ઝિયારતે આશુરા: મહત્વ, સવાબ અને અસર
અગાઉના માહે મોહર્રમના અંકોમાં ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતનું મહત્વ તેના દુનિયા અને આખેરતમાં ફાયદાઓ વિગેરે ઉપર ઘણા લેખો આપ વાંચી ચૂક્યા છો. તદુપરાંત ઝિયારતે આશુરાના ફાયદાઓ અને તેના મહત્વ ઉપર પણ અમૂક અંશે પ્રકાશ પાડી ચુક્યા છીએ. તેના માટે નીચે જણાવેલા અંકોનો અભ્યાસ કરો.
ઇમામ હુસૈન (અ.સ.)ની કબ્રની ઝિયારત-માહે મોહર્રમ-હી. સન. 1410, ઝિયારતે અરબઇન- માહે મોહર્રમ-1413, સૈયદુશ્શોહદા (અ.સ.)ની ઝિયારતનું મહત્વ, ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતની શરતો-માહે મોહર્રમ-હી. સન.1417, ઝાએરે ઇમામ હુસૈન (અ.સ.) માહે મોહર્રમ-હિ. સન. 1422, ઇ. હુસૈન (અ.સ.)ની ઝિયારતની ભવ્યતા અને આખરેતના દરજ્જાઓ – માહે મોહર્રમ – હિ. સન. 1424.
પરંતુ આ બધામાં એક વાત નિર્વિવાદ છે કે જેવી રીતે અહલેબયત (અ.સ.)ની ભવ્યતા, ઉચ્ચતા, તેમનું સ્થાન અને મરતબાની હદ બાંધી શકાતી નથી તેવી જ રીતે ઇમામો (અ.સ.)ના કલામો અને કથનોની હદબંદી અને વિવરણ શક્ય નથી. હા, તેમની જે કાંઇ માહિતી મેળવી શકાય છે તેજ આ હઝરતો (અ.સ.)ની ભવ્યતા, શાન અને શવકતને જાહેર કરે છે અને સાથો સાથ તેઓ કરામતો, બરકતો અને મોઅજીઝાઓ ધરાવનાર હોવાનું સૂચવે છે.
ઝિયારતે આશુરા પણ આવી જ ઝિયારતોમાંથી છે. તેની મહાનતા, ફાયદાઓ, અજ્ર અને સવાબનો સંપૂર્ણત: અંદાજ નથી લગાવી શકાતો. તેથી જે કાંઇ પણ બયાન થયું છે અને જે કાંઇ આ અંકમાં લખવામાં આવશે તે એ ટીપાંઓની જેવું છે જે એક વિશાળ દરિયામાંથી લેવામાં આવ્યા હોય. બલ્કે તે ટીપાઓની ભીનાશની જેમ છે.
જો દરિયાનું પાણી સમેટી ન શકાય (તો ઓછામાં ઓછું) તરસ છુપાવવા માટે ચાખી શકાય છે.
હદીસે કુદસીમાં ઝિયારતે આશુરા :
આ ઝિયારતનું મહત્વ એથી વધુ શું હોય શકે કે આ ઝિયારત અલ્લાહના કલામ છે. માલિકની ઇચ્છા અને હદીસે કુદસી છે. બીજી કોઇ ઝિયારતને આ બહુમાન મળેલ નથી. કુરઆને કરીમ અને આ ઝિયારતમાં ફરક માત્ર એટલો છે જેટલો કુરઆન અને હદીસનો છે. જો અલ્લાહની તરફથી શબ્દ અને અર્થ, કોઇ મોઅજીઝાનો દાવો કરે છે તો કુરઆન છે અને જો શબ્દ અને અર્થ, અલ્લાહની તરફથી, કોઇ મોઅજીઝાનો દાવો ન કરે તો હદીસે કુદસી છે. અને જો અર્થ અલ્લાહની તરફ અને શબ્દ બીજા કોઇના હોય તો તેને હદીસ કહેવામાં આવે છે.
ગમે તેમ હોય, એ વાતમાં કોઇ શંકા નથી કે આ ઝિયારત હદીસે કુદસીમાંથી છે. તેની સનદ આ મુજબ છે.
સફવાન (ર.અ.) એ નકલ કરે છે કે જીબ્રઇલે અમીન (અ.સ.)એ આ ઝિયારતે આશુરાને અલ્લાહની તરફથી રસુલે અકરમ (સ.અ.વ.)ને પહોંચાડી. આ હદીસ વિસ્તૃત વર્ણન સાથે લેખના છેલ્લા ભાગમાં આવશે. અહિં નોંધપાત્ર બાબત એ છે કે ઝિયારતે આશુરા હદીસે કુદસી છે. તે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની મારફત ઇમામો (અ.સ.)ના થકી ઇમામ બાકિર (અ.સ.) સુધી પહોંચી છે. આ હદીસે કુદસીના જાહેર થવાનો સમય હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)નો ઝમાનો છે. તે બધા હુકમો જેના રજુ કરવામાં વિલંબ થયો તેનું કારણ તેના ઉપયોગ કરવા માટેની મસ્લેહત અને સમયની જરૂરત છે.
(શેફાઉસ્સોદુર – અબીલ ફઝલ તેહરાની, પા. 51)
હવે પછીના પાના પર હદીસોની રોશનીમાં ઝિયારતે આશુરાનું મહત્વ રજુ કરશું પરંતુ તે પહેલા ઝીયારતે આશુરાને પડવાની ફઝીલત અને તેનું મહત્વ કેટલું છે તે અમૂક વાકેઆઓ થકી જોઇએ.
ઝિયારતે આશુરાનું મહત્વ :
ફકીહ, ઝાહીદ, આદીલ, મરહુમ શયખ જવાદ બિન શયખ મશ્કુર અરબી નજફે અશરફના મશ્હુર ફકીહોમાંથી હતા. આશરે 90 વરસની ઉમરે હિજરી સન 1337 માં મૃત્યુ પામ્યા. હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના રોઝાના પવિત્ર સહેનના એક ઓરડામાં પોતાના પિતાની નજદિક દફન થયા. આજ મરહુમ શયખ જવાદ (ર.અ.)એ 26 સફર : 1336 હિજરીની રાત્રે એક સપ્નામાં હઝરત ઇઝરાઇલ મલેકુલ-મૌતને જોયા. સલામની પછી પુછ્યું : “ક્યાંથી આવી રહ્યા છો?”
મલેકુલ મૌતે કહ્યું : “શિરાઝથી મિર્ઝા ઇબ્રાહીમ મહલ્લાતીની રૂહ કબ્જે કરીને આવી રહ્યો છું.”
શયખે પુછ્યું : “તેમની રૂહ બરઝખમાં કઇ હાલતમાં છે?”
મલાએકાએ કહ્યું : “બરઝખના સુંદર બગીચાઓમાં શ્રેષ્ઠ હાલતમાં છે. ખુદાવન્દે આલમે એક હજાર મલાએકાઓને તેમની ખિદમત માટે નિમ્યા છે.”
શયખ કહે છે કે મેં પુછ્યું : “ક્યા અમલના કારણે આ દરજ્જા પર પહોંચ્યા છે? શું તેમના ઇલ્મી દરજ્જા અને વિદ્યાર્થીઓને શિક્ષણ અને કેળવણી આપવાના કારણે?”
તેણે કહ્યું : “નહિ.”
મેં પુછ્યું : “શું જમાત નમાઝ અને લોકોને એહકામો બયાન કરવાના કારણે?”
તેણે કહ્યું : “નહિ”
“તો પછી શા કારણે તેમને આ દરજ્જો મળ્યો?”
તેણે કહ્યું : “ઝિયારતે આશુરા પઢવાના કારણે.”
મરહુમ મિર્ઝા મહલ્લાતીએ તેમની ઉમરના છેલ્લા 30 વરસમાં ઝિયારતે આશુરાને છોડી ન હતી. જ્યારે બિમારી કે બીજા કોઇ કારણથી પડી નહોતા શકતા ત્યારે તેઓ ઝિયારત પઢવા માટે નાયબ નિમતા હતા.
જ્યારે શયખ જાગ્યા ત્યારે તેઓ સવારે મિર્ઝા આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ તકી શિરાઝી (ર.અ.)ના ઘરે જાય છે અને પોતાના સપ્નાની વાત તેમને કરે છે. મરહુમ મિર્ઝા મોહમ્મદ તકી શિરાઝી રડવા લાગે છે. તેમને રડવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેઓએ જવાબ આપ્યો:
ફીકાહના સ્તંભ મિર્ઝા મોહલ્લાતી દુનિયાથી ચાલ્યા ગયા. તેમને લોકોએ કહ્યું શયખે સપ્નું જોયું છે આપણને હકીકતની ખબર નથી.
જનાબ મિર્ઝાએ કહ્યું : હા, સપ્નું છે પરંતુ આ સપ્નું શયખ (શેખ જવાદ બિન મશ્કુર) મશ્કુરનું સપ્નું છે. કોઇ સાધારણ માણસનું સપ્નું નથી. બીજે દિવસે શિરાઝથી નજફે અશરફ મિર્ઝા મોહલ્લાતીના મૃત્યુનો ટેલીગ્રામ આવ્યો. આ રીતે શયખ મશ્કુરના સપ્નાની સચ્ચાઇ જાહેર થઇ.
આ પ્રસંગને નજફે અશરફના ઘણા આલીમો અને ફાઝીલોએ મરહુમ આયતુલ્લાહ સય્યદ અબ્દુલ હાદી શિરાઝી (અ.ર.) પાસેથી સાંભળ્યો છે જેમણે મિર્ઝા મોહમ્મદ તકી શિરાઝી (ર.અ.)ના ઘરે શયખ મશ્કુરના મોંઢે તેમના સપ્નાને સાંભળ્યું હતું.
(ઝિયારતે આશુરા – લે. નાસિર રુસ્તમી લાહેજાની – પા. 27)
નોંધ: આ પ્રસંગમાં ઝિયારતે આશુરાની અસરથી મરહુમ મિર્ઝા ઇબ્રાહીમ મોહલ્લાતીને બરઝખમાં મળેલ દરજ્જો અને મરતબો નોંધ પાત્ર છે. અને આનાથી ઝિયારતે આશુરાનું મહત્વ સમજી શકાય છે.
અસર અને ફાયદાઓ :
શહીદે મહેરાબ આયતુલ્લાહ દસ્તેગયબે શિરાઝી કુમના હવ્ઝે ઇલ્મીયાના સ્થાપક મરહુમ આયતુલ્લાહ ઉઝમા હાજી શયખ અબ્દુલ કરીમ હાએરીથી વર્ણવે છે. હું સામર્રામાં ઇલ્મે દીન મેળવવામાં વ્યસ્ત હતો. એક વખત સામર્રામાં ચેપી રોગ પ્લેગની બિમારી ફાટી નીકળી અને દરરોજ અમૂક લોકો મૃત્યુ પામવા લાગ્યા. તે અરસામાં એક દિવસ અમારા મરહુમ ઉસ્તાદ સય્યદ મોહમ્મદ ફિશારકીના ઘરે થોડા આલીમો ભેગા થયા હતા. ત્યાં મરહુમ આકા મિર્ઝા મોહમ્મદ તકી શીરાઝી આવ્યા અને પ્લેગની વાત નીકળી અને દરેકે મોતનો ભય વ્યક્ત કર્યો.
મરહુમ મિર્ઝાએ ફરમાવ્યું : જો હું કોઇ હુકમ આપું તો શું જરૂરી છે કે તેની ઉપર અમલ થાય કે ન થાય? બેઠકમાં હાજર રહેલા સૌએ કહ્યું કે હા! જરૂર અમલ થશે. તેમણે કહ્યું : હું હુકમ કરૂ છું કે સમાર્રામાં રહેતા તમામ શીયાઓ આજથી દસ દિવસ સુધી ઝિયારતે આશુરા પડવાનું શરૂ કરે. અને તે ઝિયારતનો સવાબ ઇમામે ઝમાના હઝરત હુજ્જતિબ્નીલ હસન (અ.સ.)ના માનનીય માતા હઝરત નરજીસ ખાતુન (સ.અ.)ની રૂહને હદીયો કરે, જેથી આ બલા લોકોથી દૂર ચાલી જાય. હાજર રહેલાઓએ આ હુકમ તમામ શીયાઓ સુધી પહોંચાડી દીધો અને બધા શીયા ઝિયારતે આશુરા પડવા લાગ્યા.
બીજા દિવસથી શીયાઓનું મરવાનું બંધ થઇ ગયું. અને દરરોજ માત્ર ગયરે શીયાઓ મરવા લાગ્યા. ધીરે ધીરે આ વાત સુન્નીભાઇઓએ અનુભવી અને તેમાંથી અમૂકે પોતાના શીયા દોસ્તોને પુછયું કે હવે તમારામાંથી કોઇ આ બિમારીથી મરતું નથી તેનું કારણ શું છે? જવાબ આપવામાં આવ્યો કે ઝિયારતે આશુરા….. સુન્ની લોકોએ પણ ઝિયારતે આશુરા પડવાનું શરૂ કર્યું અને તેઓ પાસેથી પણ આ બલા જતી રહી.
(ઝિયારતે આશુરા વ આસારે મોઅજીઝાએ આસાઇએ આન, પા. 24)
નોંધ :
- આ પ્રસંગથી માત્ર ઝિયારતે આશુરાની અસર અને ફાયદાઓનો અંદાજ જ નહિ પરંતુ ઝિયારતે આશુરા ખુદ પોતેજ પોતાની મહત્તાને જાહેર કરે છે.
- ઇમામે ઝમાના (અ.સ.)ની નયાબતમાં ઝિયારતે આશુરા તો પડવામાં આવે જ છે પરંતુ આ પ્રસંગથી તો આપના માનનીય માતા હઝરત નરજીસ ખાતુન(સ.અ.)નું પણ કરામત ધરાવનાર હોવાનું સાબિત થાય છે.
- સુન્ની હઝરાતનું ઝિયારતે આશુરા પડવું તેઓના અકીદાની તદ્દન વિરૂદ્ધ છે તેમ છતાં તેઓનું પડવું તે એ વાતની દલીલ છે કે મુશ્કેલીઓ દૂર કરનારા માત્ર એહલેબૈત (અ.સ.) જ છે.
ઇમામે ઝમાના (અ.સ.)ની તાકીદ
આ યુગના સુલ્તાન, અલ્લાહના વલી, સમગ્ર જગતનું કેન્દ્ર હઝરત મહદી અજ્જલલ્લાહો તઆલા ફરજહુ શરીફએ પોતાના કથનો અને હુકમોમાં ઝિયારતે આશુરાની મહત્તા તરફ ઇશારો કર્યો છે :
મફાતિહલ જીનાનના લેખક, સેકતુલ મોહદ્દેસીન (હદીસકારોમાં ભરોસાપાત્ર) મરહુમ હાજી શયખ અબ્બાસ કુમી (અ.ર.)એ તેમના ઉસ્તાદ મરહુમ હાજી મિર્ઝા હુસયન તબરી (ર.અ.) જેઓ મોહદ્દીસે નૂરી (ર.અ.)ના નામથી પ્રખ્યાત છે, તેમના હવાલાથી નોંધ કરી છે. આપણે અહીં આખા પ્રસંગનું વર્ણન નહી કરીએ પરંતુ ઝિયારતે આશુરાના વિષે ઇમામે ઝમાના (અ.સ.)એ કરેલી તાકીદની તરફ ઇશારો કરીશું.
આ પ્રસંગ સય્યદ અહમદ બિન સય્યદ હાશીમ બિન સય્યદ હસન મુસવી રશ્તીનો છે. આપ રશ્તના એક વેપારી હતા. આપે નોંધ કરી છે કે હિજરી સન 1280માં હજના ઇરાદાથી રશ્તથી તબરેઝ આવ્યો અને રશ્તી તબરેઝના વેપારી હાજી સફરઅલીના ઘરે ઉતર્યો. કોઇ કાફલો ન હતો તેથી પરેશાન હતો. ત્યાં સુધી કે હાજી જેહાદ જીલુદાર ઇસ્ફહાનીએ સામાન ઉપાડીયો અને તરાબુઝનની તરફ ચાલવા લાગ્યા. મેં પણ તેમની સાથે સવારી ભાડે લીધી અને નીકળી પડ્યો…..
પછીના પ્રસંગમાં સય્યદ રશ્તીનું કાફલાથી છુટુ પડી જવું, એકલા રહી જવું, પછી બરફનો વરસાદ અને વાતાવરણના અંધકારમાં રસ્તો ભૂલી જવો અને પછી આ પરેશાનીની હાલતમાં ઇમામે ઝમાના (અ.સ.)ની મુલાકાત થવી અને મંઝીલ સુધી પહોંચાડવાની વિસ્તૃત વિગત માટે જૂઓ : મફાતીહલ જીનાન હિકાયતે સય્યદ રશ્તી અથવા નજમુસ સાકેબ, પ્ર. 7
આ પ્રસંગમાં હઝરત ઇમામે ઝમાના (અ.સ.) પહેલા તબક્કે જ ફરમાવે છે.
“નાફેલાએ શબ (શબ નમાઝ) પડો તે પછી ફરમાવે છે.”
“ઝિયારતે જામેઆ પડો.” તે પછી ફરમાવે છે.
“ઝિયારતે આશુરા પડો.”
સય્યદ રશ્તીને ઝિયારતે જામેઆ, ઝિયારતે આશુરા અને દોઆએ અલકમા યાદ ન હતી. પરંતુ હઝરતે જ્યારે આ હુકમ આપ્યો ત્યારે તે બધુ મોઢે પડવા લાગ્યા.
ઇમામે ઝમાના (અ.સ.)એ સય્યદે રશ્તીને મંઝીલ સુધી પહોંચડતા પહેલા ફરી એક વખત પૂછ્યું :
“તમે નાફેલાએ શબ કેમ નથી પડતા? નાફેલા, નાફેલા, નાફેલા (3 વખત)” પછી ફરમાવ્યું :
“આશુરા કેમ નથી પડતા? આશુરા, આશુરા, આશુરા (3 વખત)” તેની બાદ ફરમાવ્યું :
“જામેઆ કેમ નથી પડતા? જામેઆ, જામેઆ, જામેઆ, (3 વખત)”
નોંધ: આ પ્રસંગથી પણ ઝિયારતે આશુરાનું અસાધારણ મહત્વ જાણી શકાય છે. ભૂલા પડેલા મુસાફરથી ઇમામે ઝમાના (અ.સ.)ની મુલાકાત પોતે જ તે માણસની બુઝુર્ગી દશર્વિે છે.પરંતુ ઝિયારતે જામેઆ અને ઝિયારતે આશુરા પડવાની તાકીદ ઇમામે ઝમાના (અ.સ.) પોતાના બુઝુર્ગ દાદાના દુ:ખો ઉપરની સોગવારી અને પોતાના રંજ અને ગમમાં પોતાના ચાહનારાઓને સાથે રાખવા માટે ઝિયારતે આશુરાની તાકીદ કરે છે.
“કેટલા ખુશનસીબ છે તે લોકો કે જેઓ ઝિયારતે આશુરા પડવાની તવફીક ધરાવે છે.
અઝાબનું દૂર થવું :
ઝિયારતે આશુરાની મહત્તાનો અંદાજ વધુ એક પ્રસંગથી લગાડીએ. ઉપરોક્ત પ્રસંગોમાં તો ઝિયારતે આશુરા પડનારનું પોતાનું સ્થાન, દરજ્જાઓ અને ઝિયારતના ફાયદાઓ તેમની જાત માટે બયાન કરવામાં આવ્યા છે. પરંતુ આ પ્રસંગમાં ઝિયારતે આશુરાની આશ્ર્ચર્યજનક અસર અને ફાયદો નજરે પડે છે. ઝિયારતે આશુરા પડનાર બીજા માટે અઝાબના દૂર થવાનું કારણનો પ્રસંગ આ મુજબ છે.
મરહુમ મોહદ્દીસે નુરી (ર.અ.) કહે છે કે હાજી મુલ્લા હસને યઝદી મુત્તકી અને નેક માણસ હતા. જે નજફે અશરફના મુજાવર હતા અને સતત ઇબાદત અને ઝિયારતોમાં મશગુલ રહેતા. તેમણે વિશ્વાસપાત્ર વ્યક્તિ હાજી મહમદઅલી યઝદીથી જેઓ ફાઝીલ અને નેક હતા અને હંમેશા આખેરતના કામોમાં મશગુલ રહેતા હતા અને રાત્રે યઝ્દના એક કબ્રસ્તાનમાં કે જે ‘મઝાર’ના નામે જાણીતું છે અને જેમાં ઘણા નેક લોકો દફન છે, ત્યાં રાતો વિતાવતા હતા. તેમનો એક પાડોશી હતો જે નાનપણથી તેમની સાથે રહેતો હતો અને બન્ને સાથે ભણતા હતા. તેણે ટેક્સ વસુલ કરવાનું કામ શરૂ કરી દીધું હતું. ત્યાં સુધી કે તે ગુજરી ગયો અને તેને એજ કબ્રસ્તાનમાં તે સ્થળે તેને દફન કરવામાં આવ્યો જ્યાં તે બુઝુર્ગ રાત પસાર કરતા હતા. દફનના એક મહિનાની અંદર તેમણે તેને સપ્નામાં જોયા કે તે ખૂબજ સુંદર અને ચમકતા ચહેરાની સાથે તે તેમની પાસે આવ્યો. તેમણે કહ્યું કે મને પહેલેથી લઇને છેલ્લે સુધી તારા કામની ખબર છે. અને તારુ જાહેર અને તારુ બાતિન એવું નહોતું જેના લીધે તારી આ બહેતરીન હાલત હોઇ શકે. અને તારા ધંધામાં પણ અઝાબ સિવાય બીજી કોઇ આશા રાખી શકાય તેમ ન હતી. તો પછી આ સ્થાન અને મરતબા સુધી કેવી રીતે પહોંચ્યો?
તેણે કહ્યું : આપ બિલ્કુલ સાચું કહી રહ્યા છો. હું મૃત્યુના દિવસથી લઇને ગઇ કાલ સુધી ખૂબજ ભારે અઝાબમાં સપડાએલો હતો. ત્યાં ગઇ કાલે ઉસ્તાદ અશરફ હદ્દાદ (લુહાર)ની પત્નિ મૃત્યુ પામી. અને તેને એ જગ્યાએ દફન કરવામાં આવી જે અહિંથી સો હાથના અંતરે છે. મૃત્યુની રાત્રે ઇમામ હુસૈન (અ.સ.) તેને જોવા માટે ત્રણ વખત તશરીફ લાવ્યા. અને ત્રીજી વખત હુકમ આપ્યો કે આ કબ્રસ્તાનમાંથી અઝાબ ઉઠાવી લેવામાં આવે. બસ તે પછી મારી હાલત ઠીક થઇ ગઇ. હું ખૂબજ વિશાળતા અને નેઅમતમાં છું.
તેઓ આકુળવ્યાકુળ થઇને સપ્નામાંથી જાગ્યા. તેઓ અશરફ હદ્દાદને ઓળખતા ન હતા અને ન તેના સરનામાની ખબર હતી. તેથી લુહારોની બજારમાં જઇને સરનામું જાણ્યું અને તેની પાસે જઇને પુછ્યું. શું તમારી કોઇ પત્નિ હતી? તેણે કહ્યું : હા, ગઇ કાલે તેણી મૃત્યુ પામી અને મેં ફલાણી જગ્યા ઉપર તેને દફન કરી છે. તેમણે પુછ્યું : શું તે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત માટે ગઇ હતી? તેણે જવાબ આપ્યો : નહિ. પરંતુ તમે આ બધા સવાલ શા માટે કરી રહ્યા છો? તેમણે પોતાનું સપ્નું વર્ણવ્યું.
તે પછી તેણે કહ્યું : મારી પત્નિ ઝિયારતે આશુરાની પાબંદ હતી.
(દારૂસ્સલામ-મોહદ્દીસે નુરી.2/268,ફારસી અનુવાદ શફાઉસ્સોદુર-52,મફાતીહલ જીનાન)
તમન્ના :
બારે ઇલાહા! મારી કબર તે સ્થળે બનાવજે જ્યાં સય્યદુશ્શોહદા ઇમામ હુસૈન (અ.સ.) આવતા – જતા હોય. હંમેશા ઝિયારતે આશુરા પડવાની તવફીક આપ.
મહત્વ અને ફાયદાઓ રિવાયતના પ્રકાશમાં
આ પ્રસંગોથી ઝિયારતે આશુરાનું મહત્વ સ્પષ્ટ અને જાહેર છે. તેમજ સાથો સાથ ઝિયારતે આશુરાના દુન્યવી અને આખેરત (બરઝખમાં)ના ફાયદાઓ પણ જાણી શકાયા. હવે આ પ્રસંગોની સચ્ચાઇને ટેકો આપતી અને તેના મહત્વ ઉપર વધુ પ્રકાશ પાડતી રિવાયતો જોઇએ.
પહેલી હદીસ :
قَالَ عَلْقَمَةُ بْنُ مُحَمَّدٍ الْحَضْرَمِيُ فَقُلْتُ لِأَبِي جَعْفَرٍ علیہ السلام عَلِّمْنِي دُعَاءً أَدْعُو بِهِ فِي ذَلِكَ الْيَوْمِ إِذَا أَنَا زُرْتُہُ۔۔۔۔۔ الخ
અલ્કમા બિન હઝરમી વર્ણવે છે કે મેં ઇમામ બાકીર (અ.સ.)ને અરજ કરી કે આપ મને તે દોઆ શીખવાડો જેને હું તે દિવસે (આશુરાના દિવસે) જ્યારે હું ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત નજદિકથી કે દૂરથી કરૂ ત્યારે તે દોઆ પડું. આપે ફરમાવ્યું :
“એ અલ્કમા, જ્યારે પણ તમે ઝિયારત કરવા ચાહો ત્યારે બે રકાત નમાઝ પડો . તેના પછી આં હઝરત (અ.સ.)ની કબર તરફ ઇશારો કરીને સલામ કરો અને ઇશારો કરતી વખતે તકબીરની પછી આ ઝીયારત (ઝિયારતે આશુરા) પડો. તો ખરેખર આવું કર્યા પછી જાણે તમે એ દોઆ કરી જે ઝિયારત કરનારા મલાએકાઓ પડે છે. અને પરવરદિગાર તમારા માટે હજાર હજાર દરજાઓ લખી દેશે. તમારી ગણતરી એ લોકોમાં થશે જે ઇમામ હુસૈન (અ.સ.)ની સાથે કુરબાન થયા છે. કયામતના દિવસે શહીદોની સાથે આવશો. દરેક પયગમ્બર અથવા રસુલ અથવા જેણે પણ ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત તેમની શહાદતના દિવસથી આજ સુધી કરી છે તે સૌના સવાબને તમારા માટે લખવામાં આવશે. અને સલામ (ઝિયારત)ની રીત આ પ્રમાણે છે.”
السلام علیک یا ابا عبد اللہ۔۔۔۔
(ઝિયારતે આશુરા અંત સુધી)
(કામીલુઝ ઝિયારાત ઇબ્ને કવલવીયા કુમ્મી, પા. 194, પ્ર. 71)
એજ હદીસના અંતમાં હઝરત ઇમામે બાકીર (અ.સ.) ફરમાવે છે:
“અય અલ્કમા! જો તમે તમારી જીંદગીના દરેક દિવસે આ ઝિયારત (આશુરા)ની થકી તે હઝરત (અ.સ.)ની ઝિયારત કરી શકતા હો તો કરો. ઇન્શાઅલ્લાહ તમારા માટે બધો સવાબ (આશુરાના દિવસે પડવા જેવો સવાબ) છે.”
બીજી હદીસ :
عن الصادق علیہ السلام: مَنْ زَارَ قَبْرَ الْحُسَيْنِ لِيَوْمِ عَاشُوْرَاأَوْ بَاتَ عِنْدَهُ كَانَ كَمَنِ اسْتُشْهِدَ بَيْنَ يَدَيْهِ
“જે માણસ આશુરાના દિવસે ઇમામ હુસૈન (અ.સ.)ની મુબારક કબરની ઝિયારત કરે અથવા હુસૈન (અ.સ.)ની કબરની નઝદીક રાત પસાર કરે તો તે એવું છે જાણે કે તેણે તે હઝરત (અ.સ.)ની સાથે શહાદત મેળવી હોય.”
(કામીલુઝઝિયારાત, પ્ર. 71, પા. 191)
નોંધ:આશુરાના દિવસ માટે ઘણી ઝિયારતોની નોંધ કરવામાં આવી છે. પરંતુ સફવાન (ર.અ.) વાળી રિવાયત સર્વ સામાન્ય છે અને આજ ‘હદીસે કુદસી’ છે.
ત્રીજી હદીસ :
عن ابی عبد اللہِ علیہ السلام:قَالَ مَنْ زَارَ الْحُسَيْنَ يَوْمَ عَاشُوْرَا وَجَبَتْ لَہُ الجَنَّۃ
ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત થઇ છે કે આપ (અ.સ.)એ ફરમાવ્યું : “જેણે આશુરાના દિવસે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરી તેના ઉપર જન્નત વાજીબ છે.
(બેહારૂલ અન્વાર, 101/104)
ચોથી હદીસ :
عَنْ أَبِي عَبْدِ اللهِ ع قَالَ: مَنْ زَارَ قَبْرَ الْحُسَيْنِ بْنِ عَلِيٍّؑ يَوْمَ عَاشُوْرَا عَارِفًا بِحَقِّهٖ كَانَ كَمَنْ زَارَ اللهَ فِيْ عَرْشِهٖ
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
“જેણે આશુરાના દિવસે ઇમામ હુસૈન બિન અલી (અ.સ.)ની કબરની ઝિયારત, તેમના હક્ક (ઇમામત)ની મઅરેફતની સાથે કરી તો જાણે કે તેણે અર્શ ઉપર અલ્લાહની ઝિયારત કરી.”
(કામીલુઝઝિયારાત, પ્ર. 71, પા. 192)
પાંચમી હદીસ :
અબ્દુલ્લા બિન અલ ફઝ્લ વર્ણવે છે કે જ્યારે હું ઇમામ સાદિક (અ.સ.)ની ખિદમતમાં હતો ત્યારે એક તૂસનો રહેવાસી દાખલ થયો અને તેણે હઝરત (અ.સ.)ને કહ્યું : અય ફરઝન્દે રસુલ! તે માણસ વિષે આપ શું ફરમાવો છો જે અબા અબ્દિલ્લાહીલ હુસૈન (અ.સ.)ની કબ્રની ઝિયારત કરે.
હઝરત (અ.સ.)એ ફરમાવ્યું :
يَا طُوْسِيُ مَنْ زَارَ قَبْرَ أَبِيْ عَبْدِ اللهِ الْحُسَيْنِ بْنِ عَلِيٍّ علیہ السلام وَ هُوَ يَعْلَمُ أَنَّهُ إِمَامٌ مُفْتَرَضُ الطَّاعَةِ عَلَى الْعِبَادِ غَفَرَ اللهُ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ وَ مَا تَأَخَّرَ وَ قَبِلَ شَفَاعَتَهُ فِيْ سَبْعِينَ مُذْنِبًا وَ لَمْ يَسْأَلِ اللهَ جَلَّ وَ عَزَّ عِنْدَ قَبْرِهِ حَاجَةً إِلَّا قَضَاهَا لَهٗ
“અય તુસી! જે અબા અબ્દિલ્લાહ હુસૈન બિન અલી (અ.સ.)ની કબ્રની ઝિયારત કરે જ્યારે કે તે તેમને ખુદાના બંદાઓ માટે કે જેમની તાબેદારી વાજીબ છે તેવા ઇમામ માનતો હોય, તો અલ્લાહ તેના અગાઉના અને ભવિષ્યમાં થનારા ગુનાહોને બક્ષી આપે છે અને 70 ગુનેહગારોના હકમાં તેની શફાઅતને કબુલ કરે છે. અને સય્યદુશ્શોહદાની કબરની નજદિક અલ્લાહ અઝ્ઝ વ જલ્લની પાસે એવી કોઇ માંગણી નહી હોય સિવાય કે તે (અલ્લાહ) પૂરી કરશે (અલ્લાહ પાસે જે કાંઇ પણ હાજત તલબ કરશે અલ્લાહ તેને પૂરી કરશે.).”
(બેહારૂલ અન્વાર, ભાગ – 101, પાના. 23)
પંજેતનમાંના પાંચમાં ફર્દની ઝિયારતના ફાયદાઓ અને મહત્વ ઉપરની ચર્ચા છે, તેથી આ ચર્ચાને પાંચ હદીસો પુરતી સીમીત રાખીને સંતોષ માનીશું. રસ ધરાવનાર વાંચક વર્ગ કામેલુઝઝિયારાત, બેહારૂલ અન્વાર, ભાગ – 101, સવાબુલ અઅમાલ, શફાઅ વિગેરે પુસ્તકોનો અભ્યાસ કરે.
નોંધ: આ બધી રિવાયતો ઉપર વિચાર કરવામાં આવે તો ઝિયારતે આશુરાનું મહત્વ, તેની મોજીઝા જેવી અસરો અને ફાયદાઓનો અંદાજ આવી જાય છે, તેમજ સાથો સાથ તે પ્રસંગોની સચ્ચાઇ પણ સાબિત થઇ જાય છે. અંતમાં અમે એક નાનકડો પ્રસંગ રજુ કરીએ છીએ.
ઇમામ હુસૈન (અ.સ.)નો દરવાજો – ઉમુમી રહેમત:
શયખ જઅફર શુસ્તરી (ર.અ.) પયગમ્બર (સ.અ.વ.)નો શઅબાનનો ખુત્બો જે રમઝાન મહિનાની ભવ્યતા માટે બયાન થયો છે તેનું એક વાક્ય ایُّہا الناس اِنَّ ابوابَ الجنانِ مُفَتَّحَۃٌની સ્પષ્ટતા કરતા એક રસપ્રદ મુદ્દા તરફ ધ્યાન દોરે છે. જન્નતના દરવાજાઓનો ઉલ્લેખ કરતા ફરમાવે છે.
જો તમને જન્નતના દરવાજાઓમાંથી રસ્તો ન મળ્યો, એટલે કે તમે તમારી કમનસીબી અને ખરાબ અમલોને લીધે જન્નતમાં દાખલ ન થઇ શક્યા તો એક બીજો પણ દરવાજો છે જેનાથી કોઇ વંચિત નહિ રહે. અને તે રસ્તો બહુજ સરળ પણ છે. દરેક જણ જ્યાં પણ હશે, જે પણ હાલતમાં હશે, અલ્લાહની વિશાળ રહમત થકી તે દરવાજામાંથી દાખલ થઇ શકે છે. શું તે દરવાજાને ઓળખવા ચાહો છો અને જન્નતમાં દાખલ થવા માગો છો?
તે હુસૈન (અ.સ.)નો દરવાજો છે. અને આ દરવાજા સુધી પહોંચવાનો રસ્તો નમ્રતા અને અબી અબ્દિલ્લાહ (અ.સ.)ની અઝાદારીનો રસ્તો છે.
તે પછી શયખ ફરમાવે છે :
જો તૌબાના દરવાજેથી માર્ગ ન મળે (કારણ કે તેમાં શરતો છે જેનો આપણી બેઅમલીની સાથે મેળ નથી ખાતો) તો ઇમામ હુસૈન (અ.સ.)ની મોહબ્બત ઘણી મોટી મહેરબાની છે. માણસ ગમે એટલી હદે ગુનેહગાર હોય અને તૌબા ન કરી હોય તો પણ કોઇ તેને અટકાવી નહિ શકે અને તે આ મહેરબાનીના કારણે, વંચિત નહિ રહે.
(ઝિયારતે આશુરા … નાસીર રસ્તી, પા. 35)
اَللّٰہُمَّ اجْعَلْنِیْ عِنْدَکَ وَ جِیْہًا بِالْحُسَیْنِ عَلِیْہِ السَّلَامُ فِی الدُّنْیَا وَ الْاٰخِرَۃِ
“અય ખુદા! અમને તારી બારગાહમાં હુસૈન (અ.સ.)ના વસીલાથી દુનિયા અને આખેરત (બન્ને જગ્યાએ) ઇઝ્ઝતદાર અને માનનીય (આબરુદાર) બનાવી દે.”
Comments (0)