અસ્સલામો અલલ હુસય્ન વ અલા અલીય્યીબ્નીલ હુસય્ન વ અલા અવ્લાદીલ હુસય્ન વ અલા અસ્હાબીલ હુસય્ન
હઝરત ઈમામ હુસય્ન અ.સ.નો ઝીક્ર સાંભળીને જ દિલોમાં દીની જઝબાત ઉભરાવા લાગે છે. ઈમાન અને અમલ, ત્યાગ અને બલીદાન, શિષ્ટાચાર અને સદગુણો, ધૈર્ય અને સહનશીલતા, જાંનિસારીની ઉમટતી લાગણીઓ, ઈમામે વકતના ઈશારાઓના પાલનનું સંપૂર્ણ પ્રતિબિંબીત થએલી લાગણીઓ – સ્વ-પ્રસંશાથી ખુદાની પ્રસંશા મેળવીને ઈમામની પ્રસંશાની મંઝીલ ઉપર પહોંચીને, પોતાની જાતને ભુલી જઈને એટલે માત્ર અને માત્ર ઈમામે વકતના રક્ષણની ચિંતા, તેમની ખુશ્નુદી પ્રાપ્ત કરવા માટેની મથામણ, ખુદાની મરજી પ્રાપ્ત કરવાની તડપ, રીસાલત અને ઈમામતની બારગાહમાં સુર્ખરૂ (લાલિત્યવાળો ચહેરો) થવાની તમન્ના.
ઈમામે વકતની મદદ એટલે વય અને વરસ, કૌમ અને વંશ, ખાનદાન અને શહેર, ભાષા અને સંસ્કૃતિ, દરેક નિયંત્રણોથી પર થઈને માત્ર એક જ ધ્યેયના બિન્દુ ઉપર, દિલોનું ભેગા થવું, દીન અને ઈમામે વકતનું રક્ષણ કરવું.
આવા જ પ્રકારની ઉચ્ચતા હ. ઈમામ હુસય્ન અ.સ.ના ઝીક્રથી દિલોમાં હંમેશા માટે કંડારાઈને ઉભરાવા લાગે છે. આ એક સંપૂર્ણ રીતે સાબિત થએલી હકીકત છે કે દરેક ચાહનારા તેના પ્રિયપાત્રના રંગઢંગ સ્વિકારી લે છે. તેના દરેક અંદાઝને અપનાવવાની કોશીષ કરે છે. અથાગ કોશીશ કરે છે કે તેના જીવનના દરેક સ્તરે મહેબુબની પ્રતિકૃતી દેખાય. ત્યાં સુધી કે એક તબક્કો એવો આવે છે કે કાંઈ પણ કહ્યા વગર લોકો સમજી જાય છે કે આ કોઈ ચાહનારો છે અને તેના દિલમાં કોઈની મોહબ્બત છે.
હ. ઈમામ હુસય્ન અ.સ. કમાલની એ પરાકાષ્ઠા છે કે જેને દરેક સારી સારી બાબત અને નેકી, કમાલના દરજ્જે દેખાય છે. બલ્કે એમ કહીએ તો તે વધુ સારૂં લેખાશે કે ઈમામ હુસય્ન અ.સ.ની સ્વિકૃતિના કારણે સારી બાબતો, સારી બાબતો કહેવાઈ. ઝીયારતે આલે યાસીનમાં છે “જે બાબતનો આપે હુકમ કર્યો તે સ્વિકૃત છે અને જે બાબતોની આપે મના કરી તે અસ્વિકૃત છે. જેના ઉપર આપ રાજી છો તે હક (સત્ય) છે અને જેને નકારી કાઢયું તે રદ થએલું છે.
હ. ઈમામ હુસય્ન અ.સ.નો ઝીક્ર અને આપની અઝાદારી કોઈ રસમ કે રિવાજ નથી કે બસ માત્ર પ્રણાલિકાગત્ કરીએ અને તેનાથી કોઈ અસર ન લેવામાં આવે અને પોતાનામાં કોઈ પરિવર્તન ન જણાય. સમય આવે ત્યારે કાળા કપડાની જેમ પહેરવામાં આવે અને સમય પસાર થાય પછી ઉતારી નાખવામાં આવે અને આવતા વરસ માટે રાખી દેવામાં આવે. પ્રસંગોપાત ફરી કાઢવામાં આવે અને ફરી સંભાળીને મૂકી દેવામાં આવે.
ઈ. હુસય્ન અ.સ.નો ઝીક્ર (ચર્ચા) દિલના ચિંતન-મનનને સંબંધિત છે આ ચર્ચાથી વિચારો સુધરે છે અને હ્રદયને સજાગતા નસીબ થાય છે અને ગફલત દૂર થાય છે. જાગૃતિ ઉત્પન્ન થાય છે. આ ઝીક્રના પ્રકાશમાં માનવી પોતે પોતાની જાતનું મુલ્યાંકન કરે છે. જનાબે ઝોહયર અને જનાબે હૂરથી બોધપાઠ લઈને ભવ્ય અડગતાની સાથે ઈ. હુસય્ન અ.સ. તરફ આગળ વધે છે અને ફીદા થઈને એ દરજ્જે પહોંચે છે કે મઅસુમ તેની માટી ઉપર સિજદો કરે છે અને તેને સલામ કરે છે “યા લયતની કુન્તો મઅકુમ ફઅફૂઝ મઅકુમ” (ઝિયારતે વારેસા)
જે લોકો આ પવિત્ર ઝિક્રને એક રસમ અને રિવાજ ગણે છે તેઓ તેના દ્વારા પોતાના અહમને સંતોષ આપવા માટે સરખામણી અને કબુલ થવાનો તર્ક લડાવે છે અને પોતાના પ્રોગ્રામની સફળતાને, શરીક થનારાઓની મોટી સંખ્યા અને તેઓના અહોભાવથી માપે છે. અને આ બાબતો ન હોય તો વ્યર્થ ગણે છે. આજ બાબતોને માપદંડ બનાવીને અમુક લોકો પ્રસંશા કરે છે જ્યારે અમુક લોકો મુસ્કુરાય છે.
જે લોકો આ પવિત્ર ઝીક્રને એક પ્રકારની કેળવણી – બોધ પાઠ સમજે છે, તેઓ પ્રણાલિકાગત મુલ્ય આંકે છે તેને ઈમાન અને અમલનું મુળ ગણે છે. તેઓ માલ નહિ, આમાલને દ્રષ્ટિ સમક્ષ રાખે છે. તેઓ જુએ છે કે આ ઝીક્રથી આપણને શું બોધપાઠ મળ્યો. પોતાનામાં કેટલું પરિવર્તન લાવ્યા. કઈ કઈ બાબતોને છોડીને ઈમામ હુસય્ન અ.સ.ની નજદીક આવ્યા. પોતાની લાગણીઓ ઉપર ઈમામે વકતની વાતોને કેટલી વખત અગ્રતા આપી. ક્યારેક એવું પણ બને કે ઈમામે વકતના ચિંતનમાં ખુદ પોતાની જાતને ભુલી ગયા હોય. ક્યારેક એવું પણ બને કે ખુદ પોતાની જરૂરિયાતો ઉપર બીજાની જરૂરિયાતોને અગ્રતા આપી હોય. વાત વધી ન જાય તે માટે ચૂપકીદી અખત્યાર કરી હોય. ક્યારેક એવું પણ બને કે આ ઝીક્રને બીજાનો પ્રોગ્રામ ના સમજીને માત્ર ઈમામ હુસય્ન અ.સ.ને ખાતર તેને સફળ બનાવવાની કોશીશ કરી હોય. હરીફાઈને બદલે ત્યાગ અને દરગુજર કરવાનું યોગ્ય ગણ્યુ હોય. ઈમામ હુસય્ન અ.સ.ના અન્સારોમાં શામીલ થવાની તમન્નામાં અન્સારે હુસયનીના ચારિત્ર્ય અને સંસ્કારો અંગિકાર કર્યા હોય.
ઈમામ હુસય્ન અ.સ.ના ઝીક્રમાં આજે પણ જબરજસ્ત અસર છે. ગુનાહોથી દૂર રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે. નજાતનો શ્રેષ્ઠ વસીલો છે. ગમે તેમ પણ એટલું તો થાય જ છે કે દીન પ્રત્યે ભાવના વધે છે. ગુનાહો ઓછા થઈ જાય છે. અલબત્ત, સાચા દિલથી કબુલ કરી લેવામાં આવે તો તેની અસર હંમેશા માટે રહે છે.
ઈમામ હુસય્ન અ.સ.નો દરબાર મહાન દરબાર છે. તેમાં કદમ કદમ ઉપર માર્ગદર્શન અને મૂકિત છે. મામુલીમાં મામુલી બાબતની પણ કદર છે અને થોડી થોડી બાબત ઉપર પણ અઝીમ સવાબ છે. એક ગીર્યા રૂદનની રડવાની બાબતજ જુઓ દરેક પ્રકારના ગીર્યાની કદર છે. આ દરબારમાં કોઈ નિરાશ થતું નથી. માત્ર એજ ગીર્યા કદર થવાને પાત્ર નથી જેમાં આંસુ ટપકે અને અવાજ બુલંદ થાય. પરંતુ ઈમામ હુસય્ન અ.સ.ની સખાવતની શાન જ નિરાળી છે. રડવાના ઓછામાં ઓછા દસ દરજા છે અને દરેકને પોતાનું મુલ્ય અને કદર છે તેના દરેક પ્રકાર કિંમતી છેઃ
(૧) માત્ર શોકગ્રસ્ત અને ગમગીન થઈ જવું. પછી આંસુ ન પણ ટપકે. આ પણ કદરને પાત્ર છે.
(૨) દિલ ઉપર આઘાત લાગવો. આ દર્દની પણ બારગાહે હુસયનીમાં કદર છે.
(૩) આંખોમાં માત્ર ભીનાશ આવવી અને આંસુ બહાર ન નીકળવા. આ પણ પ્રસંશાને પાત્ર છે.
(૪) આંસુ ટપકી પડે, તો પછી શું કહેવું. પછી ગમે તેટલા ઓછા કેમ ન હોય.
(૫) આંસુ વહીને દાઢી સુધી પહોંચી જાય.
(૬) એટલા આંસુ વહે કે છાતી સુધી પહોંચી જાય.
(૭) ઘણાં વધુ વહીને ખોળા સુધી પહોંચી જાય.
(૮) આંસુ સાથે સાથે આક્રંદ પણ હોય.
(૯) મોટા અવાજથી રૂદન હોય.
(૧૦) રડતાં રડતાં ચીસ નીકળી જતી હોય.
(૧૧) એ રીતે રડે કે બેભાન થઈ જાય અને એમ લાગે કે જીવ નીકળી જશે.
દરેક પરિસ્થિતીની જુદી જુદી કદર અને સ્થાન છે. દરેક બારગાહે ખુદાવંદીથી નજદિકીનો શ્રેષ્ઠ વસીલો છે. નજાત મેળવવાનું કારણ છે. આ બધી બાબતો રિવાયતોથી સાબિત થાય છે. તેમાં એ શરત નથી કે આ પરિસ્થિતી હંમેશા બાકી રહે. બલ્કે જો એક વખત પણ આ સ્થિતી પ્રાપ્ત થાય તો પણ હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના દરબારમાં તેની કદર છે. અલબત્ત આ અસર અને આ રૂદન તે મસાએબ પર હોય જે ઈ. હુસય્ન અ.સ. પર ગુજર્યા છે. પોતે ઉભા કરેલા કે મજલીસને સફળ બનાવવા માટે ઊભા કરવામાં ન આવ્યા હોય.
આ આંસુ જાહેર રીતે સુકાય જાય છે. પરંતુ હકીકતમાં મલાએકા તેને મેળવે છે. જન્નતના રીઝવાનને આપે છે અને ત્યાં આ આંસુ “માએ હયવાન”માં મેળવીને રાખી દેવામાં આવે છે.
આ રૂદન અને આક્રંદનો જે બદલો અને સવાબ આખેરતમાં મળશે તે તો મળશેજ. દુનિયામાં તેની અસર એ છે કે જે લોકો ઈમામ હુસય્ન અ.સ. ઉપર રહમત અને શફકતથી રૂદન કરે છે, ખુદા તેઓની ઉપર દુરૂદ અને સલામ મોકલે છે.
આ બાબતો ઉપર વિચાર કરવાથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે હઝરત ઈમામ હુસય્ન અ.સ. કેટલા મહેરબાન છે કેટલા કદરદાન છે. આ મોહબ્બત અને રહમતનો તકાઝો એ છે કે ગુનાહ ન કરવા બલ્કે હ. ઈમામ હુસય્ન અ.સ.ની ખુશ્નુદી ખાતર ગુનાહોથી દુર થઈને આપના વસીલાથી ખુદાની નજદીકી મેળવવી. અને સમાજને હુસયની રંગ આપવો.
એ વારીસે હુસય્ન અ.સ.! એ હુસય્ન અ.સ.ના પયગામના રક્ષણહાર! આ અકીદાથી ભરપૂર કલેમાત દ્રારા આપની પવિત્ર બારગાહમાં આપના જદ્દે મઝલુમની તાઅઝીય્યત પેશ કરીએ છીએ અને એ વિનંતી કરીએ છીએ કે આપની દ્રષ્ટિની અમુલ્ય અસરથી અમે, અભાગી લોકોને પણ આપના અનસારો અને આપના ગુલામોમાં શામીલ ફરમાવો.
“યા રબ્બલ હુસય્ન ઈશ્ફે સદરલ હુસય્ન બે ઝુહુરીલ હુજ્જત.”
Comments (0)