ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ
ઝુહુરના સમયમાં અંબિયા(અ.મુ.સ.)ના અદ્લનો પ્રકાશ
સામાજિક જીંદગી માટે વ્યવસ્થા અને કાનૂન એ મહત્વની માંગ છે પરંતુ કાયદો અને વ્યવસ્થા આવી જવાથી આ તકાઝા પુરા નથી થતા. ફક્ત નિયમો બનાવીને સામાજિક અને વ્યક્તિગત જીવનને સુખી નથી બનાવી શકાતું. ખુશહાલ અને સંતોષજનક સામાજિક જીવન એ સમયે હાંસિલ થઇ શકે છે જ્યારે અદ્લ અને ઇન્સાફ પર આધારિત સામાજિક જીંદગી સ્થાપિત થાય અને ઇન્સાફ પૂર્વકની સામાજિક જીંદગી એ સમયે હાંસિલ થશે જ્યારે સમાજના કાનૂન અને વ્યવસ્થા પણ અદ્લ અને ઇન્સાફ પર સ્થાપિત હોય. ખુદાવંદે આલમે પોતાના રહેમો કરમની બુનિયાદ પર તમામ ઇન્સાનોને બેહતર અને ખુશબખ્ત જીંદગી વીતાવવા માટેની તમામ શક્યતાઓ ઉપલબ્ધ કરી છે પરંતુ ઘણા બધા ઇન્સાનો અલ્લાહની નેઅમતોનો શુક્ર અદા નથી કરતા અને પરિણામે ખુદાવંદે આલમના ગઝબનો શિકાર બને છે. ઇલાહી રેહબરી અને હિદાયત, ઇન્સાફ પૂર્વક વ્યવસ્થા અને કાનૂનો, ખુદાવંદે આલમની ઇન્સાનના માટે ખૂબ જ મહત્વની નેઅમતો હતી જે નાકદરીના લીધે પ્રત્યક્ષ રીતે આ શક્યતાઓથી હિદાયત અને રેહબરી હાંસિલ કરવાથી મેહરૂમ થઇ ગયા.
ઇન્સાન પોતાની તમામ ક્ષમતાઓ અને કુદરત અને તાકતનો ઉપયોગ કર્યા પછી આ પરિણામ પર પહોંચ્યો કે બેહતર અને ખુશીથી ભરપૂર જીંદગી એક-બીજાની સાથે સહકાર અને સુમેળમાં છુપાયેલી છે, જેને એક બેહતરીન સામાજિક જીંદગીનું નામ પણ આપી શકાય છે. પરંતુ સામાજિક જીવનની ઘણી બધી જરૂરીયાતો છે જેમાં સૌથી મહત્વની બાબત વ્યવસ્થા અને કાનૂન છે. કાનૂન અને વ્યવસ્થા વગર સામાજિક જીંદગી ન ફક્ત ઇન્સાની સમાજના મકસદો અને હેતુઓને પુરા નથી કરતી બલ્કે ઇન્સાનની હયાત અને બકાને ખતરામાં નાખી દે છે. હવે અહીંથી એક બહુ જ મૂળભૂત સવાલ પૈદા થાય છે અને વાત આગળ વધે છે. જ્યારે વ્યવસ્થા અને કાનૂનની જરૂરત છે તો આ વ્યવસ્થા અને કાનૂનનું માપદંડ શું છે? કાનૂન બનાવવાવાળાની સામે ક્યા ક્યા હેતુઓ અને મકસદો છે? કાનૂન સ્થાપિત કરવાવાળા કોણ છે?? આ ટૂંકા લખાણમાં વિષયના તમામ પાસાઓને ઘેરીને વિગતવાર ચર્ચા તો નથી કરી શક્તા પરંતુ ખુલાસા તરીકે અરજ કરીએ કે ઇન્સાની સમાજને તેની હાલની પરિસ્થિતિ અને વ્યવસ્થા અને કાનૂનને ધ્યાનમાં રાખીને તેને ત્રણ પ્રકારના દ્રષ્ટિકોણથી રજુ કરી શકીએ છીએ.
(૧) એક એ સમાજ જે સેરાતે મુસ્તકીમની ધરી પર ફરી રહ્યો છે. આ સમાજ ઇલાહી કાનૂન, ઇલાહી મકસદો અને ખુદાઇ રેહબરી અને પ્રતિનિધિત્વથી ફાયદામંદ થાય છે. જેની નજરમાં જીંદગીની શરૂઆત અને અંત પણ ખુદાએ તઆલા જ છે. અંબિયાએ કેરામ, ઇલાહી અવ્લીયાની તબ્લીગ અને હિદાયતનું તમામ બળ ઇન્સાની સમાજને સિરાતે મુસ્તકીમ પર કાએમ કરવું છે. આથી કહી શકીએ છીએ હઝરત ઇમામ મહદી(અ.સ.)ની હુકુમત હકીકતમાં અંબિયાએ ઇલાહીની રિસાલતનો સિલસિલો છે. જેમાં અદ્લ અને ઇન્સાફ પોતાના સંપૂર્ણ મરતબા પર નજર આવશે અને કોઇ પણ પ્રકારના ઝુલ્મો સિતમનું નામો નિશાન નહી હોય. હકીકતમાં અદ્લ ફક્ત આ રીતે તસવ્વુર થઇ શકે.
(૨) બીજો એ સમાજ છે જે ઇલાહી હેતુઓ અને મકસદોની વિરૂદ્ધ ચાલી રહ્યો છે. જે પ્રકારના લોકો ઇલાહી અંબિયા અને પરવરદિગારના પ્રતિનિધિઓની વિરૂદ્ધતા કરતા કરતા જંગ અને લડાઇ, કત્લો ગારત અને દરેક પ્રકારના ઝુલ્મો જોરનું પ્રદર્શન કરી રહ્યા હતા અને આજે પણ એવા લોકો જે ઝુલ્મો સિતમને પોતાના નાપાક ઇરાદાઓ માટે માધ્યમ બનાવેલા છે, આવા જ લોકો ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુરના બાદ આપના અદ્લો ઇન્સાફની વ્યવસ્થાની વિરૂદ્ધતા કરતા કરતા જંગ કરવા માટે તૈયાર થશે. આ એ લોકો છે જેમને ખુદાવંદે આલમે કુર્આનમાં ‘મગ્ઝુબીન’ ના નામથી યાદ કર્યા છે.
(૩) ત્રીજો એ સમાજ છે જે દરેક પ્રકારના અખ્લાક અને ચારિત્ર્યથી અલગ ગુમરાહી અને અંધકારમાં જીંદગી વીતાવે છે. ઇન્સાની અને દીની સંસ્કૃત્તિ અને તેહઝીબથી દૂર ઘટાટોપ અંધકારમાં જીંદગી ગુજારે છે. આ લોકો હિદાયતના કાબીલ તો છે પરંતુ તેમની જેહાલત અને નાદાનીના લીધે અદ્લ અને ઇન્સાફના માર્ગમાં કદમ ઉપાડવામાં અવરોધ રૂપ છે. કુર્આને આવા લોકોને ‘ઝાલ્લીન’ના ગિરોહમાં ગણાવ્યા છે.
આજે જે કાંઇ દુનિયામાં થઇ રહ્યુ છે તે જુદા જુદા દ્રષ્ટિકોણથી અદ્લ અને ઇન્સાફના ઉસુલ અને કાનૂનથી ટક્કર અને સંઘર્ષ છે. આજે દુનિયા એ લોકોના ઇખ્તીયારમાં છે જેમની કોશિશ દુનિયાની તમામ દૌલત અને કુદરત અને તાકત અને સત્તા પર એકલા વર્ચસ્વ પૈદા કરવુ છે અને અન્ય લોકોને તેનાથી વંચિત કરવુ છે. ભલે પછી આ માર્ગમાં ઝુલ્મો સિતમ અને નાઇન્સાફીના બેહતરીન હથિયારોનો ઉપયોગ કરવો કેમ ન પડે. આજની દુનિયામાં આઝાદી, સેક્યુલરીઝમ (બિન સાંપ્રદાયિક્તા), શહેરી હક્કોનો બચાવ, આતંકવાદની સામે આલમી જંગ, એટમી હથિયારોનો ફેલાવો ન થાય તેવી પોલીસીઓ, વૈશ્ર્વિક સુકુન અને શાંતિ સ્થાપિત કરવાનો ઢંઢેરો. આ બધુ વૈશ્ર્વિક ઝાલિમોના કુત્રિમ અને મક્રો ફરેબના નારા છે જેથી પોતાના નાપાક ઇરાદાઓ અને ઝુલ્મો પર પર્દો નાખી શકે. આ રીતે આપણે કુર્આની દ્રષ્ટિકોણથી આ વાત કહેવામાં હક્ક પર છીએ કે આજ દુનિયાની હુકુમતો ‘મગ્ઝુબીન’ સમૂહના હાથોમાં છે. ‘સિરાતે મુસ્તકીમ’ સમૂહ ઓછી સંખ્યામાં અને આજીઝ અને અશક્તિની હાલતમાં પસાર થઇ રહી છે અને ‘ઝાલ્લીન’ સમૂહ પણ ‘મગ્ઝુબીન’ના હાથોમાં વગર કારણે કૈદી છે.
હકીકતમાં દુનિયાવાળાઓ પાસે કોઇ એવી સંપૂર્ણ અને વૈશ્ર્વિક વ્યવસ્થા જ નથી જેમાં ઇન્સાનીય્યતના તમામ વર્ગો ત્યાં સુધી કે જાનવરોના હક્કો અને તેમની સામાજિક અને વ્યક્તિગત જીંદગીને સાંકળી લેતા હોય જેમાં દરેકની આઝાદી અને હક્કોનો ખ્યાલ કરીને અદ્લો ઇન્સાફની બુનિયાદ પર કાનૂન બનાવવામાં આવ્યો હોય.
હકીકતમાં હુકુમતનો મકસદ જ એ હોય છે કે તે અદ્લો ઇન્સાફની બુનિયાદ પર સમાજના તમામ વર્ગોને તેના હક્કો આપીને તેને સંપૂર્ણતા તરફ લઇને ચાલે અને કોઇ પણ પ્રકારનો સંઘર્ષ અને ટક્કર ન થાય આથી હુકુમતના બે પાસાઓ હોય છે: (૧) ભૌતિક (૨) રૂહાની
(૧) ભૌતિક પાસુ :
જેમાં દુન્યવી, આર્થિક, જીવન નિર્વાહને લગતુ, શાંતિ અને સલામતનીનું રક્ષણ, સુખ સગવડતાની ઉપલબ્ધતા.
(૨) રૂહાની પાસુ :
હુકુમતના સમયગાળાનું આ એ મહત્વનું પાસુ છે જેના થકી ભૌતિક હેતુઓને પણ બળ મળે છે અને હુકુમતનો હેતુ પૂરો થાય છે. કુર્આન અને રિવાયતોના દ્રષ્ટિકોણથી ઇમામ મહદી(અ.સ.)ની વૈશ્ર્વિક અને ઇસ્લામી હુકુમતની જે ખાસિયત અને જે હેતુઓ બયાન કરવામાં આવ્યા છે તેના તરફ ટૂંકાણમાં એક ઇશારો કરીએ છીએ.
(અ) તમામ ઇન્સાનોની અલ્લાહના એક દીન તરફ હિદાયત અને માર્ગદર્શન કરવું:
આના વિશે ઘણી બધી આયતો મળી આવે છે.
(૧) અલીફ લામ રા. કેતાબુન્ અન્ઝલ્નાહો એલય્ક લે તુખ્રેજન્નાસ મેનઝ્ ઝોલોમાતે એલન્ નૂરે બે ઇઝ્ને રબ્બેહીમ્ એલા સેરાતીલ્ અઝીઝીલ્ હમીદ
(સુરે ઇબ્રાહીમ, આયત:૧)
(૨) અલ્લાહો વલીય્યુલ્ લઝીન આમનૂ યુખ્રેજોહુમ્ મેનઝ્ઝોલોમાતે એલન્નૂર
(સુરે બકરહ, આયત:૨૫૭)
(૩) અલ્લઝીન ઇન્ મક્કન્નાહુમ્ ફિલ્ અર્ઝે અકામુસ્સલાત વ આતવુઝ્ ઝકાત વ અમરૂ બીલ્ મઅ્રૂફે વ નહવ્ અનીલ્ મુન્કર
(સુરે હજ, આયત:૪૧)
‘મક્કન્નાહુમ્ ફીલ્ અર્ઝ’ની તાબીર જમીન પર મોઅમીનોને તાકત અને કુદરત અતા કરવા તરફ ઇશારો કરી રહી છે, જેમાં અલ્લાહ પર ઇમાન રાખવાવાળાઓના થકી ઝમીન પર અદ્લની હુકુમત સ્થાપિત કરવા તરફ ઇશારો છે.
(૫) વઅદલ્લાહુલ્લઝીન આમનૂ મિન્કુમ્ વ અમેલુસ્ સાલેહાતે લ યસ્તખ્લેફન્નહુમ્ ફીલ્ અર્ઝે કમસ્ તખ્લફલ્ લઝીન મિન્ કબ્લેહીમ્. વ લ યોમક્કેનન્ન લહુમ્ દીનહોમુલ્ લઝીર્તઝા લહુમ્ વ લ યોબદ્દેલન્નહુમ્ મિમ્ બઅ્દે ખવ્ફેહીમ્ અમ્ના. યઅ્બોદુનની લા યુશ્રેકુન બી શય્આ. વ મન્ કફર બઅ્દ ઝાલેક ફ ઓલાએક હોમુલ્ ફાસેકુન
(સુરે નૂર, આયત:પપ)
આયતે કરીમામાં ચાર મકસદો તરફ ઇશારો છે: (૧) વૈશ્ર્વિક હુકુમત (૨) શીઆ ઇસ્લામી હુકુમત (૩) શાંતિ અને ન્યાયની સ્થાપના (૪) જમીન પર શીર્કનો ખાતેમો
જેમકે રસુલે અકરમ(સ.અ.વ.) ફરમાવે છે:
“ખુદાની કસમ અગર દુનિયાની ઉમ્ર માંથી ફક્ત એક દિવસ બાકી બચશે તો ખુદાવંદે આલમ એ દિવસને એટલો બધો લાંબો કરી દેશે કે મારો ફરઝંદ મહદી(અ.સ.) જાહેર થશે. દુનિયાને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે ઝુલ્મો જૌરથી ભરેલી હશે. તેમની હુકુમત પૂર્વ અને પશ્ર્ચિમમાં સ્થાપિત થશે
હોવલ્લઝી અર્સલ રસુલહુ બીલ્ હોદા વ દીનીલ્ હક્કે લે યુઝ્હેરહુ અલદ્ દીને કુલ્લેહી વ લવ કરેહલ્ મુશ્રેકુન
જેમકે ઇમામ બાકિર(અ.સ.)એ ફરમાવ્યુ:
“ખુદાવંદે આલમ હઝરત મહદી(અ.સ.) વડે પોતાના દીનને તમામ દીનો પર ગાલિબ કરશે. ભલે પછી આ વાત મુશ્રીકોને નાપસંદ કેમ ન હોય
(બેહારૂલ અન્વાર, ભાગ:૫૨, પાના:૧૯૧)
(બ) એહકામે ઇલાહી ખાસ કરીને અદ્લની સ્થાપના:
આ બારામાં કુર્આનની ઘણી બધી આયતો માર્ગદર્શન કરે છે.
(૧) લકદ્ અર્સલ્ના રોસોલના બીલ્ બય્યેનાતે વ અન્ઝલ્ના મઅહોમુલ્ કેતાબ વલ્ મિઝાન લે યકુમન્નાસો બીલ્ કિસ્તે
“ચોક્કસ અમે પોતાના નબીઓને સ્પષ્ટ નિશાનીઓ અને મોઅજીઝાઓ દઇને મોકલ્યા અને તેમની સાથે કિતાબ અને (ઇન્સાફનું) ત્રાજવુ નાઝિલ કર્યુ જેથી લોકો ઇન્સાફ પર કાયમ રહે
(સુરે હદીદ, આયત:૨૫)
(૨) કુલ્ અમર રબ્બી બીલ્ કિસ્તે
“અય પૈગમ્બર તમે કહી દો કે મારા પરવરદિગારે મને અદ્લ અને ઇન્સાફનો હુકમ કર્યો છે
(સુરે અઅરાફ, આયત:૨૯)
(૩) અલ્લઝીન યત્તબેઉનર્ રસુલન્ નબીય્યલ્ ઉમ્મેયલ્ લઝી યજેદુનહુ મક્તુબન્ ઇન્દહુમ્ ફીત્તવરાતે વલ્ ઇન્જીલે યઅ્મોરોહુમ્ બીલ્ મઅ્રૂફે વ યન્હાહુમ્ અનીલ્ મુન્કરે વ યોહીલ્લો લહોમુત્તય્યેબાતે વ યોહર્રેમો અલય્હેમુલ્ ખબાએસ વ યઝઓ અન્હુમ્ ઇસ્રહુમ્ વલ્ અગ્લાલલ્ લતી કાનત્ અલય્હીમ્ ફલ્લઝીન આમનૂ બેહી વ અઝ્ઝરૂહો વ નસરૂહો વત્તબઉન્નૂરલ્લઝી ઉન્ઝેલ મઅહુ ઓલાએક હોમુલ્ મુફલેહુન
“(એટલે કે) જે લોકો અમારા નબી ઉમ્મી પૈગમ્બરની સાથે સાથે ચાલે છે જેમની (ખુશખબરી)ને પોતાની તૌરેત અને ઇન્જીલમાં લખેલુ પામે છે. તે નબી જે નેક કામનો હુકમ આપે છે અને બુરા કામથી રોકે છે અને જે પાકો પાકીઝા ચીજોને તેના પર હલાલ અને નાપાક અને ગંદી ચીજો તેના પર હરામ કરી દે છે અને તે (સખ્ત એહકામનો) બોજ જે તેમની ગરદન પર હતો એ ફંદાઓ જે તેમના પર પડેલા હતા તેનાથી હટાવી દે છે. માટે યાદ રાખો કે જે લોકો એ (નબી મોહમ્મદ સ.અ.વ.) પર ઇમાન લાવ્યા અને તેમની ઇઝ્ઝત કરી અને તેમની મદદ કરી અને એ નૂર (કુર્આનની) પૈરવી કરી જે તેમની સાથે નાઝિલ થયુ છે તો આવા લોકો પોતાની દિલી મુરાદ હાંસિલ કરશે
(સુરે અઅરાફ, આયત:૧૫૭)
ઉપરોક્ત આયત આપણા મૂળભૂત વિષયને એકદમ સ્પષ્ટ શબ્દોમાં ટેકો આપે છે. જ્યારે આં હઝરત(સ.અ.વ.)નુ તમામ નેકીઓનો હુક્મ દેવો અને તમામ બુરાઇઓની મના કરવાની જવાબદારી ઠેરવવામાં આવી છે. તો જે તેમના બરહક ખલીફા અને હકીકી જાનશીનનો હકદાર અને પોતાના ઇસ્લામી નિઝામને આં હઝરત(સ.અ.વ.)ની વ્યવસ્થા સાથે સંબંધિત કરે છે તેની પણ આ જ જવાબદારી હશે અને લોકોની સૌથી મોટી ખિદમત જેહાલત અને ગુમરાહીની સાંકળોથી આઝાદ કરવા એ છે. દુનિયાની હુકુમતોમાં જે આજકાલ જુદી જુદી તાકતોની વચ્ચે સંઘર્ષ અને ટકરાવ જોવા મળે છે. દરેક કૌમ પોતાની ઉચ્ચતા અને નફો હાંસિલ કરવા માટે એક-બીજાથી હરિફાઇ અને ઝઘડાના સ્વરૂપ અપનાવે છે. આ વિરોધાભાસ ઇમામ મહદી(અ.સ.)ની વૈશ્ર્વિક હુકુમતમાં જોવા નહી મળે.
(ક) રૂહાની અને અખ્લાકી મૂલ્યોની સત્તા :
આજની દુનિયામાં અખ્લાકી ફસાદ અને તબાહીની કોઇ હદ નથી જેનાથી દુનિયાનો દરેક ઇન્સાન જાણકાર છે. અખ્લાકી મૂલ્યોના મહત્વનુ આજે કોઇ અવકાશ નથી પરંતુ હુકુમતોમાં ઇન્સાની અને અખ્લાકી મૂલ્યોની વિરૂદ્ધ કાનૂન બનાવવામાં આવે છે. હુકુમત, રાજકારણ અને અર્થશામાં અખ્લાક અને ચારિત્ર્યની કોઇ દખલગીરી જ નથી. ઇમામ મહદી(અ.સ.)ની વૈશ્ર્વિક હુકુમતમાં અખ્લાકી ફઝીલતો અને રૂહાની મૂલ્યોને પ્રચલિત અને દરેક પ્રકારની અખ્લાકી બુરાઇઓનો અટકાવ હશે.
ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:
“જ્યારે કાએમ(અ.સ.)નો ઝુહુર થશે તો તે સમયે લોકોમાં દોસ્તી અને મોહબ્બત અને એકતા હશે
(ઇખ્તેસાસ, પાના:૨૪)
(ડ) આર્થિક અદ્લો ઇન્સાફ :
જ્યારથી દુનિયા આબાદ થઇ છે અને ઇન્સાનીય્યતનું અસ્તિત્વ સ્થાપિત થયુ છે, તે સમયથી લઇને આજ સુધી દુનિયા આર્થિક રીતે અસંતુલન પર કાયમ છે. લાખો વર્ષોના જુદા જુદા ઉતાર ચઢાવમાં ક્યારેય પણ એવો સમય નથી આવ્યો, જ્યારે સંપૂર્ણ રીતે તમામ અસ્તિત્વ ધરાવનારને પોતાનો હક મળી ગયો હોય અને સુકુન અને શાંતિની જીંદગી વીતાવી હોય અને આ રીતે અલ્લાહ તઆલાનો વાયદો ‘લે યકુમન્નાસો બિલ્કીસ્ત’ (જેથી લોકો અદ્લ અને ઇન્સાફ માટે તૈયાર થાય) પૂરો થયો હોય અને હાલના સમયમાં જેટલુ આર્થિક અસંતુલન અને લોકોની વચ્ચે માનવ હક્કોની અસમાનતા પૂર્વક વહેંચણીનો બેશર્મીનો ખેલ જે રીતે રમવામાં આવી રહ્યો છે, તેવી રીતે ક્યારેય રમવામાં નથી આવ્યો. અમીરી અને ગરીબીની દરમીયાન જે અંતર આજે છે તેવું ક્યારેય ન હતુ. ગરીબી રેખાની નીચે જીવન ગુજારવાવાળાની સંખ્યા આટલી બધી ક્યારેય નથી રહી. ગરીબ અને મોહતાજ વર્ગ પોતાની જીંદગીને બાકી રાખવા માટે અને પોતાના હક્કો પાછા મેળવવા માટે જેટલી બેશરમી અને ઝિલ્લત તથા અપમાનનો સામનો કરવો પડે છે તે આજે કોઇ પણ શરીફ વ્યક્તિ અને ઇઝ્ઝતદાર ઇન્સાનથી છુપુ નથી. બસ એ સમજી લ્યો કે ઇન્સાની હક્કોની કમીટીના રીપોર્ટ પ્રમાણે એક તરફ ખોરાકની અછતના લીધે લોકો ભૂખે મરી રહ્યા છે અને બીજી તરફ દુનિયાના પૈસાદાર લોકો પોતાની મિલ્કતને સુરક્ષિત રાખવાની યોજનાઓમાં પરેશાન હાલ છે. ઇમામ મહદી(અ.સ.)ની વૈશ્ર્વિક હુકુમત ફક્ત વ્યક્તિગત અદ્લની બુનિયાદ પર સ્થાપિત નહી હોય પરંતુ આપની હુકુમત વ્યક્તિગત, રાજકીય, આર્થિક અને સામાજિક અદ્લો ઇન્સાફના માપદંડ પર કાયમ થશે. તમામ ઇસ્લામી રિવાયતોમાં આવ્યુ છે કે ઇમામ મહદી(અ.સ.)ની હુકુમતમાં ફકીરીનુ અસ્તિત્વ નહી હોય તેથી ન ફકીર હશે અને ન તો ગરીબ. આનુ કારણ એ છે કે દુનિયાની મિલ્કતો અને માલ લોકોની દરમિયાન સરખી રીતે વહેંચી દેવામાં આવશે.
અબુ સઇદ ખુદરી કહે છે પૈગમ્બરે ઇસ્લામ(સ.અ.વ.) એ ફરમાવ્યુ:
“હું તમને મહદી(અ.સ.)ની બશારત આપુ છું કે લોકોના મતભેદોના ફૈંસલા પર મારી ઉમ્મતમાં કયામ કરશે. ઝમીન અને આસમાનના રહેવાવાળા તેમનાથી રાજી અને ખુશ હશે. તે માલની લોકોની વચ્ચે સહીહ અને સરખી રીતે વહેંચણી કરશે
(બેહાર, ૫૧/૭૮)
બીજી હદીસમાં આવ્યુ છે:
“તે (ઇમામ મહદી અ.સ.) લોકોની વચ્ચે એવી રીતે સરખા પ્રમાણમાં માલ વહેંચશે કે કોઇ પણ મોહતાજ અને જરૂરતમંદ રહેશે નહી
(બેહાર, ૫૧/૮૮)
ઇલ્મી અને સાંસ્કૃતિક ઇન્સાફ :
આજની દુનિયાનું ઇલ્મ અને જ્ઞાન અસંખ્ય પાસાઓથી મર્યાદિત છે એ કહેવું અયોગ્ય નહી ગણાય કે દુનિયાના જ્ઞાનોમાં ફક્ત એક જ ઇલ્મ છે અને તે છે ભૌતિક એટલે કે દુનિયાના ઇલ્મ અને જ્ઞાનનું સંપૂર્ણ ધ્યાન ભૌતિકતાની શોધમાં છે અને તેને પોતાના ધ્યાનનું કેન્દ્ર બનાવ્યુ અને રૂહાની તથા ઇત્મીનાન અને દિલ અને દિમાગને સુકુન મળે તેવી બાબતોથી ગાફીલ છે. બીજી વાત એ છે કે ભૌતિક તકોની પ્રાપ્યતાનું ઇલ્મ અને જ્ઞાન પણ દુનિયાના તાકતવાળા અને પૈસાદાર લોકોની જાત પ્રત્યે મખ્સુસ છે, જેને સામાન્ય માણસોથી દૂર રાખવા માટે જુદા-જુદા કાનૂનો બનાવીને મક્ર અને ફરેબને જાહેર કરવામાં આવે છે. જ્યાં સુધી બીજી સૌથી પ્રગતિશીલ અને આધુનિક ટેકનોલોજી પોતાના ઇખ્તીયારમાં નથી આવી જતી ત્યાં સુધી એ બીજી પ્રગતિને આવકારનારાઓ અને ગરીબ દેશોમાં આ બધુ વહેંચવામાં નથી આવતુ. તે પણ જ્યારે એકદમ બેકાર અને હલકા થાય ત્યારે તે મોડેલને બીજાને આપે છે. પરંતુ ઇમામ મહદી(અ.સ.)ની હુકુમતમાં ઇન્સાનોની અક્લ સંપૂર્ણ થઇ જશે, ઇલ્મી તરક્કી કોઇની પણ અટકાયત અને મર્યાદા વગર તમામ ઇન્સાનોની પહોંચ સુધી હશે.
ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:
“જ્યારે અમારા કાએમ(અ.સ.)નો કયામ થશે, તો તેઓ ઇન્સાનોની અક્લી શક્તિઓને સંપૂર્ણતા અતા ફરમાવશે. ઇમામ મહદી(અ.સ.)ના સમયમાં આપણા સૌને ઇલ્મ અને હિકમત શીખવાડી દેવામાં આવશે. ત્યાં સુધી કે ઔરતો પોતાના ઘરોમાં ખુદાની કિતાબ અને સુન્નતે પૈગમ્બર (સ.અ.વ.) થકી ફૈંસલાઓ કરશે
(બેહાર, ભાગ:૧૦, પાના:૧૦૪)
આવી વૈશ્ર્વિક શીઆ હુકુમતમાં સામાન્ય લોકોની જીંદગી કેટલી ખુશહાલ અને આનંદ દાયક હશે.
ખુદાવંદે આલમ આપણને સૌને એ હુકુમતમાં જીંદગી વીતાવવાની અને હુકુમતના મામૂલી ગુલામોમાં શુમાર ફરમાવે. આમીન.
—૦૦૦—
Comments (0)