દુઆએ અહદની સમજુતી

(શાબાનુલ મોઅઝ્ઝમ હી.સ. 1438થી આગળ શરૂ….)

“અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બે વજ્હેકલ્ કરીમ, વબે નૂરે વજ્હેકલ્ મોનીર વ મુલ્કેકલ્ કદીર, યા હય્યો યા કય્યુમ્. અસ્અલોક બિસ્મેકલ્લઝી અશ્રકત્ બેહીસ્સમાવાતો વલ્ અરઝૂન, વ બિસ્મેકલ્લઝી યસ્લહો બેહિલ્ અવ્વલૂન વલ્ આખેન, યા હય્યન્ કબ્લ કુલ્લે હય્ય, યા હય્યન્ બઅ્દ કુલ્લે હય્ય, યા હય્યન્ હીન લા હય્ય, યા મોહયેયલ મવ્તા વ મોમીતલ અહ્યાએ, યા હય્યો લા એલાહ ઇલ્લા અન્ત

પરવરદિગારા! હું તારી પાસે સવાલ ક છું તારા કરીમ ચહેરાના સદકામાં અને તારા નૂરાની ચેહરાના નૂરના સદકામાં, અને તારા શક્તિશાળી મુલ્કના સદકામાં. અય જીવંત! અય કય્યુમ! (એટલે કે જે મખ્લુકાતને પોતાના કબ્ઝામાં રાખેલ છે અને તેઓને ઉપર નીચે કરી રહ્યો છે.) હું તને સવાલ ક છું, તારા એ નામના સદકામાં જેના લીધે આસ્માનો અને જમીનો પ્રકાશિત છે અને તારા એ નામના આધારે જેનાથી અવ્વલીન અને આખેરીનની સુધારણા થાય છે, અય દરેક જીવંતની પેહલા જીવંત અને અય દરેક જીવંતના બાદ જીવંત અને અય તું હંમેશથી જીવંત, જ્યારે કોઇ જીવંત ન હતું, અય મુરદાઓને જીવંત કરનાર અને અય જીવંતને મૌત દેવાવાળા, અય જીવંત તારા સિવાય કોઇ અલ્લાહ નથી.

દોઆએ અહદના આ જુમલામાં આપણે અલ્લાહ સુબ્હાનહુને તેના ‘વજ્હ’ (ચહેરા)ના નૂર, ખુદાનો મુલ્ક અને તેના ખાસ ઇસ્મનો વાસ્તો આપીએ છીએ. અહીં કેટલીક ખાસ ઇસ્તેલાહાતના અર્થ જોઇએ.

‘વજ્હ’નો શાબ્દીક અર્થ છે ચેહરો, એ ચીજ કે જેના થકી કોઇ ચીજની તરફ આપણે મુતવજ્જેહ થઇએ છીએ. ‘વજ્હ’ અને ‘જાહ’ થી મુરાદ મરતબો અને મંઝેલત પણ છે. કુર્આને કરીમમાં શબ્દ ‘વજ્હ’ અસંખ્ય વખત વપરાયો છે, જેમ કે વજ્હુલ્લાહ, વજ્હે રબ, વજ્હે રબ્બોકુમ વિગેરે જોઇ શકાય છે.

વજ્હે ખુદા શું છે? પેહલી વાત તો એ સ્પષ્ટ કરવી જરૂરી છે કે અલ્લાહ અલગ છે અને તેનો ચેહરો અલગ. ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.) ફરમાવે છે:

ઇન્નલ્લાહ અઝ્ઝ વ જલ્લ અઅ્ઝમો મિન્ અય્ યુસફ બિલ્ વજ્હે

(તૌહીદ, શૈખે સદુક(અ.ર.), પાના: 149)

બેશક અલ્લાહ જે ઇઝ્ઝત અને જલાલનો માલિક છે, તે એના કરતા મહાન છે કે તેને ચેહરાની સિફત આપવામાં આવે.

એટલે મઝહબે હક્કાએ એહલેબૈત(અ.મુ.સ.)માં પરવરદિગારની તન્ઝીહ એ તૌહીદના અકીદાનો ખૂબ જ મહત્વનો પાયો છે, એટલે કે ખુદાને દરેક પ્રકારની તશ્બીહ અને સરખામણીથી પાક ગણવું. દરેક એ ચીજ જે મખ્લુકમાં મળી આવે છે, ખુદા તેનાથી પાક છે. તો પછી ચેહરાથી વજ્હથી મુરાદ શું છે? આવો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની રિવાયતોની તઅલીમાતની રોશનીમાં જોઇએ કે વજ્હનો શું અર્થ છે?

‘વજ્હ’ થી મુરાદ દીન છે:

ઉપરોક્ત હદીસમાં ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) એ પહેલા તો વજ્હના જીસ્માની અર્થથી ખુદાવંદે આલમની તન્ઝીહ કરી છે પછી આ રીતે સ્પષ્ટતા ફરમાવી:

વ લાકીન્ મઅ્નાહો કુલ્લો શય્ઇન્ હાલેકુન્ ઇલ્લા દીનહુ વલ્ વજ્હુલ્લઝી યુઅ્તા મિન્હો

પરંતુ તેનો મતલબ એ છે કે દરેક ચીજ નાશ થવાવાળી છે, સિવાય તેનો દીન. વજ્હ એને કહેવાય છે જેના થકી તેના સુધી પહોંચવામાં આવે છે.

(તૌહીદ, શૈખે સદુક(અ.ર.), પાના: 149, હદીસ: 1)

‘વજ્હ’થી મુરાદ હક્કનો રસ્તો:

હારિસ ઇબ્ને મોગીરાહ નસરી જે ઇમામ સાદિક(અ.સ.)ના ખૂબ જ ભરોસાપાત્ર સહાબી અને મોહદ્દીસ હતા, તેઓ વર્ણવે છે કે મેં ઇમામ સાદિક (અ.સ.)ને આ આયતે કરીમાના બારામાં સવાલ કર્યો.

કુલ્લો શયઇન્ હાલેકુન્ ઇલ્લા વજ્હહુ

તો આપ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:

કુલ્લો શયઇન્ હાલેકુન્ ઇલ્લા મન્ અખઝ તરીકલ્ હક્કે

દરેક ચીજ હલાક થવાવાળી છે, સિવાય તેના જેણે હક્કના રસ્તાને અપનાવ્યો.

(તૌહીદ, શૈખે સદુક(અ.ર.), પાના: 149, હદીસ: 2)

અને હકનો રસ્તો કયો છે? હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની ઇતાઅત અને ફરમાંબરદારી જ વજ્હે પરવરદિગાર છે. ઉપરોક્ત આયતે કરીમાની તફસીર હઝરત ઇમામ સાદિક(અ.સ.)એ આ રીતે ફરમાવી:

મન અતલ્લાહ બેમા ઓમેર બેહી મિન તાઅતે મોહમ્મદિન્(સ.અ.વ.) ફ હોવલ્વજ્હો અલ્લઝી લા યહ્લેકો, વ કઝાલેક કાલ મન્ યોતીઇર્ રસૂલ ફકદ્ અતાઅલ્લાહ્

જેણે અલ્લાહની ઇતાઅત, હુક્મ મુજબ કરી તો તેણે મોહમ્મદ(સ.અ.વ.)ની ઇતાઅત કરી. તે જ વજ્હે ખુદા છે, જે હલાક નહી થાય. અને એટલા માટે અલ્લાહ સુબ્હાનહૂએ ઇરશાદ ફરમાવ્યું: જેણે રસૂલ (સ.અ.વ.)ની ઇતાઅત કરી તો જાણે અલ્લાહની ઇતાઅત કરી.

(તૌહીદ, શૈખે સદુક(અ.ર.), પાના: 149, હદીસ: 3)

વજ્હથી મુરાદ એહલેબૈત(અ.મુ.સ.):

ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.) ફરમાવે છે:

નહ્નો વજ્હુલ્લાહે નતકલ્લબો ફીલ્ અર્ઝે બય્ન અઝ્હોરેકુમ્ અરફના મન્ અરફના વ મન્ જહેલના ફ અમામહુલ્ યકીન

અમે અલ્લાહના વજ્હ છીએ, જે તમારી દરમિયાન જમીન પર આવતા જતા રહીએ છીએ, જેણે અમને ઓળખ્યા તેણે અમને ઓળખ્યા (તેનો સવાબ તેના સ્થાને છે) અને જેણે અમારાથી ગફલત વર્તી તો યકીન (મૌત) તેની સામે છે.

(તૌહીદ, શૈખે સદુક(અ.ર.), પાના: 149, હદીસ: 6)

હવે આ ત્રણેય અર્થોને એક સાથે મેળવીએ તો, મફહૂમ એ છે કે, એહલેબૈત(અ.મુ.સ.)જ વજ્હુલ્લાહ છે. દીને ખુદા પણ તેઓ(અ.મુ.સ.) જ છે અને તેઓ (અ.મુ.સ.) જ હકનો રસ્તો છે. ખય્સમા કહે છે કે મેં ઇમામ સાદિક(અ.સ.)ને આ આયતે કરીમા

કુલ્લો શય્ઇન હાલેકુન્ ઇલ્લા વજ્હહૂ

ના બારામાં સવાલ કર્યો. આપ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:

દીનહૂ વ કાન રસૂલુલ્લાહે(સ.અ.વ.) વ અમીલ મોઅમેનીન(અ.સ.) દીનલ્લાહે વ વજ્હહૂ

વજ્હથી મુરાદ અલ્લાહનો દીન છે અને રસૂલે ખુદા (સ.અ.વ.) અને અમીલ મોઅમેનીન (અ.સ.) અલ્લાહના દીન છે અને તેના  હેરા છે.

(તૌહીદ, શૈખે સદુક(અ.ર.), પાના: 149, હદીસ: 7)

દુઆએ અહદના આ ફકરામાં જે વજ્હે કરીમનો વાસ્તો દેવામાં આવી રહ્યો છે, તેનાથી મુરાદ મોહમ્મદ અને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની પવિત્ર ઝાતો છે અને તેઓ જ અલ્લાહના નૂરાની વજ્હ છે કે જેના વસીલાથી અગર કોઇ દુઆ માંગે તો તેની દુઆ કબુલ થશે.

બીજો શબ્દ ‘મુલ્કેકલ્ કદીર’ છે. (અમુક નુસ્ખાઓમાં ‘મુલ્કેકલ્ કદીમ’ છે.) એટલે તારી શક્તિશાળી મુલ્કીય્યત. અલ્લાહ પોતાના મુલક પર સંપૂર્ણ રીતે કુદરત ધરાવનાર છે. એટલે તે જેને ચાહે મુલ્ક આપે છે અને જેની પાસેથી ચાહે છીનવી લે છે. કુર્આને કરીમમાં ઇરશાદ થાય છે:

કોલિલ્લાહુમ્મ માલેકલ્ મુલ્ક, તુઅતિલ મુલ્ક મન્ તશાઓ વ તન્ઝેઉલ મુલ્ક મિમ્મન્ તશાઓ વ તોઇઝ્ઝો મન્ તશાઓ વ તોઝિલ્લો મન્ તશાઓ બે યદેકલ્ ખય્ર્ ઇન્નક અલા કુલ્લે શય્ઇન્ કદીર

અય મારા હબીબ! તમે કહી દો કે, બારે ઇલાહા! તુ જ મુલ્કનો માલિક છો, જેને ચાહે છે, તેને મુલ્ક આપે છે, અને જેની પાસેથી ચાહે છે છીનવી લે છે, જેને ચાહે તેને ઇઝ્ઝત આપે છે અને જેને ચાહે તેને ઝલીલ કરે છે, તમામ ઇખ્તીયાર તારા હાથમાં છે. ખરેખર! તું દરેક ચીજ પર કુદરત રાખે છે.

(સુરએ આલે ઇમરાન, આયત નંબર: 26)

અલ્લાહે ઇન્સાનોને કુદરત, ઇખ્તીયાર અને તમામ અન્વારે કુદ્સનો માલિક બનાવ્યો, પરંતુ અલ્લાહ તેના પર માલેકીય્યત રાખે છે, તે વધારે માલિક છે, જ્યારે ચાહે ત્યારે છીનવી લે છે. કોઇ ઇન્સાન એવુ વિચારે નહી આ બધી ચીજો તેની પોતાની છે. પરંતુ બધી જ વસ્તુઓ ઉછીની છે, તેની અતા છે. આપણે તેની સામે તુચ્છ ફકીર છીએ. બંદગીનો તકાઝો પણ આ જ છે.

યા હય્યો યા કય્યુમ, અસ્અલોક બિસ્મેકલ્લઝી અશ્રકત્ બેહિસ્સમાવાતો વલ્ અરઝૂન

અલ્લાહની ઝાત એ ઝાત છે, જે જીવંત છે, પરંતુ આ વાત આપના ઉચ્ચ દિમાગોમાં સુરક્ષિત રહે કે, તેની હયાતનો અર્થ આપણી જીંદગીની જેમ નથી, પરંતુ તે આપણી જીંદગીનો ખાલિક અને માલિક છે. આપણને ઇખ્તીયાર નથી કે આપણે તેની હયાતના બારામાં કોઇ વહેમ, ખયાલી અને અકલી સૂરત બનાવીએ. તેના નામો માટે આપણે એવીજ તન્ઝીહ કરવી જોઇએ, જેવી તેની ઝાતના બારામાં આપણે તન્ઝીહ અને તસ્બીહ કરીએ છીએ. બીજા શબ્દોમાં જ્યારે આપણે ખુદાની હયાતના બારામાં ઝિક્ર કરીએ કે: ‘લા મવ્ત ફીહે’ તે હયાત છે, જેની ઝાતમાં મૌત ક્યારેય પસાર થયું નથી.

(અત્તૌહીદ, શૈખે સદુક(અ.ર.) પાના: 138 થી 140 અને 146)

તેની ઝાતમાં મૌતનો તસવ્વુર નથી. જેવી રીતે મખ્લુકાતમાં જીંદગીની સાથે મૌતનો પણ તસવ્વુર જોવા મળે છે, પરંતુ ઝાતે હક્ક મખ્લુકાતની જીંદગી અને મૌતનો ખાલિક છે.

‘યા કય્યુમ’ નો મતલબ એ છે કે આખી કાએનાતને ઉપર નીચે કરી રહ્યો છે. આપણે બધા તેની કુદરતના કબ્ઝામાં છીએ. તમામ મખ્લુકાત (કોઇ પણ જાતના અપવાદ વગર)નો વલી, સરપરસ્ત, રક્ષક, સુધારક અને કુદરત ધરાવનાર તેની ઝાત છે. કોઇ તેની હુકુમત અને સલ્તનતથી ભાગી શક્તુ નથી. બધા તેની સામે વિનમ્ર અને ભયભિત છે.

ત્યાર પછી આપણે અલ્લાહ તઆલાને તેના નામનો વાસ્તો દઇએ છીએ જેના વસીલાથી તમામ આસ્માન અને જમીન પ્રકાશિત છે. ઇસ્મ એટલે નામ અને અલામત. કારણ કે ઇસ્મ વાવ-સીન-મીમ થી બનેલુ છે. જેનો મતલબ થાય છે અલામત. આથી જ્યારે આપણે કહીએ છીએ બિસ્મીલ્લાહ તો તેનો તરજુમો એ છે કે હું પોતાના નફ્સ પર અલામત ગુજારી રહ્યો છું કે હું અલ્લાહની મખ્લુક છું અને તે મારો ખાલિક છે.

ઇમામે રેઝા(અ.સ.) ફરમાવે છે કે . . .

બિસ્મીલ્લાહે અય્ ઇસ્મો નફ્સી બે સીમતીન્ મીન્ સીમાતીલ્લાહે અઝ્ઝ વ જલ્લ વ હોવલ્ ઓબુદીય્યતો કાલ ફ કુલ્તો લહુ મસ્સેમતો કાલલ્ અલામતો

બિસ્મીલ્લાહ એટલે હું અલ્લાહની અલામતોમાંથી એક અલામત પોતાની ઉપર લગાઉ છું અને તે અલામત ઓબુદીય્યત છે

રાવિ કહે છે કે મેં સવાલ કર્યો કે ‘સમહ’ થી મુરાદ શું છે? ઇમામ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું: અલામત

(મઆનીલ અખ્બાર, પાના: 3, હદીસ:1)

અહીં અમુક વાતો બયાન કરવી જરૂરી છે. એક એ કે અસ્મા અને સિફતો પરવરદિગારની ઝાતી નથી બલ્કે ફેઅ્લી છે. ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે કે:

ઇસ્મ મુસમ્માની સિવાય છે, તમામ નામો ગય્લ્લાહ છે

(કાફી, ભાગ:1, પાના: 87, હદીસ: 2)

બીજુ એ કે અલ્લાહના અસ્મા બે પ્રકારના છે એક લફ્ઝી અને બીજા કવ્ની. લફ્ઝી એટલે એ નામો જે અક્ષરોથી મળીને શબ્દો બન્યા છે જેમ કે અલ્લાહ, રેહમાન, રહીમ વિગેરે અને કવ્નીથી મુરાદ અલ્લાહની તમામ મખ્લુક છે જે તેની તરફ નિર્દેશ કરે છે અને તમામ નામોમાં મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) અલ્લાહના ઇસ્મે અઅ્ઝમુલ્ અઅ્ઝમુલ્ અઅ્ઝમ છે કે જેના નૂરથી આ ઇમ્કાનની દુનિયા પ્રકાશિત થઇ છે. દુઆઓમાં આવી જ રીતના વાક્યો મળી આવે છે.

વ અશ્રકતીલ્ અર્ઝો બે નૂરેકુમ્

(બલદુલ અમીન, પાના: 302)

આપના નૂરથી ઝમીન પ્રકાશિત થઇ.

અલ્લાહના કેટલા નામો લફ્ઝી છે?

રિવાયતોની રોશનીમાં અલ્લાહના 4000 નામો લફ્ઝી છે.

જ્યારે અલ્લાહ આપણા વહેમ અને ખ્યાલમાં આવી શકતો નથી, તો તેના નામ રાખવાનો ફાયદો શું? જવાબ એ છે કે આ નામો તેણે પોતે પોતાના માટે પસંદ કયર્િ છે. આ નામોના થકી આપણે તેને પોકારવો જોઇએ. આપણને હક નથી કે આપણે ખુદ આપણી તરફથી તેના માટે કોઇ નામ બનાવીએ. તેણે એ વાતની રજા આપણને આપેલ નથી. તેના તમામ નામો અને સિફતો મવકુફી છે.મવકુફી એટલે આપણને એ વાતનો ઇખ્તેયાર નથી કે આપણે તેના બતાવેલા નામો સિવાય તેના માટે બીજુ નામ ઉપયોગમાં લાવીએ.

અલ્લાહ દરેક કામને એક ખાસ નામની રોશનીમાં અંજામ આપે છે. વિગતવાર માહીતી માટે દોઆએ સેમાતનો અભ્યાસ કરો, જેને જુમ્આના દિવસે અસ્રના સમયે પઢવાની તાકીદ કરવામાં આવી છે.

વ બે ઇસ્મેકલ્લઝી યસ્લહો બેહિલ અવ્વલૂન વલ્ આખેન

અને, આ અસ્માએ અઅ્ઝમના વાસ્તાથી અવ્વલીન અને આખેરીનની સુધારણા થાય છે. એટલે કે તેના માટે દુન્યવી અને ઉખ્રવી કામ્યાબી અને ખુશ નસીબીના સ્ત્રોત હાસિલ કરી શકાય છે.

યા હય્યો કબ્લ્ કુલ્લે હય્યીન્, યા હય્યો(હય્યન્) બઅ્દ કુલ્લે હય્યીન્ હીન લા હય્ય, યા મોહ્યેયલ્ મવ્તા વ મોમીતલ અહ્યાઅ્, યા હય્યો લા એલાહ ઇલ્લા અન્ત

અય તે જીવંત ઝાત જે દરેક જીવંતની પહેલા છે. અય તે જીવંત ઝાત જે દરેક જીવંતની બાદ છે. અય તે જીવંત જ્યારે કોઇ જીવંત ચીજ હતી નહી. અય મુદર્ઓિને જીવંત કરવાવાળા, અય જીવતાઓને મૌત દેવાવાળા, અય તે જીવંત કે જેના સિવાય કોઇ મઅબુદ નથી.

શબ્દ ‘જીંદગી’ અને ‘હયાત’ પર ઉપર ચચર્િ થઇ ચુકી છે. ‘મોહ્યી’ બાબે ઇફઆલનું ઇસ્મે ફાએલ છે, એટલે જીંદગી દેવાવાળો અને ‘મવ્તા’ એ ‘મવ્ત’નું બહુવચન છે, જેનો મતલબ થાય છે ‘મુદર્’િ તે જ રીતે ‘મોમીત’ મોત આપનારો અને તે ઇસ્મે ફાએલ છે અને ‘અહયા’ એ હયનું બહુવચન છે.

જીંદગી અને મૌત દેવાવાળો અલ્લાહ છે. તે જેને ચાહે જ્યારે ચાહે ત્યારે મૌત આપે છે અને જેને માટે જ્યાં સુધી ચાહે જીવંત રાખે, અગર તે ચાહે તો પોતાની હુજ્જતને આગના શોલામાં જીવંત રાખે, અગર તે ચાહે તો પોતાની હુજ્જતને ચોથા આસ્માન ઉપર બોલાવીને જીવંત રાખે, અગર તે ચાહે તો પોતાની હુજ્જતને કુવાના ઉંડાણમાં જીવંત રાખે, અગર તે ચાહે તો પોતાની હુજ્જતને માછલીના પેટમાં જીવંત રાખે, અગર તે ચાહે તો પોતાની હુજ્જતને લોકોની નઝરોથી ઓઝલ ગયબતમાં જીવંત રાખે. યકીનન જીંદગી અતા કરવાવાળો ખુદાવંદે મોતઆલ લાઝવાલ છે.

અફસોસ કે નામના મુસલમાનો ન તો જનાબે ઇબ્રાહીમ(અ.સ.)ના આગમાં જીવતા રહેવા પર શક કરે છે અને ન તો જનાબે ઇસા(અ.સ.)નું આસ્માન પર જીવતા રહેવામાં શક કરે છે. ન જનાબે યુસૂફ(અ.સ.)નું કુવામાં જીવતા રહેવામાં શક કરે છે અને ન જનાબે યુનૂસ (અ.સ.)નું માછલીના પેટમાં જીવતા રહેવામાં કોઇ જાતની શંકા કરે છે. હાં, અગર કોઇની જીંદગી પર વાંધો છે, તો તે એ પવિત્ર જાતની જીંદગી પર છે, જે આ જમીન પર અલ્લાહની આખરી હુજ્જત છે, જે ‘યમ્લઉલ્ અર્ઝ કિસ્તંવ્ વ અદ્લા’ના મિસ્દાક છે, જે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના બારમાં જાનશીન છે, એટલે કે હઝરત ઇમામ મહદી(અ.ત.ફ.શ.) કે જેમની ગયબત અને ઝુહૂરનો ઝિક્ર કુર્આનમાં હદીસમાં જોવા મળે છે.

અહીં અમે એ મહત્વના મુદ્દા તરફ ધ્યાન કેન્દ્રીત કરવા ચાહીએ છીએ કે, હકીકતમાં ઇમામે ઝમાના (અ.સ.)ની જીંદગી પર વિરોધ કરવો એ ખુદાવંદે આલમની કુદરતનો વિરોધ કરવા બરાબર છે.

આપણે ખુદાવંદે આલમની બારગાહમાં દુઆ કરીએ કે પરવરદિગાર તને તારી આખરી હુજ્જત ઇમામ મહદી (અ.સ.)ના મુકદ્દસ વુજૂદનો વાસ્તો, અમને આવા ફિત્નાથી ભરપૂર ઝમાનામાં હઝરત ઇમામ મહદી (અ.સ.)ની ઇમામતના અકીદા પર સાબિત કદમ રાખજે અને ઇસ્લામના દુશ્મનોએ પૈદા કરેલ શંકા-કુશંકાઓથી સુરક્ષિત રાખજે. આમી રબ્બલ આલમી. . . .

(બાકી વધુ ઇન્શાઅલ્લાહ આવતા અંકોમાં … …)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *