વાસ્તવિક જીવન
ઇસ્લામી શિષ્ટાચાર અને રીતભાત પર એક ઉડતી નજર
નવી પેઢી અને સામાજીક જીવન
જ્યારે ઓલાદ બાળપણનો સોનેરી કાળ પૂરો કરીને કિશોરાવસ્થા અને યુવાનીના ઉંબરા ઉપર પગલા માંડે છે ત્યારથી જ તેના સામાજીક જીવનની શરૂઆત થાય છે. હવે તે પોતાની દુનિયામાં એકલો અટુલો નથી રહ્યો પરંતુ સમાજનું એક અંગ બની ગયો છે જ્યાં તેનો સંબંધ સમાજના બીજા લોકોની સાથે પણ છે. સમાજની એક વ્યક્તિ હોવાના કારણે તેની પોતાની અમૂક જવાબદારીઓ છે. તે પોતે પણ એ વાતનો એહસાસ કરે છે કે તેને સમાજની એક જવાબદાર વ્યક્તિ ગણવામાં આવે. તે ચાહે છે કે સામાજીક બાબતોમાં તેનો પણ સમાવેશ કરવામાં આવે અને તેને પણ મહત્વ આપવામાં આવે. તે ચાહે છે કે તેનો પણ અભિપ્રાય લેવામાં આવે.
ઘરનું વાતાવરણ ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે. જવાબદાર માતા પિતા આ કુદરતી પરિવર્તનનો અનુભવ કરે છે અને પોતાની ઓલાદને પોતાની મુંજવણોમાં શામેલ કરે છે. તેમની સાથે સલાહ મશ્વેરો કરે છે. તેમના સુચનોનો સ્વિકાર કરે છે. પોતાના અનુભવો થકી પોતાની ઓલાદની અપરિપક્વ વિચારસરણીને એવી રીતે ઢાળે છે કે તે ખોટા નિર્ણયો કરવાથી સુરક્ષીત થઇ જાય છે અને પુખ્ત અને પરિપક્વ માણસ બનવા માટે ડગલા માંડવા માંડે છે. આમ ધીમે ધીમે તે પોતાના વિચારોમાં મક્કમતા અને સ્થિરતા અપનાવી લે છે.
જવાબદારીઓની શરૂઆત
ઉમ્રના આ તબક્કામાં જ્યારે બાળપણ અને જવાની એકબીજાની નજદીક હોય છે, બાળકનું હૃદય અને અક્લ કાચની જેમ સાફ અને મીણની જેમ નરમ હોય છે. તે જે પણ કાંઇ તેના ઘરમાં, સ્કુલમાં, કોલેજમાં, મોહલ્લામાં, મસ્જીદમાં, બેઠકોમાં….. જોવે છે તેને પોતાના મગજમાં ઉતારી લે છે. આ માનસીક ચિત્રો ધીરે ધીરે તેના હૃદયને બદલે છે. અને સમય પસાર થતાં તે બાબતો તેના અંગો અને ઉપાંગો વડે જાહેર થવા માંડે છે.
આ એ તબક્કો છે જ્યાં દરરોજ નવું ચિત્ર સામે આવે છે અને ભુંસાઇ જાય છે. શરૂઆતમાં કોઇ પણ ચિત્ર અંકિત નથી થતું. દરરોજ એક નવી નિતી, દરેક મિનિટે એક નવી આદત અને દરેક પળે એક નવું વલણ જોવા મળે છે. દરેક વસ્તુ તેને પોતાની તરફ આમંત્રણ આપે છે. સારી પણ અને ખરાબ પણ. સારપ તરફ જવા માટે તેને ખ્વાહીશો મદદ નથી કરતી, વાસનાઓ તેને સારપ તરફ ઢળવાથી રોકે છે અને શૈતાની તાકાત અને વસવસો તેને તે માર્ગ તરફ જવા આડે અડચણો ઉભી કરે છે. તદ્ઉપરાંત અગર સ્કુલ અને કોલેજનું વાતાવરણ, ત્યાંના અખ્લાક, ત્યાંની ભાષા અને ત્યાંની રીતભાત સારપ અને અખ્લાકીયાત તરફ નથી જતા, અને મોટાભાગે આમજ બનતું હોય છે, તો પછી આવા વાતાવરણમાં સાચી જીંદગી અને ઉંચું ચારિત્ર્ય અપનાવવું ખૂબજ અઘરૂં બની જાય છે. અને તેના કરતાં પણ વધારે અઘરૂં અને અશક્ય જેવું ત્યારે બની જાય છે જ્યાર ઘરનું વાતાવરણ બિન-ઇસ્લામીક અને બિન-ધાર્મિક હોય.
સંવેદનશીલ તબક્કો
શરૂઆતમાં, નાના માસુમ બાળકોની ખરાબ અને અસભ્ય ભાષા અને વર્તણુંક સારી લાગે છે. પરંતુ જો શરૂઆતથીજ તેના પર ધ્યાન દેવામાં ન આવે તો તે પછી આદતમાં બદલાય જાય છે અને આગળ જતાં તેની અયબ અને ખામી તરીકે ગણવામાં આવે છે. આ વાત જોવા મળે છે કે એક નાનું બાળક જે ચીડીયું હોય તેને જરા ચીડવે છે તો તે વધારે ચીડાઇ જાય છે અને તે ગુસ્સે થઇને ખરાબ ભાષા અને અયોગ્ય વર્તણુંક કરે છે. વડીલો તેની આ વર્તણુંકથી આનંદ ઉપાડે છે અને કહે છે : “કેટલું મીઠું બોલે છે? તેના આ ક્રોધને તેઓ બાળકના નિર્દોષપણાની નિશાની સમજે છે. ઘણી વખત, વડીલોની આ મજાક એટલી હદે પહોંચે છે કે બાળકને એવું કાર્ય કરવા માટે ઇનામની લાલચ આપીને એવું કાર્ય કરાવડાવે છે. અને આમ તેના નખરાં અને ખરાબ વર્તણુંક પર હસવાથી તેને વધારે પ્રોત્સાહન મળે છે. આવું પ્રોત્સાહન નરમ મીણને કઠણ બનાવી દે છે. આ રીતે બાળપણની આ જ ખીજાવાની આદત, યુવાનીમાં પણ એક સ્થાઇ અને હંમેશની આદત બની જાય છે. હવે જ્યારે આ આદતો તેની યુવાનીમાં નવા રૂપમાં જાહેર થવા લાગે છે, તો તેને અયબ અને ખામી ગણવામાં આવે છે અને આ પ્રોત્સાહક હાસ્ય પીડાદાયક અણગમામાં બદલાઇ જાય છે.
એથી, તે સમાજની, લોકોની અને ખાસ કરીને વાલીઓની એ જવાબદારી છે કે આવી આદતો પર પહેલીથીજ ખાસ ઘ્યાન આપે. જ્યારે દિલ મીણની જેમ નરમ હોય છે અને આદતો હજી તેમાં કોતરાણી નથી હોતી ત્યારે સુધારણા અને વિકાસ માટે આપણે સારી પદ્ધતિ અને યોગ્ય સમયનો ઉપયોગ કરવો જોઇએ. સુધારણા માટે કુણુ વલણ, હળવી પદ્ધતિ અને યોગ્ય મોકાનો ઉપયોગ કરવો જોઇએ. જે વસ્તુને આંગળીઓથી સીધી કરી શકાતી હોય ત્યાં હથોડી ન વાપરવી જોઇએ.
વર્તમાન સંજોગો :
આધુનિક જીવન ભૌતિક જરૂરિયાતો મેળવવા એ હદે પહોંચી ગઇ છે કે માણસ મશીન બની ગયો છે. અગાઉના ઝમાનામાં ભણતરનો હેતુ, અજ્ઞાનતા દૂર કરવા ઉપરાંત માણસને સંસ્કારી અને વિવેકી બનાવવાનો પણ હતો. ભણતર અને સંસ્કાર બંને એક સાથે હતા. માણસનો વિવેક, સંસ્કાર, અખ્લાક અને તેનું સન્માન વિગેરે માણસની વિદ્વતાને દર્શાવતું. શિક્ષીત અને અશિક્ષત માણસોની દરમ્યાનનો ભેદ તેમના સંસ્કાર અને અખ્લાક વડે થતો હતો. એટલે સુધી કે એક ગરીબ પણ શિક્ષીત અને સંસ્કારી શખ્સને તવંગર પણ અભણ અને અસભ્ય શખ્સથી અલગ તારવવામાં આવતો.
શિક્ષીત લોકોની ભાષા, વાતો કરવાની, બેસવાની, ઉભા થવાની અને લોકોને મળવાની રીત વિગેરે બધુ જ જુદુ તરી આવતું હતું.
કમનસીબે, આધુનિક યુગમાં ભણતરની પદ્ધતિ એવી રીતે ઘડવામાં આવી છે કે તેમાં વિવેક, અખ્લાક અને સંસ્કારનું નામોનિશાન નથી. ન તો શિક્ષકો તેના વિષે સભાન છે અને ન તો વિદ્યાર્થીઓમાં કોઇ લાગણી કે લગાવ છે. આપણે વિદ્યાર્થીઓનો કઇ રીતે વાંક કાઢી શકીએ જ્યારે કે શિક્ષકો પાસે સંસ્કારોનો અભાવ છે? અને શિક્ષકોને પણ ક્યાંથી કાંઇ કહી શકાય જ્યારે કે આખી શિક્ષણ પદ્ધતિમાંજ આવી મહત્વની બાબતને ત્યજી દેવામાં આવી છે.
આનું પરિણામ એ છે કે આજની નવી પેઢી જવાળામુખી જેવી છે, જે ગમે ત્યારે ફાટી નીકળે અને તેની આજુબાજુની બધી વસ્તુઓને બરબાદ કરી નાખે. વડીલો એમ માને છે કે તેમની ઇઝઝતની સલામતી જવાનોથી દૂરી ઇખ્તેયાર કરવામાંજ છે અને તેમની સાથે વાતચીત કરતી વખતે તેમનાથી અંતર રાખે છે. સલાહ સુચન આપવાના દિવસો ચાલ્યા ગયા, જ્યારે વડીલો જવાનોને તેમની બદઅખ્લાકી અથવા તો અનઅપેક્ષીત કૃત્યો તરફ ઘ્યાન દોરવું પોતાની નૈતીક જવાબદારી સમજતા હતા અને અગર તેઓ પાછી ભૂલ કરતાં તો ફરીવાર તેમને સમજાવતાં. એક નવયુવાન પણ તેમની સલાહને માન આપી અને પોતાને જાતને સુધારવાની કોશીષ કરતો હતો.
આજે, દરેક જણ વિવેક અને સંસ્કાર વગરના ભણતરની અસરને જોઇ શકે છે. જ્યારે કે માણસનું વાસ્તવીક જીવન અને તેનું મુલ્ય તેના વિવેક, સંસ્કાર અને અખ્લાકમાં રહેલ છે.
સારાં અખ્લાકનું મહત્વ
હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)એ ફરમાવ્યું :
اَلْاَدَبُ کَمَالُ الرَّجُلِ
“સારાં અખ્લાક માણસની સંપૂર્ણતા છે.
(ગોરરૂલ હેકમ, હદીસ : ૯૯૮)
બીજી એક હદીસમાં આપ(અ.સ.)એ ફરમાવ્યું :
“અય મોમીન! આ ઇલ્મ અને અખ્લાક તમારી જીંદગીનું મૂલ્ય છે. તેને પામવા માટે ખૂબજ પ્રયત્ન કરો. જેટલું તમારૂં ઇલ્મ અને અખ્લાક વધશે, એટલું જ તમારૂં મૂલ્ય અને ઇજ્જત વધશે.
(મિઝાનુલ હીકમત, અદબનું પ્રકરણ, નં. ૩૧૬)
પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ ફરમાવ્યું :
“વાજીબ કાર્યોની અદાયગી પછી, સર્વશ્રેષ્ઠ કામ જે મોમીન અલ્લાહની બારગાહમાં અદા કરી શકે છે તે લોકો સાથેની સારી વર્તણુંક છે.
(દોસ્તી દર કુરઆન વ હદીસ : પાના નં. ૩પ૬)
હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સલાહ આપે છે.
“દરેક માણસની કદર અને કિંમત તેના કાર્યો છે.
“જે કોઇ પોતાની કદર અને કિંમતને જાણે છે તે ક્યારેય બરબાદ નથી થતો.
“માણસ પોતાની જીભની પાછળ છુપાયેલો છે.
(બેહારૂલ અન્વાર, ભાગ-૭૭, પાના નં.૪૦૦, મિઝાનુલ હીકમત, પ્ર.અદબ, પા.નં. ૩૮૫)
ઉપર દર્શાવેલ ત્રણેય વાક્યો એટલા કિંમતી છે કે તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આજે જીવનમાં માણસનું મૂલ્ય અને કિંમત તેના ઘર, શક્તિ, સત્તા, માલમતા હોદ્દા અને પ્રતિષ્ઠાથી અંકાય છે. જેની પાસે ઉપરની વસ્તુઓ હોય તે માનનીય, મોભાદાર અને મહત્વની ગણાય છે. અને જેની પાસે આ “સ્ટેટસ સીમ્બોલ નથી તેને હલકી કક્ષાનો ગણવામાં આવે છે.
પરંતુ જો આપણે થોડીવાર માટે માસુમ ઇમામો(અ.સ.) જેઓ હિદાયતના ચિરાગ છે, તેમની હદીસો પર ગંભીરતાપૂર્વક અને શાંતચિત્તે વિચારીશું તો પછી આ વાત એકદમ સ્પષ્ટ થઇ જશે કે માણસની હકીકત તેનો દેખાવ અને શરીર નથી. આપણા બધાજ અંગો આજ્ઞાંકિત નોકરની જેવા છે, જેઓ પોતાના માલિકના હુકમોનું અનુસરણ કરી રહ્યા છે. માણસની વાસ્તવિક્તા તેનું દિલ, તેની રુહ અને તેનામાં ઉદ્ભવતા વિચારો અને માન્યતા છે. જ્યાંથી તેના અંગોને આજ્ઞાઓ અને હુકમો મળે છે. કયામતના દિવસે, આજ વિચારો અને માન્યતાઓના શારિરીક રૂપમાં માણસને ઉઠાડવામાં આવશે.
જો તે વિચારો અને માન્યતા સારા અને ઉમદા હશે તો પરિણામે આપણી આદતો અને અખ્લાક પણ તેટલા જ સારા હશે. અને કયામતના દિવસે આપણને આ આદતો અને અખ્લાકના પ્રમાણમાંજ સુંદર અને ચમકતા ચહેરાની સાથે ઉઠાડવામાં આવીશે. નહિંતર આપણે પોતે જ આપણા હાથો વડે અને સ્વેચ્છાએ આપણા રૂપને ખરડી નાખનારાઓમાંથી કહેવાઇશું.
આપણી ચર્ચા નવી પેઢીના અખ્લાક અને સંસ્કારની છે. આજની શિક્ષણ પદ્ધતિમાં આ પ્રકારની કોઇપણ વસ્તુ જોવા મળતો નથી. માણસમાં આ મહત્વના ગુણોની પ્રગતિના કોઇ ચિહ્નો દેખાતાં નથી. આપણે જે કહીએ છીએ તેનાથી તદ્દન વિરૂદ્ધ, સારા અખ્લાક અને સંસ્કારને તબાહ કરે તેવા પરિબળો મૌજુદ છે.
હવે આપણે આ અતિમહત્વની બાબતને ઘ્યાનમાં રાખીને અમૂક અખ્લાકી ચર્ચાઓને સંક્ષીપ્તમાં જોઇશું.
સલામ (سلام)
સામાન્ય રીતે, જ્યારે બે માણસો મળે છે ત્યારે તેઓ એકબીજાની સાથે અમુક શબ્દો વડે શુભેચ્છા પાઠવે છે. જેમ કે :
અંગ્રેજીમાં તેઓ Good Morning
અરેબીમાં صباح الخیر
હિન્દુસ્તાનમાં “નમસ્તે વિગેરે કહે છે.
ઇસ્લામ, જે સૌથી મહાન અલ્લાહએ મોકલાવેલો મઝહબ છે અને દરેક ધર્મોમાં સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ ધર્મ છે. જેવી રીતે અલ્લાહ તમામ મખ્લુક પર અવર્ણનીય સર્વોપરિતા ધરાવે છે, તેવી જ રીતે ઇસ્લામ પણ બીજા બધા ધર્મો પર અકલ્પનીય સર્વોપરિતા ધરાવે છે. ઇસ્લામે હુકમ કર્યો છે કે જ્યારે બે માણસો એકબીજાને મળે ત્યારે તેઓએ એકબીજાને “સલામ વડે આવકારવા જોઇએ.
સલામનો અર્થ
જ્યારે આ વાક્ય سَلاَمٌ عَلَیْکُمْ (તમારા પર સલામ થાય) બોલાય અને સામેનો માણસ તેને સાંભળે, ત્યારે તેનો અર્થ એમ થયો કે સલામ કરવાવાળો સામેના માણસને કહે છે કે “તમને મારા તરફથી કોઇપણ જાતની તકલીફ નહીં પહોંચે. હું દરેક રીતે અને દરેક સમયે તમારી સલામતી, કલ્યાણ અને સુધારણા ઇચ્છું છું. આ વાક્યની સચ્ચાઇને સ્વિકાર્યાં પછી, સાંભળવાવાળો જવાબ આપે છે. وَعَلَیْکُمُ السَّلاَمُ એટલેકે “હું પણ તમને કોઇપણ રીતે તકલીફ નહી પહોંચે તેની ખાત્રી આપું છું, એટલે કે હું પણ શુભચિંતક છું. બીજા શબ્દોમા બંને એકબીજાને સમર્પિત થાય છે, જેના પરિણામે ઘમંડ ભાંગી જાય છે. તદ્ઉપરાંત દિલો પાક થઇ જાય છે.
સલામની રીત
ઇસ્લામે સલામ પર એટલો બધો ભાર મુક્યો છે કે તેણે મુસલીમોને સલામ વગર વાત ચીતની શરૂઆત કરવાની મનાઇ કરી છે. સલામ કરવામાં પહેલ કરવી મુસ્તહબ છે પરંતુ તેનો જવાબ આપવો વાજીબ છે. એટલે જ્યારે મુસલમાનો આપસમાં મળે તો તેમની સર્વપ્રથમ દિની જવાબદારી એ છે કે તેઓ એકબીજાની સલામતી ઇચ્છે. સાહિત્યીક રીતે ઇસ્લામનો અર્થ સમર્પણ છે. જ્યારે સલામ એટલે બીજા માણસ માટે સલામતીની ચાહના કરવી. આમ, ઇસ્લામ એ દરેક પગલે સમર્પણનો ધર્મ છે. તેની તાકીદ કરવામાં આવી છે કે સલામનો જવાબ સલામના શબ્દો કરતાં વધારે સારો હોવો જોઇએ. એટલે કે سَلاَمٌ عَلَیْکُمْ નો જવાબ وَ عَلَیْکُمْ السَّلاَمُ وَ رَحْمَۃُ اللَّٰہِ હોવો જોઇએ. ઇસ્લામ જવાબ આપવામાં સમાનતામાં નથી માનતો પણ એ ચાહે છે કે જવાબ બહેતર હોય. આ પણ સારાં અમલો બજાવી લાવવામાં આગળ વધી જવા માટેની બહેતરીન પદ્ધતિ છે.
હા, જે પહેલાં સલામ કરે છે તેના માટે ૬૯ નેકી અને જવાબ દેનાર માટે ફક્ત એક સવાબ છે. જેથી લોકો એકબીજાની સલામતી ચાહવા માટે એકબીજાથી આગળ નીકળી જાય.
બાળકોને સલામ
સામાન્ય રીતે, આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે બાળકો વડીલોને પહેલા સલામ કરે. કમનસીબે વડીલો પોતે તેમનાથી નાના લોકોને સલામ કરવામાં પહેલ નથી કરતા. અહિં તેના કારણો દર્શાવવા જરૂરી નથી. પરંતુ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)નો અમલ એ હતો કે આપ(સ.અ.વ.) બાળકોને અને જેઓ આપ(સ.અવ.) કરતા નાના હોય તેમને સલામ કરતાં અને કહેતા:
“હું બાળકોને અને મારાથી વયમાં નાના હોય તેઓને સલામ કરૂં છું જેથી કરીને મારા પછી મારી આ સુન્નત બાકી રહે.
આપણે વિચારવું જોઇએ કે આપણી આજની વર્તણુંકથી પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) આપણા કાર્યોથી ખુશ થતાં હશે કે પછી…???
સ્ત્રીઓને સલામ
કુદરતી તફાવતોને ધ્યાનમાં રાખીને ઇસ્લામે પુરૂષ અને સ્ત્રીને એકબીજાના સમોવડીયો નથી ગણ્યા. (આ આધુનિક યુગની જેમ નહી, જેઓ તેઓને દરેક પાસાથી સરખાં સમજે છે અને તેમની ભૂલ ભરેલી માન્યતાને લીધે તેના આકરા પરિણામો દરેક બાજુએ જોવા મળે છે.) પરંતુ સાથો સાથ, ઇસ્લામે સ્ત્રીને હલકી નઝરે જોવાનું પણ નથી કહ્યું. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) પુરૂષ અને બાળકોને સલામ કરતાં સાથો સાથ સ્ત્રીઓને પણ સલામ કરતાં હતાં જો કે યુવાન સ્ત્રીઓને સલામ કરવું મકરૂહ છે. કારણકે સલામના જવાબ દેવાથી વાતચીત આગળ વધવાની શક્યતા રહેલી છે. આના કારણે તાકીદ ભર્યું કામ કરીને સવાબ મેળવવા જતાં આપણે ક્યાંક હરામ તરફ કદમ ન ઉપાડી લઇએ. ઇસ્લામ દિલ અને નઝરની પાકઝગી માટે કેટલો સંવેદનશીલ છે.
જ્યારે ઘરે આવો
જ્યારે તમે ઘરમાં દાખલ થાવ તો સલામ કરો. બીજા તમને સલામ કરે તેની રાહ ન જુઓ. અગર ઘરમાં કોઇપણ ન હોય તો આ રીતે સલામ કરો ઽૄઙ્ખૄઽૄૂઙ્મ ર્દ્ભૄૄેંૐૄઽ ૂૄૐ ૄગ્નૄૄઽ એટલે કે જ્યારે તમે ઘરમાં દાખલ થાવ, તો સલામતી અને શાંતિના સંદેશાવાહક તરીકે દાખલ થાવ અને નહી કે ત્રાસવાદી જાલીમની જેમ. તદ્ઉપરાંત તમારા આવવાની જાણ કરો અને ઘરમાં ઉતાવળે દાખલ ન થઇ જાવ. કારણકે આપણને ખબર નથી કે ઘરમાં રહેવાવાળા અંદર કઇ હાલતમાં છે.
તેઓને સલામ ન કરો
એક બાજુ જ્યાં ઇસ્લામે સલામ કરવામાં પહેલ કરવા પર ભાર મુક્યો છે ત્યાં બીજી બાજુ તેણે મુસ્લીમોને અમુક પ્રકારના લોકોને સલામ કરવાની મનાઇ કરી છે. જેવા કે
૧. શરાબી,
૨. મુર્તી બનાવનારાઓ.
૩. શતરંજના ખેલાડી,
૪. જુગારી,
પ. પોતાની માતા વિષે ખરાબ બોલનાર,
૬. જે કવિઓ નિર્દોષ સ્ત્રી પર બદનક્ષીનો આક્ષેપ કરે છે અને
૭. વ્યાજ લેનારા.
ઇસ્લામ ફક્ત ઇન્સાનને ગુનાહો અને ખરાબ કાર્યોથી દૂર રહેવાનું જ નથી કહેતો પરંતુ મુસ્લીમોને ગુનેહગાર લોકોને માન આપવાની પણ મનાઇ કરી છે. હા પણ સલામ ન કરવી અને અપમાન કરવું બન્નેમાં ફરક છે. સલામ ન કરવી ઇસ્લામનો હુકમ છે. પરંતુ બીજાઓનું અપમાન કરવું અખ્લાકથી વિરૂદ્ધ છે. ઇસ્લામે આ પદ્ધતિ એટલા માટે અપનાવી છે જેથી લોકો ગુનાહોથી દૂર રહે. અગર આ હુકમનું પાબંદીથી પાલન કરવામાં આવતું હોત તો એવા લોકો જોવા ન મળતે, જેઓ ખુલ્લમ ખુલ્લા ગુનાહો કરે છે, અને અલ્લાહના હુકમોની મજાક ઉડાવે છે. અને એવા લોકોને દીની કાર્યક્રમો અને મહેફીલોમાં પ્રમુખ સ્થાને કે અતિથી વિશેષના સ્થાન પર ન બેસાડવામાં આવતે.!!!
હાથોને મેળવવા (مصافحۃ)
મુલાકાતનો બીજો શિષ્ટાચાર મુસાફેહા છે. એકબીજાના હાથ મેળવવા છે. અરબીમાં ૂઙ્ઘઽઝ઼લ્લ્ કહેવાય છે. (ઙ્ઘઝ઼લ્લ) નો અર્થ થાય છે એકબીજાની ભુલોને દરગુજર કરવી. સલામ દ્વારા એકબીજાની સલામતી ચાહ્યા પછી હાથોને મેળવીને એક મોમીન બીજા મોમીનના બધા જ વાંક, ભુલો અને ખામીઓને માફ કરે છે. ઇસ્લામે સલામ દ્વારા જાહેરી દૂરીને દૂર કરી દીધી અને મુસાફેહો કરાવીને એકબીજાને દિલો જાનથી નજદીક કરી દીધાં. શું આનાથી વધીને શાંતિ, સચ્ચાઇ અને પાકીઝગીનો બીજો કોઇ સંદેશો હોઇ શકે?
હદીસમાં છે કે :
“મુસાફેહા દ્વારા ખુદાએ ફરિશ્તાઓને ઇજ્જત આપી છે. તમે પણ એકબીજાની સાથે ફરિશ્તાઓ જેવો વર્તાવ કરો.
(મહજ્જુતુલ બયઝાઅ, ભાગ – ૩, પાના નં. ૩૮૮)
હઝરત ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું :
“જ્યારે એક મોમીન બીજા મોમીનની સાથે મુસાફેહા કરે છે, ત્યારે ખુદા તે બન્નેને રહેમતની નજરથી જુએ છે. અને બન્નેના ગુનાહ એવી રીતે દૂર થઇ જાય છે જેવી રીતે ઝાડ પરથી પાંદડા ખરે છે.
(ઉસુલે કાફી, ભાગ – ૨, પાના નં. ૧૭૯)
બીજી હદીસમાં છે કે :
“અને જેના દિલમાં વધારે મોહબ્બત હોય છે ખુદા તેનાથી મુસાફેહો કરે છે.
“મુસાફેહા કરતી વખતે એક બીજાને મુજાહીદનો સવાબ મળે છે.
(ઉસુલે કાફી, ભાગ – ૨, પાના નં. ૧૭૯)
મુસાફેહા કરવાની રીત
જ્યારે તમે હાથ મેળવો, બન્ને હાથ ભેગા કરીને મેળવો જેવી રીતે અંબિયા(અ.સ.)એ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની સાથે મેઅરાજની રાતે હાથ મેળવ્યા હતા.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૧૮, પાના નં. ૩૧૭)
તેઓએ પોતાના બન્ને હાથો વડે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સાથે મુસાફેહા કર્યો હતો. ફક્ત એક હાથ સાથે મુસાફેહો કરવો, અંગ્રેજોની રીતે છે ઇસ્લામી રીતે નથી.
જ્યારે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) કોઇની સાથે હાથ મેળવતા તો આપ(સ.અ.વ.) ત્યાં સુધી પોતાના હાથો પાછા ન ખેંચતા જ્યાં સુધી સામેવાળો વ્યક્તિ પોતાના હાથોને પાછા ન લઇ લે.
(અલ કાફી, ભાગ – ૨, પાના નં. ૧૮૨)
કોની સાથે મુસાફેહા ન કરવા
“નામેહરમ સાથે મુસાફેહા કરવો હરામ છે અને તેની સજા જહન્નમની આગ છે.
(બેહારૂલ અન્વાર, પ્ર. ૭૬, પાના નં. ૩૬૩)
અગર કદાચને નામહેરમ સાથે મુસાફેહા લેવા પડે તો પોતાના હાથોને કપડાથી ઢાંકીને પછી લે. જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) કોઇ સ્ત્રી પાસેથી બયઅત લેતા તો તેઓ પોતાના હાથોને પાણી ભરેલા વાસણમાં નાખતા અને પછી કાઢી લેતા. ત્યાર પછી આપ(સ.અ.વ.) સ્ત્રીઓને હકુમ કરતા કે તેણીઓ પોતાના હાથોને તે જ વાસણમાં નાખે. કારણ કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના હાથો તેના કરતા ઘણા પાક હતાં કે તે કોઇ નામેહરમ સ્ત્રીને સ્પર્શે.
(વાસએલ, ભાગ – ૧૪, પાના નં. ૧૫૧)
આવું, સ્ત્રીઓને હલકી ગણવા કે પછી અપમાનિત કરવા માટે નહોતા કરતા. પરંતુ દિલ અને આંખની પાકીઝગીના માટે હતું. એ ઇસ્લામ જે યુવાન સ્ત્રીઓને સલામ કરવાની મનાઇ કરે છે તે નામહેરમની સાથે હાથો મેળવવાની કેવી રીતે રજા આપે?
પશ્ર્ચીમી સંસ્કૃતિથી પ્રભાવીત થઇને લઘુતા ગ્રંથીથી પીડાઇને પોતાની જાતને મુક્ત વિચારધારા ધરાવનાર સાબિત કરવા માટે નામહેરમ ઔરતો સાથે હાથ મેળવવો માત્ર દુનિયાદારો અને દીની ગૈરત ન ધરાવતા લોકોની નઝરમાં તો ખુશી અને ગર્વનું કારણ કોઇ શકે છે.
પરંતુ તે ઇસ્લામ, અહલેબૈત (અ.સ.) અને ઇમામે ઝમાના(અ.સ.)ની નજરમાં હરગીઝ માનને પાત્ર નથી. ખોટા પાયા પર ઉભેલો સમાજ ક્યારેય માણસની નૈતિકતાનું માપદંડ ન હોઇ શકે. માત્ર તેજ નૈતિક મુલ્યો જે કુરઆને કરીમ અને એહલેબૈતે અત્હાર(અ.સ.)ના શિક્ષણોમાં આવેલા છે, માણસની મહાનતા અને શરાફતનું માપદંડ હોય શકે છે.
ઇસ્લામી તાલીમમાં મુસાફેહા કરવો અને કપાળને બોસો દેવાની ભલામણ કરવામાં આવી છે. પરંતુ હાથ ચુમવો એ ખૂબ વધારે પસંદ કરવા લાયક કાર્ય નથી. હા પરંતુ રસુલ (સ.અ.વ.) અને તેમની આલ, માઅસુમીન (અ.સ.)ના મુબારક હાથનો બોસો આપી શકાય છે. અથવા એવા લોકોનો હાથ ચુમી શકાય છે જેમનું માન જાળવવું એ અલ્લાહના રસુલ(સ.અ.વ.)નું માન જાળવવા બરાબર હોય.
માન
સલામ અને મુસાફેહા કર્યા બાદ વાચતીચની શરૂઆત
માણસની જીભ માંસનો એક નાનો ટુકડો છે જે ૩૨ દાંતોની પાછળ કેદમાં પુરાયેલી છે. પરંતુ તે એટલી બધી અગત્યની છે કે માણસનું સમગ્ર વ્યક્તિત્વ તેની એક હરકત પાછળ છુપાએલ છે. તેની થોડીક હરકત લોકોના દિલ જીતી શકે છે અથવા તો ગુસ્સા અને નફરતનું તોફાન લાવી શકે છે. એ જીભ જ છે જે માણસને લોકપ્રિય બનાવે છે અથવા તો અળખામણો બનાવે છે. અહીં આપણો હેતુ જીભ વિષે ચર્ચા કરવાનો નથી. પણ વાતની શરૂઆત જીભથી થાય છે તેથી આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
જેમની સાથે આપણે વાત કરશું તે કાં તો આપણાથી મોટા હશે અથવા તો આપણા સમોવડીયો હશે અથવા તો આપણાથી નાના હશે. આમાથી એક પણ એવું નથી જેનું માન જાળવવું આપણા ઉપર જરૂરી ન હોય. આ સામાન્ય મોઅમીનો માટેની વાત છે. પરંતુ અગર તે આપણા સગાવહાલા અથવા સંબંધી હોય તો તેઓ માન અને એહતેરામના વધારે હકદાર છે.
જેઓ આપણા કરતા ઉમ્રમાં મોટા છે તેમનું માન એટલા માટે જાળવવું જોઇએ કારણકે તેમની ઇબાદતો, તેમની નમાઝો, તેમના રોઝા, તેમની દીન માટેની ખિદમતો વિગેરે… આપણા કરતા વધારે છે. તેઓ આપણા કરતા વહેલા ઇમાન લાવ્યા છે અને ઇમાનમાં આગળ છે. તેમનો અલ્લાહ તઆલા સાથેનો લગાવ આપણા લગાવ કરતા વધારે છે.
જેઓ આપણાથી નાના છે તેઓ આપણા માટે માનને લાયક એટલા માટે છે કારણકે તેમના ગુનાહો આપણા કરતા ઓછા છે. તેમણે અલ્લાહની નાફરમાની એટલી હદ સુધી નથી કરી જેટલી આપણે કરી છે તેથી તેઓ પોતાના ઓછા ગુનાહોને લીધે વધારે માનને લાયક છે.
એ લોકો કે જેઓ આપણા સમોવડીયા છે તેઓ એટલા માટે માનને લયાક છે કે આપણને આપણા ગુનાહો અને ભુલોનું યકીન છે પરંતુ તેમની ભુલો અને ગુનાહોની આપણને ખબર નથી. તેથી જે શખ્સના ગુનાહ સાબીત ન થયા હોય તે ગુનેહગાર સાબીત થયેલ શખ્સથી વધારે માનનો અધિકાર ધરાવે છે.
આ બધાજ મોકા ઉપર ઇન્સાનના માન માટેનું માપદંડ તેની અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ.) પ્રત્યેની ઇતાઅત અને નાફરમાની પર આધારીત છે.
પરંતુ આજના જમાનામાં આનાથી વિરૂદ્ધ અમલ થઇ રહ્યો છે. તેનું એક કારણ એ છે કે આપણે માન માટેનું માપદંડ આપણા પરસ્પરના સંબંધો અને વ્યક્તિગત ફાયદાઓને ગણ્યા છે. સ્પષ્ટ છે કે જ્યારે અલ્લાહની જગ્યાએ પોતાની જાત અને “હું આવી જાય તો માપદંડ બગડી જશે અને સમાજ ખરાબ થશે.
વડીલો પ્રત્યે માન
ઇસ્લામ એ મોહબ્બત અને માનનો સંદેશ છે. કોઇ પણ મોમીનની તૌહીનને ઇસ્લામે સખ્તપણે હરામ ઠરાવેલ છે. અમૂક રિવાયતોમાં તો આને અલ્લાહની સાથેની લડાઇ પણ કહેવામાં આવેલ છે. ઇસ્લામે તેના માનનારાઓને એકબીજાનું માન જાળવવા હુકમ કરેલ છે.
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“અગર કોઇ શખ્સ કોઇ બુઝુર્ગ વડીલ જે સફેદ દાઢી ધરાવતો હોય તેનો એહતેરામ તેની ઉમ્રના કારણે કરો, તો અલ્લાહ તઆલા તેને કાયમતના દિવસના ભયથી સુરક્ષીત રાખશે.
એક બીજી રિવાયતમાં છે.
“ખુદાએ એ નક્કી કરી લીધું છે કે અગર કોઇ જુવાન કોઇ બુઝુર્ગને માન આપશે તો જ્યારે તે જવાન ઘરડો થશે તો અલ્લાહ તઆલા તેના એહતેરામનો બંદોબસ્ત કરશે.
(સફીનતુલ બેહાર, ભાગ – ૧, પાના નં. ૭૩૫)
આથી એ વાત સ્પષ્ટ થાય છે કે બુઝુર્ગોને માન આપવાથી ઉમ્રમાં વધારો થાય છે. અને બુઝુર્ગોને આપેલ માન તેમના માટે ભવિષ્યમાં મળનાર માનનું કારણ છે. આની સાથે સાથે એમ પણ ફરમાવ્યું :
“તે અમારામાંથી નથી જે ન તો બુઝુર્ગોને માન આપે છે અને ન તો નાનાઓ પર રહેમ કરે છે.
(મહજ્જહઅલ બૈઝા, ભાગ – ૩, પાના નં. ૩૬પ)
માન આપવાની અમૂક શરતો
૧. જો કોઇ બુઝુર્ગ આપણી પાસે આવે અથવા આપણે તેમની પાસે જઇએ અને આપણા મિજાઝ વિરુદ્ધ વાત ન થઇ અર્થાંત આપણને અણગમતી વાત ન થઇ આવી પરિસ્થિતીમાં આપણે તેમને સલામ કરી, તેમને માન આપવા માટે ઉભા થયા અને અદબ, નરમાશ તથા નમ્રતાથી તેમની સાથે વાતચીત કરી.
૨. વડીલોની વાતો આપણી પસંદગી પ્રમાણેની ન થઇ. ઉદાહરણ તરીકે ગમે તે વાત પર તેમણે ગુસ્સો ર્ક્યો ભલે કોઇ કારણને લીધે હોય કે વગર કારણે (આપણે વાંકમાં હોઇએ અથવા ન પણ હોઇએ) કડક અને સખ્ત શબ્દો વાપર્યા. આ સમયજ સાચી કસોટીનો સમય છે. આજ કાલના સમયમાં આવો ઠપકો સાંભળીને જુવાનીયાઓનું લોહી ઉકળી જાય છે, જવાની જોશમાં આવી જાય છે અને “હું પદના બચાવ માટે તેમના જઝબાત ભડકી ઉઠે છે. ટી.વી. સીરીયલોમાં વપરાતી ભાષા અને તેનો અંદાજ તેમને ઉશ્કેરે છે. એટલું જ નહી પરંતુ બદલો લેવા માટે પ્રેરે છે. આવી હાલતમાં બુઝુર્ગોનો એહતરામ રાખવો, અલ્લાહને આપણી કરતા વધારે તાકતવર સમજીને તેને હાજર નાજર ગણીને પોતાની જાત ઉપર કાબુ રાખી અને અદબની વિરૂદ્ધ કોઇ પણ વાત ન કહેવી અને બુઝુર્ગનો એહતરામ કરવો, આજ માણસની નૈતિકતાની સાબિતી છે. નહીતર સામાન્ય સંજોગોમાં કોઇપણ બે અદબી ન કરવામાં કાંઇ કમાલ કે ખુબી નથી કારણકે રસ્તા ઉપર ફરવાવાળા જાનવર પણ સામાન્યત: રસ્તે ચાલનારની ઉપર હુમલો કરતા નથી. તેઓ માત્ર તેમના પર જ ભડકે છે જેઓ તેમના પર હુમલો કરે છે. માણસ અને જાનવર વચ્ચે કાંઇક તફાવત તો હોવો જોઇએ. કપરા સંજોગોમાં વડીલોનું માન જાળવવું તે માનવતાનું સર્વોચ્ય શિખર છે.
માનને લાયક લોકો
આ તો આપણે સામાન્ય વડીલોની વાત કરી. પરંતુ બુઝુર્ગ હોવા ઉપરાંત અગર કોઇ આલીમ હોય, ફાઝીલ હોય, પરહેઝગાર હોય, ઉદાર અને સખી હોય તો તેનું માન જાળવવું ખૂબજ જરૂરી થઇ જાય છે. બલ્કે તેમના માનનો અંદાજ પણ બીજાઓના કરતા તદ્દન જુદો જ હોવો જોઇએ.
ઇસ્લામ લાવવા પહેલા અદી બીન હાતીમ તાઇ રસુલે ખુદા(સ.અ.વ.)ને મળવા આવે છે. જે તેમને પોતાના ઘરે લાવે છે. અને તેમના માન માટે (ખજુરના પત્તાથી બનાવેલ) ચટાઇ બીછાવે છે.
મા-બાપ
આ બુઝુર્ગોમાં મા-બાપનો પણ સમાવેશ થાય છે. આજના જમાનામાં મા-બાપ તો બીચારા થઇને રહી ગયા છે. કેબલ અને ઇન્ટરનેટના માહોલે તો તેમની લાચારીમાં ઓર વધારો કરી દીધો છે. તેમની હેસીયત એક ખામોશ નિ:સહાય પ્રેક્ષકની જેવી બની ગયું છે. ઓલાદની હરકતો અને આદતો જોઇને તેઓ દિલ પકડીને બેસી જાય છે અને તેમની તોછડાઇના ડરથી ચુપકીદી અખ્તયાર કરી લે છે અને અગર જો આ મા-બાપ ઓલાદની કમાણીના મોહતાજ હોય તો તેમની પરિસ્થિતિ હજુ પણ વધારે દયાને પાત્ર બની જાય છે. આ સામાન્ય સંજોગોની વાત થઇ રહી છે. પરંતુ અપવાદરૂપે અમુક ખુશ કિસ્મત મા-બાપ એવા છે જેઓ આ પરિસ્થિતિમાંથી બાકાત છે. આવા શરીફ ઘરોનું અસ્તિત્વ એ વાતની સાબિતિ છે કે હજી પણ દુનિયામાં અખ્લાક અને શરાફત બાકી છે.
કુરઆને કરીમ અને એહલેબૈત અત્હાર(અ.સ.)એ મા-બાપનું માન જાળવવું અને તેમની સાથે સારી રીતે વર્તવાનો હુકમ આપ્યો છે. કુરઆને કરીમે જગ્યા જગ્યાએ હુકમ આપ્યો કે “મા-બાપ સાથે એહસાન કરો. અર્થાંત મા-બાપ સાથેનો વર્તાવ, એહતેરામની મંઝીલથી બુલંદ છે. અહી ફક્ત શબ્દ એહતરામ નથી વપરાયો પરંતુ શબ્દ એહસાન વપરાયો છે. અને અહેસાન, એહતેરામથી ઉચ્ચ છે.
કુરઆને કરીમની ત્રણ આયતોમાં (સુરએ બની ઇસરાઇલ : ૨૨, સુરએ બકરહ : ૮૨ અને સુરએ અન્આમ : ૧૫) માં અલ્લાહની એકતા (તૌહીદ) એટલે કોઇને અલ્લાહની ઝાતમાં શરીક ન કરવું એ પછી મા-બાપ સાથે એહસાનની વાત કરવામાં આવી છે. જેનાથી આપણને સમજાય છે કે:
૧. તૌહીદ પછી સૌથી અગત્યની ફરજ મા-બાપ સાથે નેક વર્તાવ છે.
૨. શીર્ક પછીનો સૌથી મોટો ગુનાહ આકે વાલેદૈન છે.
૩. જેવી રીતે અલ્લાહની ઇબાદતનો હક અદા નથી થઇ શક્તો તે જ રીતે મા-બાપ સાથે નેક વર્તાવનો પણ હક અદા નથી થઇ શકતો.
૪. અતીશય ઇબાદતો કર્યા પછી ઇબાદતોનો કમાલ એ છે કે આપણને એ અનુભવ થાય કે “અમે કંઇ પણ ઇબાદત કરી શક્યા નથી એવી જ રીતે કમાલે ખિદમત પછી એ એહસાસ (અનુભવ) થવો જોઇએ કે “મા-બાપની ખિદમતનો હક સાચી રીતે અદા કરી શક્યા નથી.
કેવી રીતે માન જાળવવું
અમૂક કમનસીબ લોકો સિવાય બધાજ લોકો પોતાના મા-બાપની ઇજ્જત માન જાળવવા ચાહે છે. પરંતુ આજના જમાનામાં જ્યાં અખ્લાકી તાલમીમાત દૂર દુર સુધી નઝરમાં નથી આવતા ત્યાં એક સવાલ મનમાં જરૂર ઉદ્ભવે છે એ કે મા-બાપનું માન કેવી રીતે જાળવવું?
નરમાશથી વર્તવું.
હઝરત ઇમામ જાફર સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :
“એમની (મા-બાપની) સાથે નરમાશ અને પ્રેમથી વર્તન કરો. અને અગર તેમનાથી કોઇ તકલીફ પહોંચે તો તેને સહન કરો કારણકે જ્યારે તમે બાળક હતા ત્યારે તેમણે તમારા માટે ખૂબજ તકલીફો વેઠી હતી. અલ્લાહ તમને ખાવા અને પહેરવાની જે વિશાળતા અને બહોળી રોઝી આપી છે તો તમે તેમના માટે તમારી મુઠ્ઠી બંધ ન રાખો તેમનાથી મોઢું ન ફેરવો, તેમના અવાજ કરતા તમારો અવાજ ઉંચો ન કરો કારણકે આ બધું અલ્લાહના હુકમનું પાલન છે. તમે તેમની સાથે સારામાં સારી રીતે વાત કરો. તેમની સાથે ખૂબજ વધારે મોહબ્બત અને નમ્રતાથી વર્તો ખુદાવંદે આલમ નેક લોકોના બદલાને વ્યર્થ જવા નથી દેતો.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૭૮)
જરૂરતો પુરી કરો
બીજી એક હદીસમાં આ રીતે ફરમાવ્યું છે :
“એમની સાથે નરમાશથી વર્તો તેમને એ તકલીફ ન આપો કે પોતાની જરૂરતોને તમારી પાસે માંગે અને તમે તેને પુરી કરો. પરંતુ એટલો ખ્યાલ રાખો કે તેઓ માંગે એ પહેલાજ તેમની જરૂરતોને પુરી કરી દો. ભલે પછી તેઓ તમારા પર નીર્ધારીત ન પણ હોય. ખુદાવંદે આલમ ફરમાવે છે તમે ક્યારેય નેકી પ્રાપ્ત નહી કરી શકો જ્યાં સુધી તમે પોતાની મનપસંદ વસ્તુને ખર્ચ ન કરો.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૭૮)
એવું ઘણી વખત થાય છે કે જ્યારે મા-બાપ પૈસે ટકે નબળા હોય તો ઓલાદ તેમની જરૂરતોનો પૂરી પાડે છે. પરંતુ જો તેઓ પૈસે ટકે સુખી હોય અને મોહતાજ ન હોય તો ઓલાદ જાહેરી રીતે તેમનું માન જાળવવા મર્યાદીત રહેશે જ્યારે કે ઇસ્લામી તાલીમ એ છે કે મા-બાપ ભલે જરૂરતમંદ ન હોય તો તમારા પર આધાર ન રાખતા હોય તો પણ તેમની જરૂરતો પુરી કરવી એ ઓલાદની જવાબદારી છે.
સબ્ર કરવું
ઓલાદ અને મા-બાપમાં એક પેઢીનું અંતર હોય છે. બન્નેનો જમાનો જુદો જુદો છે. પરિણામે બન્નેની વિચારસરણીમાં ફરક છે.
ઓલાદ જે વસ્તુને જુની, પુરાણી, અને આજના ભાષામાં જેને “આઉટ ઓફ ફેશન સમજે છે એ જ વસ્તુ મા-બાપને દિલો જાનથી પસંદ હોય છે. આ રીતભાતમાં ભિન્નતા, વિચારધારામાં ભિન્નતા કાર્યશૈલીમાં ભિન્નતાને કારણે મા-બાપ ઓલાદ પર ગુસ્સે થઇ જાય છે અને ચીડાય છે.
સુરએ બની ઇસરાઇલની ૨૩મી આયતની તફસીર કરતા હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે : “જ્યારે તે બન્ને અથવા તેમાંથી કોઇ એક ઘરડુ થઇ જાય તો “ઉફ પણ નહી કહેતા.
અર્થાંત અગર તેમની વાતોથી તમને તકલીફ પહોંચે તો હરગીઝ “ઉફ (“ઉફ અરબીમાં અણગમો દર્શાવવા માટે વાપરવામાં આવતો હળવામાં હળવો શબ્દ છે.) પણ ન કહો અને અગર તેઓ તમને મારે તો પણ તેમને તરછોડશો. નહી. પરંતુ આ સમયે ખૂબજ નમ્રતા અને માનપૂર્વક વર્તાંવ કરજો. માન અને ઇજ્જત સાથે નરમાશ અને નમ્રતાથી તેમની સામે નમી જજો. અને જુઓ તેમને ક્યારેય ગુસ્સેથી ન જોશો પરંતુ તેમને પ્રેમ ભરી નજરથી જુઓ, તેમની સામે તેમના અવાજ કરતા તમારો અવાજ ઉંચો ન કરતા, તેમના હાથ કરતા તમારા હાથને ઉંચો ન કરશો અને તેમની આગળ આગળ પણ નહી ચાલતા.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૭૯)
હજ કરવા જેટલો સવાબ
“જ્યારે કોઇ ઓલાદ પોતાના મા-બાપને પ્રેમ અને રહેમની નજરથી જુએ છે તો દરેક નજર માટે અલ્લાહ (સુ.વ.ત.) કબુલ થયેલી હજનો સવાબ આપે છે.
લોકો એ પુછ્યું : “યા રસુલલ્લાહ (સ.અ.વ.) અગર દિવસમાં ૧૦૦ વખત જુએ તો?
આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું : “અલ્લાહ બહુ જ મહાન છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૮૦)
“મા બાપની સામે મોહબ્બતથી જોવું ઇબાદત છે.
“મા બાપ સાથે નેક વર્તાંવ કરવાથી ઉમ્રમાં વધારો થાય છે.
(રવઝતુલ વાઅઝીન, ભાગ – ૨, પાના નં. ૪૨૯)
“મા બાપ સાથે નેક વર્તાવ સકરાતે મૌતને સરળ કરે છે અને દુનિયામાં ફકીરીથી અને ગરીબીથી સુરક્ષીત રાખે છે.
(રવઝતુલ વાએઝીન, ભાગ – ૨, પાના નં. ૪૨૯)
નાફરમાની
આ વાતોથી ખબર પડી જાય છે કે મા-બાપની નાફરમાની એ કેટલો મોટો ગુનાહ છે.
“સૌથી મોટો ગુનાહ અલ્લાહની ઝાતમાં શીર્ક કરવું છે અને પછી આકે વાલેદૈન છે.
“જેને મા-બાપ આક કરી દે તે સૌથી વધારે બદબખ્ત, શકી અને ગુનેહગાર છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૭૪)
સગાવહાલા
જે લોકોનું આપણે માન અને સન્માન કરવું જોઇએ તેમાં આપણા સગાવહાલા ખૂબ જ અગત્યના છે.
“અલ્લાહ(સુ.વ.ત.)એ બની ઇસરાઇલની પાસેથી એ વાયદો લીધો હતો કે ખુદા સિવાય બીજા કોઇની ઇબાદત નહી કરે……. અને સગાવહાલા સાથે સારો વર્તાવ કરશે.
(સુરએ બકરહ : ૮૩)
“પૂર્વ અથવા પશ્ર્ચિમ તરફ મોઢું ફેરવવું નેકી નથી પરંતુ નેકી એ છે ખુદા અને કયામત ઉપર ઇમાન લાવવું….. અને ખુદાની ખુશ્નુદી માટે સગાવહાલાઓની માલી મદદ કરવી.
(સુરએ બકરહ : ૧૭૭)
“એ લોકો બુદ્ધિશાળી છે જેઓ અલ્લાહને કરેલા વાયદાઓ પૂરા કરે છે…. અને એ લોકો સાથે સંબંધો જોડી રાખે છે જેમની સાથે અલ્લાહે સંબંધ રાખવાનો હુકમ કર્યો છે.
(સુરએ રાદ : ૩૧)
“અને એ લોકો જે અલ્લાહના વાયદાને તોડે છે અને તેમની સાથે સંબંધ તોડી નાંખે છે જેની સાથે સંબંધ રાખવાનો અલ્લાહે હુકમ કર્યો છે, તેમની ઉપર લાનત છે.
(સુરએ રાદ : ૩૫)
જીંદગીની જરૂરત છે
જ્યારે માણસને સમૃધ્ધિ નસીબ થાય છે. ઘર, મકાન વ્યવસ્થિત થઇ જાય છે, સત્તા અને હોદ્દો મળી જાય છે, અને ઓલાદ તાલીમ મેળવીને મોટા હોદ્દા સુધી પહોંચી જાય છે ત્યારે માણસના મગજમાં પોતાના મોભાનો ખ્યાલ આવે છે. આવા સમયે આજનું વાતાવરણ તેને એ વાત માટે પ્રોત્સાહન આપે છે કે તેણે તો માત્ર એજ લોકો સાથે મેળ અને મેળાપ રાખવો જોઇએ જે આર્થીક અને દુન્યવી દ્રષ્ટિએ તેના સમોવડીયા હોય અથવા તો તેનાથી મોટા હોય.
ગરીબ, ઓછા ભણેલા, નીમ્નસ્તરના, પશ્ર્ચીમી સંસ્કૃતિથી અજાણ, અર્ધ નગ્ન સંસ્કૃતિથી બે પરવાહ, નાના નાના જુના પુરાણા અંધારીયા મકાનમાં રહેનારા, જુનવાણી વિચારસરણીવાળા વિગેરે…. સગાવહાલા સાથે મળવું, તેમના ઘરે જવું, તેમના દુ:ખ અને સંકટમાં ભાગ લેવો, તેમના ખબર અંતર પૂછવા વિગેરેના પોતાના મોભાની વિરૂદ્ધ લાગે છે.
પોતાના દિલમાં તેમનાથી દુર હોવાની લાગણી અનુભવે છે. આવો આપણે જોઇએ કે હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) શું ફરમાવે છે:
“માણસ ગમે તેટલો માલદાર અને સંતતિવાન કેમ ન થઇ જાય. પરંતુ તે પોતાના સગાવહાલાથી બેનિયાઝ (જેની જરૂરત નથી) નથી બની શકતો. જરૂરી છે કે તેમની સાથે નેક વર્તાવ રાખે તેમનું માન જાળવે, હાથો અને જીભથી તેમનું રક્ષણ કરે. કારણકે આજ સગાવહાલા તેના સૌથી મોટા રક્ષક છે…… મુસીબતોમાં આ લોકો જ કામ આવે છે. અને જે તેમનાથી પોતાનો હાથ પાછો ખેંચી લેશે તો (જરુરતના સમયે) ઘણા બધા હાથો તેનાથી દૂર થઇ જશે. આના લીધે દરેક માણસે પોતાના સગાવહાલા સાથે નિર્મળ ભાવથી સંબંધ રાખવો જોઇએ અને અલ્લાહની ખાતર જે તેમના ઉપર ખર્ચ કરશે અલ્લાહ તેને આખેરતમાં ઘણો વધારે બદલો આપશે. સાચા લોકો અને વફાદાર દોસ્ત પૈસા કરતા વધુ અગત્યના છે. જુઓ કોઇ વસ્તુ તમને તમારા સગાવહાલાથી દૂર ન કરી દે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૦૧)
ઇમામ (અ.સ.) ખુશ થાય છે :
આ એક (સર્વ માન્ય) હકીકત છે કે આપણા બધા કાર્યોને આપણા ઇમામે ઝમાના(અ.સ.)ની સામે રજુ કરવામાં આવે છે. આપણા સારા કાર્યોથી ઇમામ(અ.સ.) રાજી થાય છે. સીલે રહેમ ઇમામ(અ.સ.)ની ખુશ્નુદીનું કારણ છે.
દાઉદે બરકી ફરમાવે છે :
હઝરત ઇમામ જાફર સાદિક(અ.સ.)ની ખિદમતમાં હું પહોંચ્યો. ઇમામ(અ.સ.)એ પોતે ફરમાવ્યું :
“અય દાઉદ ગુરૂવારના દિવસે તમારા આમાલ મારી સમક્ષ રજુ કરવામાં આવ્યા. મે તમારા આમાલમાં જોયું કે તમે તમારા પિતરાઇ ભાઇ સાથ સારો વર્તાવ કર્યો તેનાથી હું રાજી થયો.
દાઉદે કહેવું છે કે :
“મારો પિતરાઇ ભાઇ મારો દુશ્મન, દુષ્ટ અને ખરાબ હતો. મને ખબર પડી કે આજ કાલ તે અને તેનું કુટુંબ મુશ્કેલીમાં છે. મે મક્કા હજ કરવા જતા પહેલા તેમના માટે (મદદ કરવા) કંઇક મોકલ્યું અને જ્યારે હું મદીના પાછો ફર્યો ત્યારે ઇમામ(અ.સ.)એ મને આ ખુશખબરી સંભળાવી.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૯૩)
આ હદીસથી જ્યાં આ વાત સ્પષ્ટ થાય છે કે આપણા સારા કાર્યોથી આપણા ઇમામ(અ.સ.) ખુશ થાય છે, ત્યાં એ પણ સ્પષ્ટ છે કે રીશ્તેદાર ભલે દુશ્મન અને દુષ્ટ અથવા ખરાબ પણ કેમ ન હોય તેમ છતાં તેની સાથે સીલે રહેમ કરવો જોઇએ.
સીલે રહેમની અસરો
એહલેબૈત (અ.સ.)ની હદીસોની રોશનીમાં સીલે રહેમ કરવાથી નીચેની અસરો જોવા મળે છે.
૧. “ઉમ્રમાં વધારો થાય છે, માલમાં દૌલતમાં બરકત થાય છે, આમાલ (કાર્યો) કબુલ થાય છે અને બલાઓ દૂર થાય છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૧૧)
૨. “અખ્લાક સુંદર બને છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૧૪)
૩. “મોહબ્બત અને લાગણીમાં વધારો થાય છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૧૭)
૪. “શેહરો આબાદ થાય છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૨૦)
૫. “સવાબ અને અજ્ર જલ્દીથી મળે છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૨૧)
સીલે રહેમ કેવી રીતે કરવો
“સીલે રહેમનો અર્થ એ છે કે સગા વહાલા સાથે સંબંધ જાળવી રાખવો, તેમની ખબર અંતર પૂછતા રહેવું અને આ કંઇ અધરૂં કામ નથી રિવાયતોમાં છે કે એક સલામ દ્વારા પણ સીલે રહેમ થઇ શકે છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૯૧)
એક ગ્લાસ શરબત દ્વારા થઇ શકે છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૮૮)
અગર આર્થીક હાલત સારી છે તો આર્થીક મદદ પણ સીલે રહેમનું માધ્યમ છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૯૩)
અને સૌથી ઉત્તમ સીલે રહેમ એ છે કે સગા વહાલાને હેરાન ન કરે અને બધા સગા વહાલા તેના ભયથી (આંતક) સુરક્ષીત રહે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૮૮)
સીલે રહેમ માટે કોઇ ખાસ માપદંડ નથી તે માણસની પોતાની ક્ષમતા અને સગવડતા ઉપર આધારીત છે.
સલામ અને સલામના જવાબને ઓછામાં ઓછો સીલે રહેમ ગણવામાં આવ્યો છે. એટલે આટલું તો બધાજ કરી શકે છે. અને હમણા તો સંદેશાવ્યવહાર ખૂબજ સરળ થઇ ગયેલ છે. એક ટેલીફોન, એક “એસ.એમ.એસના સંદેશા દ્વારા પણ સીલે રહેમ થઇ શકે છે. પરંતુ અગર કોઇની પાસે ક્ષમતા છે અને અલ્લાહે તેને અતા કર્યું છે અને જો તેના સગા વહાલા મોહતાજ હોય અને જો તે તેની જરૂરતો પુરી કરી શકતો હોય તો પછી ત્યારે ફક્ત સલામ દ્વારા કે પાણીના ગ્લાસ દ્વારા સીલે રહેમ પૂરતો નથી અને જો કોઇ એવો મહા કંજુસ હોય કે એક સલામ પણ ન કરી શકે અને તેના પર ખર્ચ પણ ન કરે તો તે પોતાના આતંકથી સગાવહાલાને સુરક્ષીત રાખે એજ તેના માટે સીલે રહેમ છે.
ટૂંકમાં દરેકના કામ જે સામાન્ય રીતે સીલે રહેમ ગણાય તે કરવું જોઇએ.
સગાવહાલા કોણ છે?
અહીં કોઇ ખાસ માપદંડ નથી પરંતુ દરેક તે વ્યક્તિ જેને સામાન્ય રીતે સગા વહાલા કહેવાય તે સગા વહાલા છે. એ વાત સ્પષ્ટ છે કે જે વધારે નજીક છે અથવા જેની સાથે અલગ – અલગ સગપણ હોય તે વધારે સીલે રહેમના હકદાર છે.
પાડોશી
પવિત્ર દીને ઇસ્લામમાં પાડોસીના હક ઉપર ખૂબજ ભાર મુકવામાં આવ્યો છે.
હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)એ પોતાની છેલ્લી વસીય્યતમાં ફરમાવ્યું
اَللّٰہ اللّٰہ فِی جِیْرَانِکُمْ
“અલ્લાહ, અલ્લાહ (અલ્લાહથી ડરો) પાડોશીની સંભાળ રાખો.
પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) વારંવાર પાડોશીના બારામાં ભલામણ કરતા હતા ત્યાં સુધી કે અમે વિચાર કરવા લાગ્યા કે કદાચ આ પાડોશી અમારા વારસદાર નિમાઇ જશે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧પ૩)
છેલ્લા વાક્યથી એ ખ્યાલ આવશે કે પાડોશીના હક સગા વહાલા કરતાં ઓછા નથી. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું :
“જેણે પોતાના પાડોશીની એક વેંત પણ જમીન પચાવી પાડી તો અલ્લાહ તેના ગળામાં જમીનના સાતમાં પડમાંથી તૌક પહેરાવશે અને ત્યાં સુધી કે તે કયામતમાં પણ ગળામાં તૌક પહેરેલી હાલતે અલ્લાહથી મુલાકાત કરશે. પરંતુ એ કે તે તૌબા કરે અને તેના આ કાર્યથી દૂર થાય.
એમ પણ ફરમાવ્યું :
“અલ્લાહે તે શખ્સ ઉપર જન્નતની ખુશ્બુને હરામ કરી છે જે પોતાના પાડોશીને તકલીફ પહોંચાડે. તેનું રહેઠાણ જહન્નમ છે જે કેટલું ખરાબ ઠેકાણું છે.
“તે શખ્સ અમારામાંથી નથી જે પોતાના પાડોશીનો હક ગસબ કરે. (પચાવી પાડે.) જીબ્રઇલે(અ.અ.) એ પાડોશીને માટે એટલી બધી ભલામણ કરી એટલે સુધી કે હું એમ સમજવા લાગ્યો કે પાડોશીને મારો વારીસ બનાવી દેશે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૫૦)
“જે પોતાના પાડોશીને તકલીફ નહી પહોંચાડે અલ્લાહ (સુ.વ.ત.) કયામતમાં તેની ભૂલોને માફ કરશે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧પ૦)
પાડોશી કોને કહેવાય :
જ. મોઆવીયા બીન અમ્મારે હઝરત ઇમામ જાફર સાદિક (અ.સ.)ને પુછ્યું :
“હું તમારા પર કુરબાન, પડોશની હદ કેટલી છે?
ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :
“દરેક બાજુથી ૪૦ ઘર.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૫૧)
પાડોશી સાથે સારી વર્તણુંકની અસર
હઝરત ઇમામ જાફર સાદિક(અ.સ.)એ ફરમાવ્યું :
“પાડોશી સાથે નેક વર્તાવ રોઝીમાં વધારો થવાનું કારણ છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૫૪)
પાડોશી સાથે સારી વર્તણુંક
સલામ કરવામાં પહેલ કરવી.
તેમનું માન જાળવવું.
બિમાર હોય તો અયાદત (ખબર કાઢવા જાય) કરવી.
વાસણ વિગેરે માંગે તો ઉછીનું આપવું.
તેમના અયબોને જાહેર ન કરવા.
પોતાના ઘરનું ગંદુ પાણી તેમના ઘરમાં કે તેમના આંગણામાં ન ફેકવું.
તેમના હવા – ઉજાસને ન અવરોધવા.
તેમના ઘરોમાં ડોકા ન મારવા.
અગર કોઇ પોતાના પાડોશીની શર્મગાહ પર નજર કરે અથવા તેમની ઔરતોના વાળ અથવા શરીરના બીજા કોઇ ભાગને જુએ તો અલ્લાહને એ અધિકાર છે કે તે શખ્સને મુનાફીકોની સાથે જહન્નમમાં નાખી દે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૩૬૧)
ઇન્તેકાલ થઇ જાય તો જનાઝામાં શીરકત કરવી.
અગર ભૂખ્યા હોય તો જમાડવાની વ્યવસ્થા કરવી.
તેમની ગેરહાજરીમાં તેમના માલનું રક્ષણ કરવું.
તેમના સુખ અને દુ:ખમાં ભાગીદાર બનવું
ઇમાની ભાઇઓ
આ દુનિયામાં કોઇ પણ માણસ બધાથી અળગો રહીને એકલો જીંદગી નથી જીવી શકતો. દોસ્તો અને મિત્રો એ સામાજીક જીંદગીની જરૂરત છે. દરેક માણસના આચાર-વિચાર અને રીત ભાત અલગ અલગ હોય છે. એક સરખા નથી. જુદા જુદા લોકો છે અને તેમની અલગ અલગ આદતો અને ટેવો છે. વિવિધ વિચારસરણી છે. દરેકની પસંદ અને નાપસંદની અલગ હોય છે. અપેક્ષાઓ જુદી જુદી હોય છે. દરેક જણ એમ વિચારે છે કે મારી વર્તણુંક સર્વશ્રેષ્ઠ છે, છતાં પણ લોકો મારી સાથે પ્રેમથી નથી વર્તતા.
એક દિવસ મોહમ્મદ બીન મુસ્લીમ બીન શહાબ અઝ્ ઝોહરી ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની ખિદમતમાં ગમગીન અને બૈચેન હાલતમાં આવ્યા.
ઇમામ(અ.સ.)એ તેમને પુછ્યું : “આટલા બધા ગમગીન અને બેચૈન કેમ છો?
તેમણે જવાબ આપ્યો : “અય અલ્લાહના રસુલના પુત્ર! મારા દુ:ખ અને દર્દમાં દિવસેને દિવસે વધારો જ થતો જાય છે. મારી ઇર્ષા કરનારા મને સતત હેરાન કરે છે. જેમનાથી હું અપેક્ષાઓ રાખતો હતો તેમણે મારી અપેક્ષાઓ ઉપર પાણી ફેરવી દીધું છે. જેમની સાથે હું પ્રેમ અને મોહબ્બતનો વર્તાવ કરૂ છું તે મારી સાથે તેનાથી વિરૂદ્ધ વ્યવહાર કરે છે.
ઇમામ(અ.સ.)એ કહ્યું :
“તમારી જીભને કાબુમાં રાખો અને લોકો ઉપર રાજ કરો.
ઝોહરીએ કહ્યું :
“અય ફરઝંદે રસુલ! હું લોકોની સાથે બહુજ ઉમદા રીતે વાતચીત કરૂં છું.
ઇમામ (અ.સ.)એ કહ્યું :
“અફસોસ, હાય અફસોસ, ખબરદાર વધારે પડતી ખુશફહેમીમાં ન રહો. જુઓ, એવી વાતો કરવાથી દૂર રહો જેને દિલ કબુલ ન કરે અને જે માફીને લાયક ન હોય. જાણી લો કે જે કંઇ પણ તમારા કાનો સુધી પહોંચે છે તેનું ખરાબ હોવું જરૂરી નથી. તમે તેમાં કોશીષ કરીને માફ કરવાનું બહાનુ શોધી શકો છો અને તેના અર્થોને વિસ્તારી શકો છો.
ઇમામ(અ.સ.)એ આગળ ફરમાવ્યું :
“અય ઝોહરી જેની અક્લ પરીપૂર્ણ નથી હોતી તેનું હલાક થવું ખૂબજ સહેલું છે. અય ઝોહરી તમે બધા મુસલમાનોને તમારા ઘરના સભ્ય ગણો વડીલોને તમારા પિતા સમાન ગણો અને નાનાને તમારા બાળકોની જેમ અને તમારા સમોવડીયાને તમારા ભાઇ ગણો. હવે મને કહો કે તમને આમાથી કોના પર તમને ઝુલ્મ કરવાનું ગમશે? અને કોના માટે બદદોઆ કરશો? અને કોને બદનામ કરશો?
“અગર ઇબ્લીસ મલઉન તમારા મગજમાં એ વિચાર ઘુસાડે કે તમે બીજા મુસલમાનો કરતા શ્રેષ્ઠ અને ઉત્તમ છો તો જરા આ રીતે વિચાર કરજો.
“જેઓ ઉમ્રમાં મારાથી મોટા છે તેઓ મારી પહેલા ઇમાન લાવ્યા છે અને તેમની નેકીઓ મારી કરતા વધારે છે.
“જેઓ મારાથી ઉમ્રમાં નાના છે તેમના ગુનાહો મારા કરતા ઓછા છે માટે તેઓ મારા કરતા બહેતર છે. જેઓ મારા સમોવડીયા છે તેના ગુનાહો વિશે મને શંકા છે જ્યારે કે મારા ગુનાહો વિષે મને યકીન છે. તો પછી હું શા માટે યકીન ઉપર શંકાને મહત્વ આપું?
“(અય ઝોહરી) અગર લોકો તમારી ઇજ્જત કરે છે તો એમ માનો કે તેઓ એહસાન અને કૃપા કરે છે. અગર તેઓ તમારાથી નારાજ છે તો સમજો કે આ મારા ગુનાહોની અસર છે.
“જો તમે આ રીત અપનાવશો તો અલ્લાહ (સુ.વ.ત.) તમારા જીવનને સરળ કરી દેશે, તમારા દોસ્તો વધી જશે અને દુશ્મનોની સંખ્યામાં ઘટાડો થશે. ત્યાર બાદ તમે તેના સારા કાર્યોથી ખુશ થઇ બદઅખ્લાકથી જશો અને તેમની નારાજ નહી થાવ.
“યાદ રહે લોકો દરમ્યાન વધારે મોભાદાર અને માનને લાયક એ છે જેમની નેકીઓથી લોકો ફાયદો મેળવ્યા કરે છે જ્યારે કે તેને પોતાને તેમની જરૂરત નથી હોતી અને પોતે તેમની પાસેથી કંઇ માગતો નથી. તેમની પછી ઇજ્જતદાર શખ્સ તે છે જે લોકોનો મોહતાજ હોવા છતાં લોકો પાસે હાથ ફેલાવતો નથી. દુનિયાદારો માલની પાછળ દોટ મૂકે છે. અને તેઓ તેને માન આપે છે જે તેમની પાસે માલની માંગણી નથી કરતો. તેઓ તેના કરતા પણ વધારે તેને માન આપે છે જે તેમની પાસે માલની માંગણી તો નથી કરતો બલ્કે તેમને આર્થીક મદદ પણ કરે છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧પ૬)
અગર આ હદીસ ઉપર કોઇ વિચાર કરે તો આમ કરવાથી સફળ સામાજીક જીંદગીના ભેદો તેમાં છુપેલો છે અને ઘણી બધી સામાજીક મુશ્કેલીઓનો ઉકેલ થશે.
કેટલાક શિષ્ટાચાર અને વર્તણુંકો
હઝરત ઇમામ જાફર સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :
“મસ્જીદમાં નમાઝો પઢો. પાડોશીઓ સાથે સારો વ્યવહાર કરો, ગવાહી આપો અને મૈયતમાં શરીક થાવ આ બધુ જરૂરી છે. તમારામાંથી કોઇ પણ પોતાની જીંદગીમાં બીજા લોકોથી બેનીયાઝ નથી બની શકતો. જુઓ અમે પણ જનાઝામાં શરીક થઇએ છીએ. તમારા માટે જરૂરી છે કે તમે તમારા ઇમામોની પૈરવી કરો.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૬૨)
બીજી હદીસમાં ઇમામ સાદિક(અ.સ.)એ પોતાના પિતા જ. ઇમામ મોહમ્મદ બાકીર(અ.સ.)થી ફરમાવે છે
“અમો એહલેબૈત(અ.સ.)નો શીયા તમામ લોકોમાં સર્વ શ્રેષ્ઠ હોય છે. અગર તેઓમાં કોઇ વિદ્વાન હોય તો તે અમારો શિયા હોય છે. અગર તેમનામાં કોઇ અઝાન આપનાર મોઅઝઝીન હોય તો તે શિયા હોય છે. અગર કોઇ પેશ ઇમામ છે તો તે શિયા છે. અગર તેમનામાં કોઇ અમાનતદાર માણસ હોય તો તે શિયા છે. અગર કોઇ ભરોસોપાત્ર હોય તો તે પણ શિયા હોય છે. તમે લોકો આવા બનો. લોકોની દરમ્યાન અમારી મોહબ્બત પૈદા કરો અને લોકોને અમારાથી દૂર કરનારા ન બનો.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૬૩)
હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)એ ઇમામ હસન(અ.સ.)ને વસીયત કરતા ફરમાવ્યું:
જ્યારે તમારો ભાઇ તમારી સાથે સંબંધ તોડી નાખે તો તમે તેની સાથે સંબંધ જોડો.
અગર તેઓ તમારાથી દૂર રહે તો તમે તેમની સાથે પ્રેમ અને લાગણીથી વર્તો.
અગર તેઓ તમારી સાથે કંજુસી વર્તે તો તમે તેની સાથે ઉદારતાથી વર્તો.
જ્યારે તેઓ તમારાથી દૂર ભાગે તો તમે તેમની નજદીક જાવ.
જો તેઓ તમારી સાથે કડકાઇથી વર્તે તો તમે તેની સાથે નરમાશથી વર્તો
જો તેઓ ભૂલ કરે તો તમે તેના માટે બહાનું શોધો. જાણે કે તેઓ તમારા ઉપર હક ધરાવતા હોય. પણ એ ધ્યાન રહે કે બદબખ્તો અને જે આના હકદાર નથી તેઓની સાથે આ રીતનો વર્તાવ નહીં કરતા.
તમારા દોસ્તના દુશ્મનને તમારો મિત્ર નહી બનાવતા નહીતર તમારો મિત્ર પણ તમારો દુશ્મન બની જશે.
તમારા ભાઇને નસીહત જરૂર કરો.
ગુસ્સાને પી જાવ. તેનાથી મીઠું અને સારૂ બીજું કોઇ પીણું નથી.
જે તમારી સાથે કડકાઇથી વર્તે તો તેની સાથે નરમાશથી વર્તો.
દુશ્મન ઉપર એહસાન કરો કારણકે એમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ સફળતા છે.
અગર કોઇની સાથે સંબંધો તોડો તો દિલમાં તેમની માટે જગ્યા રાખો. કારણકે કદાચ એક દિવસ પરિસ્થિતિ વિપરીત થઇ જાય.
લોકો તમારાથી જે ભલાઇની આશાઓ રાખે છે તેને પૂર્ણ કરો.
તમારા સંબંધો માત્રએ ભરોસો ઉપર કે એમના અને અમારા સંબંધો સારા છે. એમ કરીને તેમના હકોને વેડફી નહી નાંખતા. જે બીજાના હકોને વેડફે છે તે ઇમાની ભાઇ નથી.
(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પાના નં. ૧૬૮)
અમૂક બીજા હક્કો
આમ તો ઇમાની ભાઇઓ અને આપણા દોસ્તોના આપણા ઉપર ઘણા બધા હક્કો છે. અહીં આપણે ફક્તે તેની નોંધ કરીશું. અગર અલ્લાહ તફરથી તૌફીક મળશે તો ઇન્શાઅલ્લાહ ભવિષ્યમાં સવિસ્તાર વર્ણન કરીશું.
૧. તેમના જાન અને માલનો એહતેરામ કરવો.
૨. સલામનો જવાબ આપવો.
૩. તેમને સલાહ આપવી.
૪. તેમની મદદ કરવી.
૫. તેમને આર્થીક મદદ કરવી.
૬. તેમની હાજતો અને જરૂરતોને પુરી કરવી.
૭. તેમને માન આપવું.
૮. તેમના સુખ અને દુ:ખમાં ભાગ લેવો.
૯. તેમને પોતાની કરતા વધારે મહત્વ આપવું.
૧૦. તેમની ગેરહાજરીમાં તેમનો બચાવ કરવો.
૧૧. તેમની ભૂલો તરફ ખૂબજ માનપૂર્વક તેમનું ધ્યાન દોરવું.
૧૨. તેમના માટે દોઆ કરવી.
૧૩. તેમને ગુનાહો અને બુરાઇઓથી દૂર રાખવા.
૧૪. તેમની ભુલોને ધ્યાનમાં ન લેવી અને તેમને માફ કરવા.
૧પ. તેમના ખબર અંતર પુછવા.
અલ્લાહ(સુ.વ.ત.) હઝરત હુજ્જત(અ.સ.)ના નુરાની ઝુહુરમાં જલ્દી કરે. દરેક આફત અને બલાઓથી તેમને સુરક્ષિત રાખે. આપણા દિલોને તેમની અને તેમના પવિત્ર ખાનદાનની મોહબ્બતથી માલા-માલ કરે અને તેમના કદમોની ખાકના સદકામાં આપણને સહુને એ તૌફીક આપે કે આપણા અઇમ્મા(અ.સ.)એ જે અખ્લાકીયાત વર્ણવ્યા છે તેમના ઉપર સંપૂર્ણ પણે અમલ કરી શકીએ અને આપણને બધાને શૈતાન અને તેના વસવસાથી સુરક્ષિત રાખે.
અય દુનિયાઓના પાલનહાર! આમીન.
આભાર
આ પુસ્તિકા તૈયાર કરવા માટે નીચેની કિતાબોનો ઘણો વધારે ઉપયોગ કરવામાં આવેલ છે.
૧. બેહારૂલ અન્વાર
લેખક : અલ્લામા મજલીસી (અ.ર.)
૨. આદાબે મોઆશેરત અઝ નઝરે કુરઆન વ ઇતરત
લેખક : સૈયદ હમઝા મુસવી (અ.ર.)
૩. ઇન ગુને મોઆશેરત કુનીમ
લેખક : સૈયદ ઇબ્રાહીમ સૈયદ અલવી. (અ.ર.)
૪. દોસ્તી દર કુરઆન વ હદીસ
લેખક : મોહમ્મદ રી શહરી
૫. મીઝાનુલ હીકમત
લેખક : મોહમ્મદ રી શહરી
: પ્રકાશક :
એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)
પો. ઓ. બોક્સ નં. ૧૯૮૨૨
મુંબઇ – ૪૦૦ ૦૫૦
Comments (0)