શિયાઓનું બંધારણ

બિસ્મીલ્લાહીર રહમાનીર રહીમ – સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરીકના.
શિયાઓનું બંધારણ
રસૂલે ખુદા (સ.અ.વ.) નો ઇરશાદ છે કે : ‘ઇન્ની તારેકુમ ફી કોમુસ્સ્સકલૈન કિતાબલ્લાહે વ ઇતરતી વ ઇતરતી …. અર્થાંત હું તમારી વચ્ચે બે મુલ્યવાન અમાનત કુરઆન અને મારી ઝુર્રીયતને મૂકીને જઇ રહ્યો છું.’
શિયાઓએ કુરઆન અને માઅસુમીન અલયહેસ્સલામના ઇરશાદાતને પોતાના જીવનના સિદ્ધાંત અને જીવન ક્રમ બનાવી લીધા છે. કારણ કે આ બંને કોઇ પણ યુગમાં ક્યારેય પણ જુદા નહીં થાય આજ ઇરશાદમાં આપ (સ.અ.વ.) આગળ ફરમાવે છે. : ‘લન યફતરેકા હત્તા યરેદા અલય્યલ હવ્ઝ’ એટલે કે એકબીજાથી હરગીજ જુદા નહીં થાય ત્યાં સુધી કે કયામતના દિવસે બંને સાથે સાથે રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં હૌઝે કવસર પર આવી મળશે. આનાથી સ્પષ્ટ થાય છે કે કુરઆન અને ઇતરતથી વિખૂટા પડવાનો અર્થ ઇસ્લામના ટુકડે ટુકડા કરી નાખવા તેવો થશે. જ્યારે ઇસ્લામના ટુકડે ટુકડા થઇ જશે. ત્યારે તે “ઇસ્લામે મોહમ્મદી નહીં કહેવાય, પણ બીજો કોઇ ઈસ્લામ કહેવાશે.
શિયા સમાજ માટે અનુસરણનું કેન્દ્ર
જે પરિવાર કુરઆની વહી નાઝીલ થવાનું કેન્દ્ર છે, તે પરિવાર શિયા પરિવારો અને સમાજ માટે અનુસરણ કેન્દ્ર છે. એ ઘર છે જ્યાં સ્વયં નબીએ અકરમ (સ.અ.વ.) અને ફરિશ્તાઓ હંમેશા આવ – જા કરતા હતા એ ઘરમાં સંપૂર્ણ ઇસ્લામ અને સંપૂર્ણ ઇમાન સુરક્ષિત હતું અમીરૂલ મોઅમેની અલયહીસ્સલામના પવિત્ર ઘરમાં હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ અને મવલાએ કાએનાત, પિતાની હેસિયતથી શિયાઓ માટે દ્રષ્ટાંતરૂપ હતા. શિયા માતાઓ માટે માસુમને કોનૈન ફાતેમા ઝહેરા સલામુલ્લાહે અલયહા સંપૂર્ણ નમૂના – એ – અમલ હતા. શિયા સંતાનો માટે ઇમામ હસન અલયહીસ્સલામ ઇમામ હુસૈન અલયહીસ્સલામ અને જનાબે ઝયનબે કુબરા તેમના નકશે કદમ પર ચાલવા માટે બોધરૂપ છે. શિયાઓ હંમેશા એ વાત માટે પ્રયત્નશીલ રહે છે કે તેઓનું અનુસરણ કરી તેમના માર્ગદર્શન પ્રમાણે જીવન વીતાવે.
શિયાઓ ઇસ્લામની અન્ય બાબતોની સાથે બે વિશેષ બાબતોમાં માન્યતા ધરાવે છે. અને તે વિશેષતાથી બીજા ફીરકાઓથી જુદા ઓળખવામાં આવે છે. જે બે બાબતો છે. (1) અદાલત (2) ઇમામત
(1) અદાલત: શિયાઓ ‘અદલ’ ને ઉસૂલે દીનનો ભાગ સમજે છે. તમેજ અંબિયા અલયહેમુસ્સલામ અદલો ઇન્સાફ ફેલાવવા માટે આવ્યા હતા, તેમ માને છે. અને પોતાને અંબિયા અલયહેમુસ્સલામના વારસદાર સમજે છે તેમજ અદલો ઇન્સાફ જાળવવાને પોતાની જવાબદારી સમજે છે. તેમજ દુનિયામાં અદલો ઇન્સાફની હુકુમત કાયમ કરવા માટે લોકોને તૈયાર કરવા માટે પ્રયત્નશીલ રહે છે. જેથી ઇમામે ઝમાના અલયહીસ્સલામ દ્વારા એક અદલો ઇન્સાફ પૂર્ણ હુકુમતની સ્થાપ્ના થઇ જાય અને દુનિયા ભરમાંથી ઝુલ્મ – અત્યાચારની નાશ થાય.
(2) ઇમામત: શિયાઓ પાયાના દ્રષ્ટિકોણ અને અકાએદ પૈકીનો એક અકીદો ‘ઇમામત’ વિશેનો પણ છે. અંબિયા અલયહેમુસ્સલામની રિસાલતનો સિલસિલો ઇમામત દ્વારા રહ્યો છે. આ રીતે ખુદાના પયગબરોની નબુવ્વત અને રિસાલતનો ક્રમ પુરો થવા પછી તેઓની ફરજો અને ઇલાહી બંધારણ અને કાનૂનોનો અમલ કરવવાની જવાબદારી એવી વ્યક્તિઓ ઉપર હોવી જોઇએ. જેઓ પયગમ્બરે ખુદાની શબીહ (સમાન) હોય અને તેઓની કાર્યપદ્ધતિનો અમલ ચાલુ રહે. જેથી અંબિયાએ કેરામના આશય અને હેતુ તેમજ તેઓએ ઉઠાવેલી ઝેહમતોને ભૂલાવી ન દેવાય. જે પવિત્ર હસ્તીઓ, આ મહાન ફરજ બજાવવાની જવાબદારી ઉઠાવી ઉમ્મતને માર્ગદર્શન આપવાના ભારને પોતાના ખભા ઉપર ઉઠાવે છે તેઓ “માસૂમ ઇમામો” હોય છે અને તે ઇમામો જ અંબિયા અલયહેમુસ્સલામની જેમ માસુમ અને ગુનાહોથી પાક હોય છે. એવી વ્યક્તિઓમાંથી આજે પણ એક પવિત્ર હસ્તી, અંતિમ રહેનુમા, પેશ્ર્વા, ઇમામે હસન અસ્કરી અલયહીસ્સલામના દિલબંધ, હઝરત ઇમામ વક્ત, અંબિયા અને અઇમ્મએ માસુમની અલયહેમુસ્સલામના વારસ મૌજૂદ છે. તેઓ તેમના આગમન (ઝુહુર અને કયામ) અને ઇન્કેલાબથી અદલે – ઇલાહીના કાનૂનોને નવું જીવન અર્પણ કરશે. વિશ્ર્વમાં એ હઝરત (અ.સ.) નું આગમન અને ઇન્કલાબ પયગમ્બરના પવિત્ર કયામની અંતિમ કડી હશે. તેઓના સ્વાગત માટે આજે પણ દુનિયાના લોકોની આંખો પ્રતિક્ષા કરી રહી છે. ઉપરના બંનેના પાયાના સિદ્ધાંતો (અદાલત અને ઇમામત) ને લક્ષમાં લેતા શિયાઓની જવાબદારી સ્પષ્ટ થઇ જાય છે કે તેઓ નબુવ્વત અને ઇમામતની જાળવણીની મહાન જવાબદારીનો સંગીન બોજ કેવી રીતે નીભાવે છે ? અને કેવી રીતે અદલ – ઇન્સાફનો ફેલાવો કરવા, ઝુલ્મ – સિતમથી પોતે દૂર રહી ઇમામે ઝમાના (અ.સ.) ના ઝુહુર અને ઇન્કેલાબ માટે રસ્તો સાફ કરવાની જવાબદારી નીભાવે છે ?
એક સાચા શિયાની લાક્ષાણિકતા એ છે કે ઇસ્લામ અને ઇન્સાનિયતનું રક્ષણ કરવા, ઝુલ્મ અને અત્યાચાર સામે ટક્કર લેવા અને અદલો ઇન્સાફના અમલીકરણ માટે દરેક જમીનને ‘જમીને કરબલા’ અને દરેક દિવસને ‘આશુરાનો દિવસ’ સમજે છે. કારણ કે એક બાજુથી તો એ રિસાલત અને ઇમામતનો દાવેદાર અને રક્ષક છે અને બીજા બાજુથી રિસાલત અને ઇમામતના અહકામ તેમજ અદલો ઇન્સાફ કાયમ કરવાની જવાબદારી પણ તેનાં શીરે છે. એ સંજોગોમાં શું આપણને એ વાતની પ્રતિતિ છે કે આપણી નાની એવી ભુલ, સુધારવા એવી શરતચૂક અને આપણો ગૈર ઇસ્લામી અમલ આપણી વિચારધારા અને ઇસ્લામ માટે એવી લપડાક બની જશે જેની ક્ષાતિપૂર્તિ કરવી આપણા માટે અશક્ય બની જશે ?
આથી આપણે એ હકીકત પ્રત્યે સજાગ રહેવું જોઇએ કે : આપણે પહેલા કરતા વધારે જવાબદારીઓ વહન કરીએ. આપણા કાર્ય અને ચારિત્ર્ય આપણી કાર્યપ્રણાલિકા ઇન્સાની અને ઇસ્લામની હોવી જોઇએ. આપણો અમલ અદલો ઇન્સાફ, તકવા અને પરહેઝગારી, પ્રતિભા અને ઇસ્લામી દૃષ્ટિકોણથી પૂર્ણ હોવી જોઇએ તમામ ક્ષેત્રોમાં ઇસ્લામની મહાનતા બુઝુર્ગી અને પ્રતિભાનું રક્ષણ કરવું જોઇએ. આપણે બીન ઇસ્લામી ચારીત્ર્ય પ્રદર્શીત કરીને મિલ્લતે શિયા માટે શરમ અને લજ્જાનું કારણ ન બનવું જોઇએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *