રોઝે આશુર ઈમામ હુસૈન અ.સ. ના ખુત્બાઓ
રોઝે આશુર ઈમામ હુસૈન અ.સ. ના ખુત્બાઓ
ઈમામ હુસૈન અ.સ.ના ખુત્બાઓ (પ્રવચનો) અને શબે આશુર તથા રોઝે આશુર આપે ઉચ્ચારેલ શબ્દોનું ખૂબ મહત્વ છે. આમ તો જો કે દરેક ઈમામ અ.સ.ની પુરી ઝીંદગી બેહતરીન નમુનએ અમલ (દ્રષ્ટાંત રૂપ) હોય છે અને તેમના દરેક કૌલ (વાકયો) પાણીદાર મોતી સમાન હોય છે, જેને કોઈ માણસ જો પોતાના દિલોદિમાગના દોરામાં પરોવી પોતાની વિચાર શકિતને તેના વડે શણગારે તો તેના જેવો કોઈ શ્રીમંત ન હોય! પછી તો એની દુનિયા અને આખેરત બંને એવા સુધરી જાય કે ન તેને દુનિયામાં કોઈ જાતનું દુ:ખ રહે ન તેને આખેરતમાં પસ્તાવું પડે. આજ કિંમતી મોતીઓમાંના કેટલાક આપની સેવામાં પ્રસ્તુત છે:
ઈ. હુસૈન અ.સ.ના પ્રવચનોને આપણે ૩ વિભાગમાં વહેંચી શકીએ (૧) આશુરાના દિવસે ઈમામ અ.સ.ની દોઆઓ અને મુનાજાતો (૨) વફાદાર સાથીઓ સાથે વાતચીત (૩) દુશ્મનના લશ્કરને બોધ-નસીહત તથા સાચો રાહ સ્વીકારવા આમંત્રણ.
જો કે ઈમામ અ.સ. મદીનાથી રવાનગીથી માંડીને આપના આખરી દમ સુધી પોતાના સગાવ્હાલાઓ તથા અસ્હાબો અન્સાર (તેમ જ દુશ્મનો) સાથે (પણ) વાતચીત અને વાઅઝ નસીહત (બોધ-શિખામણ) આપતાજ રહ્યા છે, પરંતુ આશુરાના દિવસે આપની ઝબાને મુબારકથી જે કલામ જારી થયા છે તેને ઈસ્લામી આલમ કદી ભુલાવી નહી શકે. નીચે તેમાંથી કેટલાક અગત્યના ઉપયોગી કલામો પેશ છે.
દુનિયા મોઅમિનને માટે કૈદખાનું છે:
ઈ. હુસૈન અ.સ. ફજરની નમાઝ પછી પોતાના અસ્હાબોને સંબોધીને અલ્લાહની હબ્દો-સના અને વખાણ બાદ ફરમાવ્યું: “ખુદાએ આ દિવસ (રોઝે આશુર) ને તમારા માટે અને મારા કત્લને માટે નક્કી કરી રાખ્યો છે. તમારે માટે જરૂરી છે કે ધીરજ અને સહનશીલતાથી કામ લો અને દુશ્મનો સાથે બરાબર જંગ કરો.
અય ઈઝઝતદાર અને માનવંત લોકોના સંતાનો! ધીરજ અને સહનશીલતાનો છેડો તમારા હાથમાંથી છૂટવા ન દેશો. મૌત એક પુલ સિવાય બીજું કંઈ જ નથી જે તમોને રંજો મુસીબત તકલીફો બલાની (સાંકડી) દુનિયામાંથી પસાર કરી વિશાળ અને વ્યાપક જન્નતની હંમેશા રહેનાર નેઅમતો સુધી પહોંચાડી આપે છે. એવું કોઈ હશે જે જેલમાંથી નીકળી મહેલમાં ન જવા ચાહે?! (જ્યારે તેથી વિરૂધ્ધ) એજ મૌત તમારા દુશ્મનો માટે એવી છે જાણે તેઓ મહેલમાંથી (ખેંચી) કાઢી કૈદખાનામાં લઈ જવામાં આવતા હોય!
એટલા જ માટે મારા વાલિદે બુઝુર્ગબવાર (હ. અલી અ.સ.) એ રસુલે ખુદા સ.અ.વ. થી હદીસ નકલ કરી છે, જેમાં આપ સ.અ.વ. ફરમાવે છે કે મોઅમિનને માટે આ દુનિયા કૈદખાનું છે જ્યારે કાફરને માટે આજ દુનિયા જન્નત (સમાન) છ અને મૌત એક એવો પુલ છે, જે મોઅમિનોને જન્નતમાં લઈ જશે અને કાફરોને જહન્નમમાં.
આ હતી રોઝે આશુર ઈમામ અ.સ. ની પોતાના અસ્હાબો સાથે વાતચીતની શરૂઆત. કેવા ખુશનસીબ હતા એ લોકો કે જેમણે પોતાના ઈમામે ઝમાના અ.સ. સાથે પુરી ધીરજ અને સહનશીલતા દાખવી અને લડતા લડતા ખુશીની સાથે રાહે ખુદામાં શહ્યાદતના જામ પીધા.
ઈમામ અ.સ. ની મહોબ્બત અને મહેરબાની:
જે વ્યકિતને અલ્લાહની તરફથી ઈમામ અને રેહબર બનાવવામાં આવે છે, તેમના અખ્લાક (ચારિત્ર્ય) તથા વ્યવહારમાંથી હંમેશા હર પળ મોહબ્બત, મહેરબાની, અને બક્ષીસના શ્રેષ્ઠ ગુણો તેની ચરમ સીમાએ પહોંચી ગયેલા જોવા મળતા હોય છે અને એટલા જ માટે તો ઈ. હુસૈન અ.સ. રોઝે આશુરા ખુદ પોતાના જ કાતિલો અને ખૂનના પ્યાસાઓને જન્નતનું આમંત્રણ આપી રહ્યા હતા. ઈ. હુસૈન અ.સ. આશુરાની સવારે દુશ્મન (ઉમરે સાદ) ના લશ્કરને સંબોધન કરતાં પોતાના પહેલાજ ખુત્બામાં ફરમાવ્યું:
“અય લોકો! મારી વાતો સાંભળો! યુદ્ઘ તથા રકતપાત માટે જલ્દી ન કરો જેથી કરીને હું તમને બોધ શિખામણ આપું અને મારી હુજ્જત (ફરજ) પૂરી કરૂં અને (જંગની) જવાબદારી (મારે માથે લેવામાંથી) મુકત થાઉ. સૌ પ્રથમ તો હું આ મૌકે મારા સફર કરવાનું પ્રયોજન અને હેતુ જણાવી દઉં. જો તમોએ મારી વાત ધ્યાનથી સાંભળી, તે પર વિચાર કર્યો અને તેને કબુલ કરી ઈન્સાફ કર્યો તો ખાત્રીપૂર્વક તમને છુટકારો મળી ગયો (સમજો કારણકે) પછી તો તમોને મારી સાથે જંગ કરવા માટે કોઈ કારણ જ બાકી નહી રહે. અને જો તમે મારી (આ) વાતો કબુલ ન કરી અને ઈન્સાફથી કામ ન લીધું તો પછી તમો (ભલે) બધા એકઠા મળી તમારા ગલત અને ખોટા ઈરાદાઓ બર લાવવા કાર્ય કરો અને મને જરાય મોહલત ઈરાદાઓ બર લાવવા કાર્ય કરો અને મને જરાય મોહલત ન દેશો પણ આ વાત હંમેશા યાદ રાખજો અને આ વાત તમારાથી છાની ન રહેવી જોઈએ કે મારો દોસ્ત અને મદદગાર અલ્લાહ છે.”
ઈમામ અ.સ. ની અવાઝ ખૈમાઓમાં સૈદાની (સૈયદ સ્ત્રીઓ) સુધી પહોંચી રહી હતી. આ કલામો સાંભળી કેટલીક ઔરતોએ રોવાનું શરૂ કર્યું. તો ઈમામ અ.સ. એ હ. અબ્બાસ અને હ. અલી અકબરને હુકમ આપ્યો કે ખૈમામાં જઈ તેમને ખામોશ કરે અને ત્યાર પછી હઝરતે ફરમાવ્યું:
“અય લોકો! આખેરતને માટે કંઇ ભાતું એકઠું કરો અને આખેરત માટે શ્રેષ્ઠ ભાતુ પરહેઝગારી અને અલ્લાહનો ડર છે. અલ્લાહે દુનિયાને ફના થઈ જનારી બનાવી છે. એ માનવી ઘમંડી, અહંકારી અને ધોકામાં રહેનાર છે જે દુનિયાથી ફરેબ ખાઈ જાય એટલે તેને કાયમ બાકી રહનેાર માની તેના માટે હાય વોય કરી ખુબ સમેટી લેવા (ભેગું કરી લેવા) પ્રયત્નશીલ રહે. અને બદકિસ્મત છે એ ઈન્સાન જે એની પાસે પોતાના ઘરેણા (ગીરવે) મુકી દે અને તેના પર લટ્ટુ થઈ જાય. જેણે દુનિયા (મેળવવા)ની તમન્ના કરી તે નિરાશ થયા. જુઓ, અલ્લાહનો વાયદો છે કે તેનો કોપ તમારા પર જરૂર ઉતરી રહેશે. કેટલો દયાળું છે આપણો પરવરદિગાર અને તમે તમારી જાતે જ જુઓ કે (એની સામે) તમે કેવા ખરાબ છો કે અલ્લાહ અને તેના રસુલ સ.અ.વ. પર ઈમાન લાવવા પછી પણ તેમની જ એહલેબૈત અ.સ.ને કતલ કરવાને માટે એકઠા થયા છો. તમારા પર શયતાનનો કબ્જો થઈ ચુકયો છે જેણે તમારા દિલોમાંથી ખુદાની યાદને ઉખાડીને ફેંકી દીધી છે. અલ્લાહ તમને નષ્ટ કરે. અમે તો અલ્લાહના માટે જ (પૈદા થયા) છીએ અને તેની જ તરફ પાછળ ફરવાનું છે” પછી આપે ફરમાવ્યું:
“હાઓલાએ કવ્મુન કહરૂ બઅદ ઈમાને હિમ રૂબોઅદન લીલ કવ્મીઝઝાલેમીન) આ એ લોકો છે જેઓ ઈમાન લઈ આવ્યા પછી ફરી કુફ્ર કર્યુ તો (આવી) ઝુલ્મગાર કૌમ અલ્લાહ (ની રહેમત) થી દુર છે. (“મકતલે ખ્વારઝમી” ૧/૨૫૩)
ખરેખર એ લોકો ઝાલિમ અને સિતમગાર છે કે જેઓ પોતાના ઝમાનાના ઈમામની વાતને ઠોકર મારે છે અને બેશક એહલેબૈતના દુશ્મનો પર અને જે લોકો શયતાનના ભડકાવવાથી એહલેબૈતના દુશ્મનોથી દોસ્તી વ્યકત કરે છે તેમના પર અલ્લાહનો કોપ અને અઝાબ ઉતરે છે.
બની ઉમૈયાનું ઝેર ઓકવું
મોઆવિયા (લઅ) ના ઝમાનાથી જ શામમાં એવો પ્રચાર થઈ રહ્યો હતો કે શામના લોકોને એહલેબૈતની અઝમત અને ફઝીલત વિષે સાચી વાતોની ખબર ન હતી. યઝીદ (લઅન) જ્યારે ગાદી પર બેઠો અને હ. ઈ. હુસૈન અ.સ. ની પાસે બયઅતની માંગણી કરી અને હઝરતે ઈન્કાર કર્યો તો યઝીદના પ્રચારકોએ એવો પ્રચાર શરૂ કર્યો કે હ. ઈ. હુસૈન અ.સ. ને કત્લ કરવા (શરીઅતની દ્રષ્ટિએ) વાજીબ ઠરે છે!
(હઝાર હઝાર) અફસોસ કે આજ (આટલા સૈકાઓ પછી) પણ લોકો હકને બાતિલ અને અસત્યને સત્ય સાબિત કરવા હકીકતો પર પરદા નાખી રહ્યા છે અને પોતાની હઠધર્મીનો ખુલ્લમ ખુલ્લો પરિચય આપી રહ્યા છે.
ઈમામ અ.સ. આ બધી વાતોથી વાકેફ હતા અને એટલે જ એમના દિમાગો પરથી એ છાપ ભુંસવા માટે ફરમાવ્યું: “લોકો! બતાવો, હું કોણ છું? પછી તમારી જાતને જ જુઓ અને તમારી જાતેજ તમને ઠપકો આપો (કે આ તમે શું કરવા ઊભા થયા છો?) શું મને કત્લ કરવો તમારા માટે જાએઝ છે? શું હું તમારા નબી સ.અ.વ.ની પુત્રીનો પુત્ર નથી? શું હું અલ્લાહના વસીનો ફરઝંદ નથી?” અને આવી જ રીતે ઈમામ અ.સ. મે જ. હમ્ઝા અને હ. જઅફરે તૈયાર અ.સ. સાથેનું પોતાનું સગપણ પણ સમજાવ્યું અને પછી પૂછયું “શું પયગમ્બર સ.અ.વ. એ આ નથી ફરમાવ્યું કે હ. હસન અ.સ. અને હ. હુસૈન અ.સ. જન્નતના જવાનોના સરદાર છે? જો મારી વાતનો ભરોસો ન પડતો હોય તો રસુલ સ.અ.વ. ના સહાબીઓ જાબિર ઈબ્ને અબ્દુલ્લાહે અન્સારી, ઝૈદ બિન અરકમ અને અનસ બિન માલિકને પૂછી લો.” (આ અસ્હાબો એ વખતે જીવંત હતા.)
પરંતુ જેની અક્કલની આંખો જ અંધ (કે બંધ) હોય તેને (ગમે એવડો મોટો પહાડ પણ) કયાંથી દેખાય? (જો કે આવા આંધળા લોકો હરેક ઝમાનામાં મળી આવે છે)
ઉપરની બાબતો ઈમામ અ.સ. ના આશુરાના દિવસના પહેલા ખુત્બાનો સાર છે, જેનો વળી ટુંકસાર કેટલીક લાઈનોમાં નીચે મુજબ જણાવીએ છીએ. (૧) કલામની શરૂઆતમાં ઈમામ અ.સ. એ અલ્લાહની હમ્દો સનાની પછી એહલે કુફાને તેમની દુનિયાપરસ્તી અને (તેના પરિણામ સ્વરૂપ આવનારી) બદબખ્તી અને બદકિસ્મતીથી આગાહ (જાણીતા) કર્યા અને તેમને યુદ્ઘ કરતા અટકાવવાની (દરેક શકય) કોશિષ કરી છે અને આ દુનિયાની અસ્થાયીતા તરફ ઈશારો કરી દરેક વ્યકિતને મૌતના પાલવમાં અવશ્ય પડવાનું છે તે સ્પષ્ટ કર્યુ છે.
(૨) ઈમામ અ.સ. ની આ બધી બાબતોથી જરા પણ પ્રભાવિત થયા વિના જ્યારે જંગની તૈયારી કરવા લાગ્યા તો (બીજા પ્રયાસ તરીકે) આપે તેમને પોતાની અઝમત (ફઝીલત) અને જ. પયગમ્બર સ.અ.વ. તથા હ. અલી અ.સ. સાથેનો પોતાનો સંબંધ સ્પષ્ટ કર્યો કે જેથી કદાચ એ લોકો પર કોઈ અસર થાય.
હ. ઈમામ હુસૈન અ.સ. નું બીજું સંબોધન
ખ્વારઝમીએ લખ્યું છે કે જ્યારે ઈમામ અ.સ. ની આ બધી કોશિષો છતાં જ્યારે યુદ્ઘ નિવારણની કોઈ આશા જ ન રહી અને લગભગ જંગ છેડાવાની તૈયારી જ હતી અને બંને ફૌજના સૈનિકો યુદ્ઘ (શરૂ કરવાના) હુકમનીજ રાહ જોઈ રહ્યા હતા, અને ઉમર સાદનો ઝંડો હવામાં લહેરાઈ રહ્યો હતો અને ચારે તરફ લશ્કરી બ્યુગલ અને નગારાની આવાઝો આવી રહી હતી અને દુશ્મનોએ હુસૈની સૈન્ય અને ખૈમાને ઘેરી લીધું હતું, એવા મૌકે હ. ઈ. હુસૈન અ.સ. પોતાના ખૈમા (તંબુ) માંથી નીકળી દુશ્મન સૈન્યની પહેલી હરોળ સુધી પહોંચી તેઓને ખામોશ થઈ જવા ફરમાવ્યું તો પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહી અને શોરો-ગુલ એમજ જારી રાખ્યો ત્યારે આપે ફરમાવ્યું: “વાય થાય તમારી પર, અફસોસ છે તમારા હાલ પર! કેમ મારી વાત સાંભળતા નથી? કે જેથી તમારી કિસ્મત પલ્ટાઈ જાય અને તમે સત્પંથ પામેલા થઇ જાવ. સાંભળો સંદેશ મારો. જેણે મારૂં અનુસરણ કર્યુ તે ખુશનસીબ છે તેના મુકદ્દર બની જશે અને જે મારી વિરૂધ્ધતા કરશે તે (આજે ભલે જીવતો રહે પણ કયામતમાં) હલાક (અને બરબાદ) થશે. તમે બધા ગુનેહગારો અને બળવાખોર છો. કારણ કે તમે મારા હુકમનો (હિદાયતનો) વિરોધ કરી રહ્યા છો અને મારી વાતોને તરછોડી રહ્યા છો. બેશક, જે હરામ (શરીઅત દ્વારા પ્રતિબંધીત ઠરાવાયેલ) માલ તમારા (પેટ) સુધી પહોંચી ગયો તેનોજ આ કુપ્રભાવ છે કે ખુદાએ તમારા દિલો પર સિલ મારી દીધું છે જેથી તમે વિચાર શકિત ચલાવી સત્ય સુધી પહોંચવાનો વિચારજ નથી કરતા) ખુદા તમારા પર લઅનત કરે.
શું તમો ખામોશ નહી રહો?”
હ. ઈ. હુસૈન અ.સ. ની વાતો આટલે સુધી પહોંચી હતી ત્યાં ઉમર સાદના લશ્કરમાં ચણભણ થવા લાગી અને એક બીજાને કહેવા લાગ્યા કે તમે ચુપ કેમ નથી રહેતા? (છેવટે) લોકો શાંત થયા એટલે ઈમામ અ.સ. મે ફરી પોતાની વાત શરૂ કરી.
અય લોકો! તમારી બદનામી અને નામોશી થાય! તમે ખૂબ ચાહના સાથે મને મદદ માટે લખ્યું અને જ્યારે હું તમારી વાતો પર “હાજર છું” કહેતો નીકળી પડયો તો તમે અત્યારે હવે મારા પર નાગી તલવારો તાણી તૂટી પડવા તૈયાર થઈ ગયા છો. જ્યારે કે તમારે કરવું તો એ જોઈતું હતું કે આજ તલવારો તમે મારી મદદ માટે ઉઠાવતે અને આ ન્યાય અને ઈન્સાફના દુશ્મનો સાથે લડાઈ કરતે. તમારા આ હાકેમો અને સરદારો તમારૂ કંઈ ભલું કરી દેવાના નથી સિવાય કે તમને થોડા હરામના કોળિયા અને દુનિયામાં તમારા માટે થોડા એશ આરામની વ્યવસ્થા કરી આપે.
તમે તમારી આંખોને લોભ અને લાલચને કારણે સદાને માટે બંધ કરી દીધી છે. અફસોસ છે તમારા (હાલ) પર કે તમે મને તરછોડી દીધો અને મારી મદદથી મોઢું મરડી લીધું. તમે શયતાની વિચારોથી કામ લો છો. તમે ઝઘડાખોર અને અલ્લાહની કિતાબમાં ફેરફાર કરી નાખનાર છો (એટલે કે તેના હુકમોના તમારી મરજી મુજબ અર્થઘટન કરો છો) અને તમે અલ્લાહ અને તેના નબીઓની સુન્નતોને ખતમ કરી નાખવા ચાહો છો. પયગમ્બરની અવલાદને કત્લ કરવાવાળા છો અને વસીઓના વંશને ખત્મ કરવા ચાહો છો. તમે તમારા પોતાના વંશમાં હરામની ઔલાદો પૈદા કરનારા છો. તમે મોઅમીનોની મઝાક ઉડાવવાવાળા છો અને કુરઆનનું અપમાન કરવાવાળાઓમાં તમારી ગણતરી થાશે.
ખાત્રીથી જાણજો કે ઈમામ (અ.સ.) ની વાતો સાંભળનાર અને તેના પર અમલ કરનારને જ મુકિત મળશે અને જે તેમના કૌલ અને ફેઅલ (વાણી અને વર્તન) મુજબ અમલ ન કરે તે દુનિયા અને આખેરતમાં હલાક થયો (સમજો) અને એ પણ ખાત્રીથી જાણી લેજો કે એ પણ એટલું જ સાચું છે કે જે નજીસ અને હરામના કોળિયા ખાય તેના પર ઈમામની વાતોની કોઈ અસર થતી નથી. તમારા માટે હજી પણ તક છે કે હરામ હલાલ અને પાક-નજીસમાં ભેદ પાડશો તો હજી પણ તમારા પર ઈમામની વાતોની અસર થવાની આશા છે.
બદદોઆ
ઈમામ હુસૈન (અ.સ.) એ દુશ્મનોને હકીકતોનું ભાન કરાવવાની વધુ કોશિષ કરતાં ફરમાવ્યું: “ખુદાની લઅનત થાય એ વાયદો તોડનારા જેણે પાકું વચન આપ્યા પછી પણ તેથી વિરૂધ્ધ કર્યુ અને તમે તો (વળી અલ્લાહને હાજર નાજર જાણીને વાયદો કરેલો. ખુદાની કસમ તમોએ એ વાયદો તોડી નાખ્યો અને અલ્લાહના સૌગંદ, આ જંગની પછી તમોને જરાય મોહલત નહી મળે અને તમારી કોઈ જ ઈચ્છાઓ ફળશે નહી અને દુનિયાભરની દુર્ઘટનાઓ તમને ઘેરી વળશે.
પછી ઈમામ (અ.સ.) એ પોતાના હાથો આસમાન તરફ ઉંચા કરી ઉમરે સાદના લશ્કરને લઅનત કરતાં આ રીતે ફરમાવ્યું:
“અય ખુદાવંદે વરસાદના ટીપાઓને (એમનાથી રોકી લે અને સખ્તી અને સંકટના એવા દિવસો જેવા કે હઝરત યુસુફ (અ.સ.) ના માનામાં હતા તેવા તેમના પર નાખ અને તેમના પર સકફી ગુલામને હાકિમ (રાજ્યકર્તા બનાવ) જેથી ઝુલ્મ કોને કહેવાય તે તેઓ જાત અનુભવથી જાણે અને ઈતિહાસ સાક્ષી છે કે હજ્જાજ બિન યુસુફ કે જે સકફી હતો તે આગળ જતા તેમનો ખલીફા થયેલો અને જેના ઝુલ્મોનો માનો ગવાહ છે કે બધા ત્રાસી ઉઠેલા.
ઈમામ હુસૈન (અ.સ.) એ જે નફરીન લઅનત અને બદદોઆઓ કરી હતી. એમાંથી કેટલીક તો તરત જ કબુલ થઈ હતી. આપની સમક્ષ એમની નફરીન અને લઅનત જે આપે અલ્લાહના દુશ્મનો ઉપર કરી હતી, પ્રસ્તુત કરીએ છીએ.
ખુદાએ સરીઅલ – એજાબહ
(બહુ જ જલ્દીથી દોઆઓને કબુલ કરનાર ખુદા)
ઈતિહાસકારો લખે છે કે આશુરાને દિવસે જ્યારે ઈમામ (અ.સ.) એ લોકોને રાહે-રાસ્ત (સીધા અને સાચા રસ્તા પર આવવાની હિદાયત કરી ઉપદેશ આપ્યો ત્યારે દુશ્મનના લશ્કરમાંથી ત્રણ જણાએ ઈમામની શાનમાં ગુસ્તાખી કરી – એમની શાનમાં ન છાજતા વેણ કહ્યા. એમની ઉપદેશની વાતોને ઠોકરે મારી અને ઈમામની મશ્કરી કરી. એ જ વખતે ઈમામ (અ.સ.) બદ-દોઆ કરી અને અલ્લાહે એ તરત જ કબુલ કરી.
(૧ ખ્વારઝમી નકલ કરે છે: “જ્યારે ઈમામ (અ.સ.) એ જોયું કે આ લોકો લડાઈ કર્યા વગર નહી રહે, ત્યારે આકાશ તરફ બન્ને હાથને ઉંચા કરી આ પ્રમાણે કહ્યું: “અલ્લાહુમ્મ ઈન્ના અહલો-બૈત નબીય્યેક… “ખુદાયા, અમે તમારા પયગમ્બરના અહલેબૈત છીએ! બારે ઈલાહા! જેણે અમારા પર ઝુલ્મ કરી અમારા હક્કને ગસબ કર્યા, (પચાવી પાડયા) એમને ઝલીલ અને અપમાનિત કર. તું દોઆઓનો સાંભળવાવાળો છે અને બંદાઓથી બહુ જ નજદીક છે.”
મોહમ્મદ બીન અશઅશ, જે યઝીદી લશ્કરમાં પહેલી લાઈનમાં ઉભો હતો, જ્યારે ઈમામ (અ.સ.)ની બદદોઆને સાંભળી તો આગળ આવ્યો અને બોલ્યો: (અય હુસૈન (અ.સ.) તમારી અને મોહમ્મદ (સ.અ.વ.)ની વચ્ચે શું સગપણ છે?
ઈમામ (અ.સ.) એ જ્યારે અને સરાસર ઈન્કાર કરતા જોયો, તો ફરમાવ્યું: બારે ઈલાહા! હમણાં જ એને ઝલીલ – અપમાનિત કર જેથી હું જોઈ શકું.
જેમ એક મશ્હુર પંકિત છે: “આહ જબ દિલસે નીકલતી હય, અસર રખતી હય”. એવી મહેરબાન, નિર્બળ, મુસીબત ઉઠાવીને જે માનસિક રીતે ભાંગી પડયા હતા એમની દોઆ તરત જ બારગાહે ઈલાહીમાં કબુલ થઈ ગઈ. ઈતિહાસકારો લખે છે કે મોહમ્મદ બીન અશઅશ એ જ વખતે કુદરતી હાજતે જવા માટે થોડેક દુર જઈ બેઠો અને એક કાળા વિંછીએ ડંખ માર્યો. તરત તે મરી ગયો.
(૨) “બીલાઝરી” અને “ઈબ્ને અસીર” લખે છે કે અબ્દુલ્લાહ બીન હવ્ઝા તમીમી નામના એક શખ્સે, ઈમામે હુસૈન (અ.સ.)ના ખૈમા (તંબુ) પાસે આવી, મોટેથી હુસૈન (અ.સ.)ના સહાબીઓને પૂછવા લાગ્યો: “અફીકુમ હુસૈન?” શું તમારી સાથે હુસૈન છે? કોઈએ જવાબ ન આપ્યો. એણે બીજી વાર પૂછયું, પણ જવાબ ન મળ્યો. જ્યારે ત્રીજી વાર પૂછયું તો ઈમામના એક સહાબીએ કહ્યું: “હાઝલ-હુસૈનો – ફમા તોરીદો ફીહે?” આ હુસૈન છે. તું શું ઈચ્છે છે? (તારો શો ઈરાદો છે?”)
અબ્દુલ્લાહ બીન હવ્ઝાએ જવાબ આપ્યો: “અબશીર બીન્નાર” – તમને જહન્નમની બશારત થાય. ઈમામે એને જવાબમાં કહ્યું: તું જુઠ્ઠો છે, કેમ કે હું (અત્યંત) મહેરબાન અને દયાળુ અને શફાઅત (ભલામણ)ને કબુલ કરનાર અલ્લાહની હુઝુરમાં જઈ રહ્યો છું જેની હું તાબેદારી (પણ) કરૂ છું. પરંતુ તું કોણ છે (એ તો કહે)?” તેણે કહ્યું, “હું હવ્ઝાનો પુત્ર છું.”
ઈમામ (અ.સ.) એ દોઆ માટે હાથ બુલંદ કર્યા અને કહ્યું, “અલ્લાહુમ્મ હુઝ હો એલન્નાર” યાને “અય ખુદાવંદા! આને જહન્નમ ભેગો કર!” ઈબ્ને હવ્ઝાને ઈમામ (અ.સ.)ની આ બદદોઆ સાંભળી ખુબ ગુસ્સો આવ્યો અને (એજ) ગુસ્સાની હાલતમાં પોતાના ઘોડાને ચાબુક ફટકાર્યો.
આથી ઘોડો બેકાબુ થઈ ગયો અને એક તરફ ખુબ ઝડપથી ભાગ્યો. આ (એકાએક ઝડપ)થી ઈબ્ને જવ્ઝા એક ખાડામાં પડયો પરંતુ તેનો એક પગ ઘોડાના પેંગડામાં ભરાયેલો રહી ગયો. ઘોડો તેને લઈને (ઘસડતો) ચારે તરફ દોડવા લાગ્યો. છેવટે એક ખાઈમાં આગ સળગતી હતી ત્યાં લાવીને તેને ફેંકી દીધો. ઈબ્ને હવ્ઝા (આમેય તે) અધુમઓ (તો) થઈ જ ગયો હતો આગમાં પડતાં જ પુરો પતી ગયો. બેશક આવા માણસો જહન્નમમાં આગના અઝાબને પાત્ર તો હોય જ છે પણ દુનિયામાં એનો નમુનો ચાખતા જાય છે. આ દોઆ કબુલ થતાજ ઈમામ (અ.સ.) શુક્રનો સજદો બજાવી લાવ્યા. (હવાલો: “અન્સાબુલ અશરાફ” ૩/૧૯૧ “સુખનાન” હુસૈન બિન અલી અઝ-મોહમ્મદ. સાદિક પેજ ૨૪૮)
(૩) “અન્સા બુલ અશ્રાફ” ૩/૧૮૧ માં બિલાઝરીએ લખ્યું છે કે અબ્દુલ્લાહ બિન હસીન અઝદીએ બુલંદ અવાઝથી કહ્યું: “અય હુસૈન (અ.સ.) તમે આ ફુરાતના પાણીને જોઈ રહ્યા છો? (પરંતુ) અમો તમને (તેમાંથી) એક ટીપું પણ નહી આપીએ ત્યાં સુધી કે તમે તરસ્યા મરી જાવ.”
આ સાંભળી ઈમામ (અ.સ.) એ દોઆ ગુજારી “અલ્લાહુમ્મ કતુલ્હો અતશન વલા તગફીર લહુ” એટલે “અય ખુદાવંદા! આને તરસ્યોજ હલાક કરી નાખજે અને તેને (કદી) માફ ન કરજે” બિલાઝરી લખે છે કે જેવી રીતે ઈમામ (અ.સ.) એ દોઆ કરી હતી તેજ રીતે આશુરા પછી કેટલાક દિવસો બાદ તરસની અતિશયતાને કારણે મરણ પામ્યો. ગમે તેટલું પાણી પીતો પણ તેની તરસ છીપાતીજ નહીં. આખરે એજ હાલતમાં મરણ પામ્યો.
બેશક, ઈમામ (અ.સ.)ની શાનમાં ગુસ્તાખી કરનારનો આવો જ અંત આવે છે. કહે છે (ને) કે અલ્લાહને ત્યાં (મસ્લેહત મુજબ કદાચ) દેર થતી હશે પણ ત્યાં અંધેર તો નથી જ નથી. આજે જેઓ અઝાદારીને બિદઅત (ધર્મમાં મનમાન્યો વધારો) કહે છે અને ઈમામ હુસૈન (અ.સ.) નો ગમ મનાવનારાને ગુમરાહ અને ઈમામ હુસૈન (અ.સ.) ના જેહાદને (નરી) ભુલ ગણાવે છે અને યઝીદ (લઅ.)ની સાથે દિલના કોઈપણ ખુણામાં રજભાર પણ હમદર્દી રાખે છે, તેમણે ઈમામ (અ.સ.)ની લઅનત અને બદદોઆથી ડરવું જોઈએ કારણકે તેઓ (યઝીદના તરફદારો) આજ નહી તો કાલે અને કાલે નહી તો છેવટે કયામતના દિવસે જર (ઉંધે મોઢે) જહન્નમમાં ધકેલી દેવામાં આવશે.
ઉમર સા’દ સાથે વાતચીત
ઈમામ (અ.સ.) ને ઉમર સા’દ સાથે વાતચીત કરવા ચાહી તો પહેલા (તો) તે આવ્યો નહીં, પણ છેવટે આવ્યો તો હ. ઈ. હુસૈન (અ.સ.) એ છેલ્લી વાર તેને દલીલનું સમાપન કરવા ખાતર યુધ્ધથી દુર રહેવા કહ્યું, “શું તું એમ સમજી રહ્યો છે કે મને કત્લ કરવા પછી તને રય શહેરની હુકુમત મળી જશે? ખુદાની કસમ, એ રિયાસત તને હરગિઝ નહી મળે (યાદ રાખજે) મારી પછી તને ન તો દુનિયામાં રાહત મળશે ન આખેરતમાં અને બંને દુનિયામાં તું અલ્લાહનો અઝાબ જોઈશ. એ દિવસ (બહુ) દુર નથી જ્યારે તારા કપાયેલા મસ્તકને કુફામાં લટકાવવામાં આવશે અને છોકરાઓ તેના અટકચાળા કરશે.”
આ સાંભળી ઉમર સા’દે મોઢું ફેરવી લીધું અને ગુસ્સામાં (ને ગુસ્સામાં) લશ્કરની હરોળમાં ખોવાઈ ગયો. ઈતિહાસ સાક્ષી છે કે ઉમર સા’દના એજ હાલ હવાલ થયા.
અમરુ બિન હુજ્જાજ અને ઈમામ (અ.સ.)
અમરુ બિન હુજ્જાજ લોકોને કહેતો કે “યુધ્ધ! યુધ્ધ કરો એની સાથે કે જે ધર્મથી રદબાતલ છે અને મુસલમાનોની જમાઅતથી અલગ.” તો ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:
“ખુદા તારા પર લઅનત કરે. તું લોકોને અમારી સાથે જંગ કરવા ઉશ્કેરી રહ્યો છે? અને (વળી) એમ કહે છે કે અમે અલ્લાહના ધર્મમાંથી નીકળી ગયા છીએ અને તું હક પર છો? અમારો આત્મા અલગ થયા પછી અવશ્ય તને એ સમજાઈ જશે કે હક પર કોણ છે? હા! આવા લોકોય (પડયા) છે જેઓ જાતે જુઠ પકડીને પડયા છે પણ હક ઉપર હોય તેઓને જુઠા જણાવે છે. આવા લોકોએ (તેમને) મૌત આવ્યા પહેલાં તોબા કરી લેવી જોઈએ (નહી તો તેમનો બહુ બુરો અંજામ છે)”
પોતાના વફાદાર સાથીઓ સાથે વાતચીત
ઈ. હુસૈન (અ.સ.) એ પોતાના સાથીઓ અને મદદગારોને (તેમના) જન્નતમાં જવાની ખુશ ખબર અને આખેરતમાં મુકિત પામવાની ખબર ઘણા લાગણી સભર શબ્દોમાં આપી છે. એહલેબૈત (અ.મુ.સ.) ના શીઆઓ અગર આ વાકયો પર વિચાર કરે તો ખાત્રીપૂર્વક એમના દિલ પરિવર્તિત થઈ જાય અને પોતાના ઈમામે ઝમાના (અ.સ.)ને મળવાની ઈચ્છા જરૂર જોર પકડે.
જન્નત અને દોઝખ (વચ્ચે)નું અંતર
જ્યારે ઉમરે સા’દના લશ્કરે યુધ્ધની શરૂઆત કરી અને હ. ઈ. હુસૈન (અ.સ.) ના લશ્કર પર તીરોનો વરસાદ વરસવા લાગ્યો, તો ઈમામ (અ.સ.) એ પોતાના સાથીઓને ફરમાવ્યું: “ઉભા થઈ જાવ અય ઈઝઝતવાળા લોકો! અલ્લાહની કસમ એ લોકો (સામાવાળા) માટે જન્નત અને દોઝખ વચ્ચેનો ગાળો (અંતર) મૌત સિવાય બીજો જરાય નથી. એજ મૌત આ અંતરને પુરી દેશે એજ મૌત તમો (સૌ)ને જન્નતમાં લઈ જશે અને તમારા દુશ્મનોને જહન્નમમાં બેશક ઝમાનાના ઈમામની મઅરેફત (સાચી ઓળખ) અને તેમની સહાય અને મદદ જન્નતનો પરવાનો છે.”
ઈમામ (અ.સ.) ની મરજી અને ખુશી પ્રાપ્ત કરો
ઈમામ (અ.સ.) એજ લોકોથી રાજી અને પ્રસન્ન થાય છે કે જેમને ઈમાન અને પરહેઝગારીની સાથે (સાચા દિલપૂર્વક) હૃદયના ઉંડાણથી સાક્ષાત મોહબ્બત હોય અને દરેક વખતે ઈમામ (અ.સ.)ની મદદ માટે જાન હથેળીમાં રાખી તૈયાર (ઉભા) હોય. ઈમામના શીઆ અને દોસ્ત હોવાની કસોટી એજ છે જેમાં આ વાતો મળી આવે, ભલે પછી એ કાળો હોય કે ગોરો, પૂર્વવાસી હોય કે પશ્ર્વિમવાસી, અમીર હોય કે ગરીબ, નાનો હોય કે મોટો, આકા હોય કે ગુલામ, શેખ હોય કે સૈયદ (પણ) એજ સાચો શીઆ અને એહલેબૈતનો દોસ્ત અને મોહિબ યાને ચાહવાવાળો છે – હુસૈની પાઠશાળામાં દરેક પ્રકારના પાઠ (શીખવા) મળે છે – નજર દોડાવો.
ઈમામ હુસૈન (અ.સ.) નો એક તુર્કી ગુલામ હતો જેનું નામ વાઝેદ હતું તેનો અંતકાળ હતો. ઈમામ (અ.સ.) એ એના માથાને ચુંબન કર્યુ અને પોતાના હાથો તેના ગળામાં નાખી દીધા અને પછી પોતાનું મોઢું મુબારક તેના મોઢા પર રાખ્યું. ઈમામ (અ.સ.) ની આ મોહબ્બત અને મહેરબાનીએ વાઝેહને બેહદ ખુશ કરી દીધો અને તેણે ગૌરવ અનુભવતા કહ્યું કે, “મારા જેવું કોણ હશે કે જેના ચહેરા પર નબી (સ.અ.વ.ની પુત્રી) ના પુત્ર પોતાનો ચહેરો રાખે.” આમ કહેતાં જ તેના પ્રાણ પરવારી ગયા. કાશ કે અમોને પણ આવું સદભાગ્ય સાંપડે.
મુસ્લિમ ઈબ્ને અવસજાના આખરી વકતમાં ઈમામ (અ.સ.) એ આપને ફરમાવ્યું: “રહમકલ્લાહો યા મુસ્લિમ” એટલે અય મુસ્લિમ! અલ્લાહ તમારા પર રહેમત નાઝિલ ફરમાવે. અને પછી આપે આ આયત તિલાવત ફરમાવી (તરજુમો) તેમનામાંના કેટલાક લોકોએ પોતાના વાયદા પર અમલ કર્યો અને કેટલાક લોકો ઈન્તઝારમાં બેઠા છે તેમના વાયદામાં કોઈ ફર્ક પડનાર નથી.”
સઈદ બિન અબ્દુલ્લાહે હનફી નમાઝે ઝોહરને વખતે (જમાઅતની) સફોની આગળ ઉભા હતા. જેથી કરીને ઈમામ (અ.સ.) અને અન્ય લોકો નમાઝ પડી શકે અને જ્યારે તેઓ નમાઝ પડતા હોય ત્યારે દુશ્મનનું કોઈ તીર તેમના સુધી ન પહોંચે તીરોથી વીધાઈ ગયા બાદ જ્યારે ઝમીન ઉપર ઢળી પડયા અને ઈમામ (અ.સ.) એ નમાઝ પુરી કરી અને તેના માથા પાસે પહોંચ્યા, તો હ. સઈદે કહ્યું, “ખુદાયા આ (દુશ્મન) લોકો પર અઝાબ નાઝિલ કર જે રીતે કે તે આદ અને સમુદની કૌમ પર અઝાબ નાઝિલ કરેલો અને તારા રસુલ સ.અ.વ. ને મારા સલામ અને મારા પર પડેલી આ મુસીબતની તેમને ખબર કરી દે,” અને પછી આંખો ખોલીને ઈમામ (અ.સ.) ને અરજ કરી “અવફય્યો યબ્ન રસુલિલ્લાહ?” યાને “અય રસુલે ખુદા (સ.અ.વ.)ના ફરઝંદ! શું મેં મારી ફરજ (બરાબર) બજાવી?”
ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: “નઅમ, અન્ત ઈમામી ફિલ્જન્નત!” એટલે “હા, (તમે તમારી ફરજ બરાબર બજાવી) અને જન્નતમાં તમે અમારાથી આગળ આગળ જશો.”
હુર ઈબ્ને યઝીદ રિયાહી જ્યારે યઝીદના લશ્કરમાંથી નીકળી ઈમામ (અ.સ.)ની ખિદમતમાં હાજર થયા તો અરજ કરી: “અય મારા આકા અને મૌલા! હું આપની મદદ કરવા ચાહું છું અને આપની નજર સમક્ષ શહાદતનો જામ પીવા ચાહું છું. શું મારી તૌબા કબુલ થઈ ગઈ?
ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: “તમારી તૌબા કબુલ થઈ ગઈ અને અલ્લાહ તમારા ગુનાહોને માફ કરી આપશે.” (“કામિલ” ૩/૨૮૮)
કેવા જાંબાઝ હતા એ લોકો કે જેમણે ઈમામ (અ.સ.)ની ઈતાઅત કરતા કરતા ખુદાની રાહમાં પોતાની જાન કુરબાન કરી દીધી. (એટલું જ નહિ પણ) ત્યાં સુધીની ઈચ્છા વ્યકત કરી કે “જો હઝાર વખત પણ (અમોને) જીવતા કરવામાં આવે અને હઝાર વખત શહીદ કરવામાં આવીએ તો પણ (હર વખતે ઈમામ અ.સ. ના કદમોમાં જ અમારો જીવ નિછાવર કરતા રહીશું.” તેની સામે આપણે કેવા ગાફીલ અને બેદરકાર છીએ કે ઈમામે ઝમાના (અ.સ.) ની સાથે રહી જેહાદ કરવાની વાત તો બાજુ પર રહી. આપના (ઈમામે ઝમાન અ.સ.ના) ઝુહુર માટે કાયદેસર રીતે (જેવી કરવી જોઈએ તેવી) દોઆ પણ નથી કરી શકતા!! દુનિયાની રંગ-રેલિયોમાં કેવા ઘેરાઈ ગયા છીએ?!!
આ ઉપરાંત ઈમામ (અ.સ.) મે પોતાના અસ્હાબો જેવા કે હબીબ ઈબ્ને મઝાહિર (રઝ.) અમ્ સૈદાવી (રઝ.) જૌન (રઝ.) ઈબ્ને જનાદહ વિગેરે ને જે રીતે સંબોધ્યા છે, એ આપણે વખતો-વખત મજલીસે અઝામાં સાંભળતા આવ્યા છીએ ખાસ કરીને જનાબે અલી અકબર (અ.સ.) અને હ. અબ્બાસ (અ.સ.) સાથેની ઈમામ (અ.સ.)ની ગુફતેગો બહુજ પ્રચલિત છે, એટલા માટે અહિં ઝિક્ર નથી કરતા…. ઈન્શાઅલ્લાહ ફરી કોઈ વખત…. અગર તૌફીક નસીબ થઈ જાય તો આપની સમક્ષ હાજર થઈશું…
Comments (0)