પ્રાચિન કૌમો દરમ્યાન હઝરત ઇમામ મહદી(અ.ત.ફ.શ.)નું વર્ણન
ઇસ્તેગાસહ: શું કરીએ કે હવસખોરોની બંડખોરી વધતી જઇ રહી છે. દરેક ખુશહાલ ફુલના બગીચા માટે કુહાડીને ધારદાર કરવામાં આવી રહી છે. દરેક ગીત ગાનાર પક્ષી માટે નવા-નવા રૂપોમાં પીંજરા બનાવાઇ રહ્યા છે. દુન્યાની કૌમોની પ્રગતિએ હાડમાસના ઇન્સાનને નફસાની ખ્વાહિશાતની પાંખો આપી દીધી છે. સંસ્કૃતિ નિર્વસ્ત્ર થઇને નાચી રહી છે. દરેક વસ્તુનો સ્વભાવ ઉંધો થઇ રહ્યો છે. મહેફીલોમાં તે વર્ગ કે જેને પર્દાદાર કહેવામાં આવે છે, તે નિર્વસ્ત્ર થઇ રહ્યો છે. આ માનવ સમાજમાં ઉભરી રહેલા યુવાનો એક બીજાને મળે છે. એકના વિચારો બીજાના વિચારોથી ટકરાઇ રહ્યા છે. સ્વાર્થ નજરની સામે હોય છે. છુટછાટથી વર્તવાથી એવા થઇ જાય છે, જેવા બધા જ છે. અગર તેમાં સલામતી શોધીએ છીએ કે આ હમામ(બાથરૂમ)માં ઉતરી જઇએ કે જેમાં સૌ નિર્વસ્ત્ર છે, તો પરહેઝગારીને દાવ પર લગાડવી પડશે, જો આમ નથી કરતા તો લાચારી છે, વંચિતતા છે, મુક્ત વિચારધારાના વર્તુળની હદોમાંથી ધક્કો મારીને બહાર કાઢી મુકવામાં આવે છે. ચુપ રહીએ તો શ્ર્વાસ રૂંધાય છે. અગર વાત કરીએ તો છાપ પડી જાય તેવા હાથે મોં પર તમાચો પડે છે. અય ખુદા! આટલી મોટી દુનિયામાં જ્યાં જાઓ ત્યાં આ જ દ્રશ્ય છે. આ જ રીતની કત્લગાહોએ દોસ્તોની મહેફીલને સજાવી દીધી છે. દુનિયાની ખબર મેળવવા જઇએ તો અખબારના પાનાઓ પર એવી હવસ પ્રેરક અને નફસાની ખ્વાહીશાતને ઉશ્કેરતી ગંદી તસ્વીરો સજાવવામાં આવી છે. જેનાથી પ્રાચિન સમયના લોકો કે જેઓ પાંદડાથી પોતાની શર્મગાહોને ઢાંકતા હતા, તેઓ પણ શરમથી પોતાનો ચહેરો ઢાંકી દે. આ આજની સંસ્કૃતિની ફરીયાદ કરનાર ઇન્સાનની ફરીયાદ છે. તેની ફરીયાદ છે કે જે ખુદા તઆલાની અહદિય્યત, સમદિય્યત, કુદરત અને સરમદિય્યત પર ઇમાન રાખે છે અને તેને યકીન છે કે ખાલીકે આ દુન્યાને પૈદા કરી છે અને આ દુન્યાની મખ્લુકમાં ઇન્સાનને શ્રેષ્ઠ અને ઉચ્ચ મખ્લુક બનાવ્યો છે અને તેણે આ દુન્યાને કે તેના ઉપર રહેનારાઓને બે મકસદ પૈદા નથી કર્યા. દેખીતુ છે કે એ મોમીન જેની જીવનની પુંજી ઇમાન છે, તેના ઉપર પ્રહાર થાય તો તે બેચૈન થઇ જશે. જેટલો પ્રાણ ઘાતક તાગૂતી ઝખ્મ હશે, તેટલી બેચૈની અને દુ:ખ વધુ હશે. ફરિયાદ ન કરે તો બીજુ શું કરે? અમોને આ ફરિયાદોની અવાજ પ્રાચિન સમયથી સંભળાઇ રહી છે અને તે અલગ વાત છે કે જમાનાની સાથે સાથે સૌઝ ધરાવનારા લોકો અને ઇન્સાનની વિનાશના દ્રષ્ટિકોણ ઝડપથી બદલાતા રહ્યા છે.
સવાલ એ ઉભો થાય છે કે જેણે આજના જમાનામાં પોતાની આંખો ખોલી, સમજ-શક્તિને ઇમાનની રોશની આપી અને અલ્લાહ તઆલાની બંદગીને પોતાના જીવનની મુડી ગણી અને તેના ઉપર ઊંડુ યકીન રાખ્યુ, બસ આ મુસીબતો, અવરોધો, આ ઝેરમાં ઝબોળેલી શહેવતી અદાઓની જાહેરાતો, પોતાની ગુનાહોની રોશનીમાં રંગો વિખેરી રહેલા શહેવત-પ્રેરક પોસ્ટરો વડે પોતાના કાર્યોના દાયરામાં બોલાવનારા પરીબળો ફક્ત આ જ યુગના ઇમાનવાળાઓના માટે સખ્ત આઝમાઇશનો યુગ છે કે આ આઝમાઇશો, આ આફતો અને આ ગુનાહો પ્રાચિન યુગથી પોતાના જમાનાના ઇમાનની પનાહગાહો પર પડતી રહે છે અને પોતાની તબાહીઓથી કોઇ બેગુનાહને છોડ્યા નથી? અને અગર તે સત્ય છે કે પ્રાચિન યુગથી જ્યારે પણ ઈતિહાસકારે કલમ ઉપાડી છે, તે જમાનાથી મોટી મોટી દુ:ખભરી દાસ્તાનો લખી છે. જેના દરેક અક્ષરમાંથી માસુમ અને કમઝોરોનું ખૂન ટપકી રહ્યુ છે. તો કોના આધાર પર અને કોના સહારે આટલા દુ:ખ ઉઠાવ્યા-દર્દ વેઠ્યા, ઠોકરો ખાધી, ઝખ્મી થયા અથવા શહીદ થયા અને પછી જમાનાના અંતમાં પોતાનો વારસો આવનારા શ્રેષ્ઠ ઇન્સાનોને દઇને આખેરતની તરફ કૂચ કરી ગયા. પ્રાચિન યુગના લોકો આખરે રહ્યા નથી, પરંતુ તેમની ફરીયાદ કોઇ ન્યાય કરનારને યુગે યુગમાં શોધી રહી છે. એટલા માટે કે ફરીયાદ ખુદ બોલી રહી છે કે કોઇ મજબુત સહારો છે, કોઇ ઝમાનાના માલિક છે, કે જેના ઇન્તેઝારની સવારી પર ઉમ્મીદની શાહઝાદીની સફર શરૂ છે. આ ઇસ્તેગાસહએ માયુસીના જુના કપડા નથી પહેર્યા. બલ્કે દરેક યુગમાં તે નવા લિબાસમાં દેખાય છે. આ સાબિત કદમીની હયાતીની બુનિયાદ છે. આ ઇસ્તેગાસહમાં કુદરતના વાયદાની તે પ્રદર્શિત કરનારી જ્યોતિ જોવા મળે છે, જ્યાં આશાના હજારો ચિરાગો પ્રગટી રહ્યા છે. તેનું કારણ એ છે કે ફક્ત અને ફક્ત આ જ ઇસ્તેગાસહ છે કે જેના માટે પરવરદિગારની તરફથી લબ્બૈકની દિલનવાઝ આસમાની નગ્મો બનીને ફિતરતમાં ઉભરે છે. જે આ ખાકી વુજૂદને પહાડો અને ખાણોની સફર કરાવે છે. પ્રાચિન યુગની કૌમોમાં લોકોએ ઇન્સાફ અને અદાલતની માંગણી કરી છે. પોતાના હક્કોની અવાજ ઉઠાવી છે અને તાકાતવર સમૂહે આ અવાજને દબાવવાની ભરપુર કોશિષ પણ કરી છે. પ્રાચિન ધર્મોની કિતાબોમાં આ નોંધ મૌજૂદ છે કે એ સમૂહના લોકો કે જેઓ પોતાની દીનદારી, નેકી, સચ્ચાઇ અને ભલાઇના લીધે કમઝોર બનાવી દેવામાં આવ્યા છે. તેમના ઇલ્મ અને યકીને કોઇ નજાત આપનારના આગમનની ખુશખબરી આપી છે.
આવો જોઇએ, તેમના ઇન્તેઝારનો ઝિક્ર કે જે મવ્ઉદ (વાયદો કરાએલ) છે, અને ઇલાહી અદ્લનો હોદ્દો ધરાવનાર છે અને હયાત (જીવન)નું ઝરણું છે. જે નજાતની પુંજી અને કાએનાતની રૂહ છે. પ્રાચિન લોકોની કિતાબોમાં કેવી રીતે થએલ છે, જેની સંક્ષિપ્ત સમિક્ષા જ શક્ય છે. એટલા માટે કે તેના પર જેટલુ વિદ્વાનોએ કામ કર્યુ છે, તેનો કેનવાસ ખૂબ જ વિશાળ અને વિસ્તૃત છે.
(૧) કિતાબે વૈદ :
આ કિતાબ પ્રાચિન સમયથી એક આસમાની કિતાબ ગણવામાં આવે છે. તેમાં લખેલુ છે કે દુનિયામાં જ્યારે ખરાબીઓ વધી જશે, તો આખરી ઝમાનામાં એક બાદશાહ આવશે, જે તમામ મખ્લુકના પેશ્વા હશે. તેનું નામ મન્સૂર હશે. તેનો સમગ્ર દુન્યા પર કબ્જો હશે. તે તેનો દીન લાવશે. મો’મિનો અને કાફિરોને ખૂબ સારી રીતે ઓળખશે અને તે જે કાંઇ અલ્લાહથી ચાહશે તે તેને મળશે. (મન્સૂર એ ઇમામ મહદી(અ.સ.)ના લકબોમાંથી એક લકબ છે.)
(૨) કિતાબે બાસુક :
લોકોની દીનથી દૂરી ખત્મ થઇ જશે. તે ફરિશ્તાઓ, પરીઓ અને આદમીઓનો બાદશાહ હશે. તેની પાસે આસમાનો અને જમીનની ખબરો હશે. કોઇ પણ ચીજ તેનાથી છુપી નહીં હોય. તેનાથી શ્રેષ્ઠ બીજુ કોઇ નહીં હોય.
(૩) ઉપનિષદ :
પાના નંબર ૭૩૭ પર છે, આ સાહેબ વિષ્ણુનો દસમો અવતાર હશે. સફેદ ઘોડા પર સવાર હશે. ચમકતા સીતારા જેવી પ્રકાશિત તલવાર તેના હાથમાં હશે. તે જ્યારે સત્તા સંભાળશે તો દુન્યાની બુરાઇઓને ખત્મ કરી દેશે અને દુનિયાને ફરીથી નવી જીંદગી અતા કરશે અને પાકો પાકીઝા લોકોની રજઅતનું કારણ હશે.
(૪) જૈનની પવિત્ર કિતાબ થોકડેકે સકરોકે ઇશારેમાં છે :
જ્યારે ફસાદ, પડતી અને તબાહી પુરી દુનિયામાં ફેલાઇ જશે, ત્યારે એક સંપૂર્ણ ઇન્સાન કે જેનું નામ (તીરતંગર) એટલે કે ખુશખબરી દેનાર હશે, તે જાહેર થશે. તે વિનાશકારીઓનો સંપૂર્ણ નાશ કરી દેશે અને પાકીઝગી અને પવિત્ર કિરદારને દુનિયામાં સ્થાપિત કરી દેશે.
(૫) શાકમુની
હીન્દુ ધર્મની માન્યતા પ્રમાણે પયગમ્બર અને સાહેબે કિતાબે આસ્માની હતા. ઉચ્ચ ચારિત્ર્ય ધરાવનારના ફરઝંદ જેનું નામ `કિશન’ છે, જેમની બાદશાહી અને દુન્યવી હુકુમત તમામ અને સંપૂર્ણતા પર પહોંચશે. (હિન્દુ શબ્દકોષમાં કિશનનો અર્થ પગગમ્બર છે)
અમો તેના પછી ઝુબુરમાંથી અમુક વાતો વર્ણવીએ છીએ. જેના પર વાંચકો ધ્યાન આપે.
(૧) મઝામીરે દાઉદ(અ.સ.) જે હાલમાં જુની તૌરેતનો એક ભાગ છે. તેમાં ખુદાવંદે તઆલા દાઉદ(અ.સ.)ને આ રીતે ઇર્શાદ ફરમાવે છે: (અ) બુરાઇ પસંદ લોકોના કારણે પરેશાન ન થા. (મઝમુર – ૩૭) (બ) એટલા માટે કે તેઓ ઘાસ ચારાની જેમ કપાઇ જશે. (ક) અને લીલા ઘાસની જેમ નિર્જીવ અને સુકા થઇ જશે. (ડ) ખુદા ઉપર ભરોસો કરો અને નેકી કરો. (ઇ) ખુદાની ખુશનુદી ખાતર ચુપ રહો અને તેનો ઇન્તેઝાર કરો.
ઝુબુરમાં આગળ ચાલીને આ રીતનું લખાણ છે: ઇલ્મ અને હિલ્મ ધરાવનારા ઝમીનના વારિસ થશે અને અત્યંત સલામતીની સાથે પુષ્કળ ઇલાહી નેઅમતોને માણશે. (બીજી બાજુ) બુરાઇ પસંદ લોકો ખુલ્લી તલવારો અને કમાનમાં તીર ચડાવીને આગળ વધશે, અને ફકીર અને મિસ્કીનોને મારતા મારતા નેક અને સાચા લોકોને કત્લ કરશે, પરંતુ (ઝુહુર પછી) તેમની તલવાર તેઓના દિલોમાં જ ઉતરી જશે, તેઓની તીરોની કમાનો તૂટી જશે. એટલા માટે કે બુરાઇ પસંદ લોકોના હાથો તુટી ગયા હશે.
બસ ખુદાવંદે તઆલા નેક લોકોને મદદ કરે છે ખુદા તે દિવસને સારી રીતે જાણે છે જ્યારે નેક લોકોને આ ઝમીનના બાકી રહેવા સુધી વારિસ બનાવશે. (કુર્આને મજીદની આ આયતે કરીમા ઉપર વિચાર કરવાની જરૂરત છે.)
વ લકદ્ કતબ્ના ફીઝ્ઝબુરે મિમ્ બઅ્દિઝ્ઝિક્રે અન્નલ્ અર્ઝ યરેસોહા એબાદેયસ્સાલેહુન
(સુરે અંબિયા, આયત:૧૦૫)
તૌરેત:
આ આયતના અનુસંધાનમાં આસ્માની કિતાબ તૌરેતને યાદ કરવામાં આવી છે. જેવી રીતે સુરે અંબિયાની આયત ૪૮ માં આ વાત સ્પષ્ટ થઇ ગઇ છે.
ઇન્જીલ:
ઇન્જીલે મતા પંકતિ ૩૧, ઇન્જીલે માર્ક પંકતિ ૧૩૩, ઇન્જીલે લુકા પંકતિ ૩૫ માં વર્ણવેલા બયાન અને તારણોને અમે અમુક વાક્યોમાં વર્ણન કરીશું. જેની સંવેદનશીલતા અને એહમીય્યત ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુરનો લાંબો ઇન્તેઝાર છે.
(૧) અમુક લોકો મારા નામ મસીહના દાવેદાર થશે અને (લોકોને) ગુમરાહ કરશે.
(૨) અમુક જુઠ્ઠા લોકો પોતાને નબી કહેશે અને (લોકોને) ગુમરાહ કરશે.
(૩) જે આખરી ઝમાના સુધી સબ્ર કરશે તેને જ નજાત મળશે.
(૪) એક ઇન્સાનના ફરઝંદ વીજળીની જેમ પૂર્વ આસમાનથી જાહેર થશે અને પશ્ર્ચિમ સુધી દેખાશે.
(૫) અને તે ઇન્સાન હશે જે વાદળાઓ ઉપર સવાર હશે, અને બહુ જ શક્તિશાળી, જલાલવાળા હશે અને ફરિશ્તાઓને હુક્મ કરનાર હશે.
આસમાન અને ઝમીન નાશ પામશે પરંતુ મારૂ કહેણ બાકી રહેશે.
જરથોષ્ટ (અગ્નિપૂજક) તેઓની કિતાબ જામાસબનામા:
જરથોષ્ટથી પયગમ્બરે ઇસ્લામ(સ.અ.વ.), ઇમામ મહદી(અ.સ.) અને રજઅતના બારામાં આ પ્રકારનું વર્ણન મળે છે. અરબના પયગંબર ખાતેમુન્નબીય્યીન હશે. મક્કામાં વિલાદત થશે, ઊંટ પર સવાર થશે. તેની કૌમ ઊંટ સવારોની હશે. ખુદાના બંદાઓની સાથે જમશે, ખુદાના બંદાઓની સાથે રહેશે અને તેમના શરીરનો પડછાયો નહીં હોય. તેઓ જે રીતે પોતાની સામેની તરફ જોતા હશે, એજ રીતે પોતાની પાછળ પણ જોઇ શકશે. તેઓનો દીન તમામ દીનોમાં શ્રેષ્ઠ હશે અને તેમની કિતાબ અન્ય આસમાની અને પ્રાચિન કિતાબોને રદ્દ કરી દેશે. અગ્નીના મંદિરોને બુઝાવી દેશે. પેશદાદીયાન, કયાનિયાન, સાસાઇયાન અને અશ્કાનીયાન બધા જ ખત્મ થઇ જશે.
તે પયગમ્બરની દુખ્તરના ફરઝંદોમાંથી એક ફરઝંદ, જેનું નામ શાહે ઝમાન હશે, તે બાદશાહ થશે અને તેની હુકુમતોની સામે બીજી હુકુમતો ખત્મ થઇ જશે. તેમના સમયમાં પાક દ્રષ્ટિવાળા અને પયગમ્બરો અને નેક લોકોની રજઅત થશે. (ઇન્તેઝાર એ શર્ત છે.)
મોહતરમ વાંચકો, ઇમામ મહદી(અ.સ.)ના ઇન્તેઝારની સફર દૂર દૂરના ભૂતકાળથી શરૂ છે. દુન્યા જ્યાં નેક બંદાઓ માટે મુસીબતની જગ્યા છે, ત્યાં જ ઝુહુરની સવારની ખુશખબરીની આશા પ્રાચિન કાળથી ગુંજી રહી છે. હઝરત ઇસા રૂહુલ્લાહ(અ.સ.) પછી લગભગ ૬૦૦ વર્ષની મુદ્દતનો ગાળો છે. જ્યારે મુર્સલે અઅ્ઝમ(સ.અ.વ.)ની બેઅસત થઇ આપ(સ.અ.વ.)ખાતમુલ મુર્સલીન(સ.અ.વ.) છે. આપ ખાતમુલ અંબિયા(સ.) છે. આપ(સ.) પર દીનની સંપૂર્ણતા અને પૂર્ણતાની મહોર લગાડવામાં આવી. શરીઅત આપની સીરત અને કુરઆને કરીમના મજબુત પાયા ઉપર એવી રીતે કાએમ અને દાએમ થઇ કે હવે ડગવાનો સવાલ જ પૈદા નથી થતો. કુર્આને કરીમમાં ઇમામે મન્સૂર, હઝરત ઇમામે ઝમાના(અ.સ.) માટે લગભગ ૨૫૬ આયતોનો એક ગુલદસ્તો છે અને સીરતે નબી(સ.)ની તબ્લીગના દરેક વળાંક પર આપનો ઝિક્ર છે. ત્યાં સુધી કે હઝરત મુર્સલે અઅ્ઝમ(સ.)એ પોતાના અંતિમ હજથી પરત ફરતા ગદીરે ખુમમાં જ્યાં અમીરૂલ મો’મેનીન હઝરત અલી બીન અબી તાલિબ(અ.સ.)ના સર પર વિલાયત અને જાનશીનીતો તાજ રાખ્યો, ત્યાં પોતાના ૧૨ જાનશીનોનું એલાન પણ કર્યુ અને પોતાના આખરી જાનશીનની નિશાનીઓનું પણ એલાન કર્યુ કે તેનું નામ મારા નામ જેવું છે, તેની કુન્નિયત મારી કુન્નિયત જેવી હશે. ન્યાય અને ઇન્સાફનું અજવાળુ થશે, ઝુલ્મોજૌરનું અંધારૂ દૂર થઇ જશે. અલ્લાહ! તે મુન્તઝરના જલવાની ઝલક દેખાડી દે કે જેના માટે અતિપ્રાચિન કૌમોના મુન્તઝિરોથી લઇને એક પછી એક જમાનામાં એક કાફલો ઉત્તમ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે અને અમોને તેમાં શામિલ કરી દે. આમીન.
Comments (0)