ત્રીજા નાએબે ખાસ જનાબ હુસયન બિન રવ્હ નવબખ્તી
વાંચકો ! અલ મુન્તઝરના 15 શઅબાનુલ મુઅઝઝમ 1421 ના વિશેષ અંકમા નયાબતની જરૂરત, 1422 ના વિશેષ અંકમાં નાએબે ખાસ જનાબ ઉસ્માન બીન સઇદ અમરવી અને વિશેષ અંક 1423માં બીજા નાએબે ખાસ મોહમ્મદ બીન ઉસ્માન બની સઇદ અમરવીના જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડી ચૂક્યા છીએ અને હવે આ અંકમાં ત્રીજા નાએબે ખાસ જનાબ હુસયન બીન રવ્હ નવબખ્તી (રહેમતુલ્લાહે અલયહે) ના જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડીએ છીએ.
નામ : હુસયન
કુન્નીયત : અબુલ કાસિમ
પિતાનું નામ : રવ્હ
દાદાનું નામ : અબી બહર
ખાનદાન : નવબખ્ત
આ રીતે આપ અબુલ કાસિમ હુસયન બીન રવ્હ બની બહર નવબખ્તીના નામે ઓળખવામાં આવે છે. આપના જન્મની તારીખ ઇતિહાસના પુસ્તકોમાં નોંધવામાં આવેલ નથી.
વંશવેલો :
ઇતિહાસકારોએ લખ્યું છે કે અબુ સોહયલ ઇસ્માઇલ બીન અલી પછી નવબખ્તીના કુટુંબમાં સૌથી વધુ મશહુર માણસ અબુલ કાસિમ હુસયન બીન રવ્હ બીન અબી બહર છે. અને તેમની શોહરતનો મુખ્ય સ્ત્રોત તેમનું દીની સ્થાન અને હોદ્દો છે. તેમને શીયાઓ દરમીયાન હઝરત કાએમ (અ.સ.) ના ચાર નવ્વાબોમાંથી એક નવ્વાબ ગણવામાં આવે છે.
(પઝવહશી પીરામુન, ઝીન્દગાનીએ નવ્વાબે ખાસે ઇ.ઝમાના અ., પા. 233)
શયખ તુસી (રહ.) એ તેમની કિતાબ રેજાલમાં હુસયન બની રવ્હની કોઇ ચર્ચા કરી નથી. અને તેમના અનુસરણમાં શરૂઆતની સદીઓના વિદ્વાન ઇતિહાસકારોએ પણ આપના જીવન ઉપર કોઇ પ્રકાશ પાડેલ નથી. વર્તમાન વિદ્વાનોએ માત્ર આપના નામથી જ સંતોષ માન્યો છે. પરંતુ શયખ તુસી (રહ.) તેમની કિતાબ ‘અલ ગયબ’ માં આપના બારામાં ઘણી હદીસો નકલ કરી છે. જેમાં આપના જીવનના જુદા જુદા પાસાઓ વણી લેવામાં આવ્યા છે.
ઇબ્ને શહરે આશુબે હુસયન બની રવ્હને ઇમામ અસ્કરી (અ.સ.) ના ખાસ અસહાબમાં ગણાવ્યા છે.
(ઝીન્દગાની નવ્વાબે ખાસ, પા. 234, નકલ અઝ મનાકેબ, 423/4)
મરહમ ઇકબાલે તેમની કિતાબ “ખાનદાને નવબખ્તી ના પાના 214 ઉપર ઇબ્ને શહરે આશુબની માન્યતાને સ્વિકારી છે જ્યારે ડો. જાસીમે તેમની કિતાબ ‘તારીખે સીયાસી એ ગયબતે ઇમામે દવાઝ દહુમ (અ.સ.)’ માં આ માન્યતાને રદ કરી છે.
હુસયન બીન રવ્હ – બીજા નાયબના જમાનામાં
મશહુર એ છે કે આપ ઇમામ હસને અસ્કરી (અ.સ.) ના અસહાબોમાંથી હતા. અને બીજા નાયબ મોહમ્મદ બીન ઉસ્માન (રીઝવાનુલ્લાહે અલયહ) ના નયાબતના જમાનામાં આપ તેમના નિકટના કાર્યકર્તા હતા. બીજા નાયબની પાસે આપનું સ્થાન અને દરજ્જો એટલા ઉંચા હતા કે બીજા નાએબે, ઇમામીયાના રઇસોને જુદા જુદા તબક્કાઓમાં વહેંચણી કર્યા પછી હુસયન બીન રવ્હને પ્રથમ દરજ્જાનું સ્થાન આપ્યું હતું અને બધા રઇસોમાં હુસયન બીન રવ્હ તે પહેલા માણસ હતા, જેમને આપે પોતાની સાથે મુલાકાતની પરવાનગી આપી દીધી હતી.
નોંધ : જે વાત હાલના તબક્કે પ્રકાશમાં આવે છે તે એ છે કે ખાસ નાએબો અસાધારણ ચપળતા ધરાવતા હતા અને જે કળ વકળથી કામ લેતા હતા. તેથી ઇમામે ઝમાના (અ.સ.) ના રહેણાંકના સ્થાનને દુશ્મનો સામે ક્યારે પણ જાહેર થવા ન દીધું. આ બાબત એક અસાધારણ આવડતનું સૂચન કરે છે. કારણ કે ગયબતે સુગરા એક કે બે વરસનો સમયગાળો નથી. બલ્કે સાત દાયકાઓ સુધીનો છે. આ લાંબા સમયગાળામાં ઇમામે ઝમાના (અ.સ.) સાથે સતત સંપર્ક જાળવી રાખવો અને લોકોના પ્રશ્ર્નોને ઇમામ સુધી પહોંચાડવા અને તેઓના પ્રશ્ર્નોના ઉકેલ તેઓને સોંપવા, આ લેવડ દેવડમાં લોકોને એ બાબતનો દઢાગ્રહ રહેતો હશે કે અમને કેમ મળતા નથી ? અમે મળવા માગીએ છીએ. વાંચકો ! તમે જાતે એ વાત ઉપર વિચાર કરો. જો આપણે કોઇ ચીજને છુપાવવા માગીએ, જ્યારે બીજા લોકોને એ ખબર હોય કે ચીજ છુપાવી દીધી છે અને અમે એ જાણીએ છીએ અને પછી લોકો જીદ ઉપર જીદ કર્યા કરે કે તેનું ઠેકાણું બતાવો, તો થોડાક દિવસો તો આપણે તેને છુપાવી શકશું, રાળી ટાળી શકશું પરંતુ વર્ષોના વર્ષો નહિ. આની ઉપરથી અંદાજ કરી શકાય છે કે મઅસુમ ઇમામોએ નાએબોને કેવી રીતે કેળવ્યા હશે.
જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (રહ.) એ આપને પોતાની અને બગદાદના વકીલોની વચ્ચે સંપર્ક ગોઠવી રાખ્યો હતો. હુસયન બીન રવ્હ આ બધી બાબતોની સાથે સાથે બીજા નાએબનાજ જમાનામાં ખાસ હેતુના કારણે બની અબ્બાસના દરબારમાં પણ અસાધારણ અસર અને પહોંચ ધરાવતા હતા. જેના પરિણામે હુકુમત તરફથી આપને મદદ પણ મળતી હતી. આ અંગે નીચે દર્શાવેલ પ્રસંગો ઉપર ધ્યાન આપીએ.
(1) મરહુમ શયખ સદ્દુક (અ.ર.) એ અબુ મોહમ્મદહસન બીન મોહમ્મદ બીન યહ્યા અલવીથી નકલ કરી છે કે અબુલ હસન અલી બીન અહમદ બીન અલી અકીકી સન 298 હિજરીમાં બગદાદ આવ્યા અને અલી બીન ઇસા બીન જર્રાહ, જે કે તે સમયે હુકુમતમાં વઝીરના હોદ્દા ઉપર હતા, તેમની સાથે મુલાકાત કરી જેથી પોતાની સંપત્તિના અનુસંધાનમાં પુછપરછ કરે અને પોતાની માંગણી અને જરૂરીયાતોની વજીર પાસે માંગણી કરે. વઝીરે કહ્યું : આ શહેરમાં તમારા ઘણા સગા છે. જો તેઓમાંથી દરેકે માંગણી કરી અને જો અમે દરેકને આપીએ તો પહોંચી નહિ વળીએ અને આ મામલાનો નિકાલ નહિ કરી શકીએ. અકીકીએ વઝીરને જવાબમાં કહ્યું હું મારી હાજત તેની પાસે માગી રહ્યો છું જેના થકી મુશ્કીલ હલ થઇ શકે છે. અલી બીન મુસાએ પુછ્યું : ‘તે કોણ છે ?’ તેમણે કહ્યું : ખુદાવન્દે અઝઝ વજલ. આટલું કહીને તે ગુસ્સામાં બહાર નીકળી ગયા. અકીકી કહ્યા કરતા હતા કે હું ગુસ્સામાં બહાર આવ્યો અને કહી રહ્યો હતો : ખુદાવન્દે આલમ દરેક આપત્તીમાં સબર આપી રહે છે. અને દરેક મુસીબતને દૂર કરી દે છે. આ કહીને હું ત્યાંથી બહાર નીકળી ગયો. પછી હુસયન બીન રવ્હનો સંદેશો લઇને એક કાસિદ મારી પાસે આવ્યો. મેં તેને વઝીરની ફરિયાદ કરી અને તેણે પણ એજ ફરિયાદ હુસયન બીન રવ્હને કરી. બીજી વખત એજ કાસિદ મારી પાસે આવ્યો અને મારા માટે સો દીરહમ લઇને આવ્યો. તે બધા ગણ્યા અને વજન કર્યો અને એક રૂમાલ, અને થોડી માત્રામાં હનુત અને થોડાક કફન મને આપ્યા અને કહ્યું : તમારા સરવર અને આકાએ તમને સલામ મોકલ્યા છે અને કહ્યું છે : જ્યારે કોઇ મુશ્કેલી કે દુ:ખ તમારી ઉપર આવે ત્યારે આ રૂમાલ તમારા ચહેરા ઉપર ફેરવશો. આ રૂમાલ તમારા આકાનો રૂમાલ છે. આ રકમ, હનુત અને કફનને તમારી સાથે લઇ જાવ. જાણી લો કે આજની રાત્રે તમારી માગણી પૂરી થઇ જશે. અને તેની સાથે આ પણ કહ્યું જ્યારે તમે મીસ્ર પહોંચશો ત્યારે મોહમ્મદ બીન ઇસ્માઇલ તમારાથી દસ દિવસ પહેલા મૃત્યુ પામશે અને દસ દિવસ પછી તમે પણ આ દુનિયાથી વિદાય લેશો. આ કફન અને હનુત તમારા માટે છે. મેં તે લઇ લીધા અને તે કાસિદ ચાલ્યો ગયો. અચાનક મેં મને ખુદને મારા ઘરના દરવાજાના દિવાની પાસે જોયો. તે સમયે દરવાજા પાસેથી અવાજ આવ્યો. મેં મારા ગુલામને પુછ્યું: બધું બરાબર છે ને ? જુઓ કોણ છે ? તે ગયો અને કહ્યું બધું ઠીક છે. વઝીરના કાકાના દિકરા હમીદ બીન મોહમ્મદ કાતીબનો ગુલામ છે. તેને મારી પાસે લાવ્યો. તેણે મને કહ્યું : વઝીરે આપને બોલાવ્યા છે અને મારા માલિક હમીદે કહ્યું છે કે મારી પાસે ચાલ્યા આવો. હું પણ સવાર થયો અને ચાલ્યો જ્યારે વઝઝાનીનની શેરીમાં પહોંચ્યો ત્યારે હમીદને જોયો કે તે મારી રાહ જોતો બેઠો હતો. જ્યારે તેણે મને જોયો ત્યારે તે આવ્યો અને મુસાફેહા પછી અમે લોકો ફરી સવાર થયા અને વઝીરના ઘરે પહોંચ્યા. વઝીરે મને કહ્યું : એ બુઢ્ઢા શખ્સ ! ખુદાએ તમારી હાજતને પૂરી કરી. પછી મારી માફી માગી અને થોડા સીલ બંધ કાગળો (મિલ્કતના દસ્તાવેજ) મને આપ્યા. હું તે લઇને બહાર આવી ગયો.
(કમાલુદ્દીન, પ્ર. તૌકીઆત, હ. 36)
નોંધ : આ પ્રસંગ ઉપરથી હુસયન બીન રવ્હની અસર અને પ્રતિભા દેખાઇ આવે છે. આ પ્રસંગ ઉપરથી એ પણ જણાય છે કે હિજરી 298 માં મોહમ્મદ બીન ઉસ્માનના નયાબતના સાત વરસ બાકી હતા. હજી તો હુસયન બીન રવ્હ ઇમામના નાએબ પણ નહોતા થયા, તે છતાં ગેબી ખબરો ઇમામ (અ.સ.) તરફથી આપને પહોંચતી હતી.
જનાબ હુસયન બીન રવ્હની પસંદગી
જનાબ મોહમ્મદ બીન ઉસ્માને પોતાના મૃત્યું પહેલા બે કે ત્રણ વરસ પહેલાથી જ અમૂક શીયાઓ કે જેઓ સહેમે ઇમામ કે બીજી રકમો લઇને આવતા હતા, તેઓને હુસયન બીન રવ્હ નૌબખ્તી તરફ રજુ થવાનું કહેતા એટલે કે તેમની નયાબતના માટે ઇમામે ઝમાના (અ.સ.) ની તરફથી પૂર્વ ભુમિકા બાંધી રહ્યા હતા. જે લોકો આ બાબતમાં શંકા કરતા તેઓને કહેતા, આ ઇમામે ઝમાના (અ.સ.) નો હુકમ છે. આવી ઘણી હદીસો કિતાબોમાંથી મળે છે. અહિં એક હદીસ નકલ કરીએ છીએ.
મોહમ્મદ બીન અલી અસવદ કહે છે : અમૂક માલ જે વકફ કરવામાં આવ્યા હતા તે મારા સુધી પહોંચ્યા હતા. જે મોહમ્મદ બીન ઉસ્માનની પાસે લઇ જતો હતો. તે મારી પાસેથી લઇ લેતા હતા. એક વખત તેમની જીંદગીના છેલ્લા દિવસોમાં અમૂક માલ લઇને તેમની પાસે પહોંચ્યો, પરંતુ તેમણે હુકમ આપ્યો કે તે હુસયન બીન રવ્હને હવાલે કરી દો. મેં પણ તે માલ તેમના હવાલે કરી દીધો. અને તેમની પાસે રસીદ માગી.
હુસયન બીન રવ્હે જ્યારે આ બારામાં મોહમ્મદ બીન ઉસ્માનને ફરિયાદ કરી ત્યારે તેમણે હુકમ આપ્યો કે માલની રસીદની માગણી તેમની પાસે ન કરો અને કહ્યું જે કાંઇ માલ અબુલ કાસિમ હુસયન બીન રવહને આપવામાં આવે છે તે મને આપવા બરાબર છે. ત્યાર પછી જ્યારે પણ માલ હુસયની બીન રવ્હ પાસે લઇ ગયો, તેમની પાસેથી રસીદની માગણી ન કરી.
(કમાલુદ્દીન, પ્ર. તવકીઆત, હ. 28)
આવીજ રીતે એક પ્રસંગ અબુ અબ્દુલ્લાહ જઅફર બીન મોહમ્મદ મદાઇ જે ‘ઇબ્ને કઝદા’ ના નામે ઓળખાય છે, તેમનાથી નકલ થયો છે જે શયખ તુસી (અ.ર.) એ ‘અલગયબા’ પા. 367 ઉપર લખ્યો છે.
મોહમ્મદ બીન ઉસ્માને હુસયન બીન રવ્હને પોતાના ઉત્તરાધિકારી નક્કી કરતી વખતે ઘણી કાળજીપૂર્વક કામ લીધું. ક્યારેક વ્યક્તિગત રીતે ક્યારેક નિખાલસ શીયાઓના મજમામાં તો ક્યારેક વકીલોને નયાબતની વાત કરી. તેનું કારણ સ્પષ્ટ છે કારણ કે હુસયન બીન રવ્હના બારામાં ઇમામો (અ.સ.) તરફથી તેમની વિશ્ર્વાસપાત્રતા અને અમાનતદારીની કોઇ સનદ દલીલ તરીકે સાદર ન્હોતી થઇ. બગદાદના વકીલો અને ખાસ કે આમ શીયાઓને કોઇ એવો ખ્યાલ પણ ન્હોતો કે હુસયન બીન રવ્હ ઉત્તારધિકારી તરીકે પસંદગી પામશે. તેથી મોહમ્મદ બીન ઉસ્માને ઇમામે ઝમાના (અ.સ.) તરફથી હુસયન બીન રવ્હની નયાબતને બયાન કરવાની દરેક તક ઝડપી લીધી.
જઅફર બીન મોહમ્મદ ઇબ્ને કવલવીયા કુમ્મી ફરમાવે છે : અમારા ઉસ્તાદ કહેતા કે અમને એ વાતમાં શંકા ન હતી કે જ્યારે મોહમ્મદ બીન ઉસ્માન મૃત્યું પામશે, ત્યારે જઅફર બીન અહમદ બીન મુત્તીલ અથવા તેમના પિતાની સિવાય તેમની જગ્યા કોઇ નહિ લે કારણ કે તેમનામાં મોહમ્મદ બીન ઉસ્માનના ગુણો હતા અને અમે એ પણ જાણતા હતા કે તેઓ કેવી રીતે તેમના ઘરે સમય પસાર કરતા હતા. ત્યાં સુધી કે મોહમ્મદ બીન ઉસ્માન તેમની ઉમરના છેલ્લા દિવસોમાં માત્ર જઅફર મત્તીલ અને તેમના પિતાના ઘરેથી તૈયાર કરેલો ખોરાક જ લેતા હતા. અથવા તો ખુદ જઅફર બીન મત્તીલ અથવા તેમના પિતાના ઘરે ચાલ્યા જતા હતા અને ત્યાંજ જમી લેતા હતા. ખાસ શીયાઓમાં જરાપણ શંકા ન હતી કે જો કોઇ ઘટના મોહમ્મદ બીન ઉસ્માન સાથે ઘટે તો પોતાની વસીયત મુજબ જઅફર બીન મુત્તીલને પોતાના વારસદાર બનાવશે. પરંતુ જ્યારે જોયું કે તેમણે અબુલ કાસિમ હુસયન બીન રવ્હને માટે વસીયત કરી તો સૌ કબુલ થઇ ગયા અને તેમને મોહમ્મદ બીન ઉસ્માનના વારસદાર તરીકે સ્વિકાર્યા અને મોહમ્મદ બીન ઉસમાનની જેમ તેમની સાથે વર્તાવ કર્યો . અને મોહમ્મદ બીન જઅફર બીન મુત્તીલે પણ જીવતા રહ્યા ત્યાં સુધી મોહમ્મદ બીન ઉસ્માનના સમયની જેમ તેમની નયાબતની વ્યવસ્થામાં કામ કરતા રહ્યા.
આ છે ઇમામે ઝમાના અલયહિસ્સલામના નિખાલસ મદદગારોનો ગુણ કે વ્યક્તિના બદલાઇ જવાથી કામગીરીમાં કમી નથી થતી.
જઅફર બીન મોહમ્મદ ઇબ્ને કવલવીયાએ કુમ્મી કહે છે : પછી જે માણસ હુસયન બીન રવ્હને ખરાબ કહે તેણે મોહમ્મદ બીન ઉસ્માનને ખરાબ કહ્યા અને જેણે તેઓને ખરાબ કહ્યા તેણે હકીકતમાં ઇમામે ઝમાના (અ.સ.) ને ખરાબ કહ્યા અને તે હઝરત ઉપર દોષારોપણ કર્યું.
(ઝીન્દગાની એ નવ્વાબે ખાસ, પા. 243)
ઉપરની હદીસો ઉપર વિચાર કરવામાં આવે તો જણાશે કે મોહમ્મદ બીન ઉસ્માનના અમૂક વકીલો હુસયન બીન રવ્હની સરખામણીમાંતેમની વધુ નજદિક હતા. જાહેર રીતે તે લોકોની સાથે આપ મળતા હળતા હતા. અને હુસયન બીન રવ્હ સાથેનો જાહેર સંપર્ક ઘણો ઓછો દેખાતો હતો. તેથી આ વાત વધારે જાણીતી હતી કે તે લોકોમાંથી કોઇ વારસદાર થશે. અગાઉની હદીસોથી એ પણ જાણ્યું કે મોહમ્મદ બીન ઉસ્માનના સમયગાળામાં જ નયાબત હુસયન બીન રવ્હ તરફ બદલાઇ રહી હતી. પરંતુ આ વધારે મશહુર ન હતું. તેથી એમ જણાયું છે કે હુસયન બીન રવ્હ, મોહમ્મદ બીન ઉસ્માન (બીજા બધા કરતા) સાથે જાહેરમાં નજદિક ન હોવા છતાં વારસદાર માટે મશહુર હતા.
અબુ અલી મોહમ્મદ બીન હમાલા કહે છે કે મોહમ્મદ બીન ઉસ્માન (ર.અ.) એ પોતાના મૃત્યુના પહેલાં બુઝુર્ગો અને શીયાના રઇસોને ભેગા કર્યા અને કહ્યું : જો હું મરણ પામું તો મારા વારસદાર હુસયન બીન નવબખ્તી છે. મને આ વાતનો હુકમ આપવામાં આવ્યો છે કે હું મારી જગ્યા ઉપર તેમની નિમણૂંક કરૂં, તેથી તમે પણ તેમની તરફ રજુ થાવ અને તમારા કામોમાં તેમની ઉપર વિશ્ર્વાસ કરો.
(બેહાર. 51/355)
હુસયન બીન રવ્હને પહેલી તવકીઅ
અબુલ અબ્બાસ બીન નુહ કહે છે કે મોહમ્મદ બીન નફીસે અહવાઝથી પત્ર લખ્યો હતો. મેં પત્રમાં લખેલું જોયું. પહેલી તવકીઅ જે હુસયન બીન રવ્હના બારામાં ઇમામે ઝમાના અલયહિસ્સલામ તરફથી આવી તે આ રીતે હતી.
“અમે તેમને (હુસયન બીન રવ્હને) ઓળખીએ છીએ. ખુદાવન્દે આલમ તેની બધી ખુબીઓ અને ખુશનુદીઓ તેમને પહોંચાડે અને તેમને પોતાની તૌફીકોથી ભરપૂર કરી દે. તેમના પત્રથી અમે જાણ્યું અને તેઓ અમારી નજદિક વિશ્ર્વાસપાત્ર અને સંતોષકારક વ્યક્તિ છે. અમારી નજદિક તેમની મહત્વતા છે. જે તેમને ખુશ કરે ખુદાવન્દે આલમ પોતાના એહસાન અને નેકીનો તેમના ઉપર વધારો કરે.
(શયખતુસી કૃત અલગયબા, પા. 372, હ. – 344)
આ તવકીઅ રવિવારના દિવસે શવ્વાલની છઠ્ઠી રાત પસાર થયા પછી હિજરી સન 305 ના પહોંચી છે.
ઇમામે ઝમાના (અ.સ.) ની તરફથી હુસયન બીન રવ્હને નયાબતની જવાબદારી મળવાનું કારણ આ રીતે કહેવામાં આવ્યું છે.
(1) વફાદારી અને હોશીયારી, ધીરજ અને સહનશીલતા અને આ બધાથી વધુ મહત્વની તેમની નિખાલસતા તેમના વારસદાર થવા માટેનું કારણ હતું. આ ખાસ રાજકીય પરિસ્થિતીમાં આ ગુણોની સખત જરૂરત હતી, નહિ તો વિરોધીઓ અને ઇર્ષ્યાળુઓનો સામનો કરવો નિશ્ર્ચિત હતો. ઘણા વિદ્વાનો અને પરહેઝગારો મૌજુદ હતા અને લોકોની નજરો પણ તે લોકો ઉપર હતી.
(2) શીયા અને સુન્ની બન્ને પ્રકારના લોકોમાં આપનું સૌથી વધુ બુદ્ધિશાળી હોવું, બીજું આપના દોસ્તો અને દુશ્મનો દરેકને વશ કરી લીધા હતા. તેથી શયખ તુસી (રહ.) ને જે છેલ્લી તવકીઅ ઇમામે ઝમાના (અ.સ.) ની તરફથી હુસયન બની રવ્હના મારફતે મળી તેમાં લખેલું હતું :
وَ كَانَ أَبُو الْقَاسِمِ رَحِمَهُ اللَّهُ مِنْ أَعْقَلِ النَّاسِ عِنْدَ الْمُخَالِفِ وَ الْمُوَافِقِ وَ يَسْتَعْمِلُ التَّقِيَّةَ
(અલ ગયબા, 384)
“અબુલ કાસિમ (રહ.) વિરોધીઓ અને તરફદારોમાં સૌથી વધુ બુદ્ધિશાળી છે અને તેમની કાર્ય પદ્ધતિ તકય્યા છે.
આપના તકય્યાની ઘણી દાસ્તાનો છે. મરહમ શયખ તુસી (રહ.) એ પોતાની કિતાબ “અલ ગયબહ માં અબુ નસ્ર હેબતુલ્લાહ બીન મોહમ્મદ મારફતે ઇબ્ને યસાર (જે વજીર હતા) મુકતદીર બીલ્લાહ અબ્બાસીના ઘરમાં હુસયન બીન રવ્હની હાજરીમાં 5 સુન્ની આલીમોની વચ્ચે આ ચર્ચા થઇ રહી હતી. તેમાનાં એકનું કહેવું હતું કે પયગમ્બર અકરમ (સ.અ.વ.) ની પછી સૌથી વધુ અફઝલ અબુ બક્ર છે. પછી અલી બીજાનું કહેવું હતું કે અલી સૌથી વધુ અફઝલ હતા.
હુસયન બીન રવ્હે આ પ્રશ્ર્નનો ઉકેલ કરી આપ્યો. અલબત વખતની આવશ્યકતા મુજબ ઉકેલ લાવ્યા. અને તે રીતે શીયાઓનું રક્ષણ કર્યું. ત્યાં બેઠેલા લોકો હુસયન બીન રવ્હના જબરદસ્ત ટેકેદાર બની ગયા.
(3) આપની પસંદગીનું એક કારણ એ પણ દર્શાવવામાં આવે છે કે શક્ય હતું કે વિરોધીઓ મોહમ્મદ બની ઉસમાન ઉપર શંકા કુશંકા કરે કે પોતાની નજદિક હતા તેથી ચુંટી લીધા અને એ કહેતે કે મોહમ્મદ બીન ઉસ્માનની અંગત પસંદગી છે, ઇમામે ઝમાના (અ.સ.) સાથે કોઇ સબંધ નથી. (એ વાત અમે લખી ચૂક્યા છીએ કે ખરેખર તો હુસયન બીન રવ્હ, મોહમ્મદ બીન ઉસ્માનની ઘણા નજદિક હતા. પરંતુ જાહેરમાં બીજા નવ વકીલ તેમની વધુ નજદિક દેખાતા હતા.) (ઝીન્દગાની એ નવ્વાબે ખાસ, પા. 252)
નાયબ તરીકે કામની શરૂઆત
મોહમ્મદ બીન ઉસ્માનના મૃત્યું પછી તેમની વસીયત મુજબ અબુલ કાસિમ હુસયન બીન રવ્હ નવબખ્તી ત્રીજા નાયબ થયાની એક પ્રણાલિકા ગત મજલીસ “દારૂલ નયાબા બગદાદમાં યોજાઇ. તેમાં શીયાના બુઝુર્ગ અને નામાંકિત વ્યક્તિઓ અને ઓલમા હુસયન બીન રવ્હની સાથે ભેગા થયા. આ પ્રસંગની સય્યદ ઇબ્ને તાઉસે مُھَجُ الدَّعوَات માં આ રીતે નોંધ કરી છે.
“જ્યારે શયખ અબુ જઅફર મોહમ્મદ બીન ઉસ્માન અમ્રી (રહ.) મૃત્યું પામ્યા અને નયાબતની ફરજમાંથી મૂક્ત થયા, ત્યારે શયખ અબુલ કાસિમ હુસયન બીન રવ્હ બીન અબી બહર, મોહમ્મદ બીન ઉસ્માનના ઘરે ગયા. મોહમ્મદ બીન ઉસ્માનના નોકર ‘ઝકાએ’ તેમના સામાનને આપના હવાલે કર્યો. તે સામાન નીચે મુજબ હતો :
1. થોડા લખેલા કાગળોનું બંડલ
2. લાકડી
3. લાકડાની રંગ કરેલી પેટી
નોકરે આ વસ્તુઓ હુસયન બીન રવ્હને દેખાડી તેમણે તે પોતાના હવાલે લઇ લીધી અને મોહમ્મદ બીન ઉસ્માનના વારસદારોને કહ્યું : આ લખેલા કાગળોમાં ઇમામો (અ.સ.) ની બે અમાનતો લખેલી છે. અને તે આપે ખોલી અને દેખાડ્યું તો તેમાં ઇમામો (અ.સ.) ની દોઆઓ અને કુનુત લખેલા હતા. વારસોએ તે છોડી દીધી એન કહ્યું : ખાત્રીપૂર્વક આ પેટીમાં સોનુ અને જવેરાત છે. હુસયન બીન રવ્હે કહ્યું : શું આ પેટીને વેચશો? તે લોકોએ કહ્યું : કેટલી કિંમત આપશો ? હુસયન બીન રવ્હે અબુલ હસન એટલે ઇબ્ને શબીબ કોશારીને કહ્યું : આ લોકોને દસ દિરહમ આપી દો. તે લોકો રાજી ન થયા. હુસયન બીન રવ્હ વધારતા ગયા અને સો દિરહમ સુધી પહોંચ્યા. તેમ છતાં પણ તેઓ સંમત ન થયા ત્યારે કહ્યું કે જો તમે આટલી રકમમાં ન વેચશો તો પસ્તાશો. તે લોકો સંમત થઇ ગયા અને સો દિનાર લઇ લીધા. હુસયન બીન રવ્હે લાકડી અન તુમારને (કાગળના બંડલને) જુદા કર્યા અને પેટીને પોતે ઉપાડી લીધી. જ્યારે પેટીનો પ્રશ્ર્ન પતી ગયો, ત્યારે આપે કહ્યું : આ લાકડી અબી મોહમ્મદ હસન અસ્કરી (અ.સ.) ની છે. જેને આપે શયખ ઉસ્માન બીન સઇદને વકીલ બનાવતી વખતે અને વસીયત કરતી વખતે તેમને હવાલે કરી હતી. તે હજી સુધી મૌજુદ છે. હવે રહ્યો સવાલ આ પેટીનો તેમાં ઇમામો (અ.સ.) ની વિંટીઓ છે. આ વીંટીઓ જુદા જ ગુણો ધરાવતી હતી. બહાર કાઢીને તે લોકોને દેખાડી,
(ઝીન્દગાની એ નવ્વાબે ખાસ, પા. 252 થી 54)
રિવાયતોથી સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે હુસયન બીન રવ્હનો ઇમામે ઝમાના (અ.સ.) ના એલચી તરીકેનો જમાનો પહેલા અને બીજા એલચીની સરખામણીમાં શીયાઓની દરમ્યાન ઘણો તેજસ્વી રહ્યો અને એજ કારણથી કદાચ ઘણી વ્યક્તિઓ પોતાના જીલ્લાના વકીલો મારફતે સંપર્ક કરવાને બદલે સીધાજ હુસયન બીન રવ્હનો સંપર્ક સાધતા. આપની પહેલાના જમાનાઓમાં આજુબાજુના લોકોના વિરોધ વધુ જોવામાં આવે છે. પરંતુ આપના જમાનામાં ઘણો ઓછો વિરોધ થયો.
નયાબતનો ઇન્કાર
હિ. સન 307 માં મોહમ્મદ બીન ફઝલ મવસુલીએ આપની નયાબતનો ઇન્કાર કર્યો પરંતુ હસન બીન અલી વજનાઅના માર્ગદર્શન અને હુસયન બીન રવ્હના અમૂક કાર્યોને જોઇને તૌબા કરી લીધી.
એક વાતની ચર્ચા અહિં જરૂરી છે કે અમૂક લોકોએ હસન વજનાઅ અંગે લખ્યું છે કે આપ હુસયન બીન રવ્હની વકાલત અને નયાબતનો ઇન્કાર કરતા હતા. આપનું નામ પણ અમૂક લોકોએ હસન બીન અલી વજનાઅ અને અમૂકે હુસયન લખ્યું છે.
આ અનુસંધાનમાં મરહમ આયતુલ્લાહુલ ઓઝમા આકાએ ખૂઇ (ર.અ.) એ તેમની કિતાબ મોઅજમુર્રેજાલ, અલ-હદીસ, ભાગ-5, પા. 130 ઉપર તેમનું નામ આ રીતે લખેલું છે.
અબુ મોહમ્મદ હસન બીન મોહમ્મદ વજનાઅ નસીબી. આપે ઇમામ હસન અસ્કરી (અ.સ.) પાસેથી હદીસ નકલ કરી છે. અને ઇમામે ઝમાના (અ.સ.) સાથે મુલાકાત પણ કરી છે
શયખ તૂસી (રહ.) એ આપને હુસયન બીન રવ્હનો બચાવ કરનારા કહ્યા છે. હસન વજનાઅ નસીબીનના ઇલાકામાં હુસયન બીન રવ્હના વકીલ હતા અને મીસરના લોકો માટે પણ આપજ પત્ર વ્યવહાર કરતા હતા. આ જ રીતે કાસિમ બીન અલાઅ અને તેમના બે મિત્રો અબુ હામિદ ઇમરાન બીન મુફલી અને અબુ અલી હજદર આઝરબાઇજાનમાં અને મોહમ્મદ બીન જઅફર અસદી હિ. સન 312 સુધી ‘રય’ શહેરમાં અને મોહમ્મદ બીન હસન સયરફી બલખમાં હુસયન બીન રવ્હ અને લોકોની દરમ્યાન સંપર્ક રાખવાનું કામ કરતા હતા.
(તારીખે સિયાસી – ગયબતે ઇમામે દવાઝદહુમ, પા. 196-98)
રાજકીય પાસુ
હુસયન બીન રવ્હ, મુક્તદીર અબ્બાસીના જમાનામાં (હિ. 295 થી 320) માં રાજ્યના વઝીર અને વહીવટદારની નજદિક માન ભર્યું સ્થાન ધરાવતા હતા. પરંતુ મુક્તદીરના સમયમાં જ આપને કેદ પણ કરવામાં આવ્યા. મુકતદીર ઘણી નાની ઉમરે ખલીફા બન્યો હતો. તેના વઝીરોમાં જ્યાં સુધી ફુરાતના ખાનદાનના લોકો ચાલુ હતા, ત્યાં સુધી હુસયન બીન રવ્હની વહીવટમાં ઘણી બધી દખલગીરી રહી. પરંતુ હામીદ બીન અબ્બાસ જે છેલ્લી કક્ષાનો ચારિત્ર્યહીન અને તુંડમિજાજી હતો, એટલી હદે કે ગુસ્સામાં આવીને ગાળો આપતો હતો, જ્યારે તે વઝીર બન્યો ત્યારે તેણે આલે ફુરાતને ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેઓની આજુબાજુમાં જે શીયા હતા તેઓને પણ કેદખાનાની મુસીબતો સહન કરવી પડતી. તેઓમાં હુસયન બીન રવ્હ પણ ત્રાસ ભોગવીને પરેશાન થયા. આ અત્યાચારની મુદ્દત જમાદીયુલ આખર હિ. 306 થી રબીયુલ આખર હિ. 311 સુધી રહી. એટલે લગભગ પાંચ વરસ. આ પાંચ વરસની મુદ્દતમાં હુસયન બીન રવ્હે સંતાઇને જીવન પસાર કર્યું. જાહેર જીવનમાં આપની કોઇ કામગીરી ન હતી. હામીદ બીન અબ્બાસને હોદ્દા ઉપરથી ઉતારી પાડવા પછી ફરી શીયા માટેની પરિસ્થિતી સુધરી અને હુસયન બીન રવ્હે ફરી જાહેર જીવનમાં કામગીરી શરૂ કરી. પરંતુ હિ. 312 માં હુકમતે આપની ધરડપકડ કરી. ઇતિહાસકારો આ ધરપકડના બે કારણો આપે છે.
(1) હુસયન બીન રવ્હ ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો કે આપનો સબંધ કરામતા સાથે છે. આપને અબુ તાહેર કરામતીએ પત્ર લખ્યો છે અને આમંત્રણ આપ્યું છે કે તે બગદાદ આવે અને બગદાદની કિલ્લેબંધી કરે. (અબુ તાહેરે બગદાદના હાજીઓ ઉપર હુમલો કર્યો હતો. અને તેઓને કેદ કરી લીધા હતા. આ હાજીઓમાં ખલીફા મુકતદીરના થોડા સગાઓ પણ હતા.)
(2) બીજો આક્ષેપ એ કરવામાં આવ્યો હતો કે લોકો તેમને પોતાનો માલ હવાલે કરી દે છે અને એ બધો માલ તે પોતાના કબ્જામાં લઇ લે છે. અમૂક લોકોએ એ પણ લખ્યું છે કે હુકુમત તેમની પાસે અમૂક માલની માગણી કરી રહી હતી જે આપ અદા ન કરી શક્યા.
હુસયન બીન રવ્હની ઝીલહજ હિ. 312 માં ફરી ધરપકડ કરવામાં આવી અને મોહર્રમ હિ. 317 માં કેદથી આઝાદ કરવામાં આવ્યા.
ત્યાર પછી સંપૂર્ણ સન્માનપૂર્વક બગદાદમાં પોતાના કામોમાં મશગુલ થઇ ગયા. આપના માટે પરિસ્થિતિ એટલા માટે પણ અનુકુળ બની ગઇ કે નવબખ્તના કુટુંબમાંથી અબુ યઅકુબ ઇસ્હાક બીન ઇસ્માઇલ (હિ. 322 માં કતલ કરવામાં આવ્યા.) અબુલ હસન અલી બીન અબ્બાસ (244-324) અબુ અબ્દુલ્લાહ હુસયન બીન અલી નવબખ્તી (મૃત્યુ – 326) હુકુમતમાં મોટા હોદ્દાઓ ઉપર બિરાજમાન હતા.
ઇલ્મી દરજ્જો
જેનો સીધો સંપર્ક હુજ્જતે ખુદા સાથે હોય અને હુજ્જતે ખુદાએ જેને પોતાની મહેરબાની, બખ્શીશ અને ફઝલો કરમથી નવાજ્યા હોય તેમના ઇલ્મના દરજ્જા વિશે શું કહી શકાય ?
મોહમ્મદ બીન ઇબ્રાહીમ બીન ઇસ્હાક તાલેકાની (રહ.) એ જ્યારે અલી બીન ઇસા કસરીનો સવાલ જે હુસયન બીન રવ્હને પૂછ્યો હતો કે ઇમામ હુસયન (અ.સ.) ખુદાના વલી હતા ? અને તેમનો કાતીલ ખુદાનો દુશ્મન હતો ? ત્યારે આપના સાબિતી સાથેના જવાબ પછી સવાલ કર્યો હતો, શું એ સાચું છે કે ખુદા પોતાના દુશ્મનને વલી ઉપર જીત અપાવે ? આ સવાલોના જવાબો સાંભળીને મોહમ્મદ બીન ઇબ્રાહીમ બીન ઇસ્હાકને શંકા થઇ. બીજા દિવસે જ્યારે હુસયન બીન રવ્હ પાસે આવ્યા, ત્યારે મોહમ્મદ બીન ઇબ્રાહીમના પૂછ્યા વગરજ આપે કહ્યું :
એ મોહમ્મદ બીન ઇબ્રાહીમ ! જો હું આસમાનમાંથી પડું અને પક્ષીઓનો કોળીયો બની જાઉં તો હું એ વાતને વધુ સારી ગણું છું તે વાતથી કે મારા મતથી અથવા પોતાના તરફથી ખુદાના દીનના બારામાં કાંઇ કહું. જે કાંઇ જવાબ મેં આપ્યો હતો તેનું મૂળ હુજ્જતે ખુદા છે. મેં તે હુજ્જતે ખુદા પાસેથી સાંભળ્યું છે.
(ઇસ્બાતુલ હોદ્દા, 1/117, હ. – 168)
હુસયન બીન રવ્હે જે જવાબ આપ્યો હતો તેનો ખુલાસો એ છે કે ખુદા જાહેરમાં લોકો સાથે વાત નથી કરતો જે રીતે આપણે વાતો કરીએ છીએ. બલ્કે નબીઓ જે માણસના સ્વરૂપે આવ્યા, તેઓની મારફતે વાત કરે છે. તેઓને મોઅજીઝા અતા કર્યા, જે રજુ કરવાથી બીજા લોકો લાચાર હતા. તેમ છતાં અમૂક લોકો ઇમાન લાવ્યા અમૂક ન લાવ્યા. એટલે નબીઓ ક્યારેક સફળ તો ક્યારેક અસફળ થતા હતા. મુસીબતો અને બલાઓમાં સપડાતા હતા. જો ખુદા દરેક બાબત ઉપર નબીઓને સફળ બનાવતે તો લોકો તેઓનેજ ખુદા માનવા લાગતે. પછી ધીરજ, આફત અને કસોટીનો કાંઇ અર્થ ન રહેતે. એટલા માટે જ ખુદાએ તેઓને માનવી હોવાની સાથે સાથે એ ખુબીઓથી નવાજ્યા જેથી તેઓ મુસીબતો અને આફતોની પકડમાં સપડાય તો ધીરજ ધરે અને સારા સમયમાં અને દુશ્મનો ઉપર કાબુ મેળવવાના પ્રસંગોએ ખુદાનો આભાર માને અને દરેક સ્થિતિમાં સમતુલિત રહે. બળવા અને જો હુકમીથી દૂર રહે. જેથી લોકો એ સમજી શકે કે ખુદા છે, સર્જનહાર છે અને દરેક હુકમમાં તેની યોજના હોય છે.
(ઝીન્દગાની નવ્વાબે ખાસ, પા. 265)
આપનો ઇલ્મી દરજ્જો કેટલો હતો, તે જાણવા માટે હદીસની કિતાબોનો અભ્યાસ કરવો જોઇએ. જેમ કે શયખ તુસી (રહ.) કૃત અલ ગયબાના પાના 390 હદીસ 356, પાના.378 હ. 346 અને પાના 373 હ. 345 શયખ સદ્દુક (રહ.) કૃત કમાલુદ્દીન ભાગ – 2, પાના. 519, હદીસ 48, અલ્લામા મજલીસી કૃત બેહારૂલ અન્વાર, ભાગ-53, પા. 192, હદીસ 20. (બેહારના આ ભાગનો અને કમાલુદ્દીનનો ઉર્દૂ તરજુમો થએલ છે.)
ખુદાવન્દે આલમે જો તક આપી અને જીંદગી રહી તો ઇન્શાઅલ્લાહ હવે પછીના અંકમાં આ વિષય ઉપર જુદો લેખ રજુ કરશું.
કરામતો અને ગેબી વાતો
અસંખ્ય પ્રસંગો અને દાસ્તાનો મૌજુદ છે. તેમાંથી માત્ર બે જોઇએ.
(1) હુસયન બીન અલી બાબવય (શયખ સદ્દુક રહ.ના ભાઇ) એ નકલ કરી છે કે તે વરસે (હિ. 311) અમારા શહેર કુમથી એક જુથ (જેની ઉપર કરામતાએ હુમલો કર્યો હતો) હજ માટે રવાના થઇ રહ્યું હતું. તેથી મારા વાલીદે (અલી બીન બાબવયાએ) એક પત્ર અબુલ કાસિમ હુસયન બીન રવ્હને લખ્યો કે જે ઇમામે ઝમાના (અ.સ.) ની બારગાહમાં રજુ કરી દે અને આ વરસે બયતુલ્લાહની હજની પરવાનગી મેળવી લે. ઇમામે ઝમાના (અ.સ.) ની તરફથી આ મુજબના લખાણની સાથે જવાબ આવ્યો. “આ વરસે હજ ઉપર ન જાવ. મારા વલીદે બીજો પત્ર લખ્યો ! મારા ઉપર હજ વાજીબ છે. શું જાએઝ છે કે વિલંબ કરૂં ? જવાબ આવ્યો “જો જવાનું રોકી શક્તા નથી તો છેલ્લા કાફલાની સાથે જાવ.
મારા વાલીદ છેલ્લા કાફલાની સાથે રવાના થયા અને બચી ગયા પહેલા ગએલો કાફલો હલાક થઇ ગયો.
(બેહાર, 51/293, હ. 1)
અહમદ બીન ઇસ્હાકે કુમ્મીએ જ્યારે આપની મારફતે હજ કરવા જવાની પરવાનગી માગી તો હુસયન બીન રવ્હે પરવાનગી આપી અને સાથે એક કપડું પણ મોકલ્યું. અહમદ બીન ઇસ્હાકે જોયું અને કહ્યું કે આ તો મારા મરવાની ખબર છે. અને હજથી પાછા ફરતી વખતે હલવાન નામના સ્થળ ઉપર આપ મૃત્યુ પામ્યા.
(બેહાર, 51/306, હ. 21)
હુસયન બીન રવ્હની વફાત
આપ હિ. 305 માં નયાબતના હોદ્દા ઉપર બિરાજમાન થયા અને હિ. 326 માં આ ફાની દુનિયા છોડીને કૂચ કરી ગયા. આ રીતે આપની નયાબતની મુદ્દત આશરે 21 વરસ થાય છે. પરંતુ જો બે ત્રણ વરસની તે મુદ્દતને ભેળવી દેવામાં આવે કે જે આપે મોહમ્મદ બીન ઉસ્માનના જીવન દરમ્યાન વકીલાતની જવાબદારી સંભાળી હતી તો કુલ મળીને 23 વરસથી વધુ જ થશે.
આપની કબર બગદાદમાં ‘નૌ બખ્તીયા’ માં અલી બીન અહમદ નૌ બખ્તીના મકાનના દરવાજા ઉપર આવેલ છે. આપની વફાત બુધવાર 18 શાબાન 326 હિ.સ.માં થઇ.
આજે પણ આપની કબર બગદાદમાં તે જ જગ્યાએ આવેલી છે. પરંતુ હવે એ જગ્યાને ‘સવકુલ અત્તારીન’ કહે છે.
ઝવ્વારો કાઝમૈનની ઝીયારતના મોકા ઉપર ઇમામે ઝમાના (અ.સ.) ના આ મહાન નાયબની ઝીયારતને ભુલી ન જાય. આજકાલ ઝીયારતની ટૂરવાળા બગદાદની ટ્રાફીક વ્યવસ્થાની કડકાઇના કારણે આ ઝીયારતને ધ્યાન બહાર કરી દે છે. પરંતુ જો જુમ્આના દિવસે આ ઝીયારત ગોઠવવામાં આવે તો સહેલું છે. કારણ કે તે દિવસે બગદાદમાં રજાનો દિવસ હોય છે.
Comments (0)