સય્યદે સજ્જાદ(અ.સ.): ઇમામત અને શીય્યતના મોહાફિઝ

સય્યદે સજ્જાદ ઝયનુલ આબેદીન હઝરત અલી બિન હુસૈન(અ.સ.)એ તેમની ઇમામતના સમયગાળામાં એટલા મહાન કાર્યો અંજામ આપ્યા કે જેનો અંદાજો લગાવવો ખુબ જ મુશ્કેલ છે. તેમની ખિદમતોના દરીયામાંથી ફક્ત શબનમના ટીપા બલ્કે તેનાથી પણ ઓછું એક અવલોકન ઉપયોગી છે. તેના માટે તે સમયના હાલાતને જાણવા પણ જરૂરી છે.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ તેમની 23 વર્ષની રિસલતની જીંદગીમાં ડગલેને પગલે અહલેબૈત (અ.મુ.સ.)ની મઅરેફત કરાવી, ખુદા અને રસુલની બારગાહમાં તેમની મહાનતા, દરજ્જા અને કુરબતનો ઝિક્ર કર્યો. કયામતના મેદાનમાં તેમની શાનો-શોકતનું વર્ણન કર્યુ, જન્નતની સરદારી, શફાઅતે કુબરાની તરફ વારંવાર લોકોને મુતવજ્જેહ કરવા મસ્જીદે નબવીના મિમ્બર પરથી તેનો સતત ઝિક્ર કરતા રહ્યા. હદીસના વર્ણવવા ઉપર પાબંદી અને સેન્સરશીપ હોવા છતા બંને ફિરકાઓની કિતાબો આ પ્રકારની હદીસોથી ભરેલી છે. ફઝાએલ અને મનાકીબે અહલેબૈત(અ.મુ.સ.)ની હદીસો કોઇ પણ હાલતમાં તફસીરે કુરઆન, અહેકામ અને અખ્લાકી હદીસોથી ઓછી નથી. આ બધી હદીસો હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના જમાનાથી આજ સુધી ઓલમાઓ અને હદીસવેત્તાઓ બયાન કરતા આવ્યા છે અને ઝિક્ર કરી રહ્યા છે.

સવાલ એ છે કે આટલી હદીસો અને કુરઆનની આયતો હોવા છતા સહાબા, તાબેઇન અને તબએ તાબેઇનની હાજરીમાં તેમના હાથે, તેમના જરીએ કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.) પોતાના કુટુંબીજનો અને અસ્હાબની સાથે શહીદ કરી દેવામાં આવ્યા. લોકો આપના કત્લ ઉપર શરમીંદા ન હતા, પરંતુ તેમના કત્લ ઉપર હાકિમે વક્ત યઝીદ પાસેથી મોટા મોટા ઇનામો મેળવવાના ઉમ્મીદવાર હતા. વિચારો(મગજ)ને કેટલા ફેરવી દેવામાં આવ્યા હતા. લોકોના દિલ અને દિમાગમાંથી અહલેબૈત(અ.મુ.સ.)ની અઝમત અને દરજ્જાને કેવી રીતે ખત્મ કરી નાંખવામાં આવ્યા હતા.

તેનો જવાબ આ રીતે આપી શકાય કે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના પછી ફક્ત ખિલાફત અને હુકુમત તેમજ ફિદકને ગસ્બ નથી કરવામાં આવ્યા પરંતુ સંપૂર્ણપણે તેમની અઝમતોને લોકોના દિલો-દિમાગ પર અસરઅંદાજ ન થવા દેવાની કોશિશ કરવામાં આવી રહી હતી. ખિલાફતને એવી રીતે ગસ્બ કરવામાં આવી કે બીજાને નાહક જાનશીને રસૂલ નિયુક્ત કરવામાં આવ્યા. ફિદક પર પોતાના પહેરેદારોને બેસાડી દેવામાં આવ્યા. ઇલ્મી શખ્સીયતોની અવગણના કરી ઉલ્ટાનું તેમને ખત્મ કરવા માટે એવા લોકોથી મસાએલ જાણવાનું શરૂ કર્યુ કે જે અલીફ બે થી પણ વાકેફ ન હતા. કુર્આને કરીમની તફસીર તે લોકોથી લેવામાં આવી કે જેઓ કુર્આને કરીમનું ઇલ્મ ધરાવતા ન હતા. ઇસ્લામી અખ્લાકના બદલે જાહેલીયતના જુના રિવાજોને જીવંત કરવામાં આવતા હતા. અહલેબૈત(અ.મુ.સ.)ને માત્ર તેમના ઘર સુધી સિમિત કરી દેવામાં આવ્યા. પરંતુ લોકોની નજરોમાં તેમની અઝમત અને મંઝેલતને ઘટાડી દેવામાં આવી હતી કે શામથી સફર કરતા લોકો મદીના આવતા હતા અને તેમને ખરાબ શબ્દોથી યાદ કરતા હતા. આ હાકીમે શામની તબ્લીગનું છુપું હથિયાર હતું.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને અહલેબૈત(અ.મુ.સ.)ની અસીરીએ તે સમયના શીયાઓના હોંસલાઓને પસ્ત કરી નાખ્યા હતા. તમે ખુદ વિચારો કે જે જમાનામાં જન્નતના જવાનોના સરદારને તેમના સાથીઓની સાથે ખુલ્લેઆમ બેદર્દીથી કત્લ કરી દેવામાં આવે, તે સમયે તેમના ચાહવાવાળાઓની જાનની શું કિંમત! અમુક લોકોએ ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત પછી કયામ કરવાની કોશિશ કરી, પરંતુ કોઇ ખાસ સફળતા ન મળી. આ રીતની ચળવળો થોડા દિવસોમાં ખત્મ થઇ ગઇ, જેનાથી બાકી રહેલા શીઆઓનો ઉત્સાહ ખત્મ થઇ ગયો. આ હાલાતમાં અકીદએ ઇમામત, અઝમતે અહલેબૈત(અ.મુ.સ.) અને શીય્યતને બાકી રાખવું કેટલું મુશ્કેલ કામ હતું. અગર કોઇ અકીદા અને તે અકીદાના માનવાવાળા ઉપર આના કરતા દસમાં ભાગનો પણ ઝુલ્મ થયો હોત તો તેનું નામો નિશાન ખત્મ થઇ જાત.

હઝરત ઇમામ સજ્જાદ(અ.સ.)ને ન તો ફક્ત ઇમામત અને શીય્યત બાકી રાખવાની હતી, બલ્કે વાકેઆતે કરબલાને પણ તેની ખાસિયતોની સાથે જીવંત રાખવાનો હતો. આ કામ એટલા માટે મુશ્કેલ હતું કે તમામ ઇતિહાસકારો અને લેખકો હુકુમતના તાબામાં હતા. તે સમયની હુકુમતની વિરૂધ્ધ કાંઇ બોલવું, એ પોતાના જીવને જોખમમાં મુકવા જેવું હતું.

હઝરત ઇમામે સય્યદે સજ્જાદની સામે ઘણી બધી મુશ્કેલીઓ હતી. એક તરફ યઝીદની ઝાલીમ હુકુમત, તેના પછી બની ઉમય્યાની હુકુમતનો સિલસિલો તો બીજી તરફ અબ્દુલ્લા બિન ઝુબૈરનો ફિત્નો કે જેણે થોડા દિવસની સત્તામાં નમાઝે જુમ્આના ખુત્બામાં સલવાત પડવાનું બંધ કરી દીધુ હતું. મોહંમદે હનફીયા અને ઇબ્ને અબ્બાસને ઝમઝમના કુવામાં કૈદ કરી દીધા હતા. જેની અહલેબૈત(અ.મુ.સ.)ની દુશ્મની જંગે જમલનું કારણ બની હતી. ત્રીજી તરફ તે લોકો કે જે ગુલુઅ (અતિશ્યોક્તિ)ના શિકાર હતા.

આ હાલાતમાં બેપનાહ રંજો ગમ ઉપાડવાવાળા પોતાની સામે પોતાના અઝીઝતરીન હસ્તીઓના બેસર અને બેકફન ટુકડે ટુકડા થયેલ લાશોને જોવાવાળા, જેણે તૌક અને ઝંઝીરમાં કૈદી બનીને પોતાની માઁ બહેનો અને ફુફીઓને યઝીદ, ઇબ્ને ઝિયાદ જેવા ઝાલિમ, નજીસ અને ખબીસના દરબારોમાં રસ્સીથી જકડાએલા, ખુલ્લા સર જોયા હોય, તે રૂહાની રીતે ખુબજ થાકેલા અને ઝખ્મી દિલ હશે, તેનું નફસ કેટલુ બધુ દુ:ખી હશે! પરંતુ ઇમામત અને વિલાયતે ઇલાહીનો કમાલ એ છે કે આ હાલાતમાં તેમણે તે મહાન કાર્ય અંજામ આપ્યું કે જેના કારણે પવિત્ર દીને ઇસ્લામ બાકી અને જીવંત છે.

હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ને એકી સાથે ઘણા બધા મોરચા ઉપર જેહાદ કરવી પડી:

  1. હઝરત સય્યદુશ્શોહદા ઇમામ હુસૈન(અ.સ.)ની કુરબાની અને તેમના બલંદતરીન મકસદને જીવંત રાખવો એટલે કે તે દીનની હિફાઝત કરવી કે જે મેદાને ગદીરમાં વિલાયતના એલાનની સાથે સંપુર્ણ થયો હતો.
  2. કરબલા અને તેના પછી જે ઝુલ્મો તેમના પર થયા તેને બાકી રાખવુ. આ કામ આસાન ન હતું કારણકે ઝુલ્મોનું બયાન હુકુમતને સીધું જ બેનકાબ કરવાનું હતું.
  3. ટુંટેલા દિલ, અર્ધ મૃત, વિખરાએલા, ટુંટેલા, હોંસલા વગરના શીઆઓની હિફાઝત, તેમને જીંદગીનો હોંસલો આપવો, આ માહોલમાં દીની અને અખ્લાકી તરબીયત.
  4. ગુલાતનો મુકાબલો.
  5. સૌથી મહત્વનું ઇમામતની હિફાઝત, દીની તઅલીમાતમાં કુરઆન અને રસુલની નજરમાં તેની ખાસ અહેમીયત. ખાસ કરીને તે સમયમાં જ્યાં ઇમામે વક્ત હુજ્જતે ખુદાને ખુલ્લે આમ બેદર્દીથી શહીદ કરી દીધા હોય ત્યાં ઇમામતની મંઝેલતને રોશન કરવી, તેને જીવંત રાખવી. કોઇ આસાન કામ ન હતું.
  6. હઝરત ઇમામ મોહંમદ બાકિર(અ.સ.) અને હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ના સમયમાં એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા કે જે તે મોકાનો પુરે પુરો ફાયદો ઉપાડી શકે.

આ વાત ખૂબ સારી રીતે દિમાગમાં રહે કે આ તમામ બાબતો માટે લોકોથી સંપર્ક રાખવો જરૂરી હતો, જ્યારે કે તે સમયના હાલાતમાં લોકોથી સંપર્ક રાખવો ખુબજ મુશ્કેલ હતો. દરેક સમયે હુકુમતના જાસુસો ફર્યા કરતા હતા. હાલાતથી હારી જવું અને સમાધાન કરી લેવું, ઇમામતે ઇલાહીનું કાર્ય ન હતું. હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ રસ્તો ઇખ્તેયાર કર્યો કે જેમાં પાબંદીની કોઇ શક્યતા ન હતી અને જેની અસર બેપનાહ હતી.

  1. આપે મકસદે ઇમામ હુસૈન(અ.સ.) અને વાકેઆતે કરબલાના માટે ઝબાનના બદલે આંસુઓ થકી પોતાની વાત રજુ કરી. જાહેર છે કે કોઇ પણ ઝાલિમ મઝલુમના રડવા ઉપર પાબંદી કરી નથી શકતો. મઝલુમનું રડવું, ખુદ એક અસર રાખે છે અને તે પણ ઇમામે મઅસૂમ(અ.સ.)નું રડવું. આ રડવાએ પોતાની અસર બતાવી. લોકો ઇમામ (અ.સ.)ને રડવાનું કારણ પુછતા તો જવાબમાં આપ(અ.સ.) વાકેઆતે કરબલાને બયાન કરતા હતા અને તે પણ આંખે જોયેલો વાકેઓ. લોકો જ્યારે સબ્રની વાત કરતા તો ઇમામ(અ.સ.) ફરમાવતા “જનાબે યઅકુબ(અ.સ.) નો એક ફરઝંદ ફક્ત નજરોથી ગાએબ હતો, તો તેઓ એટલુ રડ્યા કે તેમની આંખો સફેદ થઇ ગઇ. મારા તો અઢાર જવાનો શહીદ કરી દેવામાં આવ્યા. જ્યારે લોકો શહાદત તો આપની મીરાસ છે, તેમ કહેતા તો આપ(અ.સ.) ફરમાવતા: “શહાદત મીરાસ છે, પરંતુ શામના દરબારમાં માઁ બહેનોનું બેરીદા જવું, શું તે પણ મીરાસ છે? એટલું બધુ રડતા કે આપ(અ.સ.)ની દાઢી મુબારક આંસુઓથી તરબતર થઇ જતી. કોઇનામાં હિંમત ન હતી કે આ વાકેઆતને જુઠલાવે. તેના સિવાય ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)એ મજલીસો કાયમ કરી કે જ્યાં ઓરતો શોહદાએ કરબલા ઉપર ગિયર્િ કરતી અને ઇમામ (અ.સ.) તેમના માટે જમવાનો બંદોબસ્ત કરતા, કે જેથી આ રડવાનો સિલસિલો જારી રહે અને વાકેઆતે કરબલા અને શામ સતત રીતે બયાન થતા રહે. જ્યારે ઔરતો ગીર્યા કરતી હતી તો ફક્ત આંસુ વહાવતી ન હતી, પરંતુ મસાએબ બયાન કરતી હતી. આ રીતે કરબલાનો બનાવ લોકો સુધી પહોંચતો રહ્યો.
  2. તેના સિવાય ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)એ મસાએબે અહલેબૈત(અ.મુ.સ.) પર આંસુ વહાવવાના સવાબનો ઝિક્ર કર્યો, રિવાયતો બયાન કરી, લોકોને તેની અસર થવી લાઝમી અને જરૂરી હતી. ઇમામ (અ.સ.)એ તે રસ્તો ઇખ્તેયાર કર્યો, કે જેની સામે જમાનાની હુકુમત લાચાર હતી. એક ગોશાનશીને (એકાંતવાસીએ) હુકુમતને અપંગ કરી દીધી. આ હતી ઇમામ(અ.સ.)ની કાર્યપઘ્ધતી. જે મદીનાથી હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને નિકળવું પડયુ હતું, તે જ મદીનામાં ઇમામ હુસૈન(અ.સ.) ની અઝાદારીની એવી બુનિયાદ કાયમ કરી દીધી કે આજે પણ આ સિલસિલો શરૂ છે. ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ તે શાન અને અંદાઝથી કરબલાના બનાવને બયાન કર્યો કે હુકુમત અને તે લોકો કે જે ઇમામ હુસૈન (અ.સ.)ને કત્લ કરી રહ્યા હતા, તેમજ ઇનામની તમન્ના રાખતા હતા, તે જ લોકો આજે પોતાની જાતને બચાવવાની કોશીશ કરી રહ્યા હતા અને એક બીજાને જવાબદાર ઠેરવી રહ્યા હતા. એવું લાગતું હતું કે ઉપર વર્ણવાએલ દબાએલી ચળવળો ફરીથી આગળ આવી રહી છે.
  3. જ્યારે એ એહસાસ થઇ ગયો કે આ હાલાતમાં લોકોથી જાહેરમાં સંપર્ક શક્ય નથી, ત્યારે હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ સંબોધનનો અંદાઝ બદલાવી નાંખ્યો. આપ(અ.સ.)એ ઇસ્લામી તઅલીમાતને દુઆઓનો લિબાસ અતા કર્યો. ખુદાની હમ્દ અને રસુલે ખુદા(સ.અ.વ.) પર સલવાત મોકલીને તવહીદ અને નબુવ્વતના ઉચ્ચ કક્ષાના મતાલિબ બયાન ફરમાવ્યા. એક તરફ સાચી તવહીદ અને નબુવ્વતનું બયાન હતુ તો બીજી તરફ તે તમામ માન્યતાઓની સુધારણા અથવા તેની રદ્દ કરવાની હતી, જે રાહે રાસ્તથી ભટકી ગયેલા હતા. આપ એક વખત સહીફએ સજ્જાદીયાની દુઆઓનો ધ્યાનથી અભ્યાસ કરો તો કેટલા અઝીમ અને અનમોલ મતાલિબ બયાન કરવામાં આવ્યા છે. ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)થી જે દુઆઓ વારિદ થઇ છે, તે ફક્ત સહીફએ સજ્જાદીયા પુરતી સિમિત નથી, બલ્કે તેના સિવાય બીજી દુઆઓ પણ છે, જે તેજ નામની બીજી જામેઅ કિતાબોમાં મવજુદ છે. જાહેર છે કે હુકુમત તકરીર કરવા ઉપર પાબંદી લગાવી શકે છે, દુઆઓ ઉપર નહી. ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)એ બલાઓને દુર કરવા અને મુશ્કેલીઓ ઉપર સબ્ર કરવાની દુઆઓની તઅલીમ આપી છે, દા.ત. દુઆ નંબર-4 તે લોકોના બારામાં છે કે જે રસુલે ખુદા(સ.અ.વ.)નું અનુસરણ કરે છે અને તેમની તસ્દીક કરે છે, દુઆ નંબર-7 જ્યારે કોઇ બલા નાઝિલ થાય ત્યારે પડવાની છે, દુઆ નંબર-8 મુશ્કેલીઓના સમયે પનાહ હાસિલ કરવા માટે, દુઆ નંબર-11 ઇમાનની સાથે મૌત આવે તે માટે, દુઆ નંબર-23 સખ્ત મુશ્કેલીઓ અને પરેશાનીઓ વખતે, દુઆ નંબર-41 દુશ્મનોના શરથી સલામતી માટે. આ પ્રકારની દુઆઓ ખુદાવંદે કુદ્દુસની બારગાહમાં ન ફક્ત મુનાજાત છે, બલ્કે દિલ તુટેલા, અર્ધ મૃત શીઆઓના સુકુન અને મજબુતીનો સબબ છે. અગર હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) એ પોતાના ચાહવાવાળાઓની તરબીયત માટે આ રીત અપનાવી ન હોતે તો તેમની ફરીવાર જીંદગીનો કોઇ સવાલ ન હતો.
  4. ઇમામ સજ્જાદ(અ.સ.)નો મુકદ્દસ વુજુદ મદીનામાં કે જ્યાં શામથી અને લાંબા સમયની હુકુમતની કાર્યપધ્ધતિથી લોકોનો એક મોટો સમુહ ઇસ્લામી તેહઝીબ સમજીને તેના ઉપર અમલ કરી રહ્યો હતો. હવે વિચારો ફેરવાઇ રહ્યા હતા અને તે લોકોનો સમુહ કે જે બહુમતિના મુકાબલે ખુબ ઓછો હતો, ઇસ્લામના સિધ્ધાંતોની તલાશ અને ઝુંબેશ થઇ રહી હતી. તેમાંથી અમુક એવા પણ કે જેઓ ઇમામતના નૂર અને હિદાયતથી ફાયદો ઉપાડી રહ્યા હતા અને અમુક ઇમામતના મોઅજીઝાથી અસર પામીને હદથી આગળ વધી ગયા, ત્યાં સુધી કે અકીદતમાં એટલા ડુબી ગયા કે રિવાયતોને ધ્યાનમાં ન રાખી અને અકીદત જ્યારે અક્લ અને રિવાયાતથી અલગ થઇ જાય છે, તો ગુલુની શક્લ ઇખ્તેયાર કરી લે છે. અમુક લોકો એહલેબૈત(અ.મુ.સ.)ના બારામાં ગુલુના શિકાર થયા.(ગુલુ એટલે એહલેબૈત (અ.મુ.સ.)ને ખુદા માનવા). અઇમ્મા(અ.મુ.સ.)એ આ (ગુલુ કરનારા) લોકોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ ઇરાકના લોકોને ફરમાવ્યું:

અહીબ્બુના હુબ્બલ ઇસ્લામે વલા તર્ફઉના ફવ્ક હદ્દેના

અમને ઇસ્લામની હદોમાં મોહબ્બત કરો, હદથી વધારે આગળ ન વધો.

એક બીજી જગ્યાએ આ રીતે ફરમાવ્યું:

અહીબ્બુના હુબ્બલ ઇસ્લામે વલા તોહીબ્બુના હુબ્બલ્ અસ્નામે

અમને ઇસ્લામના માટે મોહબ્બત કરો અને એવી રીતે મોહબ્બત ન કરો જેવી રીતે લોકો મુર્તિઓથી મોહબ્બત કરે છે.

અબુ ખાલિદ કાબુલીએ ફરમાવ્યું:

ઇન્ન કવ્મન્ મિન્ શીઅતેના સયોહિબ્બુન હત્તા યકુલુ ફીના મા કાલતિલ યહૂદો ફી ઓઝય્રિન્ વમા કાલતિન્ નસારા ફી ઇસબ્ને મરયમ ફલા હુમ મિન્ના વલા નહ્નો મિન્હુમ્.

અમારા શીઆઓમાં અમુક લોકો એવા હશે, જે અમારાથી મોહબ્બતનો દાવો કરે છે, અને અમારા માટે તે કહે છે, જે યહૂદી જનાબે ઓઝૈર(અ.સ.)ના બારામાં કહે છે અને જે ઇસાઇઓ જનાબે ઇસા ઇબ્ને મરયમના બારામાં કહે છે, ના તેઓ અમારાથી છે, અને ન અમે તેનાથી છીએ.

(બેહારૂલ અન્વાર, ભાગ:45, પાના: 288, હદીસ નંબર: 44)

યહુદી જનાબે ઓઝૈર(અ.સ.)ને અને ઇસાઇઓ જનાબે ઇસા ઇબ્ને મરયમ(અ.સ.)ને ખુદાના દિકરા કહે છે. તેમને અબ્દીયતની મંઝીલથી બહાર કાઢીને ઉલુહીય્યતના દરજ્જામાં દાખલ કરી દે છે, તેમને ખુદાથી મેળવી દે છે. બંદાને ખુદા બનાવી દે છે. ઇમામ(અ.સ.)એ સ્પષ્ટ શબ્દોમાં બયાન ફરમાવ્યું કે આ પ્રકારના લોકોથી અમારે કોઇ સંબંધ નથી. ઇમામતનો સ્વભાવ અસ્થાને વખાણ સાંભળવાનો નથી અને લોકો તેને મોહબ્બત અને અકીદત કરાર આપે છે, જ્યારે કે ઇમામ(અ.સ.) આવા પ્રકારના લોકોથી દૂર હોવાનું એલાન કરે છે.

  1. તે સમયે સૌથી મહત્વનો પ્રશ્ર્ન અહલેબૈત (અ.મુ.સ.)ની અઝમતને રૌશન કરવી અને દીને મુકદ્દસે ઇસ્લામમાં ઇમામતના મહત્વને સ્પષ્ટ કરવો તે હતો. કરબલાના બનાવમાં એક નાનો સમુહ હતો, જે ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે હતો. જંગમાં મોટા ભાગના લોકો મુખાલિફ હતા. જે લોકો કોઇ કારણસર ઇમામ હુસૈન(અ.સ.)ની સામે જંગમાં ન હતા, તે પણ સાથે ન હતા. અબ્દુલ્લા બિન ઉમર, અબ્દુલ્લા બિન ઝુબૈર જાહેરી રીતે મુસલમાનોમાં સહાબાના ફરઝંદ હોવાના કારણે એક મહત્વ ધરાવતા હતા. તેઓએ પોતાની એક અલગ દુનિયા બનાવી હતી, આ એક કોશિશ હતી કે અહલેબૈત(અ.મુ.સ.)ને ઇસ્લામી તસ્વીરમાંથી દુર કરવાની અને લોકોને ભરોસો દેવડાવવાની કે ઇમામતનું કોઇ ખાસ મહત્વ નથી, જે કાંઇ એહમીય્યત છે, તે ફક્ત ખિલાફતની છે અને તેજ વ્યક્તિ ખલીફા છે, જેને ઉમ્મત ખલીફા તરીકે તસ્લીમ કરી લે. આ વિચારધારાને તે સમયની હુકુમતની મદદ અને પ્રોત્સાહન હાસિલ હતું. અને તે લોકો પણ હુકુમતના ભરોસાપાત્ર હતા, જે આ વિચારધારાનું સમર્થન કરતા હતા, તેમજ અમલી રીતે પણ તેમની સાથે હતા. ગદીરના એલાન પછી ઇસ્લામી સમાજમાં આ વિચારધારાનો પ્રચાર, તે વાતની દલીલ છે કે અહલેબૈત(અ.મુ.સ.) અને ઇમામતની વિરૂધ્ધ કેટલું આયોજનબધ્ધ રીતે કામ કરવામાં આવ્યુ હતુ. નબુવ્વતના અકીદાને બાકી રાખીને નબુવ્વતની તઅલીમાત અને ભલામણોને સંપૂર્ણ રીતે ભુલાવી દેવામાં આવી હતી અને ભુલવાડી દેનારાઓજ મોહતરમ ગણવામાં આવતા હતા. ઇમામત અને રહેબરીનો સૌથી મોટો વ્યવ્હાર તે એવો હકીમ હોય છે, કે જે બિમારીને ખુબ સારી રીતે સમજે છે અને તેની ગુમરાહીની રીતભાતથી ખુબ સારી રીતે જાણકાર હોય છે. આવા હાલાતમાં ઇમામ(અ.સ.)એ સૌથી પહેલા અકીદાની તંદુરસ્તી, જે મુરસલે અઅઝમની તઅલીમ આપેલી હતી, તેને દુઆઓના ઝરીએ ઉપયોગ કર્યો કે જેથી ખુદા, રસુલ અને ઇમામ પરના અકાએદ તાજા થઇ શકે.

દુઆ ઇન્સાની જીંદગીમાં અને ખાસ કરીને ઇસ્લામી તઅલીમાતમાં ખાસ મહત્વનો દરજ્જો રાખે છે. દુઆ મઅરેફતે ઇલાહીનો ઝરીઓ છે. દુઆ બલંદીનો એહસાસ અને બંદગીનો વસીલો છે. એટલે કે ખુદા તે છે કે જે બલંદ અને બરતર ખાલિક છે, તે સમદ છે, તે બેનિયાઝ છે અને ઇન્સાન મખ્લૂક છે, મોહતાજ છે. દુઆ ખુદાની અદાલત પર યકીનનું કારણ છે, જઝા ઇન્સાનને નેકીની તરફ પ્રેરે છે અને સજા બુરાઇનું પરીણામ છે. દુઆ ઇન્સાનને જણાવે છે કે દુનિયા આખેરતની ખેતી છે, એક લાંબા સમયથી લોકો તેને ભુલી ગયા હતા, જેને ઇમામ સજ્જાદ (અ.સ.)એ જીંદગી આપી.

ઇમામ સજ્જાદ(અ.સ.)એ દુઆઓમાં કદમ કદમ ઉપર આલે મોહમ્મદ(અ.મુ.સ.)નો ઝિક્ર કર્યો અને તેમના ઉપર દુરૂદ અને સલામ મોકલી છે, આ ઝિક્ર હકીકતમાં ખુદાવંદે આલમની બારગાહમાં અહલેબૈત(અ.મુ.સ.)ને જે અઝમત હાસિલ છે, તેને બયાન કરે છે. જૂઓ અહલેબૈત(અ.મુ.સ.) તે હસ્તી છે, કે જેનો ઝિક્ર ખુદાવંદે આલમથી મુનાજાતોમાં થાય છે, જે લોકોનો ઝિક્ર દુઆઓમાં હોય, જે લોકો ઉપર સતત દુરૂદ અને સલામ મોકલવામાં આવતા હોય, શું આવી હસ્તીઓને પરેશાન કરવામાં આવે? શું તેમના ઉપર ઝુલ્મ કરવામાં આવે? તમારા ઝુલ્મ કરવાથી અને કૈદ કરવાથી અહલેબૈત(અ.મુ.સ.)ની અઝમત અને મંઝેલતમાં કોઇ ઘટાડો નથી થતો.

તે દુઆઓમાં ન ફક્ત અહલેબૈત(અ.મુ.સ.) પર દુરૂદ અને સલામનો ઝિક્ર છે, બલ્કે હજના મૌકા ઉપર જ્યાં દુનિયાના દરેક ખુણામાંથી મુસલમાનો ભેગા થાય છે, અરફાનો દિવસ જે દુઆ અને મગફેરતનો દિવસ છે, જ્યાં હાજીઓની સાથે સાથે હુકૂમતના જાસુસો અને માણસો પણ મોટી સંખ્યામાં મવજુદ રહે છે. આ સંવેદનશીલ સમયે પણ ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ દુઆએ અરફામાં કાયદેસર ઇમામતનો ઝિક્ર કર્યો. અહીં આ દુઆના અમુક જુમ્લાઓ વર્ણવવાની ખુશનસીબી હાસિલ કરીએ છીએ. ટુંકમાં ફક્ત તરજુમો રજુ કરીએ છીએ.

આ સહીફએ સજ્જાદીયાની 47 મી દુઆ છે, આ દુઆમાં સૌથી પહેલા બહેતરીન અંદાજમાં ખુદાવંદે કરીમની હમ્દો સના છે, એટલે કે તવહીદના ખુબ જ બલંદ દરજ્જાના મતાલિબ બયાન કરવામાં આવ્યા છે. કારણકે, તવહીદ તમામ અકીદાઓની બુનિયાદ છે. જેથી ખુબજ સ્પષ્ટતાની સાથે તેનો ઝિક્ર કરવામાં આવ્યો છે. અલગ અલગ અંદાઝમાં ખુદાવંદે આલમની કુદરત, હિકમત, ખિલ્કત, રહેમત અને કરમનો ઝિક્ર કરવામાં આવ્યો છે. આ હકીકતની તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કોઇ પણ સંજોગોમાં ઇન્સાનની અક્લ તવહીદની જડ સુધી નથી પહોંચી શકતી. તવહીદના પછી આ રીતે નબુવ્વતનો ઝિક્ર કર્યો છે:

રબ્બે સલ્લે અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદે નિલ મુન્તજબિલ્ મુસ્તફલ્ મુકર્રમિલ્ મુકર્રબે..

“ખુદાયા! મોહમ્મદ અને આલે મોહમ્મદ પર દુરૂદ અને સલામ નાઝિલ ફરમાવ કે જેને તે તમામ મખ્લૂકાતમાંથી પસંદ કરી લીધા છે અને જે તારી બારગાહમાં ખુબ જ બાઇઝ્ઝત અને મુકર્રબ છે, તેમના ઉપર બહેતરીન દુરૂદ, બરકતો, રહેમતો… નાઝિલ ફરમાવ”

અલગ અલગ અંદાઝમાં સલવાત મોકલી છે. આ અલગ અલગ અંદાઝમાં સલવાતનું મોકલવું તે વાતની દલીલ છે, કે ખુદાવંદે આલમની બારગાહમાં નબુવ્વતનો દરજ્જો કેટલો બધો બલંદ છે, અને નબીએ અકરમ(સ.અ.વ.)ના સંબંધે આપણી જવાબદારીઓ શું છે? આ સલવાતનું એક-એક વાક્ય નબુવ્વતની મઅરેફતનું એક-એક પ્રકરણ છે.તવહીદ અને નબુવ્વતના પછી ઇમામતનો ઝિક્ર કર્યો છે. નબુવ્વતના તરતજ પછી બિલા ફસ્લ ઇમામતનો ઝિક્ર ઇમામતની એહમિય્યતને સ્પષ્ટ કરે છે. આપ ફરમાવે છે:

રબ્બે સલ્લે અલા અતાયેબે અહલેબય્તેહિલ લઝીનખ્ તર્તહુમ્ લે અમ્રેક…

“પરવરદિગાર! તેમના એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.) પર રહેમત નાઝિલ ફરમાવ. જેઓને તે તારી હુકુમત અને વિલાયતના માટે પસંદ ફરમાવ્યા છે. પોતાના ઇલ્મના ખઝાનેદાર અને પોતાના દીનના મોહફીઝ અને જમીનમાં પોતાના ખલીફા, જાનશીન અને બંદાઓ ઉપર પોતાની હુજ્જત ઠરાવ્યા છે, અને ઇરાદાએ તકવીનીથી દરેક પ્રકારની નજાસત અને બુરાઇથી પાક અને સાફ રાખ્યા. તેઓને પોતાની પવિત્ર બારગાહ સુધી પહોંચવાનો વસીલો અને જન્નત સુધી આવવાનો રસ્તો કરાર દીધો છે.”

ત્યારબાદ વિવિધ અંદાઝમાં દુદો સલામનો ઝિક્ર છે.

હવે તેના પછી આ હકીકત તરફ ધ્યાન દોરતા ફરમાવે છે કે ઇમામત હિદાયતનો એક સિલસિલો છે. આ સિલસિલો દરેક સમયમાં જારી અને બાકી છે, ઇમામ(અ.સ.) ફરમાવે છે:

અલ્લાહુમ્મ ઇન્નક અય્યદ્ત દીનક ફી કુલ્લે અવાનિન્ બે ઇમામિન્ અકમ્તહૂ અલમલ્ લે એબાદિક…

“બારે ઇલાહી! તે દરેક ઝમાનામાં એક એવા ઇમામના ઝરીએ તારા દીનનું સમર્થન કર્યુ છે કે જેને તે પોતાના બંદાઓના માટે રસ્તાની નિશાનીઓ ઠરાવ્યા છે અને શહેરોમાં હિદાયતના મિનારા બનાવીને કાએમ કર્યા જ્યારે કે તે પોતાના અહદ અને પયમાન, ઇતાઅત અને બંદગીને તેઓ(અ.મુ.સ.)ની ઇતાઅત અને ફરમાંબરદારીથી જોડી દીધી. જેઓને તે તારી રેઝા અને ખુશ્નુદીનો ઝરીઓ ઠરાવ્યા અને તેઓની ઇતાઅતને લાઝિમ અને જરૂરી ઠરાવી અને જેઓની નાફરમાની અને વિરોધ કરવાની મનાઇ કરી, તેમનો હુકમ માનવાનો હુકમ આપ્યો અને જે વાતોની તેઓ મનાઇ કરી રહ્યા છે, તેનાથી દૂર રહેવાનો હુકમ આપ્યો. જુઓ કોઇ તેમનાથી આગળ ન વધે અને ન પાછળ રહે. જે તેમની પનાહમાં આવે છે, તે ગુનાહોથી સુરક્ષિત રહે છે. તેઓ મોઅમીનોની પનાહગાહ છે, તમસ્સુક કરવાવાળા માટે મજબુત રસ્સી છે.

સલવાતના ઝરીએ જ્યાં ખુદાની બારગાહમાં રહેમત નાઝિલ થવાની દુઆ છે, ત્યાંજ ઇમામના ફઝાએલ અને કમાલનો પણ ઝિક્ર છે. દરેક ઇન્સાફ પસંદ એટલું જર વિચારશે કે કોણ છે, તે જેના પર દુરૂદ અને સલામ મોકલવામાં આવી રહ્યા છે? અગર એહલેબૈત(અ.મુ.સ.) સિવાય કોઇ બીજુ હોય તો દુનિયા તેને રજુ કરે. જે ઇમામ અને ઇમામતને લોકોએ સંપુર્ણ રીતે નજરઅંદાજ કરી દીધી હતી, ઇમામ સજ્જાદ(અ.સ.)એ મૈદાને અરફામાં આ ઇમામતને મજબુત કરી રહ્યા છે કે લોકોનું આ હકીકત તરફ ધ્યાન દોરી રહ્યા છે. ઇમામતથી દુર રહીને લોકોએ કેટલું મોટું નુકસાન ઉઠાવ્યું? તેના પછી ઇમામ(અ.સ.) તે લોકોનો ઝિક્ર કરે છે, કે જેઓ ઇમામતના રસ્તા ઉપર સાબિત કદમ છે.

અલ્લાહુમ્મ સલ્લે અલા અવ્લેયાએહેમુલ્ મોઅ્તરેફીન બેમકામેહેમુલ્ મુત્તબેઇન મન્હજહુમ્ …

“મઅબુદ તેમના દોસ્તો પર, તેમના ચાહવાવાળાઓ પર, તેમનાથી મોહબ્બત અને વિલાયતનો દમ ભરવાવાળા પર દુરૂદ અને સલામ નાઝિલ ફરમાવ. તેઓ તેની મન્ઝેલત, અઝમત અને મકામને કબુલ કરે છે. તેમના નકશે કદમ પર કદમ રાખે છે, તેમના રસ્તાની નિશાની પર બાકી રહે છે, તેમની દોસ્તી અને વિલાયતથી મુતમસ્સીક, તેમની ઇમામત અને રહેબરીથી જોડાએલા, તેમની ઇમામતની પૈરવી કરવાવાળા, તેમના અહેકામના ફરમાંબરદાર, તેમની ઇતાઅતમાં ઉત્સાહી, તેમના હુકુમતનો ઇન્તેઝાર કરવાવાળા, તેમના માટે આંખો સમાન છે.

એવી રહેમત, જે બાબરકત પાકીઝા, વૃધ્ધી પામનારી અને સવાર સાંજ નાઝિલ થવાવાળી, તેમના પર, તેમની પાકીઝા રૂહો પર સલામતી નાઝિલ ફરમાવ. તેમની તૌબા કબુલ કર. બેશક! તું તૌબા કબુલ કરવાવાળો, રહેમ કરવાવાળો, સૌથી વધારે અને સૌથી બહેતર માફ કરવાવાળો છે. અમને તારી રહેમતના વસીલાથી સલામતીના ઘર (જન્નત)માં તેમના સાથીદાર બનાવ. અય અર્હમર્ રાહેમીન…

આજના સમયમાં આ દુઆની અહેમીય્યતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે, જે જમાનામાં લોકો ખિલાફતને બીજાનો હક કરાર આપતા હોય, લોકોનો મોટો સમૂહ બીજાની ખિલાફતનો અકીદો રાખતો હોય, ત્યાં ઇલાહી ખિલાફત અને ઇમામતે રબ્બાનીનો ખુલ્લેઆમ ઝિક્ર કરવું અઝીમતરીન જેહાદ છે.

  1. ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) જાણતા હતા કે આવનારા વર્ષોમાં બની ઉમય્યા અને બની અબ્બાસ વચ્ચે સત્તા મેળવવા માટે જંગ થશે, તે સમયે મારા ફરઝંદ ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) અને તેમના ફરઝંદ ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ને ગદીરી ઇસ્લામ અને હકીકી દીનની તઅલીમાત બયાન કરવાનો મોકો મળશે. તેમના માટે ઉસ્તાદની હાજરીની સાથે સાથે તાલીબે ઇલ્મની સંખ્યા પણ જરૂરી છે. ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ પોતાની ઇમામતના સમયગાળામાં આ કામ પણ એ રીતે અંજામ આપ્યું કે, ઇમામતના વિરોધીઓને તેની ગંધ પણ ન આવી. તેના માટે ઇમામ(અ.સ.)એ એક તરફ ગુલામોને ખરીદ્યા અને અમૂક સમય પોતાની સાથે રાખીને તેની તરબીયત કરી અને તેમને આઝાદ કરી દીધા. આ આઝાદ કરેલા ગુલામો અને કનીજો ઇમામની ઇમામત અને ઇમામના અખ્લાક અને આદતોના બહેતરીન મુબલ્લીગ બન્યા. આ સિવાય અસ્હાબ અને તાલીબે ઇલ્મની તરબીયત કરી. જ્યારે ઇમામ(અ.સ.) હજ માટે તશરીફ લઇ જતા તો લગભગ 1000 લોકો આપની સાથે રહેતા હતા. ઇમામ(અ.સ.)એ આ રીતે તે લોકોમાં ઇલ્મ હાસિલ કરવાનો જઝ્બો પૈદા કર્યો અને તે રીતે તેઓ ઇલ્મે ઇલાહીના તરસ્યા થયા કે જ્યારે ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) અને ઇમામ જઅફરે સાદિક (અ.સ.) એ ઇલ્મ શિખવવાનું શરૂ કર્યુ, તો મસ્જીદ લોકોથી ભરાએલી હતી. જાણવા મળે છે કે, તે સમયમાં હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ના દર્સમાં 4000 લોકો ભાગ લેતા હતા.

ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ તે હાલાતમાં ઇમામત અને ઇલાહી વિલાયતને જીવંત કરી અને હિફાઝત કરી, અહેમીય્યતને સ્પષ્ટ કરી, ગદીરી ઇસ્લામને બચાવ્યો, શીય્યત અને શીઆઓની એ રીતે હિફાઝત કરી કે આજે એ સિલસિલો જારી છે.

આ મુખ્તસર વિષયને હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) પર દુરૂદ અને સલામના ઝરીએ પૂર્ણ કરીએ છીએ…

અલ્લાહુમ્મ સલ્લે અલા અલીયિબ્નીલ્ હુસૈને સય્યેદિલ્ આબેદીનલ્લઝીસ્ તખ્લસ્તહૂ લે નફ્સેક વ જઅલ્ત્ મિન્હો અઇમ્મતલ્ હોદા અલ્લઝીન યહ્દૂન બિલ્ હક્કે વ બેહી યઅ્દેલૂનલ્લઝીખ્ તર્તહૂ લે નફ્સેક વ તહ્હરતહૂ મેનર્ રિજ્સે વસ્તફય્તહૂ વ જઅલ્તહૂ હાદેયન્ મહ્દીય્યન્ અલ્લાહુમ્મ ફસલ્લે અલય્હે અફ્ઝલ મા સલ્લય્ત અલા અહદિમ્ મિન્ ઝુર્રીય્યતે અમ્બેયાએક હત્તા યબ્લોગ બેહી મા તોકિર્રો બેહી અય્નહૂ ફીદ્ દુન્યા વલ્ આખેરતે ઇન્નક અઝીઝુન્ હકીમુન્

(મફાતીહુલ જીનાન, સલવાત બર હોજજે ઝાહેરતે અ.મુ.સ.)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *