની આહુતિની ભેટ ધરી દીધી.
આપના પછી, આપના ભાઈ કાસિમ બિન હસન આગળ વધ્યા. જ્યારે ઈમામે હુસૈન (અ.સ.)ની નજર હ. કાસિમ (અ.સ.) ઉપર પડી ત્યારે આપ (અ.સ.) રડવા લાગ્યા. બંને રડતા હતા અને બંનેના ગાલ ઉપરથી અશ્રુની ધારા વહેતી હતી. હ. કાસિમ (અ.સ.) મૈદાનમાં જતા હતા ત્યારે હાથમાં ફકત તલવાર હતી અને શરીર ઉપર પહેરણ પહેર્યુ હતું. પગમાં જોડા હતા જેમાંથી એક પગના જોડાની દોરી તુટેલી હતી. અથર્તિ તેઓએ બખ્તર કે યુધ્ધમાં પહેરવાના ખાસ પ્રકારના પગરખા પણ પહેર્યા ન હતા. યુધ્ધનો કોઈ વિશેષ પોષાક, સામાન કે તૈયારી વગર તેઓ મૈદાનમાં જઈ રહ્યા હતા. તેમ છતાં તેમને શહાદતનો એટલો બધો શોખ હતો કે તેમના હાથ કે પગમાં જરાય કંપારી આવી ન હતી. દુશ્મનોના સૈનિકોની અધિક સંખ્યા જોઈને તેમના દિલમાં જરા જેટલો ડર કે ભય ન હતો. તેઓના પવિત્ર મુખેથી રજઝના નીચે પ્રમાણેના શબ્દો સરતા હતા.
‘જો તમે લોકો મને ન ઓળખતા હો તો ઓળખી લો કે હું હ. રસુલે ખુદા (સ.અ.વ.) ના ફરઝંદ હસન (અ.સ.)નો પૂત્ર છું. આ હુસૈન (અ.સ.) તમારા હાથોમાં ઘેરાઈ ગયા છે. તમે લોકો (કેવા ઘાતકી છો કે) તેઓને પાણી પણ પીવરાવતા નથી.’
કયારેક આ મુજબ રજઝ પઢતા હતા.
‘હું કાસિમ છું. અલીના વંશમાંથી છું. ખાન-એ-કાબાની કસમ, અમે તેના ઘણાજ વધારે નઝદીક છીએ શિમ્ર અને ઈબ્ને ઝીયાદ તેનાથી ઘણાંજ દૂર છે.’
હમીદ ઈબ્ને મુસ્લિમની રિવાયત છે કે: ત્યાર પછી એક એવો યુવાન મૈદાનમાં આવ્યો જે ચાંદના ટુકડા સમાન લાગતો હતો. તેના હાથમાં તલવાર હતી અને શરીર ઉપર માત્ર પહેરણ હતું.
એક બાજુથી આ હાલત હતી તો બીજી બાજુએ પાષાણ હૃદયના લોકો ઉમરૂ બિન સઅદ બિન નોફૈલ અઝદીએ ચારે બાજુથી હુમલા કરવાનું શરૂ કરી દીધુ અને ચારે બાજુથી ઘેરો તંગ કરવા લાગ્યા. હમીદ બિન મુસ્લિમે ઉમરૂને પુછયું: ‘શું ઈરાદો છે તમે આ જુવાન સાથે શું કરવા માંગો છે? (એક યુવાનનો સામનો કરવા માટે) આટલા બધા સૈન્યની શું જરૂરત છે? તેણે જવાબ આપ્યો કે: હું જબરદસ્ત હુમલો કરીશ. તેણે હઝરત કાસિમના માથા ઉપર તલવારથી એટલો મોટો પ્રહાર કર્યો કે તેઓ (અ.સ.) મોઢાભેર પડી ગયા અને અવાજ કર્યો કે: ‘યા અમ્માહો’ હાય ચચાજાન..
ઈમામ હુસૈન અલયહીસ્સલામ આ અવાજ સાંભળીને દોડયા અને ઉમરૂ ઉપર હુમલો કર્યો. તેણે હુમલાને પોતાના હાથ વડે રોકયો પણ હાથ તેના શરીરથી કપાઈને જુદો થઈ ગયો. તેને કારણે તેણે એવી ભયંકર ચીસ પાડી કે તેને બચાવવા માટે આખુ લશ્કર દોડી આવ્યું.
જ્યારે લશ્કરના દોડવાથી ઉડેલી ધૂળ અને ગુબાર શમી ગઈ ત્યારે ઈમામ હુસૈન અલયહીસ્સલામ હઝરત કાસિમના મસ્તક પાસે બેઠા હતા. હ. કાસિમ તરફડીયા મારતા હતા અને ઈમામ હુસૈન અલયહીસ્સલામ આ શબ્દોમાં નવહા પઢતા હતા. (અય કાસિમ) તમારા કાકા માટે બહુજ સખ્ત છે કે તમે બોલાવો અને તે જવાબ આપી ન શકે અને જ્યારે આવે ત્યારે તમારી મદદ કરી ન શકે. આહ, દુશ્મનોની સંખ્યા કેટલી વધારે છે અને મિત્રો કેટલા ઓછા છે! ઈમામ હુસૈન અલયહીસ્સલામ એ હઝરત કાસિમને ઉપાડી લીધા અને ગળે લગાડી દીધા. તેમના પગ જમીન સાથે ઢસડાઈ રહ્યા હતા. ઈમામ હુસૈને જ. કાસિમને હ. અલી અકબરની બાજુમાં સુવરાવી દીધા.
હઝરત અલી બિન અબી તાલિબના ફરઝંદો
જ્યારે બની હાશિમ એક પછી એક શહીદ થવા લાગ્યા ત્યારે હઝરત અબુલ ફઝલીલ અબ્બાસ અલયહીસ્સલામે તેમના ભાઈઓને કહ્યું, ‘જાને બિરાદર, આગળ વધો. આપણા આકા અને સરદારની હિફાઝત કરો અને જ્યાં સુધી તમે શહીદ ન થઈ જાવ ત્યાં સુધી તેમની પાસેથી હટતા નહીં.’ આજે કોઈને પોતાનો જીવ બચાવવાની ફીકર નથી. બધાને ફકત એકજ વાતની ફીકર છે કે કોઈપણ રીતે પોતાના ઈમામે વકતનો જીવ બચી જાય અને અમારી ઝીંદગી તેમની સુરક્ષા કરવામાં ખપી જાય. આ સાંભળતાની સાથેજ જનાબે અબ્બાસ અલયહીસ્સલામના ભાઈ મૈદાનમાં આવ્યા. કયારેક જનાબ ‘અબ્દુલ્લાહ બિન અલી’ મૈદાનમાં આવ્યા અને ‘હાની બિન સબિત હઝદમી’ એ તેમને શહીદ કર્યા ત્યાર પછી જનાબ ‘જઅફર બિન અલી’ મૈદાનમાં આવ્યા. ઈબ્ને શહર આશુબની રિવાયત પ્રમાણે ‘ખુલી અસ્બહી’ એ એક તીર માર્યું જે તેમની પેશાની અથવા આંખો ઉપર લાગ્યું જેના કારણે આપ ઘોડા ઉપરથી પડી ગયા.
આપના પછી જનાબ ‘ઉસ્માન બિન અલી’ મૈદાનમાં આવ્યા. (મૌલાએ કાએનાત હઝરત અલી બિન અબી તાલિબ અલયહીસ્સલામને તેમનું નામ રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમના ખૂબજ પ્રિય એવા સહાબી ઉસ્માન બિન મઝઉનના નામ ઉપરથી રાખ્યું હતું. જનાબ ઉસ્માન બિન મઝઉન ઘણા જલીલુલકદ્ર સહાબી હતા. તેઓ દિવસે રોઝા રાખતા હતા અને રાતો ઈબાદતમાં વીતાવતા હતા. જન્નતુલ બકીઅમાં સૌ પહેલા આપને દફન કરવામાં આવ્યા હતા. જનાબ શૈખ અબ્બાસ કુમ્મીની રિવાયત પ્રમાણે આપના ઈન્તેકાલ પછી રસુલે ખુદા (સ.અ.વ.) એ આપને ચુંબન કર્યુ હતું.) ખુલી અસ્બહીએ આપના પડખામાં એવું તીર માર્યુ કે આપ ઘોડા ઉપર સ્થિર રહી ન શકયા અને જમીન પર પડી ગયા અને ‘બની દારીમ’ ના એક માણસે આપને શહીદ કર્યા.
હઝરત અબુલ ફઝલીલ અબ્બાસ અલયહીસ્સલામ
હઝરત અબ્બાસ અલયહીસ્સલામ વિશે લખતા કલમ કાંપી ઉઠે છે. હુસૈન (અ.સ.)ના પ્યારા ભાઈ, ઝયનબના દિલની ઠંડક, એહલેહરમની આશા અને અલમદારે લશ્કરની વ્યથા – કથા કઈ રીતે લખું! તેમનું સૌંદર્ય એટલું બધું હતું કે લોકો તેમને ‘કમરે બની હાશિમ’ એટલેકે બની હાશિમના ચાંદ કહેતા હતા. બહાદુરી એટલી હતી કે બે રકાબ વાળા ઘોડા ઉપર સવારી કરતા હતા તો પણ પગ જમીનને આંબી જતા. આપનામાં એટલી બધી હિંમત હતી કે દુશ્મનોના લશ્કરની સંખ્યા ગમે તેટલી હોય તેની આપને જરા પણ અસર થતી નહીં.
સગાઓ, સ્નેહીઓની શહાદત, ભાઈ, ભત્રીજાઓની શહાદત અને હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામની એકલતા જનાબે અબ્બાસ માટે અસહ્ય થઈ પડી હતી. બાળકોની ‘અલ અતશ, અલ અતશ’ (પ્યાસ, પ્યાસ)ની બૂમો તેમના દિલને તડપાવી રહી હતી. તેઓ ઈમામ હુસૈન (અ.સ.) પાસે મૈદાનમાં જવાની પરવાનગી ચાહતા હતા. જેથી પોતાને ઈમામે અસ્ર અને હુજ્જતે વકત, પર કુરબાન કરી શકે. આ બાજુ જનાબે અબ્બાસ ઈમામ હુસૈન અલયહીસ્સલામ માટે શ્રેષ્ઠ યોધ્ધા અને સેનાપતિ હતા. જેના રોબ અને દબદબાને કારણે દુશ્મનો ગભરાતા હતા અને એહલે હરમ નિર્ભય અને સંતુષ્ટ હતા. જ્યારે હ. અબ્બાસે પરવાનગી માંગી ત્યારે ઈમામ હુસૈન અલયહીસ્સલામે દર્દ ભર્યા લહેજામાં ફરમાવ્યું ‘યા અખી અન્ત સાહેબુલ વાઈ’ ભાઈ તમે તો મારા અલમદાર છો, (તમે મારા) દિલના ચૈન છો, મારા લશ્કરની નિશાની છો.
તેઓએ અર્ઝ કરી કે આ મુનાફીકોથી મારૂ દિલ ભરાઈ ગયું છે. હું આ લોકો પાસેથી બદલો લેવા માંગુ છું. ઈમામ હુસૈન અલયહીસ્સલામે ફરમાવ્યું: ભલે, જાવ, બાળકો માટે પાણી લઈ આવો. જનાબે અબ્બાસ મૈદાનમાં ગયા. દુશ્મનોને વાએઝો નસીહત ફરમાવી. ખુદાની અઝાબથી ડરાવ્યા, તેની કાંઈ ખાસ અસર થઈ નહીં. (એ સંજોગોમાં કે જ્યારે ચારે બાજુ તેમના લોહીના તરસ્યા દુશ્મનો ઘેરી વળેલા હતા. ત્યારે હ. અબ્બાસ તેમને સમજાવે છે કે ખુદાની યાદ દેવરાવે છે. આખેરતના ખૌફની યાદ અપાવે છે. એક જીવ સટોસટ દુશ્મનોની સુધારણા તેની પાસેથી બદલો લેવા કરતા વધારે સારી છે. ખરેખર એહલેબૈત અત્હારના દિલ કેટલા વિશાળ હતા અને તેઓને લોકોની ઈસ્લાહ કરવાની કેટલી ફીકર રહેતી હતી. તેઓએ કયારેય પોતાના અંગત હેતુ ને દીન ઉપર અગ્રતા આપી ન હતી. આનાથી બીજી એક વાત પણ સ્પષ્ટ થાય છે કે વાએઝ, તબ્લીગ અને ઈરશાદમાં તેઓએ હંમેશા દીની ફરજો નજર સમક્ષ રાખી છે. તેની અસર થઈ જાય તો કેટલી શ્રેષ્ઠ વાત છે અને કદાચ અસર ન થાય તો તેમની પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ ગણાશે.)
ઉમર બિન સઅદને સંબોધીને ફરમાવ્યું: ‘આ હુસૈન છે. બિન્તે નબી (સ.અ.વ.) ના ફરઝંદ છે. તે તેમના અસ્હાબ અને સંબંધીઓને શહીદ કર્યા છે. તેના કુટુંબીજનો તરસ્યા છે. તેમને પાણીથી તૃપ્ર કરી દે. તેમના હૈયા પાણીથી શેકાઈને (કબાબ) જેવા થઈ ગયા છે. આમ છતાં તેઓ કહે છે કે તું મને છોડી દે તો હું તારા દેશ ઈરાક અને હિજાઝ છોડી દઈશ અને હિન્દુસ્તાન અથવા રોમ ચાલ્યો જઈશ.’
આ વાત સાંભળવાથી લશ્કર ઉપર અસર થઈ કેટલાક સિપાહીઓ રડવા લાગ્યા. પરંતુ શીમ્ર મલઉન ચીસ પાડીને કહેવા લાગ્યો. ‘અય ફરઝંદે અબુ તુરાબ, જો આખી દુનિયા પાણી પાણી થઈ જાય અને અમારા કાબુમાં હોય તો જ્યાં સુધી તમે યઝીદની બયઅત નહીં કરો ત્યાં સુધી અમે તમને એક ટીપું પણ પાણી નહીં આપીએ.’
જનાબે અબ્બાસ અલયહીસ્સલામ પાછા ફર્યા. ભાઈને આ વાતો બયાન કરી. બાળકોને તરસથી તરફડતા જોયા તે કમરે બની હાશિમથી સહન ન થઈ શકયું. ગૈરતે હાશમીએ બેચૈન કરી નાખ્યા. ઘોડા ઉપર સવાર થયા. મશ્ક લીધી મૈદાન તરફ ગયા. તેઓને ચાર હજાર સિપાહીઓએ ઘેરી લીધા. તીર ઉપર તીર આવવા લાગ્યા. પરંતુ હઝરતે અબ્બાસ જરા પણ ગભરાયા નહીં. તેઓ ભીડને હટાવતા આગળ વધ્યા તેઓની સાથે પરચમે અલહમ્દ (અલહમ્દનો ધ્વજ) ફરકતો હતો. લોકો એ નક્કી કરી શકતા ન હતા કે હઝરત અલીએ મુર્તુઝા (અ.સ.) મૈદાનમાં આવ્યા છે કે હઝરત અબ્બાસ (અ.સ.)? અલીના સપૂત હતા, અલીની શાનથી દુશ્મનોને દુર કરતા રહ્યા. તેમના માર્ગમાં કોઈ ટકી ન શકયું. જનાબે અબ્બાસ સંપૂર્ણ આત્મ વિશ્ર્વાસ સાથે નહેરમાં ઉતર્યા. પાણીનો ખોબો ભર્યો. તેઓએ ઈમામ હુસૈન (અ.સ.) અને અવલાદે ઈમામ હુસૈન (અ.સ.)ની પ્યાસ યાદ આવી ગઈ. તુરતજ પાણી ફેંકી દીધું. કહેવા લાગ્યા ‘આ મારો દીન નથી કે હું પાણી પી લઉં અને હુસૈન અને તેમના સંતાનો તરસ્યા રહી જાય.’ પાણીની મશ્ક ભરી. ઘોડા પર સવાર થઈ ખૈમા ભણી જવા રવાના થયા. શત્રુઓની સેનાએ માર્ગ રોકયો. તેમ છતાં શત્રુઓને હટાવતા આગળ વધ્યા. આપના માર્ગમાં આવતા ઝાલિમો એક પછી એક કત્લ થતા રહ્યા. આપે ફરમાવ્યું: ‘મારી ઝીંદગી હુસૈન (અ.સ.) ઉપર કુરબાન થાય. હું અબ્બાસ છું. હું સક્કા (પાણી પીવરાવનાર) છું.’ આમ કહેતા આગળ વધતા રહ્યા. ઝૈદ બિન રકાદ અલ જેહની એક વૃક્ષની આડમાં છૂપાઈને હુમલો કર્યો. અને હકીમ બિન તુફૈલ અલ નબ્સી એ તેને મદદ કરી. આપની ઉપર એ હુમલો એટલો બધો મોટો હતો કે આપનો જમણો હાથ કપાઈ ગયો. ત્યાર પછી આપે ફરમાવ્યું: ‘તમે મારો જમણો હાથ કાપી નાખ્યો તેમ છતાં હું હંમેશા મારા દીન ઉપર રહીશ અને મારા ઈમામની હિફાઝત અને રક્ષણ કરતો રહીશ. (જરા વિચારો કે હ. અબ્બાસ અ.સ. ને દીન અને ઈમામે વકતની હિમાયત અને હિફાઝતનો કેટલો ખ્યાલ હતો. પોતે તરસ્યા છે, ઘવાયેલા છે. હાથ કપાઈ ગયા છે, શરીર લોહીમાં તરબોળ છે. આટ આટલી મુસીબતો હોવા છતાં પોતાની અને પોતાના જખ્મોની ફિકર કરતા નથી. એવા કપરા કાળમાં ફિકર છે તો ફકત પોતાના દીનની ફિકર છે. ઈમામે વકતની હિફાઝત અને હિમાયતની ફિકર છે. કાશ, એ વફાદારીના જઝબાનું ‘એક કણ’ માત્ર આપણને મળી જાય અને આપણે પણ આપણા ઈમામે વકત વિશે વિચારી શકીએ.)
હાથ કપાઈ જવા પછી પણ હઝરત અબ્બાસ અલયહીસ્સલામની હિંમત અને અડગતામાં કોઈ ફર્ક ન પડયો. એજ માત્ર તમન્ના હતી કે આ પાણીને હુસૈન (અ.સ.) અને તેના સંતાનો સુધી કેવી રીતે પહોંચાડી દેવું. આપ (અ.સ.) આગળ વધતા રહા હતા ત્યાં હકીમ બિન તુફૈલે વૃક્ષની આડમાં રહીને હુમલો કર્યો અને આપનો ડાબો હાથ પણ જુદો થઈ ગયો. ત્યાર પછી આપને દુશ્મનોએ ચારે બાજુથી ઘેરી લીધા. ચારે બાજુથી તીરો આવવા લાગ્યા. એક માત્ર અબ્બાસ અને તેઓ પણ બંને હાથ વગરના, અને તે પણ ચારે બાજુથી તીરોની વર્ષા વચ્ચે. હાથ વગર કઈ રીતે હુમલાઓને રોકે અને કઈ રીતે તીરોને કાઢે? એક શત્રુએ સર મુબારક ઉપર ગુર્ઝ (ગદા) મારી. આપનું માથું ફાટી ગયું આપ જમીન ઉપર કઈ રીતે પડયા હશે? કેમકે બંને હાથ તો હતા નહીં! આપે અવાજ બુલંદ કર્યો:
‘અલયક મીન્ની સ્સલામ. યા અબા અબ્દીલ્લાહ’ ઈમામ હુસૈન (અ.સ.) આવ્યા પણ કઈ હાલતમાં આવ્યા હશે કોણ જાણે? સંકલ્પ શકિતથી આવ્યા કે ભાઈની મોહબ્બત આપને ખેંચી લાવી!
હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામ હઝરત અબ્બાસ (અ.સ.)ની નઝદીક પહોંચ્યા પોતાની અઝીમતરીન કુરબાનીને કરબલાની ખાકમાં રકત રંજીત નિહાળી. હાથ કપાએલા, શરીરના ટુકડે ટુકડા, માથુ ઝખ્મોથી ભરપૂર. ઈમામે હુસૈન અલયહીસ્સલામની આંખોએ આ દ્રશ્ય જોયું હશે અને કઈ રીતે ધીરજ ધરી હશે? ઈમામે હુસૈન (અ.સ.)ના મુખમાં આ નવહા હતા.
વા અબ્બાસાહ અલ આન,
અનકસર ઝહરી વકીલ્લત હીલતી
હાય, અબ્બાસ! હવે મારી કમર તૂટી ગઈ. તદબીરે હયાત (જીવન પ્રબંધ) ખત્મ થઈ ગઈ.
ઈમામ હુસૈન અલયહીસ્સલામ જનાબે અબ્બાસ અલયહીસ્સલામની લાશને લાવ્યા નહીં. કદાચ, હ. અબ્બાસ (અ.સ.)ની અઝમતને કારણે એમ કર્યું હોય! જેથી તેમનો રોઝો મુબારક સંપૂર્ણ રીતે અલગ બને. જે રીતે હ. ઈ. હુસૈન (અ.સ.) ના લશ્કરમાં તેમનું ખાસ સ્થાન હતું. તેવી જ રીતે તેમના રોઝાને પણ વિશીષ્ઠ સ્થાન પ્રાપ્ત થાય. તે રોઝો લોકોની મુરાદો પૂરી થવાનું કેન્દ્ર બને. (દુનિયાની ચારે બાજુથી આવનાર) તમામ લોકોની હાજતો ત્યાં પૂરી થાય. તેમના રોઝા મુબારક ઉપર ફરિશ્તાઓની હરોળ ક્રમબધ્ધ ઝિયારત માટે આવે. એ રોઝા મુબારકની ભવ્યતાથી એ વાતનો અંદાજ આવે છે કે કયામતમાં હઝરત અબ્બાસ (અ.સ.)ની અઝમત અને મંઝેલત કેવી હશે!
ઈમામ હુસૈન અલયહીસ્સલામ ગમગીન, ઉદાસ અને નિસહાય સ્થિતિમાં ખયમા તરફ આવ્યા. આપની આંખોમાંથી અશ્રુઓ સરતા હતા જે આપ બાંયો વડે લૂછતા જતા હતા. આપ કહેતા હતા ‘અમા મિન મોગીસીન યોગીસના’ છે કોઈ અમારી મદદે પહોંચનાર? છે કોઈ જે અમારો સાથ આપે? છે કોઈ હકના ટેકેદાર જે અમારી મદદ કરે?
જનાબે સકીના નજદીક આવી. પોતાના કાકા હઝરત અબ્બાસ (અ.સ.) વિશે પૂછપરછ કરવા લાગી જ્યારે જનાબે ઝયનબ હઝરત અબ્બાસની શહાદતની ખબર સાંભળી ત્યારે ચીસો પાડીને રડવા લાગ્યા.
વા અખાહ વા અબ્બાસાહ
એહલે હરમ રડી રહ્યા હતા. ઈમામ હુસૈન (અ.સ.) રડી રહ્યા હતા.
હઝરત અલી અસગર (અ.સ.)
જનાબે અબ્બાસ (અ.સ.)ની શહાદતની ઈમામ હુસૈન (અ.સ.) ઉપર એટલી બધી ઉંડી અસર પડી જેનું વર્ણન કરી શકાય તેમ નથી. એ દ્રશ્ય કેવું હૃદય વિદારક હતું જ્યારે હ. ઈ. હુસૈન (અ.સ.) ખયમાના દરવાજા પાસે એકલા અટુલા ઉભા હતા! તેઓ જે બાજુ નજર ફેરવતા હતા ત્યાં શહીદોની લાશ નજરે પડતી હતી. અને ખયમાઓમાંથી રૂદન વિલાપના અવાજ સંભળાતા હતા. ઈમામ હુસૈને ઈસ્તગાસાનો પોકાર (મદદ માટેની સહાય કરવાનો અવાજ) બલંદ કર્યો. છે કોઈ અમારી મદદ કરનાર? આ અવાજ બલંદ થતાની સાથેજ એહલે હરમમાં વિલાપ અને ગીર્યા બુકા (હૈયાફાટ રૂદન) ના અવાજ આવવા લાગ્યા.
સિબ્તે ઈબ્ને જવ્ઝી એ તઝકેરતુલ ખવાસના પાના નં. 143 ઉપર લખ્યું છે કે:
ઈમામ હુસૈન અલયહીસ્સલામે તે પ્રત્યે ધ્યાન કર્યું તો તેઓને એક બાળકના રૂદનનો અવાજ સંભળાયો. ઈમામ હુસૈન (અ.સ.) તે બાળકને હાથમાં ઉપાડયું અને લશ્કરવાળાઓને સંબોધીને કહ્યું: ‘જો તમે મારી ઉપર રહેમ ન કરો. તો કમસે કમ આ બાળક ઉપર તો રહેમ કરો, પરંતુ દુષ્ટ અને ધાતકી શત્રુઓમાંથી કોણ રહેમ કરે? હુરમલાએ તીર ફેંકયું અને તે બાળક હ. ઈ. હુસૈન (અ.સ.) ના હાથમાં ઝબ્હ થઈ ગયું.
ઈમામ હુસૈન (અ.સ.)ની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. આપે ફરમાવ્યું: ‘અય અલ્લાહ મારી અને આ કૌમની વચ્ચે ન્યાય કરજે. આ લોકોએ અમોને બોલાવ્યા હતા કે અમારી મદદ કરશે, પરંતુ આ લોકો એ (અમારી મદદ કરવાને બદલે) અમને કત્લ કરી નાખ્યા.’ આ પછી આસ્માનમાથી એક અવાજ આવ્યો. હુસૈન (અ.સ.) એ (બાળક) ને વિદાય કરી દો. જન્નતમાં એક દાઈ (દૂધ પીવરાવનારી સ્ત્રી) તેમના માટે નિશ્ચિત કરવામાં આવી છે. ઈમામ હુસૈન અલયહીસ્સલામ ઉભા થયા. તલવારની અણીથી કબ્ર તૈયાર કરી. ખુનમાં ડુબેલા બાળક હ. અલી અસગર (અ.સ.) ને દફન કરી દીધા.
ત્યાર પછી હઝરત ઈમામે હુસૈન (અ.સ.)ની રૂખ્સતનું વર્ણન છે.
Comments (0)