શું ઇમામ(અ.સ.)થી હાજત માંગી શકાય છે
અમુક લોકોના દિમાગમાં ક્યારેક ક્યારેક આવા સવાલો ઉભરતા રહે છે. કે “શું આપણે આપણી હાજતો ઇમામ(અ.સ.)ની પાસેથી સીધે સીધી રીતે માંગી શકીએ છીએ? “શું ઇમામ(અ.સ.)થી આપણી હાજતની માંગણી કરવી તે શીર્ક નથી? “શું આમ કરવું તે તૌહીદના વિરૂધ્ધ નથી?
નીચે મુજબ આપણે સવાલોને તપાસીએ.
દુનિયા માધ્યમ (વસીલા)નું ઘર છે.
ખુદાવંદે આલમે આ દુનિયાને એવી રીતે બનાવી છે કે દરેક વસ્તુ માટે કોઇ માધ્યમ બનાવ્યા છે. બધી જ જરુરીયાતો સિધે સીધી પ્રાપ્ત નથી થતી. તરસ પોતાની મેળે જ તૃપ્ત નથી થતી પરંતુ પાણીના થકી તૃપ્ત થાય છે. સંતાનો પોતાની જાતે જ અસ્તિત્વમાં નથી આવતા, પરંતુ મા-બાપના ઝરીયે અસ્તિત્વમાં આવે છે. આવી જ રીતે બીજી દરેક વસ્તુના માટે છેે. હઝરત ઇમામે જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:
“અબલ્લાહો અંય્યુજરેયલ્ અશ્યાઅ ઇલ્લા બે અસ્બાબિન ફ જઅલ લે કુલ્લે શય્ઇન્ સબબા
“ખુદાવંદે આલમની હિકમત આ વાતને સ્વિકારતી નથી કે તે કોઇપણ વસ્તુને માધ્યમ વગર અંજામ આપે તેણે દરેક ચીજના માટે એક વસીલો બનાવ્યો છે.
(કાફી ભાગ:૧, પાના:૧૮૩, હદીસ:૭)
હઝરત અલી ઇબ્ને અબિ તાલીબ(અ.સ.) ફરમાવે છે:
“લે કુલ્લે શય્ઇન્ સબબુન
“દરેક વસ્તુના માટે એક માધ્યમ (વસીલો) છે
(ગોરરૂલ હકમ, હદીસ:૭૨૮૧)
કુરઆને કરીમમાં ખુદાવંદે આલમ જનાબે ઝુલકરનૈન (અ.સ.)નો કિસ્સો વર્ણવતા ફરમાવે છે:
“ઇન્ના મક્કન્ના લહુ ફિલ અર્ઝે વ આતયનાહો મિન કુલ્લે શય્ઇન્ સબબા
“બેશક, અમે જમીનને તેના ઇખ્તીયારમાં આપી, અને દરેક વસ્તુ માટે માધ્યમ પુરા પાડ્યા છે.
(સુ. કહફ, આયત:૮૨)
આથી દુનિયા માધ્યમોનું ઘર છે. તે એક એવી વાસ્તવિક્તા છે જે કુરઆનથી અને હદીસથી સાબીત છે. વસીલાના આધારે કાર્યને કરવુ તે ખુદ ખુદાનો કાયદો છે. દરેક તે શખ્સ જે ખુદા પર ઇમાન રાખે છે તેની ફર્ઝ છે કે તે અલ્લાહના કાનુનને અનુસરીને માધ્યમ થકી દરેક બાબતોનો યોગ્ય ઉપાય મેળવે.
કાએનાતનુ સર્જન
જો આપણે કાએનાતના સર્જન વિશેની હદીસોનો અભ્યાસ કરીશુ, તો આ હકીકત સામે આવશે કે ખુદાવંદે આલમે દરેક વસ્તુને સીધે સીધી રીતે પૈદા કરી નથી. ખુદાવંદે આલમે ફક્ત મોહમ્મદ અને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના પવિત્ર નૂરને સિધે સીધુ તેની મશીય્યત વડે પૈદા કર્યુ છે અને બધી જ વસ્તુઓને તેમના પવિત્ર નૂરથી પૈદા કરી છે. ટૂકમાં અમે અમુક રિવાયતોને તમારી સમક્ષ રજુ કરીએ છીએ.
(૧) જનાબે જાબીરે હઝરતે રસુલે ખુદા (સ.અ.વ.) થી પુછ્યુ: “કે ખુદાવંદે આલમે સૌથી પહેલા કઇ વસ્તુને પૈદા કરી? આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું:
“નૂરો નબીય્યેક યા જાબેરો ખલકહુલ્લાહો સુમ્મ ખલક મિન્હો કુલ્લ ખૈર
“અય જાબીર! ખુદાએ સૌથી પહેલા તમારા નબીના નૂરનું સર્જન કર્યુ, ત્યાર પછી તેણે બધી જ ખૈરનું સર્જન કર્યુ
(બેહારુલ્ અન્વાર, ભાગ:૫૭, પાના:૧૭૦, હદીસ:૫૭)
(૨) જનાબે અબ્બાસની રિવાયત છે કે: “હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું: “મારા મોહતરમ કાકા! ખુદાએ અમને તે સમયે પૈદા કર્યા કે જ્યારે ન તો આસમાન હતુ, અને ન તો જમીન, ન તો જન્નત હતી અને ન જહન્નમ. અમે ખુદાની તે સમયે તસ્બીહ કરી જ્યારે કે તસ્બીહનુ કોઇ વુજુદ ન હતુ. તે સમયે તેની તકદીસ કરી હતી કે જ્યારે તકદીસનુ વુજુદ ન હતુ.
જ્યારે ખુદાવંદે આલમે મખ્લુકાતને પૈદા કરવાનો ઇરાદો કર્યો, તો મારા નૂરનો ટૂકડો કર્યો, તેનાથી અર્શને પૈદા કર્યુ. આથી અર્શનું નૂર મારા નૂરથી છે, અને મારૂ નૂર અલ્લાહના નૂરથી છે, અને હું અર્શથી શ્રેષ્ઠ છું.
પછી ખુદાવંદે આલમે અલી(અ.સ.)ના નૂરનો ટૂકડો કર્યો, તેનાથી મલાએકાઓનું સર્જન કર્યુ. આથી મલાએકાઓનું નૂર અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ના નૂરથી છે, અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)નું નૂર ખુદાના નૂરથી છે, આથી અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) મલાએકાઓથી શ્રેષ્ઠ છે.
પછી ખુદાએ મારી બેટી ફાતેમા(સ.અ.)ના નૂરનો ટૂકડો કર્યો, તેનાથી આસમાન અને જમીનને પૈદા કર્યા. આસમાનો અને જમીનનું નૂર મારી બેટી ફાતેમા(સ.અ.)ના નૂરથી છે, અને ફાતેમા(સ.અ.)નું નૂર ખુદાના નૂરથી છે, આથી ફાતેમા(સ.અ.) આસમાનો અને જમીનથી શ્રેષ્ઠ છે.
પછી ખુદાવંદે આલમે ઇમામ હસન(અ.સ.)ના નૂરના ટૂકડા કર્યા, અને તેનાથી સુરજ અને ચંદ્રને પૈદા કર્યા. આથી સુરજ અને ચંદ્રનું નૂર ઇમામ હસન(અ.સ.)ના નૂરથી છે, અને હસન (અ.સ.)નું નૂર અલ્લાહના નૂરથી છે, આથી હસન (અ.સ.) સુરજ અને ચંદ્રથી અફઝલ છે.
પછી ખુદાવંદે આલમે ઇમામ હુસૈન(અ.સ.)ના નૂરના ટૂકડા કર્યા, અને તેમાંથી જન્નત અને હૂરને પૈદા કરી. આથી જન્નત અને હૂરનું નૂર ઇમામ હુસૈન(અ.સ.)ના નૂરથી છે, અને હુસૈન (અ.સ.)નું નૂર અલ્લાહના નૂરથી છે, આથી હુસૈન (અ.સ.) જન્નત અને હૂરથી અફઝલ છે.
(બેહારૂલ અન્વાર, ભાગ-૨૫, પાના-૧૬,૧૭)
(૩) હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું કે: ખુદાવંદે આલમે અમને પૈદા કર્યા, અને બેહતરીન રીતે પૈદા કર્યા, અને અમારા ચેહરાને બેહતરીન ચહેરો કરાર દીધો, પછી ખુદાએ અમને તેની મખ્લૂકોમાં તેના પ્રતિનિધી બનાવ્યા. ખુદાએ તેની મખ્લૂકાત પર અમને તેની જબાન કરાર દીધા. તેના બંદાઓ માટે અમને તેણે દસ્તે રહેમત અને શફકત કરાર દીધા. અને વજ્હુલ્લાહ કરાર દીધા. જેમના થકી તેની બારગાહમાં હાજર થઇ શકાય છે, અને તેની બારગાહ તરફ માર્ગદર્શન કરનાર દરવાજો કરાર દીધા, અને તેના આસમાન અને જમીનના ખજાનેદાર બનાવ્યા.
અમારા કારણે વૃક્ષોમાં ફળ આવેે છે, અને અમારાજ કારણે ફળો પાકે છે અને અમારા કારણે નદીઓ વહે છે, અમારા કારણે આસમાનમાંથી વરસાદ વરસે છે, અને જમીન લીલીછમ થાય છે, અમારી ઇબાદતના કારણે ખુદાની ઇબાદત થાય છે. અગર અમે ન હોતે તો અલ્લાહની ઇબાદત ન થતે.
(અત-તૌહીદ, શૈખે સદૂક(અ.ર.), પાના-૧૫૧, હદીસ-૮)
આજ વિષયના ઉપર બીજી એક હદીસની રિવાયત ઇબ્ને અબી યઅફૂરે હઝરત ઇમામ સાદિક(અ.સ.)થી બયાન કરી છે.
આ રિવાયતમાં આ હકીકતને બયાન કરવામાં આવી છે:
“ખલક ખલ્કન્ ફ ફવ્વઝ એલય્હિમ અમ્ર દીનેહી ફ નહ્નો હુમ
“ખુદાએ એક મખ્લૂકને પૈદા કરી પછી તેણે પોતાના દીનના તમામ કાર્યો તેને સોંપી દીધા, અને તે મખ્લૂક અમે છીએ.
(અત-તૌહીદ, પાના-૧૫૨, હદીસ-૯)
આજ પ્રકારની બીજી પણ રિવાયતો છે. જુઓ બેહાર, ભાગ-૩૫, ભાગ-૫૭, એહકાકુલ હક્ક, ભાગ-૫ અને ૯, ઉસુલે કાફી, ભાગ-૧ વિગેરે.
આ બધી રિવાયતોથી આ બાબત સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઇ જાય છે કે, ખુદાવંદે આલમે મોહંમદ અને આલે મોહંમદ(સ.અ.વ.)ના ઝરીયે કાએનાતને પૈદા કરી, એટલુજ નહી પરંતુ તેમના નૂરથી કાએનાતને પૈદા કરી.
એહલેબૈત અલયહેમુસ્સલામ નેઅમતોનો ઝરીઓ છે:
ખુદાવંદે આલમે ન ફક્ત કાએનાતને મોહંમદ અને આલે મોહંમદ(સ.અ.વ.)ના પવિત્ર નૂરથી પૈદા કરી છે, પરંતુ આજે કાએનાતને જે કંઇપણ મળી રહ્યું છે, તે એહલેબૈત અલયહેમુસ્સલામના લીધે મળી રહ્યું છે, એટલે એવુ નથી કે એહલેબૈત(અ.મુ.સ.) ફક્ત સર્જનની શરૂઆતમાં જ ઝરીઓ બન્યા છે અને પછી આ કાએનાત સ્વતંત્ર થઇ ગઇ હોય અને હવે જીંદગીની બકા માટે એહલેબૈત(અ.મુ.સ.)ની જરૂરત ન હોય. એવુ હરગીઝ નથી થઇ શકતુ. બલ્કે જેમ આ દુનિયા તેના સર્જનમાં એહલેબૈત(અ.મુ.સ.)ની મોહતાજ છે, તેવી જ રીતે તેની જીંદગીની બકા માટે પણ એહલેબૈત (અ.મુ.સ.)ની મોહતાજ છે.
અબુ હમઝાની રિવાયત છે કે તેમણે ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી પુછ્યુ કે: “શું જમીન ઇમામ (અ.સ.)ના વગર બાકી રહી શકે છે? તો ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“લવ બકેયતિલ્ અર્ઝો બે ગય્રે ઇમામિન્ લ સાખત્
“અગર જમીન ઇમામના વગર થઇ જાય તો ધસી પડે, ખતમ થઇ જાય
(કાફી:૧, પાના:૧૭૯, હદીસ:૧૦)
હઝરત ઇમામે બાકિર(અ.સ.)થી એક રિવાયત છે :
“અગર એક પળ માટે પણ જમીન પર ઇમામનું વુજૂદ ન હોય તો જમીન તેના રહેવાવાળાને એવી રીતે ગળી જશે જેવી રીતે દરીયો ગળી જાય છે.
(કાફી, ભાગ:૧, પાના: ૧૭૯, હદીસ: ૧૨)
જીયારતે જામેઆ કબીરા એક ખુબજ ભરોસાપાત્ર અને મુસ્તનદ ઝિયારત છે. આ જીયારત એહલેબૈત(અ.મુ.સ.)ના ફઝાએલ અને પ્રશંસાનો સમંદર છે. ઇમામે ઝમાના(અ.સ.)મે આ ઝિયારત પઢવા માટે આપણને તાકીદ કરી છે. આ ઝિયારતના પઢવાથી મુશ્કીલો દૂર થાય છે. દરેક પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે આ ઝિયારતનો સહારો લેવો જોઇએ. ઝિયારતના શબ્દો એ એલાન કરે છે કે હાલમાં કાએનાતને ખુદાવંદે આલમ તરફથી જે કંઇ મળી રહ્યુ છે, તે એહલેબૈત(અ.મુ.સ.)ના ઝરીયે મળી રહ્યુ છે અને આજે એહલેબૈત(અ.મુ.સ.)નો સિલસિલો હઝરત ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની પવિત્ર હસ્તી સુધી છે, એટલે આજે જેને પણ જે કંઇપણ મળી રહ્યુ છે તે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના ઝરીયે મળી રહ્યુ છે. આ શબ્દોને ધ્યાનથી વાંચીએ, જેમકે…
“બે અબી અન્તુમ વ ઉમ્મી વ નફ્સી વ અહ્લી વ માલી, મન્ અરાદલ્લાહ બદઅ બેકુમ વ મન વહ્હદહુ કબેલ અનકુમ વ મન કસદહુ તવજ્જહ બેકુમ મવાલીય્ય લા ઉહસી સનાઅકુમ વ લા અબ્દોગો મેનલ મદ્હે કુન્હકુમ વ મેનલ વસ્ફે કદરકુમ વ અન્તુમ નુરૂલ અખ્યારે વ હોદાતુલ અબ્રારે વ હોજજુલ જબ્બારે.
બેકુમ ફતહલ્લાહો વ બેકુમ યખ્તેમો વ બેકુમ યોનઝ્ઝેલુલ ગય્સ વ બેકુમ યુમ્સેકુસ્ સમાઅ અન તકઅ અલલ્ અર્ઝે ઇલ્લા બે ઇઝનેહી
વ બેકુમ યોનફ્ફેસુલ હમ્મ વ યક્શેફુઝ્ ઝુર્ર
“અય અહલેબયતે નબુવ્વત અને રિસાલત,મારા મા-બાપ, હું પોતે, મારા કુટુંબીજનો અને તમામ માલ આપ પર કુરબાન થાય.
જે ખુદા સુધી પહોંચવા ચાહે છે, તે તમારા દરવાજા ઉપર આવે છે. જે ખુદાની વહદાનીય્યતનો ઇકરાર કરવા ચાહે છે, તે તૌહીદનું શિક્ષણ (ઇલ્મ) તમારાથી જ હાસીલ કરે છે અને જેણે ખુદાની કુરબત (નઝદીકી)નો ઇરાદો કર્યો તે આપના તરફ ઘ્યાન આપે છે.
અય મારા મૌલા અને મારા સરદાર …. હું આપની પ્રશંસાની ગણતરી નથી કરી શકતો, અને આપની પ્રશંસાના ઉંડાણ સુધી નથી પહોંચી શકતો, આપની સિફતો બયાન કરવા અશક્તિમાન છું, આપ નેક લોકોના નૂર છો અને ખુશબખ્ત લોકોની હિદાયત અને ખુદાએ જબ્બારની હુજ્જત છો. તમારા જ થકી અલ્લાહે ખિલ્કતની શરૂઆત કરી અને તમારા થકી તેને પૂર્ણ કરશે.
આપના જ કારણે અલ્લાહ વરસાદ વરસાવે છે અને આપના કારણે આસમાન રોકાએલુ છે, નહીતર જમીન પર પડતે. આપના જ કારણે અલ્લાહ રંજો ગમને દૂર કરે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે.
આ વાક્યોથી સ્પષ્ટ થાય છે કે, એહલેબૈત (અ.મુ.સ.) ફક્ત દુન્યવી નેઅમતોના જ નહી બલ્કે રૂહાની નેઅમતો પ્રાપ્ત કરવાના અને મેળવવાના પણ માધ્યમ છે. ઉસુલેદીનમાં સૌથી પહેલો સિધ્ધાંત તૌહીદ છે. બસ એજ શખ્સનો તૌહીદનો અકીદો સાચો છે, જેણે આ ઇલ્મ એહલેબૈત(અ.મુ.સ.)થી શિખ્યુ છે અને જે કોઇએ પણ તૌહીદનું જ્ઞાન એહલેબૈત (અ.મુ.સ.)થી પ્રાપ્ત નથી કર્યુ, તેનો આ અકીદો સહી નથી. તેનું કારણ એ છે કે એહલેબૈત(અ.મુ.સ.)ના સિવાય બીજા કોઇને પણ ખુદાની સાચી અને હકીકી માઅરેફત નથી. આથી ફક્ત તેજ માણસનો અકીદો સાચો છે જે એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ઇમામતને તસ્લીમ કરે છે.
રૂહાની નેઅમતો સિવાય દુન્યવી નેઅમતો પણ એહલેબૈત(અ.મુ.સ.)ના થકી પ્રાપ્ત થાય છે. વરસાદનું વરસવુ, ઝમીનનું બાકી રહેવું, દુ:ખ અને ગમનું દૂર થવું, આ બધી ભૌતિક નેઅમતો છે, અને આ વાત આપણે અગાઉ જાણી ચુક્યા છે કે આજના સમયે ઇમામે ઝમાના(અ.સ.) જ એહલેબૈત(અ.મુ.સ.)માથી તે શખ્સીયત છે કે જે સંપૂર્ણ કમાલાત સુધી પહોંચેલ છે. તેથી જરૂરી છે કે ઝિયારતે જામેઆ પઢતા સમયે આ ધ્યાન રાખવું જોઇએ કે આ બધીજ સિફતો અને કમાલાત ધરાવતી એક વ્યકિત આજે આપણી દરમિયાન મવજુદ છે. તે વાત જુદી છે કે આપણા ગુનાહોના કારણે આપણે તેમના દીદારથી મેહરૂમ છીએ.
દુઆએ અદીલહમાં હઝરતે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ના બારામાં છે :
“સુમ્મલ હુજ્જતુલ ખલફુલ કાએમુલ મુન્તઝરૂલ મહ્દીય્યુલ મુરજલ્લઝી બે બકાએહી બકેયતીદ્ દુન્યા, વ યુમનેહી રોઝેકલ વરા, વ બે વોજુદેહી સબતતિલ અર્ઝો વસ્સમાઓ.
(દુઆએ અદીલહ, મફાતીહુલ જીનાન)
હઝરત ઇમામે હસન અસ્કરી(અ.સ.)ના પછી હુજ્જતે ખુદા અને પયગમ્બરના જાનશીન કાએમે મુન્તઝર ઇમામે મહદી (અ.સ.) છે. અને તેમના ઝુહૂરના માટે ઉમ્મીદ ભરી આંખો રાહ જોઇ રહી છે. તેમના જ વુજૂદના કારણે આ દુનિયા બાકી છે અને તેમની જ બાબરકત જાતના લીધે મખ્લુકાતને રોઝી મળી રહી છે અને જેના અસ્તિત્વના લીધે આસમાન અને જમીન બાકી છે.
જ્યારે ખુદાવંદે આલમે ઇમામો(અ.મુ.સ.)ને બધી જ ભૌતિક અને રૂહાની નેઅમતોનો ઝરીયો કરાર દીધો છે. તો પછી તેમના થકી અથવા સિધુજ તેમનાથી માંગવામાં શિર્ક કેવી રીતે થઇ ગયુ? જે લોકો એહલેબૈત(અ.મુ.સ.)ના વસીલાને સ્વિકારવા તૈયાર નથી અને તેને મઆઝલ્લાહ મઆઝલ્લાહ શિર્ક ગણે છે, તેઓ અલ્લાહના નિઝામની સામે બગાવત કરી રહ્યા છે. અને તેમનો અંજામ જહન્નમ સિવાય બીજો કશુ નથી.
વિલાયતે તકવીની
ક્યારેક ક્યારેક આવી વાતો પણ સાંભળવા મળે છે કે, એહલેબૈત(અ.મુ.સ.)નો વાસ્તો આપીને તો માંગી શકાય છે, તેમના વસીલા થકી તો માંગી શકાય છે, પરંતુ સિધે સિધુ તેમની પાસે માંગવુ અને યા મોહમ્મદ, યા અલી કહીને સંબોધન કરવું તે યોગ્ય નથી અને તૌહીદથી વિરૂધ્ધ છે. અને આ બધી વાતો અલગ-અલગ સ્વરૂપમાં બયાન કરવામાં આવે છે. અને મઝાની વાત તો એ છે કે આ બધી વાતોને ઊંચ બુધ્ધીજીવીની સોચ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે.
આના બારામાં એટલુંજ કહેવાનું છે કે…
જે લોકો આવા પ્રકારની વાતો કરે છે, તેઓનું ધ્યાન ન તો કુરઆને કરીમની આયતો પર છે, અને ન તો તેઓ હદીસોને જાણે છે.
જ્યારે કે દરેક મુસલમાન આ કબુલ કરે છે કે, કુરઆન તે અલ્લાહની કિતાબ છે અને તેમાં જે કંઇપણ કહેવામાં આવ્યું છે તે હક્ક છે, સાચ્ચુ છે.
તે ઉપરાંત અંબિયા(અ.મુ.સ.)થી બેહતર અને ભરોસાપાત્ર તૌહીદ કોઇની પણ નથી હોઇ શકતી અને તેમનું દરેક કાર્ય સહીહ હોય છે અને તમામ મુસલમાનો માટે હુજ્જત અને નમુનએ અમલ હોય છે.
એક પ્રસંગ પણ આપણી વાતની સત્યતા પૂરવાર કરવા માટે પૂરતો છે. કુરઆને કરીમમાં આવા ઘણા બધા પ્રસંગોનુ વર્ણન મળે છે કે જ્યાં અંબિયા(અ.મુ.સ.)એ ખુદાથી નહી બલ્કે સીધે સીધુ ગયરે ખુદાથી માંગ્યુ છે.
જનાબે સુલૈમાન(અ.સ.) અને તખ્તે બિલ્કીસ
જ્યારે હુદહુદે જનાબે સુલૈમાન(અ.સ.)ને સબા નામના રાજ્યની વાત વર્ણવી, તો જનાબે સુલૈમાન(અ.સ.)એ ત્યાની મલિકાના નામે પત્ર લખ્યો, જેના જવાબમાં ત્યાની મલિકાએ ભેટ મોકલી. જેથી તેને ખબર પડે કે તે હુકુમતને દુનિયા માટે પસંદ કરે છે કે ખુદાના માટે. જનાબે સુલૈમાન(અ.સ.)એ તમામ ભેટને પાછી મોકલી આપી અને પછી પોતાના લશ્કરને કહ્યુ:
“કાલ યા અય્યોહલ મલઓ અય્યોકુમ યઅ્તીની બે અર્શેહા કબ્લ અંય્યઅ્તૂની મુસ્લેમીન. કાલ ઇફરીતુમ મેનલ્ જિન્ને અના આતીક બેહી કબ્લ અન્ તકુમ મિમ્ મકામેકે, વ ઇન્ની અલય્હે લકવીય્યુન અમીનુન.
“કાલલ્લઝી ઇન્દહુ ઇલ્મુમ મેનલ્ કિતાબે અના આતીક બેહી કબ્લ અંય્યરતદ્દ એલય્ક તરફોક, ફલમ્મા રઆહો મુસ્તકિર્રન ઇન્દહુ કાલ હાઝા મીન ફઝ્લે રબ્બી.
(સુ. નમ્લ આ. ૩૮,૩૯,૪૦)
“જનાબે સુલૈમાન(અ.સ.)એ ફરમાવ્યુ: “હે મારા સરદારો! તમારામાંથી કોણ એવું છે જે તે તખ્તને મારી પાસે લઇ આવે એ પહેલા કે તે લોકો તસ્લીમ થઇને આવે.
(આ સાંભળી જીન્નાતોમાંથી એક રાક્ષસ બોલ્યો કે તમે તમારા સ્થાનેથી ઉઠો તે પહેલા હું આ તખ્ત લઇ આવીશ, અને તે માટે ખરેખર હું સમર્થ અને જવાબદાર છું.
અને ત્યાર પછી તે શખ્સે કહ્યું જેની પાસે આસમાની કિતાબનું થોડુંક ઇલ્મ હતું તેણે અરજ કરી કે હું તે (સિંહાસન) પલક ઝબકે તે પહેલા લઇ આવુ. ત્યાર પછી હઝરત સુલૈમાન(અ.સ.)એ તે તખ્તને પોતાની સામે મૌજુદ જોયું, તો કહેવા લાગ્યા કે આ મારા પરવરદિગારનો ફઝલ છે.
આ વાકેઆ પર ઘ્યાન આપીએ કે જનાબે સુલૈમાન(અ.સ.) પોતાના લશ્કરના સરદારોથી સીધે સીધુ માંગ્યું. તેમણે એમ નહોતુ કહ્યુ કે, “અય મારા પરવરદિગાર! તું મારા માટે તખ્તે બિલકીસને હાજર કરી આપ. અને જેના પાસે કિતાબનું થોડું ઇલ્મ હતું (જનાબ આસિફ બિન બરખીયા) જેમણે તખ્તે બિલકીસ લાવવાની વાત કરી હતી, તેમણે એમ નહોતુ કહ્યુ કે “હું ખુદાવંદે આલમની બારગાહમાં દુઆ કરૂ છું, ઇન્શાઅલ્લાહ તખ્તે બિલકીસ આવી જશે. બલ્કે તેમણે એમ કહ્યુ કે “અના આતીક બેહી કબ્લ અંય્યરતદ્દ એલય્ક તર્ફોક “હું તે (સિહાંસન) તમારી પલક ઝબકે તે અગાઉ લઇ આવુ છું.
અહી કાર્યની નિસ્બત પોતાના તરફ દીધી છે. “હું લઇને આવુ છું.
જનાબે ઇસા(અ.સ.) મુર્દાઓને સજીવન કરે છે :
દરેક મુસલમાન આ બાબતે એક મત ધરાવે છે કે જીંદગી અને મૌત ખુદાવંદે આલમના હાથમાં છે. કુર્આને કરીમમાં ફરમાવવામાં આવ્યુ છે કે..
“ફલ્લાહો હોવલ્ વલિય્યો વ હોવ યોહયિલ મવ્તા વ હોવ અલા કુલ્લે શયઇન્ કદીર
“અલ્લાહ જ વલી છે, અને એજ મુર્દાઓને સજીવન કરે છે, અને એજ દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત ધરાવે છે.
(સુ. શુરા આ. ૯)
પરંતુ ખુદાવંદે આલમે કુર્આને કરીમમાં બે જગ્યાએ મુર્દાને જીવતા કરવા બાબતે હઝરતે ઇસા(અ.સ.)થી નિસ્બત આપી છે. ટૂંકમાં આપણે અહીંયા ફક્ત તે આયતોના તરજૂમાથી જ કામ ચલાવીશું.
“હું તમારા પરવરદિગાર તરફથી (મારી નબુવ્વતની) નિશાની લઇને આવ્યો છું, હું તમારા માટે પલળેલી માટી(માંથી) પક્ષી જેવો આકાર બનાવીશ, પછી તેમાં ફુંકીશ, જેથી તે અલ્લાહના હુક્મથી (જીવતું જાગતું) પક્ષી થઇ જશે, અને હું જન્મથી આંધળા તથા કોઢીયાઓને સાજા કરૂ છું અને હું અલ્લાહના હુક્મથી મરી ગયેલાઓને સજીવન કરૂ છું, અને તમે તમારા ઘરોમાં જે કાંઇ ખાઓ (પીઆ) છો તથા જે કાંઇ સંગ્રહ કરો છો, તેની તમને જાણ કરી દઇશ.
(સુ. આલે ઇમરાન આ. ૪૯)
આ આયત પર ધ્યાન આપીએ કે, જનાબે ઇસા(અ.સ.) એ બધાજ કાર્યોને પોતાની તરફ નિસ્બત આપેલ છે, જેમકે હું માટીમાંથી પક્ષીને સજીવન કરૂં છું, હું જન્મથી આંધળાઓને સાજા કરૂં છું, હું મરી ગયેલાઓને સજીવન કરૂં છું. તેઓ એમ નથી કહેતા કે હું ખુદાથી દુઆ કરૂ છું, અને ખુદા મારી દુઆઓના કારણે આંધળાઓને સાજા કરશે..હું ખુદાથી દુઆ કરૂ છું, તો અલ્લાહ પક્ષીઓ અને મૃત્યુ પામેલને સજીવન કરે છે. બલ્કે દરેક કાર્યની નિસ્બત પોતા તરફ આપી. આ બિલ્કુલ સ્વિકાર કરાએલ હકીકત છે કે આ બધી તાકત હ. ઇસા(અ.સ.)ની પોતાની ઝાતી તાકત નથી બલ્કે ખુદાવંદે આલમ તરફથી જ અતા થયેલ છે. એટલે જ તેઓ બે ‘ઇઝ્નિલ્લાહે’ કહે છે. પરંતુ ખુદાવંદે આલમની આપેલી તાકતના કારણે કરેલ કોઇ કાર્યને પોતાની તરફ નિસ્બત દેવી તે કુર્આને કરીમની સુન્નત છે. શિર્ક કે બિદઅત નથી અને આ તો જનાબે ઇસા(અ.સ.)ની ઝબાનથી થયેલ વાતચીત હતી, જ્યારેકે ખુદાવંદે આલમે જ્યારે આજ વાત પોતાના શબ્દોમાં કહી ત્યારે પણ તે કાર્યને જનાબે ઇસા(અ.સ.)થી જ નિસ્બત આપી હતી, હાં, પોતાની પરમીશનની જરૂરતનો ઝિક્ર જરૂર કર્યો પરંતુ કાર્યની નિસ્બત ઇસા(અ.સ.)ની તરફ જ આપી. જેમકે સુરે માએદાહની ૧૧૦ નંબરની આયતમાં ફરમાવ્યું છે..
“તે સમયને યાદ કરો કે જ્યારે ખુદાએ કહ્યું, અય મરીયમના પુત્ર, ઇસા(અ.સ.)! અમારી નેઅમતોને યાદ કરો કે જે અમે તમારા ઉપર અને તમારી માતા ઉપર નાઝીલ કરી હતી.
“રૂહુલ કુદ્દુસ દ્વારા તારી મદદ કરી, તું પારણામાં તથા વૃધ્ધાવસ્થામાં પણ એક સરખી રીતે વાત કરતો હતો, અમે તને હીકમત, તૌરૈત અને ઇન્જીલનું શિક્ષણ આપ્યુ અને જ્યારે તુ અમારી રજાથી (અમારી આપેલી કુવ્વત અને તાકતથી) પલાળેલી માટીમાંથી પક્ષીનો આકાર બનાવતો હતો પછી તેમાં ફુંક મારતો હતો, ત્યારે તે અમારી રજાથી પક્ષી બની જતું હતું, અને તુ જન્મથી આંધળા તથા કોઢીયાઓને અમારી રજાથી શફા આપતો હતો અને અમારી પરમીશનથી તું મુર્દાઓને જીવતા કરતો હતો અને જ્યારે તું મોઅજીઝા અને આયતો (નિશાનીઓ) લઇને આવ્યો, તો મેં તને બની ઇસ્રાઇલના શર (નુકશાન)થી તને સુરક્ષિત રાખ્યો, અને તે કાફીરોએ કહ્યું કે આ ખુલ્લો જાદુ છે.
(સુ. માએદહ આ. ૧૧૦)
આ આયતો પર પણ વિચાર કરીએ, કે ખુદાવંદે આલમ ફરમાવે છે કે ‘તમે પેદા કરતા હતા (તખ્લોકો), તમે આંધળાઓને સાજા કરતા હતા (તબરઓ), તમે મુરદાઓને સજીવન કરતા હતા(તુખ્રેજુલ્ મવ્તા), ખુદાવંદે આલમ એમ નથી ફરમાવી રહ્યો કે, હું તમારા થકી સજીવન કરતો હતો, તમારા થકી આંધળાઓને દેખતા કરતો હતો, તમારા થકી મુરદાઓને સજીવન કરતો હતો, ના આવું નથી, બલ્કે, બધાજ કાર્યોની નિસ્બત જનાબે ઇસા(અ.સ.)ની તરફ છે.
હવે, જો કોઇ આંધળો જનાબે ઇસા(અ.સ.)ના આ મોઅજીઝા સાંભળીને તેમની પાસે આવે અને તેમનાથીજ સિધુ માંગી લે કે “અય ઇસા, મરીયમના પુત્ર! તમે મને દેખતો કરી દો તો શું આ શિર્ક થઇ જશે?અગર કોઇ માંનો જવાન પુત્ર મૃત્યુ પામ્યો હોય અને તે જનાબે ઇસા(અ.સઉ)ને દરખાસ્ત કરે કે, “અય ઇસા(અ.સ.)તમે મારા જવાન બેટાને સજીવન કરી આપો તો શું આમ કહેવું જાએઝ નથી?
શું આપણે આપણી રોજીંદા જીવનમાં આ નથી જોતા કે એક ફકીર અને જરૂરતમંદ માલદાર મોમીન શખ્સની પાસે જાય છે અને પોતાની પરેશાની બયાન કરે છે કે “ભાઇ! હું બહુંજ તકલીફમાં છું, હું ઘણોજ કર્ઝદાર થઇ ગયો છું, અલ્લાહે તમને અગણીત નેઅમતો આપી છે, થોડી મારી મદદ કરો તો આ કર્જ અદા થઇ જાય.
તો માલદાર વ્યક્તિ કહેશે : “હું ચુકવી દઉં છું
“ભાઇ મારી બીજી તકલીફ આ છે કે, મારી દિકરીનું સગપણ કર્યુ છે, અને લગ્નની તારીખ પણ નક્કી કરી નાંખી છે, પરંતુ હજી સુધી કોઇ ઇંતેઝામ નથી કરી શક્યા.
ત્યારે તે ભાઇ કહેશે: “ભાઇ તમે જરા પણ ચિંતા ના કરો, બધી જ વ્યવસ્થા થઇ જશે.
“ભાઇ તમે મારા ઉપર એટલો ઉપકાર કર્યો છે, તો એક બાબત બીજી પણ છે, અને તે એ કે મારા છોકરાએ તેનું ભણતર પુરૂ કરેલ છે, પરંતુ હજુ સુધી તેને ક્યાંય નોકરી નથી મળી.
તે સખી કહેશે કે, “ભાઇ તુ આની પણ ચિંતા છોડી દે, કાલથીજ તારા બાળકને મારી ઓફીસે મોકલી દેજે શું આ બધાજ કાર્યો શિર્ક ગણાશે? તે માલદાર માણસે કે જેણે તે ગરીબની ત્રણ તકલીફો દૂર કરી, શું આપણે તેને શબ્દકોષ પ્રમાણે “કાઝીયુલ હાજાતએટલે કે “જરૂરીયાતને પૂર્ણ કરનારનહી કહીશુ? હાજાત હાજતનું બહુવચન છે. ઓછામાં ઓછી ત્રણ જરૂરીયાતને ‘હાજાત’ કહેવાય છે. અગર તે ગરીબ તે સખી અને માલદારને પોતાનો ‘કાઝીયુલ હાજાત’ કહે છે, તો તેમા ખોટુ શું છે? ના, આ વ્યકતી અલ્લાહની અતા કરેલી નેઅમતોના કારણે ‘કાઝીયુલ હાજાત’ છે.
ટુંકમાં, એ કે કોઇ જરૂરતમંદ કોઇ એવી વ્યકતીની પાસે કે જેને અલ્લાહે ખુબજ અતા કરેલ છે, તેની પાસેથી પોતાની જરૂરત પુરી કરવા તેના પાસે મદદ માંગે તો આ ક્યારેય શિર્ક નથી. પરંતુ આ તો કુર્આનની સુન્નત છે.
વિલાયતે તકવીનીનો ભેદ :
જનાબે આસિફ બિન બરખીયા અને જનાબે ઇસા(અ.સ.)ની આ કુદરત અને તાકતના પાછળનો ભેદ શું છે? એ શું ચીઝ હતી કે જે ખુદાવંદે આલમે આ મહાન વ્યક્તીઓને આપેલ હતી, કે જેના કારણે પલક ઝપકતાંજ બિલકીસનું સિંહાસન હાજર થઇ ગયુ અને મુર્દાઓ સજીવન થઇ ગયા?
મુબારક દુઆ ‘દુઆએ સેમાત’માં અસ્માએ અઅ્ઝમ અને તે નામોની અમૂક ખુસુસીયાતના બારામાં દર્શાવવામાં આવ્યું છે કે..
“એઝા દોઇતા બેહી અલલ્ અમ્વાતે લિન્નુશૂરિત્ તસેરત્
“અગર આ અસ્મા / નામોના થકી મુર્દાઓના સજીવન કરવા માટેની દુઆ કરવામાં આવે તો મુર્દાઓ જીવતા થઇ જાય
આ પ્રકારના અસંખ્ય અસરનો ઉલ્લેખ છે. આજ રીતે ‘દુઆએ શબે અરફા’ જે અરફાના રાત્રીના પઢવામાં આવે છે, તેમાં પણ ઇસ્મે અઅ્ઝમ્ના ૩૩ અલગ-અલગ પ્રકારની અસરોના બારામાં બતાવવામાં આવ્યું છે, ઇસ્મે અઅ્ઝમ્ તે ચાવી છે કે જેના થકી દરેક પ્રકારની તકલીફો દૂર થઇ શકે છે. ખુદાવંદે આલમે જેને ઇસ્મે અઅ્ઝમ્ આપ્યુ તેને કાએનાતની ચાવી આપી દીધી છે. એટલે વિલાયતે તકવીનીનું રાઝ / ભેદ ઇસ્મે અઅ્ઝમ્ છે. અને આ ઇસ્મે અઅ્ઝમ્ ખુદા અતા કરે છે અને તે ઇન્સાનના હાથની વાત નથી.
ઇસ્મે અઅ્ઝમ્ અને અહેલેબૈત (અ.મુ.સ.) :
આપણે જોયું કે ઇસ્મે અઅ્ઝમ્ કાએનાતની ચાવી છે, તો પછી જેની પાસે જેટલા વધારે ઇસ્મે અઅ્ઝમ્ હશે, તેટલાજ વધારે પ્રમાણમાં કાએનાત પર તેનો ઇખ્તેયાર હશે. અને જેટલો વધારે ઇખ્તેયાર હશે તેટલોજ તેની પાસેથી સવાલ વધારે કરી શકાશે.
જનાબે જાબીર(અ.સ.)થી રિવાયત છે કે, ઇમામે બાકિર(અ.સ.) ફરમાવે છે કે..
“ખુદાવંદે આલમે ૭૩ અસ્માએ અઅ્ઝમ્ મોઅય્યન કર્યા છે. જનાબે આસિફ બિન બરખીયાની પાસે ફક્ત એકજ ઇસ્મે અઅ્ઝમ્નું ઇલ્મ હતું. જ્યારે તેમણે તે ઇસ્મે અઅ્ઝમ્નું નામ પોતાની ઝબાન પર લીધું તો જમીનના બધાજ હિસ્સાઓ નીચા થઇ ગયા, અને તખ્તે બિલ્કીસ ઉંચકાઇને સામે આવી ગયું અને તેમણે હાથ લંબાવીને તે તખ્ત લઇ લીધુ. અને ત્યારપછી બધીજ જમીન તેના અસલ સ્થાન પર આવી ગઇ, અને અમારી પાસે તો ૭૨ અસ્માએ અઅ્ઝમ્નું જ્ઞાન છે. ફક્ત એકજ ઇસ્મે અઅ્ઝમ્ને ખુદાવંદે આલમે પોતાની ઝાત માટે ખાસ રાખેલ છે.
(ઉસુલે કાફી, ભાગ:૧, પાના: ૨૩૦, હ.નં.:૧)
હઝરત ઇમામે જઅ્ફરે સાદિક(અ.સ) ફરમાવે છે કે
“ખુદાવંદે આલમે જનાબે ઇસા (અ.સ.) ને અસ્માએ અઅ્ઝમ્માંથી ફક્ત ૨ હર્ફ અતા કરેલ જેના કારણે તેઓ દરેક કાર્યો કરતા હતા. જનાબે મૂસા(અ.સ.)ને ૪ હરફ અતા કરવામાં આવેલા, જનાબેે ઇબ્રાહીમ(અ.સ.)ને ૮ હરફ આપવામાં આવેલા, જનાબેે નૂહ(અ.સ.)ને ૧૫ હરફ આપવામાં આવેલા અને આદમ(અ.સ.)ને ૨૫ હુરૂફ આપવામાં આવેલા, અને ખુદાવંદે આલમે આ તમામ હુરૂફો હઝરતે મોહંમ્મદે મુસ્તફા(સ.અ.વ.)ને અતા કર્યા છે. ખુદાવંદે આલમે ૭૩ અસ્માએ અઅ્ઝમ્માંથી ૭૨ અસ્માએ અઅ્ઝમ્ મોહંમ્મદે મુસ્તફા(સ.અ.વ.)ને અતા કર્યા છે. ફક્ત એક ઇસ્મને પોતાની જાત માટે ખાસ રાખેલ છે.
(ઉસુલે કાફી, ભાગ:૧, પાના: ૨૩૦, હ.નં.:૨)
જનાબે મોહમ્મદ બિન મુસ્લીમથી રિવાયત છેે કે, મેં હઝરતે ઇમામે મોહમ્મદે બાકિર(અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા છે કે: જનાબે જીબ્રઇલ(અ.સ.) જન્નતના બે (૨) દાડમ લઇને હઝરતે રસૂલે ખુદા(સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થયા. રસ્તામાં હઝરત અલી(અ.સ.)ની સાથે મુલાકાત થઇ. તેમણે પુછ્યું કે “આ બે દાડમ કેવા છેે? જવાબમાં કહ્યુ કે, એક દાડમ નબુવ્વતથી સંબંધિત છે જે તમારાથી સંબંધિત નથી અને બીજુ દાડમ ઇલ્મ છે. રસુલે ખુદા(સ.અ.વ.)થી મુલાકાત થઇ. હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ તે દાડમના બે ભાગ કર્યા, એક ભાગ પોતે લીધો અને બીજો અર્ધો ભાગ હઝરત અલી(અ.સ.)ને આપ્યો પછી ફરમાવ્યું: તમે મારા ઇલ્મમાં શરીક છો અને હું તમારા ઇલ્મમાં શરીક છું.
ઇમામ(અ.સ)મે ફરમાવ્યું કે, “ખુદાવંદે આલમે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)ને જે કંઇપણ તઅલીમ આપી, તે તેમણે સંપૂર્ણપણે હઝરતે અલી(અ.સ.)ને તઅલીમ ફરમાવ્યું, અને પછી આ સિલસિલો અમારી સુધી ચાલું રહેલ છે. પછી ઇમામ(અ.સ.)મે પોતાના મુબારક દિલ તરફ ઇશારો કર્યો.
(ઉસુલે કાફી, ભાગ:૧, પાના: ૨૬૩, હ.નં.:૩)
આ સિવાય બીજી બે રિવાયતોથી આ બાબત એકદમ સ્પષ્ટ છે કે, અંબિયા(અ.મુ.સ.)ના તમામ ઇલ્મ એહલેબૈત(અ.મુ.સ.) ધરાવે છે. આ બાબતની વધુ વિગત માટે જુઓ ઉસુલે કાફી, ભાગ: ૧, પાના નંબર: ૨૨૧,૨૨૩૨૨૭. આથી સ્પષ્ટ થાય છે કે અઇમ્મહ (અ.સ.)ની પાસે તમામ પયગંબરોનું અને હઝરતે મોહંમ્મદે મુસ્તફા(સ.અ.વ.)નું બધુજ ઇલ્મ છે. તેઓ(અ.સ.)પયગંબરોની કિતાબોના, સહીફાઓના અને શોના વારસદાર છે. અને હાલના જમાનામાં હઝરતે વલીયે અસ્ર હુજ્જત ઇબ્ને હસન અલ અસ્કરી (અ.સ.) આ તમામે તમામ ઇલ્મો કમાલાતના વારસદાર છે. તેમની પાસે ૭૨ અસ્માએ અઅ્ઝમ્ છે. તેથીજ આ પૂરી દુનિયા ઉપર તેમના ઇખ્તેયારનો કોણ અંદાઝ લગાડી શકે છે? જ્યારે ફક્ત એકજ ઇસ્મે અઅ્ઝમ્ની અસરથી પલક ઝપકતાજ તખ્તે બિલકીસ લાવી શકાતું હોય તો પછી જેમના પાસે ૭૨અસ્માએ અઅ્ઝમ્નું ઇલ્મ હોય તેમની ઇનાયતોથી પલભરમાં પ્રશ્ર્નો હલ થઇ જાય તો તેમાં કોઇ આશ્ર્ચર્ય ના થવું જોઇએ. બીજું એ કે એકજ ઇસ્મે અઅ્ઝમ્ના કારણે જનાબે સુલૈમાન(અ.સ.) સિધુજ જનાબે આસિફે બરખીયાથી માંગી શકે છે તો જેના પાસે ૭૨ ઇસ્મે અઅ્ઝમ્ હોય તેના પાસે આપણા સવાલો મુકવા અથવા તો હાજતો માંગવી, યા મહદી અદરિકની, યા મહદી અગિસ્ની વગેરે કહેવું અને તેમનાથી આપણે મુશ્કેલીઓનો ઉકેલ મેળવવો એ વધારે યોગ્ય બાબત છે. અને આ કયારેય શિર્ક નથી, પરંતુ સુન્નતે અંબીયા (અ.સ.) છે.
આ વાત ધ્યાનમાં રહે કે તે બધાજ લોકો કે જેઓ અઇમ્મએ માઅસૂમીન(અ.સ.)ની પાસે માંગે છે, અને પોતાની તકલીફોનું નિવારણ તલબ કરે છે, તેઓમાંથી કોઇપણ અઇમ્મહ(અ.સ.)ને ખુદાના મુકાબલે સ્વતંત્ર તાકત નથી સમજતા. પરંતુ આ બધાનો એજ અકીદો છે કે, મઅસુમીન(અ.સ.) જે કંઇપણ આપણને અતા કરે છે તે બધુજ ખુદાવંદે આલમે આપેલી સત્તાઓના આધારે અતા કરે છે ખુદાએ તેઓને ઇખ્તેયાર આપ્યા છે અને ખુદાએ આપેલ ઇખ્તેયારના કારણે માંગવું તે જાણે કે ખુદાથી જ માંગવું ગણાશે. આમ અગર ઇમામે ઝમાન(અ.સ.)થી સિધુ જ માંગવામાં આવે તો તે શિર્ક નથી, બલ્કે જાએઝ છે અને તે કુરઆનની સુન્નત છે.
અને આનો ઇન્કાર કરવો અથવા તેમાં શંકા કરવી કુરઆનના અર્થોથી મોઢું ફેરવી લેવા જેવું છે અને ખુદાની સુન્નતથી બળવો કરવા બરાબર છે અને ખુદાની સુન્નતનો ઇન્કાર કરવો, અને બળવો કરવો તે તૌહીદ નથી પરંતુ શિર્ક છે.
Comments (0)