ઇમામની મુલાકાત
શય્ખે જલીલ, ઇબ્ને અબી ફરાસ તેમના પુસ્તક ‘તન્બીહુલ ખાતીર’ ભાગ બીજાના અંતમાં અલી બીન જઅફર બીન અલી અલ હદાયની અલ અલવીથી નોંધ કરી લખે છે કે કુફામાં એક માણસ રહેતો હતો – ‘કસાર’, જે તેની સંયમશીલતા, તકવા અને પરહેઝગારી માટે મશહુર હતો અને તેની ગણના એવા લોકોમાં થતી હતી જેઓ અલિપ્તતા ધારણ કરી ગોશાનશીનીમાં (ઘરનો ખુણો ધારણ કરી) દુનિયાદારીના ટંટા ફસાદથી પોતાની જાતને અળગી રાખતા હતા. આવા લોકોનો દરજ્જો સાલેહીનની બરાબર થાય છે, એ માટે કે તેઓ તે મહાન હસ્તીઓ (સાલેહીન) નું અનુસરણ કરતાં કરતાં આ જગતમાંથી વિદાય લે છે.
શય્ખ ફરમાવે છે : એક દિવસ એવો સંજોગ ઊભો થયો કે હું મારા વડીલ પિતાની સેવામાં હાજર હતો કે આ પવિત્ર ગુણ ધરાવતો માણસ, કસાર, તે બેઠકમાં આવ્યો અને તેણે મારા પિતાને ખૂબજ આશ્ર્ચર્ય પમાડનાર પ્રસંગનું વર્ણન કર્યું. હું તેની વાતો સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું : ‘મસ્જિદે જોઅફા એક પુરાતન મસ્જિદ છે. જે કુફાની પાછળ આવેલી છે. અડધી રાતપસાર થઇ ચૂકી હતી હું મસ્જિદના એક ખૂણે એકાંતમાં એકલો બેઠો હતો અને ઇબાદતમાં મશગૂલ હતો. અચાનક મારી નજર ત્રણ વ્યક્તિઓ ઉપર પડી. જેઓ મસ્જિદમાં એક સાથે પ્રવેશ્યા.તેમાંથી એક માણસ આગળ વધ્યો અને મસ્જિદ વચ્ચે જઇને બેસી ગયો અને પોતાના હાથોને જમણી બાજુથી ડાબી બાજુએ ફેરવ્યા. હું જોઇને હેરાન થઇ ગયો કે જ્યાં તે માણસનો હાથ પહોંચતો હતો. ત્યાંથી સ્વચ્છ અને ચોખ્ખું પાણી બહાર આવતું હતું. તે માણસે વઝુ કર્યું અને તેના સાથીઓને પણ વુઝુ કરવાનો હુકમ આપ્યો. તે બન્ને વ્યક્તિઓએ પણ વ્યક્તિઓએ પણ વુઝુ કર્યું અને તે પાણી તેની મેળે ગાયબ થઇ ગયું તે પછી તે માણસ નમાઝની ઇમામતના માટે ઊભો થયો. મેં પણ મોકાના સમયને ગનીમત જાણી તે બન્ને નમાઝ પડનારાઓની વચ્ચે મારી નમાઝની જગ્યા બનાવી લીધી. નમાઝ પુરી થયા પછી મેં તે બન્ને વ્યક્તિઓને પુછ્યું : ‘ આ બુઝુર્ગવાર કોણ છે?’તે બન્ને વ્યક્તિઓના ચહેરા ઉપર સ્મિત પ્રસર્યુ અને તેમાંથી એકે જવાબ આપ્યો, ‘આ સાહેબુલ અમ્ર છે. આ હુજ્જત ઇબ્નીલ હસન અલ – અસ્કરી (અ.સ.) છે.’ મેં હિંમત કરીને આગળ વધીને મારા આકા અને મૌલાના હાથોને ચુમ્યા મારા ઉડી રહેલા હોશકોશને તેની મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરીને (ભેગા કરીને) આપ (અ.સ.) ને સવાલ કર્યો : ‘યબ્ન રસુલુલ્લાહ! શું શરિફ ઉમર બીન હમઝા હક્ક ઉપર છે?’ આપે ફરમાવ્યું : ‘નહિં, પરંતુ સંભવ છે કે તેને હિદાયત નસિબ થાય એ માટે કે તે એ સમય સુધી દુનિયામાંથી ચાલ્યો નહીં જાય જ્યાં સુધી મારી ઝિયારત ન કરી લે.’ મારા સ્મૃતિપટ ઉપર આ પ્રસંગ હંમેશા તાજો રહેતો હતો ત્યાં સુધી કે એક લાંબો સમય પસાર થઇ ગયો અને શરીફ ઉમર મૃત્યુ પામ્યો. પરંતુ એ વાત જાહેર ન થઇ કે તેને હઝરત (અ.સ.)ની મુલાકાતનો લાભ મળ્યો કે નહી.’
એક દિવસ હું શય્ખ ઝાહિદ કસ્સારની પાસે બેઠો હતો. મેં તે વખતે યાદ અપાવ્યું કે તમે એક દિવસ આ પ્રસંગ કહ્યો હતો કે શરિફ ઉમર બિન હમઝા મૃત્યુ નહિ પામે ત્યાં સુધી કે તેને હઝરત (અ.સ.) ની મુલાકાતનો લાભ ન મળે. મેં એટલા માટે દબાણપૂર્વક ફરી પાછુ પુછ્યું કે તે ઇન્કાર ન કરી શકે. તમે તે સમયે આ પ્રસંગ નહોતો કહ્યો? જ્યારે મારા વડીલ પિતાની મજલીસમાં આવ્યા હતા? તે માણસે જવાબ આપ્યો : ‘તમને કેમ ખબર પડી કે આં જનાબ (અ.સ.) એ તેને પોતાની ઝિયારતથી મહરૂમ રાખ્યો અને તે મૃત્યુ પામ્યો? હજુ થોડા દિવસ પણ પસાર નહોતા થયા કે મારી મુલાકાત શરિફ ઉમર બિન હમઝાના પુત્ર શરિફ ઇબ્ને અબીલ મુનાકીબ સાથે થઇ. મેં વાતચીત દરમ્યાન તેમના વડીલ પિતાશ્રીના બારામાં પુછ્યું તો અબીલ મનાકિબે કહ્યું : ‘એક દિવસ હું મારી મા પાસે બેઠો હતો. પિતાશ્રીની હાલત ખરાબ હતી. બિમારી ગંભિર હતી. શક્તિ રહી ન હતી, જીભ લગભગ બંધ થઇ ગઇ હતી, મૌતની નિશાની નઝદિક હતી. એજ સમયે મારા ઘરનો દરવાજો ખુલ્યો. એક માણસ જે ખૂબ જ ખૂબસુરત હતા તે ઘરમાં પ્રવેશ્યા. તે બુઝુર્ગવારના દાખલ થવા સાથે જ મારામાં ભય વ્યાપી ગયો. અને મારામાં તેમને પુછવાની હિંમત રહી નહિ તે માણસ સીધા મારા પિતાશ્રી પાસે ગયા અને તેમની પાસે બેસી ગયા. ધીરે ધીરે થોડી વાતો કરી. તે પછી તે ઉઠ્યા અને નઝરથી ગાયબ થઇ ગયા.’
મારા પિતાશ્રીએ તેની બધી શક્તિ એકઠી કરીને કહ્યું : ‘મને બેસાડો.’ મેં અને મારી માએ ટેકો દઇને તેમને બેસાડ્યા.મારા પિતાએ આસુ લુછીને આંખો ખોલી નાખી અને કહેવા લાગ્યા : ‘તે માણસ જે હમણાંજ મારી પાસે બેઠા હતા તે ક્યાં ચાલ્યા ગયા?’ મેં જવાબમાં કહ્યું : ‘તે જે તરફથી આવ્યા હતા તે તરફ ચાલ્યા ગયા.’ મારા પિતાએ કહ્યું : ‘દૌડો, જલ્દી જાવ, એમને બોલાવો.’ હું પાછળ પાછળ દોડ્યો પરંતુ જોયું તો દરવાજો તેવી જ રીતે બંધ હતો અને તેમનો ક્યાંય પત્તો ન હતો. તેથી પાછો ફર્યો. મારા પિતાને આ વાત કહી કે દરવાજો બંધ છે અને તેમનો ક્યાંય પત્તો નથી. તે માણસ નઝરથી ગાયબ થઇ ગયા છે અને તેનો પગરવ પણ સંભળતો નથી. મેં મારા પિતાશ્રીને તે માણસના બારામાં પુછ્યું. મારા પિતાએ કહ્યું : ‘મારા મૌલા હુજ્જત ઇબ્નલ હસન અસ્કરી હતા. તે સાહેબુલ અમ્ર હતા.’ તેમની સ્થિતિ બદલાઇ ગઇ. બિમારીની તીવ્રતા વધી અને બેભાન થઇ ગયા.
લેખકનું કહેવું છે કે અબુ મોહમ્મદ બીન હમઝા સાદાતે અજીલ્લામાંથી (જલીલલ કદ્ર સાદાત) હતા. શોરફા, ઓલમા અને ઓદબામાં (સાહિત્યકારોમાં) સૌથી શ્રેષ્ઠ હતા. તેઓ સ્ફૂર્ણાથી કાવ્ય રચવામાં – કાવ્યની પંક્તિઓ રચવામાં ઘણા જ હોશિયાર હતા. એક દિવસ મુન્તસર બિલ્લાહ અબ્બાસની સાથે જનાબે સલમાન ફારસી (ર.અ.) ની પવિત્ર કબર ઉપર ગયા, તો મુન્તસર બિલ્લાહે કહ્યું, અતિશયોક્તિ કરનારા શીયા કહે છે, જ્યારે સલમાન (ર.અ.) મૃત્યુ પામ્યા ત્યારે અલી (અ.સ.) એક રાત્રિમાં મદીનાથી મદાયન આવ્યા ગુસ્લ આપ્યું અને પાછા પણ આવી ગયા. આ વાત ઉપર મશ્કરીમાં (ખલીફા) હસવા લાગ્યો જેની ઉપર આપે તુરતજ શેર કહ્યા : તે શેરમાં તેનો જવાબ આપતા કહ્યું : આસિફ બરખેયા આંખના પલ્કારામાં બિલ્કીસનો તખ્ત લાવી શકતા હતા. મારા મૌલા અલી (અ.સ.) જે અજાયબીઓનું કેન્દ્ર છે તે એક રાતમાં મદીનાથી મદાયન જઇને પાછા ફરે તો લોકોને આશ્ર્ચર્ય થઇ રહ્યું છે.
મુલાકાતનો પ્રસંગ જોનારા લોકો માટે વર્ણન કરવામાં આવ્યો એ વર્ણન કરવાનો કોઇ હેતુ છે.
(1) વર્ણનના સંદર્ભથી અમે જણાય છે કે સમયના વહેણ સાથે તે પ્રસંગો ભુલાય ન જાય પરંતુ ઇતિહાસનો એક પ્રસંગ બની સંચવાય રહે મસ્જિદનો પ્રસંગ શય્ખની નજર સામે થયો. શરીફ ઉમર બીન હમ્ઝા અંગે પૂછવામાં આવ્યું. જેની ચર્ચા આલમે જલીલની મજલીસમાં થઇ અને કિતાબ ‘તન્બીહલ ખાતીર’ ની જીલ્દ રજી ના છેલ્લા ભાગમાં સચવાય ગયો.
(2) હઝરતનો મોઅજીઝો એ હતો કે જમીન આપના તાબામાં અને આજ્ઞાને આધિન છે. જમીનમાં છુપાએલી નેઅમતો આપ્નો હાથ ફરવાથી જાહેર થવા લાગી. બીજા શબ્દોમાં જમીન જેવી નિર્જીવ વસ્તુ ઇમામ (અ.સ.) ના સ્વભાવને ઓળખે છે. જમીને, વઝુનું પાણી સેવામાં હાજર કરીને બુદ્ધિજીવીઓ માટે, ચિંતનનું આમંત્રણ આપ્યું : અકલ રાખવાવાળાઓ તમારા ઇમામને ઓળખો.
(3) તકવા – પરહેઝગારી – સંયમશીલતા અને દુનિયાની બુરાઇઓથી બચવું આ બધી બાબતો આપણને અને આપણી આંખોને હઝરતના દિદારને લાયક બનાવે છે.
(4) મુસીબતો ઇમાન માટે કિમિયો છે. શું ખબર તે સમયે શું રહસ્ય હતું કે તે જનાબે (અ.સ.) પહેલાં ‘નકાર’ કર્યો? એટલે શરિફ ઉમર બિન હમઝાની બખ્શીશ અને તેના સત્યમાર્ગ ઉપર હોવાના પ્રશ્ર્નને પહેલે ‘નહી’ કહ્યું. પછી કહ્યું તેની હિદાયત થઇ શકે છે. પછી કહ્યું કે તે મૃત્યું નહી પામે જ્યાં સુધી મારી ઝિયારત નહી કરે. આપે મુલાકાત કરી, કયારે? તે સમયે જ્યારે માંદગીનો હમલો હતો. અને શરીફ ઉમર બિન હમઝા તેના જીવનની અંતિમ ક્ષણો પસાર કરી રહ્યા હતા. ખબર નથી કે કેવી તડપથી તેમણે હઝરતને બોલાવ્યા હશે. ગાલીબનો આ શેર સાચો પડ્યો :
‘મૈં બુલાતા તો હુ ઉસ્કો, મગર અય જઝબએ દિલ,
ઉસ્પે બન જાઓ કુછ ઐસી, કે બીન આએ ન બને.’
શું હજુ પણ શંકાને સ્થાન છે કે હઝરતની મુલાકાત અસંભવ છે? આપણામાં લાયકાત પેદા થાય તો કઇ વસ્તુ અશક્ય છે? સેવા કરવાની ભાવના પેદા કરવી તે આપણું કામ છે. સેવા કરવાની તક મેળવી તેની તૌફીક ત્યાંથી આવે છે.
Comments (0)