મરવાન બીન હકમ લ.અ.
ખબીસોની વંશાવળી મરવાન બીન હકમ લ.અ. રસુલે ખુદા સ.અ.વ.એ જેને તડીપાર કરેલ
ખુદાવંદે આલમે પોતાના હબીબ હઝરત ખત્મી મરતબત મોહમ્મદ સ.અ.વ. અને આપના અહલેબય્તે અત્હાર અ.સ.ના દુશ્મનોની નિશાનીઓ તેની કિતાબ કુરઆને મજીદમાં કરી દીધી છે. હક અને બાતિલ, ઝાલિમ અને મઝલુમને એક બીજાથી જુદા પાડી દીધા છે. તેમ છતાં ઝુલ્મ અને સિતમ કરનારાઓના તરફદારોની આંખો નથી ખુલતી. કદાચ એટલાજ માટે કુરઆને મજીદ વારંવાર જુદા જુદા અંદાઝમાં આ લોકોને ઢંઢોળે છે અને કહે છે: વ અન્તુમ તત્લૂનલ કેતાબ અફલા તઅકેલુન. બકરહ ૪૪. જો કે તમે ખુદાની કિતાબ બરાબર વાંચો છો તો પછી અક્કલથી કામ કેમ નથી લેતા?
અફલા તઅકેલુન ને વારંવાર કુરઆને મજીદે ૧૩ વખત કહ્યું છે. આવી રીતે લઅલ્લકુમ તઅકેલુન, કદાચ તમે અક્કલની કામ લો અને એવીજ રીતે લાયઅકેલૂન, તે અક્કલથી કામ નથી લેતા, ને પણ વારંવાર કહેવામાં આવ્યું છે.
આજ કુરઆનમાં ખુદાવંદે આલમનો ઈરશાદ છે: વમા જઅલ્નલ રૂઅય અલ-લતી અરયનાક ઈલ્લા ફીત્નતન લીન્નાસે વશશજરતલ મલઉનત ફીલ્કુરઆન. અને, અમે જે સ્વપ્ન તમને દેખાડયું બસ તેને લોકોની કસોટી અને પરિક્ષાનું માધ્યમ નક્કી કર્યુ અને તેવીજ રીતે તે ઝાડ જેની ઉપર કુરઆનમાં લઅનત કરવામાં આવી છે.
મલઉન કોણ?: આ આયતમાં મલઉન કહેવામાં આવેલા લોકો કોણ છે? વિચાર કરો. ઈબ્ને જરીર તિબરી, ઈબ્ને અસાકીર અને બયહકીએ હઝરત હુસયન બીન અલી અ.સ., સહલ બીન સઅદ, ઈબ્ને અમ્ર અને સઈદ બીન મોસય્યબના હવાલાથી આ રિવાયત લખી છે. એક દિવસ રસુલે ખુદા સ.અ.વ. એ સ્વપ્નમાં જોયું કે: હકમ બીન અબીલ આસ. બની ઉમય્યાની અવલાદ વાંદરાની જેમ આપના મીમ્બર ઉપર કુદી રહી છે. આ સ્વપ્નથી આં હઝરત સ.અ.વ.ને એટલી બધી અસર થત્ઈકે જીંદગીના અંત સુધી હસ્યા નહિ. તફસીરે તબરી ૧૫/૭૭ અલ દારૂલ મન્સૂર ૪/૧૯૧.
અહલે સુન્નતના તફસીરકારોની બીજી મશહુર તફસીરોથી એ વાત સ્પષ્ટ થાય છે કે મલઉન વંશાવળીનો અર્થ બની ઉમય્યા થાય છે. પયગમ્બર સ.અ.વ.એ જે હકમ બીન અબીલ આસને સ્વપ્નમાં જોયો તે મરવાનનો બાપ છે. હકમ બીન અબીલ આસ હઝરત ઉસ્માનનો કાકો હતો. પયગમ્બરે અકરમ સ.અ.વ.એ તેને મદીનામાંથી તડીપાર કર્યો હતો. આ પ્રમાણે જુઓ:
અલ હકમ બીન અબીલ આસ ઉમય્યા બીન અબ્દશ શમ્સ અલ કરશી અલ ઉમ્વી અમુલ ઉસ્માન બીન અફફાન વ વાલીદે મરવાન: કાલ ઈબ્ને સાઅદ અસ્લમ યવ્મુલ ફત્હ સુકુનુલ મદીના સુમ્મ નેફાઅન નબી સ.અ.વ. અલલ તાએફ સુમ્મ અઅયદા એલલ મદીના ફી ખીલાફતે ઉસ્માન. અલ અસાબા ફી તમીયીઝે સહાબા, અઝ ઈબ્ને હજર અસકલાની ૧/૩૪૫.
હકમ બીન અબીલ આસ બીન ઉમય્યા બીન અબ્દુશ્શમ્સલ કરશી વ ઉમ્વી હઝરત ઉસ્માનના કાકા મરવાનનો બાપ હતો. ઈબ્ને અસદના કવ્લની જેમ મક્કાની જીતના પ્રસંગે મુસલમાન થયો અને મદીના આવીને રહેવા લાગ્યો. પરંતુ તેની અમુક વર્તનના કારણે પયગમ્બરે અકરમ સ.અ.વ.એ તેને મદીનામાંથી કાઢી મૂકયો હતો અને તાએફમાં રહેવાનો હુકમ આપ્યો હતો. પછી તેને ઉસ્માનનાં ખીલાફત કાળમાં મદીના બોલાવી લેવામાં આવ્યો. ઈબ્ને બ્દુલ બર્રે હકમને મદીનાથી કાઢી મૂકવાનું એક કારણ એ દર્શાવ્યું છે કે રસુલ સ.અ.વ. પોતાના નિકટના સહાબીઓ સાથે ઘણી ગુપ્ત મંત્રણા કરતા હતા. જે કોઈપણ રીતે તે સાંભળીને તે હકમ વાતોને ખુલ્લી પાડી દેતો હતો અને બીજું કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે તે રસુલ સ.અ.વ. ની નકલ કરતો હતો, ચાળા પાડતો હતો. ત્યાં સુધી કે એક વખત ખુદ રસુલ સ.અ.વ.એ તેને આ હરકત કરતા જોઈ લીધો. અલ ઈસ્તેઆબ અઝ ઈબ્ને અબ્દુલ બરીયા કિતાબુલ અસાબાના હાશીયા ઉપર પ્રગટ થઇ તેથી અલ અસાબાને જુએ, જીલ્દ ૧/૩૧૭, ૩૧૮.
નોંધ:- જે સમયે પયગમ્બર સ.અ.વ. એ હકમને મક્કામાંથી નીકળી જવાનો હુકમ આપ્યો ત્યારે મરવાનની ઉમર ૭-૮ વર્ષની હશે તે પણ તેના બાપની સાથે તાએફ ચાલ્યો ગયો.
હઝરત અબુબક્ર અને ઉમરના સમયમાં પણ તડીપાર રહ્યો અને તેને મદીનએ મુનવ્વરામાં પ્રવેશ કરવાની પરવાનગી ન મળી. પહેલા અને બીજા ખલીફાની નિતીની વિરૂધ્ધ હઝરત ઉસ્માને પોતાની ખીલાફતમાં તેને પાછો બોલાવી લીધો અને તે નાલાયક માણસના પુત્ર મરવાનને પોતાનો મંત્રી બનાવી દીધો.
મરવાનનું કુળ અને વંશ: આ વૃતાંતથી મરવાનનું કુળ અને વંશ જાણી શકીશું કે તેના બાપને કેવી રીતે પયગમ્બર સ.અ.વ.એ મલઉન અને મઅતૂબ ઠરાવી અને તડીપાર કર્યો.
ખલીફાનો સેક્રેટરી: બર સગીરના મશહુર વિદ્વાન અને બુઝુર્ગ આલીમ અબુલ અઅલા મવદુદીએ ઘણી હિમ્મતની સાથે લખ્યું છે કે એ માની લેવું ઘણું સખત મુશ્કેલ હતું કે રસુલ સ.અ.વ.એ તડીપાર કરેલ માણસના પુત્રને એ ઓધ્ધાને લાયક જાણે કે તમામ નઝદિકના સહાબીઓની અવગણના કરીને તેને મરવાનને ખલીફાનો મંત્રી બનાવી દેવામાં આવે. ખાસ કરીને તેનો તડીપાર કરેલો બાપ હકમ પણ હાજર હતો જે હકમ પોતાના પુત્રની મારફતે રાજ્યના કારભાર ઉપર અસર પાડી શકતો હતો. ખીલાફત વ મુલુકીયત, પાના ૧૧૦-૧૧૧.
હઝરત આએશાની લઅનત: ઉમ્મુલ મોઅમેનીન હઝરત આએશા બીન્તે હઝરત અબુ બક્ર મરવાનના ફીત્નાગીરીથી અસ્વસ્થ હતા. નમૂના રૂપે જોઈએ: રબી અન આએશા મન તરફ ઝકરહા ઈબ્ને અબી ખુસયમા વ ગયરહુ અન્હા કાલત લે મરવાન અમ્મા અન્ત યા મરવાન ફ અશ્હદો અન્ન રસુલલ્લાહ સ.અ.વ. લઅન અબાક વ અન્ત ફી સુલબેહ. એ મરવાન! શું તમે તે નથી? હું ગવાહી આપું છું કે રસુલુલ્લાહ સ.અ.વ. એ તમારા બાપ હકમ ઉપર લઅનત કરી જ્યારે તમે તેની પીઠમાં હતા. અલ ઈસ્તેઆબ, ભાગ ૧, ૩૧૮ અસાબાના હાશીયા ઉપર.
આયતે શજરે મલઉનાની તફસીરમાં આજ રીતની રિવાયત સયુતીએ નોંધી છે.
હઝરત આએશાએ મરવાન હકમને કહ્યું: મેં રસુલે ખુદા સ.અ.વ. પાસેથી સાંભળ્યું છે કે તમારા બાપ અને દાદાના બારામાં ફરમાવ્યું કે મલઉનોની વંશાવળીથી મુરાદ તમે લોકો છો. તફસીર દુરરે મન્સુર ૪/૧૯૧.
એક બીજી રિવાયતમાં ઉમ્મુલ મોઅમેનીન જનાબે આએશાએ મરવાનને કહ્યું: લઅનલ્લાહ અબાક વ અન્ત ફી સુલબેહ ફ અન્ત બઅઝો મન લઅનતુલ્લાહ. જ્યારે તમે બાપની પીઠમાં હતા તે સમયે ખુદાએ તમારા બાપ ઉપર લઅનત કરી છે. તે કારણે તમે પણ તે લોકોમાં ભળેલા છો કે જેઓના ઉપર ખુદાએ લઅનત કરી છે. તફસીરે કરતબી ૩૯૦, તફસીરે કબીર ૨/૨૩૭.
ઈબ્ને અબી હાતીમે અલી બીન મર્રહથી રિવાયત કરી છે કે હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ એક હદીસમાં ફરમાવ્યું: વશ્શજરતુલ મલઉના યઅની અલ હકમ વ વલદોહુ. મલઉનોની વંશાવલી હકમ અને તેની અવલાદ છે. દુરરે મન્સુર ૪/૧૯૧.
ઝલકો: અહિં અમે ઈતિહાસની એ ઝલકો તરફ ઈશારો કરીશું જેથી મરવાન બીન હકમની ફીત્નાગીરી અને વિદ્રોહી માનસ ખુલ્લું પડી જાય અને ન્યાયપ્રીય લોકો પોતેજ નિર્ણય કરે કે આવા લોકો શું ઈસ્લામી હુકુમતના અગ્રણી માની શકાય?
કાઝી ઝયનુલ આબેદીન સજ્જાદ મેરઠી પોતાના પુસ્તક તારીખુલ મિલ્લત ભાગ ત્રીજો પાના ૧૧૭-૧૧૮ ઉપર લખે છે: હઝરત ઉસ્માને મરવાનને પોતાનો લિપીકાર અને સેક્રેટરી બનાવ્યો હતો અને તેની મહોર તેના કબ્જામાં રહેતી હતી. મીસરીઓની તે જમાત જે હઝરત ઉસ્માન પાસે ફરિયાદ લઈને આવી હતી, તેને કત્લ કરવાનો હુકમ લખીને તેણેજ હઝરત ઉસ્માનની મોહર તેના ઉપર મારી દીધી હતી. જેના પરિણામે હઝરત ઉસ્માનની શહાદતની ઘટના બની હતી.
મૌલાના અન્વર શાહ કાશ્મીરી, મોહમ્મદ બીન અબી બક્રને મીસ્રના ગર્વનર બનાવવાના સિલસિલામાં મરવાનના હાથે લખેલ લખાણના બારામાં લખે છે: મોહમ્મદ બીન અબી બક્રને મીસરનો વાલી ગવર્નર નક્કી કરીને હઝરત ઉસ્માને મરવાનને, જે તેનો કાતીબ હતો, હુકમ કર્યો કે તે આ લખે: એઝા જાઅકુમ મોહમ્મદ બીન અબી બક્ર ફઅકબેલૂહો. જ્યારે મોહમ્મદ બીન અબી બક્ર તમારી પાસે આવે તો તેનો સ્વિકાર કરી લો. મરવાનની ફીત્નાગીરી જુઓ. તેણે ફઅકબેલૂહોની બદલે ફઅકતોલૂહો, તેને કત્લ કરી દો લખી દીધું. તેથી ફીત્નો ભડકી ઉઠયો. ફયઝ અલ-બારી ભાગ બીજો, ખિલાફત વ મલુકીય્યત વ ઓલમાએ અહલે સુન્નત, પાના ૮૨, ૮૩.
મવલાના અબ્દુશ્શકુર લખનવી: આપ એહલે સુન્નતના ઈમામ કહેવાય છે. મીસરના નીમાએલા ગવર્નર મોહમ્મદ બીન અબી બક્રના કતલની પરવાનગીના અનુસંધાનમાં લખવામાં આવેલ પત્રના બારામાં ફરમાવે છે,
પત્ર ઓળખાઈ ગયો તો ખબર પડી કે મરવાને લખેલો છે…..
….. પરંતુ હઝરત ઉસ્માને સહાબાએ કેરામની માગણી ઉપર તેની તપાસ અને યોગ્સ ફેંસલા માટે મરવાનને સઝા આપવાથી ઈન્કાર કરી દીધો. મરવાન તેનો નઝદિકનો સગો હતો. તેની શેહમાં મરવાનને પોતાની સત્તાથી તેને ઈજા પહોંચાડવાનું યોગ્ય ન લાગ્યું. ખોલફાએ રાશેદીન, પા નં. ૧૯૭.
દેવબંદના ફાઝીલ ઉસ્તાદ મવલાના મોહમ્મદ મીયાંએ માહનામા માસીક પત્રીકા દારૂલ ઓલુમ દેવબંદમાં મરવાનના બારામાં લખે છે:
આ ઘટના પણ આપણને સાચા ઈતિહાસના પાનાઓ ઉપર મોટા અક્ષરે છપાએલી મળે છે કે …. આલમે ઈસ્લામમાં મશહુર મુસફીદે, ફસાદ ફેલાવવાવાળા, ઉમવીએ, હઝરત ઝુન-નુરયનને વૃદ્ઘાવસ્થા અને હયાનો ફાયદો ઉઠાવીને હુકુમતના વહીવટમાં સત્તા મેળવીને પોતાની કૌમ બની ઉમય્યાના કૌમી એહસાસને ન માત્ર જાગૃત કર્યો બલ્કે તેને બની હાશમની સામે લડવા માટે મયદાનમાં પણ લઈ આવ્યા. માહનામા દારૂલ ઓલુમ દેવબંદ નંબર ૫, સન ૧૯૬૫.
શાહ અબ્દુલ અઝીઝ મોહદ્દીસ દહેલવીનો ફતવો:
અમુક આખેરતના ગાફિલો જેવા કે મવલાના ઝફર અહમદ ઉસ્માનીએ પોતાના પુસ્તક બરાએ ઉસ્માનીના પાના ૩૮ ઉપર મરવાન બીન હકમના કદાચ તઅસ્સુબના કારણે માત્ર બચાવજ નથી કર્યો પરંતુ તે મલઉનના ફઝાએલ પણ બયાન કરવાની કોશીશ કરી છે અને પ્રસંશામાં જનાબે મરવાન રઝીઅલ્લાહો અન્હ. જેવા પવિત્ર શબ્દોથી યાદ કર્યો છે. ગમે તેમ તેની વિરોધમાં મોહદ્દીસ દહેલવી સાહેબનો ફત્વો જોઈએ.
અહલેબય્ત અ.સ.ની મોહબ્બત ઈમાનની ફરજોમાંથી છે, ન કે સુન્નત કાર્ય છે અને મોહબ્બતે અહલેબય્તમાંથી છે કે મરવાન જેની ઉપર લઅનત થાય તેને ખરાબ કહેવો જોઈએ તેનાથી દિલ બેઝાર રહેવું જોઈએ. ખાસ કરીને ઈમામ હુસયન અ.સ. અને તેમના પાક અને પાકીઝા એહલેબય્તની સાથે ખરાબ વર્તન કર્યું અને તે પવિત્ર વ્યકિતઓ સાથે બેહદ ઈર્ષા અને કિન્નાખોરી રાખતો હતો. તે દુશ્મની ભરી ચાલવાળા અને શયતાની ગુણો ધરાવનારાથી અળગા, બેઝાર રહેવું જોઈએ. ફતાવા અઝીઝી, કામીલ પાના નં. ૩૮૦, ૩૮૧.
ફતવાનું વિશ્લેષણ (Analysis): (૧) મોહદ્દીસે દહેલવીની નઝદિક અહલેબય્તની મોહબ્બત ઈમાનનો એક ભાગ છે. અહલેબય્તની મોહબ્બત વગર ઈમાન સંપૂર્ણ નથી થઈ શકતું.
(૨) અહલેબય્ત અ.સ.ના દુશ્મનો પ્રત્યે તિરસ્કાર અને તેનાથી દૂર રહેવું એજ એહલેબય્તની મોહબ્બત છે.
કરબલાનો બનાવ અને મરવાન:
યઝીદની યોજનાને મૂર્ત સ્વરૂપ આપનારાઓમાં સૌથી પહેલો માણસ મરવાન હતો. જેણે ઈમામ હુસયન અ.સ.ને કત્લ કરી દેવાની સલાહ દઈ પોતાની હલ્કાઈની દુર્જનપણાની સાબિતી આપી.
નીચે તે મશહુરનો પ્રસંગ લખી રહ્યા છીએ જે ઈતિહાસ ઉપર સામાન્ય નજર નાખનારને પણ ખબર છે.
સન ૬૦ હિજરીમાં મોઆવીયાહના મૃત્યુ પછી યઝીદે સૌથી પહેલા મદીના તરફ દ્રષ્ટિ કરી. અને તેણે ત્યાંના હાકિમ વલીદ બીન ઓતબાને લખ્યું કે ઈમામ હુસયન અ.સ., અબ્દુર રહેમાન ઈબ્ને બક્ર, અબ્દુલ્લા ઈબ્ને ઉમર અને અબ્દુલ્લાહ ઈબ્ને ઝુબૈર પાસેથી મારી બયઅત લઈ લો અને જો ઈન્કાર કરે તો તેઓના માથા કાપીને મારી પાસે મોકલી આપો. વલીદની પાસે જ્યારે પત્ર પહોંચ્યો તો તેણે મરવાનને બોલાવીને મંત્રણા કરી. મરવાન તે સમયે મદિનામાંજ હતો. તેણે કહ્યું બધા બયઅત કરી લેશે પરંતુ ઈમામ હુસયન અ.સ. હરગીઝ બયઅત નહિં કરે અને તારે તેમની સાથે પૂરી કડકાઈથી વર્તન કરવું પડશે. તે સલાહ પછી વલીદે એક માણસ ઈમામ હુસયન અ.સ. અને ઈબ્ને ઝુબૈરને બોલાવવા માટે મોકલ્યો. બંને હઝરાત મIસ્જીદમાં હતા. કાસીદે વલીદનો સંદેશો પહોંચાડયો. ઈમામ હુસયન અ.સ.મે ફરમાવ્યું: મેં આજે સ્વપ્નનું જોયું છે જેની તાબીરથી એમ લાગે છે કે મોઆવીયા મૃત્યુ પામ્યો છે અને યઝીદ આપણને બયઅત માટે બોલાવી રહ્યો છે. હજુ આ હઝરાત ગયા ન હતા કે કાસિદ ફરીવાર આવ્યો અને કહ્યું વલીદ આપની રાહ જુએ છે. ઈમામ અ.સ.એ કહ્યું કે જઈને કહી દે કે અમે થોડીવારમાં આવીએ છીએ. તે પછી આપ ઘરે તશરીફ લાવ્યા અને બની હાશીમના આશરે ૩૦ બહાદુરોને લઈને વલીદના દરબારમાં પહોંચ્યા. તમામ બની હાશીમ દારૂલ અમારાની બહાર ઈમામ અ.સ. ના હુકમ મુજબ રોકાઈ રહ્યા. વલીદે ઈમામ હુસયન અ.સ.ની પૂરી તઅઝીમ કરી અને મોઆવીયાના મૌતની જાણ કર્યા પછી બયઅતની વાત કરી. હઝરતે ફરમાવ્યું: પ્રશ્ન વિચારણા માગી લે છે તમે લોકોને ભેગા કરો અને મને પણ બોલાવો, હું જાહેર મજમામાં મારો વિચાર જાહેર કરીશ. વલીદે કહ્યું, બહેતર છે ફરી કાલે તશરીફ લાવજો.
મરવાનની દખલગીરી:
હજુ તો ઈમામ હુસયન અ.સ.મે જવાબ પણ નહોતો આપ્યો કે મરવાન બોલી ઉઠયો: ખુદાની કસમ જો હુસયન અ.સ. આ સમયે તારા હાથમાંથી નીકળી ગયા અને બયઅત ન કરી તો તે ફરી હાથ નહિ આવે, ત્યાં સુધી કે ઘણી ખુંરેજી થશે. તું આજ સમયે તેમને મજબુર કર કે બયઅત કર્યા વગર તે બહાર ન જાય અને જો ઈન્કાર કરે તો તેમની ગરદન ઉડાવી દે. આ સાંભળીને ઈમામ હુસયન અ.સ.એ મોટા અવાજે ફરમાવ્યું: એ બની ઝરકાઅ! તું મને કતલ કરશે? ખુદાની કસમ તું જુઠ્ઠો છે. તેં ગુનાહ આચર્યો છે. આ કહીને આપ બહાર નીકળી ગયા.
અમુક ઈતિહાસકારોએ ઈમામ હુસયન અ.સ. અને વલીદ અને મરવાનની વચ્ચે જે વાતચીત થઇ તે વિગતથી લખી છે. કામીલે પોતાની તારીખમાં, શહરે આશુબે મનાકીબમાં અને તબરીએ પોતાની તારીખમાં સાધારણ ફેરફાર સાથે નકલ કરેલ છે. અમુકે લખ્યું છે કે ઈમામ અ.સ. ઉપર જ્યારે મરવાને દબાણ કરવાની કોશીશ કરી તો હઝરતે ફરમાવ્યું: ઈન્ના લિલ્લાહે વ ઈન્ના એલયહે રાજેઉન. જો યઝીદ જેવો માણસ ઉમ્મતનો ખલીફા બની જાય તો ઈસ્લામને અલવિદા કહી દેવું જોઈએ. મેં મારા જદ્દ રસુલે ખુદાને એમ કહેતા સાંભળ્યા છે કે, ખીલાફત આલે અબી સુફયાન ઉપર હરામ છે. આ વાત એટલી લંબાણ પૂર્વક ચાલી કે મરવાનને ગુસ્સો આવી ગયો અને ઈમામ હુસયન અ.સ.નો અવાજ મોટો થઇ ગયો આથી બની હાશિમ દરબારમાં દાખલ થઇ ગયા અને હુમલો કરવા માટે આગળ વધ્યા. ઈમામ હુસયન અ.સ.એ બધાને સમજાવીને મામલાને આગળ વધવા ન દીધો અને ઘરે તશરીફ લાવ્યા. નફસુસ મહમુમ, પા. ૩૦-૩૧.
સમાપન:
મરવાનની કુન્નીયત અબુ અબ્દુલ મલેક હતી. બની હકમ બીન અબીલ આસનો પહેલો માણસ છે. તેનાથી બની મરવાન નિસ્બત આપવામાં આવે છે. હિજરતના બીજા વર્ષે મક્કામાં જન્મ્યો અને તાઈફમાં ઉછર્યો. ત્રીજા ખલીફાના કાળ દરમ્યાન મદિનામાં સ્થાયી થયો. જ્યારે ઉસ્માન કતલ થઈ ગયા તો આ તલ્હા, ઝુબૈર અને ઉમ્મુલ મોઅમેનીન આએશાની સાથે બસરા ચાલ્યો ગયો. જંગે સિફફીનમાં મોઆવીયાની સાથે હતો. મોઆવીયાએ હીજરી સન ૪૨માં તેને મદીનાનો ગવર્નર બનાવી દીધો. પણ અબ્દુલ્લા બીન ઝુબૈરે તેને શહેરથી કાઢી મૂકયો, તો મરવાન પૂરેપૂરો સંડોવાએલો રહ્યો. પછી તદમુર નામની એક જગ્યામાં સ્થાયી થયો. જ્યારે યઝીદનો દિકરો મોઆવીયા, યઝીદના બાપનું નામ પણ મોઆવીયા હતું અને દિકરાનું પણ, તખ્તે ખિલાફત ઉપર બેઠો તો મરવાન તે સમયે ઘણી મોટી ઉમરનો થઇ ગયો હતો. હુરાનના ઉત્તરના ઈલાકામાં જાબીયા નામની જગ્યા ઉપર પહોંચ્યો અને ખિલાફતનો દાવો કર્યો. હિજરી સન ૬૪માં ઉરદનના જોર્ડનના લોકો તેના હાથ ઉપર બયઅત કરી. ત્યાંથી તે શામ ચાલ્યો ગયો અને થોડા દિવસો પછી ફરી મીસર આવ્યો અને પોતાના દિકરા અબ્દુલ મલેકને ત્યાંનો વાલી, ગવર્નર બનાવીને દમિશ્ક ચાલ્યો ગયો.
મરવાનને ખબ્તે બાતીલ પણ કહે છે એટલા માટે કે તેનું કદ ઘણું લાંબુ હતું અને શરીર બેડોળ હતું.
મરવાનના મૃત્યુના બારામાં અમુક લોકોનું કહેવું છે કે મરવાન સુઈ રહ્યો હતો ત્યારે તેની પત્નિ ઉમ્મે ખાલીદએ તેના મોઢા ઉપર તકિયો રાખીને દબાવી દીધો જેથી તેનો શ્વાસ ઘુંટાઈ ગયો અને તે મરી ગયો. (લોગતનામા – ૪૩૧, ૨૨૬/૨૭)
સાહેબે મુન્તહુલ અદબ – પ્રકરણ મીમ પાના ૧૧૮૫ ઉપર લખે છે કે મરવાન જો કે અહદે રસુલ સ.અ.વ.માં જન્મ્યો પરંતુ પયગમ્બર સ.અ.વ.ના દીદાર ન કરી શકયો.
Comments (0)