ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો ઐતિહાસિક સાક્ષીઓના અરીસામાં (ભાગ-2)

‘અલ મુન્તઝર’ના મોહર્રમ હિ.સ. 1428ના અંકમાં ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબના બારામાં ઐતિહાસિક સાક્ષીઓ અને દલીલોના અરીસામાં ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હજી અમૂક ઐતિહાસિક હકીકતો બાકી છે જે બીજા ભાગ તરીકે રજુ કરવાની ખુશબખ્તી હાંસિલ કરી રહ્યા છીએ.

પહેલા ભાગમાં નીચે દર્શાવેલા બે પ્રશ્ર્નોની છણાવટ કરીને ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબની ઓળખાણ આપવામાં આવી હતી અને તેઓને બે સવાલો થકી ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોને શીઆ કહેનારાઓની હજારો દલીલોનો જડબાતોડ જવાબો આપવામાં આવ્યા હતા. તેમ છતાં હજી પણ ઘણા બધા પાસાઓ બાકી છે. જે અમે ક્રમશ: રજુ કરવાની કોશિશ કરશું.

1.      ઇમામ હુસૈન (અ.સ.)ના કત્લનો મૂળ હેતુ શું હતો?

2.      જે હેતુ માટે આ અઝીમ કત્લ કરવામાં આવ્યું તેનું સ્થાન ઇસ્લામનાં ક્યા ફીરકામાં જોવા મળે છે.

ત્યાર પછી એ લેખમાં યઝીદના લશ્કરના અલગ -અલગ સરદારો અને સિપાહીઓના મઝહબને ઐતિહાસિક સનદોના પ્રકાશમાં રજુ કરવામાં આવ્યા હતા. જેના લીધે દુશ્મનો માટે છટકી જવાનો માર્ગ બંધ થઇ ગયો અને હવે બીજી વધુ સાક્ષીઓ અને સનદો વાંચકો સમક્ષ રજુ કરીએ છીએ.

પરંતુ સૌથી પહેલાં:

અમારા વાંચકોનુ ધ્યાન એ બાબત તરફ પણ દોરી લઇએ કે આ વાંધો કે ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલ શીઆ છે તે અંતે સંપૂર્ણ બુદ્ધિની દ્રષ્ટિએ પણ પરસ્પર વિરોધી છે. એટલે કે શીઆ અને ઇમામ હુસૈન (અ.સ.)નું કત્લ એ બંને બાબત એકબીજાથી વિરોધી છે અને ઇજતેમાએ ઝીદૈન મોહાલ છે. એટલે કે બે વિરોધાભાસી બાબતો ક્યારેય ભેગી થઇ શકે નહિં. આ વાત તો એવી છે કે જાણે મુસલમાનોએ પયગ્મ્બર (સ.અ.વ.)ને કત્લ કર્યા હોય. અથવા તો શીઆઓએ મૌલાએ કાએનાતને કત્લ કર્યા હોય. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને અમી‚લ મોઅમેનીન અલી (અ.સ.) મુસલમાનો અને શીઆઓ માટે અત્યંત પાક અને માનનીય હસ્તીઓ અને પવિત્ર નામો છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.), ખુદાના નબી અને અમી‚લ મોઅમેનીન અલી (અ.સ.) ખુદાની હુજ્જત છે. તેથી બુદ્ધિ અને તર્કની દ્રષ્ટિએ તે વાત બિલ્કુલ વિ‚દ્ધ છે. પરંતુ અહિં ચર્ચા બુદ્ધિના પાયા ઉપર કરવાનો કોઇ અવકાશ નથી. ઇન્શાઅલ્લાહ બીજા કોઇ અંકમાં તે દૃષ્ટિકોણથી ચર્ચા કરશું. હાલમાં માત્ર ઇતિહાસના સાક્ષીઓ અને સનદો ઉપર આદ્યારિત ચર્ચા કરવી છે.

શું ગઇકાલે આ જ કુફા હતું?

એ એક હકીકત છે કે આજે જ્યારે સામાન્ય રીતે ઇરાક અને ખાસ કરીને કુફા ઉપર નજર કરવામાં આવે છે ત્યારે એ સ્પષ્ટ રીતે જણાય છે કે તેમાંના મોટાભાગના લોકો એહલેબૈત (અ.સ.)ના મઝહબનું અનુસરણ કરનારાઓ તથા તે મહાનુભાવોના રસ્તા ઉપર ચાલનારા છે. પરંતુ આજે આપણે જે કુફાને જોઇ રહ્યા છીએ તે ગઇકાલનું ઇરાક કે કુફા નથી. આ તે કુફા હરગીઝ નથી કે જે મૌલાએ કાએનાત હઝરત અલી (અ.સ.), ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.)ના જમાનામાં હતું. ઇરાક અને કુફાની બહુમતીમાં એહલેબૈત (અ.સ.)નો મઝહબ તો બની ઉમય્યાના રાજ્ય કાળની પડતી થવા પછી સ્થાપિત થયો છે. તે પછી એહલેબૈત (અ.સ.)ના મઝહબનો પ્રસાર થયો અને ત્યાંંના પવિત્ર સ્થળોની બરકતોથી લોકોમાં હકની ઓળખ અને બાતિલની ઓળખ થઇ. ત્યાર બાદ એક હજાર વર્ષથી વધુ સમયગાળા દરમ્યાનના નજફે અશરફ, કરબલા અને સામર્રાના ઇલ્મી હૌઝાઆની ખિદમતોનું ફળ છે જે હવે ઇરાક અને ખાસ કરીને કુફામાં શીઆઓ દેખાય છે. નહીંતર ઇમામ હુસૈન (અ.સ.)ના જમાનામાં કુફાના ઇતિહાસને નિહાળીએ તો ત્યાં શીઆઓની સંખ્યા નહીની બરાબર જોવા મળે છે. હા ત્યાં બીજા શીઆઓ જોવા મળે છે કે જેઓને ઇમામ હુસૈન (અ.સ.)એ આલે અબી સુફીયાનના શીઆઓના નામથી સંબોધન કર્યું છે.

એહલે સુન્નતના આલિમોમાંથી ઇબ્ને રબુતા ‘અલ મુસ્કી’નામની કિતાબના પાના નં. 360 ઉપર નોંધ કરે છે કે કુફાથી અબુ ઇસ્હાક તબીઇ તશ્રીફ લાવ્યા ત્યારે શીમ્ર બીન અતીઆએ અમને કહ્યું કે ચાલો તેને મળીએ. અમો સૌ અબુ ઇસ્હાક પાસે પહોંચ્યા ત્યારે વાતચીત ચાલુ હતી. એટલામાં અબુ ઇસ્હાકે કહ્યું:

‘જ્યારે હું કુફાથી નિકળ્યો ત્યારે ત્યાં કોઇ એવું ન હતું કે જે અબુ બક્ર અને ઉમરની બુઝુર્ગી અને શરાફતના બારામાં શક કરતું હોય.’

મોહીબ્બુદ્દીન ખતીબે ‘અલ મુસકી’ના હાશીયામાં આ વાત ઉપર એવી પાકી મહોર મારી છે કે જેને નકારી શકાય તેમ નથી. (આ વાત ખાસ ઐતિહાસિક પુરાવા તરીકે માનવામાં આવશે કે કુફામાં શીઆઓની ખૂબજ મર્યાદિત સંખ્યા હતી. કારણકે અબુ ઇસ્હાક કુફાના આલિમ અને શેખ ગણવામાં આવતા હતા.)

તો પછી ઇમામ હુસૈન (અ.સ.)ના જમાનાના કુફાના લોકો શીઆ કેવી રીતે સાબિત થશે જ્યારે કે તે લોકો અમી‚લ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર, અબુ બક્ર અને ઉમરને અગ્રતા આપતા હતા જે અબુ ઇસ્હાક તબીઇની વાતોથી સાબિત થાય છે કે જે ઇમામના જમાનામાં કુફાના લોકોનો શેખ અને આલિમ હતો. હઝરત અમી‚લ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ના જમાનામાં પણ કુફાના લોકો શીઆ ન હતા. જેમકે શયખ કુલયની (રહ.)એ રવઝએ કાફીમાં અમી‚લ મોઅમેનીન (અ.સ.)ના ખુત્બાના હવાલાથી નોંધ કરેલ છે તથા મીરઅતુલ ઓકુલ, ભાગ – 25, પાના નં. 1312 ઉપર અલ્લામા મજલીસી (અ.ર.)એ લખ્યું છે કે એ વાત બિલ્કુલ સાચી અને યોગ્ય છે કે જ્યારે અમી‚લ મોઅમેનીન (અ.સ.) પોતાના તરફથી વાલીની નિમણુંક કરતા તો ‘તેઓ વચનભંગ કરતા, વિરોધ કરતા અને અગર તેઓને તેઓના હાલ ઉપર છોડી દે તો તેઓ મને એકલો કરી દેત. મારા સિપાહીઓ મારાથીજ જુદા થઇ જાત સિવાય કે મારા અમૂક અને મર્યાદિત શીઆઓ જે મારી કારકિર્દી, ફઝીલત અને મરતબાથી માહિતગાર હતા.’ તે પછી આપ (અ.સ.) ફરમાવે છે:

ખુદાની કસમ! જ્યારે મેં તે લોકોને માહે રમઝાનની નાફેલા (તરાવીહ)ની મનાઇ કરી અને જણાવ્યું કે આ બિદઅત છે. જમાત નમાઝ માત્ર વાજીબ નમાઝ માટે છે ત્યારે મારા અમૂક સિપાહીઓ બુમ બરાડા પાડવા લાગ્યા કે અય મુસલમાનો! અરે આ તો ઉમરની સુન્નતને ખતમ કરી રહ્યા છે આપણને માહે રમઝાનમાં મુસ્તહબ નમાઝોની મનાઇ કરી રહ્યા છે.

નોંધ પાત્ર વાત એ છે કે આ અમી‚લ મોએમનીન (અ.સ.)ના જમાનાના કુફાના લોકો જ તો હતા કે જેઓને ઉમરની સુન્નતથી આટલી બધી દિલચસ્પી હતી કે હઝરત અલી (અ.સ.)એ ફરમાવ્યું કે : મને એમ લાગી રહ્યું હતું કે હવે લશ્કરમાં બળવો થઇ જશે. તેમજ એ બાબત ઉપર પણ વિચાર કરો કે અમી‚લ મોઅમેનીન (અ.સ.)એ આ પ્રસંગે પોતાના શીઆઓની ઓછી સંખ્યાનો કેવી રીતે હવાલો આપ્યો છે કે તેઓ માત્ર અમૂક લોકો હતા કે જેઓ મારી ઇમામતમાં માનતા હતા.

મોઆવીયાના શાસનકાળનું કુફા :

કિતાબોમાં છે કે જ્યારે મોઆવીયા કુફાના લોકો વચ્ચે ખુત્બો આપતો હતો તે સમયનો અંદાઝ સાબિત કરે છે કે જે લોકો હતા તેઓ ક્યા મઝહબ અને ક્યા અકીદાને અનુસરતા હતા. એક વખત મોઆવીયાએ ખુત્બામાં કહ્યું : અય પરવરદિગાર! અબુ તુરાબે તારા દીનમાં કેવું કુફ્ર કર્યું તારી તરફના રસ્તાને બંધ કરી દીધો.

તે પછી મોઆવીયા એવું વાક્ય બોલ્યો છે કે જેની તકલીફ ખુદ પેન અને કાગળ પણ સહન કરી શકે તેમ નથી.

(નસાએહુલ કાફીયહ, પાના નં. 72)

તારીખે તબરી મુજબ જ્યારે મોઆવીયાએ મોગીરા બિન શેઅબાને કુફાનો વાલી નિમ્યો ત્યારે સૂચના આપી કે:

1.      હઝરત અલી (અ.સ.) ઉપર લઅનત કરવાનું અને મ્હેણાં ટોણા મારવાનું ન ભૂલતો.

2.      ઉસ્માન માટે રહમદીલથી વર્તન અને અલી (અ.સ.)ના શીઆઓ માટે કોઇ રસ્તો રહેવા નહીં દેજે.

(તારીખે તબરી, ભાગ – 6, પાના નં. 141)

સાત વર્ષ સુધી મોગીરાએ કુફા ઉપર હુકુમત કરી. તેણે આ મુદ્દત દરમ્યાન નક્કી કરી લીધું હતું કે જે કોઇપણ અલી નામનું બાળક આ દુનિયામાં આવશે તેને તે મારી નાખશે.

(તેહઝીબુત તેહઝીબ, ભાગ – 7, પાના નં. 319)

ઇબ્ન અબીલ હદીદે તો આ પણ લખ્યું છે કે આલિમો અને હદીસકારો સનદમાં ઇમામ અલી (અ.સ.)ના નામની બદલે ‘રવા અબુ ઝયનબ’ (ઝયનબના પિતાએ રિવાયત કરી છે) લખવા લાગ્યા હતા. (શર્હે નહજુલ બલાગાહ, ભાગ-11, પાના નં. 14) ઇબ્ને અબીલ હદીદે લખ્યું છે કે મોઆવીયાએ સૂચના આપી હતી કે જેના બારામાં જાણ થઇ જાય કે તે અલી (અ.સ.)ના ચાહનારામાંથી છે બયતુલ માલમાંથી તેનો હિસ્સો બંધ કરી દેવો તથા તેની ગવાહી પણ કબુલ ન કરવી.

(શર્હે નહજુલ બલાગાહ, ભાગ – 11, પાના નં. 44)

ઇતિહાસે ઝીયાદ બિન અબીયાના એ શર્મનાક અને દર્દનાક અત્યાચારોને પણ સુરક્ષિત કર્યા છે જે તેણે કુફામાં સ્થાયી શીઆઓ ઉપર ગુજાર્યા હતા. અલ્લામા અકીલે નસાએહે કાફીયહમાં મદાએનીની કિતાબ અલ – ઇમદાતના હવાલાથી લખ્યું છે કે જ્યારે ઝિયાદ બિન અબીયા, (ઝિયાદ બિન સમીયા)ને કુફાનો હાકીમ બનાવીને મોકલવામાં આવ્યો ત્યારે તેણે શીઆઓની શોધખોળ કરીને તેઓને કત્લ કરી નાખ્યા. તેઓના હાથ અને પગ કાપ્યા, આંખોમાં સુઇઓ ખુંચાવવામાં આવી, ઝાડો ઉપર ફાંસી આપી. હજારોની સંખ્યામાં શીઆઓને ઇરાનના જુદા જુદા વિસ્તારમાં દેશવટો આપ્યો. એટલે સુધી કે કુફામાં શીઆઓની કોઇ મશહૂર વ્યક્તિ બાકી ન રહી. જ્યારે કુફામાંથી વિવિધ રીતે શીઆઓનો સફાયો કરી દેવામાં આવ્યો ત્યારે મોઆવીયાએ ઇમામ હુસૈન (અ.સ.)ને લખ્યું : અમે તમારા બાપના શીઆઓને કત્લ કર્યા, કફન આપ્યું અને નમાઝ પઢીને દફનાવી દીધા છે.

(તારીખે યઅકુબી, પાના નં. 206)

ઇમામ (અ.સ.) અને તેમના શીઆઓને ઇજાઓ આપીને નાબુદ કરવાની આનાથી વિશેષ બીજી કઇ સનદ હોઇ શકે?

હવે સવાલ એ ઉભો થાય છે કે મોઆવીઆએ તેની કુફાવાળાઓ ઉપરની ખિલાફતના વીસ વર્ષ દરમ્યાનના સમયગાળામાં જે રીતે તે તેઓ ઉપર સત્તા‚ઢ થયો હતો તેના પરિણામે એ કઇ રીતે શક્ય છે કે કુફાના લોકો અલી (અ.સ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ના શીઆ કહેવાય? એટલા માટે જ કદાચ મક્કાએ મોઅઝઝમાથી ઇમામ હુસૈન (અ.સ.)ની રવાનગીના સમયે જનાબે ઇબ્ને અબ્બાસે ઇમામ (અ.સ.)ને સલાહ આપી હતી કે આપ યમન ચાલ્યા જાવ. ત્યાં આપના માનનીય પિતાના શીઆઓ છે.

(તારીખે તબરી, ભાગ – 4, પાના નં. 288)

અગર કુફામાં પણ શીઆઓની સંખ્યા હોત તો તેઓ એમ શા માટે કહે કે યમન ચાલ્યા જાવ અને અગર કુફામાં શીઆઓ હોત તો ઇમામ (અ.સ.) જ‚ર જવાબ આપત કે અમારા શીઆઓ તો કુફામાં પણ મૌજુદ છે.

હઝરત મુસ્લિમ ઇબ્ને અકીલ (અ.સ.) જ્યારે કુફા તશ્રીફ લાવ્યા ત્યારે લોકોએ તેમની બયઅત કરી ત્યારે ઇબ્ને ઝીયાદ બસરાનો ગર્વનર હતો. યઝીદે તેને લખ્યું કે કુફાથી મારા દોસ્તોએ મને ખબર આપી છે કે કુફામાં ઇબ્ને અકીલ લોકોના સમૂહને ભેગા કરી રહ્યા છે.

(તારીખે તબરી, ભાગ – 4, પાના નં. 265)

અગર કુફામાં શીઆઓની વસ્તી વધારે હોત તો યઝીદ લખત કે તમે બસરાથી લશ્કર લઇને જાવ. અગર તે ભુલી ગયો હતો તો જ્યારે ઇબ્ને ઝીયાદને ખબર પડી ગઇ કે મુસ્લિમ ઇબ્ને અકીલ બયઅત લઇ રહ્યા છે ત્યારે તે ખુદ કુફાની પરિસ્થિતિને સારી રીતે જાણતો હતો કારણકે તેનો બાપ વીસ વર્ષ ગર્વનર રહી ચૂક્યો હતો. તે ખુદ લશ્કર લઇને બસરાથી નીકળત. પરંતુ ન તો યઝીદે લખ્યું ન ઇબ્ને ઝીયાદને જ‚ર લાગી કે લશ્કર લઇને જાય. આનાથી એ સ્પષ્ટ છે કે તેને સંપૂર્ણ ખાત્રી હતી અથવા તેને ભરોસો દેવરાવવામાં આવ્યો હતો કે કુફામાં ઇમામ હુસૈન (અ.સ.)ના શીઆઓ ઘણાં જ ઓછા છે અને યઝીદ (લ.અ.) અને ઇબ્ને ઝીયાદના મદદગાર અને તેના મઝહબ અને ફીરકાના લોકોની સંખ્યા ઘણીજ વધારે છે.

અહિં સુધી દર્શાવવામાં આવેલા ઇતિહાસના બધા સાક્ષીઓ આ વાતની સાબિતિ આપે છે કે કરબલામાં યઝીદના લશ્કરમાં જુદી જુદી જગ્યાએથી અને ખાસ કરીને કુફાથી જે લોકો આવ્યા હતા તે યઝીદના ફીરકાના અને તેના બાપ દાદાઓને અનુસરનારા હતા. તેઓ હઝરત અલી (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.)ના શીઆઓ ન હતા.

બારે ઇલાહા! અમારી આ નમ્ર કોશિશને ઇમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર બારગાહમાં ખિદમતના શરફને કબુલ કરીને ખુને હુસૈન (અ.સ.)નો બદલો લેનાર ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કર. ઇલાહી આમીન

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *