અબુ અબ્દુલ્લાહ કુન્નીયત (વંશીયનામ)નો ભાવાર્થ

સય્યદુશ્શોહદાઅ – કતીલુલ અબ્રાઅ ઈમામ હુસયન અ.સ.ની કુન્નીયત છે અબુ અબુદ્‌લ્લાહ, એટલે અબ્દુલ્લાહના પિતા. અરબોમાં સંબોધન કરવાની અમુક રસમો હતી. એક, તેના નામથી બોલાવવા, બીજુ તેના લકબથી અને ત્રીજુ તેની કુન્નીયતથી બોલાવવા. દાખલા તરીકે, મૌલાએ કાએનાતનું નામ અલી હતું. લકબ અસદુલ્લાહ અથવા હયદર હતું, કુન્નીયત અબુલ હસન અથવા અબુલ હસનૈન હતું. બિલ્કુલ તેવીજ રીતે ઈમામ હુસયન અ.સ.ની કુન્નીયત અબુ અબ્દુલ્લાહ હતી. પરંતુ લકબો અસંખ્ય હતા. જેવાકે અશ્શહીદુસ સઈદ, અસ્સીબ્તુસ્સાની, અલ ઈમામુસ સાલીસ, અર-રશીદ, અલ વલીય્યુસ સય્યદ, અતતાબેઅ લે-મરઝાતીલ્લાહ, વદ-દલીલે અલા ઝાતીલ્લાહ, અઝઝ જ જલ્લ વિગેરે. જેમકે આપ ઝિયારતે આશુરામાં વારંવાર પડયા હશો. અસ્સલામો અલય્ક યા અબા અબ્દીલ્લાહ એટલે કે સલામ થાય આપ ઉપર એ અબુ અબ્દુલ્લાહ. તો આવો, આપણેઆ લેખમાં અબુ અબ્દુલ્લાહ કુન્નીયત વિષે વધુ જાણકારી મેળવવાની કોશીશ કરીએ.
કુન્નીયત શબ્દનું મુળ કેનાયા છે. કેનાયાનો અર્થ થાય છે કોઈ વસ્તુને ઈશારાથી સંબોધન કરવું, તેટલા જ માટે માત્ર અરબીમાં વ્યાકરણમાં ઈશારાના નામોને કુન્નીયત પણ કહેવામાં આવે છે. બસરાના લોકો સર્વનામ વ્યાકરણમાં એક પદના મુળરૂપોને કેનાયા કહેતા હતા. જ્યાં સંબોધન કરનાર સંબોધિતનું નામ લેવા નથી ઈચ્છતો ત્યાં કેનાયાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તે તેને તેના માં અથવા બાપ અથવા સંતાનોના નામ સાથે જોડી દે છે. અબ, ઉમ, ઈબ્ને જેવા શબ્દોથી કામ લે છે, જેમકે અબુ અમરૂ, ઈબ્ને અબ્બાસ, ઉમ્મે દાઉદ. આવા શબ્દ સમૂહને કેનાયા અથવા કુનીયા કહે છે. સામાન્ય રીતે લોકોના બાપ દાદાઓના નામ તેઓના નામ સાથે જોડવામાં આવતા હતા. તે લકબો જે બિન-અરબોમાં સન્માન માટે વપરાતા હતા જેમકે સય્યદ, શયખ, ખાન, મીરઝા વિગેરે ખરેખર તો તેના ઉપયોગ વિવેક અને ચારિત્ર્યનો માપદંડ ગણાતો હતો એટલા માટેજ એક કવિ કહે છે:
જ્યારે હું તેને બોલાવું છું તો કુન્નીયતથી જ બોલાવું છું જેથી હું તેને માન આપું. તેને લકબથી નથી બોલાવતો કારણકે તે ખરાબ ગણવામાં આવે છે.
આ રીતથી હું માન આપતો રહ્યો જ્યાં સુધી તે મારો અખ્લાક ન બની ગયો. ખરેખર આજ રીતભાતમાં મેં સન્માનની વિશેષતા જોઈ છે.
આ જ કારણથી પુત્રના જન્મ થવાની સાથેજ પુત્રના નામની સાથે કુન્નીયત પણ નક્કી થઈ જાય છે. અમુક વખતે તો પુત્રના જન્મ પહેલા પિતાને કુન્નીયતથી સંબોધવામાં આવતા હતા, એ આશામાં અને એ આગાહી કરવામાં કે પુત્રનો જન્મ થશે. સામાન્ય રીતે આ કુન્નીયત અસલ નામથી વધુ મશહુર થઈ જાય છે. અમુક વખતે કુન્નીયતની પસંદગી તે માણસના ખાસ ગુણના કારણે થતી હતી. જેમકે ખુદ પયગમ્બર સ.અ.વ. વિષે મળે છે ઈન્નમા યુકના વે અબીલ કાસેમો લે ઈન્નહુ યુકસેમુલ જન્નત યવ્મલ કેયામતે. એટલે કે તેમની કુન્નીયત અબુલ કાસિમ એટલા માટે હતી કે કયામતના દિવસે આપ જન્નતની વહેંચણી કરશો.
અસંખ્ય હદીસોમાંથી જાણવા મળે છે કે સય્યદુશ્શોહદા અ.સ.ની કુન્નીયત બચપણથીજ અબુ અબ્દુલ્લાહ હતી. આપના જન્મ થવાના પહેલા દિવસે પયગમ્બરે અકરમ સ.અ.વ. એ આપને ખોળામાં લીધા અને કહ્યું યા અબા અબ્દીલ્લાહ અઝીઝુન અલય્ય એટલે એ અબુ અબ્દીલ્લાહ તમે મારા માટે ઘણા અમુલ્ય છો. આમ કહીને રડવાનું શરૂ કરી દીધું. જનાબે અસમા ફરમાવે છે કે મેં અરજ કરી મારા માં-બાપ આપ ઉપર કુરબાન, જન્મના પહેલા દિવસે આપ આ શું કરી રહ્યા છો? જવાબમાં ફરમાવ્યું હું મારા આ પુત્ર માટે રડી રહ્યો છું, કારણકે બની ઉમય્યાનો એક કાફર અને વિદ્રોહી સમૂહ તેને કતલ કરશે. (બેહારૂલ અન્વાર, ભાગ.૪૩, પ્ર.૧૧, શયખ સદુક અ.ર.ની ઓયુને અખ્બારૂર રેઝા અને ઈબ્ન શહરે આશુબની મનાકીબમાંથી નકલ કરતા લખે છે.)
ધ્યાન ખેંચે તેવી બાબત તો એ છે કે રસુલે અકરમ સ.અ.વ. અલ્લાહની પરવાનગી અને રબની વહી વગર કોઈ કામ કરતા ન હતા. યકીનથી આ કુન્નીયતની પાછળ જરૂર કોઈ ગૈબી રહસ્ય છુપાએલું છે. બનવાજોગ છે કે આપની કુન્નીયત અબુ અબ્દીલ્લાહ એજ કારણથી પસંદ કરવામાં આવી હોય જે કારણથી આપના જદ્દે બુઝુર્ગવારની કુન્નીયત અબુલ કાસિમ હોય. બીજા શબ્દોમાં શકય છે કે આ કુન્નીયત ઈમામ હુસયન અ.સ.ની ખાસ ઈબાદતોના કારણે રાખવામાં આવી હોય. એ કહેવું જરૂરી બનશે કે હઝરત સય્યદુશ્શોહદાની અલ્લાહની ઈબાદતોનો, ખુદા પરસ્તિનો, અલ્લાહના મોહબ્બતનો એવો ભાવ પ્રદર્શિત કર્યો કે આપની પહેલા કોઈ નબી અને કોઈ બસીમાં આ બાબત દેખાતી નથી. બધા નબીઓ અને બધા વસીઓએ પોતાની ખુદની જીભે એ સ્વિકાર કર્યો કે જો તેઓ આ સ્થાનથી એક ડગલું પણ આગળ નજદિક આવવાની કોશીશ કરતે તો બળીને રાખ થઇ જતે. ખાસ કરીને આશુરાના દિવસે ઈમામ હુસયન અ.સ. સર્વોપરી અને મહાન અલ્લાહની એવી ઈબાદત કરી કે બધી જાહેરી ઈબાદતો અને હૃદયપૂર્વકના આઅમાલ અને કાર્યોનું સંગઠન હતું. આપનો દરેક અમલ, પછી તે રોઝા અને નમાઝ હોયકે ઝકાત અને હજ હોય, ચાહે જેહાદ હોય કે અમ્ર બીલ મઅરૂફ અને નહી અઝ મુન્કર, સમજદાર અને બુધ્ધિશાળી લોકો માટે બોધપાઠ લેવા લાયક હતા. ખાસ કરીને આપના જેહાદની રીત, અમ્ર મે મઅરૂફનો અંદાઝ, નહિ અઝ મુન્કરની રીતભાત, જે હકીકતમાં દુનિયા માટે સબક લેવા જેવા હતા કે જો દુનિયામાં બુરાઈઓ જોવા મળે તો માત્ર ખરાબ લોકોના અપકૃત્યના કારણે જ નહિ, પરંતુ સારા કાર્યો કરનારની ચૂપકિદી અને પરહેઝહાર લોકોની ખામોશીના કારણે છે. તેવીજ રીતે આપ ચારિત્ર્યની સુંદરતા, બહાદુરી, ક્ષમા, માનવતા, ખાનદાની, નસીહત, સુધારણા, યકીન, સંતોષ, આત્મ શ્રદ્ઘા, નમ્રતા અને ભલાઈના એવી પ્રતિભા હતા કે આસમાનના મલાએકાઓ પણ દિગ્મુઢ બની ગયા. શકય છે કે આ વાકય લા યવ્મ કયવ્મેક યા અબા અબ્દીલ્લાહ, આપની જેવો કોઈનો દિવસ (આશુરા) નથી, અય અબા અબ્દીલ્લાહ તે આ બધા સદ્‌ગુણો અને ખુબીઓ તરફ ઈશારો કરી રહ્યા છે.
તેથી આ પ્રકારની કુન્નીયત આપવાનો આરબોમાં રિવાજ હતો, દાખલા તરીકે જો કોઈ બહાદુરીની વાત કરવી હોય તો આ રીતે કહે રઅયતો મીન્હા અસદન એટલે મેં તેને સિંહ જોયો. જો કોઈની સખાવતને યાદ કરવી હોય તો કહે, ફલાં અબું જવાદ એટલે ફલાણો સખાવતમાં બાપ છે.
આનું બીજું કારણ એ છે કે જો સય્યદુશ્શોહદા અ.સ. આશુરાના દિવસે આ રીતે સંઘર્ષ ન કરતે અને લડાઈના મૈદાનમાં આ પ્રકારની બહાદુરી અને વિરતાની સાબિતી ન આપતે તો ખલીફાઓના ઝુલ્મ અને અત્યાચારના કારણે શરીયે મોહમ્મદીનો સર્વનાશ થઇ જતે અને સમાજ, અજ્ઞાનતાની ખાઈમાં કાફરોની રીતભાત તરફ પાછો ફરી જતે. ઝાલીમ અને અત્યાચારી બાદશાહ અને દુનિયાની ભૌતિકતા અને વાસનાઓ લોકો ઉપર કાબુ મેળવી લેત, કોઈ પણ મુસલમાન હિદાયતનો લાભ ન મેળવી શકત. બની ઉમય્યાના હુમલાઓ અને ઈબ્ને તયમીય્યા જેવાઓની ખટપટોની સામે સામનો કરનાર કોઈ બાકી ન રહેતે. તેથી સય્યદુશ્શોહદા અ.સ.ની પછી જેણે પણ ખુદાની પરસ્તીશ કરી અને હઝરત મોહમ્મદ સ.અ.વ.નું અનુસરણ કર્યું તે માત્ર અને માત્ર ઈમામ હુસયન અ.સ.ના પવિત્ર અસ્તિત્વની બરકતોના કારણેજ છે. તે હુસયન કે જેના બારામાં સહેલાઈથી કહી શકાય લવ લા હોમા અબ્દીલ્લાહ વલવ લા હોમા અરફલ્લાહ. એટલેકે જો આપ ન હતે તો અલ્લાહની ઈબાદત ન હતે અને જો આપ ન હતે તો કોઈપણ અલ્લાહની મઅરેફત મેળવી ન શકતે. ફરાએદુસ્સીમતૈન, ભાગ.૧, પા. ૪૬, કર્તા શયખુલ ઈસ્લામ હમવીની.)
તેથી હકીકત એ છે કે સય્યદુશ્શોહદા અ.સ. ખુદાના બધા બંદાઓના પિતા છે. (પિતા – સરપરસ્તના અર્થમાં જેમકે આરબોમાં સામાન્ય રીતે ઉપયોગ થાય છે.) અબ્દીલ્લાહનો અર્થ ખુદાવંદે તઆલાના બંદાઓની જાત છે પછી તે બંદાની બંદગી એટલે આજીજી અને કાકલુદી હોય અથવા ઈબાદતના અર્થમાં હોય, બન્ને રીતે તેના અર્થમાં ફરક નથી પડતો.
ત્રીજું કારણ આ કુન્નીયતનું એ છે કે જે રીતે ઈતિહાસકારોએ લખ્યું છે અને હદીસકારોએ નકલ કરી છે કે આપના ત્રીજા પુત્રનું નામ અબ્દુલ્લાહ હતું આપણે જેને અલી અસગરના લકબથી ઓળખીએ છીએ. તેમની વય કરબલાની ઘટનાના સમયે છ મહિનાની હતી અને જેને હુસયન મઝલુમના હાથો ઉપર હુરમલા લ.અ.એ પોતાના મનહુસ તીરથી નિશાન લીધું હતું. તેથી મકતલમાં કરબલાની કત્લગાહના વર્ણનમાં આ પ્રકારના વાકયો જોવા મળે છે ફખરજ બે ઈબ્નેહી અબ્દુલ્લાહ બીન અલ-હુસયન પછી આપ આપના ફરઝંદ અબ્દુલ્લાહ બીન હુસયનની સાથે બહાર આવ્યા. તેથી તેમને અબા અબ્દીલ્લાહ કહેવામાં આવે છે.
સમાપન: આ લેખના અંતમાં વાંચકો સમક્ષ ઈમામ રઝા અ.સ.થી આ હદીસ નકલ કરીએ છીએ. આપે ફરમાવ્યું: એઝા ઝકર્તર રજોલ વહોવ હાઝેરૂન ફકુન્નેહી વ એઝા કાન ગાએબન કસમ્મેહી એટલે જ્યારે કોઈ વ્યકિતને યાદ કરો અને તે હાજર હોય ત્યારે તેને કુન્નીયતથી બોલાવો અને જો ગાયબ હોય તો તેના નામથી યાદ કરો. (બેહારૂલ અન્વાર, ભાગ.૭૮, પા. ૩૩૫)
તેથી આપણે જ્યારે ઝિયારતે આશુરામાં શહીદે કરબલાને યા અબા અબ્દીલ્લાહ કહીને સંબોધન કરીએ છીએ, આપણને એ ખ્યાલ રહેવો જોઈએ કે આપણે જેને સંબોધન કરીએ છીએ તે હાજર છે, ગાયબ નથી.
બીજુ એ કે આગળ જણાવ્યા મુજબ કુન્નીયતનો ઉપયોગ સન્માન કરવા માટે થાય છે. જેમકે બીજા ખલીફાના સમયમાં જ્યારે કોઈએ અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ઉપર તોહમત લગાડી અને આપને ખલીફાની અદાલતમાં રજુ કરવામાં આવ્યા, ત્યારે ખલીફાએ આપને અબુલ હસન કહીને સંબોધન કર્યું. તે સમયે મૌલાએ કાએનાતે તુરતજ વિરોધ કર્યો અને કહ્યું કે, અદાલતમાં ન્યાય થવો જોઈ, ઈન્સાફનો તકાઝો એ નથી કે મને મારી કુન્નીયતથી બોલાવવામાં આવે અને બીજા કોઈને તેના નામથી. જો ઝિયારતમાં આપણું ધ્યાન ન રહ્યું તો આ સન્માન ન કરવાની દલીલ ગણાશે. અલ્લાહ તઆલા આ પ્રકારની દોઆઓને કબુલ નથી કરતો. કારણકે અમીરૂલ મોઅમેનીન અ.સ.મ ફરમાવ્યું લા યકબલુલ્લાહો દોઆઅ કલ્બીન લાહીન, અલ્લાહ તઆલા ગફલત કરનારની દોઆઓને કબુ નથી કરતો. (બેહારૂલ અન્વાર, ૩૧૪/૯૩, ઉદ્દદતુદ-દાઈ, લેખક ઈબ્ને ફહદે હીલ્લીમાંથી નકલ.)
તેથી આપણે પુરેપુરી રીતે ધ્યાન આપવું જોઈએ અને બેદિલી બેધ્યાનપણાથી રક્ષિત રહેવાની પૂરી કોશીશ કરવી જોઈએ અને બારી તઆલાની ઝાતથી દોઆ કરવી જોઈએ કે તે આપણી ઝિયારતો અને ઈબાદતોને કબુલ કરે અને આજની દુનિયામાં ઈબાદતના મુજસ્સમા હઝરત બકીયતુલ્લાહીલ અઅઝમના ઝુહુરમાં ઝડપ કરીને દુનિયાના મોઅમીનોના દુ:ખ અને દર્દને દૂર ફરમાવે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *