શર્હે દુઆએ અહદ”વ રબ્બલ કુરસીય્યીર રફીઅ

શબ્દ ‘રબ’ પર અગાઉના અંકોમાં ચર્ચા થઇ ચુકી છે. હવે ‘કુરસી’ શબ્દ પર પ્રકાશ ફેંકવાની કોશિશ કરીશું. ઇન્શાઅલ્લાહ.
અરબી ડીક્ષનરીમાં કુરસી એ ચીજને કહેવામાં આવે છે, જેના પર ભરોસો કરવામાં આવે છે. અથવા જેના પર બેસવામાં આવે. કુરઆને કરીમમાં કુરસી શબ્દનો બે વાર ઉપયોગ થયો છે. સુરએ મુબારકએ બકરહ આયત નંબર-૨૫૫માં ઇરશાદ થાય છે:
“વસેઅ કુરસીય્યોહુસ્સમાવાતે વલ અર્ઝે
“તેની (એટલે કે અલ્લાહની) કુરસીએ આસ્માનો અને ઝમીનને ઘેરી લીધેલ છે.
હવે આવો મોહંમદ વ આલે મોહંમદ(સ.અ.વ.)ની તઅલીમાતની રોશનીમાં કુરસીથી મુરાદ શું છે? તે જાણીએ.
કુરસી અલ્લાહનું ઇલ્મ છે:
હફ્સ બિન ગયાસ રિવાયત કરે છે કે મેં સાદિકે આલે મોહમ્મદ ઇમામ સાદિક(અ.સ.)થી આ આયત ‘વસેઅ કુરસીય્યોહુસ્સમાવાતે વલ અર્ઝે’ના બારામાં સવાલ કર્યો. હઝરતે ફરમાવ્યું કે આનાથી મુરાદ અલ્લાહનું ઇલ્મ છે.
(તવહીદે શૈખે સદુક, પાના:૩૨૭)
બીજી રિવાયતમાં ફુઝૈલ બિન યસાર કે જેના બારામાં ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું કે ફુઝૈલ અમો એહલેબૈત (અ.મુ.સ.)માંથી છે. તેમણે ઇમામ(અ.સ.)ને કુરસીના સંબંધિત સવાલ કર્યો. આપ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:
યા ફુઝૈલો કુલ્લો શય્ઇન્ ફિલ કુરસીય્યીસ્ સમાવાતો વલ્ અર્ઝો વ કુલ્લો શય્ઇન્ ફિલ્ કુરસીય્યે

અય ફુઝૈલ! દરેક ચીજ કુરસીમાં છે. આસ્માન અને જમીન અને દરેક ચીજ કુરસીમાં છે.
(તવહીદે શૈખે સદુક, પાના:૩૨૭)
ત્રીજી રિવાયતમાં ઝોરારાહ જે ઇમામ સાદિક(અ.સ.)ના હવારીમાંથી છે, તેમણે ઇમામ(અ.સ)ને સવાલ કર્યો કે શું આસમાન અને ઝમીને કુરસીને ઘેરી લીધેલ છે, કે પછી કુરસીએ આસ્માન અને ઝમીનને ઘેરી લીધેલ છે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“બલિલ કુરસીય્યો વસેઅસ્સમાવાતે વલ્ અર્ઝે વલ્ અર્શો વ કુલ્લ શય્ઇન્ વસેઅલ કુરસીય્યો
“નહી! પરંતુ, કુરસીએ આસ્માન અને જમીન અને અર્શને ઘેરી લીધેલ છે. કુરસીએ દરેક ચીજને ઘેરી લીધેલ છે.
(તવહીદે શૈખે સદુક, પાના:૩૨૭)
જાસલીકના સવાલના જવાબમાં હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યું:
આસ્માન અને જમીનમાં અને જે કાંઇ તેની દરમિયાન છે અને જે કાંઇ જમીનની નીચે છે, તે દરેક ચીજને કુરસીએ ઘેરી લીધેલ છે, ચાહે તમે જોરથી વાતો કરો, ચોક્કસ ખુદા દરેક છુપા ભેદ અને રાઝનો જાણવાવાળો છે અને આ આયત ‘વસેઅ કુરસીય્યોહુસ્સમાવાતે વલ અર્ઝે’ આ હકીકત તરફ માર્ગદર્શન કરે છે.
(કાફી, શૈખ મોહમ્મદ ઇબ્ને યઅકુબ અલ કુલૈની,
ભાગ:૧, પાના:૧૨૯, હદીસ:૧)
ઉપરોક્ત રિવાયતોથી એ વાત બિલકુલ સ્પષ્ટ થઇ જાય છે કે જ્યારે કુરસીને અલ્લાહ જલ્લ જલાલોહુના તરફ મન્સૂબ કરવામાં આવે છે, તો તેનાથી મુરાદ અલ્લાહનું ઇલ્મ છે. જ્યારે આપણે શબ્દ કુરસી અથવા અર્શ અલ્લાહના માટે ઇસ્તેમાલ કરીએ છીએ તો તેનો મતલબ હરગિઝ એ નથી થતો કે કુરસી અથવા અર્શ. આપણા તખ્ત અથવા કુરસીની જેમ છે અને અલ્લાહ તેના પર બેઠો છે. જેમકે અમુક લોકોનો અકીદો છે કે અલ્લાહને જીસ્મ છે અને આપણે આખેરતમાં તેના જીસ્મનો મુશાહેદો કરીશું. અલ્લાહ આવી સિફતોથી પાક અને પવિત્ર છે.
શબ્દ ‘રફીઅ’ એ ‘કુરસી’ની સિફત છે. ‘રફીઅ’ ડીક્ષનરી મુજબ ઇસ્મે મફઉલ છે. એટલે કે જેને બુલંદ કરવામાં આવ્યુ હોય. એટલેકે અલ્લાહનું ઇલ્મ એટલુ બુલંદ અને ઉચ્ચ છે કે કોઇ પણ ઇન્સાનની પહોંચ તેના સુધી નથી, સિવાય કે એ લોકો કે જેને અલ્લાહે ચુંટી લીધા છે. બીજા શબ્દોમાં અલ્લાહે પોતાના આ ઇલ્મે ફેઅલીને એવી ઉચ્ચતા અતા કરી છે કે કોઇપણ શખ્સ તેના વિશે વિચારી નથી શકતો, સિવાય એ ઝાત કે જેણે મિમ્બર પર જઇને એઅલાન કર્યુ:
“સલૂની કબ્લ અન્ તફ્કેદૂની
“પુછી લો મને એ પહેલા કે હું તમારી દરમિયાનથી ચાલ્યો જાવ
હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ખુત્બએ શિકશિકયામાં ફરમાવ્યું:
“અન્ન મહલ્લી મિન્હા મહલ્લલ્ કુત્બે મિનર્ રહય્ યન્હદેરો અન્નીસ્ સયલો વલા યર્રક એલત્ તય્રો
“મારો સંબંધ ખિલાફતની સાથે એવો હતો, જેવો અનાજ દળવાની ચક્કીનો તેની ધરીની સાથે હોય છે. ઇલ્મનો પ્રવાહ મારામાંથી જારી હતો અને કોઇ પણ પક્ષી મારા સુધી પહોંચી શકતુ નથી (એટલે કે કોઇની ફિક્ર મારી હકીકત અને મારા ઇલ્મ સુધી પહોંચી નથી શકતી)
વાય થાય! દુનિયાની મોહબ્બત અને મન્સબની મોહબ્બત ઉપર! જ્યારે લોકોએ હઝરત અલી(અ.સ.)ને જાહેરી ખિલાફતથી મહેરૂમ કરીને મુસલમાનોને હંમેશા હંમેશા માટે જેહાલત અને પડતીના અંધારામાં ભટકવા માટે છોડી દીધા.
વ રબ્બલ બહ્રીલ્ મસ્જૂર
‘બહ્ર’નો મતલબ છે ‘સમુદ્ર’. તેનું બહુવચન છે અબ્હોરૂન, બોહૂર અને બેહાર.
‘બહ્રીલ્ મસ્જૂર’ આસ્માનના સમુદ્રનું નામ છે, જે અર્શની નીચે છે. હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.) ફરમાવે છે:
“બહ્રીલ્ મસ્જૂરે બહ્રૂન્ ફિસ્ સમાએ તહ્તલ્ અર્શે
(બેહારૂલ અન્વાર, ભાગ:૫૫, પાના:૧૦૭, હદીસ:૫૪)
આ એ સમુદ્ર છે કે જેણે તમામ દુન્યાઓને ઘેરી લીધેલ છે. ઝૈદ બિન વહબ રિવાયત કરે છે કે હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ આવી રીતે દુઆ ફરમાવી:
“વ રબ્બલ બહ્રીલ્ મસ્જૂરે…….અલ્ મોહીતે બિલ્ આલમીન
(બેહારૂલ અન્વાર, ભાગ:૯૭, પાના:૩૭, હદીસ:૩૬)
અને તેને કયામતના દિવસે ભરવામાં આવશે.
(તફસીરે અલી ઇબ્ને ઇબ્રાહીમે કુમ્મી)
વ મુન્ઝેલત્ તવરાતે વલ્ ઇન્જીલે વઝ્ ઝુબૂર
શબ્દ ‘મુન્ઝેલ’ ઇસ્મે ફાએલ છે બાબે ઇફઆલનું. એટલે કે નાઝિલ કરવાવાળો. અલ્લાહ તઆલાએ લોકોની હિદાયત માટે તમામ આસ્માની કિતાબો નાઝિલ કરી. અલ્લાહે કુલ ૧૦૪ કિતાબો નાઝિલ કરી. જેમાંથી ૪ મશહૂર છે, તવરેત, ઇન્જીલ, ઝબૂર અને કુરઆને મજીદ. આ દુઆમાં કુરઆને કરીમનો ઝિક્ર પછીના જુમ્લામાં છે. કુરઆનની અગત્યતા અને અઝમતને ધ્યાનમાં રાખીને
“વ રબ્બઝ્ ઝિલ્લે વલ્ હરૂર
“અને છાંયા અને તડકાનો પરવરદિગાર
આ બંને શબ્દોનો સંબંધ સૂરજ અથવા નૂર અથવા પ્રકાશથી છે. જે જગ્યાએ સૂરજ અથવા નૂર કે પ્રકાશ હોય છતા તેની સીધી અસર ન હોય અથવા તેની ગરમીની તિવ્રતાથી પનાહ લેવામાં આવે તેને છાંયો કહે છે.
‘ઝિલ્લ’ શબ્દના મૂળ અક્ષરો ઝોય-લામ-લામ છે અને અરબી સર્ફમાં તેને મુઝાઅફ કહેવામાં આવે છે. એટલે કે એવું ક્રિયાપદ કે જેના મૂળ અક્ષરોમાં કોઇ અક્ષર બે વાર ઉપયોગમાં આવતો હોય અને તે ફેઅ્લના વઝન પર આવ્યો છે. કુરઆને કરીમમાં તેના મુશ્તકાત (મૂળ શબ્દ) ૩૫ વખત ઉપયોગમાં આવ્યા છે.
‘હરૂર’ સિગએ મુબાલેગા છે, જેનો મતલબ ખૂબજ ગરમી રાખવાવાળો અથવા બહુજ ગર્મ થાય છે.
આ બંને શબ્દોનો કુર્આને મજીદની એક આયતમાં સાથે ઉપયોગ થયો છે. (સુરએ ફાતિર: ૧૯ થી ૨૧)
“વમા યસ્તવિલ્ અઅ્મા વલ્ બસીર. વલઝ્ઝોલોમાતે વલન્ નૂર. વલઝ્ઝીલ્લો વલલ્ હરૂર
“અને આંધળો તેમજ દેખતો બરાબર નથી હોઇ શકતો અને અંધારૂ તેમજ નૂર બરાબર નથી હોઇ શકતુ અને છાંયો તેમજ તડકો બરાબર નથી હોઇ શકતો.
અહીં ઝાતે હક સવાલ કરી રહી છે, શું છાંયો અને ગરમી બરાબર છે? અરબી ડીક્ષનરીમાં તેને ઇસ્તફહામે ઇન્કારી કહેવાય છે, એટલે કે જેનો જવાબ બિલ્કુલ સાફ અને સ્પષ્ટ છે, અહીં જવાબ નકાર છે અને આ અકલનો સ્પષ્ટ ફેંસલો છે કે આ બંને સરખા નથી, પરંતુ એકબીજાની વિરૂધ્ધ છે. તેની તાવીલ આ રીતે કરવામાં આવી છે.
વલઝ્ઝીલ્લો વલલ્ હરૂર
ફઝ્ ઝિલ્લો ઝિલ્લો અમીરિલ્ મોઅમેનીન અલય્હિસ્સલામો ફિલ્ જન્નતે વલ્ હરૂરો યઅ્ની જહન્નમ લે અબી જહ્લિન્
ઇબ્ને અબ્બાસ ફરમાવે છે કે અહીં ‘ઝિલ્લ’થી મુરાદ જન્નતમાં અમીરૂલ મોઅમેનીન(અ.સ.) છે અને હરૂર એટલે અબૂ જહલ માટે જહન્નમ છે.
દિલચસ્પ વાત એ છે કે આ રિવાયત એહલે તસન્નુનની તફસીરોમાં મવજૂદ છે અને ઇબ્ને અબ્બાસથી મનકૂલ છે.
આ અનુસંધાનમાં એ અયોગ્ય નહી ગણાય કે અગર બેહારૂલ અન્વારના એક પ્રકરણના શિર્ષકનો તરજૂમો વાંચકોની ખિદમતમાં પેશ કરવામાં આવે. અલ્લામા શૈખ મોહમ્મદ બાકિર મજલીસી(ર.અ.)એ આ અમુલ્ય કિતાબમાં ૨૩મી જીલ્દથી ૨૭મી જીલ્દ સુધી ઇમામતે આમ્માની ચર્ચા કરી છે. ૨૪મી જીલ્દનું ૩૭મું પ્રકરણ આ રીતે છે.
“અન્નહુમ અલય્હેમુસ્સલામો અલ્ માઉલ્ મઇન વલ બેઅરૂલ મોઅતલ્લતુન વલ કસ્રૂલ મુશય્યદ વત્તાવીલુલ સહાબ વલ મત્રો વઝ્ ઝિલ્લો વલ્ ફવાકેહો વ સાએરૂલ મનાફેઅ વઝ્ ઝાહેરતો બે ઇલ્મેહિમ વ બરકાતેહિમ અલયહેમુસ્સલામ
“બેશક! આલે મોહમ્મદ(અ.મુ.સ.) (કુરઆને કરીમની પરિભાષામાં) મીઠું પાણી, એ કુવો કે જેને તરછોડી દીધો હોય, મજબૂત કિલ્લો, આસ્માન (વાદળ), વરસાદ, છાયો, ફળ અને એ તમામ ચીજો જે મખ્લૂકાત માટે જાહેરી રીતે ફાયદાકારક અને નફો પહોંચાડનારી હોય તેના મિસ્દાક છે. તેઓના ઇલ્મ અને બરકતના લીધે.
વમુન્ઝેલલ્ કુર્આનિલ અઝીમે વ રબ્બલ મલાએકતિલ મુકર્રબીન વલ્ અમ્બીયાએ વલ મુર્સલીન
‘અને (અય અલ્લાહ!) અય કુર્આને અઝીમના નાઝિલ કરવાવાળા! અને અય મુકર્રબ ફરિશ્તા! અને નબીઓ અને રસૂલોના પરવરદિગાર’
કુર્આને કરીમનું અન્ય આસ્માની કિતાબોથી અલગ ઝિક્ર કરવો એ તેનો બુલંદ મકામ દર્શાવે છે.

મલાએકા મલકનું બહુવચન છે. જેવી રીતે દરેક મખ્લૂકમાં અલ્લાહે પોતાના નામ માટે એક અથવા અમુકને પસંદ કરી છે, જેમકે બયતુલ્લાહ (અલ્લાહનું ઘર) એટલે તમામ મસ્જીદો અલ્લાહનું ઘર છે, ખાસ કરીને બય્તુલ હરામ. રૂહુલ્લાહ(અલ્લાહની રૂહ), હઝરત ઇસા(અ.સ.) નો લકબ છે, નફ્સુલ્લાહ (અમીરૂલ મોઅમેનીન(અ.સ.)) છે વિગેરે. આવી જ રીતે ફરીશ્તાઓમાં અલ્લાહે પોતાના માટે ચાર ફરિશ્તાઓને પસંદ કર્યા અને તેઓને મુકર્રબીન મલાએકા કહ્યા આ મુકર્રબીન મલાએકા કોણ છે?
“અન્ અબિલ હસને અવ્વલે કાલ કાલ રસૂલુલ્લાહે (સ.અ.વ.) ઇન્નલ્લાહ તબારક વ તઆલા ઇખ્તાર મિન્ કુલ્લે શય્ઇન્ અરબઅતન્ ઇખ્તાર મિનલ્ મલાએકતે જબ્રઇલ વ મીકાઇલ વ ઇસ્રાફિલ વ મલકુલ મવ્ત.
“ઇમામ કાઝિમ(અ.સ.)એ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી રિવાયત વર્ણવી છે કે આપ(સ.અ.વ.)એ ફરમાવ્યુ: બેશક! અલ્લાહ તબારક વ તઆલાએ દરેક ચીજોમાંથી ચાર ચીજો પસંદ કરી છે, ફરીશ્તાઓમાં તેણે જીબ્રઇલ, મીકાઇલ, ઇસરાફીલ અને ઇઝરાઇલ (મલકુલ મવ્ત)ને પસંદ કર્યા.
(ખેસાલ, શૈખે સદુક(અ.ર.), ભાગ:૧, પાના:૨૨૫, હદીસ:૫૮)
(બેહારૂલ અન્વાર, ભાગ:૬, પાના:૧૪૪, હદીસ:૧૪)
આગળ વધતા પહેલા એક યાદદેહાની જરૂરી સમજીએ છીએ. મુકર્રબ ફરીશ્તાઓની ખિલ્કતની ચર્ચામાં અમુક રિવાયતો એવી છે, જે આપણી અક્લ અને સમજણથી બુલંદ છે. પરંતુ તેનો મતલબ એ નથી કે આપણે એ રિવાયતો એમ કહીને રદ્દ કરી નાંખીએ કે આ બધી અમારી સમજમાં નથી આવતી. જે આ પ્રકારની વાતો કરી રહ્યુ છે, તો એવું છે કે જાણે તે દાવો કરી રહ્યો છે કે તે અલ્લાહની તમામ મખ્લૂકાત અને તેઓના હોદ્દાઓ, મરતબાઓ અને પરિસ્થિતિથી વાકેફ છે. જો કે જેમને અલ્લાહે ઇલ્મ અતા કર્યુ છે તેના સિવાય આવો દાવોકોઇ નથી કરી શકતુ.
અરબી ભાષામાં એક મશહૂર કહેવત છે કે ‘અદમુલ વિજદાન લા યદુલ્લો અલા અદમિલ વુજૂદ’ એટલે કે અગર આપણે કોઇ ચીજને પામતા નથી તો એનો અર્થ એ નથી થતો કે તે ચીજનું અસ્તિત્વ જ નથી. હવે જ્યારે આ વાત સ્પષ્ટ થઇ ગઇ તો આવો મુકર્રબ ફરિશ્તાઓની ખિલ્કતના બારામાં એક રિવાયત જોઇ લઇએ. પયગંબરે અકરમ(સ.અ.વ.) ફરમાવે છે કે:
‘જ્યારે મને મેઅરાજ પર લઇ જવામાં આવ્યો અને એક નહેરની પાસે પહોંચ્યા, જીબ્રઇલે મને પુછ્યુ:
“યા મોહમ્મદો! ઉઅ્બુર્ અલા બરકતિલ્લાહે ફકદ્ નવ્વરલ્લાહો લક બસરક, વ મદ્દ લક અમામક, ફ ઇન્ન હાઝા નહરૂન લમ્ યઅ્બુરહો અહદુન લા મલકુન્ મુકર્રબુન્ વલા નબીય્યુમ મુર્સલુન્ ફ ગય્ર અન્ન લી ફી કુલ્લે યવ્મીન ઇગ્તેમાસતન્ ફીહે સુમ્મ અખ્રોજો મિન્હો, ફ અન્ફોઝો અજ્નેહતી, ફલૈસ મિન કત્રતિન તક્તોરો મિન્ અજ્નેહતી, ઇલ્લા ખલકલ્લાહો તબારક વ તઆલા મિન્હા મલકલ મુકર્રબન્
“અય મોહમ્મદ(સ.અ.વ.)! અલ્લાહની બરકતથી આ નહેર પરથી પસાર થઇ જાઓ! ચોક્કસ અલ્લાહે આપની દ્ષ્ટીને રૌશન કરી છે, અને આપની સામે જે દ્રષ્ય છે, તેને વિશાળ કરી દીધુ છે, આ નહેર એ છે, જેના પરથી ન તો કોઇ મુકર્રબ ફરિશ્તો પસાર થયો છે અને ન કોઇ નબીએ મુર્સલ, સિવાય મારા કે હું દરરોજ આ નહેરમાં ડુબકી લગાવું છું, પછી તેમાંથી બહાર આવીને મારી પાંખોને ફફડાવું છું, મારી પાંખોમાંથી જેટલા ટીપા પડે છે, અલ્લાહ તે ટીપામાંથી મુકર્રબ ફરિશ્તાઓને પૈદા કરે છે.
(અમાલીએ શૈખે સદુક, પાના:૩૫૪, મજલીસ:૫૮)
જુમ્લાના આખરી બે શબ્દો અંબીયા વલ મુરસલીન છે. અંબીયા એ નબીનું બહુવચન છે. મુરસલીન મુરસલનું બહુવચન છે. નબી અલ્લાહના પ્રતિનિધિને કહેવાય છે. જેને ખબર દેવામાં આવી છે. નબી કાં તો નૂન-બા-અલિફથી બનેલું છે, જેનો મતલબ છે, ખબર અને નબી એ હશે કે જેને ખબર દેવામાં આવી હોય. અથવા તો નબી નૂન-બા-વાવથી બનેલ છે, જેનાથી મૂરાદ એ ઝાત છે જે બુલંદ અને આસ્માની છે. મુરસલ અને રસૂલ એ નબીઓને કહેવાય છે જે શરીઅતના ધરાવનારા છે, રિવાયતોની રોશનીમાં રસૂલોની સંખ્યા ૩૧૩ છે અને નબીઓની સંખ્યા ૧,૨૪,૦૦૦ છે. રસૂલોમાં પાંચ રસૂલ ઉલુલ્ અઝ્મ છે અને તે આ મૂજબ છે, જનાબે નૂહ(અ.સ.), જનાબે ઇબ્રાહીમ(અ.સ.), જનાબે મુસા(અ.સ.), જનાબે ઇસા(અ.સ.) અને સરવરે કાએનાત હઝરતે મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.). અહીં એક સવાલ પૈદા થાય છે કે હઝરત આદમ(અ.સ.) પહેલા નબી છે અને અબુલ બશર છે, એમ છતા ઉલુલ અઝમિય્યતથી મહેરૂમ છે, તેનું કારણ શું છે? તેનો જવાબ પણ એહલેબૈત(અ.મુ.સ.)ની તઅલીમાતમાં મવજૂદ છે:
‘ઇદ્દતુમ્ મિન અસ્હાબેના અહમદ્ ઇબ્ને મોહમ્મદિન અન્ અલી ઇબ્ને હકમ અન્ મુફઝ્ઝલ્ ઇબ્ને સાલેહ અન્ જાબિર અન્ જઅ્ફર અલયહિસ્સલામ, ફી કવ્લિલ્લાહે અઝ્ઝ વ જલ્લ, વ લકદ્ અહિદ્ના એલા આદમ મિન કબ્લો ફ નસેય વ લમ્ નજીદ લહૂ અઝ્મન્ કાલ અહિદ્ના એલય્હે ફી મોહમ્મદિન વલ અઇમ્મતે મિમ્ બઅ્દેહી ફ તરક વલમ્ યકુન્ લહૂ અઝ્મુન્ અન્નહુમ હાકઝા વ ઇન્નમા સુમ્મેય ઉલૂલઅઝમે લે અન્નહૂ અહેદ એલય્હિમ ફી મોહમ્મદિન વલ અવસેયાએ મિમ્ બઅ્દેહી વલ્ મહ્દિય્યે વ સીરતેહી વ અજ્મઅ અઝ્મોહુમ્ અલા અન્ન ઝાલેક કઝાલેક વલ ઇક્રારે બેહી
“જાબિર રિવાયત કરે છે કે મેં ઇમામ અબૂ જઅ્ફર એટલે કે હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ને અલ્લાહના આ કૌલ “બેશક! અમે આદમ(અ.સ.)થી પહેલા જ અહદ લીધો હતો, પરંતુ તેઓ ભૂલી ગયા અને અમે તેમને ઉલૂલઅઝ્મ પામ્યા નહીના બારામાં સવાલ કર્યો. ઇમામ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું: (અલ્લાહની મૂરાદ એ છે કે) અને તેમનાથી મોહમ્મદ(સ.અ.વ.)અને તેમના પછીના અઇમ્મા(અ.મુ.સ.)ના બારામાં વાયદો લીધો, પરંતુ તેઓએ તેને છોડી દીધો અને તેઓ ભૂલી ગયા, કારણ કે તેઓએ મક્કમતા અને દ્રઢ યકીન હતુ નહી, કે આવી રીતે થશે અને બેશક ઉલુલ અઝમ એટલા માટે કહેવામાં આવે છે કે મોહમ્મદ(સ.અ.વ.) અને તેમના અવસિયા અને ઇમામ મહદી(અ.સ.)ના બારામાં અને તેમની સિરતના બારામાં અહદ લીધો અને તેઓ તેના પર મક્કમ રીતે જમા થયા અને તેનો ઇકરાર કરવામાં મક્કમ રહ્યા
મોહમ્મદો આલે મોહમ્મદ(અ.મૂ.સ.)ના દરજાતને સમજવા એ દરેકની શક્તિની વાત નથી. તેના માટે ખુદાની ઇનાયતો પણ દરેક માટે સમાન હોતી નથી. જેવી રીતે અંબીયા(અ.મુ.સ.)ના દરજાત જુદા-જુદા છે, તેવીજ રીતે ખુદાની ઇનાયતો પણ દરજાત પ્રમાણે હોય છે.
અન્ય રિવાયતોની રોશનીમાં આ અઝ્મ ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહૂરના બારામાં હતો. પરિણામ એ આવ્યુ કે તેઓ આ મહાન મકામથી મહેરૂમ થઇ ગયા અથવા કરી દેવામાં આવ્યા. આપણે સૌ એ ખુદાવંદે મુતઆલની બારગાહમાં રોઇ રોઇને માંગવુ જોઇએ કે પરવરદિગારા! અમને એક પળ માટે પણ એહલેબૈત (અ.મુ.સ.)ના દરવાજેથી દૂર નહી કરજે, નહિતર અમે હલાક થઇ જશું. પરવરદિગારા! અમારા ઇમામ(અ.સ.)ના ઝુહૂરમાં જલ્દી ફરમાવ અને અમને તેમના મદદગારોમાં શુમાર ફરમાવ. આમીન રબ્બલ આલમીન. . . .
(બાકીનું ઇન્શાઅલ્લાહ આવતા અંકોમાં ……)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *