ચોથા નાએબ ખાસ જનાબ અલી બિન મોહમ્મદ સમરી
સુજ્ઞ વાંચકો, અલ મુન્તઝરના વિશેષ અંક શઅબાનુલ મુઅઝ્ઝમ હિજરી 1421માં ‘નયાબતની જરૂરત’ થી શરૂ થએલી શ્રેણીના લેખોમાં નયાબતની જરૂરત, પહેલા, બીજા અને ત્રીજા ખાસ નાએબોના જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ વરસે આ શ્રેણીની અંતિમ કડી રૂપે ઇમામે ઝમાના (અ.સ.)ના ચોથા ખાસ નાએબના જીવનનું વર્ણન કરી રહ્યા છીએ.
નામ : અલી, કુન્નીયત : અબુલ હસન અને પિતાનું નામ: મોહમ્મદ. ઇમામે ઝમાના (અ.સ.)ના ચોથા અને છેલ્લા ખાસ નાએબ અબુલ હસન અલી બીન મોહમ્મદ સમરી, હુસયન બીન રવ્હ નૌબખ્તી પછી નયાબતના હોદ્દા ઉપર બિરાજ્યા. આપની નયાબત માટે ઇમામે ઝમાના (અ.સ.) એ અબુલ કાસીમ હુસૈન બીન રવ્હ નૌબખ્તીને હુકમ આપ્યો. તેથી ઇમામ (અ.સ.)ના હુકમથી આપનાએબ બન્યા.
સમરી ખાનદાન એ તે શીયા ખાનદાનોમાંથી છે જે તેઓની પ્રમાણિકતા અને શીયાઓની ખીદમત માટે મશહુર છે. આ કારણથીજ અલી બીન મોહમ્મદની નયાબત અને એલચીનો કોઇએ વિરોધ ન કર્યો.
આ ખાનદાનમાં ઘણા માણસો જેમ કે ઇસ્માઇલ બીન સાલેહના દિકરા હસન અને અલી બની ઝીયાદના દિકરા મોહમ્મદ બસરામાં મોટી મિલ્કતો ધરાવતા હતા. આ ગ્રહસ્થોએ પોતાની મિલ્કતમાંથી થતી આવક આપણા અગીયારમાં ઇમામ હઝરત હસન અસ્કરી (અ.સ.) માટે વકફ કરી દીધી હતી.
(પઝવહશી પીરામુન ઝીંદગાનીએ નુવ્વાબે ખાસ ઇમામે ઝમાના પા. 304)
આ ઉપરાંત સમરી ખાનદાનના અમૂક લોકો ઇમામ રઝા (અ.સ.)ના ખીદમતગારોમાંથી હતા. આવી જ રીતે અન્ય ઇમામોના અમૂક સાથીદારો સમરી ખાનદાનમાંથી હતા. જેમ કે અલી ઇબ્ને મોહમ્મદ બીન ઝીયાદ જે દસમાં અને અગ્યારમાં ઇમામ અલી નકી (અ.સ.) અને ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના વકીલ પણ રહી ચૂક્યા હતા. એમણે એક પુસ્તક લખ્યું છે : ‘અલ અવસીયા’ અને આ પુસ્તકમાં બારમા ઇમામ (અ.સ.) ની ઇમામતને સાબિત કરી છે. આ પુસ્તકની ચર્ચા સય્યદ ઇબ્ને તાઉસ (અ.ર.) એ પોતાના અમૂલ્ય પુસ્તક مُھَجُ الدَّعَوَات(“મોહજુદ – દઅવાત) પા. 428 (નવી આવૃત્તિ મોઅસસસે ઇન્તેશારાત રાયહા ફારસી તરજુમાની સાથે મોટી સાઇઝમાં પ્રકાશીત થઇ છે.) પાના ઉપર છે. આ પુસ્તકમાંથી સય્યદ ઇબ્ને તાઉસ (અ.ર.) એ બે પ્રસંગોનું વર્ણન કર્યું છે, જેમાં ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને શહીદ કરવાનું કાવત્રુ કરનારા અબ્બાસી ખલીફા મુસ્તઇન અને મોઅતઝાની મૃત્યુની દાસ્તાન છે.
આવી જ રીતે અલી બીન ઝીયાદના બારામાં જાણવા મળે છે. તેમણે ઇમામે ઝમાના (અ.સ.) ને પત્ર લખ્યો અને તેમની પાસેથી એક નંગ કફનની માગણી કરી. હઝરત (અ.સ.) એ જવાબમાં લખ્યું : તમને તેની જરૂરત સન 80 (એટલે 280) માં પડશે. પછી અલી બીન ઝીયાદ હિજરી સન 280માં મૃત્યુ પામ્યા. હઝરત ઇમામે ઝમાના (અ.સ.) એ તેમના મૃત્યુના થોડા દિવસ પહેલા તેમના માટે કફન રવાના કર્યું હતું.
(કમાલુદ્દીન 2/501 હ. 26)
આ રીતે આ થોડા પ્રસંગોથી સમરી ખાનદાનની વ્યક્તિઓની અગત્યતા, ઉચ્ચતા અને શરાફતનો અંદાજ આવે છે.
આવા લોકોને ભવ્યતા અને મહાનતા કેમ ન મળે જેમને ઇમામો (અ.સ.) ની મદદ પ્રાપ્ત હોય!
ચોથા નાએબનું લકબ :
આપના લકબના ઉચ્ચાર અને લખાણમાં થોડો તફાવત જોવા મળે છે. આ માટે જનાબ અલી ગફ્ફારઝાદાએ બુઝુર્ગ આલીમોના હવાલાથી પોતાનું સંશોધન રજુ કર્યું છે.
આપનું લકબ سَمَرِي (મીમ અને સીન ઉપર ઝબરની સાથે) અથવા سَيْمُري (સીન પર ઝબર યા સાકીન અને મીમ ઉપર પેશ અથવા મીમ ઉપર ઝબરની સાથે એટલે કે سَيمُرِي અથવા سَيْمَرِيْ) હતું.
આ અંગે લખે છે કે શયખ તુસીએ ‘ગયબત’માં, શયખ સદ્દકે ‘કમાલુદ્દીન’માં, ખતીબે રાવન્દીએ ‘ખરાએજ’માં અને બીજા પ્રાચીન પુસ્તકોમાં سَمَرِي લખાયું છે તેથી અમે પણ તે સાચું ગણીએ છીએ. એ બાબતમાં શંકા નથી કે રેજાલ અને હદીસોના પુસ્તકોમાં سَيْمُرِي ઘણું ઓછું દેખાય છે. પરંતુ અમૂકે આપના જીવન ઉપર લખતી વખતે سَمُري અને અમૂકે سَمَري લખ્યું છે જે સાચું જણાય છે, કારણકે બસરા અને વાસતા વચ્ચેના વિસ્તારમાં એક જગ્યાનું નામ سَمَر છે. શયખ આકા બુઝુર્ગે તહેરાનીએ سَمَري લખ્યું છે.
(ઝીન્દગાની એ નવ્વાબે ખાસ, ઇમામે ઝમાના (અ.સ.) પાના. 305)
આપનો નયાબતનો સાશનકાળ :
અલી બીન મોહમ્મદ સમરીના નયાબતના સાશન કાળમાં તે સમયના રાજકર્તાના જુલમો, અત્યાચારો અને ખુના મરકી તેની પરાકાષ્ટાએ હતાં. આપ તેમના પહેલાના નાએબોની જેમ વધુ કાર્યરત ન હતા. આપની કામગીરી ઘણી મર્યાદિત હતી. આપે પોતાના પ્રતિનિધિ વકીલોની સાથેનો સંપર્ક ઘણો મર્યાદિત રાખ્યો હતો. પરંતુ આ બધી મર્યાદાઓ છતાં શીયાઓ સાથેનો આપનો સંપર્ક નિયમીત હતો અને આપની પ્રતિભા અને પહોંચ શીયાઓ સાથે એવી જ હતી જેવી બીજા નુવ્વાબોની હતી. તેથી લોકો તેમના વકીલો મારફતે શરઇ રકમો તેમના સુધી પહોંચાડતા હતા.
આપની જન્મ તારીખ અને જીવન શૈલીના બારામાં પુસ્તકોમા વધુ વિગતો મળતી નથી. તેમ છતાં આપની ટૂંકા સમયની નયાબત કાળની વિગતો કિતાબોમાં સતત રીતે મળી આવે છે.
અલી બીન મોહમ્મદ ઇમામ હસને અસ્કરી (અ.સ.) ના સહાબી :
શયખ તુસી (રહ.) એ તેમની કિતાબ ‘રેજાલ’ માં પાના : 432 ઉપર આપને ‘અસહાબે ઇમામે હસને અસ્કરી (અ.સ.)’ માં ગણાવ્યા છે.
હઝરત ઇમામ હસને અસ્કરી (અ.સ.) એ અલી બીન મોહમ્મદ સમરી સાથે પત્ર વ્યવહાર પણ કરેલ છે.
અલી બીન મોહમ્મદ સમરી કહે છે કે અબુ મોહમ્મદ ઇમામ હસન અસ્કરી (અ.સ.) એ મને લખ્યું :
“એક ફીત્નો ઊભો થવાનો છે, જે તમને ગુમરાહ કરી દેશે અને તમે તમારા હાથ અને પગ ગુમાવી દેશો. તમે તેનાથી હોશીયાર રહેજો અને તેનાથી બચીને રહેજો. ત્રણ દિવસ પછી બની હાશીમ વચ્ચે એક એવી ઘટના ઘટી કે જેના કારણે બની હાશીમને ઘણી સખત મુસીબત અને આફતનો સામનો કરવો પડ્યો. મેં હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને લખ્યું : “શું આ એજ ફીત્નો છે જેના બારામાં આપે લખ્યું હતું. હઝરતે ફરમાવ્યું : “નહિ આ સિવાયની એક ઘટના છે. જેનાથી તમારી જાતને પૂરે પુરી બચાવો. તેના થોડા દિવસો પછી મોઅતઝ અબ્બાસી ખલીફાના કતલનો બનાવ બન્યો.
(કશફુલ ગમ્મહ, 3/207 પઝ વ હશી/306)
ટૂંકમાં આ પત્ર વ્યવહાર ઇમામ હસન અસ્કરી (અ.સ.) સાથેનો સંપર્ક સૂચવે છે.
ગેબી ખબર :
અલી બીન મોહમ્મદ સમરી (ર.અ.) સાથે પણ બીજા નાએબોની જેમ કરામતોને નકલ કરવામાં આવી છે. જેના થકી ઇમામે ઝમાના (અ.સ.) સાથેના સંપર્ક મજબુત હોવાનું સાબિત થાય છે. જેથી શીયા ગ્રહસ્થો આ કરામતો જોઇને નયાબતમાં કોઇપણ રીતે શંકા કુશંકાથી સુરક્ષિત રહે.
શયખ તુસી (અ.ર.) એ તેમના ઉસ્તાદોના હવાલાથી હુસયન બીન અલી બીન બાબવ્યા કુમ્મી (શયખ સદ્દક (રહ.) ના ભાઇ) ના મોઢેથી નકલ કરી છે કે આપે ફરમાવ્યું : કુમની એક જમાત જેમાં ઇમરાન સફાર, અલવીયા સફાર અને હુસયન બીન અહમદ બીન ઇદરીસ (ર.અ.) એ નકલ કર્યું છે કે જે વરસે મારા પિતા અલી બીન હુસયન બીન મુસા બીન બાબવ્યા (શયખ સદ્દુકના પિતા) મૃત્યુ પામ્યા, તે લોકો બગદાદ આવ્યા. તે લોકો કહે છે કે અલી બીન મોહમ્મદ સમરીએ અમારામાંથી દરેકને અલી બીન બાબવ્યાના બારામાં પુછ્યું અને અમે પણ કહ્યું કે પત્ર આવ્યો છે અને મજામાં છે. જ્યાં સુધી તેમનું મૃત્યુ નહોતું થયું, તે અમને પૂછતા રહ્યા અને અમે લોકોએ પણ જવાબમાં એમજ કહ્યું કે તે ઠીક છે. એક વખત આપે ફરીને એજ સવાલ કર્યો અને અમે લોકોએ કહ્યું કે હજી જવાબ નથી આવ્યો ત્યારે આપે ફરમાવ્યું : અલી બીન હુસયનના મૃત્યુથી ખુદા તમને લોકોને બદલો આપે. તે લોકો કહે છે જે વખતે તેમણે આ વાત કહી હતી તે વખતે અલી બીન હુસયન મૃત્યુ પામ્યા હતા તેથી અમે તે દિવસ, તે મહિનો અને સમયને યાદ રાખ્યો. જ્યારે સત્તર કે અઢાર દિવસ પસાર થઇ ગયા ત્યારે ખબર આવ્યા કે અલી બીન મોહમ્મદ બાબવ્યા એજ સમયે મૃત્યુ પામ્યા હતા જે સમયે અબુલ હસન સમરીએ કહ્યું હતું.
(બેહારૂલ અન્વાર, ભાગ 15/163 હ. 8, ગયબતે તુસીમાંથી નોંધ)
આ પ્રસંગને શયખ સદ્દુક (અ.ર.)એ પોતાના પિતાના મૃત્યુના આશરે દસ વરસ પછી અબુલ હસન સાલેહ બીન શોઅયબ તાલેકાની પાસેથી સાંભળ્યો અને તાલેકાનીને અહમદ બીન ઇબ્રાહીમે બયાન કર્યો અને અહમદ ઇબ્ને ઇબ્રાહીમે અલી બીન મોહમ્મદ સમરી (ર.અ.) ને આ કહેતા સાંભળ્યા :
رَحِمَ اللهُ عَلِيَّ بْنِ الْحُسَيْنِ بن مُوْسٰى بْنِ بَابَوْيَه القمي
(કમાલુદ્દીન 2/305, ભાગ – 23)
તવકીઅ – હ. મહદી (અ.સ.) નો લેખિત સંદેશો
નાની ગયબતમાં મોકલવામાં આવેલ ઐતેહાસિક અને છેલ્લી તવકીઅ બલ્કે એમ કહીએ કે જેના થકી ચોથા ખાસ નાએબ જનાબ અલી બીન મોહમ્મદ સમરી (ર.અ.) શીયા જગતમાં ઓળખાય છે અને જે તવકીઅના થકી ખાસ નયાબતનો અંત અને મોટી ગયબતની શરૂઆતની જાહેરાત થઇ જાય છે તે મુલ્યવાન અર્થ ધરાવે છે. આ તવકીઅ સમરીના મૃત્યુના છ દિવસ પહેલા ઇમામે ઝમાના (અ.સ.) ની તરફથી મોકલવામાં આવી છે. હદીસોના ઘણા પુસ્તકોમાં શબ્દોના થોડા ફેરફાર સાથે આ તવકીઅ મુબારક મૌજુદ છે. આપના મૃત્યુની પહેલા જ્યારે અમૂક લોકોએ પુછ્યું કે આપનો વારસદાર કોણ છે ત્યારે આપે નીચેની તવકીઅ તેઓની સામે રજુ કરી દીધી :
بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحِيمِ يَا عَلِيَّ بْنَ مُحَمَّدٍ السَّمُرِيَّ أَعْظَمَ اللَّهُ أَجْرَ إِخْوَانِكَ فِيكَ فَإِنَّكَ مَيِّتٌ مَا بَيْنَكَ وَ بَيْنَ سِتَّةِ أَيَّامٍ فَأَجْمِعْ أَمْرَكَ وَ لَا تُوصِ إِلَى أَحَدٍ فَيَقُومَ مَقَامَكَ بَعْدَ وَفَاتِكَ فَقَدْ وَقَعَتِ الْغَيْبَةُ التَّامَّةُ فَلَا ظُهُورَ إِلَّا بَعْدَ إِذْنِ اللَّهِ تَعَالٰى ذِكْرُهُ وَ ذَالِكَ بَعْدَ طُوْلِ الْأَمَدِ وَ قَسْوَةِ الْقُلُوبِ وَ امْتِلَاءِ الْأَرْضِ جَوْراً وَ سَيَأْتِي شِيْعَتِي مَنْ يَدَّعِي الْمُشَاهَدَةَ أَلَا فَمَنِ ادَّعَى الْمُشَاهَدَةَ قَبْلَ خُرُوجِ السُّفْيَانِيِّ وَ الصَّيْحَةِ فَهُوَ كَذَّابٌ مُفْتَرٍ وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ الْعَلِيِّ الْعَظِيمِ
“એ અલી બીન મોહમ્મદ સમરી, ખુદાવન્દે મોતઆલ તમારી મુસીબતમાં તમારા ભાઇઓના બદલા અને સવાબમાં વધારો કરે. છ દિવસની અંદર તમે મૃત્યુ પામશો. તેથી તમે તમારા કાર્યોને આટોપી લો અને તમારા પછી કોઇને પણ વસીયત ન કરશો. તમારા મૃત્યુ પછી (નયાબતનો) આ ક્રમ કપાઇ જશે અને મોટી ગયબતની શરૂઆત થઇ જશે. હવે ખુદાના હુકમથી ઝુહુર થશે. તે પણ એક લાંબી મુદ્દત અને લોકોના સંગદીલ (પથ્થર હૃદય) થઇ ગયા પછી. અને પછી અમારા શીયા ઉપર એવો જમાનો આવશે જેમાં લોકો મારા દીદારનો દાવો કરશે. જે કોઇ સુફીયાનીના બહાર આવવા અને સહીહા (આસમાની અવાજ)થી પહેલા આ રીતનો દાવો કરશે તે જુઠ્ઠા છે અને આરોપ મૂકનારા છે. બુઝુર્ગ અને ઉચ્ચ ખુદા સિવાય કોઇ તાકત અને શક્તિ નથી.
ઉપર દર્શાવ્યા મુજબ જ્યારે લોકોએ અલી બીન મોહમ્મદ સમરીને તેના વારસદારના બારામાં પુછ્યું ત્યારે આપે આ “તૌકીઅને” તેઓની સામે રજુ કરી દીધી. તે પછી મરહુમ તબરસી (ર.અ.) કહે છે કે તે લોકોએ તવકીઅની નકલ કરી લીધી અને ચાલ્યા ગયા. જ્યારે છઠ્ઠો દિવસ આવ્યો ત્યારે લોકો ફરી આવ્યા અને જોયું કે અલી બીન મોહમ્મદ સમરી બિમાર છે અને ટૂંક સમયમાં તે મૃત્યુ પામશે. તેઓએ ફરી પુછ્યું :
مَنْ وَصِيَّکَ مِنْ بَعْدکَ؟
“આપના પછી આપનો વારસદાર કોણ છે?”
لِلّٰهِ اَمْرٌ هُوَ بَالِغُهُ
“ખુદાને માટે અમ્ર અને મશીય્યત છે. તે ખુદ તેનું પરિણામ પહોંચાડનાર છે.”
આ આપના જીવનના અંતિમ વાક્યો હતા. આ તવકીઅના સંદર્ભના પુસ્તકો નીચે મુજબ છે :
(‘અલગયબા‘ લે. શયખ તુસી પા. 593, ‘કમાલુદ્દીન’ ભાગ-2 પા. 615, ‘અલ એહતેજાજ’ ભાગ – 2, પા. 874, ‘બેહારૂલ અન્વાર’ ભાગ – 15, પા. 63 અને ભાગ – 25, પા. 151, અને ભાગ – 35, પાના નં. 813 ‘અઅલામુલ વરા’ પા. 714, ફારસી તરજુમો, ‘યવ્મુલ ઇખ્લાસ’ ભાગ – 1, પા. 403 ફારસી તરજુમો, ‘અઅયાનુશ શીયા’ પા. 55, ‘મુન્તખબુલ અસર’ પા. 993, ‘યનાબીઉલ મોવદ્દત’ ઉદુ તરજુમો, લાહોર પ્રકાશન) પા. 517)
સમાપન અને વિશ્ર્લેષણ :
આ તવકીઅનો ઉંડાણથી અભ્યાસ કરીએ તો જણાઇ આવશે કે ઇમામે ઝમાના (અ.સ.) એ જનાબ અલી બીન મોહમ્મદ સમરી (ર.અ.) નું જુદા – જુદા ફરમાનો તરફ ધ્યાન દોર્યું છે અને સાથે સાથે તેમની પવિત્ર હાજરીનો તે વિરોધીઓને પરિચય કરાવ્યો છે, જે અહલેબયત (અ.સ.) ના શીયાઓની હાંસી ઉડાવે છે.
1. ઇમામ (અ.સ.)ની આગાહી મુજબ અલી બીન મોહમ્મદ સમરીનું છ દિવસ પછી અવસાન થઇ જશે, અને એમજ થયું. તેથી લોકોને ખાત્રી થઇ કે તે તવકીઅ ઇમામે ઝમાના (અ.સ.) એજ મોકલી હતી.
2. ઇમામ (અ.સ.) એ અલી બીન મોહમ્મદ સમરીને હુકમ આપ્યો કે તે પોતાનો કોઇ વારસદાર ન બનાવે. આ રીતે ઇમામ (અ.સ.) નો સીધો સંપર્ક કપાઇ ગયો. એટલે ગૈબતે કુબરામાં આપનો કોઇ Direct નાયબની નહી હોય અને ન કોઇ, બીજા કોઇને ઇમામનો નાયબ નીમી શકશે. આ રીતે ગૈબતે કુબરામાં જુઠા દાવેદારોનો દરવાજો બંધ થઇ જાય છે.
3. આ તવકીઅથી એ પણ જાણી શકાય છે કે મોટી ગયબત-ગયબતે કુબરાની શરૂઆત થઇ.
4. જ્યાં સુધી અલ્લાહ પરવાનગી ન આપે ત્યાં સુધી ઇમામ (અ.સ.) જાહેર થશે નહિ.
5. આ તવકીઅથી એ પણ જાહેર થઇ જાય છે કે જે ઇમામ (અ.સ.) ની સાથે મુલાકાતનો દાવો કરે તે જુઠ્ઠો અને આરોપ મૂકનારો છે.
વિરોધ :
અહિં એક વાત અપવાદરૂપે વિરોધાભાસી જણાય છે કે તવકીઅમાં છે કે મુલાકાતનો દાવો કરનાર જુઠ્ઠો છે. જ્યારે એવા અસંખ્ય પ્રસંગો અને દાસ્તાનો જોવા મળે છે કે સમાજના લોકોએ જાહેર રીતે ઇમામ (અ.સ.) ની મુલાકાતો કરી છે. આવો વિરોધાભાસ શા માટે?
જવાબ :
અલ્લામા મજલીસી (ર.અ.) એ બેહારૂલ અન્વારમાં બે જગ્યાએ આ વિરોધાભાસનો ખુલાસો રજુ કર્યો છે. અને તેમની પછીના આલીમોએ તેનો લાભ ઉઠાવ્યો છે. અમે ખુલાસા રૂપે અહિં જવાબ લખીએ છીએ.
1. અમૂક બુઝુર્ગોએ કહ્યું કે શક્ય છે કે દાવો કરનારને જુઠ્ઠા અને આક્ષેપ કરનાર એટલા માટે કહેવામાં આવ્યા છે કે જે લોકો નયાબતનો દાવો કરશે તેઓ ઇમામ સાથે મુલાકાત અને ચર્ચા કરે છે તેમ કહીને તેઓ પોતાને ઇમામ અને લોકો વચ્ચેનું માધ્યમ ગણાવશે. હવે એ પ્રસંગોના વર્ણનો જેમાં હઝરત સાથે મુલાકાત થઇ છે તે પ્રસંગો ઉપર વિચાર કરવામાં આવે તો જણાશે કે આ પ્રસંગો એ વાતનો પુરાવો છે કે તવકીઅમાં મુલાકાતને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવી નથી. પરંતુ એવા દાવાને નકાર્યો છે જે કોઇ ખાસ માણસની નયાબતનો નિર્દેશ કરતો હોય.
2. એ પણ શક્ય છે કે ‘દાવો કરનાર અને દેખાવ કરનાર જુઠ્ઠો અને આરોપ મૂકનાર છે’નો અર્થ ‘ઇચ્છા મુજબની મુલાકાત અને સંપર્ક’ ને નકારતા હોય એટલે કે કોઇ એ વાતનો દાવે કરે કે મુલાકાત અને સંપર્ક તે તેની ઇચ્છા મુજબ ધારે ત્યારે ઇમામની મુલાકાત કરી શકે છે તો તે માણસ જુઠ્ઠો અને આક્ષેપબાજ કહેવાયો છે. ગયબતે કુબરામાં આ પ્રકારના દાવા કરનારાને કદાપી સ્વિકારવામાં નહિ આવે.
ટૂંકમાં તેનો સાર એટલો છે કે રૂબરૂ મુલાકાતનો સંપૂર્ણ નકાર કરવામાં નથી આવ્યો. ગયબતે કુબરામાં પોતાની ઇચ્છાથી કોઇપણ વ્યક્તિ ઇમામ (અ.સ.) ને મળી શકતી નથી. હઝરત (અ.સ.) જેને ચાહે તેને મળી શકે છે. એટલે મુલાકાતનો અખત્યાર હઝરત (અ.સ.) પાસે છે.
આ રીતે મુલાકાતના મશહુર અને સતત બનેલા પ્રસંગો અને બનાવો ઉપર કોઇ પ્રકારની શંકા કરવી યોગ્ય નથી.
ખાસ નયાબતના ક્રમનો અંત :
આયતુલ્લાહ સય્યદ મોહમ્મદ બાકીરૂસ્સદ્ર (ર.અ.) જેમને મલઉન સદ્દામે શહીદ કરી નાખ્યા, તેઓ લખે છે :
“ગયબતે કુબરાનું ગયબતે સુગરામાં પરિવર્તન થવું તે એ હકીકતનો સંકેત કરે છે કે જે હેતુ ગયબતે સુગરા માટે હતો તે પાર પડી ગયો અને આ તબક્કાવાર કાર્યક્રમથી શીયાઓમાં અચાનક જગ્યા ખાલી પડવાથી આવનારી મુશ્કેલીઓથી શીયાઓ સુરક્ષિત થઇ ગયા. ધીરે ધીરે તેઓ ખાસ પ્રતિનિધિના બદલે સામાન્ય પ્રતિનિધિઓ તરફ વળવા માટે તૈયાર થઇ ગયા. આ પરિવર્તનથી ઇમામ (અ.સ.) ની નયાબત અને પ્રતિનિધિત્વ ખાસ નિમણુંક કરવામાં આવેલ વ્યક્તિ પાસેથી, ન્યાયી મુજતહેદોની પાસે આવી ગઇ. આ રીતે દીન અને દુનિયાના કામોમાં તેઓની તાબેદારી કરવી જરૂરી બની ગઇ.
(બહસે હવ્લુલ મહદી, પા. 70)
આ માન્યતાના ટેકારૂપે ઇમામે ઝમાના (અ.સ.)ની એક ખૂબજ જાણીતી હદીસ રજુ કરીએ છીએ. આજના યુગમાં લોકમુખે છે :
أَمَّا الْحَوَادِثُ الْوَاقِعَةُ فَارْجِعُوْا فِيْهَا إِلَى رُوَاةِ حَدِيْثِنَا فَإِنَّهُمْ حُجَّتِيْ عَلَيْكُمْ وَ أَنَا حُجَّةُ اللَّهِ
“અને જે બનાવો બનશે (મસઅલાઓ અને હુકમો વગેરે) તે અમારી હદીસો બયાન કરનારાઓ તરફ રજુ કરજો કારણકે તે લોકો અમારા તરફથી તમારા ઉપર હુજ્જત છે અને હું તેઓની ઉપર ખુદાની હુજ્જત છું.
જો કે આ હદીસને મોહમ્મદ બીન ઉસ્માન અમ્રવી (રહ.) ને લખવામાં આવેલ તવકીઅમાં નકલ કરવામાં આવી છે અને મોટા ભાગના આલીમોએ આ હદીસનો તેમની (એટલે મોહમ્મદે બીન ઉસ્માન (રહ.)ની) તરફ નિર્દેશ કર્યો છે. પરંતુ સાહેબે યવ્મુલ ખલાસ જનાબ કામીલે સુલયમાનીએ આ તવકીઅને નાની ગયબતના છેલ્લા દિવસોની તવકીઅમાં ગણતરી કરીતે તેને ચોથા નાએબ અલી બીન મોહમ્મદ સમરીની તરફ નિર્દેશ કરેલ છે.
(યવ્મુલ ખલાસ ફારસી, તરજુમો, ભાગ – 1/303)
નોંધ : બનવાજોગ છે કે આ હદીસ બે વખત આવી હોય. વિષય અને સંદેશાથી એમ લાગે છે કે નાની ગયબત પૂરી થયા પછી મોટી ગયબતમાં ઉપસ્થિત થનારા ઉકેલ તરફ ઇશારો હોય.
અલી બીન મોહમ્મદ (ર.અ.) નું મૃત્યુ:
આપનું મૃત્યુ 15 શઅબાન હિ.સ. 329 ના થયું. છેલ્લી તવકીઅમાં ઇમામ (અ.સ.) એ આપના મૃત્યુના છ દિવસ અગાઉ આપને જાણ કરી હતી. તે મુજબ જ છ દિવસ પછી આપનું મૃત્યુ થયું.
આપની નયાબતનો સમયગાળો હિ. 326 થી 329 સુધી લગભગ ત્રણ વરસનો રહ્યો. આપના નયાબતના સમય દરમ્યાન બે અબ્બાસી ખલીફા રાઝી અને મુત્તકી સત્તા ઉપર હતા.
આરામ ગાહ :
શયખ અબ્બાસ કુમ્મીએ સફીનતુલ બેહાર ભાગ – 6 પાના નં. 234 ઉપર લખ્યું છે કે શયખ જલીલે મોઅઝઝમ અલી બીન મોહમ્મદ સમરી, હુસયન બીન રવ્હના ઉત્તરાધિકારી બન્યા અને નયાબતની તેમની જવાબદારી ત્રણ વરસ રહી. હિજરી 329 માં ખુદાની રહેમતે પહોંચ્યા. તે વરસ ‘તનાસુરે નુજુમ’ (સિતારાઓનું પડવું, અલામત છે આલીમો અને હદીસકારોનું મોટી સંખ્યામાં મૃત્યું પામવું) હતું. મોટી ગયબત શરૂ થઇ. આપની પવિત્ર કબર બગદાદમાં શયખ કુલયનીની કબરની નજદિક છે.
લેખકે આ કબરની ઝીયારત કરી છે. હવે આ વિસ્તાર સૌથી વધુ ગીચ અને ધમધમતો થઇ ગયો છે. ટ્રાફીકના ઘસારાના કારણે હવે ઝવ્વારો સહેલાઇથી ત્યાં પહોંચી શક્તા નથી.
શયખ તુસીએ (ર.અ.) લખ્યું છે કે આપની કબર બગદાદમાં એક માર્ગ કે જે ખલત્જીના નામે જાણીતો છે ત્યાં રોબહુલ મોહવ્વલની બાજુમાં અબુ અતાબની નહેરની નજદિક આવેલી છે. હાલમાં આ વિસ્તારને સોકુલ કોતોબ કહેવામાં આવે છે. જે દજલા નદીની પૂર્વ તરફ બાબે જમરે અતીક (જસ્રે મામુન) ની પાસે છે. જો કોઇ માણસ પૂર્વના દરવાજેથી કુર્ખની તરફ આવે તો શયખ કુલયની (ર.અ.) નો મકબરો જમણી બાજુ હશે અને તેની પાસે જનાબ અલી બીન સમરીની પવિત્ર કબર છે. ઇમામે ઝમાના (અ.સ.) ના ચાહકો સદીઓથી તેમના નાએબની ઝીયારત કરે છે.
اَلسَّلاَم عَلَيْکَ يَا عَليَّ بْنَ مُحَمَّدٍ اَشْھَدُ اَنَّکَ بَابُ الْمَوْلٰي اَدَّيْتَ عَنْهُ وَ اَدَّيْتَ اِلَيْهِ
“સલામ થાય આપ ઉપર એ અલી બીન મોહમ્મદ, હું ગવાહી આપું છું કે આપ મૌલા (ઇમામે ઝમાના અ.સ.)ના દરવાજા છો. આપે તેમના તરફથી (અમાનતોને) અદા કરી અને તેમની સેવામાં અમાનતોને પહોંચાડી.
Comments (0)