અહલેબય્ત અ.સ.ની ભવ્યતા
અહલેબય્ત અ.સ.ની ભવ્યતા
સય્યદુશ્શોહદાના સ્વમુખે
ઈસ્લામ ધર્મના મૂળભુત સિધ્ધાંતો પૈકી એક સિધ્ધાંત છે, અહલેબય્તે રસુલ સ.અ.વ.નું અનુસરણ, તેટલા જ માટે રસુલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું, “હું તમારી વચ્ચે બે મહત્વની વસ્તુઓ છોડીને જઈ રહ્યો છું. એક અલ્લાહની કિતાબ (કુરઆને મજીદ) અને બીજી મારી એહલેબય્ત (અ.સ.) જો તમે આ બંનેને મજબુતીથી પકડી રાખશો તો મારા પછી કયારેય પણ ગુમરાહ નહીં થાવ. આ બંને એકબીજાથી જુદી નહીં પડે જ્યાં સુધી હવ્ઝે કવસર ઉપર મારા સુધી પહોંચી ન જાય.” આધારભૂત પ્રમાણોની (સનદોની) વિશ્વાસનીયતાના કારણે આ હદીસે એટલી સ્વિકાર્ય છે છે કે હાલ તુરત કોઈ હવાલા સંદર્ભોની જરૂર જણાતી નથી પરંતુ અનુસરણ અને તાબેદારીની મહત્વની શરત એ છે કે માનવી જેનું અનુસરણ કરે તેના વિશે ખૂબી પૂર્વક જ્ઞાન ધરાવતો હોય. અજ્ઞાનતાનું અનુસરણ કરવું બુદ્ઘિની વિરૂધ્ધ છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે જેના મુલ્ય અને મહત્વનો અંદાજ નથી મેળવી શકાતો, તો શું લોકોમાં એટલી લાયકાત અને સમજ છે કે તે એહલેબય્ત અ.સ.નું મુલ્ય અને મહત્વ ખુદ પોતાની જાતે મેળવીને જ્ઞાત થઇ શકે? આ પ્રશ્નનો જવાબ ખુદ ઈમામે મઅસુમ અ.સ.ની વાણી દ્વારા સાંભળીએ તો વધુ ઉચિત લેખાશે. ઈમામ સાદિક અ.સ., ઈમામની ઉચ્ચતા અને ઈમામતના સ્થાનને સ્પષ્ટ કરતાં ફરમાવે છે: લોકો પોતાની બુદ્ઘી દ્વારા તેઓ સુધી પહોંચી નથી શકતા અને તેમના વિચારો ઈમામને જાણી નથી શકતા. (ઉસુલે કાફી, કિતાબુલ હુજ્જ, પ્રકરણ પહેલું, પુસ્તક ૨) પરિણામ એ આવ્યું કે માનવી તેની બુદ્ઘીની બધી પ્રગતિઓ પછી પણ ઈમામતના મુલ્ય અને ઉચ્ચતાને સમજવા માટે લાચાર છે. તેથી તેનો ઉકેલ એ છે કે આપણે અઈમ્મએ મઅસુમીન અ.સ.ના સ્વમુખે સાંભળીએ કે આપ હઝરાતનું શું સ્થાન અને શ્રેષ્ઠતા છે. તો આવો, આ લેખમાં આપણે ઈમામ હુસય્ન અ.સ.ની પવિત્ર વાણી દ્વારા અહલેબય્ત અ.સ. સંબંધતિ રિવાયતોનો અભ્યાસ કરીએ.
અહલેબય્ત અ.સ.ના ફઝાએલ સંબંધે લોકોનની સહન-શકિત
સાદિકે આલે મોહમ્મદ સ.અ.વ. ઈમામ જઅફર સાદિક અ.સ. ફરમાવે છે કે લોકો ઈમામ હુસય્ન અ.સ.ની પાસે આવ્યા અને કહેવા લાગ્યા “એ અબુ અબ્દિલ્લાહ! (અલ હુસય્ન) અમને એ ઉચ્ચતર ગુણોથી માહિતગાર કરો જે ખુદાવંદે આપના માટે નક્કી કર્યા છે.” આપ અ.સ.એ જવાબ આપ્યો, “ન તમે તે ફઝાએલોને સહન કરી શકશો ન તો તમારામાં તેને (પચાવવાની) શકિત છે.” તે લોકોએ કહ્યું: “અમે સહન કરી શકીશું.” ઈમામ હુસય્ન અ.સ.મે ફરમાવ્યું: (ઠીક છે) “જો તમે સાચા હો તો તમારામાંથી એક વ્યકિત અહીં રહે અને બાકીના બીજા બધા બહાર ચાલ્યા જાય. જેને હું મારા ફઝાએલની વાત કરીશ. તે એક સહન કરી શકશે તો બાકીના સૌને કહીશ.” ઈમામ અ.સ.ના હુકમ મુજબ બાકી રહેલી બે વ્યકિતઓ ત્યાંથી હટી ગઈ. આપે એહલેબય્ત અ.સ.ના ફઝાએલ કહેવાનું શરૂ કર્યું. ત્યાં સુધી કે તે વ્યકિતની અક્કલ ગુમ થઈ ગઈ (એટલેકે તે દંગ થઈ ગયો) અને તેનો ચહેરો પીળો પડી ગયો. હેરાની અને પરેશાની તેના ઉપર પૂરેપૂરી રીતે છવાઈ ગઈ. તે પછી તેના દોસ્તોએ તેને પૂછયું કે શું થયું. તેણે કોઈ વાતનો જવાબ ન આપ્યો અને તે સૌ ત્યાંથી ચાલ્યા ગયા. (અલ ખરાએજ વલ જરાએહ, કતા<-કુતુબુદ્દીન રાવન્દી ભાગ-૨, પા. ૭૯૫, હદીસ-૪, મુન્તખબુલ બસાએર પા. ૧૦૮, અઝ સફાર, અને અસ્બાતુલ હોદાત, શયખ હુરરે આમેલી, ભાગ-૫, પા. ૧૯૪, હદીસ-૩૪) આજ સંદર્ભ – સનદથી એક બીજી રિવાયતમાં પણ છે. ઈમામ સાદિક અ.સ.એ ફરમાવ્યું કે એક માણસ ઈમામ હુસય્ન અ.સ.ની પાસે આવ્યો અને કહેવા લાગ્યો “એ ફઝાએલ બયાન ફરમાવો જે પરવરદિગારે કાએનાતે આપના માટે ફરમાવ્યાં છે.” આપે કહ્યું: “તુ તેને સહન નહીં કરી શકે.” તેણે આગ્રહ કર્યો, તેથી ઈમામ હુસય્ન અ.સ.એ ફઝીલતની માત્ર એક હદીસ ફરમાવી. હજુ હદીસ પૂરી પણ નહોતી થઇ કે તે માણસના વાળ અને દાઢી સફેદ થઇ ગયા. તુરત તે હદીસ તેને ભુલવાડી દીધી. તે માટે સય્યદુશ્શોહદાએ કહ્યું કે “ખુદાની રહેમતે તેને ઘેરી લીધો તે કારણે તેને આ હદીસ ભુલવાડી દીધી.” (અલ ખરાએજ ૭૯૫/૨, બેહારૂલ અન્વાર ૩૭૯/૨૫, હદીસ ૨૭, અસ્બાતુલ હોદા ૧૯૫/૫, હદીસ ૩૫)
ઉપર દર્શાવેલ હદીસો ઉપર વિચાર કરવાથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અહલેબય્ત અ.સ.ના હકીકી ફઝાએલ અને મનાકીબને સમજવા માટે ખુદાની રહેમતનું સાથે હોવું જરૂરી છે. અને તેને સમજવા માટે હૃદયની વિશાળતાની પણ આવશ્યકતા છે. અજબ નથી કે ઈમામ ઝયનુલ આબેદીન અ.સ.એ ફરમાવ્યું કે “જો હું તમારા માટે ઈલ્મનો ખજાનો ખોલી નાખું તો તમે એમ કહેશો કે અલી બીન હુસય્ન અ.સ.નું ખુન મુબાહ (હલાલ) છે (એટલે આપને કતલ કરવા (માઅઝલ્લાહ) શરીઅતથી જાએઝ છે) અથવા તો પછી ઈન્સાન તે બીજી હદ સુધી પહોંચી જાય છે અને તેઓને (અહલેબય્ત અ.સ.ને) સર્જનહાર અને ખુદા માનવા લાગે છે.” એટલે જ ઈમામ મઅસુમ અ.સ.ની હદીસ છે, “નઝઝેલુના અનીર રબુબીય્યતે ફકૂલુ ફીના મા શેઅતુમ રબુબીય્યત” (અલ્લાહની પરવરદિગારી) સિવાય તમે જે ઈચ્છો અમારા સંબંધમાં બયાન કરી શકો છો.
એહલેબય્ત અ.સ.નું અસ્તિત્વ હઝરત આદમ અ.સ.ના સર્જનની પહેલા
એક વખત હબીબ બીન મઝાહીર અલ-અસદી-અલ્લાહ એમના ચહેરાને નુરાની બનાવે – ઈમામ હુસય્ન અ.સ.ને પૂછયું: હઝરત આદમ અ.સ.ના સર્જન પહેલા આપ લોકો કઈ સ્થિતીમાં હતા? આપે જવાબ આપ્યો, “અમે (અહલેબય્ત) નુરના છાંયડાના સ્વરૂપે હતા અને અલ્લાહના અર્શની આસપાસ ફરી રહ્યા હતા. જેથી અમે ફરિશ્તાઓનો ખુદાવંદે આલમની તસ્બીહ, તહલીલ, પ્રસંશા અને વખાણની રીત શીખવાડી.”
એહલેબય્ત અ.સ. ઈસ્લામનો પાયો છે
ઈમામ મોહમ્મદ બાકીર અ.સ.થી નકલ છે કે ઈમામ હુસય્ન અ.સ.એ ફરમાવ્યું કે “જ્યારે રસુલુલ્લાહે હજ્જતુલ-વિદાઅની ક્રિયાઓ પૂરી કરી, તે પછી આપ પોતાની સવારી ઉપર સવાર થયા અને કહેવા લાગ્યા: કોઈપણ વ્યકિત જન્નતમાં દાખલ નહીં થાય સિવાયકે જે મુસલમાન હોય. આ જવાબ પછી અબુઝર ગફફારી (રહેમતુલ્લાહ) ઉભા થયા અને પૂછયું, એ અલ્લાહના રસુલ, ઈસ્લામ શું છે? આપે જવાબ આપ્યો: ઈસ્લામ પોષાક વગરનો અને ખુલ્લો છે. જેનો પોષાક તકવા અને પરહેઝગારી (નફસની લઝઝતો અને ગુનાહથી દૂર રહેવું) છે. તેની શોભા શરમ છે અને તેનું માપ-ધોરણ વરએ પરહેઝગારી (વરઅ એટલે દિલમાં પણ ગુનાહનો વિચાર ન કરવો અથવા ન તેની કોશીશ કરવી) તેનો કમાલ શ્રેષ્ઠતા તેના કાર્યોના પ્રકાર છે. દરેક વસ્તુનો કોઈ પાયો છે. ઈસ્લામનો પાયો અમો એહલેબય્તની મોહબ્બત છે. એ હકીકત છે કે કોઈ પણ ઈમારત ન પાયા વગર ઉભી કરી શકાય છે, ન તે ટકી શકે છે. જો પાયો આડો નખાયો તો ઈમારત પણ આડી ઉભી થશે, તે નક્કી છે. (આમાલીએ તૂસી, જી.૧, પા. ૮૨, હદીસ ૩૫)
એહલેબય્ત અ.સ.ની મોહબ્બતના પરિણામો
(અ) અબાન બીન તગલબની રિવાયત છે કે ઈમામે શહીદ અ.સ.એ ફરમાવ્યું: “જે અમારી સાથે મોહબ્બત કરશે તે અમો અહલેબય્તમાંથી હશે. મેં આશ્ચર્યથી પૂછયું: અહલેબય્તમાંથી હશે? આપે ત્રણ વખત ફરી ફરીને કહ્યું, “હા, અહલેબય્તમાંથી હશે. તેથી જે વ્યકિત અમારૂં અનુસરણ કરશે તે ખાત્રીપૂર્વક અમારામાંથી છે”. (નઝહતુન નાઝીર વ તન્બીયુલ ખાતીર, પા. ૫૮, હદીસ ૧૯)
આ હદીસથી સ્પષ્ટ રીતે જાહેર થાય છે કે માત્ર મોહબ્બતનો સ્વિકાર પૂરતો નથી, બલ્કે તેની સાથે સાથે તેઓનું અનુસરણ અને તાબેદારી પણ કરવી જોઈએ.
(બ) ઈમામે હુસય્ન અ.સ.એ ફરમાવ્યું: અમારી મોહબ્બત ગુનાહોને એ રીતે ખેરવી નાખે છે જે રીતે ફૂંકાતો પવન ઝાડના પાંદડાઓને ખેરવી નાખે છે. તેનો અર્થ એ થયો કે જે વ્યકિત દાવો કરે કે તે અહલેબય્તનો મોહિબ છે, તેના માટે જરૂરી છે કે તેના જીવનના દરેક કાર્યમાં તકવા અને પરહેઝગારીથી કામ લે, અને ઈસ્તિગ્ફાર – ક્ષમા યાચના દ્વારા પોતાના ગુનાહોને માફ કરાવી લે. (હાશીયા: તારીખે ઈબ્ને અસાકીર, પા. ૧૫૯)
(ક) સય્યદુશ્શોહદાએ ફરમાવ્યું, અમારી અહલેબય્તની મોહબ્બતને પોતાના ઉપર ફરજ પાડી દયો કારણકે જે અલ્લાહની મુલાકાત કરે એવી હાલતમાં કે તે અમારો મોહીબ હોય, તેને અમારી શફાઅત પ્રાપ્ત થશે. (અહકાકુલ હક્ક, કતા< – કાઝી નુરૂલ્લાહ શુસ્તરી, ભાગ-૧૧, પા. ૫૯૧)
આથી એવું ફલિત થાય છે કે જે વ્યકિત દિલથી અહલેબય્ત અ.સ. સાથે મોહબ્બત કરે અને તેના કાર્યથી તેઓનું અનુસરણ કરે તો તે કયામતના દિવસે તેઓની શફાઅતને પાત્ર થશે.
(ડ) બલાઓનો હુમલો
ઈમામ હુસય્ન અ.સ. કહે છે: ખુદાની કસમ, બલાઓ, ફકીરી, ગરીબી અને શહાદત તુર્કી ઘોડાઓ (ની ઝડપથી) અને પૂર તેની પરાકાષ્ઠાએ પહોંચે તેની ઝડપ કરતા પણ વધુ ઝડપથી અને તેજીથી અમારા ચાહવાવાળાઓને ઘેરી લે છે. (બેહારૂલ અન્વાર, ભાગ-૬૭, પા. ૨૪૬)
એટલે કોઈ એમ કહે કે અમે અહલેબય્તના ચાહનારાઓ છીએ તો તેને દરેક પ્રકારની બલાઓ માટે તૈયાર રહેવું જોઈએ. બીજા શબ્દોમાં બલાઓના કારણે તેના પગ ઈમાનના માર્ગ ઉપરથી ડગમગી ન જાય. કારણકે બલાઓ અને પરેશાની મોહબ્બત અને વિલાયતની દલીલ હોય છે. આજ કારણે હદીસોમાં જોવા મળે છે: દરેક બલાની નીચે મોહબ્બત હોય છે. પરંતુ એ જરૂરી નથી કે જે શીયા હોય તે દરેક વખતે પરેશાનીઓથી વિંટળાએલો હોય. શકય છે કે અલ્લાહની મસ્લેહતના કારણે તેને સંપત્તિ અને આરામ આપવામાં આવ્યા હોય. યફઅલો મા યશાઓ (ખુદા ચાહે છે, કરે છે)
અહલેબય્તની સાથે દુશ્મની – નફરત, દંભ – નિફાકની નિશાની છે
ઈમામ હુસય્ન બીન અલી અ.સ.એ ફરમાવ્યું: અમે રસુલે ખુદા (સ.અ.વ.)ના ઝમાનામાં દંભીઓને (મુનાફેકીનને) હ. અલી અ.સ. અને અવલાદે અલી (અ.સ.)ની સાથે નફરત અને દુશ્મની રાખવાથી ઓળખતા હતા. (એટલે મુનાફેકીન એ લોકો કહેવાતા જે અલી અ.સ. અને એમની ઔલાદ અ.સ.ને દુશ્મન રાખે અથવા એમનાથી નફરત કરે. (ઓયુને અખબારે રેઝા, લેખક: શેક સદુક, જી.૨, પા.૭૨) હવે દિલમાં એ સવાલ ઉભો થાય છે કે જ્યારે એહલેબય્ત અ.સ. આટલા સંપૂર્ણતા ગુણો અને ઉચ્ચ કારકીર્દી ધરાવતા હતાં, પછી લોકો એ તેઓનો વિરોધ શા માટે કર્યો અને તેમની વિરૂધ્ધ દિલમાં દ્ઘેષ અને ધૃણા (નફરત) શા માટે રાખી. આવાજ સવાલનો જવાબ પ્રકોપ અને ગુસ્સામાં આપતા ઈમામ અ.સ. ફરમાવે છે: મને ખબર નથી કે લોકો (વિરોધીઓ) અમારી સાથે ધૃણા અને દુશ્મની શા માટે રાખે છે જ્યારે અમે ખાત્રીપૂર્વક રહેમતનું ઘર છીએ. નબુવ્વત અને રિસાલતનું વૃક્ષ છીએ અને જ્ઞાનનો ભંડાર અને ખજાનો છીએ. (નઝઅતુન નાઝીર, પા. ૮૫)
આ દુશ્મની, ધૃણા અને નફરતનો પાયો શું હતો? તેનું બીજ કયારે અને કયાં વાવવામાં આવ્યું હતું? આશુરાના દિવસે જ્યારે સય્યદુશ્શોહદાએ દુશ્મનોને પૂછયું, તમને મારાથી કઈ દુશ્મની છે કે તમે મારી સાથે વેર વાળી રહ્યા છો?
તેઓ કહ્યું: બુગ્ઝો અબીક. તમારા પિતા (હ. અલી અ.સ.)ની સાથેની દુશ્મની. આ દુશ્મની અને અદાવતના કારણે ઈમામે ઝમાના (અજ.) એ આ રીતે બયાન કર્યા: હઝરત અલી અ.સ.એ કુરઆનના અર્થઘટન માટે લડાઈ કરી અને અલ્લાહના માર્ગમાં કોઈપણ દોષારોપણ કરનારની પરવા ન કરી. પછી અરબના મોટા મોટા દિલાવરોને હંફાવ્યા. પહેલવાનોને મારી નાખ્યા. માથાભારે ભેડીયાઓને (વરૂઓને) લગામ નાખી નિયંત્રણમાં લાવી તેઓના ઉપર કાબુ મેળવી લીધો. ત્યાં સુધી કે તેઓના દિલોમાં બદરી, ખયબરી, હુનયની અને બીજા દ્વેષથી ભરી દીધા. પછી આ લોકો આપના વિરોધમાં તૂટી પડયા અને લડાઈ કરવા માટે તૈયાર થઇ ગયા અને અલી અ.સ.ને નાકેસીન, કાસેતીન અને મારેકીન સાથે લડાઈ કરવી પડી જ્યારે આપની વફાનો સમય આવી ચૂકયો ત્યારે સૌથી વધુ નઠોર (દુષ્ટ) માનવીએ દુનિયાના સૌથી પહેલા અને સૌથી નઠોરનું અનુસરણ કરીને આપને કત્લ કરી નાખ્યા. (દોઆએ નુદબહ માંથી ઉતારો)
Comments (0)