જે ઇમામ હુસૈન (અ.સ.) પર રડે..

સય્યદુશ્શોહદા

હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ઉપર રડવા, માતમ કરવા

અને મરસીયા પઢવાનો સવાબ


૧.

શૈખ જલીલે કામીલ જઅફર બિન કવ્લવીય્યએ “કામીલમાં ઇબ્ને ખારેજાથી નોંધ કરી છે કે એક દિવસ હું સાદિકે આલે મોહમ્મદ (અ.સ.)ની પાસે ગયો હતો અને હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ને યાદ કર્યા તો આં હઝરત (અ.સ.) પણ રડ્યા અને અમે લોકો પણ રડ્યા. પછી હઝરત (અ.સ.)એ માથું ઉંચું કર્યું અને ફરમાવ્યું:

“ઇમામ હુસૈન (અ.સ.) ફરમાવતા હતા : હું આંસુઓનો માર્યો છું, જ્યારે પણ કોઇ મોઅમીન મને યાદ કરે છે તો તે રૂદન અને વિલાપ કરવા લાગે છે.

૨.

આ રિવાયત પણ છે : જે દિવસે હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ની સામે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)નો ઝીક્ર થતો એ દિવસે રાત સુધી કોઇને પણ આપ (અ.સ.)ના હોઠોં ઉપર હાસ્ય ન્હોતું દેખાતું અને આપ (અ.સ.) આખો દિવસ રૂદન અને વિલાપ કરતા અને ફરમાવતા રહેતા :

“હઝરત ઇમામ હુસૈન (અ.સ.) દરેક મર્દે મોઅમીનના રૂદન અને વિલાપનું કારણ છે.

૩.

શૈખ તુસી અને શૈખ મુફીદ (ર.અ.) અબાન બિન તગલબથી નોંધ કરી છે કે સાદિકે આલે મોહમ્મદ (અ.સ.)એ ફરમાવ્યું:

“જે શખ્સ અમારી મઝલુમિય્યત ઉપર રંજીદા અને ગમગીન થાય છે તેનો શ્ર્વાસ તસ્બીહ છે, તેનું દુ:ખ-દર્દ ઇબાદત છે અને અમારા ભેદો તેમજ રહસ્યોને અમારા દુશ્મનોથી છુપાવવા અલ્લાહની રાહમાં જેહાદ છે.

પછી આપ (અ.સ.)એ ફરમાવ્યું :

“આ હદીસને સોનેરી અક્ષરોમાં લખવું જરૂરી છે.

૪.

બહુજ વિશ્વાસપાત્ર સનદોથી શેરખાન અબુ અમારહથી રિવાયત કરવામાં આવી છે : તે વર્ણવે છે કે એક દિવસ હું ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ની ખિદમતમાં હાજર થયો. હઝરત (અ.સ.)એ ફરમાવ્યું:

“ઇમામ હુસૈન (અ.સ.) ઉપર મરસીયાની અમૂક પંક્તિઓ પઢો.

જ્યારે મેં પઢવાનું શરૂ કર્યું તો હઝરત રડવા લાગ્યા. હું મરસીયા પઢતો રહ્યો અને હઝરત રડતા રહ્યા. ત્યાં સુધી કે બૈતુશ્શરફ (ઘર)માંથી પણ રૂદન અને વિલાપની અવાઝ બલંદ થવા લાગી. એક બીજી રિવાયત મુજબ હઝરત (અ.સ.)એ ફરમાવ્યું : “જેવી રીતે તમે પોતાના લોકોની સામે પઢો છો અને નૌહા કરો છો તેવી રીતે પઢો. જ્યારે હું પઢ્યો તો હઝરત (અ.સ.) ખૂબ રડ્યા અને પરદાની પાછળથી હઝરત (અ.સ.)ના પવિત્ર ઘરની ઔરતોંના રડવાની અવાઝ પણ બલંદ થઇ. જ્યારે હું પઢી ચૂક્યો તો હઝરત (અ.સ.)એ ફરમાવ્યું:

“જે શખ્સ ઇમામ હુસૈન (અ.સ.) ઉપર મરસીયા માટે એક પંક્તિ પઢે અને પચાસ લોકોને રડાવે તેના ઉપર જન્નત વાજીબ થઇ જાય છે. અને જે શખ્સ ત્રીસ લોકોને રડાવે તેના ઉપર જન્નત વાજીબ થઇ જાય છે અને જે શખ્સ વીસ લોકોને રડાવે, દસ લોકોને રડાવે, પાંચ લોકોને રડાવે બલ્કે એક વ્યક્તિને પણ રડાવે તેના ઉપર જન્નત વાજીબ થઇ જાય છે, અને જે શખ્સ મરસીયા પઢે અને ખુદ રડે તેના ઉપર જન્નત વાજીબ થઇ જાય છે અને જે શખ્સને રડવું ન આવી રહ્યું હોય અને તે પોતાના ચહેરાને રડમસ બનાવે તો તેના ઉપર પણ જન્નત વાજીબ થઇ જાય છે.

પ.

શૈખ કશી (ર.અ.)એ ઝયદ શમામથી નોંધ કરી છે કે હું કુફાવાળાઓના એક સમૂહની સાથે હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ની ખિદમતમાં હતો એટલામાં જઅફર બિન અફફાન ત્યાં આવ્યા. હઝરત (અ.સ.)એ બહુજ માનપૂર્વક તેમને પોતાની પાસે બેસાડ્યા.

હઝરત (અ.સ.)એ ફરમાવ્યું : “અય જઅફર!

તેમણે અર્ઝ કરી: “મૌલા આપના ઉપર કુરબાન થાઉં, હું હાજર છું.

હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: “મારી જાણમાં આવ્યું છે કે તમે ઇમામ હુસૈન (અ.સ.)ની શાનમાં મરસીયા પઢો છો અને બહુ સારા પઢો છો.

જઅફર બિન અફફાને કહ્યું : “આપના ઉપર કુરબાન થાઉં, બેશક પઢું છું,

હઝરત (અ.સ.) એ ફરમાવ્યું : “તો પછી પઢો.

જ્યારે જઅફરે મરસીયો સંભળાવ્યો તો ખુદ હઝરત (અ.સ.) અને બીજા તમામ હાજર લોકો રડવા લાગ્યા. હઝરત (અ.સ.) એટલી હદ સુધી રડ્યા કે આપની દાઢી મુબારક આંસુઓથી ભીંજાઇ ગઇ.

પછી ફરમાવ્યું : “ખુદાની કસમ! ખુદાવન્દે આલમના મોકર્રબ ફરિશ્તાઓ આ મજલીસમાં હાજર હતા અને તમારાથી હઝરત ઇમામ હુસૈન (અ.સ.)નો મરસીયો સાંભળ્યો અને આપણાથી વધારે રૂદન અને વિલાપ કર્યો. બેશક ખુદાવન્દે આલમે આ ઘડીએ જન્નતની તમામ નેઅમતો તમારા માટે વાજીબ કરી દીધી છે અને તમારા ગુનાહોને બખ્શી દીધા છે.

પછી આપ (અ.સ.)એ ફરમાવ્યું : “અય જઅફર! શું તમે ચાહો છો કે હું આનાથી પણ વધારે કંઇક કહું?

તેમણે કહ્યું : “હા, અય મારા સય્યદો સરદાર

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું : “જે શખ્સ ઇમામ હુસૈન (અ.સ.)ના મરસીયાની એક પંક્તિ પઢે અને રડે તેમજ રડાવે, બેશક અલ્લાહ તઆલા તેના માટે જન્નતને વાજીબ કરી દે છે તથા તેના ગુનાહોંને બખ્શી આપે છે.

૬.

શૈખ સદુક (ર.અ.)ની કિતાબ “અમાલીમાં ઇબ્રાહીમ ઇબ્ને અબીલ મહમુદથી રિવાયત કરી છે:

હઝરત ઇમામ રઝા (અ.સ.) ફરમાવતા :

“મોહર્રમનો મહિનો એ મહિનો છે કે જાહેલિય્યતના ઝમાનાના લોકો પણ એ મહિનામાં લડાઇ અને ઝઘડાને હરામ ગણતા હતા અને તે જફાકાર ઉમ્મતે આ મહિનામાં અમો આલે મોહમ્મદ (અ.સ.)ના લોહીને હલાલ કરાર દીધું, અમારી હુરમતને પાયમાલ કરી, અમારી ઔરતો અને બાળકોને આ મહિનામાં કૈદી બનાવ્યા, અમારા ખૈમાઓને આગ લગાડી, અમારા માલ અને ઘરવખરીને લૂટી લીધી, અમારા હકમાં રિસાલત મઆબ (સ.અ.વ.)ની હુરમત અને અઝમતનો પણ ખ્યાલ ન રાખ્યો. બેશક હુસૈન (અ.સ.)ની શહાદતના દિવસે અમારી આંખોને મજરૂહ કરી દીધી અને અમારા આંસુઓને જારી કરી દીધા. અમારા ઈઝ્ઝતદાર અને મહાન ખાનદાનને ઝલીલ અને અપમાનિત કર્યું. અને કયામત સુધી કરબલાની ઝમીન અમારા માટે વ્યાકુળતા, બૈચૈની અને મુસીબતને છોડી ગઇ. આ માટે હુસૈન (અ.સ.) જેવી મહાન અને શ્રેષ્ઠ હસ્તી ઉપર રડવાવાળાઓએ રડવું જોઇએ. બેશક હુસૈન (અ.સ.) ઉપર રડવું મોટા મોટા ગુનાહોને બખ્શાવી દે છે.

પછી હઝરત (અ.સ.)એ ફરમાવ્યું:

“જ્યારે મોહર્રમનો મહિનો આવતો તો મારા માનનીય પિતાને કોઇએ પણ હસતા નથી જોયા અને તેમના ઉપર ગમગીની, રંજ અને દુ:ખના વાદળો દસમી મોહર્રમ સુધી છવાએલા રહેતા. જ્યારે આશુરાનો દિવસ આવતો તો એ દિવસને ગમ અને મુસીબતનો તેમજ રૂદન અને વિલાપનો દિવસ કરાર દેતા અને ફરમાવતા કે આજે તે દર્દનાક દિવસ છે જે દિવસે હુસૈન (અ.સ.) શહીદ થયા હતા.

૭.

શૈખ સદુક (ર.અ.)એ તે હઝરત (અ.સ.)થી રિવાયત કરી છે કે જે શખ્સ આશુરાના દિવસે પોતાની જરૂરિયાતના માટે કોશિષને તર્ક કરી દે તો ખુદાવન્દે આલમ તેની દુનિયા અને આખેરતની જરૂરતોંને પુરી કરી દેશે. અને જે શખ્સ આશુરાના દિવસને પોતાના માટે મુસીબત અને તકલીફ તથા રંજો ગમનો દિવસ ગણે અને રૂદન તથા વિલાપ કરે તો ખુદાવન્દે આલમ કયામતના દિવસને તેના માટે ખુશી અને ઉલ્લાસનો દિવસ બનાવશે, અને તેની આંખોને જન્નતમાં અમારા થકી ઉજ્જવળ કરશે, અને જે શખ્સ આશુરાના દિવસને બરકતનો દિવસ સમજે અને તે દિવસે બરકત માટે ખાવા પીવાના સામાન ભેગો કરે તો તે ભેગા કરેલા માલ-સામાનમાં હરગિઝ બરકત નહીં થાય. અને ખુદાવન્દે આલમ કયામતના દિવસે તેને યઝીદ, અબ્દુલ્લાહ બિન ઝીયાદ અને ઉમરે સઅદ (લ.અ.)ની સાથે જહન્નમના સૌથી નીચલા દરજ્જામાં મેહશુર કરશે.

૮.

વિશ્ર્વાસપાત્ર સનદથી રય્યાન બિન શબીબથી રિવાયત છે જે બની અબ્બાસના ખલીફા મોઅતસિમ (લ.અ.)ના મામા હતા. તેમનું બયાન છે કે હું મોહર્રમની પહેલી તારીખે ઇમામે રઝા (અ.સ.)ની ખિદમતમાં હાજર થયો.

હઝરત (અ.સ.)એ માહે મોહર્રમની અઝમત બયાન કરતાં કરતાં ફરમાવ્યું :

“અય ફરઝન્દે શબીબ! મોહર્રમ એ મહિનો છે કે જેમાં જાહેલિય્યતના ઝમાનાના લોકો આ મહિનાની હુરમતને ધ્યાનમાં રાખીને તેમાં ઝુલ્મ અને લડાઇને હરામ ગણતા હતા. પરંતુ આ ઉમ્મતે આ મહિનાની હુરમતને ન ઓળખી અને ન તો પોતાના નબી (સ.અ.વ.)ની હુરમતનો ખ્યાલ રાખ્યો. આ જ મહિનામાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઔલાદ અને ઝુર્રીયતને કત્લ કરી અને આં હઝરત (અ.સ.)ના ખાનદાનની ઔરતોને કૈદી અને અસીર બનાવી. તેમના માલ અને ઘરવખરીને લુંટી લીધી. અલ્લાહ તેમને ન બખ્શે.

“અય ફરઝન્દે શબીબ! અગર રડવું હોય તો હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની ઉપર રૂદન કરો. જેમને ઘેટાં અને બકરાની જેમ ઝબ્હ કરી નાંખવામાં આવ્યા અને તેમની સાથે ખાનદાને રિસાલતના બીજા અઢાર વ્યક્તિઓને શહીદ કરી દીધા કે જેમની મિસાલ આ જમીન ઉપર ક્યાંય નથી. એ હઝરત (અ.સ.)ની શહાદત ઉપર સાત આસમાનો અને જમીને રૂદન કર્યું. ચાર હજાર ફરિશ્તાઓ તે હઝરત (અ.સ.)ની નુસ્રત અને મદદ માટે જમીન ઉપર આવ્યા અને એ સમયે જમીન ઉપર પહોંચ્યા જ્યારે આપ (અ.સ.) શહીદ થઇ ચૂક્યા હતા, તેથી એ તમામ ફરિશ્તાઓ તે સમયથી લઇ સતત હઝરત (અ.સ.)ની પવિત્ર કબ્ર પાસે પોતાના વાળ વિખેરી અને (પોતાના માથા ઉપર)માટી નાખેલી હાલતમાં હાજર રહેશે ત્યાં સુધી કે હઝરત કાએમે આલે મોહમ્મદ (અ.ત.ફ.શ.)નો ઝુહુર થાય. પછી તે ફરિશ્તાઓ આં હઝરત (અ.ત.ફ.શ.)ના મદદગારોમાં હશે અને જંગના મૈદાનમાં તેમનો નારો હશે.

“અય હુસૈન (અ.સ.)ના ખૂનનો બદલો લેનારા

“અય ફરઝન્દે શબીબ! મને મારા માનનીય પિતાએ ખબર આપી છે, તેમણે તેમના જદ્થી સાંભળ્યું છે કે જ્યારે મારા જદ્ હુસૈન (અ.સ.)ને કત્લ કરવામાં આવ્યા તો આસમાનમાંથી લાલ માટી અને લોહીનો વરસાદ થયો.

“અય ફરઝન્દે શબીબ! અગર હુસૈન (અ.સ.) ઉપર રૂદન કરવામાં તમારી આંખોમાંથી આંસુ નિકળીને તમારા ગાલ ઉપર વહેવા લાગે તો અલ્લાહ તઆલા તમારા દરેક ગુનાહે કબીરા અને સગીરા બખ્શી દેશે અને તમને માફ કરી દેશે. ભલે પછી તમારા ગુનાહ થોડા હોય અથવા વધારે.

“અય ફરઝન્દે શબીબ! અગર તમે ચાહતા હો કે અલ્લાહ તઆલાની સાથે એવી હાલતમાં મુલાકાત કરો કે તમારા ઉપર કોઇ ગુનાહનો ભાર ન હોય તો ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરો.

“અય ફરઝન્દે શબીબ! અગર તમે ચાહો કે જન્નતમાં સૌથી ઊંચા ઘરમાં રસુલે ખુદા (સ.અ.વ.) અને અઇમ્મએ માઅસુમીન (અ.સ.)ની પડોશમાં વસવાટ કરો તો ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો ઉપર લઅનત કરો.

“અગર તમે ચાહતા હો કે તમને પણ કરબલાના શહીદોની જેવો સવાબ મળે તો જ્યારે પણ તે હઝરત (અ.સ.)ની મુસીબતને યાદ કરો તો કહો:

“અય કાશ હું પણ તેમની સાથે હોત તો મને પણ ભવ્ય સફળતા નસીબ થાત.

“અય ફરઝન્દે શબીબ! અગર તમે ચાહતા હો કે જન્નતના ઊંચા દરજ્જામાં અમારી સાથે રહો તો અમારા દુ:ખોમાં ગમગીન થઇ જાઓ અને અમારી ખુશીમાં ખુશી અનુભવો અને તમારા ઉપર વાજીબ છે કે અમારી હાકેમીય્યત અને મોહબ્બતને દિલમાં જગ્યા આપો કારણકે અગર કોઇ શખ્સ પથ્થર સાથે દોસ્તી કરશે તો ખુદાવન્દે આલમ (કયામતમાં) તેને તે પથ્થરની સાથે મેહશુર કરશે.

૯.

ઇબ્ને કવ્લવીયાએ ભરોસાપાત્ર સનદથી રિવાયત કરી છે કે અબુ હારૂન મકફુફથી અબુ હારૂનનું બયાન છે કે હું હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ની ખિદમતમાં ગયો.

આં હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: “મારા માટે મરસીયા પઢો,

મેં પઢવાનું શરૂ કર્યું.

હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: “આ રીતે નહીં પરંતુ એ રીતે પઢો જેવી રીતે પોતાના માટે પઢો છો અને જેવી રીતે ઇમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર કબ્રની નજીક પઢો છો.

બસ મેં પઢવાનું શરૂ કર્યું :

ઉમ્રૂર અલા જસદીલ હુસૈન

ફકુલ લે અઅઝોમેહી ઝકીય્યાહ

એટલે કે ઇમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર કબ્ર પાસેથી પસાર થા અને તેમના પાકો પાકીઝા બદનના ટુકડાઓને કહો.

હઝરત (અ.સ.) રડવા લાગ્યા, હું ચૂપ થઇ ગયો.

વળી હઝરત (અ.સ.) એ ફરમાવ્યું : “પઢો.

મેં બધી જ પંક્તિઓ પઢી લીધી. હઝરત (અ.સ.) એ ફરી ફરમાવ્યું કે મરસીયા પઢો. મેં આ પંક્તિઓ પઢવાનું શરૂ કર્યું.

યા મરયમો કુમી ફ નુદબી મૌલાકે

વ અલલ હુસૈન (અ.સ.) ફસ્અદિ બે બોકાક

“અય મરયમ! ઉઠો અને પોતાના મૌલા અને આકા માટે રૂદન અને વિલાપ કરો અને હુસૈન (અ.સ.) ઉપર પોતાના નૌહા અને રૂદન થકી મદદ કરો.

હઝરત (અ.સ.) રડવા લાગ્યા, ઔરતો પણ રડવા અને ફરિયાદ કરવા લાગી. જ્યારે થોડા શાંત થયા ત્યારે હઝરત (અ.સ.)એ ફરમાવ્યું :

“અય અબુ હારૂન! જે શખ્સ હુસૈન (અ.સ.)નો મરસીયો પઢીને દસ માણસોને રડાવે છે તેના માટે જન્નત છે.

પછી આપે દસમાંથી એક-એક સંખ્યા ઓછી કરીને ફરમાવ્યું: “જે શખ્સ મરસીયા પઢીને એક વ્યક્તિને રડાવે જન્નત તેના ઉપર વાજીબ થઇ જશે.

પછી ફરમાવ્યું : “જે શખ્સ ઇમામ હુસૈન (અ.સ.)ને યાદ કરીને રડે તેના ઉપર જન્નત વાજીબ થઇ જાય છે.

૧૦.

ભરોસાપાત્ર સનદથી ઝોરારાની રિવાયત છે :

ઇમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :

“અય ઝોરારા! હુસૈન (અ.સ.) ઉપર આસમાન ચાલીસ દિવસ સુધી લાલ રહીને લોહીના આંસુ રડ્યું, સૂરજને ગ્રહણ લાગ્યું, પહાડ ટુટીને ટુકડે ટુકડા થઇ ગયો, સમુદ્ર જોશ મારવા લાગ્યો, ફરિશ્તાઓ ચાલીસ દિવસ સુધી રડતા રહ્યા, બની હાશિમની કોઇ સ્ત્રીએ ન તો માથામાં તેલ નાખ્યું, ન સુરમો લગાડ્યો અને ન તો વાળ ઓળવ્યા ત્યાં સુધી કે જ્યારે લોકો અબ્દુલ્લાહ બિન ઝીયાદ (લ.અ.)નું કપાયેલું માથુ અમારા માટે લાવ્યા (ત્યારે અમારા ઘરની ઉદાસી દૂર થઇ). અમે સતત એ હઝરત (અ.સ.) ઉપર અને અમારા જદ્ે બુઝુર્ગવાર અલી ઇબ્નુલ હુસૈન (અ.સ.) ઉપર રૂદન કરી રહ્યા છીએ. જ્યારે મારા માનનીય પિતા ખુદ પોતાને યાદ કરતા તો એ રીતે રડતા કે તેઓ (અ.સ.)ની દાઢી આંસુઓથી ભીંજાઇ જતી. અને જે કોઇ આપ (અ.સ.)ને આ હાલતમાં જોઇ લેતું તો તેમને રડતા જોઇને તે પણ રડવા લાગતો. અને જે મલાએકાઓ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર કબ્રની નજીક રૂદન કરતા તો તેમના રૂદનનો અવાઝ સાંભળીને હવામાં ઉડનારા પક્ષીઓ પણ રડવા લાગતા.

૧૧.

શૈખ તુસી (ર.અ.) પોતાની ભરોસાપાત્ર સનદોથી રિવાયત કરે છે કે મોઆવિયા ઇબ્ને વહબનું બયાન છે કે એક દિવસ અમે હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ની ખિદમતમાં હાજર હતા. તેવામાં અચાનક એક દુબળો પાતળો વૃદ્ધ શખ્સ ઇમામ (અ.સ.)ની મજલીસમાં આવ્યો અને સલામ કરી.

હ. (અ.સ.)એ ફરમાવ્યું : “વ અલય્ક અસ્સલામ વ રહમતુલ્લાહ. અય શૈખ! મારી પાસે આવો.

ત્યારે તે વુદ્ધ શખ્સ હઝરત (અ.સ.)ની નજીક ગયો અને ઇમામ (અ.સ.)ના મુબારક હાથોને ચુમીને રડવા લાગ્યો.

હઝરત (અ.સ.)એ ફરમાવ્યું : “અય શૈખ! તારા રડવાનું કારણ શું છે?

તેણે કહ્યું : “અય ફરઝન્દે રસુલ (સ.અ.વ.)! હું સો વર્ષથી તમન્ના કરૂં છું કે આપ (અ.સ.) કયામ કરશો અને શિઆઓને વિરોધીઓની તકલીફોથી છુટકારો અપાવશો, અને હું સતત કહેતો રહ્યો છું કે તેવું આ વર્ષે થશે, આ મહિને થશે, આ દિવસે થશે, પરંતુ એવી કોઇ સ્થિતિ મને નથી દેખાતી તો પછી કેમ ન રડું?

આપ(અ.સ.) તે વૃદ્ધની વાત સાંભળી રડવા લાગ્યા.

આપ(અ.સ.)એ ફરમાવ્યું “અય શૈખ! અગર તારી મૌતમાં મોડું થશે અને અમે એહલેબૈત (અ.સ.) ખુરૂજ અને કયામ કરીશું તો તું અમારી સાથે હોઇશ અને જો એની પહેલા તું આ દુનિયાથી ચાલ્યો જઇશ તો કયામતના દિવસે તું હઝરત રિસાલત મઆબ (સ.અ.વ.)ના એહલેબૈત (અ.સ.)ની સાથે હોઇશ.

તે વૃદ્ધે કહ્યું : “હવે જ્યારે આ વાત આપ (અ.સ.)ની પાસેથી સાંભળી લીધી તો પછી જ્યારે પણ મૌત આવી જાય કોઇ પરવા નથી.

હઝરત (અ.સ.)એ ફરમાવ્યું : “હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું છે કે : હું તમારી વચ્ચે બે કિંમતી અને મહા ભારે ચીઝો છોડીને જાઉં છું, જ્યાં સુધી તમે એ બંને ને વળગી રહેશો હરગિઝ ગુમરાહ નહીં થાઓ. એક અલ્લાહની કિતાબ અને બીજું મારી ઝુર્રિય્યત-મારી એહલેબૈત. જ્યારે કયામતના દિવસે આવશો તો અમારી સાથે રહેશો.

પછી હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: “અય શૈખ! મને એવું નથી લાગતું કે તમે કુફાવાળાઓમાંથી છો?

તેણે કહ્યું : “કુફાના પડોશમાંથી આવું છું.

આપ (અ.સ.)એ ફરમાવ્યું : “શું મારા જદ્ે મઝલુમ ઇમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર કબ્રની નજીક થી?

તેણે કહ્યું : “હા,

આપ (અ.સ.)એ ફરમાવ્યું : “આં હઝરત (અ.સ.)ની ઝિયારત માટે તમારૂ જવાનું કેવુંક થાય છે?

તેણે કહ્યું : “જાઉં છું અને વારંવાર જતો રહું છું.

આપ (અ.સ.)એ ફરમાવ્યું : “અય શૈખ! આ એ લોહી છે જેનો બદલો ખુદાવન્દે આલમ લેશે અને જે મુસીબતો ફાતેમા (સ.અ.)ની ઔલાદ ઉપર નાઝીલ થઇ છે, તે હુસૈન (અ.સ.)થી વધારે કોઇની ઉપર નાઝીલ નથી થઇ. તે હઝરત (અ.સ.) પોતાના ઘરની એવી સત્તર (૧૭) હસ્તીઓ સાથે શહીદ થયા જેમણે અલ્લાહના દીનની હિફાઝત માટે જેહાદ કર્યો અને અલ્લાહની ખુશ્નુદી માટે સબ્ર કર્યો. એટલા માટે ખુદાવન્દે આલમે સબ્ર કરવાવાળઓમાં એમને સારામાં સારી જગ્યા આપી. જ્યારે કયામત બરપા થશે ત્યારે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) મેહશરના મૌકા ઉપર એવી રીતે તશ્રીફ લાવશે કે ઇમામ હુસૈન (અ.સ.) આં હઝરત (સ.અ.વ.)ની સાથે હશે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ પોતાના મુબારક હાથને ઇમામ હુસૈન (અ.સ.)ના મુબારક માથા ઉપર રાખ્યો હશે અને તેમાંથી લોહી ટપકી રહ્યું હશે. પછી આં હઝરત (સ.અ.વ.) ફરમાવશે: પરવરદિગાર! મારી ઉમ્મતને સવાલ કર કે આખરે તેમણે ક્યા કારણે મારા પુત્રને કત્લ કર્યો?

ત્યાર પછી આપ(અ.સ.) (ઇ. સાદિક (અ.સ.))એ ફરમાવ્યું : “દરેક રૂદન તથા વિલાપ મકરૂહ છે સિવાય કે ઇમામ હુસૈન (અ.સ.) ઉપર રૂદન અને વિલાપ.

(ઉપરોક્ત રિવાયતો ભરોસાપાત્ર હદીસકાર શૈખ અબ્બાસ કુમ્મી “મુન્તહ્યુલ અઅમાલમાંથી લેવામાં આવી છે.)

“નજીક (ના સમય)માં જ તે લોકો કે જેમણે ઝુલ્મ કર્યો છે આ જાણી લેશે કે તેઓ કંઇ છેવટની જગ્યાએ પાછા ફરશે.

(સુરએ શોઅરા: ૨૨૭)

*  *  *  *  *

– સોગવાર : એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)

– મોહર્રમુલ હરામ, હિ.સન : ૧૪૨૭



: કિતાબનું નામ :

જે ઇમામ હુસૈન (અ.સ.) પર રડે..

: સંદર્ભ :

મુન્તહ્યુલ અઅમાલ

લેખક : શેખ અબ્બાસે કુમ્મી (અ.ર.)

: વર્ષ :

મોહર્રમુલ હરામ હિ.સ. ૧૪૨૭

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *