મન્સૂર અલ હલ્લાજ અને ઇમામે ઝમાના (અજ.)ની તૌકીઅ

ઇસ્લામના ઇતિહાસમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ છે જેમણે પોતાની માન્યતાઓ, લખાણો અને કથનો દ્વારા એવી એવી છાપ ઊભી કરી છે કે તમેની પ્રતિભાના વહેણમાં પ્રખર વિદ્ધાનો – વિશેષ અને સામાન્ય સૌ વહી જાય છે. તેવી વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું નામ છે અબુલ મુગીસ અલ હુસૈન બીન મન્સુર બીન મોહમ્મી અલ બૈઝાવી અલ હલ્લાજ, જે એક પ્રખ્યાત સુફી હતો. હલ્લાજ જેને ફારસી, તુર્કી અને ઉર્દૂ સાહિત્યમાં ‘મન્સૂર’ પણ કહેવામાં આવે છે. હિ.સ. 244માં ફારસ સુબામાં અલ બૈજાઅના ઉત્તર – પૂર્વમાં ‘અત્તૂર’નામની જગ્યામાં તેનો જન્મ થયો. કહેવાય છે કે હલ્લાજ એક અગ્નિપૂજકનો પૌત્ર હતો. એમ પણ કહેવાય છે કે તે રસુલ અકરમ (સ.અ.વ.) ના એક સાથી અબુ અય્યુબના વંશમાંથી હતો. હલ્લાજનો બાપ એક પીંજારો હતો. પરંતુ મન્સૂર પોતે પીંજારો ન હતો. તેનો બાપ ‘તૂર’ છોડીને ‘વાસીત’આવ્યો. વાસીત એક તાલુકો છે જેનો પાયો આરબોએ નાખ્યો હતો. જેની વસ્તીમાં બહુમતિ હમ્બલીઓની હતી. ગામડાઓના ઇલાકામાં લઘુમતીમાં શિયાઓ પણ હતા. આ વાતાવરણમાં હલ્લાજ ફારસી ભાષા બોલવાની શક્તિ ગુમાવી બેઠા હતો. ત્યાં કારીઓનો એક મહત્વનો મદ્રેસો હતો. તે જગ્યાએ બાર વર્ષની વય પહેલાં જ તેણે કુરઆન મજીદ મોઢે યાદ કરી લીધું. તે કિશોરાવસ્થામાં સુરાઓના ગુપ્ત અર્થ શોધવાની કોશિષ કરતો હતો. તેણે સહલ તુસ્તરીના સુફીઓના મદ્રેસામાં શિક્ષણ મેળવ્યું.
વીસ વર્ષની ઉમરે તે સહલ તુસતરીને છોડીને બસરા ચાલ્યો ગયો ત્યાં તે અમ્રૂ બીન ઉસ્માન અલ મક્કીના તરિકતના (સુફીના) સિલસિલામાં જોડાઇ ગયો તેણે અબુ યઅકુબ અલ અકતઅની પુત્રી ઉમ્મુલ હુસૈન સાથે લગ્ન કર્યા. તેને ત્રણ પુત્રો હતા અને એક પુત્રી હતી. આ લગ્ન ના કારણે ઉસ્માન અલ મક્કી તેનાથી ઇર્યા કરવા લાગ્યો. અને તેના વિરોધી થઇ ગયો. જો કે અલ હલ્લાજ ઉપર અતિશોયક્તિવાળા શીયા થવાનું તોહમત મૂકવામાં આવ્યું, પણ વધારે પડતા લખાણોથી એ જાહેર થાય છે કે હલ્લાજ આખી જીંદગી સુન્ની અકીદો ધરાવતો હતો. (જુઓ લેખ અલ હલ્લાજ ઇસ્લામી ફિલોસોફીના ઇતિહાસમાં (અંગ્રેજી) સંકલન એમ. એમ. શરિફ, ભાગ – 1, પાના 346)
હલ્લાજના સંબંધો મશહુર સુફી જુનૈદ સાથે પણ હતાં. તેની સલાહ લેવા માટે તે બગદાદ ગયો. પરંતુ તેની શિખામણ છતાં પોતાના સસરા અલ અકતઅ અને અમરૂ અલ મક્કીના આપસમાં સંઘર્ષથી તંગ થઇને ‘બગાવતે ઝબ્હ’ના કચડાઇ જવા પછી તુરત જ મક્કા ચાલ્યો ગયો. અને પહેલી હજ કરી અને રોઝા અને ઇબાદતની હાલતમાં એેક વરસ હરમમાં રહેવાની કસમ ખાધી. આ રીતે તે ‘ઇત્તેહાદ’ના માટે પોતાની અંગત રીતની અજમાવી રહ્યો હતો. અને ‘હિફઝે સરર – ભેદના રક્ષણ’ના સિદ્ધાંતનો વિરોધ કરવાની સાથે જ તેની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી. આથી અમરૂ અલ – મક્કી એ તેની સાથે ના સંબંધો તોડી નાખ્યા. તેમ છતાં તેના મુરીદો તેની આજુ બાજુ ભેગા થતા રહ્યા.
ખુઝીસ્તાન પાછા ફરીને તેણે સુફીનો પહેરવેશ તજી દીધો અને સામાન્ય માનવીનો દેખાવ કરી લીધો. જેથી વધુ સ્વતંત્રતાથી બોલી શકે અને તબ્લીગ કરી શકે. તેના આમંત્રણ ના સ્વરૂપથી તેને શંકા અને દુશ્મનીનું નિશાન બનાવવામાં આવ્યો. તેની તબ્લીગનો મુખ્ય હેતુ દરેકને એવો લાયક બનાવવાનો હતો કે પોતાના દિલની અંદર જ અલ્લાહ તઆલાની શોધ કરી શકે. આ કારણથી તેનું લકબ ‘હલ્લાજલ અસ્રાર’(ભેદોને પીંજનારો) પડી ગયું. હલ્લાજ જુદા જુદા સમયે, જુદા જુદા શહેરમાં, જુદા જુદા લકબોથી મશહુર થયો. ઇબ્ને કસીરના મત પ્રમાણે હિન્દના લોકો તેને ‘અબુલ મુગીસ’, ખુરાસાનવાળા તેને ‘અબુલ મોમય્યઝ’, ફારસવાલા ‘અબુલ અબ્દુલ્લાહ ઝાહેદ’, ખુઝીસ્તાનવાળા ‘હલ્લાજુલ અસ્રાર’, બગદાદવાળા ‘મુસ્તલીમ’ અને બસરાવાળા ‘મોહય્યર’ કહેતા હતા. (અલ બદાયાહ વન નહાયા, ભાગ-11, પા. 133) પરંતુ જુદી જુદી લાક્ષણિકતાઓને કારણે તે બદનામ થઇ ગયો. અમૂક સુન્ની અને ઇસાઇઓ જેમાંથી અમૂક પાછળથી બગદાદના વઝીર બન્યા, તેઓ તેના શિષ્યો થયા. પરંતુ લગભગ બધી જમાતોમાં તે અસ્વિકાર્યો બન્યો. શીયા અને સુન્ની વિદ્વાનોએ તેના ઉપર છળ કપટ અને ખોટી કરામતો દેખાડવાન આરોપ મૂક્યો.
પોતાના ચારસો શિષ્યોની સાથે તેણે બીજી હજ કરી જ્યાં તેને અમૂક જુના દોસ્તો અને સુફીઓએ તેના ઉપર જાદુ અને જીન્નાતો સાથે સંપર્ક રાખવાનો આક્ષેપ મુક્યો. આ હજ પછી પણ તેણે હિન્દુસ્તાન અને તુર્કિસ્તાનનો લાંબો પ્રવાસ કર્યો. જ્યાં તેણે ‘હિન્દુમત’ ‘બોદ્ધ મત’ જેવા ધર્મના લોકો સાથે સંપર્ક થયો. (જુઓ તઝકેરતુલ અવલિયા, મકાલા હુસૈન બીન મન્સૂર હલ્લાજ) હિ.સ. 290ની આસપાસ તેણે ત્રીજી અને અંતિમ હજ કરી. આ વખતે એક પોટલી ખભા ઉપર હતી અને ‘ફોતા’ એટલે હિન્દુસ્તાની ધોતીની લુંગી બાંધી હતી. અરફાતના મેદાનમાં તેણે અલ્લાહ પાસે દુઆ કરી, ‘અય ખુદા! મારો નાશ કરીદે અને દુનિયાની નજરમાં મને મરદુદ બનાવી દે.’ આ હજ પછી તે ફરી બગદાદ આવ્યો. તેણે પોતાના ઘરમાં કાઅબાનો નમૂનો બનાવ્યો. રાતના સમયે કબરો ઉપર ઇબાદત કરતો અને દિવસના સમયે બજારો કે શેરીઓમાં જઇને અલ્લાહ તઆલાથી પોતાના ઇશ્કની દિવાનગીનો દેખાવ કરતો. પોતાના માટે કૌમની નજરમાં મરદૂદ થઇને મારવાની ઇચ્છાની જાહેરાત કરતો અને કહેતો : ‘એ મુસલમાનો મને અલ્લાહથી બચાવો. અલ્લાહે મારા ખૂનને તમારા માટે જાએઝ કર્યું છે. મને મારી નાખો.’ હલ્લાજની આ જાહેરાતથી મોહમ્મદ બીન દાઉદ અઝ ઝાહેરી ખૂબ કચવાયો. તેણે અદાલતમાં હલ્લાજને દોષિત ઠરાવ્યો અને તેને મૌતની સજા કરવાની માગણી કરી. પરંતુ શાફેઇ ફીકહના ઇબ્ને સુરય્યજના મત મુજબ સુફીના હાલ અને દરજ્જો અદાલતોના કાર્યક્ષેત્રની બહાર છે. તે સમયમાં હલ્લાજે અલ મન્સૂરની મસ્જિદમાં શિબ્લીને પોતાનું તરંગી – ખયાલી વાક્ય કહ્યું : ‘અનલ હક્ક’ હું હક્ક (ખુદા) છું કારણ કે ખુદાની સિવાય મારી પાસે કોઇ ‘અના’ નથી. અંતે હી.સ. 290માં કમસીન અબ્બાસી ખલીફા અનલ મુક્તદિરનો વઝીર ઇબ્નલ ફુરાત જે એક શીયા અર્થશાસ્ત્રી હતા, તેણે હલ્લાજને પકડ્યો અને તેના ઉપર દાવો માંડ્યો. પછી હલ્લાજને બગદાદ લાવવામાં આવ્યો. જ્યાં તે સુન્ની અકીદાના હામીદની દુશ્મનીનો શિકાર બની નવ વર્ષ સુધી કેદ રહ્યો. હી.સ. 301માં વઝીર ઇસાએ, જે હલ્લાજના એક શિષ્યનો કાકાનો દિકરો ભાઇ હતો, તેની (હલ્લાજના) વિરૂદ્ધના મુકદ્દમાને બંધ કરાવી દીધો અને હલ્લાજના હિમાયતીઓ જે કૈદમાં હતા તે સૌને છોડી દીધાં. હિ.સ. 303માં તેણે ખલીફાની તાવની માંદગીનો સફળ ઇલાજ કર્યો. હિ.સ. 305માં વલી અહદના પોપટને ફરી જીવતો કરી દીધો. મોઅતઝલીઓ તેની આ ‘અતા’ઓને અને જાદુગરી માટે તેની બહુજ ટીકા કરી. તે દરમ્યાન હિ.સ. 304 – 306 માં વઝીર ઇબ્ને ઇસાની જગ્યા પર ઇબ્નુલ ફુરાતને નિમવામાં આવ્યો, જે હલ્લાજ ઉપર બીજી વખતે મુકદ્દમો ચલાવવા ન દીધો. એમ લાગે છે કે હલ્લાજના સૌથી વધુ મહત્વના પ્રકાશનો પૈકી બે તેજ સમયના છે. (1) તાસીનુલ અઝલ – જે શયતાન પર ગાંડપણ ભર્યો ટીકાત્મક સંગ્રહ છે. (2) બીજી આં હઝરત (સ.અ.વ.) ની મેઅરાજ ઉપર એક તરંગી – ખયાલથી ચર્ચા છે. જ્યાં એ વિચાર રજુ કરવામાં આવ્યો છે કે આં હઝરત (સ.અ.વ.) ના રૂહાની અનુભવના કારણે અલ્લાહ તઆલા અને બંદાઓ વચ્ચે ‘ઇત્તેહાદ’શક્ય છે. હસયન બીન રૂહ નૌબખ્તીની અસરથી મુકદ્દમો ફરી વાર શરૂ થઇ ગયો. હિ.સ. 307-309 તેના ઉપર દલિલો ચાલી. હલ્લાજે કહ્યું ‘કાબા દિલની અંદર છે. મુખ્ય બાબત તેનો સાત વખત તવાફ કરવાનો છે.’ આ માટે તેની ઉપર એક કિરમતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. (અને એ જાહેર છે કે કિરમિતી (એક કબીલો) કાબાનો નાશ કરવાના મતના હતાં.) અ મુકદ્દમાના માલેકી કાઝી, અબુ ઉમર બીન યુસુફે આ ફેંસલો સંભળાવ્યો ‘તમાં લોહી વહાવવું જાએઝ છે.’
છેવટે અબ્બાસી ખલીફા અલ મુક્તદિરે હલ્લાજની ફાંસીના વોરંટ ઉપર સહી કરી દીધી. 24 ઝીલ્કાદના બાબે ખુરાસાનમાં હલ્લાજને, જેના માથા ઉપર એક તાજ રાખવામાં આવ્યો હતો, એક મોટા જનસમુદાયની સામે મારી મારીને અઘમૂઓ કરી દીધો. અને પછી દરવાજા ઉપર લટકાવી દીધો.તેનું માથું કાપી નાખવાનો ખલીફાનો હુકમ મોડી રાત્રે આવ્યો હકીકતમાં તેને ફાંસી આપવાના હુકમને બીજા દિવસ માટે મુલત્વી રાખ્યો હતો. જે લોકોએ સહી કરી હતી, તેઓએ મોટા અવાજે કહ્યું : ‘જે કાંઇ પણ થયું છે, ઇસ્લામને ખાતર થયું છે તેના ખૂનનો ભાર અમારા શીરે આવવા દો.’ હલ્લાજનું માથું કાપી નાખવામાં આવ્યું. પછી તેના શરીર ઉપર તેલ છાંટીને તેને સળગાવી દેવામાં આવ્યો. અને એક મિનારા ઉપરથી તેની રાખને દજલા નદીમાં વહાવી દેવામાં આવી. આંખે દેખ્યા સાક્ષિઓ કહે છે કે આ દુષ્ટ અકિદાવાળા માણસના અંતિમ શબ્દો હતાં. ‘આરિફ માટે જે વાત મહત્વ ધરાવે છે તે એ છે કે, અલ્લાહ જલ્લ જલાલોહુની મરજીથી તેનો સંપૂર્ણ (ભૌતિક) ઇત્તેહાદ થઇ જાય.’
મુકદ્દમામાં હલ્લાજની વિરૂદ્ધ મોટા મોટા ધાર્મીક, રાજકિય, નાણાંકીય અને હકુમતની વિરૂદ્ધ કાવતરૂ કરવાના આરોપો મૂકવામાં આવ્યા. તેના ઉપર અલ્લાહની શાનમાં ગુસ્તાખી અને હલુલ (અલ્લાહની સાથે ભૌતિક એક્ય) ના દાવા કરવાના આરોપો મૂકવામાં આવ્યા. તેની એ પરેશાન હાલતને, કે મઝહબી ઇબાદતની નીશાનીઓને આંતરિક મહત્વ અપાય, એ ખુદ એ નીશાનીઓને નષ્ટ કરવાની એક હલકી, તુચ્છ અને તિરસ્કૃત ઇચ્છા ગણવામાં આવી. ‘હલુલ’ વિષે હલ્લાજે ખરેખર લખ્યું હતું કે ‘તારી (ખુદાની) રૂહ મારી રૂહ સાથે ભળી થઇ છે. જે રીતે અમ્બર સુગંધિત કસ્તુરી સાથે ભળી જાય છે.’(દિવાને હલ્લાજ, તરજૂમો માસીનુન – 41) અને સૌથી વધીને ‘અમારી બે રૂહો જે એક જ શરીરમાં નાખવામાં આવી છે.’ (‘હલલના’, તેજ પુસ્તક પાના નં. 58)
ઉપર જણાવેલ કથનથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે મન્સૂર હલ્લાજ જ ઇમામે ઝમાના (અ.સ.) ની ‘ગૈબતે સુગરા’માં જીવન પસાર કરતો હતો તે એક મુશ્રિક હતો જેણે ઇસ્લામની પાયાની ‘તૌહિદ’ની માન્યતાનો વિરોધ કર્યો હતો.
મન્સૂરે હલ્લાજ અને નયાબનો દાવો
ગયબતે સુગરાના જમાનામાં હલ્લાજ તે લોકોમાંથી હતો જેઓએ નયાબતે ખાસ્સાનો દાવો કર્યો હતો. હસયન બીન ઇબ્રાહીમ અબુલ અબ્બાસ અહમદ બીન અલી બીન નુહ અને તે અબુ નસ્ર હેબતુલ્લાહ બીન મોહમ્મદ કાતીબ ઇબ્ને બિન્તે ઉમ્મે કુલ્સુમ બિન્તે અબી જઅફર ઉમ્રવીએ રિવાયત કરી છે કે ‘કારણકે ખુદાવંદે મોતઆલએ ઇરાદો કર્યો કે હસયન બીન મન્સૂર હલ્લાજને બદનામ કરે અને તે તિરસ્કૃત થઇ જાય, એ માટે અબુ સહલ બીન ઇસ્લામ બીન અલી નૌબખ્તી (ર.અ.) તે લોકોમાંથી હતા. જે હલ્લાજની ચાલાકી અને મકર તથા ફરેબને જાણી ગયા. હલ્લાજને એવું ગુમાન હતું કે અબુ સહલ અજ્ઞાત છે અને કંઇ જાણતા નથી. તે તેમની પાસે ગયો અને તેમને પોતાની સાથે લેવાની કોશિષ કરી. શરૂઆતમાં તેણે અબુ સહલને લખ્યું કે ‘હું હઝરત વલી અસ્રનો પ્રતિનિધી છું. આં હઝરત (અ.સ.) એ મને હુકમ આપ્યો છે કે હું આપની સાથે પત્રવ્યવહાર કરૂં. આપના કામમાં આપની મદદ કરૂં. જેથી આપના દિલને ખાત્રી થાય.’ અબુ સહલે જવાબમાં લખ્યું : ‘મારે તમારૂં એક નાનુ એવું કામ છે અને મને ખબરજ છે કે તમે કરામતથી મોટા ભગીરથ કામો પાર પાડ્યા છે. તેની સરખામણીમાં આ એક હલ્કુ કામ છે. તે એ છે કે હું કનીઝો સાથે ખૂબ દોસ્તી કરૂં છું. પરંતુ મારા સફેદવાળને કારણે તેઓ મારાથી દૂર ભાગે છે. મને હિના લગાડવામાં ઘણો શ્રમ પડે છે. જો તમે મારૂં આ એક કામ કરી આપો. ઝુલ્ફો સંપૂર્ણ રીતે હંમેશ માટે કાળી કરી દો, તો હું તમને મદદ કરીશ. જે કાંઇ તમે કહેશો તેનું અનુસરણ કરીશ. જ્યારે હલ્લાજને આ જવાબ મળ્યો તો તે સમજી ગયો કે અબુ સહલ તેની બનાવટને જાણી ગયો છે. તેથી વધુ પત્રવ્યવહાર બંધ કરી દીધો.’
શય્ખ સદ્દુક (ર.અ.) નું બયાન છે કે ‘હલ્લાજ કુમ ગયો. ત્યાં તેણે મારા સગાઓને પત્ર લખીને પોતાના હેતુ તરફ આમંત્રણ આપ્યું. સગાઓએ આ પત્ર મારા પિતાશ્રીને રજુ કર્યો. જેમણે તે ફાડીને ફેંકી દીધો. જવાબમાં (સગાઓને) લખ્યું કે આ કેવી બેહદી વાત લખી છે. ક્યા જાહિલના ચક્કરમાં પડી ગયા છો? ક્યા નાદાને તમને આ કાર્યને માટે તૈયાર કર્યા છે?’
હલ્લાજના આ દાવાના કારણે તેને કુમ શહેરથી અપમાનીત કરીને બહાર હાંકી કાઢ્યો.
હલ્લાજના આ ખોટા દાવા અને મૂર્ખામીભર્યા કથનને કારણે હઝરત વલીએ અસ્ર (અજ.) એ તેના પર લઅનત કરી અને એક તૌકીઅ (ફરમાન) લખી મોકલાવી, જે અમે અહીં રજુ કરીએ છીએ.
‘અને અમે અલ્લાહ તઆલા અને તેના રસુલ (સ.અ.વ.) ની બારગાહમાં તેનાથી રક્ષણ માંગીએ છીએ અને અમે તેની ઉપર એક પછી એક અલ્લાહની લઅનત મોકલીએ છીએ, અમારા જાહેર અને બાતીનથી, છુપાઇને અને સ્પષ્ટ રીતે, દરેક વખતે અને દરેક સંજોગોમાં, દરેક એ માણસ ઉપર જે તેનું અનુસરણ કરે છે, જેને અમારા આ સંદેશો પહોંચે તે પછી પણ તે તેનું અનુસરણ કરે (તેના પર પણ).’(કલેમતુલ ઇમામ મહદી, પાનુ 282)
આ તૌકીઅ (ફરમાન) દ્રષ્ટિ સમક્ષ રાખીએ તો એક વાત આપણાં માટે સ્પષ્ટ થઇ જાય છે કે હલ્લાજ જેવા જુઠ્ઠા અને ધોકેબાજ માટે અહલેબૈત (અ.સ.) ની નીકટ કોઇ સ્થાન નથી અને આ ફરમાનની અસર હતી કે શીયાના મહાન આલિમો અને બુદ્ધિજીવીઓએ ગયબતે સુગરામાં અને તે પછી ગયબતે કુબરાની અમૂક સદીઓ સુધી મન્સૂરને તિસ્કૃત કર્યો. પરંતુ સાતમી સદી પછી થોડા ફિલ્સુફીઓ અને બુદ્ધિમાનોએ મન્સૂર હલ્લાજની તરફેણ કરવાની શરૂઆત કરી અને ઇમામે ઝમાના (અ.સ.) ની તૌકીઅ (ફરમાન) ની અવગણના કરીને તેને વલીયુલ્લાહ કહેવાનું શરૂ કરી દીધું. માત્ર એટલું જ નહિ, કે અમૂક લોકોએ તેની શાનમાં કસીદા કહ્યા પરંતુ હલ્લાજની જેમ ‘હું ખુદા છું’ કહેવાની જીદ ઉપર પણ અડગ રહ્યા. ખુદા બહેતર જાણે છે કે મન્સૂરની કઇ અદા તેઓને પસંદ આવી ગઇ કે ઇમામ મઅસુમ (અ.સ.) ની જાહેર કથન – લઅનત કરવા પછી પણ તેઓએ એક જુઠ્ઠા, મુક્કાર, ફરેબી અને દગાખોરની મોહબ્બત અને અનુસરણ કરવાની જાહેરાત કરી જ્યાં ઇમામે ઝમાના (અજ.) એ સાફ સાફ ઇરશાદ ફરમાવ્યું છે કે જેણે પણ તેનું અનુસરણ કર્યું તેના ઉપર પણ લઅનત છે.
આવો આપણે સૌ સાથે મળીને દોઆ માટે હાથ ઉંચા કરીએ કે ખુદા આપણને તૌફીક આપે કે આપણે સત્ય અને અસત્યને જુદા પાડી તેના ભેદ પામી શકીએ અને ખોટા દાઅવા કરનારાઓનથી દૂર રહીએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *