મુસ્તઝ્અફ – કમઝોર કરાયેલા

મુસ્તઝ્અફ – કમઝોર કરાયેલા

પ્રસ્તાવના :

દુનિયાની ખિલ્કતની શરૂઆતથી લોકો ત્રણ પ્રકારના જોવા મળે છે અને આ ત્રણ પ્રકારના લોકો દરેક જગ્યાએ જોવા મળે છે. આ ત્રણ સમૂહોને પારિભાષિક રીતે ત્રણ નામ આપવામાં આવ્યા છે. મુસ્તઝઅફીન (કમઝોર કરાએલા), મુતકબ્બેરીન (ધમંડીઓ) અને આમ્મીન (સામાન્ય માણસ). મુતકબ્બેરીન અગર ન હોત તો મુસ્તઝઅફીન પણ કોઇ ન હોત. આ સમૂહ છે જે ઝુલ્મ અને સખ્તાઇ કરવામાં આગળ હોય છે. ઝુલ્મ, સિતમ, દબાવ, ભીંસ, મક્રો ફરેબ એ આ સમુહનું કામ છે. અને તેમનું લક્ષ્ય કમઝોર વર્ગના લોકો હોય છે.

રાકેમુલ હુરૂફ (લેખક) મુસ્તઝ્અફની વ્યાખ્યા આપશે અને તેની સ્પષ્ટતા કરશે. પરંતુ એ પહેલા એ મધ્યમ વર્ગના લોકો જે સામાન્ય માણસ છે તેના વિશે થોડો પ્રકાશ ફેંકીએ જેના પર અભિમાનીઓ બહુજ ખુબીની સાથે અસરકારક હોય છે.

આ એ લોકો છે જે મધ્યમ અને મિશ્રીત છે. જેઓના દિલ ન તો મજબૂત હોય છે અને ન તો તેઓ ઇરાદાના પાકા હોય છે. તેઓ મહેરૂમિય્યતનો ભોગ બનવાના લીધે કમઝોર તો હોય છે. પણ બંને બાજુ ઢળવાની આવડત ધરાવે છે. કદાચ આ સમૂહના ચૂંટેલા અને નેક લોકોને અસ્હાબે અઅરાફ કહેવામાં આવ્યા છે તેમાંથી એક નાનો સમુહ પાક તિનત છે. અને દૂરઅંદેશ છે. તો તેઓ એ મુસ્તઝ્અફીનથી પ્રભાવિત થઇને તે વર્ગની સાથે થઇ જાય છે અને તેમની રીતભાત પર પોતાના દિમાગ અને વિચારોને એક નૂરે હયાત તરફ લઇ જાય છે. મોટા ભાગના લોકો એ બાજુ પોતાનું ફિકરી વલણ ધરાવે છે જે મુતકબ્બેરીનની ખાસિયતો, આદતો અને રીતો વર્તન અને વાણીમાં શામિલ હોય છે અને તેઓ પોતાના સમુહના લોકોની પસ્ત સ્તરથી ઉઠીને એક ઉચ્ચ સ્તર સુધી પહોંચવાની કોશીશ કરતા રહે છે.

આ સમૂહમાં પણ મોટા મોટા (હર ફન મવલા-દરેક ક્ષેત્રમાં નિષ્ણાંત) મળશે, જેઓ પોતાની આજુ બાજુ એક નવી ટોળી બનાવી લે છે, ઉદાહરણ તરીકે ક્યાંક કોઇક તબક્કામાં અલી મોહમ્મદ બાબ તો ક્યાંક ગુલામ અહેમદ કાદિયાની, ક્યાંક કાળા કપડા પહેરેલા સૂફીઓ અને ક્યાંક મલંગના સ્વરૂપમાં નજર આવે છે. આ બધા મુસ્તઝ્અફની તરફથી ભાગવાના રસ્તાના તલાશ કરનારા છે. તેઓ રસ્મો રિવાજ અને નિરર્થક ખયાલોમાં ગિરફ્તાર છે. તેઓ બોલવામાં કમઝોર વર્ગથી સંબંધ ધરાવે છે. એવી ઉમ્મીદથી તેઓ પણ તેની ખોલથી નિકળવાની તદ્‌બીર પર અમલ કરે છે. આ એ લોકો છે જેની અકલ અને સમજણ તેની ક્ષિતિજની દ્રષ્ટિએ ટુંકી હોય છે. અને તેઓના ડગલા સીધા રસ્તા પર મજબૂતીથી નથી રહેતા, અને લાલચ તેઓને અલ્લાહની ધમકી તરફ કાન ધરવા નથી દેતુ.

અગર વિશ્ર્વ દ્રષ્ટિના લિહાજથી પારખવામાં આવે તો મુસ્તઝ્અફ જ્યાં મુતકબ્બીરોથી તકલીફો અને મૂસીબતનો સામનો કરે છે ત્યાંજ આ વર્ગના લોકો કે જેઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મુસ્તઝ્અફીન માટે ઇઝા પહોંચાડવાનું મોટુ કારણ બની જાય છે.
હઝરત મુસ્લીમ(અ.સ.)નું ઉદાહરણ લો. આપ (અ.સ.)ની કુફામાં જે હાલત થઇ તે બિલકુલ સાફ અને અરીસાની જેમ છે. હજારો પત્રો આવ્યા હતા, હજારો લોકોએ આપના હાથ ઉપર બયઅત કરી હતી અને અંતે જ્યારે ફક્ત ૩૦ જણા બાકી રહી ગયા હતા તો તેમની પત્નિઓએ તેમને ઘરે પાછા બોલાવી લીધા અને જનાબે મુસ્લીમ(અ.સ.) કુફામાં એકલા હતા. જનાબે મુસ્લીમ(અ.સ.)ને કમઝોર કરી નાખવામાં આવ્યા ત્યાં સુધી કે તેઓ પોતાના મહાન હોદ્દાની હિફાઝત માટે મજબુતીથી લડ્યા. આ એજ મહાન મતાલિબ છે, જે કુરઆને કરીમમાં ‘ઇસ્તઝ્અફુ ફિલ અર્ઝે’ ના નામથી યાદ કરવામાં આવ્યા છે.

મુસ્તઝ્અફનો મતલબ કમઝોર, નબળા, નિર્બળ, અશક્તિમાન, લાચાર, બેબસ, તુટી ગયેલા, પોતાના હકથી વંચિત, ઝુલ્મની સામે મઝલુમ, પાછળ રાખી દેવામાં આવેલ, ફક્રનો માર્યો, ગરીબ, બેસહારા. મુતકબ્બીરથી એકદમ વિરૂધ્ધ, બેકસ, દર્દને સહન કરનાર, તકલીફમાં ઘેરાયેલ. આ તમામ મતલબો અને અર્થોની સાથે આ પ્રકારની અન્ય કયફીયાત પણ છે. જે મુસ્તઝ્અફના વર્ગમાં આવે છે. પરંતુ મુસ્તઝ્અફ આ અર્થો અને મતલબોથી હટીને પોતાના મહાન મરતબા અને પોતાની અખ્લાકી શાનો શોકતના પણ મઝહર હોય છે. તે નિડર અને બેખૌફ હોય છે અને તે જવાબદારીને નિભાવવામાં ગફલત નથી વરતતા. ઇન્સાનીય્યત અને રૂહાનીય્યતનો અલમદાર હોય છે. જે કામ સોંપવામાં આવે છે તે બજાવવામાં પીછે હટ નથી કરતા. પોતાના વાયદામાં પાકો હોય છે. બહાદુર અને શુજાઅ હોય છે. તેને જવાબદારી નિભાવવામાં મૌતથી ડર નથી લાગતો.

ઉદાહરણ જોવું હોય તો સુલયમાન જે બસરામાં ઇમામ હુસૈન(અ.સ.)ના સફીર હતા તેમના પાક જીવન વિશે લખાયેલ ઇતિહાસની કિતાબો વાંચો.

કુરઆને મજીદે આ પરિભાષામાં મુસ્તઝઅફનો અર્થ કર્યો છે.

દીને ઇસ્લામ અને મુસ્તઝઅફ:

ફક્ત દીને ઇસ્લામ જ નહીં બલ્કે દુનિયાના એ તમામ મઝહબો જેનો સિલસિલો ઇસ્લામ પર ખતમ થાય છે, એ બધામાં મુસ્તઝ્અફીન એટલે તે અલ્લાહના બંદાઓ જેઓને કમઝોર કરી દેવામાં આવ્યા હતા અને કમઝોર કરી દેવામાં આવ્યા છે, તેઓનો સંઘર્ષ, ઇસાર, કુરબાની, હિંમત, જુર્‌અત, હૌસલો, સબ્ર, અડગતા, ઇલ્મ, હિલ્મ, દુરંદેશી, ઇબ્લાગ અને તબ્લીગ, સહનશક્તિ સાબિત કદમી, ઝુલ્મની સામે પગલા લેવા, ઝમીરનું રોશન હોવું, ગુફ્તાર અને રફતારમાં એહતીયાત (સાવચેતી), નુકશાનકારક તત્વોથી દુરી, ઓછુ બોલવું વગેરેએ તેમને એવા શક્તિમાન અને તાકતવાન બનાવી દીધા કે મોટી મોટી તાકતો પણ દીનના પરચમને નમાવી ન શકી અને ન તેના ઉચ્ચ મકસદોને મિટાવવામાં કામ્યાબ થઇ શકી.

આ રીતે હાબિલ અને કાબિલથી લઇને તમામ ઇલાહી મઝહબો કે જેનો સિલસિલો મુરસલે આઝમના દીને ઇસ્લામ પર ખત્મ થાય છે, તેના ઇતિહાસમાં બનાવોનો એક લાંબો સિલસિલો છે. જ્યાં એક બાજુ મુસ્તઝઅફીન ઉંહકારા સાથે પડખા ફેરવી રહ્યા છે. પરંતુ અંતે તેમના વિજયનું એલાન થતુ રહ્યુ છે અને તેમના પરચમનો ફરેરો બલંદીઓ પર લેહરાતો રહ્યો છે અને બીજી તરફ તેમના મુકાબલામાં મુતકબ્બેરીન અને હિંસાખોર ઘમંડનો નશો ઉતરવા બાદ તુટીને ધુળમાં મળી ગયા.

સાચો વાયદો:

ખુદાવંદે મુતઆલે પોતાના હબીબ મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) જે નબીઓમાં અંતિમ છે, તેમને તમામ દુનિયાઓ માટે રહેમત બનાવ્યા અને આપ (સ.અ.વ.) પર જે કિતાબ નાઝિલ કરી જેને કુર્‌આન, ફુરકાન અને આસ્માની કિતાબ પણ કહેવામાં આવે છે તેમાં એકદમ સ્પષ્ટ રીતે આ વાયદાને દોહરાવ્યો છે, જે ઝુબુરની પહેલા ઇંજીલમાં અને તમામ આસમાની કિતાબોમાં ઇર્શાદ ફરમાવવામાં આવ્યો છે, તે વાયદો આ છે:

“વ નોરીદો અન્ નમુન્ન અલલ્લઝીનસ્તઝ્અફુ ફિલ્ અર્ઝે વ નજ્અલહુમ્ અઇમ્મતંવ્ વ નજઅલહોમુલ્ વારેસીન”

“અને અમે ઇરાદો કર્યો છે કે અમે એ લોકો પર એહસાન કરીશું જેઓને આ ઝમીન પર કમઝોર બનાવી દેવામાં આવ્યા છે અને અમો તેઓને ઇમામો અને વારિસો બનાવીશું”

(સુરે કસસ, આ:૫)

અન્ય એક જગ્યાએ કુર્‌આને કરીમ અલ્લાહ તઆલાની નવાઝિશોનું એલાન આ રીતે કરે છે:

“વ અવ્રસ્નલ્ કવ્મ અલ્લઝીન કાનુ યુસ્તઝ્અફુન મશારેકલ્ અર્ઝે વ મગારેબેહા”

“અમે પૂર્વ તેમજ પશ્ર્ચિમ સુધીની પુરી ઝમીનના વારિસ જેઓને કમઝોર બનાવી દીધા છે તેમને બનાવીશું”

(સુરે અઅરાફ, આ:૧૩૮)

અલ્લાહ તઆલાનો ઇર્શાદ છે:

“ઇન્નલ્લાહ લા યુખ્લેફુલ મીઆદ”

“બેશક! અલ્લાહ પોતાના વાયદાની વિરૂધ્ધ નથી જતો”

અને ખુદા એ છે જેની સંપૂર્ણ કુદરતોનો ઉલ્લેખ દુઆએ કુમૈલમાં આ રીતે છે.

“અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોકો બે ઇઝ્ઝતેક અલ્લતી વસેઅત્ કુલ્લ શય”

“અય અલ્લાહ! બેશક, હું તારી પાસે સવાલ કરૂ છું તે કુદરતના વાસ્તાથી જેણે તમામ ચીજને ઘેરી લીધેલ છે”

આ સાચા વાયદા પછી તલાશ કરવાવાળો ઇન્સાન જે ખુદા પરસ્ત છે અને ખુદા પર ઇમાન અને યકીન રાખે છે તેની સામે ત્રણ દરવાજા ખુલી જાય છે.

પ્રથમ દરવાજો: ખુદાની સંપૂર્ણ કુદરત. ખુદાએ છે જે કાદિરે મુત્લક છે.

બીજો દરવાજો: ખાકી ઝમીનની હયાત અને બિસાત.

ત્રીજો દરવાજો: તે ઇન્સાન જે ઇમાન પર નભે છે, યકીન રાખે છે, મોઅમિન છે, પણ મુસ્તઝઅફ છે એટલે કે કમઝોર કરી દેવામાં આવ્યા છે.

પ્રથમ બાબ: તે ખુદા એ છે જે કાદિરે મુત્લક છે:

દરેક ચીજ પર તેની કુદરત ગાલિબ છે અને તે તમામ ખુશખબરો તેને આપી રહ્યો છે. જેને આ દુનિયામાં કમઝોર કરી દેવામાં આવ્યા છે એટલે કે અભિમાનીઓનો ઝુલ્મ અને સિતમનો દરિયો નાફરમાનીથી ઉભરી રહ્યો છે. જેમ કે ઝિયારતે આશુરામાં પણ મળે છે

“અલ્લાહની લાનત થાય અબુ સુફયાન, મોઆવીયા અને યઝીદ ઇબ્ને મોઆવીયા પર હંમેશા હંમેશા એ દિવસ જે આલે મરવાનની ખુશીનો અને આનંદનો દિવસ હતો, કારણ કે તે દિવસ ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લનો દિવસ હતો.”

અહી ક્યારેક દીમાગ વિચલીત થાય છે. જાણે કે પાણી વગરના કુવા પાસે તરસ બુજાવવા માટે જાય છે અને સવાલ કરે છે જ્યારે ખુદા આટલી બધી કુદરત ધરાવનાર છે તો પછી તેના નેક બંદાઓ માટે આવી તકલીફ અને ગિરફતારી શા માટે? દિવસે દિવસે અભિમાનીઓનો ફસાદ શા માટે વધતો જાય છે? ઇમાનવાળા માટે પગલે પગલે એક મુસીબત ઉભી છે, એક ફિત્નો સામે છે, એક આઝમાઇશ છે. આખર આવું શા માટે? (આ શા માટેનો જવાબ નીચે છે જે આગળ આવશે)

બીજો બાબ:

ખાકી શરીરમાં ઇન્સાન આ દુનિયામાં આવ્યો છે. આ દુનિયા માટે કહેવામાં આવ્યું છે કે ફના થઇ જનારી છે, પરંતુ લાખો વરસ પસાર થઇ ગયા, છતાં આ દુનિયા જેવી છે તેવી જ છે અને અલ્લાહ તઆલાના નેક બંદાઓ માટે દરેક તરફ મુસીબતોના અસ્બાબ છે. જેમ જેમ આ દુનિયાની ઉમ્ર વધતી જાય છે તેમ તેમ અભિમાનીઓ પર જાહેરી રીતે જવાની આવી રહી છે. પરંતુ નિર્બળ માટે જાણે મુર્દા થતી જાય છે. આખરે આવું શા માટે?

ત્રીજો બાબ:

જેઓ અલ્લાહ તઆલાના નેક બંદાઓ છે તેઓ દિવસે દિવસે નવા બનાવો, આફતો અને બલાઓમાં મુબ્તેલા રહે છે. એક લાંબા સમય પછી પણ ઉકેલની કોઇ સુરત નજરે નથી આવતી. આખરે શા માટે?

(આખરે શા માટે?)ના જવાબો:

પ્રથમ બાબના સવાલનો જવાબ છે:

સુરે મુલ્કની પ્રથમ આયત જેનો તરજુમો છે:

“બરકતવાળી ઝાત એ ખુદાની છે જેની સલ્તનત મુલ્ક છે અને તે દરેક ચીજ ઉપર કુદરત ધરાવનાર છે અને તેણે મૌત અને જીંદગીને પૈદા કરી જેથી તે પોતાના બંદાઓને અજમાવે કે તમારામાંથી અમલની દ્રષ્ટિએ કોણ સૌથી સારો છે અને તે કુદરત ધરાવનાર અને માફ કરવાવાળો છે”

બીજા `શા માટે’ નો જવાબ:

કુરઆને કરીમમાં આ પ્રમાણે છે:

“એઅ્લમુ અન્નલ્લાહ યુહ્યીલ અર્ઝ બઅ્દ મવ્તેહા”

“જાણી લો કે બેશક અલ્લાહ જમીનને તેના મૃત્યુ બાદ જીવંત કરશે”

એટલે કે જ્યારે દુનિયા ઝુલ્મો જૌરથી ભરાઇ જશે તો ખુદા પોતાના જાનશીન અને ખલીફાની હુકુમત સ્થાપિત કરીને તેને એજ રીતે અદ્લો ઇન્સાફથી પ્રકાશિત અને ખીલવી નાંખશે.

ત્રીજા `આખરે શા માટે’ નો જવાબ:

કેહવત મશહુર છે કે ખુદાને ત્યાં દેર છે પણ અંધેર નથી. તેનો વાયદો છે કે દીને ઇસ્લામ દીને હક છે. આખી દુનિયાના મઝહબ ઉપર ગાલિબ થઇને રહેશે અને આ પણ કુર્‌આનનો ઇર્શાદ છે અને હિદાયતનું એલાન છે કે બકીય્યતુલ્લાહિલ્ અઅ્ઝમ એટલે કે જેમને તેણે આ જમીનના વારિસ અને ઇમામ બનાવ્યા છે તે ખૈર અને આસ્માની બરકતનું કેન્દ્રીય વજુદ છે. તેમના માટે ખુબ જ વ્યવસ્થા સાથે કુદરતે કામ લીધુ છે. જેની સમિક્ષા અગાઉની કૌમોની ભવિષ્યવાણીથી લઇને ગદીર સુધી અને ગદીરથી લઇને વિલાદતે બાસઆદત સુધી અને વિલાદતથી લઇને ઝુહુરના સમય સુધી ખુદાવંદે મોતઆલે તે ઝાતે ગીરામી કદ્રને બાકી રાખીને જાણે પોતાના ઉચ્ચ અને મહાન હેતુની નીચે પોતાના મહેબુબ અને ચુંટાએલા એટલે કે મુસ્તઝ્અફ બંદાઓને માટે એક નિશાન કાએમ કરી દીધુ છે કે જેથી માયુસીની ધુળ દામન પર બેસવા ન પામે. અને તે ઇમાનના રસ્તા પર સાબિત કદમ રહે.

(૧) જેમ કે ખુદાવંદે મોતઆલે ઇર્શાદ ફરમાવ્યું છે કે:

“વલકદ્ કતબ્ના ફિઝ્ઝબુરે મીમ બઅદીઝ્ઝિક્રે અન્નલ્ અર્ઝ યરેસોહા એબાદેયસ્સાલેહુન”

“અમે ઝબુરની પહેલા (તૌરેત)માં પણ લખી દીધુ છે કે અમે અમારા નેક બંદાઓને આ જમીનના વારિસ બનાવીશું”

સુરે અંબિયા, આયત:૧૦૫)

આવી બીજી પણ આયતો છે જેની યાદી લાંબી છે અને આ લખાણની પહોંચ ઓછી છે.

હિંદુ મઝહબની કિતાબ વેદ જે સૌથી જુના જમાનાની છે તેમાં અને જૈન મઝહબની કિતાબ જે તેઓની સૌથી પવિત્ર કિતાબ માનવામાં આવે છે તેમાં. જરથુષ્ટની કિતાબ `જામાસબ’, ઇંજીલ, ઝબુરમાં જ નહી બલ્કે એક સિલસિલો છે ભવિષ્યવાણીનો જેની ઇન્તેહા છે.

ગદીર. જેમાં અઝીમુશ્‌-શાન જન-સમૂહ જેની સંખ્યા ૧,૨૦,૦૦૦ માણસો છે. ગદીરનું ધગધગતું રણ હતું, મુરસલે અઅ્ઝમ પોતાની આખરી હજના અરકાનને બજાવીને પાછા ફરી રહ્યા હતા. આપ(સ.અ.વ.)ની પાછળ હાજીઓના કાફલા હતા. જેઓ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. સુર્ય તેના મધ્યાહન પર પહોંચ્યો હતો. એ તપતા રણમાં મુરસલે અઅ્ઝમ  (સ.અ.વ.)એ તમામ હાજીઓને રોકાણ કરવાનો હુકમ કર્યો. આવા મોટા માનવ સમૂહમાં મુરસલે અઅ્ઝમે મૌલાએ કાએનાત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ના માથા પર વિલાયત, પોતાન જાનશીની અને ખિલાફતનો તાજ રાખ્યો અને કહ્યું કે

`મન્ કુન્તો મૌલાહો ફ હાઝા અલીય્યુન મૌલાહો’

અને ત્યાર બાદ એક ફસીહ અને બલીગ ખુત્બાની શરૂઆતમાં પોતાની રહેલતના પછી પોતાના બાર જાનશીનોનું એલાન કર્યુ. જેમાં પ્રથમ અમીરૂલ્ મોઅ્મેનીન અલી(અ.સ.) છે. અને ખુબ જ વિસ્તાર પુર્વક પોતાના બારમાં જાનશીનનું ઐલાન કર્યુ, નામ બતાવ્યુ, કુન્નીયત બતાવી. (તેમનું નામ મારૂ નામ છે અને તેમની કુન્નીયત મારી કુન્નીયત છે.)

બેહારૂલ્ અન્વાર અને મુન્તખબુલ્ અસરમાં પોતાના આખરી જાનશીનનો જે ઉલ્લેખ કરેલ છે તે આ રીતે છે. વાંચકો માટે અમે રજુ કરીએ છીએ.

મુરસલે અઅ્ઝમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

  1. `અય લોકો! આગાહ થઇ જાઓ, હું અઝાબે ખુદાથી ડરાવનારો છું અને અલી(અ.સ.) હાદી અને રેહનુમા છે.’
  2. `ખબરદાર થઇ જાઓ, અય લોકો! હું પયગમ્બર છું અને અલી મારા વસી છે.’
  3. `આગાહ થઇ જાઓ ખાતેમુલ્ અઇમ્મા એટલે કે મહદી કાએમ(અ.સ.) અમારામાંથી છે.’
  4. `જાણી લો કે તે ઇમામ મઝહબો પર ગાલિબ આવશે’
  5. `ખબરદાર થઇ જાઓ, તેઓ તમામ ઝાલિમોથી બદલો લેશે.’
  6. `ખબરદાર થઇ જાઓ, તે વિજેતા અને કિલ્લાને તોડનાર અને સરહદોને મિટાવનારા હશે.’
  7. `આગાહ થઇ જાઓ કે તેઓ મુશ્રીકોના તમામ કબીલાને કત્લ કરનારા હશે.’
  8. `આગાહ થઇ જાઓ કે તે અલ્લાહ અઝ્ઝ વ જલ્લના તમામ અવલીયાનો ઇન્તેકામ લેશે’
  9. `આગાહ થઇ જાઓ કે તેઓ દીને ખુદાના નાસિર અને મદદગાર હશે.’
  10. `આગાહ થઇ જાઓ કે તેઓ ઉંડા સમુદ્રમાંથી નીકળેલી લહેરો લેતા અને સ્વચ્છ પાણીથી ભરપુર નદી જેવા હશે.’
  11. `આગાહ થઇ જાઓ કે તેઓ બતાવનારા હશે આલિમોને તેના ઇલ્મ થકી અને જાહિલોને તેની જેહાલતની સાથે સારી રીતે ઓળખનારા હશે’
  12. `આગાહ થઇ જાઓ કે તેઓ ઉચ્ચ-ચુંટાયેલા અને ખુદાના પસંદ કરાએલા હશે.’
  13. `ખબરદાર થઇ જાઓ કે તેઓ તમામ ઇલ્મોના વારિસ અને તે ઇલ્મો પર હાવી હશે.’
  14. `યાદ રહે કે તેઓ પરવરદિગાર તરફથી ખબર આપનારા અને હોંશીયાર કરનારા છે. તેના હુકમો અને ઇમાન વિશે.’
  15. `યાદ રહે કે તેઓ ડહાપણ અને હિદાયતવાળા શખ્સ છે. તાકતવાન, મજબુત અને પાયેદાર ઝાત છે.’
  16. `યાદ રહે કે તેઓ રેહનુમા, બાકી રહેલી હુજ્જતે ખુદા (બકીય્યતુલ્લાહ) છે અને તેના પછી કોઇ હુજ્જત નથી. હક ફક્ત તેમની અને તેમના નૂરની સાથે છે.’
  17. `યાદ રાખજો તેમના પર કોઇ ગાલિબ નથી થઇ શક્તું અને તેમને કોઇ હરાવી શક્તું નથી.’
  18. `યાદ રહે કે તેઓ લોકોની વચ્ચે અલ્લાહ તઆલાના વલી અને મદદગાર છે. તેઓ ખુદાની તમામ જાહેરી અને બાતેની બાબતોના અમાનતદાર છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ:૩૪, પાના:૨૧૩, મોઅજમે અહાદીસે ઇમામિલ્ મહદી, ભાગ:૫, પાના:૧૩૫, મુન્તખબુલ અસર, પાના:૧૭૪)

અહી ઓલમા લખે છે કે રસુલે ખુદા(સ.અ.વ.)એ ગદીરે ખુમમાં વિલાયતે અલી(અ.સ.)ને નસ્બ કરવા ઉપરાંત મહદી (અરવાહોના ફીદા) સિવાય અન્ય ૧૦ જાનશીનના વિશે એટલુ બધુ વિગતવાર અને સ્પષ્ટતા પૂર્વક તેમજ ફસાહત સાથે બયાન નથી કર્યુ. તેનું કારણ કદાચ એ હોય કે અગર પ્રથમ નુક્તો અને અંતિમ નુક્તાની સહીહ માઅરેફત હાસિલ થઇ ગઇ તો દરમીયાની રાબેતા અને વસીલા આપમેળે આવી જાય છે. ઇમામત હિદાયતનો એક સિલસિલો જે અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)થી શરૂ થાય છે અને હઝરતે મહદી(અ.સ.) પર પૂર્ણ થાય છે. આ ઇસ્ના અશરી સિલસિલો છે, તેમાં એહલેબૈત(અ.મુ.સ.) સિવાય બીજુ કોઇ નથી. આનુ બીજુ કારણ એ છે કે લોકો સારી રીતે જાણી લે-ઓળખી લે અને આપના પરિચયથી અજાણ ન રહે અને મુરસલે અઅ્ઝમની આ ખબરને પોતાના દિલના છુપાએલા ખાનામાં ન ફક્ત બાકી રાખે બલ્કે આવનારી પેઢીઓને આ નૂરની અમાનતના વારસદાર બનાવીને અને પોતાના અહદથી પસાર થઇ જાય જેથી  કયામત સુધી આવનારી ઉમ્મતે મુસ્લેમા આફતો અને બનાવોથી સુરક્ષિત રહે. નહીંતર ખુદાવંદે મોતઆલે આપના પવિત્ર અસ્તિત્વના માટે આટલો બધો બંદોબસ્ત ન કર્યો હોત કે જુના જમાનાથી આજ સુધી એક સતત ખબરોનો સિલસિલો અંબિયા, અવસિયા અને ખુદાના અવલીયાના થકી કાયમ ન રહેત. જ્યાં સુધી આ ખબરોના સિલસિલાના સમયનો સંબંધ છે, તેણે ચાર મંઝિલો લીધી છે.

પ્રથમ મંઝિલ:

એ જુની કિતાબોમાં આપનો ઉલ્લેખ જેમ કે વેદ, જરથુષ્ટને ત્યાં જામાસબ, ઇંજીલ અને ઝબુર.

બીજી મંઝિલ:

ગદીરે ખુમની જ્યાં મુરસલે અઅ્ઝમ (સ.અ.વ.) ને ખત્મે નુબુવ્વતની મહોર લગાવી અને પોતાના બાર જાનશીનોનું એલાન કર્યુ અને ઇમામ અલી(અ.સ.)ની વિલાયતનું અને બકીય્યતુલ્લાહીલ અઅ્ઝમનું વિગતવાર બયાન કર્યુ.

ત્રીજી મંઝિલ:

જ્યારે આપની વિલાદત બાસઆદત થઇ અને ઝુલ્મો સિતમના મહેલમાં એક હલચલ થઇ ગઇ (કેવી હલચલ થઇ તે ઇન્શાઅલ્લાહ હવે પછી કોઇ લેખમાં વર્ણવીશુ) ૬૯ વર્ષની ગયબતે સુગરામાં નવ્વાબે ખાસ જેમના નામો (૧) ઉસ્માન બિન સઇદ અમરી (૨) મોહમ્મદ બિન ઉસ્માન અમરી (૩) અબુલ કાસીમ હુસૈન બિન રૂહ નવબખ્તી (૪) અલી બીન મોહમ્મદ સમરી. તેમના વડે આપે ડહાપણ, હિદાયત અને ફરમાનો તથા અહકામનો સિલસિલો પોતાની તવકીઅ (પત્રો) થકી કાયમ રાખ્યો.

ચોથી મંઝિલ:

હી. ૩૨૯ માં આપ ગયબતે કુબરામાં તશરીફ લઇ ગયા અને મરાજેઅ કિરામ થકી લોકો સાથે પોતાનો રાબેતો કાયમ રાખ્યો. હવે એ સમય જેને ઝુહુરે પૂરનૂરનો સમય કહેવામાં આવે છે, પોતાના આસાર અને બરકતોની ખુશખબર એટલી દુર રહી ગઇ છે કે કોઇના આવવાની આહટ સંભળાય રહી હોય.

મુરસલે અઅ્ઝમ (સ.અ.વ.)ની આગાહીઓ જાણે સદાએ દિલનવાઝનો નવો લિબાસ પહેરી રહી છે. ઇન્સાનોના ખુનના દરીયા જરૂર ભરપુર છે. ન તો શહીદોના યતીમ બચ્ચાઓ આપના ઝુહુરથી માયુસ છે અને ન તો તેમની વિધવાઓ પોતાના મૌલાના કે જે મુન્તકીમ છે તેમના ઝુહુરથી પળભર માટે ગાફિલ છે.

આજે આખી દુનિયામાં જનાબે ઝહરા(સ.અ.)ના જીગરના ટુકડા ઇમામ હુસૈન(અ.સ.)નું માતમ થઇ રહ્યું છે, જે એલાન કરી રહ્યું છે કે જેટલુ દબાવવામાં આવશે તેટલું જ વધતું રહેશે એટલે કે મુન્તકીમે ખુને હુસૈન ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુરની આશાનો ચિરાગ દિવસથી પણ વધારે રોશન થતો જાય છે, જાણે કે ઉમ્મીદ અને ઇન્તેઝારની દુનિયા ઝગમગી રહી છે.

જ્યારે યહુદીઓ સાથે લેબનોનની જંગ થઇ તો એક મોઅમેના ઔરત પોતાના દુધ પીતા બાળકની લાશ લઇ જઇ રહી હતી. લોકોએ પુછ્યું હાથોમાં દુધ પીતા બાળકની લાશ અને હોઠો પર સ્મિત!? જવાબમાં શેર દિલ ખાતુને કહ્યું: શું આ બાળક અલી અસ્ગરથી વધારે કદ્રો કિમત ધરાવે છે?

માના સ્મિતે આ પરિસ્થિતમાં જાણે ઉમ્મીદોના બેશુમાર ચિરાગો પૂરી દુનિયામાં રોશન કરી દીધા અને ઝાલીમ કૌમને આગાહ કરી દીધી કે અમારા ઇમામે બરહકની નજરોથી બચીને ક્યાં જશો? તેઓ આવશે અને જલદી આવશે. તેના આવવાની આહટો સ્પષ્ટ સંભળાઇ રહી છે.

અલ્લાહ અઝ્ઝ વ જલ્લ આપણને સૌને એ જલીલુલ કદ્ર હસ્તી જે પરદએ ગયબતમાં છે જ્યારે ઝુહુર કરે તો તેમના અન્સારો અને મદદગારોમાં શામિલ કરે અને તે નેક, સાલેહ તથા ઇમાન પર સાબિત કદમ રહેનારા ખુદાના બંદાઓ જેમને જમીન પર કમઝોર કરી દેવામાં આવ્યા છે એટલે કે મુસ્તઝ્અફ છે તે ઇલાહી વાયદા મુજબ આ દુનિયાના વારિસ બને.

આમીન સુમ્મ આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *