કરબલાના શહીદો પર અફસોસ અને વિલાપ

કરબલાની હૃદયદ્રાવક ઘટના આજ સુધી શીયાઓની મહેફીલો અને મજલીસો માટે ઝળહળતો પ્રકાશ બની રહી છે અને શીયા સમાજ માટે સદીઓથી એક ભવ્ય પરિબળ અને પ્રેરક બનીને પેઢી દર પેઢી કેળવણી પુરી પાડી રહી છે અને ભવિષ્યમાં પણ આજ રીતે મહેફીલો, મજલીસો અને ઇસ્લામી સમાજને હિદાયતનું નૂર પહોંચાડતી રહેશે.

મરહુમ મીર અલી અનીસે ખૂબ સુંદર રીતે કહ્યું છે :

“હર વક્ત ગમે શાહે ઝમન તાઝા હય

હર ફસ્લમેં દાગોં કા ચમન તાઝા હય

શીયોં કે દિલોં કે સાથ હય દર્દે અઝા

જબ દેખીયે યે ઝખ્મે કોહન તાઝા હય.

દુનિયામાં આવી ઘટના આ પહેલાં ન ક્યારેય બની હતી કે ન ભવિષ્યમાં ક્યારેય બનશે. આવું કેમ છે ? તેનો જવાબ શું છે, એ હમણાં આપણો વિષય નથી. અલ મુન્તઝર ના જુદા જુદા અંકોમાં તેની સ્પષ્ટતા થતી રહી છે અને ઇ.અ. હવે પછી પણ થતી રહેશે.

આ લેખનો મૂળ વિષય એક કિતાબની ઓળખાણ આપવો છે. જે કરબલાની લોહીભીની ઘટનાનો શ્રેષ્ઠ ચિતાર છે. આ કિતાબનું નામ એ જ છે જે આ લેખનું શિર્ષક છે. “અલ્લોહુફો અલા કત્લીત્ તોફુફ’ આ કિતાબ સાતમી સદીના શીયા જગતના સ્તંભ એવા માનનીય આલીમ, ઉમદા મઅરેફત ધરાવનાર, પરહેઝગાર અને સ્ત્રોત સય્યદ રઝીયુદ્દીન અલી બીન મુસા બીન જઅફર બીન મોહમ્મદ બીન તાઉસે હિલ્લી જે સય્યદ ઇબ્ને તાઉસ તરીકે જાણીતા છે. આપનું મૃત્યુ હિજરીસન ૬૬૪માં થયું. આપની ગણના સાતમી સદી હિજરીના મહાન આલીમો અને બુદ્ધિકૌશલ્યથી ભરપુર શીયા લેખકો અને સંપાદકોમાં થાય છે.

સય્યદ ઇબ્ને તાઉસનું ખાનદાન ઇલ્મ અને નેતૃત્વ ધરાવનાર ખાનદાન છે. આપના ખાનદાનના સભ્યો ફઝીલત, સદ્ગુણો અને પરહેઝગારીથી ભરપૂર છે. પરંતુ આ ખાનદાનની બે પ્રતિભાઓ ખાનદાનની બીજી બધી વ્યક્તિઓથી જુદી અને ઝળહળિત  છે.

પહેલા સય્યદ એહમદ બીન મુસા બીન જઅફર બીન તાઉસ તફસીરે શવાહેદુલ કુરઆન (મૃત્યુ હિ. સન ૬૭૩)ના લેખક અને નાના ભાઇ છે.

બીજા સય્યદ રઝીયુદ્દીન સૈયદ અલી બીન મુસા જે સય્યદ ઇબ્ને તાઉસ તરીકે ઓળખાય છે. એટલે કે મોટા ભાઇ, જેમણે કિતાબ “લોહુફ’ લખી છે.

આ બન્ને ભાઇઓના જીવન, ઇસ્લામની દુનિયાના ખિદમત ગુઝાર બે ભાઇઓ સય્યદ મુરતુઝા ઇલ્મુલ હોદા અને સય્યદ રઝી, નહજુલ બલાગાહના તફસીરકાર અને સંપાદકથી ઘણે અંશે મળતા આવે છે.

ફીકહ અને ફિકાહત, સાહિત્ય અને સાહિત્યશાસ્ત્ર, નેતૃત્વતા અને પરહેઝગારીમાં તેમની કોઇ જોડ ન હતી.

અલ મુન્તઝર શઅબાનુલ મોઅઝઝમ હિ.સ. ૧૪૨૭ના અંકમાં સય્યદ ઇબ્ને તાઉસ (અ.ર.)નું ખાનદાન, તેમનો રૂહાની મરતબો, તેમનો ઇમામે ઝમાના (અ.સ.) સાથેનો રૂહાની સંપર્ક, તેમની ઇમામે ઝમાના (અ.સ.) માટે દોઆ કરવાની ખાસ પદ્ધતિ અને તેમની ઉપર હઝરત હુજ્જત (અ.સ.)ની ખાસ દૃષ્ટિ, આ બધા વિષયો ઉપરનો એક લેખ “ઇમામે વક્ત ઔર સય્યદ ઇબ્ને તાઉસ (ર.અ.)ના શિર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવેલ છે. વાંચકો આ લેખનો અભ્યાસ કરી શકે છે.

અલ લોહુફ ક્યા સમૂહમાં?

આ લેખ એક પુસ્તકની ઓળખાણ કરાવવા માગે છે તેથી પ્રથમ એ જાણવું જરૂરી છે કે આ પુસ્તક ક્યા સમૂહમાં આવે છે. શિર્ષકનો સંદર્ભ શું છે?

ઇસ્લામી દુનિયામાં જુદા જુદા વિષયો છે, જેમકે ઇતિહાસ, તફસીર, ફીકહ, અખ્લાક, હદીસો, સામાજીક સંબંધો, રેજાલ વિગેરે. તેવી જ રીતે એક વિષય મકાતીલ અને મકતલ (કત્લગાહ) પરનું લખાણ પણ છે. આ વિષયનું મૂળ હાર્દ કરબલાની ઘટના છે. મુસલમાનોએ અને ખાસ કરીને શીયાઓએ આ ઘટના બની ત્યારથી એટલે કે શરૂઆતથીજ તેના મહત્ત્વને દૃષ્ટિ સમક્ષ રાખીને કરબલાની ઘટનાને ખાસ દૃષ્ટિથી લખી છે.

સન ૬૧ હીજરીમાં બનેલી આ ઘટનાને સાડા તેરસો વરસથી પણ વધુ સમય પસાર થઇ ચૂક્યો છે. પરંતુ દરેક યુગમાં આ ઘટના તાજી જ બની હોય તેમ દેખાય છે.

મકતલના લખાણના નિષ્ણાંત ઇતિહાસકારો આ પ્રસંગને આજે પણ લેખો અને પંક્તિઓમાં લખતા રહે છે. તેમજ સામાન્ય રીતે શીયા ઝાકીરો અને વક્તાઓના વિષયનો અંત કરબલાનો પ્રસંગ કે ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતના ઝીક્ર ઉપર થાય છે. જેનો સ્ત્રોત આ જ મકતલની કિતાબો છે. તેથી મકતલની કિતાબોનું ઘણું મહત્ત્વ છે.

મકતલના રાવિ કોણ?

સૌથી પહેલું સચોટ મકતલ જે ઇમામ હુસૈન (અ.સ.) અને તેમના સાથીદારો અને જાનની કુરબાની આપી દેનારાઓની શાનમાં આવ્યું તે ઘણું જ વિશ્ર્વસનીય અને આધારભૂત છે. આ મકતલ એ લોકો પાસેથી આવ્યું છે જે આ ઘટનાને નજરે જોનાર સાક્ષી હતા અને તે દૃશ્યોના ખરેખરા જોનાર હતા. આ દૃશ્યો તે ઝમાનાના લોકોના દિલો અને કિતાબો ઉપર એક પછી એક અંક્તિ થતા ગયા. શહાદત પછી તરતજ અને ખાસ કરીને હિજરી ૬૫ થી ૭૨ દરમ્યાન જ્યારે તવ્વાબીન પોતાના કરતૂતો ઉપર પસ્તાવા લાગ્યા ત્યારે આ મકતલ તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયું.

આ ઉપરાંત જે મકતલ સૌથી વધુ વિશ્ર્વાસપાત્ર અને આધારભૂત છે તે ઇમામ સય્યદુસ્સાજેદીન ઝયનુલ આબેદીન (અ.સ.) અને તેમના ફુઇ, શુરવીરબાનુ અને વક્તા હઝરત ઝયનબે કુબરા, ઇમામ હુસૈન (અ.સ.)ના બહેન તેમજ કરબલામાં મૌજુદ આ ખાનદાને ઇસ્મતની બીજી વ્યક્તિઓ જેમકે જનાબે ઉમ્મે કુલસુમ અને જનાબે સુક્યના વિગેરેના મુખેથી વર્ણવવામાં આવ્યું છે.

ઇમામ સજ્જાદ (અ.સ.) થકી જે સાચું અને વાસ્તવિક મકતલ રજુ થયું છે તે દિલ ઉપર એક ખાસ અસર ઉભી કરે છે અને દીલ ધરાવનાર લોકોને સ્પર્ષી જાય છે. ઇમામ સજ્જાદ (અ.સ.) થકી નોંધ થએલ મકતલની સરખામણી બીજા કોઇ મકતલ સાથે થઇ શક્તી નથી. જેમકે ઇમામ (અ.સ.)નું આ કહેવું :

“હું તેનો પુત્ર છું જે કરબલાની જમીન ઉપર તરસ્યા ઝબહ કરવામાં આવ્યા.

અથવા આપનું આમ કહેવું :

“આ હુસૈને મઝલુમની કબ્ર છે જે તરસ્યા શહીદ થયા છે.

અથવા આપ મદીનામાં દાખલ થયા ત્યારે આપનું આ કહેવું કે :

“અય લોકો! ખરેખર ખુદા છે જેના માટે પ્રસંશા અને વખાણ છે. જેણે મહાન મુસીબત અને ઇસ્લામમાં એક મોટી તિરાડ પડી જવાથી અમારી કસોટી કરી. અબુ અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.) અને તેમના કુટુંબને કતલ કરવામાં આવ્યા. તેમની સ્ત્રીઓને બંદીવાન બનાવી દેવામાં આવી અને તેઓના પવિત્ર માથાઓને ભાલાની અણી ઉપર શહેરોમાં ફેરવવામાં આવ્યા અને આ એવી મુસીબત છે જેની કોઇ જોડ અને ઉદાહરણ નથી.

(લોહુફ – સય્યદ ઇબ્ને તાઉસ કૃત : પાના નં. ૨૨૨)

પછી ઇમામ સજ્જાદ (અ.સ.)એ ખૂબ જ આશ્ર્ચર્યકારક અને અજોડ, અજીબ અને પહેલાં ક્યારેય ન સાંભળ્યા હોય તેવા જુમ્લાઓ કહ્યા જે અઝાદારીના દુશ્મનો અને રૂદન અને માતમનો વિરોધ કરનારાઓને લાચાર બનાવી દે છે. ઇમામ (અ.સ.)એ માનવની તે પ્રકૃતિની તરફ ધ્યાન દોર્યું છે જે મુસીબતમાં રડ્યા વગર રહી શકતી નથી. એ જુદી વાત છે કે યઝીદીય્યતના ઝંડા લહેરાવનારાઓએ તેઓની આ પ્રકૃત્તિને ગફલતના જાડા પરદા હેઠળ છુપાવી દીધી છે.

આપ (અ.સ.) ફરમાવે છે :

“અય લોકો! તમારામાંથી કોણ એવું છે કે જે આ મુસીબતના બનાવ પછી ખુશ થાય? અને એવું ક્યું દિલ હશે જે તેના કારણે ગમગીન ન થાય? અને એવી કઇ આંખ છે જે આંસુ વહાવવાથી પોતાની જાતને રોકી લે?

(લોહુફ : પાના નં. ૨૨૨)

સૃષ્ટિનું રૂદન :

તે પછી ઇમામ (અ.સ.) ફરમાવે છે

“પછી સાત આસમાન ઇમામ હુસૈન (અ.સ.)ના કત્લ થવા ઉપર રડ્યા અને દરિયાએ તેના મોજાઓ સમેત રૂદન કર્યું અને આસમાને તેના સ્તંભોની સાથે આંસુ વહાવ્યા. જમીન તેની સરહદોની સાથે, ઝાડો તેની ડાળીઓ સાથે, દરિયાના મોજાઓ, દરીયામાં રહેનારી માછલીઓ, મુકર્રબ ફરીશ્તાઓ અને આસમાનમાં રહેનારાઓ સૌ આ મુસીબતમાં અઝાદાર બન્યા.

(લોહુફ, પાના નં. : ૨૨૨)

ઇમામ સજ્જાદ (અ.સ.) ને સાંભળ્યા પછી જનાબે ઝયનબ (સ.અ.)ના પ્રવચનો ઉપર દૃષ્ટિ ફેરવવામાં આવે તો દિલ ટૂકડે ટૂકડા થઇ જાય છે. જૂઓ જનાબે ઝયનબ (સ.અ.)નું ઇમામ હુસૈન (અ.સ.)ની લાશ ઉપરનું રૂદન:

“યા મોહમ્મદા! અય જદ્દે બુઝુર્ગવાર! આપ ઉપર હંમેશા ફરિશ્તાઓના દુરૂદ અને સલામ થાય. આ આપના હુસૈન (અ.સ.) ખુલ્લા શરીરે પોતાના લોહીમાં લથપથ છે. તેમના અંગ ઉપાંગો એક બીજાથી જુદા થઇ ગયા છે અને આ આપની દિકરીઓ છે જેને બંદીવાન બનાવી દેવામાં આવી છે.

(લોહુફ, પાના નં. ૧૫૦)

“અય જદ્દે બુઝુર્ગવાર! આપના હુસૈન કરબલાની જમીન  ઉપર ખુલ્લા અને કપડા વગરના પડ્યા છે અને સવારનો પવન તેમના શરીર ઉપર માટીનો છંટકાવ કરી રહી છે.

(લોહુફ, પાના નં. ૧૫૦)

આવી જ રીતે જનાબે ઉમ્મે કુલ્સુમ અને જનાબે સુકયના અને અન્ય હાજર રહેલાઓની વેદનાનું વર્ણન છે. લોહુફમાં આ દૃશ્યોને જોઇ શકાય છે.

બીજો તબક્કો :

બીજા તબક્કામાં જે લોકોએ મકતલ રજુ કર્યું છે તેઓ આ ઘટનાના નજરે જોનાર સાક્ષી નથી. પરંતુ આ વાસ્તવિક ઘટનાને ઇતિહાસકારો, આલીમો અને વિદ્વાનોની સનદો સાથે રજુ કર્યું છે.

મરહુમ અલ્લામા તેહરાનીએ તેમની મશ્હૂર કિતાબ “અઝ્ઝરીઅતો એલા તસાનીફીશ્શીઅહ’ ભાગ – ૨૨, પાના નં. ૨૦ થી ૩૦ ઉપર ૬૫ મકતલોની ચર્ચા કરી છે. આ જ કિતાબના બીજા ભાગમાં પણ આશરે આટલી જ સંખ્યાની જાણકારી મળે છે. આ રીતે માત્ર શીયા આલીમો અને ઇતિહાસકારો એ લખેલી મકતલોની સંખ્યા ૧૩૦ છે. પરંતુ આ સંખ્યા માત્ર મરહુમ અલ્લામા તેહરાનીનું સંશોધન છે. જ્યારે કે મકતલોની સંખ્યા આ કરતાં ઘણી વધુ છે. કારણકે એહલેબય્ત (અ.સ.)થી મોહબ્બત ધરાવનાર દરેક આલીમ કરબલાના શહીદોની બારગાહમાં પોતાની લાગણી વ્યક્ત કરવાની તમન્ના રાખે છે અને આ ક્ષેત્રમાં થોડું – જાજું પણ કામ કરવા ઇચ્છે છે. તેથી મકતલોની સંખ્યા નક્કી કરવી તે માત્ર મુશ્કેલ જ નહિં બલ્કે અશક્ય છે.

શરૂઆતના મશ્હૂર મકતલો :

ઇસ્લામી શાસનના શરૂઆતના સમયમાં પહેલી સદીના બીજા ભાગમાં કરબલાની ઘટના બની. તેથી તે જ સમયથી મકતલની કિતાબો લખાઇ રહી છે. થોડી કિતાબોના નામો નીચે મુજબ છે.

૧.      મકતલે અસબગ બીન નબાતા મજાશઇ : આપની ગણના ઇમામ અલી (અ.સ.)ના ખાસ સાથીદારોમાં થાય છે. તેમની વય સો વરસથી વધારે હતી. હીજરીની પહેલી સદીમાં આપ મૃત્યુ પામ્યા.

૨.      મકતલે જાબીર બીન યઝીદ જોઅફી : (મૃત્યુ ૧૨૮ હિજરી) આપે તફસીરે કુરઆન “મઅરૂફ’ પણ લખી છે.

૩.      મકતલે અબી મખનફ લુત બીન યહ્યા બીન સઇદે અઝદી : (મૃત્યુ ૧૫૭ હીજરી)

૪.      મકતલે નસ્ર બીન મઝાહીમ મુનકર બીન અત્તાર: (મૃત્યુ ૨૧૨ હીજરી)

૫.      મકતલે અબી ઇસ્હાક ઇબ્રાહીમ બીન ઇસ્હાક નહાવન્દી બીજી સદી હીજરીના સમયમાં.

૬.      મકતલે ઇબ્ને ઇસ્હાકે સકફી : (મૃત્યુ ૨૮૩ હીજરી)

૭.      મકતલે યઅકુબ જે ઇબ્ને વાઝેહ તરીકે મશહૂર છે : આપે ઇતિહાસનું પુસ્તક પણ લખ્યું છે જે “તારીખે યઅકુબી’ના નામથી મશ્હૂર છે.

૮.      મકતલે જલુદી. લેખક : અબ્દુલ અઝીઝ બીન યહ્યા જલુદી (મૃત્યુ ૩૩૨ હિજરી) આપે ઘણા પુસ્તકો લખ્યા છે. આપની ગણના મુખ્તારનામા અને મકતલ લખનારાઓમાં થાય છે.

૯.      મકતલે શયખે સદ્દુક : (મૃત્યુ ૩૮૦ હિજરી) શયખે સદ્દુકે તેમની કિતાબ “ખેસાલ’માં તેની ચર્ચા કરી છે.

૧૦.     મકતલે ખ્વારઝમી મોવફફક ઇબ્ને અહમદ (મૃત્યુ ૪૬૮ હિજરી) આપે ફીકાહ અને હદીસની કિતાબોનું સંપાદન પણ કરેલ છે.

લોહુફના સંપાદક :

“લોહુફ’ના સંપાદકનો ઉલ્લેખ આ જ લેખની શરૂઆતમાં કરવામાં આવ્યો છે. અહિં સય્યદ ઇબ્ને તાઉસ (ર.અ.)ના બારામાં થોડી વધુ બાબતો વર્ણવીએ છીએ.

જે હદીસકારો અને રિવાયતકારોથી આપે ફાયદો હાસીલ કર્યો છે તેઓના નામો તેમણે જાતે આ રીતે વર્ણવ્યા છે.

૧.      શયખ હુસૈન બીન મોહમ્મદ સુરાવી

૨.      શયખ અબુલ હસન બીન યહ્યા અલ હન્નાત

૩.      શયખ અબુ અસ્સઆદાત અસઅદ બીન અબ્દુલ કાદીર ઇસ્ફહાની

૪.      શયખ નજીબુદ્દીન ઇબ્ને નોમા

૫.      સય્યદ શમ્સુદ્દીન ફખ્ખાર બીન મઅદ મુસવી

૬.      શયખ તાજુદ્દીન  હસન બીન દુર્રબી વિગેરે.

આપના શિષ્યોની પણ એક લાંબી યાદી છે. થોડા મશ્હૂર શાગીર્દોના નામ આ મુજબ છે.

૧.      શયખ સદીદુદ્દીન બીન યુસુફ બીન અલી મઝહર (અલ્લામા હીલ્લી (રહ.)ના પિતા)

૨.      શયખ જમાલુદ્દીન યુસુફ બીન હાતીમે શામી

૩.      આયતુલ્લાહુલ કુબરા જમાલુદ્દીન હસન બીન યુસુફ બીન મુતહહર (જે અલ્લામા હિલ્લીના નામથી જાણીતા છે)

૪.      સય્યદ ગયાતુદ્દીન અબ્દુલ કરીમ બીન અહમદ બીન તાઉસ.

તેમના સંપાદનો :

લેખન અને સંપાદન ક્ષેત્રમાં તેઓ એક ખૂબજ સફળ અને ઘણા લાભદાયક લેખક હતા. તેમના પુસ્તકોની સંખ્યા ૬૦ થી વધુ છે. અહિં સંક્ષિપ્તમાં ૧૪ નામો લખવામાં આવે છે.

૧.      અત્તરાએફ : આ પુસ્તક અલી (અ.સ.)ની વિલાયતની સાબિતીમાં લખવામાં આવ્યું છે. તેનો ફારસી તરજુમો પણ મૌજુદ છે.

૨.      અદએયતુસ્સાઆત

૩.      અસરારૂદ્અવાત લેકઝાઇલ હાજાત

૪.      અલ ઇકબાલો લેસાલેહુલ અઅમાલે

૫.      અલ અમાનો મીન અખ્તારીલ અસફારે વલ અઝમાન

૬.      અલ અન્વારૂલ બાહેરહ ફી ઇન્તેસારી ત્તાહેરહ (અ.સ.)

૭.      રબીઉશ શીઅહ

૮.      તફસીરો સઅદીસ્સઉદ

૯.      સુલતાનુલ વરા લે સક્કાનીસ્સરા ફી કઝાઇસ સલાતે અનીલ અમ્વાત (ફીકહ)

૧૦.     મીસ્બાહુઝ ઝાએર વ જનાહુલ મોસાફીર

૧૧.     અલ લોહુફ

૧૨.     કશ્ફુલ બહજ્જતે લે સમરતુલ મોહજ્જ્જહ

૧૩.     જમાલુલ ઉસ્બુઅ

૧૪.     મોહાસેબતુલ મલાએકત આખેરે કુલ્લે યવ્મ.

દોઆ અને ઝિયારતનો સ્ત્રોત

સય્યદ ઇબ્ને તાઉસ (ર.અ.)ના પુસ્તકોની ટૂંકી યાદી જોઇ. પરંતુ અમે અહિં એહલેબયત (અ.સ.)ના મોહીબ્બોનું ધ્યાન એક ખાસ મુદ્દા તરફ દોરવા માગીએ છીએ કે શીયા જગતમાં સય્યદ ઇબ્ને તાઉસ (ર.અ.)ની પછી જે કોઇ દોઆઓની કિતાબો લખવામાં આવી તેમાં મોટા ભાગના હવાલા તેમની કિતાબોથી લેવામાં આવ્યા છે અને તેમાં તેમની મશ્હૂર કિતાબ મોહજ્જુદ દઅવાતનું નામ સૌથી મોખરે છે. મફાતીહુલ જીનાન, વઝાએફુલ અબરાર કે તોહફતુલ અવામ, આ બધી કિતાબોમાં મોટા ભાગની દોઆઓ મોહજ્જુદ દઅવાત, જમાલુલ ઉસ્બુઅ, મિસ્બાહુઝ ઝાએર અથવા અલ ઇકબાલ વિગેરેથી લેવામાં આવી છે તેથી આ કિતાબોને દોઆઓનો સ્ત્રોત કહી શકાય છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *