હઝરત ઇમામ મહદી(અ.સ.)નું માર્ગદર્શન
હઝરત ઇમામ મહદી(અ.સ.)નું માર્ગદર્શન
લકબોની ખુસુસીયાત :
આપણા અઇમ્મા(અ.મુ.સ.)ના પવિત્ર નામો અને લકબો સામાન્ય લોકોના અતા કરેલા નથી, પરંતુ ખુદાવંદે આલમે ખાસિયતોને ધ્યાનમાં રાખીને નામ અને લકબો પસંદ કરેલા છે. આથી દરેક નામ અને લકબની એક ખાસ ખાસિયત છે. જો કે આપણા તમામ અઇમ્મા(અ.મુ.સ.) ફઝીલત અને કમાલની દ્રષ્ટિએ એક સમાન છે. દરેક સજ્જાદ, બાકિર, સાદિક, કાઝિમ અને રેઝા છે. પરંતુ જે ખાસિયત જે ઇમામમાં વધારે જાહેર થાય છે, આ નિસ્બતના લીધે તેમને એ લકબ આપવામાં આવ્યો છે.
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) એ ઇલાહી જ્ઞાનોને ખૂબ જ વધારે ફેલાવ્યુ, ઇલ્મ અને જ્ઞાનના તરસ્યાઓને એહલેબૈત(અ.મુ.સ.)ની તાલીમાતથી તૃપ્ત કરી દીધા. આના લીધે આપ(અ.સ.) ‘બાકિર’ ના લકબથી મશ્હુર થયા.
હઝરત ઇમામ કાઝિમ(અ.સ.)થી હિલ્મ અને સહન-શક્તિ વધારે જાહેર થઇ. આથી આપ(અ.સ.) ‘કાઝિમ’ ના લકબથી મશ્હુર થયા અને હરગીઝ એવું નથી કે અન્ય અઇમ્મા(અ.મુ.સ.) કાઝિમ ન હતા. આ જ રીતે અન્ય લકબોમાં પણ છે.
બારમાં ઇમામ સાહેબુઝ્ઝમાન હઝરત વલીએ અસ્ર (અ.સ.)નો એક ખાસ લકબ ‘મહદી’ છે. ‘મહદી’ અરબી કાયદા મુજબ ‘ઇસ્મે ફાઇલ’ પણ છે અને ‘ઇસ્મે મફઉલ’ પણ છે. એટલે કે હિદાયત કરવાવાળા અને હિદાયત પામેલા. એ તો જાહેર વાત છે કે જે સંપૂર્ણ રીતે હિદાયત પામેલો હશે તે દરેક ક્ષેત્રમાં હિદાયત કરી શકે છે અને માર્ગદર્શનની ફરજો અંજામ આપી શકે છે. આ ખાસ લકબનો મતલબ એ છે કે હિદાયત આપની પવિત્ર ઝાતમાં સૌથી વધારે જાહેર થશે. કારણ કે આપના જ પુરનૂર ઝુહુરના ઝમાનામાં દુનિયાનો ખુણે ખુણો ઇલાહી હિદાયતથી ભરાઇ જશે, શીર્ક અને કુફ્રનું નામો નિશાન નહી હોય, ગુમરાહી અને ઝલાલત દૂર દૂર સુધી દેખાશે નહી, દુનિયાના તમામ ઇન્સાનો તૌહીદે ખુદાવંદી, રિસાલતે મોહમ્મદી અને વિલાયતે અલવી પર ભેગા થશે. આટલી બધી સર્વ સામાન્ય હિદાયત ઇમામે ઝમાના (અ.સ.)થી જોડાયેલી છે. ખુદાવંદે આલમે આ વિશ્ર્વભર અને સર્વસામાન્ય હિદાયત માટે આપ(અ.સ.)ને બાકી રાખ્યા છે. આપ(અ.સ.)ની હિદાયતની શીદ્દતની એ હાલત છે કે ગૈબતના હજાર વરસોથી વધારે પસાર થઇ જવા પછી પણ હિદાયતનો સિલસિલો શરૂ છે. ગૈબત હિદાયતની રાહમાં રૂકાવટ નથી.
સુલૈમાન અઅમશે હઝરત ઇમામ સાદિક(અ.સ.)ને પુછ્યુ: લોકો હુજ્જતે ગાએબથી કેવી રીતે લાભ ઉઠાવશે? ફરમાવ્યું:
“જેવી રીતે વાદળોમાં છૂપાયેલ સૂરજથી ફાયદો ઉપાડે છે.
(મુન્તખબુલ અસ્ર, પાના:૩૩૬, હદીસ:૩)
એટલે કે ગૈબતના સમયમાં હઝરત ઇમામ મહદી(અ.સ.)થી ફાયદો મેળવવાનો રસ્તો બંધ નથી થયો. એ અલગ બાબત છે કે ઝુહુરના સમયે હિદાયતનો અંદાજ કંઇક અલગ જ હશે. ગૈબત અને ઝુહુરમાં એ જ ફર્ક છે જે વાદળ છાયો તડકો અને પુરે પુરી ધુપમાં હોય છે.
આમ તો પુરી કાએનાત હઝરત ઇમામ મહદી (અ.સ.)ની પવિત્ર ઝાતથી હિદાયત હાંસિલ કરી રહી છે, પરંતુ ખાસ કરીને ઇન્સાન આપની હિદાયતથી નસીબવંત થઇ રહ્યો છે. ઇમામ(અ.સ.)ની હિદાયત અને રેહનુમાઇ સામાન્ય અને ખાસ પ્રચારકોની હિદાયત અને માર્ગદર્શનની જેવી નથી. આપની હિદાયતો જાહેરી નથી પરંતુ હકીકત અને વાસ્તવિક્તા પર આધારીત છે. આપ(અ.સ.)ની નજરોથી કોઇ પણ બાબત છુપી નથી. આપ(અ.સ.) લોકોના દિલોમાં પસાર થવાવાળા વિચારો અને હાલતોથી વાકીફ છે, ખુદાનું અતા કરેલુ ઇલ્મે ગૈબ જાણે છે. જરાક આ બનાવ પર ધ્યાન આપો અને જુઓ કે ઇમામ મહદી(અ.સ.) કેવી રીતે લોકોને હકીકતથી આગાહ કરે છે.
હલાલ અને હરામમાં હિદાયત :
જનાબ શેખ સદુક(અ.ર.)એ સઅદ બીન અબ્દુલ્લાહ કુમ્મીથી આ રિવાયત વર્ણવી છે:
સઅદ બીન અબ્દુલ્લાહ કુમ્મી હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના બુઝુર્ગ અસ્હાબમાંથી હતા. તેઓ કહે છે:
ચાલીસ મુશ્કીલ સવાલો જમા કર્યા હતા જેનો જવાબ દેવાવાળુ કોઇ ન હતુ. તે સમયે જનાબ એહમદ બીન ઇસ્હાક કુમ્મી સામર્રા જઇ રહ્યા હતા. હું પણ તેમની સાથે થઇ ગયો. તેમણે મને ફરમાવ્યુ: તમારી સફર સારી થાય, શા માટે આવ્યા? મેં કહ્યુ: આપથી મુલાકાતના શૌખમાં અને આપથી સવાલોના જવાબો હાંસિલ કરવા માટે હાજર થયો છું. તેમણે કહ્યુ: આપણા બન્નેનો એક જ હેતુ છે. હું અત્યારે મારા મૌલા હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)ની ઝિયારત માટે જઇ રહ્યો છું. તેમને સવાલોના જવાબ પુછવા ચાહુ છું અને આયતોની તફસીર અને તાવીલ માલુમ કરવા ચાહુ છું. તમે આ સફરમાં મારી સાથે રહો. તમે ઇલ્મ અને કમાલના એક સમંદરને જોશો, જેમના અજાએબાતનો કોઇ અંત નથી અને જેમના અમુલ્ય મોતીઓ ક્યારેય ફના થવાવાળા નથી. તે જ આપણા ઇમામ છે.
અમે લોકો સાથે સાથે સફર કરતા કરતા સામર્રા પહોંચી ગયા. ઇમામ(અ.સ.)ના પવિત્ર ઘર તરફ ગયા. ત્યાં પહોંચીને ઇજાઝત માંગી. પછી દાખલ થવાની ઇજાઝત મળી ગઇ. એહમદ બીન ઇસ્હાકની પાસે દિરહમ અને દિનારની ૧૬૦ થેલીઓ હતી. જેના પર તેમના માલિકોએ મોહર લગાવી હતી. (કોઇને પણ એ માલુમ ન હતુ કે આ થેલીઓમાં શું છે)
સઅદનુ બયાન છે કે: જ્યારે અમે ઇમામ હસન અસ્કરી(અ.સ.)ની પવિત્ર ખિદમતમાં હાજર થયા, તેમનો નૂરાની ચેહરો પૂનમના ચાંદની જેમ રોશન અને મુનવ્વર હતો, તેમની ગોદમાં એક બાળક હતુ, જેમનુ સૌંદર્ય મુશ્તરી સિતારાથી વધારે હતુ, માથા પર વાળની દરમિયાન સેંથો એવી રીતે હતો જાણે બે ‘વાવ’ની વચ્ચે ‘અલીફ’.
ઇમામ(અ.સ.)ની સામે એક ગોળ વસ્તુ હતી જેના પર નંગ જડેલા હતા. જે બસરાના એ જ બુઝુર્ગે હદીયા તરીકે પેશ કરી હતી. ઇમામ(અ.સ.)ના મુબારક હાથમાં એક કલમ હતી અને આપ કંઇક લખી રહ્યા હતા. જ્યારે આપ લખવા ચાહતા હતા ત્યારે બાળક કલમને પકડી લેતા હતા. ઇમામ(અ.સ.) તે બોલને ઓરડાના એક ખુણામાં ફેંકી દેતા હતા. બાળક તેને લેવા માટે ચાલ્યુ જતુ અને ઇમામ(અ.સ.) લખવામાં મશ્ગુલ થઇ જતા હતા.
અમે ઇમામ(અ.સ.)ની ખિદમતમાં સલામ કરી. ઇમામ(અ.સ.)એ ખૂબ જ મોહબ્બતથી જવાબ આપ્યો અને બેસવા માટે કહ્યુ અને લખવામાં મશ્ગુલ થઇ ગયા. જ્યારે તેઓએ લખાણ લખી લીધુ, એહમદ બીન ઇસ્હાકે પૈસાની થેલીઓ ઇમામ(અ.સ.)ની ખિદમતમાં રજુ કરી. ઇમામ(અ.સ.)એ પોતાના વહાલા ફરઝંદને ફરમાવ્યુ:
નૂરે નઝર! આપણા દોસ્તો અને શીઆઓના તોહફા અને હદીયાઓ પર લાગેલી મહોરને ખોલો
બાળકે કહ્યુ: શું હું મારો પવિત્ર હાથ તે ગંદી-નાપાક અને હરામ તથા હલાલથી મિશ્ર માલની તરફ લંબાવુ?
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:
અય ફરઝંદે ઇસ્હાક! આ થેલામાંથી થેલીઓને બહાર કાઢો જેથી મારો આ ફરઝંદ હલાલ અને હરામને એક-બીજાથી અલગ કરી દે
એહમદે ઇમામ(અ.સ.)ના હુકમ પ્રમાણે થેલીમાંથી એક થેલી કાઢી. બાળકે ફરમાવ્યુ:
આ થેલી ફલાણા ઇબ્ને ફલાણાની છે જે આ મોહલ્લામાં રહે છે. તેમાં ૬૨ દિનાર એ કમરાની કિંમત છે જે તેના માલિકે વેચ્યો હતો, ૪૫ દિનાર તેને તેના પિતાના વારસા માંથી મળ્યા છે, ૧૪ દિનાર ૯ કપડાની કિંમત છે અને ૩ દિનાર દુકાનનું ભાડુ છે.
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:
વહાલા દિકરા તમે સાચુ ફરમાવ્યુ હવે એ પણ બતાવી દયો તેમાં હરામ શું શું છે?
બાળકે ફરમાવ્યુ:
તેમાં બે સિક્કા હરામ છે. એક એ સિક્કો જે ફલાણા શહેરમાં બનાવવામાં આવ્યો તેની એક બાજુ એકદમ સાફ છે તે જુનો આમેલી સિક્કો છે અને તેનુ વઝ્ન ૪૧ દિનાર છે. તેને શોધો એ મળી જશે. તે હરામ હોવાનું કારણ એ છે કે તેના માલિકે આ વરસના આ મહિના માટે સવા કિલો કાચો દોરો વણવા માટે આપ્યો હતો. એક મુદ્દત પછી ચોર ચોરી કરીને લઇ ગયો. વણવા વાળાએ માલિકને બાબત જણાવી, પરંતુ તેણે કબુલ ન કર્યુ. પરંતુ તેને જુઠલાવ્યો અને તેની પાસેથી દોઢ કિલોની માંગણી કરી. પછી એ દોરાથી કપડા બનાવ્યા, કપડાની કિંમત આ બે દિનાર તે કપડાની કિંમત છે.
થેલી ખોલવામાં આવી. તેમાં એક કાગળ પર માલિકનું નામ અને રકમની વિગત લખેલી હતી. બધુ એજ રીતે હતુ જેમ તે બાળકે બયાન કર્યુ હતુ.
બીજી થેલી સામે લાવવામાં આવી. તેને જોઇને બાળકે ફરમાવ્યુ:
આ ફલાણા ઇબ્ને ફલાણાની થેલી છે. આ શખ્સ કુમના આ મોહલ્લામાં રહે છે. તેમાં ૫૦ દિનાર છે, પરંતુ હું તેને હાથ નથી લગાવી શકતો. તેનુ કારણ પુછવામાં આવ્યુ. ફરમાવ્યુ:
આ રકમ એ ઘઉંની કિંમત છે જેમાં માલિકે ખેડુત પર ઝુલ્મ કર્યો છે. તેણે પોતાનો હિસ્સો સાચા માપ પ્રમાણે વજન કરીને લીધો છે, જ્યારે કે ખેડુતનો હિસ્સો ખામી વાળા માપથી વજન કરીને ઓછો આપ્યો છે.
હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)એ ફરમાવ્યુ:
વહાલા ફરઝંદ તમે સાચુ ફરમાવ્યુ છે. અય એહમદ બીન ઇસ્હાક આ તમામ પૈસાઓ તેના માલિકોને પાછા આપી દો, અમને તેની કોઇ જરૂરત નથી
(કમાલુદ્દીન, પાના: ૪૮૦)
આ વાકેઆ પર વિચાર કરવાથી અમુક બોધ દાયક બાબતો નજર સમક્ષ આવે છે:
(૧) સાદ બીન અબ્દુલ્લાહ કુમ્મી અને એહમદ બીન ઇસ્હાક કુમ્મીએ હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ને બચપણમાં જોયા. પવિત્ર ચેહરો ચૌદમીના ચંદ્ર જેવો નૂરાની હતો, બાળપણની અદાઓ ખૂબ જ ગમી જાય તેવી હતી, પરંતુ ખુદાના અતા કરેલા ઇલ્મે ગૈબથી તમામ રહસ્યો અને છુપી બાબતો પર નજર હતી. બંધ થેલીના તમામ સિક્કાઓ પોતાની તમામ હકીકતોની સાથે તેમની સામે હતા.
(૨) ઇમામ(અ.સ.)ની ખિદમતમાં હદીયો અને તોહફો, નઝર અને નિયાઝ પેશ કરવા પહેલા એ વાત પર ખાસ ધ્યાન દેવુ જરૂરી છે કે તે એટલા પવિત્ર અને પાક હોય કે ઇમામ તેને કબુલ કરી લે અને પોતાનો પવિત્ર હાથ તેના પર રાખે, નહિતર હલાલ અને હરામથી અપવિત્ર અને નાપાક હદીયો ઇમામ (અ.સ.)ની બારગાહમાં હરગીઝ કબુલ નહી થાય, બલ્કે રદ કરી દેવામાં આવશે.
(૩) વેપાર કરીને નફો હાસિલ કરવો એ કમાલની વાત નથી પરંતુ એ વાતનો કાયદેસર રીતે ખ્યાલ રાખવો જોઇએ કે આ વેપારમાં કોઇ ચીજ નાજાએઝ તો નથી ને. માપ તોલ અને લેવા દેવામાં એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ. ક્યાંક આપણે આપણા ભાગીદારને ઓછુ તો નથી આપતા ને? તે ઓછુ આપવુ ભલે પછી એકદમ મામુલી કેમ ન હોય. આપણે તેના તરફ ધ્યાન આપીએ કે ન આપીએ પણ ઇમામ(અ.સ.) તેનાથી ચોક્કસ વાકિફ છે.
(૪) દોરાનો માલિક એ વાત કબુલ કરવા તૈયાર નથી કે દોરો ચોરી થઇ ગયો. ઇસ્લામી કાનૂન એ છે કે અગર અમાનતદારની પાસેથી અમાનત ચોરી થઇ જાય અને અમાનતદારે તેની કાળજી રાખવામાં કોઇ બેદરકારી ન રાખી હોય તો તે જવાબદાર નથી. પરંતુ અહી માલિક વાત કબુલ કરવા માટે તૈયાર નથી. તે વણકર પાસેથી દંડ વસુલ કરે છે. સવા કિલોની બદલે દોઢ કિલો વસુલ કરે છે. પછી તેમાંથી બનેલ કપડુ વેચીને તેની રકમ ઇમામ(અ.સ.)ની ખિદમતમાં હદીયા તરીકે મોકલે છે. ઇમામ(અ.સ.) તેને કબુલ કરવુ તો એક તરફ તેને હાથ પણ નથી લગાડતા. જ્યારે કે દીને ઇસ્લામમાં હદીયો કબુલ કરવાની તાકિદ કરવામાં આવી છે અને હદીયો દેવો મુસ્તહબ છે. તેનાથી દોસ્તી અને સંબંધમાં વધારો થાય છે. પરંતુ ઇમામતનો મિજાઝ આ હદીયાને કબુલ કરવા માટે તૈયાર નથી કે જેમાં હરામનો સમાવેશ હોય.
આ વાકેઓ આપણા સૌ માટે હિદાયતનો ચિરાગ છે. અગર આપણે દીની કાર્યોમાં કંઇક આપી રહ્યા છીએ. મસ્જીદ, ઇમામ બારગાહ, મદ્રેસા….. વિગેરેની તામીર કરાવી રહ્યા છીએ અથવા કોઇ ગરીબ અને જરૂરતમંદની મદદ કરી રહ્યા છીએ તો આ તમામ બાબતો એ સમયે કબુલ થશે જ્યારે તેમાં હરામ જરાય શામિલ ન હોય અને એ તો જાહેર બાબત છે કે જે ચીજને ઇમામ(અ.સ.) કબુલ ન કરે તેને ખુદા કેવી રીતે કબુલ કરશે કારણ કે ઇમામ જ ખુદા સુધી પહોંચવાનો દરવાજો છે.
(૫) તે પચાસ દિનાર જે ઘઉંની કિંમત હતી તેને ઇમામ(અ.સ.)એ એટલા માટે કબુલ ન કરી કે એક ભાગીદારે પોતાનો હિસ્સો પૂરેપૂરો સહીહ રીતે માપીને લઇ લીધો અને બીજા ભાગીદારનો હિસ્સો ખામીવાળા વજનીયાથી માપીને આપ્યો હતો. ઇમામ(અ.સ.)એ બયાન નથી ફરમાવ્યુ કે કેટલુ ઓછુ હતુ પરંતુ ઓછુ આપવાના લીધે રદ કરી દીધુ. એ આ હકીકત તરફ ઇશારો કરી રહ્યુ છે કે ભાગીદારીમાં હિસ્સો વહેંચતી વખતે જરાયે પણ ઓછુ દેવુ જોઇએ નહી. એ વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે આપણા માથા પર કોઇનો હક નીકળતો ન હોય.
જ્યારે કે આજના માહોલમાં દરેક ભાગીદાર પોતાના હિસ્સાને વધારેમાં વધારે હાસિલ કરવાની કોશિશ કરે છે અને આ વધારે હાસિલ કરવાને પોતાની હોશિયારી અને સુજ-બુજ ગણાવે છે. જ્યારે કે આ સુજ-બુજ અને હોશિયારી નથી બલ્કે જેહાલત અને બેવકુફી છે. જે ચીજને ઇમામ(અ.સ.) હાથ પણ ન લગાડે એ હોશિયારી ક્યાથી હોઇ શકે. હોશિયારી અને સુજ-બુજનો તકાઝો એ છે કે પોતાના માલને હરામની નજાસતોથી એટલો બધો પાક રાખે કે જ્યારે ઇમામ (અ.સ.)ની ખિદમતમાં હદીયા તરીકે પેશ કરવામાં આવે તો ઇમામ(અ.સ.) તેને કબુલ કરી લે.
સવાલોના જવાબો :
જ. શૈખ તુસી(ર.અ.) એ મોહમ્મદ બીન ઇબ્રાહીમ બીન ઇસ્હાક તાલેકાનીથી આ વાકેઓ વર્ણન કર્યો છે:
હું અમૂક લોકોની સાથે ત્રીજા નાએબે ખાસ જનાબ અબુલ કાસિમ હુસૈન બીન રવ્હની ખિદમતમાં હાજર હતો. એક શખ્સે ઉભા થઇને આ સવાલ કર્યો:
શું ઇમામ હુસૈન(અ.સ.) ખુદાના વલી નથી? ફરમાવ્યુ: બેશક વલી છે.
શું તેમનો મલઉન કાતિલ ખુદાનો દુશ્મન નથી?
ફરમાવ્યુ: બેશક ખુદાનો દુશ્મન છે.
તો કહ્યુ શું એ યોગ્ય છે કે ખુદાવંદે આલમ પોતાના વલી ઉપર પોતાના દુશ્મનને વર્ચસ્વ આપે?
જનાબ અબુલ કાસિમ હુસૈન બીન રવ્હએ ફરમાવ્યુ: જે બયાન કરી રહ્યો છુ તેને ખૂબ ધ્યાનથી સાંભળો.
ખુદાવંદે આલમ જાહેરમાં ખુલ્લી રીતે લોકોની સાથે વાતચીત નથી કરતો. ખુદાવંદે આલમે લોકોમાં અંબિયા (અ.મુ.સ.)ને નિયુક્ત કર્યા. અગર તે અન્ય શકલો સુરતમાં મોકલતે તો લોકો તેઓથી દૂરી અપનાવતે અને તેઓને કબુલ ન કરતે. જ્યારે અંબિયા (અ.મુ.સ.) તશ્રીફ લાવ્યા તો તેઓની જેમ ખાવાનુ ખાતા, તેઓની જેમ બઝારો અને રસ્તાઓમાં ચાલતા હતા. લોકો તેમને કેહતા હતા કે “તમે તો બસ અમારી જેમ છો અમે તમારી વાતોને કબુલ નહી કરીશુ સિવાય એ કે તમે એવો કોઇ મોઅજીઝો દેખાડો જે અમે ન કરી શકીએ. જેથી અમને એ યકીન થઇ જાય કે તમને એ કુદરત અને તાકત હાસિલ છે જે અમારી પાસે નથી. આથી અલ્લાહે પોતાના નબીઓ અને રસુલોને એવા મોઅજીઝા અતા કર્યા જે લોકોની શક્તિની બહાર હતા.
અમુક અંબિયા (જ. નૂહ અ.સ.) એક લાંબી તબ્લીગ અને સાબિતિઓ તથા મોઅજીઝા રજુ કર્યા પછી તુફાન લાવ્યા જેમાં તમામ સરકશ લોકો ડુબી ગયા. અમુક નબીઓ (જ. ઇબ્રાહીમ અ.સ.)ને આગમાં ફેંકી દેવામાં આવ્યા પરંતુ તેઓ તેમાંથી સહી સલામત બહાર આવ્યા. અમુક નબી (જ. સાલેહ અ.સ.)ના માટે પહાડમાં ઉંટણી નીકળી જેમાંથી દુધ નીકળતુ હતુ. અમુક નબી (જ. મુસા અ.સ.)ના માટે દરિયામાં રસ્તો બનાવવામાં આવ્યો, પથ્થરમાંથી પાણી કાઢવામાં આવ્યુ, સુકી લાકડી અજગરમાં બદલાઇ ગઇ અને જે કાંઇ લોકોએ તૈયાર કર્યુ હતુ તેને ગળી ગયો. અમુક (જ. ઇસા અ.સ.) જન્મજાત આંધળાઓને દેખતા અને મુર્દાઓને ખુદાના હુકમથી જીવતા કરતા હતા અને તેમના ઘરોમાં સંગ્રહાયેલી વસ્તુઓની ખબર આપતા હતા. અમુક (હઝરત મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.)ના માટે ચાંદના બે ટુકડા થયા, જાનવરોએ, ઉંટ અને ચિત્તાએ તેમની સાથે વાતચીત કરી. જ્યારે લોકોએ આવા મોઅજીઝાઓ જોયા અને તેની જેવા લાવી ન શક્યા અને પોતાની લાચારીનો એહસાસ કરવા લાગ્યા, તે સમયે ખુદાવંદે આલમની તકદીર, લુત્ફ અને હિકમતનો તકાઝો એ થયો કે અંબિયા ક્યારેક ગાલિબ થયા તો ક્યારેક મગ્લુબ થયા. ક્યારેક વિજયી અને કામ્યાબ થયા તો ક્યારેક દબાણમાં રહ્યા. અગર ખુદાવંદે આલમ તેઓને હંમેશા ગાલિબ, વિજયી અને કામ્યાબ બનાવત અને તેમને કોઇ ઇમ્તેહાન અને આઝમાઇશમાં ગિરફતાર ન કરત તો લોકો ખુદાની બદલે તેઓની ઇબાદત કરવા લાગત અને તેઓની પુજા તથા પરસ્તીશ કરવા લાગી જતે. ઇમ્તેહાન અને પરિક્ષામાં તેઓની સાબિત કદમી અને મજબુતાઇ સ્પષ્ટ ન થતે.
ખુદાવંદે આલમે પોતાના અંબિયા(અ.મુ.સ.)ની હાલતો બીજા લોકો જેવી બનાવી, જેથી તેઓ ઇમ્તેહાન અને આઝમાઇશ અને બલામાં સબ્રથી કામ લેય અને સલામતી, આફીયત અને કામ્યાબી માટે ખુદાનો શુક્ર અદા કરે. જીંદગીના દરેક ઉતાર ચડાવમાં નમ્રતા અને તવાઝોઅ વાળો સ્વાભાવ રાખે. તકબ્બુર અને અભિમાન ન કરે. જેથી લોકોને એ વાતનું યકીન થઇ જાય કે તેમના કાર્યોનો માલિક અને મુખ્તાર ખુદા છે. જેથી ખુદાની ઇબાદત કરે અને તેના નબીઓની ઇતાઅત કરે અને તેઓને ખુદાની હુજ્જત માને અને એ લોકોની જેમ ન બની જાય જે પોતાની હદને ઓળંગીને તેમની રૂબુબીય્યત અને ખુદાઇના માનવાવાળા થઇ ગયા. અંબિયા(અ.મુ.સ.)ના લાવેલા પૈગામોના મુન્કીર થઇ ગયા, તેઓના વિરોધી થઇ ગયા. આ બધુ એટલા માટે ખુદા ચાહે છે કે જે હલાક થાય, ગુમરાહ થાય તે હક અને બાતિલની કાયદેસર સ્પષ્ટતા થયા બાદ, હુજ્જત તમામ થયા બાદ થાય અને જે જીવતા રહે, હિદાયત પામેલા રહે તે બસીરત અને બીનાઇની સાથે હિદાયત પામેલા રહે.
મોહમ્મદ બીન ઇબ્રાહીમનું બયાન છે કે બીજા દિવસે ફરી જનાબ અબુલ કાસિમ હુસૈન બીન રવ્હની ખિદમતમાં હાજર થયો અને મારા દિલમાં વિચારી રહ્યો હતો કે કાલે જે જવાબ આપ્યો હતો તે શું તેઓએ પોતાના તરફથી આપ્યો હતો કે આકા ઇમામે ઝમાના(અ.સ.)ની તરફથી હતો? મેં હજી કાંઇ વાત કરી ન હતી, કાંઇ કહ્યુ પણ ન હતુ. તેઓએ મારી તરફ જોઇને કહ્યુ:
અય મોહમ્મદ બીન ઇબ્રાહીમ! અગર આસમાનમાંથી પડી જાઉ અને પક્ષીઓ મારી લાશને લઇ જાય અથવા તુફાન મને દૂર ફેંકી દે તો મારા માટે આ વાત વધારે પસંદીદા છે, એના કરતા કે હું ખુદાના દીનના વિશે મારા તરફથી કોઇ વાત બયાન કરૂ. મેં જે બાબત ગઇ કાલે બયાન કરી હતી તે બધી વાતની સનદ છે અને હઝરતે હુજ્જતથી સાંભળ્યુ છે.
(ગૈબતે શૈખ તુસી, પાના:૩૨૪, હદીસ:૨૭૩)
(૧) દીનના બારામાં પોતાના તરફથી કાંઇ બયાન કરવુ જોઇએ નહી. બલ્કે દીનના બારામાં આપણી ચર્ચા અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ની હદીસોની રોશનીમાં હોવી જોઇએ.
(૨) બલા અને આઝમાઇશોમાં ગિરફતાર થવુ એ વાતની દલીલ નથી કે ખુદા તેનાથી નારાજ છે.
(૩) એજ રીતે અગર કોઇ આસાની અને આરામમાં છે, તો તેનો મતલબ એ નથી કે ખુદા તેનાથી રાજી છે.
(૪) અંબિયા(અ.મુ.સ.)ના મોઅજીઝાઓ અને તેમની અસાધારણ કુદરત અને તાકતથી લોકો એટલા બધા પ્રભાવિત થઇ જાતા કે તેઓને ખુદા સમજતા હતા અને તેઓની ઇબાદત તથા પરસ્તીશ કરવા લાગતા. તૌહીદની દાવત દેવાવાળાઓને ખુદા સમજવા લાગતા.
(૫) પોતાના બંદાઓ પર ખુદાની બેપનાહ રેહમત અને શફકત, હીકમત અને તદબીરનો તકાઝો થયો. અમૂક નબીઓ અને અવલીયા મુસીબતો અને બલાઓમાં ગિરફતાર થયા. જેથી લોકો ગુમરાહીથી મેહફુઝ રહે અને અંબિયા તથા અવલીયાઓને ખુદા ન સમજે.
(૬) બેપનાહ કુદરત અને તાકત હોવા છતા ખુદાની મસ્લેહતોની સામે અંબિયાઓનુ તસ્લીમ થઇ જવુ અને બલાઓ પર સાબિર રહેવુ લોકોના માટે બોધદાયક છે અને ખુદાની રાહમાં અંબિયા(અ.મુ.સ.) અને અવલીયા(અ.મુ.સ.)ની સાબિત કદમી પણ લોકોના માટે નમૂનએ અમલ છે.
(૭) કુદરત અને તાકાત અભિમાન અને ઘમંડનો સબબ ન થાય, બલ્કે ખુદાની બારગાહમાં વધુ નમ્રતા અને ઇન્કેસારીનો સબબ બને.
(૮) લોકોનુ હિદાયત પામેલા હોવુ અથવા ગુમરાહ હોવુ એ સ્પષ્ટ દલીલોના બાદ થાય, જેથી આ હિદાયત અને ગુમરાહી તેઓનુ ઇખ્તેયારી કાર્ય ગણાય અને આ ઇખ્તેયારના લીધે જન્નત અને જહન્નમના હકદાર બને અને કોઇ એમ ન કહી શકે કે અગર બાબત સ્પષ્ટ થઇ જાત તો અમે ગુમરાહ ન થાત.
(૯) જનાબ હુસૈન બીન રવ્હનુ આ ફરમાવવુ કે આ વાત મેં મારા તરફથી બયાન નથી કરી એ હકીકત તરફ ઇશારો છે કે ઇમામે ઝમાના(અ.સ.) આપણી તમામ બાબતોથી વાકિફ છે. આપણી દરેક વાત પર તેમની નજર છે અને આપ પોતાના દોસ્તો અને પ્રતિનિધિઓને સવાલોના મુકાબલામાં લા જવાબ રહેવા નથી દેતા, પરંતુ તેઓની મદદ કરતા રહે છે.
(૧૦) અગર આપણે કોઇ બલા અથવા મુસીબતમાં ગિરફતાર થઇએ તો તેને મસ્લેહતે ખુદા સમજીને સબ્ર કરવી જોઇએ, અડગતાથી તેને સહન કરવું જોઇએ, તાકત અને શક્તિની હાલતમાં નમ્રતા અને ઇન્કેસારી પૂર્વક વર્તન કરવુ જોઇએ, દીન પર થવાવાળા વાંધાઓ, સવાલો અને શંકાઓથી ગભરાવવુ ન જોઇએ, ઇમામે ઝમાના(અ.સ.) પર ભરોસો રાખવો જોઇએ અને તેઓની પવિત્ર બારગાહમાં ખુલુસ્તા પૂર્વક જવાબ માટે ભલામણ કરવી જોઇએ અને પોતાના કાર્યો અને કથનો પર, હાલ-ચાલ અને બેઠક પર ઇમામે ઝમાના(અ.સ.)ને હાઝીર અને જોનાર જાણવા જોઇએ.
—૦૦૦—
Comments (0)