(ઝિયારતે આશુરાના અંતમાં સજદામાં જે દુઆ પડવામાં આવે છે તે (તરજૂમો))
યકીન:
ઇમામ હુસૈન(અ.સ.)નુ નામ ઝબાન ઉપર આવે છે ત્યારે દરેક પાક નફસની એવી અજીબ કૈફીયત હોય છે, જેને ફક્ત તે જ અનુભવ કરી શકે છે અને તેની કૈફીયતનો કોઇ પાસો શબ્દોથી વર્ણન કરવુ અશક્ય છે અને હકીકતમાં એવું છે કે ઝમીનના તમામ રહેવાસી પોતાની પુરી અક્લને સમેટીને ઇચ્છે કે તે સિફતો અને તાકત જે ઇમામ હુસૈન(અ.સ.)ને પાલનહારે આપ(અ.સ.)ની ખિલ્કતમાં આપી છે, તેને કોઇ પણ દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે સમજી લેય તે શક્ય નથી.
ઇમામ હુસૈન(અ.સ.) ઇરાદો, ઇરાદા પછી કદમ ઉઠાવવા, કદમ ઉઠાવવા પછી સબ્ર અને સ્વતંત્રતાની સાથે દરેક મોડ પર તેની મંઝીલ નક્કી કરવી. આયોજન મૂજબ સમયનું નક્કી કરવુ, મુરસલે આઅઝમ(સ.અ.વ.)ની રિસાલતનુ વર્ણન, પવિત્ર હોઠોથી નીકળતા શબ્દોમાં વિશાળ અર્થો, પત્રોમાં શૈલીની આકર્ષતા અને સમયની પાબંદી, સફર અને ઘરમાં ઇબાદતે ઇલાહી ઉપર દરેક દરેક રીતે કાએમ રહેવું. એક બીજા સાથે અને ઘરમાં તેમજ બહારનું વર્તણુંક. સાથીઓમાં નૂરે મોવદ્દતનો સંયમ એટલે આપ(અ.સ.)ની ઝાત ઇલાહી નૂરનું કેન્દ્ર હતા અને છે. અને તે જાણે કે દરેક રીતે કહી રહ્યા છે અગર આ દુનિયામાં માણસને પૈદા થવાના આ હેતૂથી જીવવુ હોય કે તે ફિત્ના, મકરૂહાત, મુશ્કેલીઓ અને બલાઓથી સુરક્ષીત રહેવા ઇચ્છતો હોય અને થોડા દિવસોની ઝીંદગીને હંમેશા રહેવાવાળી ઝીંદગીની મંઝીલો અને ઉંચા દરજ્જાથી પ્રકાશિત કરવાનો ઇરાદો રાખતો હોય તો તેને જોઇએ કે હદીસે કરબલાને ખૂબ સારી રીતે વાંચી લેય અને અગર તેણે આવુ કર્યુ તો તે આજે પણ ઇમામ હુસૈન(અ.સ.)ની આવાઝે ઇસ્તેગાસાને સાંભળી શકે છે. અને આપ(અ.સ.)ની મદદમાં યા હુસૈન(અ.સ.)! લબ્બૈક કહેવાનો હક રાખે છે. આ બધુ શક્ય છે. ઇન્સાન અને કાએનાતની ખિલ્કતની હકીકતના મોટા મોટા રહસ્યો તે લોકો પર જાહેર થયા જેઓએ મુરસલે આઝમ(સ.અ.વ.)ની રિસાલત અને અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ની વિલાયત અને આપના ફરઝંદ ઇમામ હુસૈન(અ.સ.)ની ઇમામતના હોદૄા ઉપર યકીનને ઉંડાઇ અને મજબૂતાઇથી પોતાની આવડતોને કામે લગાડી. આજ યકીન એવો દિવો છે જે ઇન્સાનની ભયભીત ઝીંદગીમાં સુકૂન અને આરામના રસ્તાઓને રૌશન કરે છે અને તેને ઇલ્મ મેળવવાના તે રસ્તાઓ બતાવે છે, જેના ઉપર ચાલ્યા પછી કોઇપણ જાતના ફરેબથી તે ગુમરાહ નથી થઇ શકતો અને ન કોઇ સામરી પોતાની દોરીઓના ટુકડાને સાંપમાં ફેરવીને ડરાવી શકે છે અને ન કોઇ ખરાબ ફિતરતવાળો ખૂબસૂરત બનીને તાગૂતીય્યતનો ઘેરો ઘાલવાની હિંમત કરી શકે છે.
ખૂલાસો એ છે કે યકીનની રોશનીમાં એક સફળ અને કામિયાબ ઝિંદગી પસાર કરવાનો ભેદ છુપાયેલો છે. તેથી યકીન ખુદા અને અઇમ્મા(અ.સ.)ની મઅરેફતનું ોત છે. ટુંકમાં આપણે ક્યારેય ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમતની ઝલક મેળવી ન શકીએ અગર આપણે આપણા યકીનની શોધની તરફ જે યકીનની સૌથી મોટી મંઝીલ છે, એટલે કે ઇમામ હુસૈન(અ.સ.)ના યકીનની મંઝીલની તરફ ઝડપથી નહી ચાલશું. પરંતુ આ યકીન જે દરેક ઝબાનની ટોચ ઉપર રહે છે. જેને દરેક પોતાની ઝબાનથી ધણી વાર અદા કરે છે તે શું છે? તેને કેવી રીતે સમજી શકાય? અથવા તેને એહસાસમાં કેવી રીતે લાવવો? તેનો અર્થ અને મતલબની થોડી ઘણી સમજુતી અકલની હદમાં કેવી રીતે લાવવી? અને પછી ઇમામ હુસૈન(અ.સ.)ના યકીનના બારામાં કંઇક લખવાની હિંમત અને હોંસલો કેવી રીતે પૈદા કરી શકીએ? નિબંધ નાનો છે કલમનું અટકવુ ઘણું કમઝોર છે જેથી વાંચકો માટે જેટલા અર્થ થઇ શકે તેનું વર્ણન કરીએ છીએ.
યકીનની ઓળખ:
યકીન તેને કહેવાય જ્યાં શક પસાર થઇ શકતો નથી. જેમાં કોઇ શંકા ન હોય, વહેમ અને ગુમાનનું દાખલ થવું મુમકિન ન હોય. યકીન દિલનું નૂર છે. તે પાક દિલને પોતાનું રહેઠાણ બનાવે છે. આ ઓળખ મૂજબ યકીનના પ્રકારો નીચે મૂજબ છે.
(૧) બસીરત: તે બસીરત અક્કલમંદની મિલ્કત છે.
(૨) હુકૂમતના મૂળ સુધી પહોંચવા માટે અડગતાથી કદમ આગળ વધારવા.
(૩) ઇબ્રતથી નસીહત હાસિલ કરવી. ઇબ્રતની જગ્યાએ પોતાની ફિક્રને દોડાવવી.
(૪) સુન્નતુલ અવ્વલીન: જે નેક અને સારા બંદા અગાઉ થઇ ગયા છે તેમની સુન્નત ઉપર અમલ કરવો.
અગર આપણે ઉપર વર્ણવેલા વિભાગો તરફ ધ્યાન આપીએ અથવા એમ કહો કે તે વિભાગોની સફર કરીશુ તો ખબર પડશે કે આપણા અસ્તિત્વે કેટલા અંશે યકીનની અમૂલ્ય નેઅમતને મેળવી છે? એટલુ જ નહી બલ્કે આપણને સમરાતુલ યકીન એટલે કે યકીનના ફળ હાસીલ થશે અને આપણે તેના ફાયદાઓથી દુનિયાની ઝીંદગીને આખેરતની ઝીંદગીની ખુશ-ખબરી આપીશુ. આ યકીનના ફળો શું છે? આપણે તેના પ્રકરણોને ખોલીને વિગતમાં જઇ નથી શક્તા પરંતુ દરેક પ્રકરણના નામ જરૂર જણાવીને તેની ઓળખમાં બે શબ્દો કહી શકીએ છીએ.
યકીનના ફળો:
(૧) સબ્ર :- આ સબ્ર યકીનના પાયાની જરૂરીયાત છે. જ્યારે સબ્ર યકીનના માથા ઉપર નૂર બનીને ચમકે છે, તો તેને ખાલિકની કુદરતનો અંદાજો થાય છે. અને તેની અસર નીચે એક અજીબ જીંદગીનો પ્રકાશ અને ઇન્સાનના વુજુદ પર ખુબસુરત પોશાક બની જાય છે અને એક અજીબ રૂહાની લઝ્ઝત ઇન્સાનને મળે છે. તેના રસ્તાઓ છે, જે બલંદ થઇને એવી સૌથી ઉચ્ચ મંઝીલ તરફ જાય છે, જ્યાંથી સબ્રે હુસૈનીની જગ્યા નજર આવે છે. ઇમામ હુસૈન(અ.સ.)નું સબ્ર યકીનનું માપદંડ છે. આપ(અ.સ.)નું સબ્ર યકીનની મેઅરાજ છે. યા ઇમામ હુસૈન(અ.સ.)! આપના યકીનના કીરણોથી અમને ઇબ્રતની રીત અતા ફરમાવો.
(૨) ઇખ્લાસ (ખુલુસતા) :- આ યકીનના મૂળને મજબુત કરે છે. અગર ઇખ્લાસમાં જરા પણ તિરાડ પડી તો યકીન ડગમગી જશે. ઇખ્લાસથી દીન મજબુત થશે. એટલા માટે કે દીનનો પાયો યકીન છે.
(૩) ઝોહદ અને તકવા (પરહેઝગારી) :- કુરઆન કહે છે કે “યતકબ્બલ્લાહો મેનલ્ મુત્તકીન “અલ્લાહ મુત્તકીના આમાલ કબૂલ કરે છે.
(૪) તવક્કુલ (ભરોસો) :- “તવક્કલ અલલ્લાહ “અલ્લાહ પર ભરોસો રાખવો
(૫) રેઝા (ખુશ્નુદી) :- અલ્લાહના ફેંસલા ઉપર રાજી રહેવું.
(૬) તસ્હીલે મસાએબ (દુ:ખોને આસાન કરવું) :- મુસીબતોથી ગભરાવુ નહી, અલ્લાહ પોતાના બંદાને તેની સહન-શક્તિથી વધારે તકલીફ આપતો નથી.
હવે! જ્યારે વાત યકીનની આવી ગઇ છે, તો આ યકીનની ઓળખાણ કેવી રીતે થાય તેનું પણ વર્ણન કરી દઉ. એટલા માટે કે શબ્દ યકીનને લોકોએ અદા કરવામાં મોટી-મોટી ભૂલ ખાધી છે. દરેક ઝાલિમ, દરેક દુનિયા પરસ્ત, દરેક હઠધર્મી, ઝીદૄી પોતાનો માલ તથા શોહરત મેળવવા તેમજ દુનિયા માટે જ નહી પરંતુ આ શબ્દનો ઉપયોગ કરીને પોતાની જાતને છેતરે છે. જ્યારે તે ઝુલ્મ કરે છે અથવા જ્યારે કોઇનો કિરદાર બદ-અખ્લાક, બદ-નફ્સ હાકીમોના હુકમને માની લે છે અને કહે છે કે “હું આપની વાતો ઉપર યકીન કરૂ છું. ઘણા બધા આવા મરહલા અને પ્રસંગો દરરોજ સામે આવતા રહે છે. જ્યાં લોકો પોતાના માટે યકીન શબ્દનો ઉપયોગ કરીને પોતાની જાતને ફરેબ આપતા રહે છે. બિલકુલ એવી જ રીતે જેવી રીતે અકલના બારામાં જ્યારે મોઆવિયા બિન અબુ સુફિયાન (લા.અ.)ના બારામાં સવાલ કરવામાં આવ્યો કે જેના બળ ઉપર તે પોતાની હુકુમત ચલાવતો હતો તો શું તે સાહેબે અકલ હતો? તેના જવાબમાં માસુમ(અ.સ.)એ ફરમાવ્યું: “મોઆવિયાની પાસે આ અકલ ન હતી, જેના વડે તે હુકુમત કરતો હતો, પરંતુ અકલનુ એક વિરોધી છે જેને ‘નકરહ’ કહે છે, તે હતું. તે આ નકરહના સહારે દરેક ખરાબ કાર્યો કરતો હતો. નહિતર તે હુજર-બિન અદીને શા માટે કત્લ કરાવતે? તે યઝીદની ખિલાફત માટે દરેક રાજકીય દાવ-પેચને શા માટે કરતે? આ અકલનો નિર્ણય ન હતો પરંતુ નકરહ વડે દુનિયાને હાસિલ કરવા અને હુકુમત મેળવવા માટેના પગલા હતા. બસ એ જ રીતે જુહુદ યકીનનુ વિરૂધ્ધ છે. અને અહી અમે જુહુદ ઉપર વાચકોના ધ્યાન માટે થોડો વિચાર કરીશુ. દરેક વસ્તુને તેની વિરૂધ્ધની ચીજથી ઓળખી શકાય છે. આ એક સર્વ સ્વિકાર્ય બાબત છે. જેમ “યકીન મજબુત છે, યકીન કમઝોર છે, અને યકીન મધ્યમ દરજ્જાનું છે અને યકીન ન હોય તેનું પણ એક માપ છે. અલ્લાહ તઆલાની તમામ નેઅમતોમાંથી એક નેઅમત આ પણ છે કે દરેક ઇન્સાન પોતાની ફિતરતમાં અલ્લાહ તઆલાની તરફથી અતા કરેલ નિર્ણય-શક્તિ ધરાવે છે. જેમ જેમ યકીનની વિરૂધ્ધ જુહુદ ઇન્સાનના યકીન ઉપર કાબુ મેળવે છે અથવા યકીનના અસરોમાં ભળી જાય છે, તેમ તેમ યકીનની એક કયફીયત તેના ઉપર જાહેર થવા લાગે છે. ઇન્સાન આવી પરિસ્થિતિમાં બહાનાથી કામ લેય છે. અને પોતાની ઇત્મેનાન અથવા યકીનની મંઝિલ ઉપર હોવાની વાત કરે છે. આજે અને આવતી કાલે જે હકની સામે ઉભો થઇને જે બાતિલની હિમાયત કરે છે, તે કયફીયતને જાણવા છતા બાતિલ પરસ્તી ઉપર બાકી રહે છે. આ મંઝિલ યકીન નથી પરંતુ જુહૂદની મંઝિલ છે. જુહુદનું પોતાનું લશ્કર છે. આપણે અહી તેના અમૂક સાથીઓનું વર્ણન કરીશું:
(૧) નફ્સાની ખ્વાહીશાત :
વાસના અને હવસના કારણે ઇન્સાન શું નથી કરી બેસતો? આજે શેહવાતે નફીસાની માટે કેટલા કેન્દ્રો ખુલ્લી ગયા છે, અને તેને એક હુન્નરનું નામ આપવામાં આવે છે. આ એ કાર્યો છે, જે ઇન્સાનના યકીનના ચિરાગને બુઝાવી દે છે. અને તેને ઝિંદગીમાં વખાણવા લાયક સિફતો ખુબ ધુંધળી દેખાય છે.
(૨) લાલચ :
દૌલતનું વધારેને વધારે ભેગુ કરવું. ઐશો-આરામ માટે દરેક સાધનો જાએઝ-ના જાએઝ, હરામ-હલાલ, સારા-ખરાબ આ બધામાં કોઇ તફાવત ન કરવો, એહતિયાત રાખવાથી બેદરકાર રહેવું, અને જ્યારે શક્તિ નબળી પડતી જાય ત્યારે કોઇ બહાના થકી પોતાની જાતને યકીનના જુથમાં સમજવી.
(૩) જેદાલ :
પોતાના સ્વભાવ ઉપર ક્ધટ્રોલ ન રાખીને વધારે ચર્ચામાં વ્યસ્ત રહેવુ, અને ચર્ચામાં પોતાના બચાવમાં જે કાંઇ કર્યુ અને જે કંઇ કહ્યુ તેને સાચુ સાબિત કરવું. આજે આપણા નવયુવાનો આ પ્રકારની ઉંધી-સીધી ચર્ચામાં ઇન્સાનીય્યતની હદને ઓળંગી જાય છે.
(૪) માલની મોહબ્બત :
આ એક ઘણી જ સખ્ત અને મુશ્કીલ પરિક્ષા છે. હોદૄો અને માલની એટલી ચાહત કે જેના ઉપર પોતાના નિર્ણયને અલ્લાહનો નિર્ણય સમજે છે. જેવી રીતે મુસ્લીમ બિન ઉકબા. આ એ માણસ છે જે યઝીદ મલઉન તરફથી લશ્કરનો સેનાપતી હતો, જેણે કાબાની હદોમાં આગના ગોળાઓ વરસાવ્યા, કાબાના ગિલાફમાં આગ લગાડી અને કાબાને જમીનદોસ્ત કરવા માટે તૈયાર થયો. ખુદાએ તેને ત્યાં જ મૌતની બિમારીમાં સપડાવ્યો અને જ્યારે જહન્નમ વાસિલ થવા લાગ્યો તો પોતાના સરદારોને બોલાવીને કહેવા લાગ્યો: “તમે લોકો સાક્ષી રહેજો કે મેં યઝીદ(લ.અ.)ના હાથ ઉપર ‘બયઅત’ કરી હતી અને ખલીફા યઝીદ(લ.અ.)ના કહેવાથી કાબા ઉપર હુમલો કર્યો હતો. આ જુહુદની તે મંઝીલ છે, જ્યાં યકીનનું સંપૂર્ણ વિરૂધ્ધ સામે આવી જાય છે.
(૫) દુનિયા પરસ્તોની સાથે રહેવું :
જુહુદનું એક સાથી મોટુ અને શક્તિશાળી હથિયાર દુનિયા પરસ્તી છે. તે એવી જાળ બીછાવે છે કે તેની અંદર અગર કોઇ ફસાઇ જાય તો પછી હકની તરફ આવવા કોશીશ કરે તો પણ તે જાળ તેને જકડી રાખે.
(૬) કયામત ઉપર ઇમાન ન રાખવું :
ખબર નથી કે કેટલી વાતો કયામત ઉપર થાય છે? દરેક ઇસ્લામ કબુલ કરવાવાળો કયામત ઉપર ઇમાન રાખવાનો દાવો કરે છે. દરેક કુર્આન પઢનાર કયામતને પોતાનું હાસિલે ઇમાન માને છે. કયો મુસલમાન એવો છે કે જે કહે કે ‘તેનું ઇમાન કયામત ઉપર નથી’ પરંતુ અગર તારણ કાઢવામાં આવે તો મોટા ભાગના લોકો એવા નિકળશે જે સરકશ, આઝાદ અને કયામતના ડરથી બે-ખૌફ નઝર આવશે.
(૭) યકીન :
દિલનું નૂર છે, ઇન્સાનના દિલની રૂહનું મરકઝ છે. ઝોહદ (તકવા) તેનો દિવો છે. સબ્ર, ઇખ્લાસ, તવક્કુલ, રેઝા, મુસીબતોને સહન કરવી, યકીનની હિફાઝત કરે છે. જ્યારે આપણે યકીનની વાત કરીએ છીએ અને તે વાતમાં કંઇ દમ હોય, થોડી તાકત હોય, થોડી રોશની હોય તો યાદ આવે છે કે ઇમામ હુસૈન(અ.સ.)નું યકીન કેવું હશે? તે કઇ બલંદી હશે? કઇ ઉંચાઇ હશે કે જ્યાં આપ(અ.સ.)નું યકીન રૌશન હશે.
(૮) ઇસાર અને કુરબાની :
અય મીનાની ઝમીન ફખ્ર કર કરબલાના શહીદો ઉપર, કે જેમણે સુબ્હે આશુરથી અસ્રે આશુર સુધી વારિસે ખલીલ અને ઇસ્માઇલે બોતેર શહીદોને એક પછી એક ઉઠાવીને આસમાનની તરફ હાથ બલંદ કર્યા અને કહ્યુ: “હાઝા કુરબાનુન તકબ્બલ મિન્ના “આ કુરબાની છે જેને તુ અમારાથી કબુલ કરી લે અને જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) ખુદ શહીદ થઇ ગયા તો બાજુમાં ઉભેલી બહેને બંને હાથ આસમાનની તરફ બલંદ કરી કહી રહી હતી કે “હાઝા કુરબાનુન તકબ્બલ મિન્ના અલ્લામા ઇકબાલે કેટલુ સરસ કહ્યુ છે:
અજીબ સાદા વ રંગીન હય દાસ્તાને હરમ
નિહાયત જીસ્કી હુસૈન ઇબ્તેદા હય ઇસ્માઇલ
(૯) દિલની શાંતી :
ક્યો એવો મઝહબ છે જે દિલની શાંતીની વાત નથી કરતો? પરંતુ કોઇ એવી તરકીબ કોઇએ અથવા કોઇ એવી રીત બતાવી હોય જેનાથી દિલને શાંતિ મળે. અય હુસૈન(અ.સ.)! આપના મસાએબ ઉપર જવાનો, બુઢાઓ, બચ્ચાઓ અને ઔરતો કેટલા બેતાબ થઇને ગિર્યા કરે છે અને બેશુમાર લોકોથી આમ કહેતા સાંભળ્યા છે કે જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ના મસાએબ સાંભળીને જીવ ભરીને રડી લેવામાં આવે તો દિલને સુકુન મળે છે. યા હુસૈન(અ.સ.) આપ દિલની શાંતિનું ોત છો.
અય પરદએ ગૈબતના સોગવાર મૌલા, હુજ્જત ઇબ્નીલ્ હસનિલ્ અસ્કરી(અ.સ.)! અમારી કૌમના દિલોને ઝિક્રે હુસૈન(અ.સ.), સજ્દએ હુસૈન(અ.સ.), યકીને હુસૈન(અ.સ.), ઇસાર અને કુરબાનીએ હુસૈન(અ.સ.) અને ઇત્મિનાને કલ્બે હુસૈન(અ.સ.)ના સદકામાં એવી તવફીકાત અતા ફરમાવો જે અમને બારગાહે હુસૈનીમાં મોઢુ બતાવવાને લાયક બનાવી દેય. (આમીન)
Comments (0)