ઇમામે ઝમાના (અ.સ.) અને શૈખે મુફીદ (અ.ર.)
પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું :
اِنَّ اللّٰهَ يَبْعَثُ لِھٰذِهِ الْاُمَّۃِ فِيْ رَاسِ کُلِّ مِاَئَۃِ سَنَۃٍ مَنْ يُجَدِّدُ لَهَا دِيْنَھَا
“બેશક અલ્લાહ તઆલા દરેક સદીની શરૂઆતમાં આ ઉમ્મતના માટે એક સન્માનીય હસ્તીને જાહેર કરે છે જે તેના દીનને પુન:જીવિત કરે.
(ખામતુલ મુસ્તદરક, સૈયદ મીરઝા નુરી, ભાગ-3, પાના નં. 373)
જો કૌમ અને સમાજના રેહબરોના ઇતિહાસના પાનાઓને ઉથલાવવામાં આવે તો ઇતિહાસના પેટાળમાં એવી અજોડ અને ગૌરવવંતી હસ્તીઓ જોવા મળશે જેમણે પોતાની ચળવળ થકી અલ્લાહની રાહમાં જાન અને માલની ભવ્ય કુરબાનીઓ આપીને અલ્લાહના દીનને નવજીવન અર્પણ કર્યું છે. આ અમૂલ્ય સિલસિલાની એક મહાન હસ્તી અબુ અબ્દુલ્લા મોહમ્મદ નોઅમાને હારસી અકબરી છે જે શયખ મુફીદ(અ.ર.)ના નામથી પ્રખ્યાત છે. તેમનો જન્મ ઉત્તર બગદાદમાં, ગયબતે કુબરાના આશરે સાત વરસ પછી, ઝીલ્કાદ હિ. 336માં થયો હતો. શયખ મુફીદ(અ.ર.) દીને હકના મઆરીફ ઉપરની નિપૂણતા અને પ્રભુત્વના લીધે દીને મોહમ્મદી(સ.અ.વ.)ના પ્રચાર અને પ્રસારની રાહમાં દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતાં રહ્યા. બધીજ અડચણોને હસતા હસતા આવકાર આપી સામનો કર્યો અને તેમણે બધીજ રૂકાવટોને પોતાના માર્ગમાંથી હટાવી દીધી. વિલાયતના પ્રવાહના ધસમસ વહેતા ઝરણામાંથી સાચી મઅરેફતનો જામ ભરીને વિલાયતના દરબારના ચાહકોને તૃપ્ત કરી દીધા. પોતાના તો પોતાના, પરંતુ કરીમ બિન કરીમના દ્વાર સાથે ધરોબો રાખનારા (શેખ મુફીદઅ.ર.)એ પારકાઓને પણ વંચિત નથી રાખ્યા. આ દુબળા પાતળા, મધ્યમ કદના અને ઘઉંવર્ણ વ્યક્તિ પાસે દીનની, ચારિત્ર્યની, સામૂહિક અને સામાજીક દરેક પ્રકારની મુશ્કેલીઓનો ઉકેલ હાજર હતો. કદાચ આજ કારણના લીધે આપનું વ્યક્તિત્વ દુશ્મનની આંખમાં કાંટાની જેમ ખુંચતું હતું. તેઓ ચાલીસ વરસની ઉમરે ઇસ્લામનું ગૌરવ અને જાહોજલાલીની રક્ષા અને જવાબદારીનો ભારે બોજ પણ વહન કરી રહ્યા હતા. તે એવો જમાનો હતો કે જેમાં ખિલાફતના દાવેદારો દ્વારા યુનાની તથા હિન્દી ફીલોસોફી અને હિકમત, ઇસ્લામના ઇલ્મી માહોલમાં દાખલ થઇ ચૂક્યા હતા. જુદી જુદી માન્યતાઓ અને દ્રષ્ટિકોણોનો પ્રચાર થઇ રહ્યો હતો. સચ્ચાઇના નુરને ખામોશ કરવા માટેના અલ્લાહના દુશ્મનોના સાધનો ભેગા થઇ ચૂક્યા હતા….. પરંતુ તે વ્યક્તિ જેને ઇમામે અસ્ર(અ.સ.) (અરવાહોના ફીદાહ)એ ‘મુફીદ’નો ઇલ્કાબ આપ્યો હોય, (ફવાએદુર્રીઝવીયા, પાના નં. 631) જેમની વંશાવળી માત્ર પાંચ પેઢીએ ‘જનાબ સઇદ બિન જુબૈર’ સુધી પહોંચતી હોય તે જહાલત, ગુમરાહી, ખોટા અકીદાઓ અને માન્યતાઓ, સુફીઓ અને દરવેશોના શોર બકોર જોઇને કેવી રીતે ચૂપ રહી શકે? ‘મુફીદ’ લકબને અમલી સ્વરૂપ આપનારને ગૈબી ઇલ્હામ અને દીનના સાચા વારસદારની મદદથી બધીજ ખોટી માન્યતાઓ, ખરાબ અકીદાઓ અને અર્થ વગરની ફીલોસોફી તથા હિકમતને, કિતાબો લખીને, વિદ્યાર્થીઓને કેળવણી આપીને અને વિરોધીઓ સાથે મુનાઝરા થકી તોડી પાડી. ભટકી ગએલા લોકોને ગુમરાહીના માર્ગથી મુક્તિ અપાવી અને અહલેબયત(અ.સ.)ના મઝહબની દઅવત આપી. એટલું જ નહીં પરંતુ અસંખ્ય ફીરકાઓએ આપના પ્રયાસોથી હિદાયત મેળવી…. કદાચ એટલાજ માટે ઇમામ(અ.સ.)- એ આપને મુફીદના લકબથી નવાજ્યા હતા. કારણકે તેઓ ઇમામ(અ.સ.)ના માટે મદદગાર અને બીજા લોકોને માટે લાભદાયક (મુફીદ) હતા. આ હકીકતને ઇમામ(અ.સ.)ના પત્રો અને તૌકીઓથી પણ ટેકો મળે છે, જે શયખ મુફીદ(અ.ર.) માટે મોકલવામાં આવ્યા હતા.
પણ શું ક્યારેય એ વાત ઉપર વિચાર કર્યો કે ઇમામે ઝમાના(અ.સ.)એ આપને ‘મુફીદ’ના લકબથી શા માટે નવાજ્યા? ઇમામે ઝમાના(અ.સ.)એ શયખ મુફીદ(અ.સ.)ને આટલી બધી તૌકીઓ શા માટે મોકલાવી? પોતાના અસંખ્ય પત્રોમાં શયખ મુફીદ(અ.ર.)ને શા માટે ઘણા માન સન્માન સાથે યાદ કરે છે અને તેમના પોતાના નિખાલસ દોસ્ત કહીને સંબોધન કરે છે?
જ્યારે આ ત્રણેય સવાલો તરફ ધ્યાન કેન્દ્રિત થાય છે ત્યારે શયખ મુફીદ (અ.ર.)ની સમગ્ર રૂહાની અને અર્થપૂર્ણ પ્રતિભા આપણી સામે ઉપસી આવે છે.
ઇમામ(અ.સ.)નું શયખ મુફીદ (અ.ર.) માટે આટલું બધું સન્માન તે તેમની ખિદમતનો બદલો હતો. જેના માટે શયખ મુફીદ(અ.ર.)એ પોતાની સમગ્ર જીંદગીને વકફ કરી દીધી હતી. પોતાના ઝમાનાના ઇમામ(અ.સ.)ની ખુશી માટે દુનિયાની બધી મુશ્કેલીઓ, દુર્ઘટનાઓ અને પ્રતિકુળ પરિસ્થિતિને પોતાના માટે ખરીદી લીધી હતી. માત્ર એટલા માટે કે ઝમાનાના ઇમામ(અ.સ.)ની ખિદમત કરનારાઓની યાદીમાં તેમનું નામ પણ આવી જાય. તેઓ ઇમામે ઝમાના(અ.સ.)ની મોહબ્બતમાં એટલા ગળાડૂબ હતા કે જ્યારે તેમનું હૃદય મોહબ્બતની આગમાં બળી રહ્યું હતું ત્યારે તેની જવાળાઓએ નફ્સે અમ્મારાને કચડીને દુનિયાવી લાલસાઓ, લાલચો અને લોભનો નાશ કરી દીધો હતો.
શયખ મુફીદ (અ.ર.)ની નજરમાં અલ્લાહ અને અલ્લાહની હુજ્જત સિવાય કોઇ વસ્તુ મહત્વની ન હતી. ઇશ્ક અને મોહબ્બતની દુનિયામાં મહેબુબ અને માશુકની યાદ સિવાય દુનિયાની કોઇપણ વસ્તુ કે ઇચ્છાનું કોઇ સ્થાન ન હતું. ત્યાં સુધી કે પોતાની જાતને પણ ભૂલાવી દીધી હતી. પોતાના વાણી, વિચાર, વર્તનમાં અને નાના મોટા, દરેક કાર્યમાં ઇમામે ઝમાના(અ.સ.)ની ખુશ્નુ્દીનો પુરેપુરો ખ્યાલ રાખતા હતા અને જેમાં ઇમામ(અ.સ.)ની ખુશ્નુલદી ન હોય તેવું નાનકડુ કામ પણ તેમને પસંદ નહતું. આપ હરહંમેશ ઇમામે ઝમાના(અ.સ.)ની ખુશ્નુાદી અને નબળા અકીદાના શિયાઓની તબ્લીગ (સુધારણા) અને તરવીજ (પ્રચાર અને પ્રસાર) કરવાની કોશીષો અને પ્રયત્નોમાં વ્યસ્ત રહેતા હતા. આપનું સમગ્ર જીવન ઇમામ જાફરે સાદિક(અ.સ.)ના એ ફરમાનનું પ્રતિબિંબ હતી જેમાં આપ(અ.સ.)એ ફરમાવ્યું છે:
“અમારા આલિમો કમઝોર અને નબળા ઇમાનના શિયાઓને શૈતાનના વસવસાથી રોકનારા છે અને તેમના પર નાસબીઓ (એહલેબૈત(અ.સ.)ના દુશ્મનો)ના પ્રભુત્વની આડે મોટા અવરોધરૂપ છે….. જાણી લ્યો કે અમારા શિયાઓમાંથી જે કોઇ આ કામ માટે ઉભો થશે તે એવા મુજાહીદ (લડવૈયા)થી બેહતર છે જે ખૂબજ સખત અને મુશ્કેલ પરિસ્થિતિમાં દુશ્મનોનો મુકાબલો કરી રહ્યો હોય. કારણકે મુજાહીદ લોકોની જાનનું, બદનનું રક્ષણ કરે છે, જ્યારે કે તેઓ (આલિમો) અમારા દોસ્તોના દીનનું રક્ષણ કરે છે.
(મિક્યાલુલ મકારીમ, ભાગ – 2, પાના નં. 393)
શયખે મુફીદ(અ.ર.) પોતાના મહેબુબ ઇમામ(અ.સ.)ની યાદમાં અને ચહિતા મૌલા(અ.સ.)ની ખિદમત કરવા ઉભા થઇને અલ્લાહની સર્વશ્રેષ્ઠ મખ્લુક બની ગયા. રિવાયતમાં છે કે :
“…..અમારી પછી શ્રેષ્ઠ અને ઉત્તમ એ લોકો છે કે જેઓ અમારા અમ્રો (કામો)ની ચર્ચા કરે છે અને લોકોને અમારી યાદ અને અમારા ઝિક્ર તરફ બોલાવે છે.
(બેહાર, ભાગ – 8, પાના નં. 200)
આજ કારણ હતું કે જેના કારણે હઝરત બકીયતુલ્લાહ(અ.સ.); આપણી જાનો તેમના ઉપર કુરબાન થાય; પોતાની તૌકીઅ (પત્રો)માં શયખે મુફીદ(અ.ર.)ની ખિદમતોના વખાણ સુંદર લહેજામાં કરે છે અને તેમને માનપૂર્વક યાદ કર્યા છે.
ઇમામ(અ.સ.) પોતાના પહેલા પત્રમાં શયખે મુફીદ(અ.ર.)ને આ રીતે સંબોધન કરતા ફરમાવે છે :
“આ પત્ર અમારા ભાઇ અને હિદાયત પામેલા દોસ્ત અબુ અબ્દિલ્લાહ મોહમ્મદ બિન નોઅમાન (શયખે મુફીદ અ.ર.)ના નામે છે કે ખુદાવન્દે આલમ તેમની ઇઝઝતને કાએમ રાખે……
“તમારા ઉપર અલ્લાહના સલામ થાય કે તમે અમારી દોસ્તીમાં તમારી જાતને ખુલુસ અને મોહબ્બત થકી શણગારી છે. ઇમાન અને અકીદાના દરજ્જામાં પોતાની જાતને સૌથી આગળ વધારી દીધી છે…. અમે આપના અસ્તિત્વની નેઅમતના માટે અલ્લાહની બારગાહમાં શુક્ર અદા કરીએ છીએ. અલ્લાહ તઆલાની બારગાહમાં દોઆ ગુઝારીએ છીએ કે અલ્લાહ અમારા સરદાર અને આકા હઝરત મોહમ્મદ બિન અબ્દુલ્લાહ(સ.અ.વ.) અને તેમના એહલેબૈત(અ.સ.) ઉપર સતત પોતાના દુરૂદ અને સલામ નાઝીલ કરે.
“હકની મદદ અને અમારા હુકમોના પ્રચાર અને પ્રસારની કોશીષના બદલામાં અલ્લાહ તઆલાએ આપને આ બહુમાન આપ્યું છે અને અમને એ પરવાનગી આપી છે કે અમે તમારી સાથે પત્ર વ્યવહાર કરીએ.
“આપની એ જવાબદારી છે કે અમારા સંદેશાઓ અને હુકમોને અમારા શિયાઓ સુધી પહોંચાડો. અલ્લાહ તઆલા તેઓને પોતાની ઇતાઅત અને પૈરવી (અનુકરણ અને અનુસરણ)ની તૌફીક (પ્રેરણા) અતા કરે અને પોતાના આશ્રયમાં તેમનું રક્ષણ કરે…..
ત્યાર બાદ તૌકીઅના અંતમાં ઇમામ(અ.) ફરમાવે છે:
“એવા પ્રયત્નો કરો કે તમારા કાર્યો એવા હોય કે જે તમને અમારાથી નઝદીક કરી દે અને તે ગુનાહો જે અમારી નારાજગીનું કારણ બને છે, તેનાથી દૂર રહો.
“અય શયખે મુફીદ(અ.ર.)! અલ્લાહ તઆલા ગૈબી ઇલ્હામાત (અંત:સ્ફૂર્ણ) થકી પોતાની તૌફીક અને હિદાયતને આપની સાથે જોડી દે.
(એહતેજાજ,ભાગ-2, પા. નં. 597, બેહાર, ભાગ-53, પા. નં. 175)
શયખ મુફીદ(અ.ર.)ને સંબોધીને જે પત્રો અને તૌકીઓ ઇમામે અસ્ર(અ.સ.) તરફથી મોકલાવમાં આવી છે તેનો ઉલ્લેખ મહાન આલિમોએ પોતાની અમૂલ્ય કિતાબોમાં કર્યો છે.
મરહુમ તબરસી(રહ.)એ “એહતેજાજ, કાઝી નુરૂલ્લાહ શુસ્તરી(રહ.)એ “મજાલેસુલ મોઅમેનીન, અલ્લામા સય્યદ બહરૂલ ઓલુમ(રહ.)એ “રેજાલ, સૈયદ મોહમ્મદ બાકીર ખુન્સારી(રહ.)એ “રવઝાતુલ જન્નાત, અલ્લામા મજલીસી(રહ.)એ “બેહારૂલ અન્વાર, અલ્લામા નુરી (રહ.)એ “ખાતેમાએ મુસ્તદરેકુલ વસાએલ અને શયખ અબ્દુલ્લા મીસ્કાની(રહ.)એ “તનકીહુલ મકાલ, મીરઝા મોહમ્મદ તન્કાબની(રહ.)એ “કસસુલ ઓલમામાં નોંધી છે.
મીરઝા મોહમ્મદ તન્કાબની(રહ.)એ જે તવકીઅ અને મુબારકપત્રોની નોંધ કરી છે તે એક ખૂબજ અદ્ભુત પ્રસંગના અનુસંધાનમાં છે. જો કે તે પ્રસંગ નાના મોટા સૌ જાણે છે. પરંતુ તે લાભદાયક અને બોધદાયક હોવાના કારણે પુરેપુરો નોંધવો અસ્થાને નહી ગણાય.
મરહુમ તન્કાબની ફરમાવે છે : એક દિવસ બગદાદના કસ્બામાંથી એક માણસ શયખ મુફીદ(અ.ર.)ની પાસે શરીઅતનો મસઅલો પૂછવા માટે આવ્યો. તેણે કહ્યું : “સાહેબ! એક ગર્ભવતી સ્ત્રી મૃત્યુ પામી છે. પરંતુ પેટમાં તેનું બાળક જીવતું અને સલામત છે. આપ શું ફરમાવો છો? ઓપરેશનથી બાળકને કાઢી લેવામાં આવે કે સ્ત્રીને તેના બાળક સાથે દફન કરી દેવામાં આવે?
શેખ મુફીદ(અ.ર.)એ ફરમાવ્યું : “માને તેના પેટમાં મૌજુદ બાળકની સાથે દફન કરી દેવામાં આવે.
તે માણસ પોતાના ગામ જવાના રસ્તે પાછો ફરી રહ્યો હતો. તેવામાં તેની સામે એક ઘોડે સવાર આવ્યા.
તેમણે કહ્યું: “ઉભા રહો. તે પછી કહ્યું : “શયખ મુફીદે(અ.ર.) કહ્યું છે કે મા ના પેટમાંથી ઓપરેશન કરીને બાળકને બહાર કાઢી લેવું. પછી મા ના પેટને સીવીને એકલી સ્ત્રીને દફન કરવામાં આવે.
તે માણસે આ વાતને સ્વિકારી બીજા ફતવા ઉપર અમલ કર્યો.
થોડા સમય પછી તે માણસ બગદાદ શહેરમાંથી પસાર થયો ત્યારે તેણે શયખ મુફીદ(અ.ર.)ને આ વાત કહી. શયખ મુફીદ(અ.ર.)એ ફરમાવ્યું :
“મેં તો આ ફતવાની સાથે કોઇને મોકલ્યો ન હતો. એમ લાગે છે કે તે ઘોડે સવાર ઇમામે અસ્ર(અ.સ.) (અરવાહોના ફીદાહ)ના હતા. (જેમણે આ તબક્કે મદદ કરી.) તે પછી શયખ મુફીદ(અ.ર.) ફરમાવે છે: “બસ, આ બનાવથી એમ જણાય છે કે હું ફતવા આપવા અને મરજઇયત જેવી જવાબદારીને પાત્ર નથી. તે દિવસ પછી પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો અને લોકોને કહ્યું : “હવે મને મસઅલાઓ પૂછવામાં ન આવે.
હજી સમય પસાર થયો ન હતો કે ઇમામે અસ્ર(અ.સ.)ની તરફથી પત્ર મુબારક આવી પહોંચ્યો. જેમાં ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“આપ ફતવા આપો. અમે આપને ભૂલચૂકથી રક્ષણ આપીશું. આપને એકલા નહી છોડીએ કે શરતચૂક થઇ જાય.
ત્યાર પછી શયખ મુફીદ (અ.ર.)એ ઇમામે ઝમાનાના હુકમથી બીજી વખત મરજઇયતનો બોજ ઉઠાવ્યો અને લોકોને મસઅલાના જવાબ આપવાનું શરૂ કર્યું.
(કસસુલ ઓલમા, પાના નં. 44)
એ રસુલ(સ.અ.વ.)ના જીગરના ટૂકડાના ફરઝન્દ! એ ઝહરા અને બતુલ(અ.સ.)ના ફરઝન્દ! અમે શયખ મુફીદ જેવું રૂહાની અને અર્થપૂર્ણ જીવન તો નથી ધરાવતા. તેમના જેવી આપના પ્રત્યેની મોહબ્બતની બેચેની તો નથી ધરાવતા….. પરંતુ અમો ગુનેગારો ખરડાએલા પાલવની સાથે આપના નિર્બળ અને કમજોર શીયાઓ સુધી આપનો સંદેશો પહોંચાડવાની કોશીશ જરૂર કરીએ છીએ…. અય અમારા આકા! આવો – અમારો પણ હાથ પકડી લો….. એક રહેમની નજર અમો ગુનેહગારો ઉપર પણ થઇ જાય. જેથી આ મહેરબાનીના સહારે થોડાં ડગલાં આપના માર્ગમાં આગળ વધારી શકીએ.
એ અલ્લાહ! મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ(અ.સ.)ના હક્કના વાસ્તાથી તારા દીનના આખરી વારસના ઝુહરમાં જલ્દી કર. આમીન.
Comments (0)