ઇમામ હુસૈન(અ.સ.)ની તુરબત થકી તબર્રુક

વિરોધ:
જ્યાં માત્ર નામના અને તઅસ્સુબવાળા મુસલમાનો તબ્લીગ કરવાવાળાઓ પોતાના દિમાગના ખ્યાલના લીધે તબર્રુકાતને પોતાના ખરાબ હેતુઓની વિરૂધ્ધ પામે છે, ત્યાં સાથો સાથ એ બરકતોને નાજાએઝ અમલ ગણવા માટે જે એહલેબૈત(અ.મુ.સ.)ના શીઆઓથી સંબંધિત છે. તેને એક નવા પંથ અને ફિરકો ગણી બયાન આપે છે કે તબર્રુકાત અને વસીલાની કોઇ બરકત અને ફઝીલત નથી. ફઝીલત અને બરકત સીધુ ખુદાથી હાસિલ કરવી જોઇએ, ઉદાહરણ તરીકે એ આસાર કે જે ઇમામ હુસૈન(અ.સ.) ની પવિત્ર ઝાતથી સંબંધ રાખે છે, જેમકે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની માટી (તુરબત) આ શીઆઓની શોધ અને તેમનો એક બિદઅતી અમલ છે, જે હોવો જોઇએ નહી.
જવાબ:
અમે અહીં એ વાતને સાબિત કરીશું કે જેવી રીતે તવસ્સુલ અને શફાઅતના બારામાં જે પાયા વગરના વિરોધો રજુ કરવામાં આવે છે, બિલ્કુલ એવી જ રીતે તબર્રુકના બારામાં આ વાંધાઓ પાયા વગરના અને ગૈર ઇસ્લામી છે.
(અ) કુર્આન તબર્રુકને જાએઝ ગણાવે છે:
આવી શંકાઓ શોધવાવાળાઓએ સૌપ્રથમ કુર્આને કરીમથી જાણકાર થવું જોઇએ, અગર આ લોકો કુર્આનની જાણકારી રાખતા હોત તો તેઓને તબર્રુકના વિશે આવો કોઇ વિરોધ ન થાત. અગર તેઓ કુર્આનને હુજ્જત ગણાવે છે, તો નિમ્નલિખિત આયતો તેમની શંકાઓને મિટાવવા માટે પુરતી છે.
(૧) હઝરતે યુસુફ(અ.સ.)નું ખુનવાળુ કુરતુ:
કુર્આને મજીદમાં તબર્રુકના વિશે શંકા કરવાવાળાઓ માટે જનાબે યાકૂબ(અ.સ.) અને જનાબે યુસૂફ (અ.સ.)ના બનાવમાં બેહતરીન જવાબ મવજૂદ છે.
જનાબે યાકૂબ(અ.સ.), જનાબે યુસૂફ(અ.સ.)ની જુદાઇમાં ઝારોકતાર ગિર્યા અને જારી કરતા હતા. જેના કારણે તેમની આંખની રોશની ચાલી ગઇ. આખરે જનાબે યાકૂબ(અ.સ.)ની આંખોથી જનાબે યુસુફ(અ.સ.)નું ખુન ભરેલુ કુરતુ મસ કરવામાં આવ્યું, તો તેમને ફરી વખત આંખની રોશની મળી ગઇ.
ઇઝ્હબુ બેકમીસી હાઝા ફઅલ્કુહો અલા વજ્હે અબી યઅ્તે બસીરન્
મારૂ આ કમીસ લઇ જાવ અને તેને મારા વાલીદના ચેહરા પર નાખજો, તો તેમની આંખોની રોશની પાછી આવી જશે
(સુરએ યુસુફ, આયત: ૯૩)
આપણે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની માટીથી તબર્રુક કેમ હાસિલ ન કરી શકીએ જ્યારે કે તેમાં ઇમામ હુસૈન(અ.સ.)નું પવિત્ર ખુન શામિલ છે. એ હુસૈન (અ.સ.) કે જે તમામ શહીદોના સરદાર છે, હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના લખ્તે જીગર છે, પોતાના ભાઇ ઇમામ હસન(અ.સ.)ની સાથે તેઓ પણ જન્નતના જવાનોના સરદાર છે. અગર જનાબે યાકુબ (અ.સ.)એ એક નિર્જીવ કમીસથી તમસ્સુક હાસિલ કર્યુ તો એ એટલુ મહાન તબર્રુક સાબિત થયું કે તેમની રોશની પાછી આવી, તો એ મુસલમાનોને આ વાતમાં શું વાંધો છે કે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની માટીથી આપણે તબર્રુક હાસિલ ન કરી શકીએે?
(૨) જનાબે જીબ્રઇલ(અ.સ.)ના કદમોની માટી:
અલ્લાહે જનાબે મુસા(અ.સ.)ને કોહે તૂર પર બોલાવ્યા. સામરી કે જે ગુમરાહીમાં હતો તેણે એક વાછરડું બનાવ્યું અને લોકોને બતાવ્યું કે આ વાછરડું જનાબે મુસા(અ.સ.)નો ખુદા છે. બની ઇસરાઇલના લોકો તેના ફરેબમાં આવી ગયા અને તે વાછરડાની પુજા કરવા લાગ્યા. જ્યારે જનાબે મુસા(અ.સ.) પાછા આવ્યા તો પોતાના પૈરવકારોને તે વાછરડાની પુજા કરતા જોઇને ખૂબ જ ગુસ્સે થયા. તેમણે સામરીને બોલાવીને પુછ્યું કે તું કેવી રીતે મારા પૈરવકારોને ગુમરાહ કરવામાં સફળ થયો?
સામરીએ જવાબ આપ્યો કે મેં જીબ્રઇલ(અ.સ.)ને જોયા જે આ લોકોએ જોયા નહીં. મેં અલ્લાહના પ્રતિનિધિના પગના નિશાનની એક મુઠ્ઠી ખાક ઉપાડી લીધી અને આ વાછરડામાં નાખી દીધી. મને મારા નફસે આવી રીતે સમજાવ્યો હતો.
(સુરે તાહા, આયત: ૯૬)
અગર જીબ્રઇલના પગોની માટી એક નિર્જીવ વસ્તુમાં જીવ પૈદા કરી શકે છે, તો પછી શા માટે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની માટીથી તબર્રુક હાસિલ કરવામાં વાંધો ઉઠાવવામાં આવે છે? જ્યારે કે જીબ્રઇલ (અ.સ.) હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને અસ્હાબે કીસાઅના ગુલામોમાંથી એક ગુલામ છે.
(મદીનતુલ મઆજીઝ, ભાગ: ૨, પાના: ૩૯૫ / ભાગ: ૪, પાના: ૫૬)
(બ) હદીસમાં તબર્રુકનુ જાએઝ હોવું મૌજુદ છે.
(૧) હજરે અસ્વદની હકીકત:
ટીકા કરવાવાળાઓ ફક્ત આ વિરોધ કરી શકે છે કે તબર્રુક ગલત અને ગૈરઇસ્લામીક છે. અગર તેઓ હકીકતમાં આ વાતને માને છે કે મુસલમાનોએ કોઇ નિર્જીવ વસ્તુથી તબર્રુક હાસિલ કરવું જોઇએ નહીં તો સૌથી પહેલા તેઓએ ખાને કાબામાંથી હજરે અસ્વદને હટાવી દેવો જોઇએ. તેઓએ હજરે અસ્વદનો એહતેરામ કરવો જોઇએ નહી અને તેને એવી રીતે અવગણના કરવી જોઇએ કે જાણે તેની કોઇ હૈસિયત જ નથી. (મઆઝલ્લાહ)
આ વાત સહીહ હદીસોમાં મૌજુદ છે અને તમામ મુસલમાનો એ વાતને કબુલ કરે છે કે હજરે અસ્વદ કયામતના દિવસે તમામ હાજીઓના માટે ગવાહી આપશે. મુસલમાન તમામ મુશ્કેલીઓ અને તકલીફ હોવા છતાં એ વાતની કોશિશ કરે છે કે હજરે અસ્વદને સલામ કરે અને ભલેને કેટલુય દૂરથી પણ હોય તેના તરફ રૂખ કરીને ઇશારો કરે છે, જેથી કયામતના દિવસે હજરે અસ્વદ ખુદાની બારગાહમાં તેના હજની ગવાહી આપે.
હજરે અસ્વદની બરકતો, તબર્રુકનુ ઇન્કાર કરવાવાળાઓના માટે સ્પષ્ટ દલીલ છે.
(૨) લોઆબે દહનથી મિશ્રિત મદીનાની માટીમાં શફા:
એવા ઘણા બધા બનાવો મૌજુદ છે કે બિમાર લોકોએ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર માટીનો ઉપયોગ કર્યો અને તેઓ શફાયાબ થયા. ઘણી બધી ભરોસાપાત્ર કિતાબોમાં એ બનાવોને લખવામાં આવ્યા છે અને તેની સનદોની પણ તસ્દીક કરવામાં આવી છે. આમ છતાં પણ અયોગ્ય વિરોધ કરવાવાળાઓ શીર્કની આડમાં આવા બનાવોનો ઇન્કાર કરે છે અને આ અમલને નાજાએઝ અને બિદઅત બતાવે છે.
અમે અહીં વિરોધ કરવાવાળાઓનું ધ્યાન તેમની જ કિતાબ તરફ ખેંચવા (કેન્દ્રીત કરવા) ચાહીએ છીએ. એમની કિતાબોમાં પણ ઘણા બધા એવા વાકેઆતનુ વર્ણન કરવામાં આવ્યુ છે જેમાં બિમારોને માટીનો ઉપયોગ કરવાથી શફા મળી છે.
અમે ટૂંકમાં અમુક બનાવોનો ઉલ્લેખ કરીશું. એ વાત દિમાગમાં રહે કે જરૂરી નથી કે શીઆ આ હદીસોને સહીહ માનતા હોય, કારણ કે આ કિતાબો તેમના માટે દલીલ નથી. અહીં આ હદીસોને એ મકસદથી વર્ણવવામાં આવે છે કે વિરોધ કરવાવાળાઓ પર તેમની જ કિતાબોથી હુજ્જત તમામ થાય.
આએશાથી મન્કુલ છે: જ્યારે પણ કોઇ શખ્સ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) પાસે ઝખ્મની ફરિયાદ કરતો તો આપ(સ.અ.વ.) પોતાની આંગળીમાં થોડીક માટી લેતા અને પોતાની આંગળી જમીન પર રાખતા પછી અલ્લાહનું નામ લેતા, પોતાની આંગળી ઉઠાવતા અને અમારામાંથી કોઇ એકનું લોઆબે દહન તે જમીન (મદીનાની જમીન)થી મેળવતા, જેથી અમે અલ્લાહની ઇજાઝતથી શીફા પામીએ. આ હદીસ ઇબ્ને અબી શયબા અને ઝુબૈરના હવાલાથી અમુક શાબ્દીક ફેરફાર સાથે નોંધવામાં આવી છે.
(સહીહ મુસ્લીમ, ભાગ: ૪, પાના: ૧૭૨૪, હદીસ: ૨૧૯૪ / કિતાબુસ્સલામ, બાબ: ૨૧, ઇસ્તેહબાબે રૂકયહ (લોઆબે દહનના ઉપયોગનુ મુસ્તહબ હોવુ))
વાંચકો નીચેના હવાલાઓ તરફ રૂજુઅ કરી શકે છે:
સહીહ બુખારી, ભાગ: ૫, પાના: ૨૧૬૮, હદીસ: ૫૪૧૪, બાબ: ૩૭, રૂકયતુન્નબી(સ.અ.વ.) અને સહીહ બુખારી, બાબ: ૭૯, કિતાબુત્તીબ.
(૩) મદીનાની માટીમાં કોઢનો ઇલાજ છે:
ચોક્કસ વિરોધ કરવાવાળા એ વાતને કબુલ કરે છે કે કરબલા સિવાય દરેક શહેરની માટીમાં શફા દેવાની લાયકાત મૌજુદ છે. અહીં આપણે જોઇએ કે તે લોકો કેવી રીતે મદીનાની માટીને અમુલ્ય જાણે છે.
ઇસ્માઇલ ઇબ્ને સાબિત ઇબ્ને કૈસ ઇબ્ને શમ્અએ પોતાના વાલિદથી વર્ણન કર્યુ છે કે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ઇરશાદ ફરમાવ્યુ: મદીનાની માટીમાં કોઢની બિમારીનો ઇલાજ મૌજૂદ છે.
(જામેઉલ અહાદિસ, ભાગ:૫, પાના: ૨૩૭)
(ક્ધઝુલ ઉમ્માલ,ભાગ:૧૨,પાના:૧૦૬, હદીસ: ૩૪૭૨૮)
(હાફિઝ જલાલુદ્દીન સુયૂતી)
અહીં એ સવાલ પૈદા થાય છે કે શા માટે કરબલાની માટીથી તબર્રુક હાસિલ કરવુ શિર્ક છે? જ્યારે કે મદીનાની માટીથી તબર્રુક હાસિલ કરવું તૌહીદ છે?
(૪) માખીની પાંખમાં શફા છે:
જ્યારે શીઆ લોકો ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર કબ્રની માટીથી શફા હાસિલ કરે છે, તો તેઓને મેણા-ટોણા મારવામાં આવે છે, જ્યારે કે આ જ મજાક મશ્કરી કરવાવાળા લોકો પોતાની કિતાબો તરફ ધ્યાન કરે તો તેમને માખીની પાંખમાં શફા દેખાશે.
અબુ હુરૈરાએ હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)થી વર્ણન કર્યુ છે: અગર તમારા પ્યાલામાં માખી પડી જાય તો તેને સંપૂર્ણ રીતે ખાવાની સાથે ખાઇ લેવી જોઇએ, કારણકે તેની એક પાંખમાં શફા છે અને બીજી પાંખમાં દવા છે.
(સહીહ બુખારી, ભાગ: ૫, પાના: ૨૧૮૦, બાબ: ૫૭, ‘જ્યારે માખી પ્યાલામાં પડી જાય’ બાબ: ૭૯, કિતાબુત્તીબ)
(૫) હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)ના પેશાબમાં શફા છે.
શંકાઓ પૈદા કરવાવાળાઓ, શીઆઓના આ અકીદાની મજાક ઉડાવે છે કે અઇમ્મએ તાહેરીન (અ.મુ.સ.) તમામ પહલુથી પાકો પાકીઝા છે. તેઓ એ વાતને કાં તો ભૂલી જાય છે અથવા જાણીબુજીને ભૂલાવી દે છે કે ખુદ તેઓની કિતાબોમાં એવી હદીસો વર્ણવવામાં આવી છે કે જે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના પેશાબ અને પાયખાનાને પાકો પાકીઝા અને શફા તથા શફાઅતનો ઝરીઓ ગણાવે છે.
ઉમ્મે અયમનથી મનકૂલ છે: હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ એક વાસણમાં પેશાબ કર્યુ અને સવારે મને કહ્યું કે આને ફેંકી દો, હું રાતના સમયે જાગી, મને પ્યાસ લાગી હતી, તો મેં ભૂલમાં એ (પેશાબના) વાસણને પી લીધું, પછી મને હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ પુછ્યુ: ઉમ્મે અયમન! શું તમે એ વાસણને ખાલી કરી દીધું? ઉમ્મે અયમને કહ્યુ: યા રસૂલુલ્લાહ(સ.અ.વ.) જ્યારે રાતે મારી આંખ ખુલ્લી તો મને પ્યાસ મહેસૂસ થઇ રહી હતી, તો મેં તે વાસણમાંથી પી લીધું. તો હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યુ: હવેથી તને કયારેય પેટનો દુખાવો નહી થાય.
(તારીખે દમિશ્ક, ભાગ:૪, પાના:૩૦૩ )
(અલ બિદાયા વન નિહાયા ભાગ:૩, પાના: ૩૨૬)
(અલ ખસાએસે કુબરા: ભાગ:૧, પાના: ૧૨૨)
હકીમા બિન્તે અમીમાએ પોતાની વાલેદાથી વર્ણન કર્યુ છે કે, હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ એક વાસણમાં પેશાબ કર્યુ અને તેને પોતાના બિસ્તરની નીચે રાખી દીધુ. રાતે આપ(સ.અ.વ.) જાગ્યા અને તે વાસણને શોધ્યુ, પરંતુ આપ(સ.અ.વ.)ને એ વાસણ મળ્યુ નહી. હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)ને બતાવવામાં આવ્યુ કે ઉમ્મે સલમાના હબશી ગુલામ ‘બરાહ’એ તેને ઉપયોગમાં લીધુ છે. હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ બયાન ફરમાવ્યુ કે, આમ કરીને તેણે પોતાની જાતને જહન્નમથી સુરક્ષિત કરી લીધી.
(અલ મોઅજમુલ કબીર, ભાગ:૨૪, પાના: ૨૦૫)
(અલ ખસાએસે કુબરા, ભાગ:૨, પાના: ૪૪૧)
(૬) હેજામત પછી હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.) ના ખુનનો ઉપયોગ કરવો:
એ આશ્ર્ચર્યની વાત છે કે તે અંતિમવાદી મુસલમાન કે જેઓ કરબલાની ખાક કે જેમાં ઇમામ હુસૈન(અ.સ.) નું ખુન શામિલ છે, તેનાથી તબર્રુક હાસિલ કરવાને મનાઇ (પ્રતિબંધિત) ગણાવે છે, જ્યારે કે આ જ લોકો એ અકીદો ધરાવે છે કે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.) ના ખુનને પીવુ જહન્નમથી અમાનનો સબબ છે.
અબૂ હમીદ ગઝાલીએ વર્ણન કર્યુ છે: કુરૈશના એક જવાને જોયું કે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ હેજામત કરાવી અને તેમનું લોહી એક વાસણમાં જમા કર્યુ, તેણે આજુબાજુ જોયુ, કોઇ તેને જોઇ રહ્યુ નથી તો એ વાસણને ચુપચાપ દિવાલની તરફ લઇ ગયો અને તેને પી ગયો. થોડાક દિવસો પછી જ્યારે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ તેને જોયો તો તેને કહ્યું: અફસોસ થાય તારા ઉપર! તે એ ખુન શા માટે પીધુ? તેણે જવાબ દીધો કે હું દિવાલની પાછળ છુપાએલ હતો. હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ: તે પોતાની જાતને શા માટે સંતાડી હતી? તેણે જવાબ આપ્યો: અય અલ્લાહના રસૂલ(સ.અ.વ.) મેં એ વાતને યોગ્ય ન સમજી કે આપનું ખુન માટીમાં વહાવી દઉ, આથી મેં આપનું ખુન ઉપયોગમાં લીધુ (પી લીધુ). હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ: તે પોતાની જાતને જહન્નમથી બચાવી લીધી.
(અલ એલલુલ મોતનાહેયા, ભાગ:૧, પાના: ૧૮૬)
(અલ બદ્રૂલ મોનીર, ભાગ:૧, પાના: ૪૭૩)
(અલ ખસાએસે કુબરા: ભાગ:૨, પાના: ૪૪૦)
આ એ ગઝાલી છે જેણે યઝીદ(લઅનતુલ્લાહે અલયહ)નો બચાવ કર્યો છે અને ઇમામ હુસૈન(અ.સ.) ના ખુનને વહાવવામાં આવ્યુ તેની પરવાનગી રજુ કરી છે. તેણે એવી હદીસોને વર્ણવી છે કે જે એમ સાબિત કરતી હોય કે આ જાએઝ નથી કે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના ખુનને વહાવવામાં આવે, નબીનું ખુન વહાવવું હરામ અને વસીનું ખુન વહાવવુ જાએઝ?
(૭) ઇબ્ને તૈમીયાના ગુસ્લે મય્યતનું પાણી તબર્રુક છે:
ઇબ્ને ખાતિર દમિશ્કી જે ઇબ્ને તૈમીયાનો વિદ્યાર્થી હતો તેણે વર્ણન કર્યુ છે કે કેવી રીતે મુસલમાનોએ ઇબ્ને તૈમીયાના ગુસ્લે મય્યતના પાણીને તબર્રુકની જેમ પ્રાપ્ત કર્યુ.
(અલ બિદાયા વન નિહાયા, ભાગ:૫, પાના:૩૨૬)
(૮) ઇબ્ને તૈમીયાની કબ્ર તબર્રુકનું કેન્દ્ર:
એવા ઘણા બધા બનાવો મળી આવે છે, જેમાં મુસલમાનોએ ઇબ્ને તૈમીયાની કબ્રથી બરકત હાસિલ કરી. તે લોકોએ ઇબ્ને તૈમીયાની કબ્રની માટી બિમારીની શફા માટે ઉપયોગમાં લીધી. જેમકે આંખોની તકલીફ, શરીરનું દર્દ.
(અર રાદ્દુલ વાફિર, ભાગ: ૧, પાના: ૭૪)
(૯) આએશાના ઉંટનું ખુશ્બુદાર પાયખાનું:
આ એક નવાઇ પમાડે તેવી વાત છે કે એ મુસલમાન કે જે પોતાને તવહીદના અલમબરદાર સમજે છે, તેમના માટે એ વાત ચર્ચાનો વિષય છે કે શું ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર કબ્રની માટીમાં શફા છે કે નહી? જ્યારે કે આ જ લોકો એક ગંદી અને ખરાબ જગ્યાએથી તબર્રુક હાસિલ કરવાથી પોતાને બચાવતા નથી.
ઉદાહરણ તરીકે, એક વાકેઓ નજર સમક્ષ છે:
મુસલમાનોનો એક સમૂહ જે ઝબ્બાહ અને ઉઝ્દ કબીલાથી સંબંધ ધરાવતા હતા, જંગે જમલમાં આએશાના ઉંટની આજુ બાજુમાં જમા થઇ ગયા, તેઓએ ઉંટના પાયખાનાનો ઘેરાવો કર્યો, તેને ઉપાડયું અને સુંઘીને કહેવા લાગ્યા: અમારી અમ્માના ઉંટના પાયખાનાથી કસ્તુરીની ખુશ્બુ આવી રહી છે.
(તારીખે તબરી, ભાગ:૩, પાના: ૪૮)
(અલ કામિલ ફિત્તારીખ, ભાગ:૩, પાના: ૧૩૪)
(નિહાયુલ અરબ ફી ફોનુનિલ અદબ, ભાગ:૨૦, પાના: ૪૩)
તબર્રુક હાસિલ કરવાની રજા કુર્આન અને હદીસથી બિલકુલ સ્પષ્ટ છે. જ્યારે પરસેવો, પેશાબ, ખુન ઉંટનું પાયખાનુ તબર્રુક હોઇ શકે છે, તો પછી શંકા પૈદા કરવાવાળા આ વાત પર વિરોધી શા માટે છે કે કરબલાની ખાક બરકતવાળી નથી. આ એકદમ સ્પષ્ટ છે કે આ તૌહીદ અને શિર્કનો મામલો નથી કે જેવી રીતે લોકો એ તેને રજુ કર્યો છે, પરંતુ આ બધુ આલે મોહમ્મદ(સ.અ.વ.)ના હસદના લીધે કરવામાં આવ્યુ છે. જેથી તેમના અસંખ્ય અને બેશુમાર ફઝાએલમાં કંઇક કમી કરવામાં આવે. નહિતર એ કેમ શક્ય છે કે કોઇ બાબત અસ્હાબ અને અઝવાજે રસૂલ(સ.અ.વ.) થી સંબંધિત હોય તો કુર્આન અને હદીસની રૂએ સંપૂર્ણ તવહીદ હોય, પરંતુ એ જ બાબતને આલે મોહમ્મદ(સ.અ.વ.)થી સંબંધિત બયાન કરવામાં આવે તો તે શિર્ક થઇ જાય?
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *