ગૈબતે સુગરાના ઝમાનામાં હઝરત વલીએ – અસ્ર (અ.જ.) ના વકીલો
હદીસો અને ઇતિહાસ સાક્ષી છે કે હઝરત હુજ્જત (અલ્લાહ એમનો ઝહુર જલ્દી કરે)ની ગૈબતે સુગરાના ઝમાનામાં આપ (ઇમામ અ.સ.)ના ચાર ખાસ નાએબીન (પ્રતિનિધીઓ) સિવાય (જેઓ ‘‘નુવ્વાબે – અરબાઅ’’ના નામથી મશહુર છે.) પણ વકીલો હતા જેઓ જુદાં જુદાં શહેરો તથા ગામડાંઓમાં જ્યાં જ્યાં શિયાઓની વસતી હતી ત્યાં ત્યાં નીમવામાં આવ્યા હતા. એ લોકો શિયાઓ અને નાએબીનની દરમિયાન સંપર્ક સાધવા માટે નીમાયેલા હતા.
“નુવ્વાબે અરબાઅ (ચાર ખાસ નાએબીન) (પ્રતિનિધીઓ) અને બીજા વકીલોમાં ફરક ટૂંકમાં બે મહત્વની બાબતો પર છે.
પહેલાં તો એ કે “નાએબે – ખાસ ઇમામ (અ.સ.) ને જાતે રૂબરૂમાં મળતાં હતા. હઝરત મહદી (અ.સ.) ની નજદીકથી ઝિયારત કરી શકતા હતા. શિયાઓના પત્રો, અમેની જરૂરતો અને એમની ચીજ – વસ્તુઓને હઝરત (અ.સ.) ની ખિદમતમાં જાતે પ્રત્યક્ષ પહોંચાડતા હતા અને હઝરત (અ.સ.) પાસેથી પત્રોના જવાબો તેમજ એમનું ખાસ શિક્ષણ તેમજ લોકોને પહોંચાડવાનું જ્ઞાન મેળવીને, લોકો સુધી પહોંચાડતા હતા. જ્યારે વકીલો આમાંના કોઇ અધિકાર નહોતા.
બીજું એ કે આ ‘‘નાએબીને – ખાસની ઝીમ્મેદારીઓમાં ‘દિન’ ની હીફાઝત (ધર્મની રક્ષા) ની સાથે સાથે શિયાઓના પ્રશ્ર્નો તેમજ મુશ્કેલીઓ પર નજર રાખવી, એ પણ જવાબદારી હતી. પછી ભલે એ પોતાના જ શહેર, ગામડાં કે કસ્બામાં હોય કે દૂર વસતા હોય. જ્યારે વકીલો ફક્ત પોતાના જ શહેર અથવા ઇલાકા માટે નીમાયેલા હતા.
બીજું વકીલોને નીમવાનું અગત્યનું કારણ અને એની જાહેર મસ્લેહતથી નીચે પ્રમાણે અર્થ-ઘટન થઇ શકે:
(અ) ‘‘નાએબીને – ખાસ’’ના અગત્યના અને મહત્વનાં કાર્યોને સરળ અને આસાન બનાવવા માટે, વકીલોને શામેલ કરવામાં આવ્યા હતા. કેમ કે એક વ્યક્તિ માટે પૂર્વ તેમ જ પશ્ર્ચિમના દેશો સાથે સતત વ્યવહાર રાખવો એ એક બહુ જ મુશ્કેલ વાત હતી. તદઉપરાંત ધર્મના હુકમો પહોંચાડવા, પુરી શિયાઓની વસ્તીઓમાં શિયાઓની જરૂરિયાત પર ધ્યાન આપવું, પત્રોના જવાબ આપવા, તેમજ અમાનતો – થાપણો વિગેરેનો સાચા માર્ગો ઉપભોગ. આ બધા કામો માટે એક જ કેન્દ્ર હોય તો પારાવાર મુશ્કેલી પડે, ખાસ કરીને જ્યારે આ બધાં કાર્યો પોશીદા (ગુપ્ત) રીતે પાર પાડવાના હોય, કારણ કે એ જમાનાની ઝાલીમ હકુમત હંમેશા ‘‘નાએબીને ખાસ’’ પર ચાંપતી નજર રાખતી હતી.
(બ) જનતા માટે પણ લેવડ – દેવડ અને પ્રશ્ર્નોની છણાવટ સરળ બનાવવાનો મુદ્દો હતો, જેમ કે સંપર્ક માટે વચ્ચે માધ્યમ અને એમની જરૂરિયાત, એમની મૂંઝવણો વઅને એમના સવાલોનું ફેલાયેલુ વિસ્તરણ. આ બધામાં એ જોવાનું નહોતું કે કોણ ઇરાની છે અને કોણ હીજાઝી છે કારણ કે આ વકીલો, બગદાદમાં સ્થાયી થયેલા ‘‘નાએબીને ખાસ’’ને કોઇ પણ અડચણ વિના – માધ્યમ વિના પ્રત્યક્ષ મળી શકતા હતા.
(ક) આ ચારે ‘‘નાએબીન – ખાસ’’ને ગુપ્તતામાં રાખવા માટે વકીલોને સાથે રાખવા. એ પણ એક મુદ્દો હતો, જેથી એમના નામ તથા એમની વિશિષ્ટતાઓ ગુપ્ત રહે અને દુશ્મન ઓળખી ન શકે. નહી તો શક્ય હતું કે એમની પકડી કેદખાનામાં નાખી દેવામાં આવે અથવા તો મારી નાખવામાં આવે.
હદીસો તથા ઈતિહાસથી એવાત છતી થાય છે કે ઇમામ (અ.સ.) ના નાએબો, એમના જમાનાની જાલીમ હકુમતોની ધમકીઓના શિકાર બનાતા રહ્યા હતા.
અહી અમે ઇમામે ઝમાના (અ.સ.) ના થોડા વકીલોનાં નામ આપીએ છીએ. કેટલાક એવા વકીલો પણ હતા જેમના નામો ઇતિહાસમાં નથી મળતાં એવું બની શકે કે તેઓ ખામોશી સાથે ગુપ્ત રીતે પોતાના કાર્યો કરતા હોય અથવા તો ઇતિહાસકારોની પહોંચ અમેના સુધી ન રહી હોય.
(1) હાજીઝ બીન યઝીદ, જેમનું લકબ “વશાઅ (‘મન્તહલ મકાલ’ – જીલ્દ 1, પાનું 241) “કુલયની (રહ.) એ પોતાની સનદથી મોહમ્મદ બીન અલ – હસન અલ – કાતીબ મહરૂઝીથી રિવાયત નકલ કરી છે. એમનું બયાન છે : મેં હાજીઝ અલ વશાઅને બસ્સો દિનાર આપ્યા અને ઇમામ (અ.સ.) ને આ બાબત લખીને જણાવી. ઇમામ (અ.સ.) ની બારગાહમાં એ મળી ગયા તેની ખબર મને મળી ગઇ.
(2) “અલ બીલાલી – એનું પુરૂં નામ “અબુ તાહેર મોહમ્મદ બીન અલી બીન બીલાલ હતું.
સૈયદ ઇબ્ને તાઉસ (રહ.) એમની કિતાબ “રબીઉશ – શિયા મીનલ વોકલાએ મજજુદીન ફીલ ગૈબતે સુગરામાં એ પ્રખ્યાત અને જાણીતી વ્યક્તિઓ જેઓ ઇમામની પવિત્ર બારગાહમાં ઉપસ્થિત હતા એમના વિશે કોઇ શંકા નથી કે તેઓ ઇમામે હસને અસ્કરી (અ.સ.) ની ઇમામતના માનવાવાળા હતા, લખ્યું છે કે બીલાલીનો પણ આ લોકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. (“જામેઉલ – રવાત જી. – 2, પા. 153) શેખ સદ્દુકે (રહ.) પણ એમની કિતાબ “કમાલુદ્દીનમાં એમને વકીલોના લીસ્ટમાં શામેલ કર્યો છે.
(3) ઇબ્ને મહઝીયાર – મોહમ્મદ ઇબ્ને ઇબ્રાહીમ (અ.સ.) – સૈયર ઇબ્ને તાઉસે (રહ) એમને વકીલો અને નજદીકની મશહુર અને જાણીતી વ્યક્તિઓમાં શામેલ કર્યા છે. એમનું ઇમામે હસને અસ્કરી (અ.સ.) ને ઇમામ તરીકે માનવું, એ ઓલમાઓએ માની લીધેલી હકીકત છે. (જામેઉલ – રવાત -જી 1 પાનું 44)
સદ્દુક (અલૈહીર – રહમ) એ પોતાની કિતાબ “કમાલુદ્દીન માં એમને વકીલોની નામાવલીમાં સામેલ કર્યા છે. જેમ કે ઇમામ (અ.સ.)નું એક ફરમાન એમના વિશે, આ પ્રમાણે છે : ‘‘કદ – અકમનાક – મકામ – અબીક – ફહમદીલ્લાહ – એટલે “અમે તમને તમારા પિતાની જગ્યાએ નીમ્યા છે. બસ, તમે ખુદાનો શુક્ર કરો.’’
(4) ઇબ્ને મહઝીયાર – ઇબ્રાહીમ ઇબ્ને મહઝિયાર – કુનીયત ‘‘અબુ મોહમ્મદ’’ મોહમ્મદ ઇબ્ને ઇબ્રાહીમના વાલીદે બુઝુર્ગવાર થાય. એમના વિશે પણ ઉપર કહી ગયા છીએ.
સૈયદ ઇબ્ને તાઉસ (અલૈયહી – રહમ) રબીઉસ – શિયાઓ નામની કિતાબમાં એમને ઇમામે – ઝમાના (અ.સ.) ના વકીલોમાં શુમાર કર્યા છે. આથી ઉપર જણાવેલ પુસ્તકોમાં લખેલ વાત એમના વકીલ હોવાની દલીલ છે.
(5) એહમદ બીન ઇસ્હાક – બીન સઅદ બીન માલીક અહલે કુમ, તેઓ કુમ – વાળાઓ માટે પ્રતિનિધી હતા. એમણે ઇમામ અલી નકી (અ.સ.) થી રિવાયત કરી છે. ઇમામ હસને અસ્કરી (અ.સ.) ના ખાસ સહાબી હતા. (“રેજાલુન્નજજાશી પાનું 71) ઇમામ હસન અસ્કરી (અ.સ.) એ એમને ઇમામ મહદી (અ.સ.) ની વીલાદતની બશારત આપી હતી. (અલ – ગૈબત : પાનુ 258) રબીઉશ – શીઆ માં સૈયદ બીન તાઉસે (અ.ર.) એમને વકીલોની નામાવલિમાં શુમાર કર્યા છે.’’ (‘‘જામેઉર – રવાત’’ – જી – 1, પાનું 42 – 131) સદ્દક (રહ.) પણ એમને વકીલોમાં શુમાર કર્યા છે. (કમાલુદ્દીન)
(6) મોહમ્મદ બીન સાલેહ: બીન – હમદાની અદ – દહેકાન ઇમામ હસને અસ્કરી (અ.સ.) ના અસ્હાબ હતા અને નાહીયએ – મુકદદસના વકીલ હતા. (‘‘જામેઉલ રવાત -જી – 1, પાનું 42 – 131)
શેખ સદ્દુકે (રહ.) અમેને વકીલોની નામાવલિમાં શામેલ કર્યા છે. ‘‘રેજાલે કુશી’’માં લખાણ છે કે ઇમામ મહદી (અ.સ.)નું ફરમાન જે ઇસ્હાક બીન ઇસ્માઇલને નામે છે, એ એમના વકીલ હોવા વિષે દલીલ છે. જેમ કે એમણે (ઇમામે) ફરમાવ્યું : “જ્યારે બગદાદ પહોંચો તો આ સંદેશો ‘દહેકાન’ને સંભળાવો. એ અમારો વકીલ અને અમારા માટે ભરોસાપાત્ર વ્યક્તિ છે. એ અમારા દોસ્તો પાસેથી (અમારા) હક્કો વસુલ કરે છે. (“રેજાલે કુશી પા. 485)
પણ અફસોસ થાય છે કે એ વાત પર કે તેઓ પોતાની આખરી જીંદગીમાં મુનહરીફ થઇ ગયા. (ફરી ગયા) એ અગાઉ બહુ જ ભરોસાપાત્ર હતા. હઝરત (અજ.) ની તૌકીઅ (ફરમાન) મુબારકમાં આ પ્રમાણે એમને વખોડી કાઢયા છે : ‘‘તમે દહેકાનની લેવડ – દેવડ વિશે જાણતા થઇ ગયા છો. ખુદા એના પર લઅનત કરે.’’ (‘‘જામેઉર – રવાત’’ – જી. 2 પાનું 83 – 427)
(7) અલ – અસદી: મોહમ્મદ બીન જઅફર બીન મોહમ્મદ બીન ઔન અલ – અસદી, અર – રાઝી. આ એક બહુ જ મશહુર વ્યક્તિઓમાંથી હતા. (“જામેઉર – રવાત જી. – 2, પાનું 83 – 427) જનાબે સદ્દકે (રહ.) અમેનો ઉલ્લેખ એ હદીસ માટે કર્યો છે, જે એમના પોતાનીથી રિવાયત થઇ છે. (‘કમાલુદ્દીન’) અને એમની એક કિતાબ પણ છે જેનું નામ ‘‘અર – રદ્દી અલ અહલીલ ઇસ્તેતાઅતે ઇમામ મહદી (અ.સ.) એ અસદીને હાજીઝની જગ્યા પર નીમ્યા હતા. (“ફેહરીસ્તે શેખ પાનું – 179)
(8) અલ કાસીમ બીન અલ – અલા – આઝરબૈજાનના રહેવાસી હતા. સદ્દુકે (રહ.) એમને વકીલોની નામાવલીમાં શામીલ કર્યા છે.
સૈયદ ઇબ્ને તાઉસનું બયાન છે કે તેઓ નાહીયા મુકદદસના વકીલોમાંથી હતા. એમની કુનીયત ‘‘અબુ મોહમ્મદ’’ હતી. 107 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. 80 વર્ષની ઉંમર સુધી આંખોનું તેજ સલામત હતું ઇમામ અલી નકી (અ.સ.) અને ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની ઝીયારતથી પણ મુશરરફ થયા હતા. એમના વિશે હઝરત સાહેબુઝઝમાન (અ.જ.) નું ફરમાન પણ પ્રસિદ્ધ થયું છે કે અબુ જઅફર બીન ઉસ્માન અમ્રવી અને એમની પછી અબુલ કાસીમ હુસૈન બની રૂહની સાથે સંબંધ ન તોડજો. (ગૈબત શેખ – પાનું 188 અને એ પછી)
(9) અલ હસન બીન અલ – કાસીમ બીન અલઅલા. એમના વાલીદ કાસીમ બીન અલ – અલાના ઇન્તેકાલ પર ઇમામે ઝમાના (અ.સ.) એ એમના પુત્ર હસને દિલાસો દેતી વખતે આ પ્રમાણે ફરમાવ્યું : “અમે તમારા પિતાને તમારા પેશ્વા તરકી નીમ્યા હતા. અમેના કાર્યસિદ્ધિ તમારા માટે દ્રષ્ટાંતરૂપ છે. આ ફરમાનથી સાબિત થાય છે કે હસન પણ નાહીયાએ મુકદદસના વકીલોમાંથી હતા.
(10) મોહમ્મદ બીન શાઝાન બીન નઇમન – નોઅયમી શેખ સદ્દુકે (અ.ર.) વકીલોની બાર વ્યક્તિઓની નામાવલીમાં એમનું નામ લખ્યું છે, જેમાં બે નામ નાએબીને ખાસ, ઉસ્માન બીન સઇદ અમ્રવી અને એમના ફરઝંદ મોહમ્મદ બીન ઉસ્માનના છે.
(11) અલ – અત્તાર: શેખ સદ્દુકે (રહ.) એમને વકીલોની યાદીમાં શામેલ કર્યા છે. પણ આ ‘‘અત્તાર’’ કોણ, એ નક્કી નથી. કારણ કે “અત્તાર અકબના બીજા પણ માણસો છે. જેવી રીતે મોહમ્મદ બીન યહ્યા અલ – અત્તાર, એમના દીકરા અહમદ બીન મોહમ્મદ બીન યહ્યા, બીન અલ – મુશન્ના અલ – અત્તાર, અલ – હસન બીન ઝીયાદ અલ – અત્તાર, અલી બીન મોહમ્મદ બીન અબુલ હમીદ અલ – અત્તાર, મોહમ્મદ બીન અહમદ બીન જઅફર અલ – કુમ્મી અલ – અત્તાર, અને દાઉદ બની યઝીદ અલ – અત્તાર વગેરે. એટલે નક્કી ન કહી શકાય કે એમાંથી ક્યા ‘અત્તાર’ વકીલે નાહીયા હતા.
(12) અલ આસમી : શેખ સદ્દકે (રઝ.) એમનું નામ વકીલોની નામાવલીમાં નોંધ્યું છે, પણ આ નામની બે વ્યક્તિઓ હોવાથી, એ સાબિત નથી થયું કે કોણ નાહીયાએ મુકદદ્સાના વકીલ છે.
(13) અબુ અબ્દે બઝુકવી : અલ – હુસૈન બીન અલી બીન સુફયાન બીન ખાલીદ બીન સુફયાન.
(14) ઇબ્રાહીમ બીન મોહમ્મદ અલ – હમદાની : નાહીયાએ મુકદદસાના વકીલ હતા અને એમણે 40 વાર હજ કરી હતી. (કિતાબ : ‘ગૈબતે તૂસી’ પાનું 187) આપ ઇમામ રેઝા (અ.સ.), ઇમામ મોહમ્મદે તકી (અ.સ.) ઇમામ અલી નકી (અ.સ.) અને ઇમામ હસને અસ્કરી (અ.સ.)ના ઝમાના જોયા હતા.
(15) અહમદ બીન યસઆ બીન અબ્દુલ્લાહ અલ – કુમ્મી. ‘વસાએલ’ના લેખક કહે છે, દેખીતી રીતે એ ઇબ્ને હમ્ઝા બીન યસઆ હતા.
(16) અય્યુબ બીન નૂહ: એ ઇમામ અલી નકી (અ.સ.) અને ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના સહાબીમાંથી હતા. એ બન્ને ઇમામોના વકીલ હતા. ઇમામ હસન અસ્કરી (અ.સ.) એ એમના જન્નતી હોવાની બશારત આપી હતી.
(17) અલ જઅફરી અબુ હાશીમ દાઉદ બીન અલ – કાસીમ બીન ઇસ્હાક બીન અબ્દુલ્લાહ જઅફર બીન અબુ તાલીબ. સૈયદ બીન તાઉસે (રહ) રબીઉલ – અબરાહમાં લખ્યું છે એ સફીરોમાંથી હતા (એલચીઓમાંથી હતા.) શેખ અલી – હાએરીએ કિતાબ ‘‘અલ – લેઝામુન – નાસીબ’’માં એમને નાહીયાએ મુકદદસની નામાવલીમાં સમાવેશ કર્યો છે.
(18) અલ – રાઝી અહેમદ બીન ઇસ્હાક. અરદેબેલીએ ‘‘જામેઉરૂ – રવાત’’માં એમને ઇમામ અલી નકી (અ.સ.) ના સહાબીમાં શુમાર કર્યા છે.
(19) અબુ જઅફર મોહમ્મદ બીન અહમદ.
(20) ઇબ્રાહીમ બીન મોહમ્મદ, (21) અલ – હસન બીન મહબુબ (22) અમ્રૂ અલ – હવાઝી (23) અબુ મોહમ્મદ અલ – વજનાતી.
શેખ અલી અલ – હાએરી અલ – યઝીદીએ કિતાબ ‘‘લેઝામુન – નાસીબ’’માં લખ્યું છે કે “સોફરાએ – અરબાબ (ચાર ખાસ નાએબો)ના જમાનામાં એવા ભરોસાપાત્ર વ્યક્તિઓ હતી જે ચાર ખાસ નાએબો તરફથી ઉપર લખેલા ચાર નામો પણ શામેલ છે.
છેલ્લે બારગાહે ખુદાવંદીમાં હકીકતે આલે મોહમ્મદ અલયહેમુસ્સલામનો વાસ્તો આપીને એક જ દૂઆ છે કે અમો સર્વેને ઇમામે ઝમાનાના વકીલોના ગુલામોનાં ગુલામોમાં સુમાર ફરમાવે.
આપણે ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં રહી લોકોની તકલીફ વખતે મદદ કરતા રહ્યા છે.
ઇસ્લામના મહાન આલીમો -લેખકોની કલમે લખાયેલી ભરોસાપાત્ર કિતાબોમાંથી ચૂંટેલા કેટલાક ઇમામની મુલાકાત અને અમેની મદદના પ્રસંગો
“દીદારે નૂર માં વાંચો
એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)
નું પ્રકાશન
“દીદારે નૂર મંગાવો
હદીયો રૂા. 5/- (રૂા. 1ના પોસ્ટલ સ્ટેમ્પમાં મોકલો) (પોસ્ટેજ ફ્રી)
એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)
પો. બો. નં. 5006
મુંબઇ – 400 009
Comments (0)