આમાલની કબુલીય્યતની એક શર્ત ઇન્તેઝારનો અકીદો

દરેક ચીજની સાથે અમૂક શર્તો જોડાયેલી હોય છે કે જેના વગર તે કબુલ થવાને લાયક બનતી નથી. જેમકે હિંદુસ્તાનના ઇલેકશનમાં વોટર(મતદાતા)નું હિંદુસ્તાની હોવુ જરૂરી છે. આવી રીતે કોઇ કોર્સમાં સફળતા માટે પણ અમૂક શર્તો હોય છે જેના વગર કોઇને સફળ સમજી શકાતો નથી.
આવી રીતે અલ્લાહની નજદીક બંદાઓના આમાલની કબુલીય્યતના માટે અમૂક શર્તો છે. ઇલાહી શર્તોના મજમુઆને મઝહબ કહેવાય છે. પરંતુ આ મઝહબ અલ્લાહના સ્થાપિત કરાયેલા કાનુનો પર હોવો જોઇએ. ચોક્કસ સાચો અકીદો અમલ પર પ્રાધાન્ય રાખે છે અને આમાલની કબુલીય્યતના માટે અમલથી પહેલા તૌહીદના અકીદાનુ હોવુ જરૂરી છે. અલ્લાહે કુર્આનમાં આ તરફ ઇશારો પણ કર્યો છે.
ચોક્કસ અલ્લાહની નજદીક દીન ઇસ્લામ છે
(૩:૧૯)
અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ લોકોને દીને ઇસ્લામ પર ચાલવાની તલ્કીન કરતા ફરમાવ્યું:
અય લોકો! પોતાના મઝહબનો ખ્યાલ રાખો, તેનાથી જોડાયેલા રહો અને કોઇને પણ એ મૌકો ન આપો કે તે તમને બેહકાવી દે કારણ કે તમારા પોતાના મઝહબમાં અંજામ અપાયેલ બૂરો અમલ બીજા મઝહબમાં અંજામ દેવાયેલ સારા અમલથી બેહતર છે કારણ કે તમારા મઝહબના બૂરા આમાલ માફ કરી દઇ શકાય છે, જ્યારે કે બીજા મઝહબના સારા આમાલ કબૂલ થવાને લાયક નથી
(મઆનીઉલ અખ્બાર, પાના નં. ૧૮૫/૧૮૬)
કોઇ પણ સારો અમલ કબૂલ થવાને લાયક નથી જ્યાં સુધી તૌહીદ અને રિસાલતનો અકીદો ન હોય, પરંતુ તૌહીદ અને રિસાલતનો અકીદો રાખવાવાળો એક શખ્સ અગર બૂરો અમલ કરે તો પણ એ આશા રાખી શકે છે કે અલ્લાહ તેના (અન્ય સારા) આમાલને કબૂલ કરી લેશે.
હવે અગર કોઇ એમ ઇચ્છા રાખે છે કે તેના આમાલ કબૂલ થાય તો તેને દીનના કાનૂનો અને શર્તોને જાણવી અને તેની પૈરવી કરવી જરૂરી છે અને આ શર્તો અને કાનૂનો અઇમ્મા(અ.મુ.સ.)ની હદીસો થકી આપણા માટે સ્પષ્ટ થઇ જાય છે.
અહીં આપણે એ વાતને સ્પષ્ટ કરી દઇએ કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે આ અમલ અલ્લાહની નજદીક કબૂલ થવાને પાત્ર છે તો અમારો એ મતલબ હોય છે કે અલ્લાહ તેની જઝા આપશે, સજા નહી આપે. આ દુનિયામાં પણ અને આના બાદની દુનિયામાં પણ. પરંતુ ફક્ત એ શખ્સના આમાલ જે કબુલ કરવાને લાયક હોય.
એક શખ્સ અમૂક કાગળો લઇને ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ની પાસે આવ્યો, પરંતુ એ પેહલા કે તે માણસ કાગળને ખોલે, ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“આ વાંધાજનક કાગળો છે જે એ મઝહબ પર સવાલ ઉઠાવે છે કે જેમાં આમાલ કબૂલ થાય છે
તે શખ્સે કહ્યુ: અલ્લાહ તમારા પર રહેમ કરે એજ ચીજ છે જે હું ચાહુ છું.
એ સમયે ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:
અલ્લાહ સિવાય કોઇ ખુદા નથી અને તે એક છે અને મોહમ્મદ(સ.અ.વ.) તેના બંદા અને રસુલ છે અને તમે એને જાણો છો જે તેઓ અલ્લાહ તરફથી લાવ્યા છે. અમો એહલેબૈત(અ.મુ.સ.)થી જોડાયેલુ રહેવુ અને અમારા દુશ્મનોથી બેઝારી અને અમારા એહકામને કબૂલ કરવા અને અમારા કાએમ(અ.સ.)નો ઇન્તેઝાર કરવો કે છેવટે અમારી જ હુકુમત હશે કારણ કે અલ્લાહ જ્યારે વાયદો કરે છે તેને પૂરો કરે છે
(અલ-કાફી, કિતાબુલ ઇમાન વલ કુફ્ર, બાબ: ૩, હદીસ: ૧૩)
આ હદીસના આધારે હઝરત મહદી(અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર કરવો, તૌહીદ અને રિસાલતનો અકીદો  તથા એહલેબૈત(અ.મુ.સ.)ની વિલાયત દીનનો પાયો છે, જેના આધારે અમલ કબૂલ થાય છે.
અબુ બસીરથી એક અન્ય હદીસ મન્કુલ છે, જેમાં બયાન કરવામાં આવ્યુ છે કે કાએમે આલે મોહમ્મદનો ઇન્તેઝાર આમાલની કબુલ થવાની શર્ત છે. તેઓ કહે છે કે એક દિવસ ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ:
શું તમને એના બારામાં બતાવુ કે જેના લીધે અલ્લાહ તબારક વ તઆલા પોતાના બંદાઓના આમાલ કબૂલ કરશે?
અબુ બસીર: હા ફરમાવો.
ઇમામ(અ.સ.):
એ ગવાહી દેવી કે અલ્લાહ સિવાય કોઇ ખુદા નથી અને ચોક્કસ મોહમ્મદ(સ.અ.વ.) તેના બંદા અને રસુલ છે અને એ તમામ ચીજોનો ઇકરાર કરવો કે જેનો હુકમ અલ્લાહે આપ્યો છે અને અમારી વિલાયતને કબૂલ કરવી અને અમારા દુશ્મનોથી દુશ્મની રાખવી …અને અમને તસ્લીમ થાવુ અને વરઅ તથા ઇજતેહાદ અને ઇત્મેનાન અને કાએમ(અ.સ.)નો ઇન્તેઝાર કરવો
(ગૈબતે નોઅમાની, બાબ: ૧૧, હદીસ: ૧૬)
આવો આપણે ઇન્તેઝારના અકીદાનુ પૃથ્થકરણ કરીએ. શીય્યતના દ્રષ્ટિકોણથી ઇન્તેઝારના અકીદાનો અર્થ રસુલના બારમાં જાનશીનનો ઇન્તેઝાર કરવો છે, જેનો મશ્હુર લકબ મહદી(અ.સ.) છે. જે પોતાના ઝુહુરના બાદ દુનિયામાં સાચો ઇસ્લામ ફેલાવશે અને દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરી દેશે. પરંતુ તેમના ઝુહુરનો સમય અનિશ્ર્ચીત છે. ઇન્તેઝારનો અકીદો એક એવો અકીદો છે કે જેના વિના કોઇ અમલ કબૂલ નહી થાય અને તે ઇસ્લામના વર્તુળમાંથી બહાર છે, જે ઇન્તેઝારનો અકીદો નથી રાખતો.
ઉદાહરણ તરીકે એક સાચો મુન્તઝીર જે અકીદો રાખે છે કે મહદી(અ.સ.) જેમનો તે ઇન્તેઝાર કરી રહ્યો છે અને તે તેના સમયના ઇમામ છે. આ અકીદો એ ઇમામત જાહેર કરે છે જે તૌહીદ અને નબુવ્વત પછી સૌથી મહત્વનો અકીદો છે, કોઇના આમાલ કબૂલ થવા માટે.
હકીકતમાં ઇમામતનો અકીદો એ તૌહીદ અને નબુવ્વતના અકીદાની પરિપૂર્ણતા છે. આ વિષયે એહલેબૈત(અ.મુ.સ.)ની અસંખ્ય હદીસો છે.
મોહમ્મદ બીન મુસ્લિમે કહ્યુ: મેં અબુ જાફર(અ.સ.)ને કેહતા સાંભળ્યા:
દરેક એ શખ્સ જે અલ્લાહની ઇબાદતની સાથે તેની પૈરવી કરે, પોતાના નફસને તકલીફમાં નાખે, પરંતુ તેની પાસે અલ્લાહના તરફથી પસંદ કરાયેલ ઇમામ ન હોય તો તેની કોશિશ કબૂલ નહી થાય.
અલ્લાહની કસમ! અગર કોઇ શખ્સ આ ઉમ્મતમાં એવી રીતે સવાર કરે કે તેનો અલ્લાહ તરફથી એક જાહેર અને આદિલ ઇમામ ન હોય તો તેણે ગુમરાહીમાં સવાર કરી અને અગર તે આવી હાલતમાં મરી જાય તો તેની મૌત કુફ્રની મૌત હશે.
અય મોહમ્મદ જાણી લ્યો ચોક્કસ ઝુલ્મ અને જોરના ઇમામ અને તેની પૈરવી કરવાવાળા અલ્લાહના દીનથી ખારીજ છે. તેઓ ગુમરાહ છે અને લોકોને ગુમરાહ કરે છે. માટે તેઓના આમાલ રાખની જેવા છે, જેને તોફાનના દિવસે હવાએ સખ્તાઇ પૂર્વક ઉડાવી દીધી હોય અને પોતાની કમાણી પર કોઇ ઇખ્તિયાર નહી રાખશે અને આ ખૂબ જ ઉંડી ગુમરાહી છે.
(ઉસુલે કાફી, કિતાબુલ હુજ્જત, બાબ: ૭, હદીસ: ૮)
ઉપરોક્ત હદીસ સ્પષ્ટ કરે છે કે આમાલની કબૂલીય્યતનો આધાર ઇમામતના અકીદા પર છે. ઇન્તેઝારનો અકીદો ઇમામતના અકીદામાં શામિલ છે.
ઇમામે અસ્ર(અ.સ.)ની એક ઝિયારત જે મફાતિહુલ જીનાનમાં આવેલ છે તેમાં આપણને જોવા મળે છે.
હું ગવાહી આપુ છું કે આપની વિલાયત થકી આમાલ કબૂલ થાય છે, પાકીઝા થાય છે, નેકીઓમાં વધારો થાય છે અને ગુનાહો મિટાવી દેવામાં આવે છે. આથી જે આપની વિલાયતને કબૂલ કરે છે અને આપની ઇમામતને સ્વિકારે છે તેના આમાલ કબૂલ થાય છે અને  તેના અકીદાનો સ્વિકાર કરવામાં આવે છે અને તેની નેકીઓમાં વધારો થશે અને તેના ગુનાહો મીટાવી દેવામાં આવશે
હવે આ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે ઇન્તેઝારનો અકીદો જે ઇમામતના અકીદામાં શામિલ છે કોઇ અમલને ઇબાદતમાં બદલવા માટે અને અલ્લાહ તઆલાના થકી આમાલની કબૂલીયત માટે જરૂરી છે.
ઇન્તેઝારના અકીદાનો અર્થ ખુલાસા તરીકે આપણે આ રીતે વર્ણન કરી શકીએ છીએ.
(૧) અલ્લાહની તૌહીદમાં અકીદો:
જેવી રીતે અલ્લાહે આલમે ઝરમાં આપણને પોતાની માઅરેફત આપી હતી, ઇમામે અસ્ર(અ.સ.) પોતાના ઝુહુરના બાદ આપણને તેની યાદ દેહાની કરાવશે.
(૨) અલ્લાહની અદાલતનો અકીદો:
પછી ઇમામ(અ.સ.) એક ઇન્સાફથી ભરપૂર હુકુમત સ્થાપિત કરશે. જે ઇમામે અસ્ર(અ.સ.)ની હિદાયતના છાયામાં ચાલશે.
(૩) આ અકીદો રાખવો કે ઇમામે અસ્ર(અ.સ.)નો ઝુહુર સંપૂર્ણ રીતે અલ્લાહના ઇરાદા પર આધારિત છે.
(૪) આ અકીદો કે અલ્લાહની એક દલીલ (હુજ્જત) આ જમીન પર મૌજુદ છે અને હદીસે સકલૈનનો ઇકરાર કરવો છે.
(૫) એહલેબૈતની વિરૂદ્ધ જે નાઇન્સાફી અને ઝુલ્મ  થયા છે, એ હકીકતને તસ્લીમ કરવુ અને એ અકીદો રાખવો કે ઇમામે અસ્ર(અ.સ.) તેનાથી બદલો લેશે. ખાસ કરીને પોતાની જદ્દાએ માજેદા ફાતેમા ઝહરા(સ.અ.) અને તેના ફરઝંદ ઇમામ હુસૈન(અ.સ.)ના દુશ્મનોથી.
આપણે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે ઇમામે અસ્ર(અ.સ.)ના માટે આપણી મારેફતમાં વધારો ફરમાવે અને આપણને ઇમામે અસ્ર(અ.સ.)ના મુન્તઝેરીનમાં શામિલ થવાની તૌફીક અતા કરે જેના ઝરીએ આપણને દુનિયામાં અને આખેરતમાં કામ્યાબી મળે અને આપણને તેની પૈરવી કરવાવાળાઓમાં શામિલ કરે અને આખેરતમાં તેમનો પડોશ નસીબ થાય.
આમીન.
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *