મક્કા અને મીનાના ફરઝંદ
મક્કા અને મીનાના ફરઝંદ
દમિશ્કની જામે-મસ્જીદના મિમ્બર પર બીમાર ઈમામ સૈયદે સજ્જાદ અ.સ.નું ઐતિહાસિક પ્રવચન: (ખુત્બો) જેણે ઉમવી સલતનતના પાયા હચમચાવ્યા
સાનીએ ઝેહરા (જ. ઝયનબ સ.અ.) નો યાદગાર ખુત્બો (જેને આપણે હમણાં જ જોયો તેણે) યઝીદ (લઅન)ને ફકત તેના દરબારમાં ઝલીલ અને બદનામ જ ન કરી નાખ્યો પરંતુ તેના સમાજની વિચાર શુન્યતા અને જડતાને તોડીને તેમની ભરઊંઘમાંથી તેમને ઝંઝેડીને બેઠા કરી દીધા. યઝીદ (લઅન)ને એ બાબતનો સંપૂર્ણ એહસાસ થઈ ગયો કે તેનો પ્રભાવ અને વિશ્વાસ તથા અસરકારકતા ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ છે. આથી છંછેડાઈને યઝીદ બિન મઆવિયા (લઅને) પોતાના વારસાગત વેર અને કિન્નાખોરીનું ઝેર હ. અલી અ.સ.ના પવિત્ર કુટુંબીઓ પર વધુ ઓકવાની નિય્યતથી હ. સય્યદે સજ્જાદ અ.સ.ને દમિશ્કની જુમ્આ મસ્જિદમાં બોલાવી મંગાવ્યા અને નફટાઈના નમુના જેવા સરકારી ભાષણકાર (ખતીબ) ને હુકમ કર્યો કે મિમ્બર પર જઈ હ. અલી અ.સ. અને તેમની ઔલાદ વિષે બુરૂં બોલે અને લઅનત મલામત કરે.
હવે સ્પષ્ટ છે કે દમિશ્કની જામેઅ મસ્જિદ કોઈ યઝીદ (લઅન) નો દરબાર તો હતો નહીં, કે જ્યાં ફકત જી હજુરિયા અને ચાંપલુસિયા દરબારીઓ અને કહેવાતા અશ્રફો અને અમલદારોની જ પહોંચરસદ હોય. ત્યાં તો દરેક પ્રકારના ખાસો આમ (લોકો) એકઠા મળવાનું કેન્દ્રસ્થાન હતું. જ્યાં ઈસ્લામના વિવિધ વર્ગના લોકો કોઈ જાતની રોકટોક વગર એકત્રિત થતા કે જે વર્ગોથી જાહેર રીતે અને મૂળમાં સમાજનું ઘડતર થાય છે. હ. ઈ. હુસૈન અ.સ. ના મઅસુમ (પવિત્ર-બેગુનાહ) ફરઝંદે આ સોનેરી મૌકો હાથથી જવા ન દીધો, કારણ કે આજે એવો મૌકો હતો જેમાં યઝીદ (લઅન)ના પ્રભાવ, અસરકારકતા અને વિશ્વસનીયતાના મૂળમાં કારી ઘા કરી શકાતો હતો.
અંતરાત્માના વેપારી એવા નીચ અને હલકટ દરબારી ખતીબે (ભાષણકારે) અમીરૂલ મોઅમેનીન અ.સ. ના પવિત્ર અને નિર્દોષ કુટુંબીઓ પર લઅનત અને મેણા-ટોણાનો મારો ચલાવ્યો અને જે જે પ્રકારની ગુસ્તાખી બેઅદબી થઈ હતી તેમાં કોઈ કસર ન છોડી અને સાથે જ અબુ સુફયાન અને તેની નાપાક નસ્લ અને તેમની ખરાબ ખસલત અને તમામ કુટેવયુકત ઔલાદની પ્રશંસા અને વખાણના પુલો બાંધવા લાગ્યો.
આ જ એ મૌકો હતો જ્યારે સય્યદુશ્શોહદા (હ.) ના બહાદુર અને શૂરવીર પુત્ર અચાનક ઊભા થયા અને અત્યંત પ્રભાવશાળી અને રોબદાર અંદાઝમાં તેને ડાંટતા ફરમાવ્યું.
“બ્યલોક અય્યોહલ ખાતિબ ઈશ્તરય્ત મર્ઝાતલ મખલુકે બે સખતિલ્ખાલેકે ફતબવ્વઓ મકઅદક મેન્નાર.”
“અય ખતીબ! તારા હાલ પર સખ્ત અફસોસ છે કે તે મખ્લુકને (સર્જનને) ખુશ કરવા માટે થઈને ખાલિક (સર્જનહાર)ની નારાઝગી અને ગુસ્સો ખરીદી લીધો અને તારૂં ઠેકાણું (હવે) જહન્નમ છે.” પછી યઝીદ (લઅ) તરફ ફરી ફરમાવ્યું.
“અઝઝીન હત્તા અસ્અદ હાઝલ અઅવાદ ફલોકલ્લેમો બેકલેમાતિલ્લાહે ફી-હે-વલે-હા-ઓ લાઈલ જોલસાએ અજર.”
“અય યઝીદ (લઅન)! મને રજા આપ કે હું પણ આ લાકડીઓના તખ્ત પર જાઊં અને એવી વાતો કરૂં જે એક બાજુ તો અલ્લાહની ખુશ્નુદી અને મરઝી પ્રાપ્ત કરવાનું કારણ બને જ્યારે બીજી તરફ આ (હાઝેરીન) લોકો માટે (સઆદત) નેકી અને સવાબ (અજ) પ્રાપ્ત કરવાનું કારણ બને.”
હવે સ્પષ્ટ હતું કે યઝીદ (લઅન) આવા મોકે કોઈ (જાહેર પ્રવચનની) રજા આપવાની સ્થિતિમાં ન હતો અને ન ઈમામ અ.સ. ને આ માટેની રજા પણ દેવા ચાહતો હતો કેમ કે તે સારી રીતે જાણતો હતો કે આ મૌકે ઈમામ અ.સ. ને કંઇ કહેવાની રજા આપવાનો સીધો મતલબ હકીકતોને હાથે કરીને સામે લાવવાનો અને લોકોને સાચી વસ્તુસ્થિતિથી વાકેફ થઈ જવા દેવાનો હતો, જે એની નજરમાં હકુમત માટે કાતિલ વિષ અને તેની સત્તા અને અસર (પ્રભાવ) માટે હળાહળ ઝેર ઝમાન હતું. પરંતુ થાય શું?
ઈમામ અ.સ.ના આ રીતે પ્રવચનકાર (ખતીબ)ને ભરસભામાં ચાલુ ભાષણે રોકવાની અને યઝીદ (લઅન) પાસેથી પ્રવચનની રજા માગવાથી પૂરા મજમા (સમગ્ર સભા)નું લક્ષ્ય તેમની તરફ ખેંચાયું. આથી યઝીદ (લઅન)ના ના પાડવાથી ખુદ લોકોએ વાંધો ઉઠાવ્યો અને આ નવજવાન કૈદીની કૈફિયત (બયાન) સાંભળવા દેવા માગણી કરી. તેમણે કહ્યું, “અય અમીર! આખર એમાં નુકસાન શું છે? (આખર તો એ તારા કૈદી જ છે? તારૂં શું બગાડવાના છે?) એને રજા આપ કે જેથી તેની પણ વાતચીત કરવાના રંગઢંગ જોઈએ.”
જો કે યઝીદ (લઅન) એ ખૂબ ઈન્કાર અને વિરોધ કર્યો પરંતુ આમ લોકોના અત્યંત આગ્રહ અને દબાણ પાસે છેવટ તેણે નમતું જોખવું પડયું અને લાચારીએ રજા આપવી પડી. અલી અ.સ.નો શેર અને ફાતેમા ઝેહરા સ.અ.ના દિલબંદ અને વારિસે હુસૈન અ.સ. ઈ. ઝયનુલ આબેદીન અ.સ. હાથકડી, બેડી અને તૌક સંભાળતા અજબ શાન અને અંદાઝથી મિમ્બર પર તશ્રીફ લઈ ગયા અને ઈઝઝત અને જલાલના માલિક અને ખાલિક અલ્લાહની હબ્દોસના અને તારીફ બાદ આ મુજબ યાદગાર ઐતિહાસિક ખુત્બો આપ્યો:
“અય્યોહન્નાસ! ઓઅતીના સિત્તા વ ફુઝઝીલ્ના બે સબ્અ. ઓઅતીના લ્ઈલ્મ વલ્હીલ્મ, વસ્સમાહત, વલ્ફસાહત, વશ્શુજાઅત, વલ્મહબ્બત ફી કોલૂબિલ્મોઅમેનીન. વ ફુઝઝીલ્ના બેઅન્ન મિન્નન્નબીયુલ મુખ્તાર મોહમ્મદ સ.અ.વ. વ મિન્નાસ્સિદ્દીક, વ મિન્નાત્તય્યાર વ મિન્ના અસદુલ્લાહ, વ અસદો રસૂલેહ, વ મિન્ના સિબ્તા હાઝેહિલ ઉમ્મત, મન અરફની ફકદ અરકફની વમન્લમ યઅરેફની અમ્બઅ કહૂ બેહસબી વ નસબી.”
તરજુમો: “અય લોકો! અલ્લાહે અમોને છ ચીજો અતા ફરમાવી છે અને સાત ચીજો વડે ફઝીલત (શ્રેષ્ઠતા) અર્પણ કરી છે. જે છ ચીજો અતા ફરમાવી છે તે (૧) ઈલ્મ (જ્ઞાન) (૨) હિલ્મ (સહનશીલતા) (૩) અઝમત અને બુઝુર્ગી (૪) ફસાહત અને બલાગત (૫) શુજાઅત (બહાદુરી) અને ઉચ્ચતા વડે નવાજયા છે અને (૬) ઈમાનવાળા લોકોના દિલમાં અમારા માટે દોસ્તી અને મોહબ્બત પૈદા કરી છે અને જે સાત ફઝીલત અને શ્રેષ્ઠતા વડે અમોને ખાસ કર્યા છે તે (૧) નબી શ્રેષ્ઠ હ. મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. અમારામાંથી છે. (૨) સિદ્દિક (સૌથી વધુ સાચા) અને આ પયગમ્બર સ.અ.વ.નું સમર્થન કરનાર (એટલે હ. અલી અ.સ.) અમારામાંથી છે (૩) તૈયાર (એટલે અલ્લાહ તરફથી જેમને પાંખો આપવામાં આવી તે જ. જઅફરે તૈયાર) અમારામાંથી છે (૪) અલ્લાહના અને (૫) તેના રસુલ સ.અ.વ.ના અસદ (સિંહ) હ. અલી અ.સ. પણ અમારામાંથી છે (૬) અને (૭) આ ઉમ્મતના સિબ્ત હ. હસન અને હ. હુસૈન અ.સ. પણ અમારામાંથી છે. જે મને જાણે છે તે જાણે જ છે અને જે નથી જાણતા તેને હું આ રીતે મારા વંશ ખાનદાનનો પરિચય આપું છું.
“અય્યોહન્નાસ! અનબ્નો મક્કત વ મેના, અનબ્નો ઝમઝમ વ સફા, અનબ્નો મન અવ્હા એલય્હિલ જલીલો મા અવ્હા, અનબ્નો મોહમ્મદેનિલ મુસ્તફા સ.અ.વ. અનબ્નો અલીય્યીલમુર્તઝા અ.સ. અનબ્નો સાલેહલ્મુઅમેનીન વ વારેસ સિન્નબીય્યીન વ કામેએલ્મુલ્હેદીન અનબ્નો ફાતેમતઝઝહરા, અનબ્નો સય્યદતન્નીસાઅ, અનબ્નો ખદીજતલ કુબરા.”
તરજુમો: “હું મક્કા અને મિનાનો ફરઝંદ (સપુત) છું. હું ઝમઝમ અને સફાનો ફરઝંદ છું. હું એ હસ્તીનો ફરઝંદ છું જેના પર અલ્લાહે વહી નાઝિલ કરેલી. હું મોહમ્મદે મુસ્તફા સ.અ.વ.નો ફરઝંદ છું. હું અલીએ મુર્તઝા અ.સ. નો ફરઝંદ છું. હું મોમીનીને સાલેહ (સૌથી વધુ મોઅમીન)નો ફરઝંદ છું. હું અલ્લાહના નબીઓનો વારિસ છું. હું એનો ફરઝંદ છું જેણે મુલ્હિદ (નાસ્તિક યા મુશ્રીક)ને ઉખાડીને ફેંકી દીધા. હું પયગમ્બર સ.અ.વ.ની પુત્રી જ. ફાતેમા ઝહરા સ.અ.નો ફરઝંદ છું. હું તમામ ઔરતોની સરદારનો પુત્ર છું. હું જ. ખદીજએ કુબરા સ.અ. નો ફરઝંદ છું.”
આટલે સુધી આવતાં આવતાં સુધીમાં ઈમામ અ.સ. મે તમામ લોકો અને તેમની વિચારશકિતઓને પોતા અને પોતાનાકથન તરફ પુરી રીતે આકર્ષિત કરી લીધા અને આ રીતે હકુમતે શામનો એક મકસદ એટલે કે લોકો સુધી પોતાની સાચી ઓળખ ન પહોંચે અને અને લોકો અંધારામાં જ અથડાયા કરે એ હેતુને ધુળ ચાટતો કરી દીધો અને પછી (પોતાનો મકસદ અને ધ્યેય બર લાવવા યાને કે હ. ઈ. હુસૈન અ.સ.ની શહાદત અને તેમના પર થયેલ ઝુલ્મો, સિતમને જગ મશ્હુર કરવા અને તે રીતે લોકોના સુતેલા ઝમીરને ઢંઢોળવા માટે બરાબર મજલિસે અઝાએ હુસૈન અ.સ.ની જેમ ફઝાએલના બાબ પરથી મસાએબ પર આવતાં) લોકોને કરબલાના ખૂની દ્રષ્ટાંતનો ચીતાર આપવા આ રીતે ફરમાવવા લાગ્યા.
“અનબ્નુલ મકતૂલે ઝુલ્મા અનબ્નો લહુલ્મજઝ વર્રાસ મેનલ કફા. અનબ્નો અતશાને હના કઝા. અનબ્નો તરીહે કરબલા, અનબ્નો મસ્લૂબીલ્અમામત વર્રેદાઅ.
અનબ્નો મન બક અલય્હે મલાએકતી સ્સમાએ. અનબ્નો મન રઅસેહી અલફિસનાને યહદા. અનબ્નો મન હરમહૂ મેનલ એરાકે એલશ્શામ તુસ્બા.” (નાસેખુત્તવારીખ – હાલાતે સૈયદુશ્શોહદા ભાગ-૩ પુનર્મુદ્રણ)
તરજુમો: “હું એનો ફરઝંદ છું જેને ઝૌર-જુલ્મથી શહીદ કરવામાં આવ્યા. એનો ફરઝંદ છું જેનું માથું ગરદનની પાછળના ભાગેથી કાપીને જુદું કરવામાં આવ્યું છું. હું એનો ફરઝંદ છું જેને મરતા દમ સુધી પ્યાસા રાખવામાં આવ્યા. હું એનો ફરઝંદ છું જેને શહીદ કરવા પછી એમનું (મુબારક) શરીર ઝમીને કરબલા પર (કફન દફન વગર) એમને એમ છોડી દેવામાં આવ્યું. હું એનો ફરઝંદ છું જેનો લિબાસ લૂંટી લેવામાં આવ્યો. હું એ શહીદનો ફરઝંદ છું જેમના (મૌત) પર આસમાનના ફરિશ્તાઓએ રૂદન કર્યું. હું એનો ફરઝંદ છું જેમનું (કપાયેલું) સર નેઝાઓ પર બુલંદ કરવામાં આવ્યું. હું એનો ફરઝંદ છું કે જેમની ઔરતો અને બચ્ચાઓને કૈદી બનાવી ઈરાકથી શામ સુધી ફેરવવામાં આવ્યા.”
આ રીતે ઈમામ અ.સ. એ એવી સચોટ અને તાદ્રષ્ય રીતે યઝીદના ઝુલ્મો કરબલાથી લઈ અત્યાર સુધીના હાલ સાથે સિલસિલો એવી રીતે જોડી આપ્યો કે લોકોના માનસપટ પર યઝીદની નાપાક હુકુમતના શરમજનક અને ભયાનક અત્યાચારોનો સ્પષ્ટ ચીતાર ઊભરી આવ્યો અને આલે રસુલ સ.અ.વ. સાથે કેવો જંગલી અને અમાનુષી વર્તાવ કરવામાં આવ્યો હતો તે હરેક મન પર દીવા જેવું સાફ જાહેર થઇ ગયું.
આપનો આ ખુત્બો એટલો ગમઅંગેઝ અને દર્દભર્યો હતો કે સાંભળનારાઓના કાળજા કંપી ઉઠયા અંતરાત્માઓ ઉશ્કેરાઈ ગયા. અરે! શું વાત છે? નબીએ કરીમ સ.અ.વ. નદ્વ નવાસાને કત્લ કરી નાંખ્યા? અને શું આ તેમના એહલે હરમ છે જેમને તુર્કો દૈલમના ગુલામો અને કનીઝોની જેમ કૈદ કરીને ફેરવવામાં આવ્યા? અને આપણે એનોજ કલેમો પડીએ છીએ? શું આપણે અંતરાત્માહીન ઝીંદગી ગુજારવાની છે? તો પછી આપણી માન્યતાઓ અને અકીદા કે જેને આધારે આપણી નજાત થવાની છે તેનું શું? એજ લોકો જેના દિલમાં કાલ સુધી યઝીદ (લઅન) ની મોહબ્બત જોશ ખાતી હતી આજ એજ લોકોમાંથી કેટલાક નફરત, કેટલાક વિરોધ અને કેટલાક હીણપતમાં તણાવા લાગ્યા. દરબારમાં લોકોના કપાળો પર કરચલીઓ પડવા લાગી, ચહેરાઓ ઉપરથી નારાઝગી અને વિરોધના ભાવો જાહેર થવા લાગ્યા.
યઝીદ (લઅન) માઅવિયા (લઅન) નો બેટો ચેતી ગયો કે કંઇ એવું ન થાય કે આખો તખ્તો જ પલટાઈ જાય અને આખો બન્યો બનાવ્યો ખેલ ખતમ થઈ જાય. આમ વિચારી તેણે દુર નિગાહી વાપરી બાંગીને અઝાન આપવાનો હુકમ કર્યો (જેથી વાત અને ધ્યાન બીજા પાટે ચડી જાય) બીજી રીતે કહીએ તો લોકોની ધાર્મિક ભાવનાનો ગેરલાભ ઉઠાવાય અને ઈમામ અ.સ. ના જુસ્સાદાર ભાષણને અધવચ્ચેથી અટકાવાય.
બાંગીએ અઝાન શરૂ કરી, ઈમામ અ.સ. ખામોશ થઈ ગયા. જ્યારે બાંગી એ કહ્યું, “અલ્લાહો અકબર” તો આપે અલ્લાહની અઝમત અને કિબ્રીયાઈના વખાણ કર્યા. બાંગીએ કહ્યું, “અશ્હદો અલ્લાએલાહ ઈલ્લલ્લાહ” તો આપે પણ અલ્લાહની વહદાનીયત (એકેત્વ-અદ્રૈત)નો બલંદ આવાઝથી ઈકરાર કર્યો અને ગવાહી આપી પણ જેવું બાંગીએ પુકાર્યું કે “અશ્હદો અન્ન મોહમ્મદુર્રસુલુલ્લાહ” તો આપે યઝીદ (લઅન) તરફ ફરી બુલંદ આવાઝથી પુછયું અને એવા ઊંચા સાદે પુછયું કે બૈરા, બુઢા, બાળક, બધાએ સાંભળ્યું અને આખા હોલમાં આપની આવાઝ ગુંજી ઊઠી: અય મોઆવીયાના પુત્ર જરા એતો કહે કે આ મોહમ્મદ સ.અ.વ. કે જેની અઝમત મહાનતા અને બુઝુર્ગીનું ગુલદસ્તએ અઝાન પરથી આટલી ઊંચી આવાઝે એલાન આપવામાં આવે છે એ તારા નાના હતા કે મારા? જો તું એમ કહે કે એ તારા નાના હતા અને તું એમના પવિત્ર ખાનદાનમાંથી છે તો તું જુઠો છે અને અસત્ય કહે છે અને જો તું એમ કહેતો હો કે એ મારા નાના હતા તો પછી (સાથો, સાથ એનું કારણ પણ) જણાવી દે કે તેં એમની જ ઔલાદને શા માટે કત્લ કરી અને એમના કુટુંબીઓને કેમ કૈદ કર્યા છે?
યઝીદે (લઅન)નો એવી ગણત્રી રાખી હતી કે અઝાનની આડ લઈ લોકોને ઉશ્કેરાતા અટકાવી આપવા અને ઈમામ અ.સ.ની અને આપની વાતો તરફથી એમનું ધ્યાન હટાવી દેવું પણ ઈમામ અ.સ. એ પણ બરાબર મૌકો શોધ્યો હતો અને આપના અઝાન દરમ્યાનના શબ્દોએ પણ બરાબર નિશાન પાડયું હતું અને લોકોના દિમાગ પરથી અજ્ઞાનતા અંધકારના પરદા હટી ગયા હતા અને હરેકને હક વાત સમજાઈ ગઈ હતી કે યઝીદ (લઅન) જુઠો પ્રચાર કરે છે અને તેણે કોઈ બળવાખોરોને નહી પણ રસુલે અકરમ સ.અ.વ. ના પવિત્ર ખાનદાનને નિર્મમ રીતે રહૈસી નાખ્યું હતું અને અહીંથી જ લોકોના દિલમાં તેના માટે નફરત અને ધિક્કારની જવળાઓ ધધૂકવા લાગી અને આજ એ મૌકો હતો જેણે ઉમવી સલતનતની વિરૂધ્ધ બળવાનો મજબુત પાયો નાખ્યો.
Comments (0)