ઈમામ હુસયન અલયહિસ્સલામની બહાદુરી

ઈમામ હુસયન (અ.સ.)ની બહાદુરીના બારામાં કલમ ઉઠાવ-તાજ જામેઆ અઝહરના એક બુઝુર્ગ શયખે અસબક શબરાવીનું એ વાકય યાદ આવી જાય છે જે તેમણે પોતાની કિતાબ અલ ઈત્તેહાફ બે હુબ્બીલ-અશરાફમાં લખ્યું છે કે એહલેબય્ત ઈલ્મ અને નમ્રતા, શોર્ય, વકતવ્ય અને બહાદુરીમાં સૌથી વધુ સંપૂર્ણ હતા. આ ગુણો તેઓએ મેળવ્યા ન હતા બલ્કે ખુદાવંદે આલમની બખ્શીશ હતી. તે પછી અજબ પ્રકારનું વાકય લખ્યું છે. જે કોઈએ પણ તેમની ફઝીલતોને છુપાવવા ચાહી તે એવુંજ છે જેવી રીતે તે સુરજને છુપાવવા ચાહે છે. આ વાકય કેટલા ગુઢ અર્થ ધરાવે છે તેનો વિચાર કરો. એટલે ઈમામ હુસયન (અ.સ.) તેમના હોદ્દાની રૂએ અને તેમના વંશની રૂએ બન્ને રીતે બહાદુર હતા. એટલે તેમના બાપ-દાદા તો બહાદુર હતાજ, તેમના સંતાનો પણ બહાદુર હતા. જો ઈતિહાસનો અભ્યાસ કરવામાં આવે તો કુફા અને શામના દરબારમાં ઈમામ હુસયન (અ.સ.)ના પુત્રે તે મહાન ઘટના પછી કેદીની હાલતમાં પણ એટલો દબદબાભર્યો હેરત પમાડે અને દિલને ચીરી નાખે તેવો ખુત્બો પડયા જેથી તે સમયે સત્તા ઉપર બેઠેલા બાદશાહના દિલમાં ધ્રુજારી પૈદા કરી દીધી. એ દર્શાવે છે કે આસમાન વાદળોથી ઢંકાએલું હોય તેવા દિવસોમાં જેવી રીતે વાદળોને ચીરી સૂર્યના કિરણો દુનિયાને પ્રકાશિત કરી દે છે તેવી જ રીતે એહલેબય્ત (અ.સ.) કૈદ અને સત્તાના લોખંડી અવારણોને ચીરીને પાતાની વિશેશતા દેખાડી એ જણાવી દેવા માગે છે કે જેઓને ખુદાએ બહાદુરી અર્પણ કરી છે તેઓ દુનિયાની તાકાતથી ગભરાતા નથી.
ઈતિહાસના પાનાઓ સાક્ષી પુરે છે કે કોઈની તાકાત ન હતી કે તે જનાબ ઝયનબ સ.અ.ના ખુત્બાની વચ્ચે બોલી શકે કોઈ કવિએ કહ્યું છે:
શામકા દરબાર ઝયનબકા બયાં કાતીલકી કાટ,
જયસે ખયબરમેં અલી હો જયસે મિમ્બરપે રસુલ.
એટલું જ નહિ આવો આપણે ઈમામ હુસયન (અ.સ.)ના સાથીદારો ઉપર વ્યકિતગત તો નજર નથી નાખી શકતા પરંતુ માત્ર થોડા વાકયોનો અભ્યાસ કરીએ અને જોઈએ કે જેનું અનુસરણ કરનારા આટલા બહાદુર હતા તો તેના માલિક કેવા હશે. શબે આશુર જ્યારે ઈમામ હુસયન (અ.સ.)એ એક ખુત્બામાં કહ્યું: તે લોકોને મારા સિવાય કોઈથી કાંઈ માગણી નથી જો તે મને કત્લ કરવામાં સફળ થઈજશે તો બીજા કોઈને ઈજા ન થશે તમે લોકો રાતના અંધારાનો લાભ ઉઠાવીને જઈ શકો છો. લેટલા મહાન બહાદુર હતા ઈમામ હુસયન (અ.સ.)! વિરોધીઓની મોટી સંખ્યા જોઈને પણ પોતાના થોડા સાથીદારોને જવાની પરવાનગી આપી રહ્યા છે. શું દુનિયાનો એવો કોઈ બહાદુર પુરૂષ છે કે જે દુશ્મનોની મોટી સંખ્યામાં ઘેરાઈ ગયો હોવા છતાં પોતાના થોડા સાથીઓને પણ પોતાની મરજીથી જવા દે?
સૌથી પહેલા અબુલ ફઝલીલ અબ્બાસ (અ.સ.)એ ફરમાવ્યું: આકા! શું એવું બની શકે કે અમે આપને એકલા છોડીને ચાલ્યા જઈએ? આપના પછી જીવવામાં મજા શું છે? તેમના પછી મુસ્લીમ ઈબ્ને અવસજા ઉભા થયા અને ફરમાવ્યું: અનહનો નુખ્લી અન્ક? શું અમે આપને એકલા છોડી દઈએ? નહિ, ખુદાની કસમ, હું એ બદબખ્તો અને નાલાયકો સાથે ત્યાં સુધી લડતો રહીશ જે જ્યાં સુધી મારા નેઝાની અણી તેઓની છાતીમાં ન ભોંકી દઉં. જો મને ખબર હોય કે હું કત્લ થઇ જઈશ અને ફરી પાછો જીવતો કરવામાં આવીશ અને ફરી કત્લ થઇ જઈસ પછી મારી લાશને સળગાવી દેવામાં આવશે તો પણ હું આપને છોડીને નહિ જાઉં. તે છતાં કે એ ખબર છે કે માત્ર એક વખતની બલીદાનની વાત છે.
આપે અંદાજો કર્યો? ખુદાની કસમ! આ વાકયો દેખાડી રહ્યા છે કે નાણાના જોર ઉપર ખરીદેલી શકિત અને તાકાત સરી પડતી હોય છે. પરંતુ ઈમામતની મોહબ્બતની છાયા હેઠળ પૈદા થનારી શકિત, તાકતવર હોય છે.
તે સિવાય માનસશાસ્ત્રીઓનું કહેવાનું પણ છે અને માનવીની પ્રકૃતિ માનવ-સ્વભાવ પણ છે દુશ્મનની તૈયારી સામેવાળાની બહાદુરીનો અણસાર આપે છે. બીજા સહેલા શબ્દોમાં એ રીતે કહીએ કે ડરપોક અને નબળાનો સામનો કરવા માટે કોઈપણ માણસ એટલી તૈયારી નથી કરતો જેટલી તૈયારી શકિતશાળી અને બહાદુર માણસનો સામનો કરવા માટે કરે છે. આવો! ઈતિહાસના પાના ઉલ્ટાવીએ અને જાણીએ કે કરબલાના મૈદાનમાં બહાદુર કોણ હતું અને બુઝદીલ કોણ હતું.
(૧) જીલાઉલ ઓયુનમાં અલ્લામા મજલીસીએ લખ્યું છે ઈતિહાસકારો અને હદીસકારો એ વાતર ઉપર એકમત છે કે ઉમર બીન સઅદ બીન અબી વકાસ લ.અ. ત્રીજી મોહર્રમ હિ. ૬૧ ના દિવસે ૪૦૦૦ સવારો સાથે કરબલાની જમીન ઉપર આવ્યો.
(૨) આમાલીમાં શયખ સદુકે ઈબ્ને ઝીયાદના મઝુલ નખીલામાં લખ્યું છે કે ચોથી તારીખે ઈબ્બે ઝીયાદે ઉમર ઈબ્ને હજ્જાજને ૫૦૦ સવારો, મોહમ્મદ બીન અશઅશને ૧૦૦૦ સવારો, યઝીદ બીન રકાબ, નફર બીન ખરશા અને ઉરવા બીન કયસને ૨૦૦૦ સવારો, ખુલી બીન યઝીદ અસબહી, કશમ, મઝાઈર બીન રહીના, માઝની અને બકર બીન કઅબ બીન ખરશા દરેકને ત્રણ ત્રણ હજાર સવાર, ઈબ્ને અનસ નખઈ અને સીસ બીન રબઈને ચાર ચાર હજારના, આમીર બીન સરીમાને છ હજાર સવારો, હસીન બીન નમીરને ૮૦૦૦ સવાર અને અબુ કેદાર બાહેલીને ૯૦૦૦ સવાર ઉપર ઓફીસર બનાવીને કરબલા મોકલ્યા.
(૩) મવલાના કઝવીની રીયાઝુશ શહાદતમાં લખે છે કે એક રિવાયત મુજબ ૨૨૦૦૦ અને બીજી રિવાયત મુજબ ૩૦૦૦૦ અને બીજી એક રિવાયત મુજબ ૭૦૦૦૦ અને બીજી એક રિવાયત મુજબ ૧૦૦૦૦૦ સવાર રસુલ સ.અ.વ.ના ફરઝંદે મુખ્તારને કતલ કરવા માટે કરબલામાં ભેગા થયા હતા.
(૪) બહરૂલ મસાએલમાં છે કે કુફાથી એટલી મોટી સંખ્યામાં લશ્કર ચાલ્યું આવતુ હતું કે સળંગ રસ્તા અને રણમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રાતની કાળાશની જેમ લશ્કરની કાળાશ દેખાતી હતી.
(૫) બહરૂલ મસાએબની એક રિવાયતમાં છે: ફજતમ્અતુલ અસાકિર ફી સીત્તતે મેઅત અલ્ફ વ અશ્રીન અલ્ફે ફારસ. એટલે છ લાખ વીસ હજાર પ્યાદા, સવાર અને નોકરો અને ગુલામો ઈબ્ને ઝીયાદ અને યઝીદના માટે કરબલામાં ઉમર સઅદની પાસે ભેગા થયા હતા.
આપે વિચાર કર્યો કે એક ફરઝંદે ઝહરા જે જંગના ઈરાદાથી નીકળ્યા પણ ન હતા અને મશ્હુર રિવાયતો અનુસાર તેમની પાસે માત્ર ૭૨ વ્યકિતઓ હતી તેમાં વૃદ્ઘ પણ હતા, બાળકો પણ હતા અને જવાનો પણ. ખુદ પોતાની ઉમર પણ મશ્હુર રિવાયત મુજબ ૫૮ વરસની થઈ ચૂકી હતી. તેને કત્લ કરવા માટે એટલા મોટા લશ્કરની તૈયારી દેખાડી આપે છે કે જરૂર કોઈ અસામાન્ય બહાદુર પુરૂષ છે, જેનો સામનો કરવા માટે ઉમર સઅદનું લશ્કર જઈ રહ્યું છે. આટલુંજ નહિ બલ્કે હજી પણ ભય હતો કે તેમની પાસે અબ્બાસ (અ.સ.) જેવા લશ્કરના બહાદુર અલમબરદાર હતા તેથી કયાંક અમારી સત્તા ન પલ્ટાઈ જાય. હુકમ થયો કે પાણી બંધ કરી દેવામાં આવે. તેથી સાતમી મોહર્રમથી પાણી બિલ્કુલ બંધ કરી દેવામાં આવ્યું. આશુરાની સવારથી ઈમામ હુસયન (અ.સ.) એક એકને રજા આપતા રહ્યા અને લાશો ખયમામાં લાવવામાં આવતી હતી. હદ તો એ હતી કે જે દારૂણ યુદ્ઘના મૈદાનમાં જવા માટે લાયક પણ ન હતા તેમને પોતાના ખોળામાં લઈ ગયા. પાણીનો સવાલ કર્યો. ઝાલીમે કદાચ વિચાર્યુ કે આ અલી મુરતઝા (અ.સ.)ના પૌત્ર છે. જો પાણી આપી દીધું તો તે પોતાની બહાદુરી દેખાડવાનું શરૂ ન કરી દે. રિવાયતમાં છે કે આ નિર્દોષ બાળકના માટે ત્રણ ધારનું તીર ફેંકવામાં આવ્યું.
જેનાથી માત્ર નિર્દોષ બાળકનું ગળુ ન વિંધાયું બલ્કે ઈમામ હુસયન (અ.સ.)ના હાથમાં પણ ખુંપી ગયું. આ ત્રણ ફેણનું તીર દેખાડી રહ્યું છે કે નિર્દોષ બાળકની બહાદુરીનો એટલો ભય હતો. આપણી જાનો નિસાર થાય તેની બહાદુરી ઉપર કે તેણે પણ મુસ્કુરાઈને શહાદતનો જામ પી લીધો અને એ વાતની સાબિતી આપી દીધી કે હુસયન (અ.સ.)ના છ મહિનાના બાળકની બહાદુરીથી પણ તમે એટલા ડરો છો. અરે! મારા બાપની બહાદુરીનો તો અંદાજો કરો જ્યારે નબુવ્વત પોતાની અવલાદને કુરબાનીની જગ્યા ઉપર લઈ જાય છે તો આંખો ઉપર પટ્ટી બાંધીને લઈ જાય છે અને જ્યારે ઈમામત પોતાની અવલાદને કત્લગાહ સુધી લઈ જાય છે તો પોતાના હાથોથી બરછીને બહાર કાઢે છે. જ્યારે અંતિમ સમય પણ આવી ગયો ત્યારે ફરઝંદે શેરે ખુદાને ખુદ પોતાની બહાદુરી દેખાડવાની હતી. અજબ પ્રકારનું દ્રષ્ય હતું જે મીર અનીસે થોડા બંદોમાં લખ્યું છે,
આજ શબ્બીરપે કયા આલમે તન્હાઈ હૈ
ઝુલ્મની ચાંદ પે ઝહરાકે ઘટા છાઈ હૈ
ઈસ તરફ લશ્કરે અઅદામેં સફ આરાઈ હૈ
યાં ન બેટા ન ભતીજા ન કોઈ ભાઈ હૈ
બરછીયાં ખાતે ચલે આતે હંય તલ્વારોમેં
માર લો પ્યાસે કો હય શોર સીતમગારોમેં
ઝખ્મી બાઝુ હય કમર ખમ હય બદનમેં નહિં તાબ
ડગમગાને મેં નીકલ જાતી હય કદમોંસે રકાબ
પ્યાસકા ગલ્બા હય લબ ખુશ્ક હય આંખે પૂર આબ
તેગ સે દેતે હે હર વારકા આઅદા કો જવાબ
શીદ્દતે ઝોઅફસે જીસ જા પે ઠકર જાતી હૈ
સેંકડો તીર સીતમ તનસે ગુઝર જાતે હૈ.
ઈમામ હુસયન (અ.સ.)ની કારકીર્દી લડાઈના મૈદાનમાં બયાન કરતા લખનાર લખે છે: ફવલ્લાહો મા રઅય્તો મકસુરન કત્તો કદ કોતેલ વુલ્દેહુ વ અહલોબય્તેહી વ અસ્હાબોહુ અરબત જાશમ્મીન્હો. મેં કયારે પણ કોઈ એવા ઝખ્મી થએલા બહાદુરને નથી જોયો કે જેના બાળકો, કુટુંબીજનો, દોસ્તો અને સાથીદારોને પોતાની આંખોની સાથે કત્લ થઈ ગયા હોય અને તેમ છતાં તે આ રીતે હિંમત અને શુરવીરતા ધરાવતો હોય. તે ઉપરાંત ઈમામ હુસયન (અ.સ.)એ કેવા શેરોથી આહવાહન કર્યું છે અને કેવી રીતે બહાદુરીનો પરચો દેખાડયો છે તે જુઓ આપ ફરમાવે છે:
વમા ઈન તિબ્ના જુબનુંવ્વલાકીન
મનાયાના વ દવલતો આખરીના
એટલે અમે ડરપોક અને બુઝદીલ નથી. અમે દુનિયાના બહાદુર સરદાર છીએ. જો અમને મારી નાખવામાં આવશે તો એટલા માટે મારી નાખવામાં નહિ આવે કે અમે ડરપોક હતા. બલ્કે એટલા માટે મારી નાખવામાં આવશે કે અમારી કઝા આવી હઈ હતી અને અમારી શહાદતનો દિવસ આવી પહોંચ્યો હતો.
તબરીએ તારીખુલ ઓમુમ વલ મલુકના ભાગ-૪ ના પાના ૩૪૫ ઉપર અને ઈબ્ન અસીરે અલ કામીલ ફી તારીખના ભાગ-૩ ના પાના ૨૯૫ ઉપર લડાઈના મૈદાનના વર્ણનમાં લખ્યું છે કે જ્યારે ઝાલીમના લશ્કરે જમણી અને ડાબી બાજુએથી હુમલો કર્યો ત્યારે હઝરતે જમણી બાજુવાળા ઉપર હુમલો કર્યો અને ત્યાં સુધી તે અટકયા નહિ જ્યાં સુધી તે બધા મૈદાન છોડીને ભાગી ન ગયા. તે પછી ડાબી તરફના લશ્કર ઉપર હુમલો કર્યો અને તેઓ પણ ભાગી ગયા. આ દરમ્યાન અમામો માથા ઉપરથી પડી ગયો… ખુદાની કસમ મેં કયારે પણ કોઈ ઝખ્મી થએલાને નથી જોયો જેના બાળકો, કુટુંબીજનો, દોસ્તો અને સાથીદારો તેની નજરની સામે કતલ થઇ ગયા હોય અને તેમ છતાં આ રીતે બહાદુરી હિંમત અને શોર્ય ધરાવતા હોય. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની રિવાયત મુજબ ત્રણસો વીસથી વધુ ઝખ્મો હતા. જનાબ શબરાવીએ અલ ઈત્તેહાફ બે હુબ્બીલ અશ્રાફના પાના ૧૬-૧૭ ઉપર લખ્યું છે: હુસયન (અ.સ.) બહાદુરીથી જંગ લડી રહ્યા હતા. ત્યાં સુધી કે જ્યારે તેઓ ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યા ત્યારે તેમના શરીર ઉપર ૩૧ નેઝાના અને ૪૩ તલવારના ઝખ્મો થએલા હતા.
અંતમાં જનાબ અબ્બાસે એકાદનું તે વાકય જે તેમણે અબુશ્શોહદામાં લખ્યું છે જેની નકલ કરવાનું યોગ્ય લાગે છે. ફરમાવે છે: શુજાઅતુલ હુસયને સીફતુન લા તુસ્તગરબો મીન્હો લે અન્નહા શય્ઓ મીન મઅદેનેહી. ઈમામ હુસયન (અ.સ.)ની બહાદુરી તે ગુણ છે કે જેનું તેમનાથી જાહેર થવું કોઈ અશકય વાત નથી બીલ્કુલ એજ રીતે જે રીતે કાન પરથી કાનની બુટ્ટીનું જાહેર થવું.
અંતમાં બારગાહે ખુદાવંદીમાં દોઆ છે કે ખુદાયા! હુસયન (અ.સ.)ના છેલ્લા ફરઝંદના ઝુહુરના જલ્દી કર કે તે ફરી એક વખત એહલેબય્ત (અ.સ.)ની બહાદુરીને લોકો પ્રદર્શિત કરે અને અમને હુસયન (અ.સ.)ના અસ્હાબોના તુફયલમાં હુસયન (અ.સ.)ના વારસદારના બહાદુર ખીદમતગારોમાં સમાવી લે.
આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *