હઝરત ઇમામ હુસૈન (અ.સ.) અને ખાનએ કા’બા

અલ્લાહનું ઘર અને રસુલ (સ.અ.વ.) ના અહલેબયત (અ.સ.) આ ઉમ્મત માટે હિદાયતનું કેન્દ્ર અને મુક્તિનું સ્થાન છે. આવો ! જોઇએ કે ખાનએ કા’બા અને હઝરત ઇમામ હુસયન (અ.સ.) વચ્ચે શું સામ્ય છે. એમ તો એક બીજા વચ્ચે ઘણો સબંધ છે. પરંતુ ટૂંકમાં નીચે મુજબ થોડી ચર્ચા કરીએ છીએ.

(1) પ્રથમ ઘર:

ખાનએ કા’બાને ખુદાએ પ્રથમ હોવાનું સન્માન બક્ષ્યું છે અને તેને ‘પ્રથમ ઘર’નો દરજ્જો આપ્યો છે. સુરએ આલે ઇમરાનની આયત 96માં છે.

اِنَّ اَوَّلَ بَیْتٍ وُّضِــعَ لِلنَّاسِ ………

“બેશક, (દુનિયામાં) સૌથી પહેલું ઘર કે જે લોકો (ની ઇબાદત) માટે બનાવવામાં આવ્યું તે એજ (કાઅબા) છે.”

ખુદાવન્દે આલમે પંજેતને પાક (અ.સ.) ને ‘પ્રથમ સર્જન’ નો દરજ્જો આપ્યો છે. રસુલે ખુદા (સ.અ.વ.) ની હદીસ છે.

اوّل ما خلق اﷲ نوری

“ખુદાવન્દે આલમે સૌ પ્રથમ મારા નુરને પેદા કર્યું.”

ખાનએ કા’બા તે સમયે અસ્તિત્વમાં આવ્યું જે સમયે દુનિયા અસ્તિત્વમાં આવી ચૂકી હતી. જ્યારે કે અહલેબયત (અ.સ.) નું સર્જન એ વખતે થયું, જ્યારે ખુદાની સિવાય બીજું કોઇ ન હતું. આખી દુનિયા તેઓના સદકામાં અસ્તિત્વમાં આવી.

(2) કાબાનું સર્જન:

ખાનએ કા’બાને જનાબ ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.)એ બનાવ્યું. સુરા બકરહની 127મી આયતમાં અલ્લાહ ફરમાવે છે :

وَاِذْ یَرْفَعُ اِبْرٰھٖمُ الْقَوَاعِدَ مِنَ الْبَیْتِ وَاِسْمٰعِیْلُ۝۰ۭ

અને (તે સમયને યાદ કરો) જ્યારે જ. ઇબ્રાહીમ (અ.સ.) તથા જ. ઇસ્માઇલ (અ.સ.) તે ઘર (કાઅબા)નો પાયો ચણી રહ્યા હતા;

જનાબે સફીયા બિન્તે અબ્દુલ મુત્તલીબનું કથન છે. જ્યારે ઇમામ હુસયન (અ.સ.) ની વિલાદત થઇ ત્યારે મેં તેમને રસુલે ખુદા (સ.અ.વ.) ના ખોળામાં આપ્યા. રસુલ (સ.અ.વ.) એ તેમની પવિત્ર જીભ તેમના પવિત્ર મોઢામાં રાખી અને તેમનાથી દૂધ અને મધ નીકળ્યું.

(બેહાર 43/243, અવાલીમ 7/13)

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે. હઝરત ઇમામ હુસયન (અ.સ.) એ કોઇનું દૂધ નથી પીધું. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) આવતા હતા અને પોતાની પવિત્ર જીભ તેમના પવિત્ર મોઢામાં રાખતા, જેનાથી તે તૃપ્ત થઇ જતા. ખુદાએ રસુલે ખુદા (સ.અ.વ.) ના માંસ અને લોહીથી ઇમામ હુસયન (અ.સ.) નું માંસ અને લોહી તૈયાર કર્યું.

(બેહાર 43/425, અવાલીમ 17/24)

ખાનએ કા’બાની દિવાલોના ચણતરમાં જનાબ ઇબ્રાહીમ (અ.સ.) અને જનાબ ઇસ્માઇલ (અ.સ.) નો પસીનો શામિલ છે જ્યારે ઇમામ હુસયન (અ.સ.)નું સંપૂર્ણ અસ્તિત્વ રસુલે ખુદા (સ.અ.વ.)ના અસ્તિત્વથી છે. તેમની રગે રગમાં આપ (સ.અ.વ.)નું પવિત્ર લોહી છે.

ખાનએ કા’બાનું ચણતર બે મઅસુમોના હાથે થયું છે જનાબે ઇબ્રાહીમ અને જનાબે ઇસ્માઇલ (અ.સ.) જ્યારે ઇમામ હુસયન (અ.સ.) ને ચાર મઅસુમોનું સન્માન પ્રાપ્ત છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.), હઝરત અલી (અ.સ.), જનાબે ફાતેમા (સ.અ.) અને હઝરત ઇમામ હસન (અ.સ.) આ દરેકનો દરજ્જો નબીઓથી ઘણોજ ઊંચો છે.

(3) દુનિયાઓ માટે માર્ગદર્શક:

ખાનએ કા’બાને ખુદાવન્દે આલમે દુનિયાઓ માટે હિદાયત ગણવામાં આવ્યો છે. સુરાએ આલે ઇમરાનની આયત 96 માં દર્શાવવામાં આવેલ છે. :

اِنَّ اَوَّلَ بَیْتٍ وُّضِــعَ لِلنَّاسِ لَلَّذِیْ بِبَکَّۃَ مُبٰرَکًا وَّھُدًى لِّـلْعٰلَمِیْنَ۝۹۶ۚ

“આ તે પહેલું ઘર છે જે લોકોના માટે બનાવવામાં આવ્યું, જે મક્કામાં છે, બરકતોથી ભરેલું અને દુનિયાઓ માટે હિદાયત છે.”

આ ઘરેથી તૌહિદનું શિક્ષણ મળે છે અને તૌહિદના માર્ગમાં કુરબાનીઓ રજુ કરનારાઓ પાસેથી શિક્ષણ મળે છે. ખુદા ઉપરની શ્રદ્ધાનું શિક્ષણ મળે છે. જો માનવી તે સમયને યાદ કરે, જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) ખુદાના હુકમથી પોતાના નવજાત પુત્રને તેની માતા સાથે નિર્જળ અને નિર્જન ભૂમિ ઉપર ખુદાને ભરોસે એકલા મૂકીને ચાલ્યા ગયા હતા. કુરઆને કરીમે આ રીતે દર્શાવ્યું છે :

رَبَّنَآ اِنِّىْٓ اَسْکَنْتُ مِنْ ذُرِّیَّتِیْ بِوَادٍ غَیْرِ ذِیْ زَرْعٍ عِنْدَ بَیْتِکَ الْمُحَرَّمِ۝۰ۙ رَبَّنَا لِیُقِیْمُوا الصَّلٰوۃَ فَاجْعَلْ

“હે અમારા પરવરદિગાર! નિસંશય મેં મારી ઔલાદમાંથી (કેટલાકોને) તારા પવિત્ર મકાન પાસે એવી ખીણમાં – કે જેમાં ખેતી વાડી (જેવું) કાંઇજ નથી – વસાવ્યા છે, એટલા માટે કે હે અમારા પરવરદિગાર! તેઓ નમાઝ પઢ્યા કરે,     ”

(સુરએ ઇબ્રાહીમ:37)

ખુદાએ આ નિર્જન ભૂમિ ઉપર પાણીનું એ ઝરણું વહાવ્યું જે આજ સુધી વહે છે.

હઝરત ઇમામ હુસયન (અ.સ.) ના બારામાં છે.

ان الحسین مصباح الھدیٰ و سفینۃ النجاۃ

“યકીનથી હુસયન (અ.સ.) હિદાયતના પ્રકાશ પૂંજ અને મૂક્તિની નૌકા છે.”

ઇમામ હુસયન (અ.સ.) સાથે જોડાએલી દરેક વસ્તુ હિદાયતનું વહેતું ઝરણું છે.

કા’બા તૌહિદનું સ્થાન છે. ઇમામ હુસયન (અ.સ.) તૌહિદના રક્ષણહાર છે.
જનાબે ઇબ્રાહીમે (અ.સ.) એક પુત્રને કાયમી રહેણાંક આપ્યું હતું ઇમામ હુસયન (અ.સ.) કરબલાના રણમાં 72 વ્યક્તિઓને કાયમી રહેણાંક આપ્યું હતું.
ત્યાં જનાબે ઇસ્માઇલ (અ.સ.) ની કુરબાની છે. ઇમામ હુસયન (અ.સ.) ની કુરબાનીને ખુદાએ મહાન બલિદાન (ઝીબ્હે અઝીમ) ઠરાવ્યું છે.
જનાબે ઇબ્રાહીમે (અ.સ.) પોતાના વંશ માટે કહ્યું હતું કે તે નમાઝ કાયમ કરે. ઇ. હુસયન (અ.સ.)ની ઝીયારતમાં છે: اشھد انک قد اقمت الصّلوٰۃ હું ગવાહી આપું છું કે આપ (અ.સ.)એ નમાઝ કાયમ કરી.

(4) કિબ્લો:

ખાનએ કા’બા નમાઝનો કિબ્લો છે. બધા મુસલમાનો ઉપર વાજીબ છે કે ખાનએ કા’બાની સન્મુખ થઇને નમાઝ પઢે અને ખાને કા’બાને પોતાનો કિબ્લો નિશ્ર્ચિત કરે.

ઇમામ હુસયન (અ.સ.) ઇમાનનો કિબ્લો છે. કોઇપણ માણસનું ઇમાન ત્યાં સુધી સંપૂર્ણ નથી થઇ શક્તું જ્યાં સુધી તે ઇમામ હુસયન (અ.સ.) પ્રત્યે મુખ ન ફેરવે અને તેના દિલમાં તેમની મોહબ્બતનો ઉજાસ ન પાથરે – મોહબ્બતથી મુનવ્વર ન કરે.

જે રીતે ખાનએ કા’બાની દિશાથી હટી જવાના કારણે નમાઝ બાતીલ થઇ જાય છે, તેવી રીતે અહલેબયત (અ.સ.) થી વિમુખ થઇ જવાથી બધા આમાલ રદ થઇ જાય છે.

(5) દિલોનું કેન્દ્ર:

જનાબ ઇબ્રાહીમ (અ.સ.) એ જ્યારે પોતાના વંશને ત્યાં કાયમી રહેઠાણ આપ્યું ત્યારે ખુદાની બારગાહમાં દોઆ કરી,

فَاجْعَلْ اَفْىِٕدَۃً مِّنَ النَّاسِ تَہْوِیْٓ اِلَیْہِمْ

“(ખુદાયા!) લોકોમાંના કેટલાકોના દિલ તેમની તરફ વાળી (ફેરવી) દે;”  (સુરએ ઇબ્રાહીમ : 37)

આ એજ દોઆની અસર છે કે લોકો દુનિયાના ખુણે ખુણામાંથી અલ્લાહના આ ઘરની ઝીયારત માટે ઉમટી પડે છે. મુલાકાતની ઇચ્છા છે જે આ લોકોને ખેંચી લાવે છે. આ ઘરના તવાફમાં ખુદાના ઘરના ચાહકોની વ્યાકુળતા અને તરવરાટ એક જોવા લાયક લગની છે, જેનું વર્ણન શક્ય નથી.

હઝરત ઇમામ હુસયન (અ.સ.) માટે રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

اِنَّ لِقَتْلِ الْحُسَیْنِ حَرَارَۃً فِیْ قُلُوْبِ الْمُؤْمِنِیْنَ لاَ تَبْرُدُ اَبَدًا

“ખરેખર, હ. ઇમામ હસૈન (અ.સ.) ના કત્લથી મોઅમીનોના દિલોમાં એક આગ પેદા થાય છે, જે ક્યારેય ઠંડી નથી પડતી.”

(મુસ્તદરકેુલ વસાએલ : 10/318)

એક બીજી રિવાયતમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું : જે ખુદાવન્દે આલમની મજબુત રસ્સીથી જોડાવા માગે છે, જેનો ઉલ્લેખ ખુદાએ પોતાની કિતાબમાં કર્યો છે, તેણે હઝરત અલી, હસન અને હુસયન (અ.સ.) સાથે દોસ્તી રાખવી જોઇએ કારણ કે અલ્લાહ અર્શે અઝીમ ઉપર તેઓ (અ.સ.)ને દોસ્ત રાખે છે.

એક બીજી રિવાયત આ મુજબ છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) હઝરત ઇમામ હસન (અ.સ.) અને હઝરત ઇમામ હુસયન (અ.સ.) ને બોસો આપી રહ્યા હતા (ચૂમી રહ્યા હતા) અને ફરમાવી રહ્યા હતા : ‘‘જે કોઇ હ. ઇમામ હસન (અ.સ.) અને હ. ઇમામ હસૈન (અ.સ.) ને દોસ્ત રાખશે અને તેઓના વારસોને દોસ્ત રાખશે તે ક્યારે પણ જહન્નમનું મોઢું નહિ જુએ, પછી ભલે તેના ગુનાહ રણની રેતી જેટલા હોય સિવાય કે તે એવા ગુનાહ કરે જે તેને ઇમાનથી બહાર કાઢી નાખે.

(કામેલુઝ ઝીયારત પા – 51 હ. 4 અને 7)

જરા વિચાર કરો ખુદા અને રસુલે (સ.અ.વ.)એ કેટલી હદે ઇમામ હુસયન (અ.સ.) પ્રત્યે મોહબ્બતની દઅવત આપી છે. આ એ જ દઅવતની અસર છે કે દરેક નેક દિલ ઇન્સાન તેના દિલમાં ઇમામ હુસયન (અ.સ.) ની મોહબ્બત અનુભવે છે.

ઇમામ હુસયન (અ.સ.)ની શહાદતે મોઅમીનોના દિલોમાં મોહબ્બતની એ જ્યોત પ્રગટાવી છે કે જે ક્યારેય બુજાશે નહિ.

આ જ કારણથી દુનિયાના ખુણે ખુણામાંથી અનેકાનેક મુશ્કેલીઓ વેઠીને અને દુ:ખો સહન કરીને મોઅમીનો ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત માટે કરબલા આવે છે. તેઓ આ માર્ગમાં કોઇપણ પ્રકારની કુરબાની આપતા અચકાતા નથી. ઇતિહાસ સાક્ષી છે કે લોકોએ પોતાની ઓલાદની કુરબાની આપી છે, પરંતુ ઝીયારતને છોડી નથી.

(6) મકામે ઇબ્રાહીમ:

ખાનએ કા’બામાં એક જગ્યા છે જેને ‘મકામે ઇબ્રાહીમ’ કહેવામાં આવે છે. એ તે પથ્થર છે કે જ્યારે જનાબે ઇબ્રાહીમ (અ.સ.) ખાનએ કા’બાની દિવાલોને ઉંચી કરી રહ્યા હતા, ત્યારે આ પથ્થર ઉપર ઊભા રહેતા હતા. આ પથ્થરને પગોને ચૂમવાનું સન્માન મળ્યું. તે પથ્થરે હઝરત ઇબ્રાહીમ (અ.સ.) ના અડગ પગોનો નકશો તેના દિલમાં ઉતારી લીધો. તેથી આ પગના નિશાનો તેની ઉપર કાયમી રીતે કોતરાઇ ગયા. કારણ કે જનાબે ઇબ્રાહીમ (અ.સ.) એ ખુદાના હુકમથી લોકોને જ્યારે હજની દઅવત આપી ત્યારે આ પથ્થર ઉપર ઊભા રહીને દઅવત આપી. સામાન્ય રીતે એવો વિચાર આવે છે કે જો જનાબે ઇબ્રાહીમ (અ.સ.) આ પથ્થર ઉપર ઊભા રહીને ખાનએ કા’બાની દિવાલને ઉંચી કરી રહ્યા હતા તો તે ખાનએ કા’બાની નજદિક હોવો જોઇતો હતો. આ તો 25 વાર દુર છે. તેનો જવાબ એ છે કે શરૂઆતમાં આ પથ્થર ખાનએ કા’બા સાથે જોડાએલો હતો. બીજા ખલીફાએ તેને ત્યાંથી દૂર કરી દીધો. ઇન્શાઅલ્લાહ જ્યારે હઝરત ઇમામ મહદી (અ.સ.) જાહેર થશે ત્યારે તેને મૂળ જગ્યા ઉપર સ્થાપિત કરશે.

(રવઝતુલ મુત્તકીન 5/252)

કુરઆને કરીમે આ મકામે ઇબ્રાહીમને નમાઝની જગ્યા નક્કી કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. એટલે મકામે ઇબ્રાહીમની પાછળ નમાઝ પડો. ખાનએ કા’બામાં બધી તરફ નમાઝ પડી શકાય છે. પરંતુ સૌથી વધુ ઉત્તમ જગ્યા મકામે ઇબ્રાહીમ છે. તેમજ વાજીબ તવાફની નમાઝ મકામે ઇબ્રાહીમની પાછળ પડવી ફરજીયાત છે. તેથી આખી મસ્જીદુલ હરામમાં મકામે ઇબ્રાહીમની પાછળ નમાઝ પડવા માટે સૌથી વધુ ધસારો થાય છે.

તે લોકો કે જે ખુદા સિવાયના બીજા કોઇની સામે મોઢું રાખવાને શીર્ક ગણે છે તે અહિં શું જવાબ આપશે ?

ખુદાનો હુકમ છે.

وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرٰہٖمَ مُصَلًّى۝۰ۭ

“(અને આજ્ઞા કરી) કે ઇબ્રાહીમના (ઊભા રહેવાના) સ્થાનને (તમારી) નમાઝની જગ્યા બનાવો.”

(સુરએ બકરહ : 125)

દુનિયાની સૌથી પવિત્ર જગ્યા મસ્જીદુલ હરામ છે. ત્યાં એહરામ સાથે કા’બાની સામે મકામે ઇબ્રાહીમને મુસલ્લો નક્કી કરવો એટલે તમો મોઢું ખાનએ કા’બા તરફ જ રાખીને નમાઝ પડી રહ્યા છો. પરંતુ તે મકાન બનાવનારને પણ યાદ રાખો. તેમણે આ ઘર ઇબાદતના માટે બનાવ્યું હતું તેથી ઇબાદતમાં પણ તેમને યાદ કરો.

وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرٰہٖمَ مُصَلًّى۝۰ۭ

ખુદાનો આ હુકમ દર્શાવે છે કે મારા ઘરમાં આવવું છે તો એ રસ્તાઓથી આવો જે મેં નક્કી કર્યા છે. તેમાંનો એક રસ્તો નબીઓ (અ.સ.)નો છે જેને ખુદાએ પોતાના ઘરમાં આવવા માટેનો દરવાજો નક્કી કર્યો છે.

ખુદાએ મકામે ઇબ્રાહીમને મુસલ્લો બનાવ્યો અને કરબલાની માટીને સજહદગાહ બનાવી. આ માટીમાં એ ખૂબી મૂકી જે દુનિયાની કોઇપણ માટીમાં નથી. માણસ મકામે ઇબ્રાહીમની સામે મોઢું રાખીને ત્યારે નમાઝ પડશે જ્યારે કા’બા જશે. જ્યારે રિવાયતોમાં છે કે મઅસુમો તે માટી ઉપર સજદહ કરતા હતા અને તેને હંમેશા પોતાની સાથે રાખતા હતા. આ પાક માટી ઉપર સજદહ કરવાથી નમાઝ કબુલ થાય છે.

ખાકે શફા અને મકામે ઇબ્રાહીમ વચ્ચે ફરક છે. મકામે ઇબ્રાહીમમાં માત્ર જનાબે ઇબ્રાહીમ (અ.સ.) ના પગની છાપ છે. જ્યારે ખાકે શફામાં માત્ર ઇમામ હુસયન (અ.સ.) નું જ નહિ બલ્કે ઇમામ ઉપર કુરબાન થઇ જનારાઓનું પવિત્ર લોહી પણ ભળેલું છે.

મકામે ઇબ્રાહીમ નમાઝના માટે છે. જ્યારે ઇમામ હુસયન (અ.સ.)ની કબરની પવિત્ર માટી દરેકને માટે દવા છે.

મકામે ઇબ્રાહીમ માત્ર એક ભાગ પુરતું મર્યાદિત છે જ્યારે ખાકે શફા અને સજદહગાહનો વિસ્તાર ઇમામ હુસયન (અ.સ.) નું હરમ છે.

આ તે માટી છે જેના ઉપર સજદહ કરવાથી સાત જમીન અને સાત આસમાન પ્રકાશિત થઇ જાય છે. વધુ વિગત માટે અલ મુન્તઝરનો હી.સન 1423 નો મોહર્રમ અંકનો ખાકે શફા લેખ વાંચવો.

(7)-(8) નબીઓ અને મલાએકાઓનું તવાફનું કેન્દ્ર

ખાનએ કા’બાની એક ખુબી એ છે કે નબીઓએ તેનો તવાફ કર્યો છે અને કરતા રહે છે. તે ઉપરાંત મલાએકાઓ પણ આ પવિત્ર ઘરનો તવાફ કરતા રહે છે.

ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબર હંમેશાથી નબીઓ, વસીઓ અને મલાએકાઓની ઝીયારતનું કેન્દ્ર રહી છે. એક રિવાયતમાં છે :

“એવો કોઇપણ નબી નથી જેણે કરબલાની જમીનની ઝીયારત ન કરી હોય.”

કરબલાની જમીન તો ઇમામ હુસયન (અ.સ.)ના દફન થવા પહેલાં નબીઓની સન્માનને પાત્ર અને ઝીયારતનું સ્થાન રહી છે. અર્થાંત ઇમામ હુસયન (અ.સ.) સાથે સંકાળાએલી હોવાથી સન્માનને પાત્ર રહી છે.

શઅબાનની પંદરમી રાત્રે એક મહત્વનો અમલ ઇમામ હુસયન (અ.સ.)ની ઝીયારત છે. આ ઝીયારતના બારામાં રિવાયતમાં છે :

“જે માણસ એક લાખ અને ચોવીસ હજાર નબીઓ સાથે મુસાફેહા કરવા ઇચ્છતો હોય તે ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબરની ઝીયારત કરે.”

(મફાતીહ – 15 મી શાબાનની રાતના આ’માલ)

એટલે કે એક લાખ ચોવીસ હજાર નબીઓ ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત માટે આવે છે. હવે રહ્યો મલાએકાનો સવાલ તો રિવાયતોમાં છે કે એક ફોજ ઝીયારત માટે આસમાનમાંથી આવે છે અને એક ફોજ પાછી જાય છે. આ રીતે મલાએકાની અવર જવર સતત રીતે ચાલુ જ રહે  છે. મલાએકાઓ માત્ર ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબરની ઝીયારત માટે નથી આવતા બલ્કે તેઓ ઝવ્વારોની ઝીયારત માટે પણ આવે છે.

(વિગત માટે જુઓ અલ – મુન્તઝરનો હિ.સન. 1422 નો મોહર્રમ અંક)

(9) કસર નમાઝ પુરી થઇ જાય છે:

ચાર રકાતની નમાઝો મુસાફરીમાં કસર થઇ જાય છે. એક માણસ જાણી જોઇને ચાર રકાતની નમાઝ મુસાફરીમાં ચાર રકાત પડે તો તો તેની નમાઝ બાતીલ થઇ જાય છે. પરંતુ મસ્જીદુલ હરામને (જ્યાં ખાનએ કા’બા છે) આ સન્માન મળેલું છે. જો માણસ ઇચ્છે તો સફરમાં અહિં ચાર રકાત નમાઝ પડી શકે છે. બલ્કે વધુ ફઝીલત એ જ છે. કદાચ તેનું કારણ એ હોય કે આ તે જગ્યાએ છે કે જ્યાંથી નમાઝની શરૂઆત થઇ. સૌ પ્રથમ હઝરત રસુલ (સ.અ.વ.), હઝરત અલી (અ.સ.) અને જનાબે ખદીજતુલ કુબ્રા (અ.સ.) કાફરો અને મુશ્રિકોની દુશ્મની વચ્ચે નમાઝ પડતા હતા. ખુદાએ કદાચ આ જ કારણથી પરવાનગી આપી કે અહિં પૂરી નમાઝ પડી શકાય છે.

હઝરત ઇમામ હુસયન (અ.સ.) નો પવિત્ર રોઝો પણ આ સ્થળો પૈકી એક છે, જ્યાં સફર કરનાર કસર નમાઝો પુરી પડી શકે છે. જો ખાનએ કા’બામાં નમાઝ શરૂ કરવામાં આવી હતી તો કરબલામાં નમાઝ સુરક્ષિત થઇ છે. ઇમામ હુસયન (અ.સ.) એ પોતાની કુરબાની આપીને તેને નવજીવન આપ્યું છે. ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારતમાં છે.

اشھد انک قد اقمت الصلوٰۃ

જો મક્કામાં કાફરો અને મુશ્રિકોની સામે નમાઝ અદા કરવામાં આવી તો કરબલાના મેદાનમાં ખુદા અને રસુલ (સ.અ.વ.) ના દુશ્મનો વચ્ચે તીરોના વરસાદની વચ્ચે નમાઝ પડ્યા અને સજહદમાં જ આપનું પવિત્ર શીર, શરીરથી જુદું કરવામાં આવ્યું.

(10) ખાનએ કા’બાની પવિત્રતા:

જ્યારે જનાબે ઇબ્રાહીમ (અ.સ.) અને જનાબે ઇસ્માઇલ (અ.સ.)એ ખાનએ કા’બાનું ચણતર પુરૂં કર્યું, ખુદાએ તેઓને હુકમ આપ્યો કે :

اَنْ طَہِّرَا بَیْـتِىَ لِلطَّاۗىِٕفِیْنَ وَالْعٰکِفِیْنَ وَالرُّکَّعِ السُّجُوْدِ۝۱۲۵

“મારા ઘરને ઝિયારત કરવાવાળાઓ માટે અને ત્યાં રહીને બંદગી કરનારાઓ તથા રૂકુઅ તથા સિજદાઓ કરનારાઓ માટે, પાક અને સાફ રાખો.”

(સુરએ બકરહ : 125)

ખાનએ કા’બાને તેમણે પાક કર્યું. તેની અસર એ છે કે કોઇ પણ વ્યક્તિ નજાસતની હાલતમાં ત્યાં રોકાઇ નથી શક્તું. ન પસાર થઇ શકે છે. તેને ત્યાંથી તરત જ બહાર આવી જવું જોઇએ.

હઝરત ઇમામ હુસયન (અ.સ.) ને ખુદાવન્દે આલમે પાક અને સાફ પેદ કર્યા છે. તેમના સન્માન અર્થે આયતે તત્હીર ઉતરી છે.

જનાબે સફીયા બિન્તે અબ્દુલ મુત્તલીબનું કથન છે; જ્યારે ઇમામ હુસયન (અ.સ.) ની વિલાદત થઇ ત્યારે તે મારી પાસે હતા. હું તેમની સારસંભાળ રાખતી હતી. હઝરત રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું : ‘‘ફોઇ મારો પુત્ર મને આપી દો. મેં અરજ કરી ‘‘એ ખુદાના રસુલ ! મેં હજી નવરાવ્યા પણ નથી. ત્યારે આપે ફરમાવ્યું : ‘‘ફોઇ આપ શું તેને સાફ કરી રહ્યા છો, ખુદાવન્દે આલમે તેમને ખુદ પાક, સાફ અને પવિત્ર કર્યા છે.

(બેહાર 43/243 ભાગ – 17)

ક્યાં ખલીલે ખુદા અને ઝબીહલ્લાહની પવિત્રતા અને ક્યાં ખુદાની પવિત્રતા કદાચ આ જ કારણથી ખાનએ કાબામાં દરેક માણસ જઇ શકે છે પરંતુ અહલેબયત (અ.સ.)ની મોહબ્બત માત્ર એવા દિલોમાં રહી શકશે, જેનો વંશવેલો પવિત્ર હશે.

(11) હજરે અસવદ

હજરે અસ્વદ એક જન્નતી પથ્થર છે. જે ખાનએ કા’બાની દિવાલમાં જડવામાં આવ્યો છે. આ તે જગ્‌યા છે જ્યાંથી તવાફ શરૂ કરવામાં આવે છે અને અહિં જ દરેક તવાફ પૂરો થાય છે. આ પથ્થરના બારામાં હ. ઇ. જઅફર સાદિક (અ.સ.)નું કથન છે : જ્યારે ખુદાવન્દે આલમે, ‘આલમે ઝર’માં બધા લોકોને પુછ્યું الستُ بربکم  શું હું તમારો પરવરદિગાર નથી?  قالو ابلیٰ  સૌએ કહ્યું ‘‘યકીનથી, તું અમારો પરવરદિગાર છો. ખુદાએ આ રીતે લોકો પાસેથી પોતે સર્જનહાર હોવાનો વાયદો અને વચન લીધું. ખુદાએ હજરે અસ્વદને કહ્યું આ બધા વાયદા અને વચનને તારી અંદર સુરક્ષિત કરી લે. હજરે અસવદે આ બધા વાયદા અને વચનને પોતાની અંદર સુરક્ષિત કરી લીધા. (એટલે કે હજરે અસ્વદ આ બધા વાયદા અને વચનનો રખેવાળ અને અમાનતદાર છે. બધા વાયદા અને વચનો તેની અંદર સલામત અને મૌજુદ છે.) આજ કારણથી જ્યારે મોઅમીનો હજ કરવા જાય છે. ત્યારે હજરે અસ્વદને ચૂમે છે અને કહે છે : મેં મારી અમાનત ચૂકતે કરી. તું સાક્ષી રહેજે કે હું મારા વાયદા અને વચન ઉપર અડગ છું.

(કાફી: 4/184)

હઝરત ઇમામ હુસયન (અ.સ.) તો ખુદ આ કોલ અને કરારનો એક ભાગ છે, જે ખુદાએ اَلَسْتُ  ના દિવસે લોકો પાસેથી લીધો હતો. اَلَسْتُ ના દિવસે માત્ર અલ્લાહના સર્જનહાર હોવાનો કોલ નથી લેવાયો બલ્કે તેની સાથે રસુલ (સ.અ.વ.)ની નબુવ્વત, રિસાલત અને અહલેબયત (અ.સ.) ની ઇમામત અને વિલાયતનો પણ કોલ લેવાયો છે.

બકીર બીન અઅયિને હઝરત મોહમ્મદ બાકીર (અ.સ.) ના આ કથનની નોંધ કરી છે. “ખુદાવન્દે આલમે અમારા શીયાઓ પાસેથી અમારી વિલાયતનો કરાર ‘ઝરના દિવસે’ લીધો, જ્યારે ખુદાએ તેના સર્જનહાર તરીકે અને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની નબુવ્વતના કરાર લીધા.”

(બસાએરૂદ દરજાત પા. 109 પ્ર.16 ભાગ – 1)

બધા મુસલમાનો હજરે અસ્વદને ચુમે છે. જ્યારે ઇમામ હુસયન (અ.સ.) હ. રસુલ (સ.અ.વ.) ના બોસાની જગ્યા છે. જો આ હજરે અસ્વદ જન્નતથી આવ્યો છે, તો હઝરત ઇમામ હુસયન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે. તે ઉપરાંત જન્નત તો અહલેબયત (અ.સ.) ની મોહબ્બત અને વિલાયતનો બદલો છે.

(12) ખાનએ કા’બાનો ગિલાફ:

ખાનએ કા’બા આમ તો પથ્થરની એક ચોરસ ઇમારત છે. પણ તેના ઉપર હંમેશા ગીલાફ ચડેલો રહે છે. એવું કહેવાય છે કે સૌ પ્રથમ હમીરનાં બાદશાહ તુબ્બઅ અસદે ચાન્દીના તારથી બનાવેલો ગીલાફ ખાનએ કા’બા ઉપર ચડાવ્યો હતો.

(અલ મીઝાન 3/297)

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ યમાની કાપડનો ગીલાફ ચડાવ્યો હતો. આ ગિલાફ ખુદ ઘણો આદરણીય છે. તેને ખાનએ કા’બાનો સ્પર્શ થવાનું સન્માન મળેલ છે. ખાનએ કા’બા સાથે જોડાએલા હોવાના કારણે તે પણ તવાફમાં દાખલ છે. આ કાપડ ગમે તેટલું આદરણીય કેમ ન હોય પરંતુ તેના બધા તાણાવાણા આપણી દુનિયાના છે અને માણસોના હાથથી બનાવેલા છે. જ્યારે ઇમામ હુસયન (અ.સ.) એ છે કે જેમનો પહેરવેશ જન્નતથી આવ્યો. જેનો દરેક તાંતણો જન્નતી હતો અને જન્નતવાળાના હાથે વણેલો હતો.

(13) હિજરે ઇસ્માઇલ:

ખાનએ કા’બાની ઉત્તરની દિશાએ એક અર્ધ વર્તુળ દિવાલ છે. જેને હિજરે ઇસ્માઇલ કહેવામાં આવે છે. તેમાં જનાબે ઇસ્માઇલ અને તેમના માનનીય વાલેદા જનાબે હાજરહની કબરો છે. તદુપરાંત ઘણા નબીઓ પણ અહિં દફન થએલા છે. ખાનએ કા’બા જનાબે ઇબ્રાહીમ (અ.સ.) ની ચણેલી ઇમારત છે. અને હિજરે ઇસ્માઇલમાં જનાબે ઇસ્માઇલની કબર છે જેને તવાફમાં આવરી લેવી ફરજીયાત છે. તે લોકો જે ઝરીહ (જ્યાં મઅસુમોની કબરો હોય છે) નો તવાફ કરવાને શિર્ક અને બીદઅત ગણે છે, તે હિજરે ઇસ્માઇલનો તવાફ કેવી રીતે કરશે? હિજરે ઈસ્માઇલ ખાનએ કા’બાથી જુદી છે. પરંતુ તવાફ કરવો ફરજીયાત છે. તેમાં કબરો પણ છે. જનાબ ઇસ્માઇલ ખાનએ કા’બાનું ચણતર કરનારાઓ પૈકી એક છે.

ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબરથી  જોડાએલી ઇમામના પગની તરફ તેમના પુત્ર, શબીહે રસુલ, હઝરત અલી અકબર (અ.સ.) ની કબર છે. જનાબે અલી અકબરની શહાદત ઇસ્લામના રક્ષણની જામીનગીરી છે.

(14) દોઆઓ કબુલ થવાની જગ્યા:

ખાનએ કા’બા ખુદ પવિત્ર અને આદરને પાત્ર છે. તે સમગ્ર વાતાવરણ દોઆઓ કબુલ થવાનું વાતાવરણ છે. પરંતુ તેમાં અમૂક ખાસ જગ્યાઓ છે. તેની અસર વિશેષ છે. ملتزم یا حطیم આ હજરે અસ્વદ અને ખાનએ કા’બાના દરવાજા વચ્ચેની જગ્યા છે. ગુનાહો માફ થવા માટેની આ સર્વ શ્રેષ્ઠ જગ્યા છે. ખાનએ કા’બાના દરવાજાની પાછળ એક જગ્યા છે, જેને ‘મુસ્તજાર’ કહે છે. જ્યાં લોકો ખુદાનું રક્ષણ માગે છે. ગુનેહગાર ખુદાની રહેમતની દરખાસ્ત કરે છે. તેની સાથે જોડાએલો જે ખુણો છે તેને ‘રૂકને યમાની’ કહે છે. આ બધી જગ્યાઓની વિશેષતા એ છે કે અહિં દોઆઓ કબુલ થાય છે. ગુનાહોની માફી મળે છે. અને હાજતો પુરી થાય છે.

અબુ હાશીમ જઅફરીનું કથન છે કે જ્યારે હું હઝરત ઇમામ અલી નકી (અ.સ.) ની સેવામાં હાજર થયો ત્યારે આપ બિમાર હતા અને તાવ ભરેલો હતો. તેમણે મને કહ્યું એ અબુ હાશીમ મારી તરફથી એક માણસને હાએર (ઇમામ હુસયન (અ.સ.) ના હરમમાં) મોકલો, જે ત્યાં જઇને મારા માટે દોઆ કરે. મેં અલી બીન હીલાલને કહ્યું, તમે હાએર જઇને ઇમામના માટે દોઆ કરો. તેણે કહ્યું કે હું ચોક્કસ જઇશ, પરંતુ ઇમામ તો ખુદ હાએરથી અફઝલ છે. તે વ્યક્તિ જે ખુદ હાએર (હરમ) જેટલો મરતબો ધરાવતી હોય તે જો પોતાના માટે દોઆ કરે તે એનાથી અનેક ગણું વધુ સારૂં છે કે હું તેમના માટે હરમમાં દોઆ કરૂં.

તેથી ઇમામ (અ.સ.) એ ફરમાવ્યું કે તેને કહી દો કે હઝરત રસુલ (સ.અ.વ.) ખાનએ કા’બા અને હિજરે અસ્વદ કરતા અફઝલ હતા પરંતુ તે ખાનએ કા’બાનો તવાફ કરતા હતા. અને હિજરે અસ્વદને ચૂમતા હતા. યકીનથી ખુદાવન્દે આલમે એવી જગ્યાઓ પસંદ કરી છે, જ્યાં દોઆ કરવામાં આવે તો તે પસંદ કરે છે કે તે દોઆઓ કબુલ કરે હાએર (હરમ) તે પૈકી એક છે.

(કામીલુલ ઝીયારાત પા. 274)

હઝરત મુસા બીન જઅફર અલ કાઝીમ (અ.સ.) એ ફરમાવ્યું કે જો કોઇ ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત તેમના હક સન્માન અને વિલાયતની મઅરેફતની સાથે કરે તો તેને ઓછામાં ઓછો એટલો સવાબ મળશે કે તેના બધા પાછળના અને આગળના ગુનાહ માફ કરી દેવામાં આવશે.

(કામીલુલ ઝીયારાત 5/153)

(15) હજ્જનું આહવાન:

કુરઆને કરીમમાં છે; તે સમયને યાદ કરો જ્યારે અમે ઇબ્રાહીમને બય્ત (ખાનએ કા’બા)ની પાસે જગ્યા આપી અને કહ્યું :

“અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ ઇબ્રાહીમને બયતુલ્લાહમાં એવા હેતુસર સ્થાન આપ્યું (અને કહ્યું) કે કોઇને મારો શરીક કરો નહિ. અને મારા ઘરને તવાફ (પ્રદક્ષિણા) કરનારાઓ માટે તથા કિયામ કરનારાઓ માટે તથા રૂકુઅ અને સિજદો કરનારાઓ માટે પાક સાફ રાખ.(26) અને લોકોને (ઢંઢેરો પીટાવી) હજ્જ માટે આમંત્રણ આપ; (કે જેથી) તેઓ તારી પાસે ચાલીને તેમજ સઘળા દૂર દૂરના માર્ગોથી દુબળા (દુબળા) ઊંટો પર સવાર થઇને પણ આવે;”(27)

(સુરએ હજ: 26-27)

જનાબે ઇબ્રાહીમ (અ.સ.) મે ખુદાના હુકમથી લોકોને હજ માટે દાવત આપી. જનાબે રસુલે ખુદા (સ.અ.વ.) એ ઇમામ હુસયન (અ.સ.) ની ઓળખ કરાવી. હોઝયફા બીન યમાનીની રિવાયત છે; મેં રસુલે ખુદા (સ.અ.વ.) ને જોયા હુસયન બીન અલી (અ.સ.) નો મુબારક હાથ પકડીને કહી રહ્યા હતા :

“ઐ લોકો! આ હુસયન બીન અલી (અ.સ.) છે. તેમને ઓળખો. મને કસમ છે તેની, જેના નિયંત્રણમાં મારૂં જીવન છે, તેઓ યકીનથી જન્નતમાં જશે અને તેમની સાથે મોહબ્બત કરનારાઓ જન્નતમાં જશે અને તેમની સાથે મોહબ્બત કરનારાઓની સાથે મોહબ્બત કરનારાઓ પણ જન્નતમાં જશે.”

(બેહાર 43/262 હ. 6 અવાલીમ 17/37)

હઝરત ઇમામ હુસયન (અ.સ.) અને ખાનએ કા’બા વચ્ચે ઘણુ સરખાપણું છે. દરેકની વિગતવાર ચર્ચા માટે એક પુસ્તકની જરૂર પડે. જો ખુદા શક્તિ આપે અને ઇમામે ઝમાના (અ.સ.) તેમાં મદદ કરે તો બાકીની ચર્ચા હવે પછી કરશું.

અહિં અનુક્રમે થોડી ચર્ચા કરી દઇએ છીએ.

ખાનએ કા’બા ઇમામ હુસયન (અ.સ.)
16 કયામતની સવાર સુધી બાકી રહેશે. કયામતની સવાર સુધી બાકી રહેશે.
17 ‘ઉમ્મુલ કોરા’ છે. (દુનિયાની બાકી જમીન ખાનએ કા’બાની નીચેથી ફેલાએલી છે. તેથી ખાને કા’બાને ‘ગામડાઓની મા’ ‘ઉમ્મુલ કોરા’ કહેવામાં આવે છે.) ઇમામ (અ.સ.) ‘અબુલ અઇમ્મા’ આપ 09 ઇમામોના પિતા છો.
18 તમામ ઘરોનું સરદાર છે. આપ (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.
19 સૌથી શ્રેષ્ઠ જમીન ઉપર છે. આપ (અ.સ.)નું ખાનદાન વંશાવળી સૌથી ઉચ્ચ  અને સર્વોત્તમ છે.
20 રક્ષણની જગ્યા ઇમામ હુસયન (અ.સ.) અને આપનું હરમ રક્ષણની જગ્યા છે.
21 જે દાખલ થઇ ગયો તે સુરક્ષિત થઇ ગયો જે હ. ઇ. હસૈન (અ.સ.) દરની સાથે વળગી રહ્યો તે દરેક આફત અને મુશ્કેલીથી સુરક્ષિત થઇ ગયો. ઇમામ હુસયન (અ.સ.) એ ઇસ્લામને રક્ષણ અને સલામતિ આપી.
22 જનાબે ઇસ્માઇલ (અ.સ.)ની પહેલા ખાનએ કા’બા નિર્જળ અને વેરાન હતું. જાંનિસારોને તેરે કર દીયે જંગલ આબાદ, ખાક ઉડતીથી શહીદાને વફાસે પહેલે

ઉપરના દરેક કથનો સમજુતી અને વિગતવાર ખુલાસો માંગી લે છે.

(23) દોઆઓ કબુલ થવી:

જ્યારે જનાબે ઇબ્રાહીમ અને ઇસ્માઇલ (અ.સ.) ખાનએ કા’બાની દિવાલોને ઉંચી કરી રહ્યા હતા ત્યારે તેઓના હોઠો ઉપર આ દોઆ હતી.

رَبَّنَا تَقَبَّلْ مِنَّا۝۰ۭ اِنَّکَ اَنْتَ السَّمِیْعُ الْعَلِیْمُ۝۱۲۷

“હે અમારા પરવરદિગાર! અમારા તરફથી આ કબુલ ફરમાવ; બેશક, તું મહાન સાંભળનાર અને જાણકાર છે.”

(સુરએ બકરહ: 127)

જ્યારે યઝીદના લશ્કરના જાલીમો અગિયાર મોહર્રમના, પવિત્ર અહલેબયત (અ.સ.) ને કેદ કરીને કરબલા લઇ જવા લાગ્યા, ત્યારે સ્ત્રીઓએ કહ્યું, તમને ખુદાનો વાસ્તો, અમને કતલગાહની તરફથી લઇ જાઓ. જ્યારે આ સ્ત્રીઓની નજર શહીદોની લાશો ઉપર પડી તો જોયું કે શરીરના ભાગોના ટુકડે ટુકડા છે. તીરોથી શરીર વિંધાઇ ગયા છે. તેઓના લોહીથી જમીન રંગાએલી છે. ઘોડાના ડાબલાથી છાતી ચૂરેચૂરા થઇ ગઇ છે. આ દુ:ખદાયક દ્રષ્ય જોઇને તેઓએ માથું અને છાતી કુટી અને ચીસો પાડી પાડીને રડ્યા. જનાબે ઝયનબ (સ.અ.) એ ઘણા જ દુ:ખ ભર્યા સ્વરમાં ઉંચા અવાજથી કહ્યું :

“યા મોહમ્મદા ! એ નાના, આ હુસયન (અ.સ.) રણમાં લોહીથી ખરડાએલા શરીરના ટુકડે ટુકડા થએલા, આપની પુત્રીઓ કેદી અને આપના ખાનદાનને કતલ કરી નાખવામાં આવ્યા.”

આ સાંભળીને દરેકની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. ત્યાં સુધી કે ઘોડાઓની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગ્યા.

તે પછી જનાબે ઝયનબ (સ.અ.) પોતાનો પવિત્ર હાથ ઇમામ હુસયન (અ.સ.) ના ટુકડે ટુકડા થએલા શરીરની નીચે રાખ્યો અને તે પવિત્ર શરીરને આસમાન તરફ ઉંચું કરીને ફરમાવ્યું :

اِلٰھِیْ تَقَبَّلْ مِنَّا ھَاذَا الْقُرْبَان

ખુદાયા! અમારા તરફથી આ કુરબાનીને કબુલ ફરમાવ.

(મકતલુલ હુસયન, મુકર્રમ પા. 307)

વાંચકો એ વાત પોતે જ જાણે છે કે જ્યારે જનાબે ઇબ્રાહીમ અને જનાબે ઇસ્માઇલ (અ.સ.) પોતાનો અમલ કબુલ થવાની દોઆ કરી રહ્યા હતા, ત્યારે તે ઘર બંધાઇ રહ્યું હતું. તેના દરેક ભાગો છૂટા છવાએલા પડ્યા હતા. તેની આજુ બાજુનું વાતાવરણ શાંતિભર્યું હતું.

પરંતુ જ્યારે જનાબે ઝયનબે (અ.સ.) જે વાતાવરણમાં આ શહાદતની મકબૂલ થવાની દોઆ કરી, ત્યારે ચારેબાજુએ કુટુંબીજનોની ટૂકડે ટૂકડા થએલી, કફન દફન વગરની લાશો, બળી ગએલા તંબુઓ, ઉઘાડા માથે દોરડાથી બંધાએલી સયદાણીઓ, દુશ્મનોના ટોળા, જાલીમોનો શોરબકોર અને અસ્તવ્યસ્ત રીતે મુસાફરી શરૂ કરી આવી પરિસ્થિતિમાં દોઆ કરવી તે માત્ર જનાબે ઝયનબ (અ.સ.) જેવા રિસાલત અને ઇમામતના પવિત્ર ખોળામાં ઉછેર પામેલા, મહાન સર્વગુણે સંપન્ન ખાતુનનું જ કામ છે.

એ ખુદા ! તેમની પવિત્રતા અને તારી ઉચ્ચ બારગાહના સદકામાં આ ખૂબ જ ક્ષતિ – યુક્ત અને નાના એવા અમલને કબુલ ફરમાવ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *