ઇમામ હુસૈન(અ.સ.)ના ઉચ્ચ મકામની એક જલક
“સેરાતલ્ લઝીન અન્ અમ્ત અલ્યહિમ
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર હસ્તિ આસમાની નેઅમતોનો સર ચશ્મો છે. આપ (અ.સ.) કાલે પણ અને જ્યારથી આ ઝમીન ઉપર ઇન્સાનની હિદાયત માટે અંબિયા(અ.સ.)નો આવવાનો સિલસિલો શરૂ થયો ત્યારથી આ જમીન ઉપર કાએનાતના ખાલિક તરફથી વસીલા અને માઘ્યમ હતા, એ નેઅમતો માટે જે આસમાનથી ઝમીન ઉપર આવે છે. જ્યારે આપણે આપણા હાથ દુઆ માટે ઉંચા કરીએ છીએ અને પોતાને અલ્લાહની બારગાહમાં પામીએ છીએ અને આપણે કહીએ છીએ, “ઐ અલ્લાહ! તને તારા હુસૈન (અ.સ.)નો વાસ્તો તો અલ્લાહની રહેમત જુમી ઉઠે છે અને શુક્ર કરનાર બંદા ઉપર પોતાની અતૂટ બક્ષીશોના સિલસિલાને કાએમ રાખે છે. આ નેઅમતોના સિલસિલાને તે ઝાત જે “લય્સ કમિસ્લેહી શય્અ છે, તેણે પોતાના અમીન ઇમામ હુસૈન(અ.સ.)ને બનાવ્યા છે. તેથી આપણે મોહસિને ઇન્સાનીય્યતની જ્યાં સુધી માઅરેફત ન મેળવીશું, તે અઝીમુશ્શાન હસ્તિનો કોઇ હક્ક અદા નથી કરી શકતા. આપ(અ.સ.) અલ્લાહની નેઅમતોની વહેંચણી કરનાર છો, જેના નામથી દિલની શાંતિના રસ્તાઓ દેખાય છે. જેમના ઝિક્રથી દુનિયાની ઝિંદગીમાં આશાનો ચિરાગ હંમેશા રોશન અને પ્રકાશિત રહે છે. જેના સજદાઓથી આપણને જ નહી પરંતુ ફરિશ્તાઓને પણ સજદો કરવાનો તરીકો મળે છે અને આપણે આપણી પેશાનીઓમાં નૂરની એક લહેર તરતી હોય તેવુ અનૂભવીએ છીએ. જેની કુરબાનીની જગ્યાએથી ઉડતા રેતીના કણોમાંથી અહિંસા, સલામતી અને આશ્તી (દોસ્તી)નો પૈગામ અને સલામ આવે છે અને તે પવિત્ર હસ્તિની માઅરેફતથી અલ્લાહ તઆલાની વહદાનિય્યત, સમદિય્યત, રહેમિય્યત અને અદાલત ઉપર યકીન “હક્કુલ યકીનની તરફ આગળ વધે છે અને સફળતાની એ મંઝિલે પણ પહોંચી શકે છે, જ્યાંથી ઇન્કેશાફાતનો સિલસિલો શરૂ થાય છે. અમે ઇમામ હુસૈન(અ.સ.)ની મઅરેફત માટે આજ મૂળભૂત બાબતની ઉપર આપણી ફિક્રને દોડાવવાની સઆદત હાંસિલ કરીશું. એટલે પહેલુ ઝિક્ર, બીજુ સજદા, ત્રીજુ કુરબાનીની જગ્યા, ચોથુ યકીન અને પાંચમું ઇત્મીનાન અને સુકૂન.
ઝિક્ર:
બયાન, ઝબાનથી વિર્દ, બોલવાની રીત, અર્થોની રજુઆત, ઇરાદો, સમજણ, ખ્યાલ, ઇઝહાર, ચિંતન, પછતાવો વગેરે શબ્દ ઝિક્રના અર્થો આપણી અક્લમાં આવે છે. પરંતુ તે અર્થ અને મતાલિબનું મયદાન ઘણું વિશાળ છે. આ હેતુ હેઠળ આ શબ્દ ઝિક્ર ઇમામ હુસૈન(અ.સ.) સાથે કેવી રીતે લાગુ પડે છે? અને આપણને ઝિક્રની રૌશનીમાં ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમતની મઅરેફત કેવી રીતે નસીબ થઇ શકે છે, તેની બયાન કરવાની કોશીશ કરીશું.
ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર:
(૧) પોતાને બનાવવાની ચાવી છે. (૨) રૂહોનો ખોરાક (૩) દિલોની હયાત (૪) ઝિંદગીનો ખોરાક (૫) દિલનું નૂર (૬) દિલની ધાર (૭) દિલની શફા (૮) દોસ્તીની ચાવી (૯) નિફાકથી અમાન (૧૦) મોહબ્બત (૧૧) ઇસ્મત (૧૨) દિલનું સુકૂન (૧૩) શરહે સદ્ર (વિશાળ દિલ)
પ્રકારો:
પહેલા આપણે એ જોઇએ કે ઝિક્રનો ઇન્સાન સાથે શું સંબંધ છે? અને પછી તે કેવી રીતે અને ક્યા પ્રકારથી ઇમામ હુસૈન(અ.સ.)ને લાગુ પડે છે? ઝિક્ર ઇન્સાનની ઝિંદગીની તે જીવાદોરી છે જે હંમેશા ચાલતી અને મજબુત રહેવાથી ઇન્સાન જીવતો રહે છે, તેની ઝમાનત રહે છે. ઇન્સાન ન ફક્ત જાગૃત હાલતમાં પણ ઉંઘ,ગફલત અને બેહોશીની હાલતમાં પણ વિચાર અને સમજ શક્તિ મુજબ કોઇ ન કોઇ રીતે ઝિક્રથી અલગ નથી. ખુદાવંદે તઆલા આ ઝિક્ર અને ફિક્રને ઇન્સાનની ઝાત, શખ્સીયત, કિરદાર, રીતભાતને સુધારવા, સજાવવા અને તાકતવર તેમજ મજબુત કરવા માટે આકર્ષણ પૈદા કરવા માટે કિરદારને બલંદ કરવા માટે તેમજ શરાફતથી અશરફીય્યત તરફ આગળ વધવા, ગુમરાહીથી નીકળીને હિદાયતની રોશનીમાં આવવા માટે એટલે કે પોતાની હકીકત અને ખિલ્કતના વજૂદના મરકઝ તરફ પહોંચવા માટે બેશુમાર ક્ષમતા આપી છે. પરંતુ આ બધુ અને આનાથી વધારે અઝમત અને બરકતની નેઅમતો ઇન્સાન માટે તેના ખાલિક તરફથી નાઝીલ થાય છે. જ્યાં ઝિક્રની વાદી શુક્ર છે અને અગર આનાથી હટીને વખોડવાલાયક વાદી ઉપર નઝર કરીએ તો આપણે જોશુ કે ઇન્સાન પોતાની કુદરતી ક્ષમતાના આધારે શુક્રની વાદીથી ભાગીને કુફ્રની વાદીના રસ્તે દોડતો રહ્યો તો આ જ ઝિક્ર અઝાબનો અરીસો પણ દેખાડે છે. જેમ જેમ દિમાગ અને શરીરની તાકાત ખત્મ થવા લાગે છે અને મૌત અને સકરાતનો સમય નઝદિક આવવા લાગે છે ત્યારે હોઠ હલે છે અને ધીમા અવાજથી, જેમકે અંદરનો ઇન્સાન ખૌફથી દબાએલા શિકારની જેમ યાદ કરે છે અને કહે છે કે: મેં શા માટે હજર બિન અદીને બેગુનાહ કત્લ કરી દીધો? દ્રષ્ટાંત ખાસથી આમ તરફ જાય છે. દા.ત. (મઆવિયા આલમે સકરાતમાં ઘણીવાર આ કહેતો હતો) યઝીદ (લ.અ.) પોતાના વાળને ખેંચતા કહેતો કે: મેં શા માટે ઇમામ હુસૈન (અ.સ.)ને કત્લ કર્યા? તેમણે મારૂ શું ખરાબ કર્યુ હતુ? મઆવિયા બિન યઝીદે કહ્યું : જે તખ્ત અને તાજ ઉપર ફરઝંદે રસૂલ ઇમામ હુસૈન(અ.સ.)ના ખૂનના છાંટા હોય તેવા તખ્તને ઠોકર મારૂ છુ. કેટલો શાનદાર ઝિક્ર તેના હોઠ ઉપર આવ્યો? મરવાન બિન હકમે તેને કત્લ કરી નાખ્યો. જાણે કે શુક્રની વાદીમાં મઆવિયા બિન યઝીદ આજે પણ તે શામ શહેરમાં હજારો અને લાખો બેશુમાર ઝાએરોને દાવતે ઝિક્ર અને સુંદર વિચાર આપે છે અને કુફ્રની બરબાદીનો સૌથી ઝલીલ કાતિલ મરવાન બિન હકમ ઉપર દરેક ઇન્સાફ પસંદ ઇતિહાસકાર, મોહક્કીક અને ઇતિહાસની સફર કરનાર ધિક્કાર કરે છે. હવે ઝિક્રના બે ભાગનો ફર્ક થઇ ગયો. તો ઝાહેર છે કે બંનેની વચમાં એક ફાસલો છે. એટલે કે એક ગુમરાહીનો ઝિક્ર છે અને એક હિદાયતનો ઝિક્ર છે. ઇન્સાન ફરયાદ ન કરે તે માટે તેના ખાલીકે ઝિક્ર, હિદાયતની સાથે પોતાના માસૂમ પ્રતિનિધિઓને તેઓની દરમ્યાન મોકલ્યા, જેઓ ગુમરાહો અને હુકુમતપરસ્તોના રીત રિવાજોની સામે ટકરાય અને સખ્તથી સખ્ત મુશ્કેલીઓનો સામનો કરે, પરંતુ હિદાયત, ઝિક્રમાં પોતાની હુજ્જત કાએમ કરતા રહે. જેથી ઇન્સાન જાગૃત થાય અને પોતાની સમજદાર આંખોથી જોઇને પોતાના વજૂદની હંમેશાની ઝિંદગીને ખુદાના પીડાદાયક અઝાબથી બચાવી લે અને અગર તે બળવો કરવાથી દૂર ન રહે, તો તેના માટે હિદાયતના ઝિક્રનો દરવાજો બંધ થઇ જાય છે. અલ્લાહ તઆલા તેના બંદા ઉપર ખૂબજ મહેરબાન છે. અગર મહેરબાન ન હોત તો એક સમય અને એક જગ્યાને નક્કી ન કરત, જ્યાં ગુમરાહીની સાથે ઇન્સાન દુનિયાની તાકત ભેગી કરીને યઝીદ બિન મઆવિયા બિન અબી સુફિયાન (લ.અ.)એ ઇમામ હુસૈન(અ.સ.) કે જે હિદાયતના મન્સબ ઉપર હતા, જે મઅસુમ હતા, અલ્લાહ તઆલાના ચહીતા, મોહમ્મદ (સ.અ.વ.)ના દિલબંદ હતા અને ખાતૂને જન્નતના લખ્તે જીગર હતા છતા કરબલાની જગ્યા ઉપર આપ (અ.સ.)ના નાના એવા કાફલા ઉપર આવી ફૌજને ખેંચીને ન લાવત.
હવે જે ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર કરશે, તે હરામ અને હલાલમાં ફર્ક પણ કરશે. પાકીઝગી અને નજાસતમાં પણ તફાવત કરશે. બદ્અખ્લાકીથી બચીને રહેશે અને અખ્લાક ઉપર અમલ પણ કરશે. તે આશુરાની તપતી ઝમીન ઉપર કરબલાના નમાઝીઓથી સબક લઇને મુશ્કીલમાં મુશ્કીલ મંઝીલ પર નમાઝના ઝિક્રથી કેમ ગાફિલ રહી શકે? આ જ કરબલા ઉપર ઝિક્ર અને ફિક્રમાં આવે છે કે અલ્લાહ તઆલાએ પોતાના હબીબ અંતિમ નબી(સ.અ.વ.)ના થકી કુરઆનના માટે નફ્સને પાક કર્યા પછી ઇન્સાનોને ઇલ્મ અને હિકમતનું શિક્ષણ આપ્યુ અને અંતમાં અલ્લાહ તઆલાએ તો કુરઆનમાં સ્પષ્ટ કહી દીધુ કે
“અમે અમારા આ બંદાઓને ઝમીનના વારસ બનાવીશુ, જેને આ દુનિયામાં કમઝોર (નબળા) કરી દેવામાં આવ્યા છે.
આ આયતમાં કરબલાનો ઝિક્ર, કરબલાના શહીદોનો ઝિક્ર, ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર, આવનારી સુબ્હનુ એલાન કરી રહી છે. જ્યારે મઝલૂમ ઝાલીમની આંખોમાં આંખો નાંખીને જોશે અને તેની નિશાનીઓને તોડી નાંખી હશે.
યા હુસૈન(અ.સ.)! કેવી રીતે, કઇ ઝબાનથી, કઇ બોલવાની તાકત લાવુ? ક્યાંથી કલમ ચલાવવા માટે હરકત મેળવુ. જે આપના ઝિક્રથી સંબંધિત હોય તેને બયાન કરૂ. કેવી સાબિત કદમી અને કેવી હિંમત હતી આપ(અ.સ.)ના તે અવાઝમાં જ્યારે આપ(અ.સ.) ખલીલે ખુદા (જ. ઇબ્રાહીમ(અ.સ.)ના વારસાનો ભરપુર હક્ક અદા કરી રહ્યા હતા. રિવાયતમાં છે કે જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) જંગ કરી રહ્યા હતા અને આપ(અ.સ.) ની પ્યાસ તે શિદ્દત ઉપર હતી કે પુરી દુનિયા ધુમાડો ધુમાડો નઝર આવતી હતી અને ઇમામ હુસૈન(અ.સ.)ના મુબારક સિનામાં કાળજુ તે ઝમીનની જેવું થઇ ગયુ હતુ જેના ઉપર પાણી સુકાઇ જવાથી જમીનમાં તિરાડો પડી જાય છે અને ઇમામ હુસૈન (અ.સ.)નો હુમલો એટલો સખ્ત હતો કે છેલ્લી હરોળના બદબખ્ત સૈનિકો કુફાની દિવાલથી ટકરાતા હતા. તે સમયે જનાબે જીબ્રઇલ(અ.સ.)એ ચાહ્યુ કે પોતાની પાંખ વડે ઇમામ હુસૈન (અ.સ.) ઉપર છાંયો કરે. તે સમયે ઇમામ હુસૈન(અ.સ.) એ કહ્યુ: “બંદા અને મઅબૂદની વચ્ચેથી હટી જાવ, જીબ્રઇલ(અ.સ.) આ પરીક્ષાનો સમય છે. હુસૈન (અ.સ.) આ સમયે અલ્લાહના ઝિક્રનો ઝબાનથી અને અમલથી ઇમ્તેહાન આપી રહ્યા છે. તે હુસૈન(અ.સ.) જેના બારામાં અર્થસભર હદીસ મુરસલે આઅઝમ(સ.અ.વ.)એ ફરમાવી હતી. “હું હુસૈન(અ.સ.)થી છું. સીધુ જ પોતાના માલીકથી પોતાના નાનાની ઉમ્મતની બખ્શીશનો ઝિક્ર કરી રહ્યા હતા. તેઓ આ આયતની તફસીર બયાન કરી રહ્યા હતા. જ્યા ખુદાએ કહ્યુ હતુ. “આ ઇમામતનો હોદ્દો ઝાલીમોને નહીં મળે. આ સબ્ર કરવાવાઓ માટે છે. એટલા માટે ઇમામ હુસૈન (અ.સ.)નો ઝિક્ર અલી(અ.સ.)નો ઝિક્ર છે. અલી (અ.સ.)નો ઝિક્ર રસુલ(સ.અ.વ.)નો ઝિક્ર છે અને રસુલ (સ.અ.વ.)નો ઝિક્ર અલ્લાહ તઆલાઓ ઝિક્ર છે. અને અલ્લાહનો ઝિક્ર ઇબાદત છે. ઉબુદિય્યતને બાકી રહેવાની ઝમાનત છે. ઇબાદતની અઝમત (મહાનતા) માટે સૌથી બલંદ નિશાન છે. વિનમ્ર લોકોની મેઅરાજ છે. મુત્તકીઓની આબરૂ, નેક લોકોના ઝમીરની રૌશની, મોઅમેનીનના ઇમાનનુ નૂર, ચાહવાવાળાના આંસુઓનુ માન, ગરીબની ઇઝ્ઝત, ફકીરનો સંતોષ ઉપર ગૈબી મદદ, સરકશોની ઝિલ્લત, ઘમંડીઓનુ અપમાન, મુંહ ફાટ લોકોને જડબાતોડ જવાબ અને ઘણુ બધુ ઇમામ હુસૈન(અ.સ.)ના થોડા ઝિક્રથી મળે છે.
“સલામ થાય આપ ઉપર અય મૌલા હુસૈન(અ.સ.)! આપ(અ.સ.)ના મુબારક રોઝાના ગુંબજ નીચે દુઆ કબુલ થાય છે.
દુઆ ખુદાનો ઝિક્ર છે અને કબુલીય્યત તેની રૂહ છે.
સજદા:
ખબર નથી કે હઝરત આદમ(અ.સ.)ની પેશાનીથી કઇ નૂરની કિરણ નીકળી હતી કે દરેક મલાએકા સજદામાં પડી ગયા હતા. અલ્લામા ઇકબાલ (લાહોરી) શીઆ ન હતા, પરંતુ સજદાની હકીકતના ઝિક્રમાં કંજુસ પણ ન હતા નહીતર આ શા માટે કહેત?
ઇસ્લામ કે દામનમે બસ ઇસ્કે સીવા ક્યા હૈ,
એક ઝર્બે યદે ઇલાહી, એક સજદએ શબ્બીરી.
અલ્લામા ઇકબાલે બસ આના પછી શું છે તે કહીને એક ઝટકો આપ્યો છે. જેમ કે, કંઇ ગોતી રહ્યા છે અથવા કંઇ તલાશ કરી રહ્યા હોય અને જ્યારે થાકી ગયા અને કંઇ ન મળ્યુ તો કલમ રાખીને આલમે હૈરાનીમાં આ કહી દીધુ. “….. બસ આના સિવાય શું છે?
આ શેરમાં મતાલીબ છે, આસારની તરફદારી છે, નરમ સ્વભાવ સખ્ત વર્તણુંકને બદલી શકે છે. એક મોઅમીનમાં બે પરસ્પર વિરૂધ્ધ હાલતની સમજ પૈદા કરી શકે છે. તેથી તે જ શાએર કહે છે:
“હો હલકા યારા તો હય રેશમ કી તરહ નર્મ,
રઝમે હક બાતીલ હો તો ફૌલાદ હય મોઅમીન
મોઅમીન જે રેશમની જેમ નર્મ અને મુલાયમ છે, તે જ પોલાદની જેમ સખ્ત પણ છે. અલ્લામા મવસુફે એક સજદએ શબ્બીરી સિવાય બીજુ શું છે, તેમ કહીને સજદએ શબ્બીરીની પ્રશંસા અને વખાણમાં, પોતાની અક્લ, સમજણ, ફિક્ર, ઇલ્મ, અમલ અને અદાલત તેમજ ઇન્સાફને જાહેર કરવામાં જાણે પોતાનું પુરૂ જોર લગાડી દીધુ છે અને પોતાની પુરી તાકાત વાપરી નાખી છે. અલ્લાહ તઆલાની રૂબુબીય્યત, ખાલીકીય્યત, માલીકીય્યત, સંપુર્ણ કુદરત, અનંત વિશાળતા અને અનહદ ઉંચાઇની સામે ઇન્સાનના સજદાની નમ્રતા, કમઝોરી, ઝિલ્લત, તુચ્છતા, ગરીબી, લાચારીનું જાણે એક હિસાબી કિતાબ છે, જેના પર સજદએ શબ્બીરીની એક છેલ્લી મોહર પોતાની પુરી ચળકાટથી ચમકી રહી છે.
એટલે કે ઇમામ હુસૈન(અ.સ.)નો તે છેલ્લો સજદો જે કરબલાની જમીન ઉપર અદા થયો તે કુદરતના તરફથી એક એવી કસોટી છે જેના પર બંદાઓના સજદાઓની ખુલુસતા પારખવામાં આવશે.
સજદાનુ મહત્વ:
વિચારવા જેવી વાત છે કે ઇન્સાનની ખીલ્કતથી લઇને સજા અને જઝાના દિવસ સુધી અલ્લાહ તઆલાની મશીય્યત અને કાએનાતની ખીલ્કતના મકસદનું કેન્દ્રબિંદુ ફક્ત ‘સજદો’ છે. અલ્લાહ તઆલાએ પોતાની મખ્લુકના માટે સજદાને નજાતનુ નીશાન કરાર આપ્યુ છે અને કુરઆને કરીમમાં ઘણીબધી વાર આગાહી આપી છે અને કહ્યુ છે:
“વ લિલ્લાહે યસ્જોદો મા ફિસ્સમાવાતે વલ્ અર્ઝે
“આસમાન અને ઝમીનમાં જે કંઇ પણ છે, તે અલ્લાહ માટે સજદો કરે છે.
આગળ વધીને કુરઆન કહે છે:
“અલમ્ તર અન્નલ્લાહ યસ્જોદો લહુ મન્ ફિસ્સમાવાતે વ મન્ ફિલ્ અર્ઝે વશ્શમ્સો વલ્ કમરો વન્નોજુમો વલ્ જેબાલો વશ્શજરો વદ્દવાબ્બો વ કસીરૂમ્ મેનન્નાસે વ કસીરૂન હક્ક અલયહીલ્ અઝાબો
“શું તમે નથી જોયુ કે ઝમીન અને આસ્માનમાં જેટલા પણ સાહેબે અક્લ અને સમજણવાળા છે અને સૂરજ અને ચંદ્ર અને સિતારાઓ, પહાડો, ઝાડો, ચાર પગવાળાઓ અને લોકોમાંથી મોટો સમૂહ, બધા જ અલ્લાહ માટે સજદો કરવાવાળા છે અને તેઓમાંથી ઘણા એવા છે જેના ઉપર અઝાબ સાબિત થઇ ચુક્યો છે.
(સુ. હજ, આયત: ૧૮)
અને કુરઆનની ઘણી બધી સ્પષ્ટ આયતો છે જેમાં સજદા, સજદો કરનાર અને જેનો સજદો કરવામાં આવે તેનો ઝિક્ર ઘણુ જ મહત્વ ધરાવે છે. અને સજદા ઉપર ઘણો ભાર મુકવામાં આવ્યો છે. ત્યાં સુધી કે અમુક આયતો એવી છે કે જેની તિલાવત પછી સજદો વાજીબ કરાર દીધો છે. સજદાનો અમલ એ છે કે પેશાની ઝમીન ઉપર હોય (અથવા જેના ઉપર સજદો જાએઝ કરાર આપ્યો છે) અને મહાન પાલનહારની પાકીઝગીનો અને અલ્લાહના વખાણનો ઝિક્ર હોય.
દીને એહલેબૈત(અ.સ.)એ જે રીતે આપણી દુનિયાની ઝિંદગીને બનાવવાની રીત શીખવી છે, તેમાં બધી ખુશી ખુદાની ઇબાદતમાં રાખી છે અને તમામ બાતિલ અકીદા અને તબ્લીગાતથી બચવા માટે હુકમ આપ્યો છે. (હાં જે ઉબુદીય્યતથી ફેરવવાવાળા છે. પહેલા પણ અને આજ કાલના જમાનામાં વધારે શોર બકોરની સાથે એહલેબૈત(અ.સ.)ની વિલાયતમાં આવવાવાળાઓના વચ્ચે એવા સુત્રો અને જુમલાઓ સાંભળવા મળે છે જેનાથી રૂહ કાંપી જાય છે. કોઇ મલંગની વિચારધારાની વસ્તીમાં ઘુમે છે. તો કોઇ સુફીઓના રિયાઝતનો ઝિક્ર કરે છે. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની બારગાહમાંથી આ અવાજ પણ આવી રહી છે કે ઇમામ હુસૈન(અ.સ.)ના ચાહવાવાળાઓ સજદાની એહમિય્યતને કુરઆને કરીમની રોશનીમાં સમજે અને સજદા કરવાવાળાઓની સફમાં શામિલ રહે.
અને ઇમામ હુસૈન(અ.સ.)ના છેલ્લા સજદા ઉપર વિચાર કરે આ તે સજદો છે, જે ઇસ્લામના બાકી રહેવાની ઝમાનત છે, જે મુરસલે આઅઝમ(સ.અ.વ.)ની રિસાલતની રૂહ છે, જે દુનિયાના જીવન-મરણમાં ઇન્સાનીયતને દોરનાર છે અને સબ્ર અને રેઝાની મંઝિલમાં હિદાયતનો ચીરાગ છે, જે અંબિયા(અ.મુ.સ.)ની વિરાસતનો ખૂલાસો છે.
યા હુસૈન(અ.સ.) ! આપ(અ.સ.)ના આખરી સજદા ઉપર અમારા મા-બાપ કુરબાન, આપ(અ.સ.)ના ઉપર એટલા માટે કે આપ(અ.સ.)નો આખરી સજદો તમામ અંબિયા(અ.મુ.સ.) અને તમામ રસુલો(અ.મુ.સ.)ના સજદાઓનું માપદંડ (મીઝાન) બન્યો અને અમો દરેક શીઆઓના ખાલી સજદાઓને પણ નમ્રતાનો સબક આપ્યો છે. અય કાશ! આપણી કૌમને આ ઝમાનામાં ઇમામ હુસૈન(અ.સ.)ના સજદાની પૈરવીમાં ઇલાહી સજદાની સરખામણી મળી જાય, તો આજે જે વહાબીય્યત, ઇબ્ને તયમીયાના માનવાવાળા અને એહલેબૈત(અ.સ.)ના દુશ્મનો જે ફરીથી ઉભરી રહ્યા છે, તેઓના કદરૂપા ચેહરાઓ ઉપર માટી પડી જાય.
અય અલ્લાહ! તારી આખરી હુજ્જતના વાસ્તા અને વસીલાથી તારી બારગાહમાં આવીએ છીએ અને તેઓ(અ.સ.)ની તહારત અને પાકીઝગીથી તારા બંદગીનો તરીકો મેળવ્યો છે. અમે ઇમામ હુસૈન(અ.સ.)ની સોગવાર કોમ જે તારી ખાસ કનીઝની દુઆઓની બરકતથી તરક્કી કરી રહી છે, તેને જનાબે ઝહેરા(સ.અ.) અને અલી(અ.સ.)ના લખ્તે જીગર ઇમામ હુસૈન(અ.સ.)ના આખરી સજદાની મઅરેફત અતા ફરમાવ.
અય અલ્લાહ! તારો શુક્ર અદા કરૂ છું, જે શુક્ર અદા કરવાવાળા મુસીબતના સમયે તારો શુક્ર અદા કરે છે. અલ્લાહનો શુક્ર અને વખાણ છે, મહાન મુસીબત ઉપર. અય અલ્લાહ મને કયામતના દીવસે ઇમામ હુસૈન(અ.સ.)ની શફાઅત નસીબ થાય અને મને સાબિત કદમ રાખ. તારી નઝદીક મહોબ્બતમાં ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે અને અસ્હાબે હુસૈન(અ.સ.)ની સાથે જેમણે ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે તેમની નુસ્રતમાં પોતાની જાન કુરબાન કરી દીધી. (સુમ્મ આમીન)nn1
Comments (0)