ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૪
(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામના ખાસ અંક – હિ.સ. ૧૪૩૧ ના અનુસંધાનમાં શરૂ)
(૧૨) “અસ્સલામો અલલ્ મોરમ્મલે બિદ્દેમાએ
“સલામ થાય તેના પર જે ખાક અને ખુનમાં લોથ પોથ થયા
ઝિયારતે નાહિયાના આ જુમલામાં આપણે બે શબ્દો ઉપર ચર્ચા કરીશું. અલ મોરમ્મલ અને દેમાઅ.
(અ) અલ મોરમ્મલ : આનો મૂળ શબ્દ ‘રમ્લ’ છે, જેનો અર્થ થાય છે ‘રેતી’ અહી મોરમ્મલ બાબે તફઈલમાં ઇસ્મે મફઉલ છે. જ્યારે તેનો ઉપયોગ દેમાઅ સાથે કરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ થાય છે ‘ખાક અને ખુનમાં લોથ પોથ’.
(આ વાત યાદ રહેવી જોઇએ કે અગર શબ્દના મીમને કસ્રા (ઝેર) લગાવવામાં આવે એટલે અલ મોરમ્મલના બદલે ‘અલ મોરમ્મિલ’ વાંચીએ, (મીમના નીચે ઝેર) તો તેનો અર્થ બદલાઇ જશે અને ડીક્ષનરી અર્થ ‘સિંહ’ થશે. સ્પષ્ટ છે કે અહીં સંદર્ભમાં આ અર્થ બરાબર નહી ગણાય, તેથી સહી રીતે એઅરાબ લગાવવાની મહત્વતા આપણને ખબર પડે છે.)
(બ) અદ્ દેમાએ : આ શબ્દ દમનું બહુવચન છે. જેનો અર્થ થાય છે લોહી. તેનો મૂળ શબ્દ ‘દમઅ’ અથવા ‘દમવુન’ છે. લામુલ ફેલને ડ્રોપ કરવામાં આવેલ છે. ક્યારેક તેને મીમથી બદલીને ‘દમ્મુન’ તશ્દીદ લગાવીને પણ પડવામાં આવે છે. દ્વિવચનમાં દમાને, દમ્યાને અને દમ્વાને છે. જ્યારે કે તેનું બહુવચન ‘દેમાઅ’ છે.
મકતલે અબી મખ્નફમાં છે કે : ઇમામ(અ.સ.)એ બીજી વાર સખ્ત હમ્લો કર્યો અને જમણી બાજુ અને ડાબી બાજુવાળા ઘણા બધા દુશ્મનોને જહન્નમ વાસિલ કર્યા. શીમ્ર લઇન આ દ્રશ્ય જોઇને ઉમરે સઅદ મલઉન પાસે આવ્યો અને કહેવા લાગ્યો “આ જવાંમર્દ પોતાની આ લડાઇમાં આપણા બધામાંથી કોઇને પણ જીવતા નહી છોડે. ઉમરે સઅદે કહ્યું : “તો પછી શું કરવુ જોઇએ? શીમ્ર બોલ્યો : “લશ્કરને ત્રણ સમુહમાં વહેંચી નાખવામાં આવે. એક સમુહ તીરઅંદાઝોનો, બીજો સમુહ નેઝાવાળાઓનો અને ત્રીજો સમુહ આગ અને પથ્થરોથી એક સાથે હુમલો કરવાવાળાઓનો. આથી આ યોજના ઉપર અમલ કરવામાં આવ્યો. લશ્કરમાંથી અમુક તીર ચલાવતા હતા, અમુક લોકો નેઝા અને તલવાર મારતા હતા, ત્યાં સુધીકે ઇમામ(અ.સ.)નું પવિત્ર શરીર ઝખ્મોંથી ચૂર ચૂર થઇ ગયુ. લશ્કરમાંથી ખુલી મલઉને ઇમામ(અ.સ.)ના ગળાને નિશાન બનાવીને તીર ચલાવ્યુ, જેથી ઇમામ(અ.સ.) ઝીન ઉપર પોતાની ઝાતે મુકદ્દસને સંભાળી ન શક્યા અને ઝમીન ઉપર પડી ગયા, એ હાલતમાં કે આપ ખુનમાં નહાએલા હતા.
(મકતલે અબી મખ્નફ (ઉર્દુ તરજુમો), પાના : ૧૦૧, અબ્બાસ બુક એજન્સી)
ઇમામ(અ.સ.)એ એક હાથથી ગળામાંથી તીર ખેંચી કાઢ્યુ અને ખુન પોતાની હથેળીમાં લઇને પોતાના ચહેરા પર અને દાઢી પર લગાવ્યું અને કહ્યું : “આજ હાલતમાં હું મારા નાનાની મુલાકાત કરીશ અને તેમની પાસે આ ઝુલ્મની ફરીયાદ કરીશ. આના પછી આપ(અ.સ.) બેહોશ થઇ ગયા અને જ્યારે હોશમાં આવ્યા તો ઉભા થવાની કોશીશ કરી જેથી બીજીવાર જંગ કરે, પરંતુ ઉભા ન થઇ શક્યા. ઇમામ(અ.સ.)એ ખૂબ રડતા ફરમાવ્યું : “વા મોહમ્મદા! વા અલીયા! વા હસના! વા ગુરબતા! હાય! કોઇ મદદ કરવાવાળું નથી રહ્યુ. શું હું આ મઝલૂમીની હાલતમાં કત્લ કરવામાં આવીશ જ્યારે કે મારા જદ્દ હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.) છે? શું મને તરસ્યો કત્લ કરવામાં આવશે જ્યારે કે મારા પિતા હઝરત અલીયે મુર્તઝા(અ.સ.) છે? મારી હુરમત પામાલ થઇ રહી છે જ્યારે કે મારી માતા જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) છે? પછી ફરી બીજી વાર બેહોશ થઇ ગયા અને આજ હાલતમાં હલન ચલન વગર ત્રણ કલાક પડ્યા રહ્યા. લશ્કરવાળાઓ આશ્ર્ચર્ય અને વિમાસણમાં હતા, ખબર નહોતી પડતી કે ઇમામ(અ.સ.) હયાત છે કે રૂહ પરવાઝ કરી ગઇ? એક માણસ કે જેનો સંબંધ ક્ધિદા કબીલાથી હતો. તે નઝદીક આવ્યો અને ઇમામ(અ.સ.)ના મુબારક સર ઉપર એક એવો વાર કર્યો કે સરે મુબારક ફાટી ગયુ. ખુન ચહેરા અને દાઢી ઉપર વહેવા લાગ્યુ. સર ઉપરથી અમામો ઝમીન ઉપર પડી ગયો જે તે ક્ધિદીએ ઉપાડી લીધો.
(મકતલે અબી મખ્નફ (ઉર્દુ તરજુમો), પાના : ૧૦૧, અબ્બાસ બુક એજન્સી)
(૧૩) ‘અસ્સલામો અલલ્ મહ્તૂકિલ ખેબાએ ’
“સલામ થાય એના ઉપર જેના ખૈમાની બેહુરમતી કરવામાં આવી.
આ ફિકરામાં પણ બે શબ્દો ઉપર ચર્ચા કરીશું. ‘અલ મહતૂકે’ અને ‘અલ ખેબાએ’
(અ) અલ મહતૂકે ‘હતક’થી બન્યુ છે, જેનો અર્થ થાય છે ‘ફાડવું’ અથવા ‘ખેંચીને ફાડવુ’ ‘હત્કુસ્ સિત્રે’ બેઇઝ્ઝતીના અર્થમાં ઉપયોગ થાય છે. મહતુક તેનું ઇસ્મે મફઉલ છે.
(બ) ‘અલ ખેબાએ’ ‘ખબઅ’થી બન્યુ છે, ‘અલ ખબ્ઓ’ અથવા ‘અલ ખબીઓ’થી મતલબ છુપી અથવા છુપાવેલી વસ્તુ છે. એટલા જ માટે અરબી ડીક્ષનરીમાં નબાતાતને ‘ખબ્ઉલ્ અરઝે’ પણ કહેવાય છે. ‘અલ ખેબાઅ’નો અર્થ થાય છે, ઉંટોની ઉન અને તેનુ બહુવચન અખબયત છે. (અફઅલહના વઝન ઉપર) આના મૂળ શબ્દ પરથી જ મોરક્કબ (સંયોજન) છે અલ ખબીયત (ખબાયા બહુવચન છે) જેનો અર્થ થાય છે છુપી રાખવામાં આવેલી વસ્તું. આથી દિકરીને ખોબાત પણ કહે છે.
ઝિયારતે નાહીયાના આ ફિકરામાં ઇમામે ઝમાના (અ.સ.) ઇમામ હુસૈન(અ.સ.)ના ખૈમા ઉપર બદબખ્તોએ જે હુમલાઓ કર્યા તેનું વર્ણન કરતા કહે છે “સલામ થાય એના ઉપર કે જેના ખૈમાઓને લુંટવામાં આવ્યા અને ઔરતોને ખૈમાની બહાર લાવવામાં આવી. કોઇ પણ ગૈરતવાળા ઇન્સાન માટે આ બાબત બરદાશ્તની બહાર છે કે તેની મા, બહેન અને દિકરી ઉપર નામહેરમ નઝર નાખે, વક્તના ઇમામ કે જે પગથી માથા સુધી ગૈરતમંદ છે, તેની શું પરિસ્થિતિ હશે?
(૧૪) ‘અસ્સલામો અલા ખામેસે અસ્હાબિલ્ કિસાએ’
“સલામ થાય એહલે કિસાઅની પાંચમી શખ્સીય્યત ઉપર
ખામેસ એટલે પાંચમું. અસ્હાબે કિસાઅથી મુરાદ પંજેતને પાક છે. હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.), હઝરત અલી(અ.સ.), જનાબે ફાતેમા(સ.અ.), હઝરત હસન(અ.સ.) અને હઝરત હુસૈન(અ.સ.) છે. બીજા શબ્દોમાં તે વ્યક્તિઓ કે જેની પાકીઝગીની જાહેરાત આયએ મુબારકએ તત્હીર(સુ. અહઝાબ : ૩૩)ના થકી થઇ.
સ્પષ્ટ છે કે આ આયતની શોહરત અને બલંદીને નઝર સામે રાખીને આપણે વધારે ચર્ચા નહી કરીએ. કારણ કે આ ચર્ચા આપણા વિષયના ક્ષેત્રથી બહાર છે.
(૧૫) ‘અસ્સલામો અલા ગરીબીલ્ ગોરબાએ’
“સલામ થાય સૌથી મોટા મુસાફર ઉપર
અરબી ઝબાનમાં ગરીબ એ માણસને કહેવામાં આવે છે જે પોતાના વતનથી દૂર હોય છે અને જે જગ્યા ઉપર તે અપરિચિત હોય. ગરીબનું બહુવચન ગોરબાઅ છે. ઇમામે ઝમાના(અ.સ.)એ પોતાના જદ્દે બઝુર્ગવાર હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ને આ લકબ એટલે કે ‘ગરીબુલ ગોરબાઅ’થી યાદ કર્યા છે. એટલે કે તે પવિત્ર હસ્તિ જે પોતાના વતનથી દૂર કરબ અને બલાના રણમાં, બદબખ્તોની વચમાં ચારે તરફથી ઘેરાએલા હતા, જે ઇમામ(અ.સ.)ના ખુનના તરસ્યા હતા. પયગંબરે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું:
“મા મિન મોઅમેનિન્ યમૂતો ફી ગુરબતેહી ઇલ્લા બકત્ અલય્હિલ્ મલાએકતો રહમતલ્ લહૂ હય્સો કલ્લત્ બવાકીહે વ ફોસેહ લહૂ ફી કબ્રેહી બે નૂરીન યતલઅ્લઓ મિન્ હય્સો દોફેન એલા મસ્કતે રઅ્સેહી
(બેહારૂલ અન્વાર, ભાગ : ૬૭, પાના : ૨૦૦)
“કોઇ મોઅમિન ગુરબતની હાલતમાં મરતો નથી પણ એ કે મલાએકા તેના ઉપર રડે છે, તરસ ખાય છે, કેમકે તેના ઉપર રોવાવાળા ઘણા ઓછા છે અને તેની કબ્રને એક ચમકતા નૂર અને રોશનીથી એવી રીતે વિશાળ કરી દેવામાં આવે છે જાણે કે તેને પોતાના વતન અને જન્મ સ્થળે દફ્ન કરવામાં આવ્યો હોય.
વિચારવા જેવી બાબત આ છે કે જ્યારે એક મોઅમિનને ગરીબુલ વતનની હાલતમાં મૃત્યુ આવે છે તો તેને આ ફઝીલત આપવામાં આવે છે, તો પછી એ મહાન શખ્સીયતના બારામાં શું કહેવામાં આવે, જે હઝરત રસૂલે ખુદા(અ.અ.વ.)ના નવાસા છે, હઝરત અલી(અ.સ.)ના લખ્તે જીગર છે, જનાબે ફાતેમા(સ.અ.)ના નૂરે નઝર છે અને જન્નતના તમામ જવાનોના સરદાર છે. તેની કબ્રની શું મન્ઝેલત હશે?
બની શકે છે કે અમૂક લોકોના દીમાગમાં આ સવાલ પૈદા થાય કે આ લકબ ‘ગરીબુલ ગોરબાઅ’ એ ઇમામ હુસૈન(અ.સ.)ના માટે શા માટે આ ઝિયારતમાં વપરાયો છે? તેનો જવાબ આ છે કે અગર એક લકબ બે ઇમામો(અ.સ.) માટે વપરાયો છે એટલે આઠમાં ઇમામ(અ.સ.) માટે આની અંદર કોઇ વિરોધાભાસ નથી. કારણકે બંને પોતાના સમયના ‘ગરીબુલ ગોરબાઅ’ છે અને ઇમામ હુસૈન(અ.સ.)ની મઝલૂમી અને અઝમત અને બુઝુર્ગીને નઝર સામે રાખીને કોઇપણ આ વાતનો ઇન્કાર કરનાર ન કરી શકે કે આપ(અ.સ.) દરેક ઝમાનાના ‘ગરીબુલ ગોરબાઅ’ છે અને હઝરત ઇમામ અલી રઝા(અ.સ.) પોતાના ઝમાનાના ‘ગરીબુલ ગોરબાઅ’ છે અને ‘સય્યદુશ્શોહદાઅ’ના પછી આપ (અ.સ.) થી વધારે ‘ગરીબુલ વતન’ કોઇ નથી.
(૧૬) ‘અસ્સલામો અલા શહીદિશ્શોહદાએ’
“સલામ થાય સરવરે શોહદાઅ ઉપર
(૧૭) ‘અસ્સલામો અલા કતીલીલ અદ્ઇયાએ’
“સલામ થાય એના ઉપર જે બેનામ લોકોના હાથોથી શહીદ થયા
આ જુમ્લાના બે શબ્દોની ચોખવટ કરીશુ. ‘કતિલ’ ‘ફઇલ’ના વઝ્ન ઉપર છે. હકીકતમાં ઇસ્મે મફઉલના અર્થમાં છે. ‘જેને કત્લ કરવામાં આવ્યા હોય તે’ અને અદ્એયાએ એ દઇય્યનું બહુવચન છે. એટલે તે શખ્સ (વ્યક્તિ) તે જેના નસબમાં શંકા હોય, તે જે પોતાને પોતાના બાપ સિવાય બીજાની તરફ અથવા પોતાની કૌમ સિવાય બીજા તરફ મનસુબ કરે.
આ તેજ લકબ છે કે જે હઝરત સય્યદુશ્શોહદાઅ ઇમામ હુસૈન(અ.સ.)એ ઇબ્ને ઝિયાદને આપ્યો. જ્યારે આપ(અ.સ.)થી બયઅતની માંગણી કરવામાં આવી ત્યારે આપ(અ.સ.)એ કહ્યું : “દઇય્ય બિન દઇય્ય એટલે કે તે કે જેને પોતાના પિતાની ખબર ન હોય અને જે પોતે એવા અજાણ બાપની ઔલાદ હોય તેણે મારાથી બયઅતની માંગણી કરી, જેનાથી તે મને બેઇઝ્ઝત કરવા ચાહે છે, પરંતુ “હય્હાત્ મિનઝ્ ઝિલ્લતે “ઝિલ્લત અને બેઇઝ્ઝતી અમારાથી ઘણા દૂર છે. બીજા શબ્દોમાં ઝિલ્લત અને બેઇઝ્ઝતી અમારા નઝદીક પણ નથી આવી શકતી. બેશક! શરફ અને ઇઝ્ઝત તો પરવારદિગારના હાથમાં છે. “જે અલ્લાહનો હશે, અલ્લાહ તેનો હશે.
“મન્ કાન લિલ્લાહે કાનલ્લાહો લહૂ
અને અહલેબૈતે રસુલ(અ.સ.)થી વધારે અલ્લાહથી નઝદિક કોણ હોય શકે? આમ છતા શરાફતવાળાઓ અને ઝલીલોની વચ્ચે ઈન્સાનીય્યતની શરૂઆતથી જંગ ચાલતી આવી છે અને ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના ઝુહૂર સુધી ચાલતી રહેશે.
(વધુ આવતા અંકે ઇન્શાઅલ્લાહ)
Comments (0)