હઝરત સાહેબઝઝમાન (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતી
(ઝીયારતના શરૂઆતના વાકયો માટે ગયા વર્ષનો અંક જુઓ)
(૬) “અસ્સલામો અલય્ક યા સફીનતન નજાતે
સલામ થાય આપ ઉપર અય નજાતની કશ્તી. અરબી સાહિત્યમાં “સફીનતન નજાત‘ મુનાદીએ મુરક્કબ છે તેથી સફીના મન્સૂબ છે અને નજાત મુઝાફુન એલય્હ છે. એટલે મજરૂર છે. આ વાકયમાં બે શબ્દો ઉપર ચર્ચા થશે. એક “સફીના‘ અને બીજુ “નજાત‘.
સફીનાનો અર્થ છે હોડી, વહાણ. આ શબ્દ “સફ્ન‘ થી બન્યો છે. જેનો અર્થ ખાલ ચામડી ઉતારવી અને કોઈ વસ્તુને ઉપરથી છીલવાનો છે. ફઝીલાના વજન પર તે ફાએલહના અર્થમાં છે. હોડી પાણીના સ્તરને ચીરતી જાય છે તેથી તેનું નામ સફીના થયું. આ કથન રાગીબે ઈસ્ફહાનીનું છે. આ “અકરબમાં પણ નકલ થયું છે. આ શબ્દ કુરઆને કરીમમાં ચાર વખત આવ્યો છે. નજાતનો અર્થ છે મુકિત અથવા કોઈ ચીજથી છુટકારો મેળવવો. આ શબ્દ કુરઆનમાં અફઆલે બાબે સોલાસી મુજર્રદ અને તફઈલમાં વપરાયો છે. શબ્દ નજાત ખુદ બાબે તફઈલનું મૂળ છે.
હવે જોઈએ સફીનતુન્નજાતનો શું અર્થ થાય:
(૧) અહલેબયત (અ.મુ.સ.) સફીનતુન્નજાત છે.
એક ખૂબજ મશહુર અને જાણીતી હદીસે નબવી (સ.અ.વ.) છે:
“મસલો એહલેબય્તી મસલો સફીનતે નૂહિન મન રકેબહા નજા વ મન તખલ્લફ અન્હા ગરક
“મારી અહલેબૈત (અ.મુ.સ.)નું ઉદાહરણ હઝરત નુહ(અ.સ.)ની કશ્તી જેવું છે. જેઓ તેની ઉપર સવાર થઈ ગયા, તેઓ નજાત (મુકિત) પામશે અને જેઓ તેનાથી મોઢું ફેરવશે તેઓ ડૂબી જશે.
આ હદીસની નોંધ બન્ને ફિરકાના આલીમોએ કરી છે અને તેની સચ્ચાઈ ઉપર એકમત છે. આ હદીસની નોંધ નીચે દર્શાવેલ એહલે સુન્નતના આલીમોએ તેઓની કિતાબોમાં કરી છે.
૧. શૈખુલ ઈસ્લામ અલ હમુવઈએ તેની કિતાબ ફરાએદુસ સીમતૈનમાં પહેલા પ્રકરણમાં
૨. ખતીબ ખ્વારઝમી: અલ મનાકીબ, પા. ૨૫૨
૩. હાકીમ નીશાપૂરી: મુસ્તદરકુલ સહીહૈન, ભા. ૩, પા. ૧૫૧
૪. ખતીબે બગદાદી: તારીખે બગદાદ, ભાગ. ૧૨, પા. ૯૧
૫. મોહિબ્બુદ્દિન તબરી: રીયાઝુન નઝરહ
ઈમામ શાફેઈએ રશ્ફતુસ્સાદીમાં પા. ૨૪ ઉપર થોડા શેર લખ્યા છે, જેનો અર્થ આ પ્રમાણે છે :
“જ્યારે મેં જોયું કે લોકો ગુમરાહી અને જહાલતના દરિયામાં ડૂબી રહ્યા છે, (ત્યારે) હું અલ્લાહનું નામ લઈને નજાતની કશ્તી ઉપર સવાર થઈ ગયો. જે એહલેબૈતે મુસ્તફા(સ.અ.વ.) ખાતેમુલ મુરસલીન છે.
જે વાંચકોને વિસ્તૃત જાણકારી મેળવવી હોય તેઓ “કીતાબુલ ગદીર‘, અલ્લામા અમીની(ર.અ.), અલ મોઇદ્, અલ્લામા નજમુદ્દીન અસ્કરી, એહકાકુલ હક શહીદે સાલીસ કાઝી નુરૂલ્લાહ શુસ્તરી, ભા. ૯, પા. ૨૭૦–૨૯૨ જુએ.
ઉપરોક્ત હદીસે નબવીથી સ્પષ્ટ છે કે અહલેબૈત (અ.મુ.સ.) એટલે પયગમ્બરના ૧૨ વારસદારો, બધાજ કશ્તીએ નજાત છે. જે લોકોએ તેઓનો પાલવ મજબૂતીથી પકડયો, તેઓ નજાત પામશે અને જે લોકોએ તેઓને છોડી દીધા, તેઓ ગુમરાહી, બળવો, અજ્ઞાનતા અને બેદીનીના તોફાની દરીયામાં ડુબીને હલાક થઇ જશે.
ઈબ્ને અબ્બાસ કહે છે કે જ્યારે અમે છેલ્લી હજથી પાછા ફર્યા તો રસુલે ખુદા(સ.અ.વ.)ની સાથે મસ્જીદે નબવીમાં બેઠા હતા ત્યારે આપે ફરમાવ્યું: “જાણી લો કે અલ્લાહ તઆલાએ દીનવાળાઓ ઉપર અહેસાન કર્યો અને મારા થકી તેઓની હિદાયત કરી અને મેં દીનવાળાઓ ઉપર અહેસાન કર્યો, જ્યારે મેં તેઓને અલી બીન અબુ તાલીબ(અ.સ.)ની તરફ હિદાયત કરી અને માર્ગદર્શન આપ્યું. તે અલી(અ.સ.) કે જે મારા કાકાના દિકરા ભાઈ છે અને મારા વંશજોના પિતા છે. જાણી લો કે જે લોકોએ તેમનું અનુસરણ કર્યુ તેઓ નજાત મેળવશે અને જે લોકોએ તેમનાથી મોઢું ફેરવી લીધું. તેઓ ગુમરાહ થઇ જશે અને ભટકી જશે.
(કિતાબુલ ફઝાએલ, કિતાબુલ રવઝા, પા. ૧૪૬–૧૪૭)
(૨) નજાતની કશ્તી ઉપર સવાર થવાનો અર્થ શું છે?
આ સવાલનો જવાબ પણ આપણે ખુદ “મદીનતુલ ઈલ્મ‘ હઝરત ખાતેમુન્નબીય્યીન(સ.અ.વ.) પાસેથી જ માંગીએ: આપે ફરમાવ્યું :
“મન અહબ્બ અન યરકબ સફીનતન નજાતે . . . ફલ્યોવાલે અલીય્યન બઅદી વલ યોઆદે અદુવ્વહૂ વલ યઅ્તમ્મ બિલ હોદાતે મિન વુલ્દેહી
અર્થાત “જેઓ નજાતની કશ્તી ઉપર સવાર થવાનું પસંદ કરે છે તેઓ મારા પછી અલી (અ.સ.)ની વિલાયત અને સરપરસ્તીને સ્વીકારે અને તેમના દુશ્મનોથી અદાવત રાખે અને તેમના પછી તેમના વંશમાંથી જેટલા હાદી અને માર્ગદર્શકો આવે તેઓનું અનુસરણ કરે.
(ઓયુને અખ્બારે રેઝા, શયખ સદુક અ.ર., પા. ૧૬૧)
ઉપરોક્ત દર્શાવેલ હદીસથી સ્પષ્ટ છે કે નજાતની કશ્તી ઉપર સવાર થવાનો અર્થ છે : (૧) મૌલાએ કાએનાત અને અહલેબૈત (અ.મુ.સ.)ના બાકીના ઈમામોની વિલાયત અને સરપરસ્તી કબુલ કરવી. (૨) તેમના દુશ્મનોથી દુશ્મની અને અદાવત રાખવી. (૩) ઈમામોના દર્શાવેલા માર્ગ પર ચાલવાની કોશીષ કરવી એટલે કે તેમને અનુસરવું. (૪) ખુદાએ અઝઝ વ જલ્લએ બતાવેલા હુકમો અને કાનુનોનું પાબંદ થવું. એ કઈ રીતે શકય છે કે ઈન્સાન અહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બતનો દાવો કરે અને અમલના મૈદાનમાં તેઓના દુશ્મનોનું અનુસરણ કરે ?
વાંચકોને વિનંતી છે કે હઝરત નુહ(અ.સ.)ની દાસ્તાન ઉપર ચિંતન અને મનન કરે. તેનો અભ્યાસ કરે. જેથી તેઓ
માટે એ વાત સ્પષ્ટ થઇ જાય કે જે કંઇ હઝરત નુહ(અ.સ.)ની કૌમમાં થયું એ જ બાબતનું અહીં હુબહુ પુનરાવર્તન થયું અને થઇ રહ્યું છે.
બીજી મહત્વની વાત એ છે કે આપણે આપણા આઅમાલ અને ચારિત્ર્યને સારી રીતે તપાસીએ કે શું તે નબી અને આલે નબી(સ.અ.વ.)ના જીવન ચરિત્ર મુજબ છે કે નહિં? આપણે નજાતની કશ્તી ઉપર સવાર થયા છીએ કે નહિ એ ચકાસવા માટે આ માપદંડ પૂરતો છે.
(૭) અસ્સલામો અલય્ક યા અય્નલ હયાત
સલામ થાય આપ ઉપર અય જીવનનું ઝરણુ
“અય્ન‘ નો અર્થ છે આંખ અથવા ઝરણું. રાગીબ ઈસ્ફહાનીની “અલ મુફરદાત‘ મુજબ “અય્ન‘ નો અર્થ આંખ છે અને ચશ્મ સંયોજન રૂપે ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં “અય્ન‘ને ઝરણું એટલા માટે કહે છે કે જેવી રીતે આંખોમાંથી આંસુ વહે છે તેવીજ રીતે ઝરણામાંથી પાણી ફૂટીને બહાર વહે છે. અર્થાત અહિં “અય્ન‘ શબ્દનો ઉપયોગ ઝરણાના અર્થમાં કરવામાં આવ્યો છે.
હયાતનો અર્થ છે ઝીંદગી. અરબી ભાષામાં “નજાત‘ની જેમ “હયાત‘ પણ બાબે તફઈલનું મસ્દર છે. અય્ની જીવન અતા કરવું. વાસ્તવિક જીવનને અરબીમાં હયવાન કહે છે. જેમકે કુરઆને કરીમમાં ઇરશાદ થાય છે:
“વ ઇન્નદ્દારલ આખેરત લહેયલ હયવાનો
“અને યકીનન આખેરતનું ઘર એજ સાચી ઝીંદગી છે.
(સુરા અન્કબુત, આ. ૬૪)
પરંતુ વારંવાર ઉપયોગ થવાના કારણે “હયાત‘ પણ ઝીંદગીના અર્થમાં જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ખૈર મૂળ મકસદ તરફ પાછા ફરીએ.
અલ્લામા શયખ મોહમ્મદ બાકીર મજલીસી અ.ર. કહે છે: ઈન્સાનની હયાત અને ઝીંદગીના બે પાસાઓ છે: (૧) હયાતે બદની જે જીવનની રૂહના કારણે છે અને (૨) હયાતે અબદી જેનો આધાર ઈમાન, ઈલ્મ અને રૂહાની ખૂબીઓ ઉપર છે અને જે આખેરતની ખુશનસીબીનું કારણ છે. તેથી ખુદાએ તેની પવિત્ર કિતાબમાં કાફીરોને મુરદાર, જે જીવન વગરના છે, તેમ કહીને સંબોધન કર્યુ છે. જ્યારે તે મોઅમીનો કે જે આ નાશવંત દુનિયામાંથી જાહેરી રીતે મૃત્યુ પામ્યા છે, પરંતુ દુનિયાની ઝીંદગીમાં ઈમાનની સંપૂર્ણતાના દરજ્જા ઉપર હતા, તેઓને જીવતા ગણવામાં આવ્યા છે. જેમ કે ઇરશાદ થાય છે :
“વલા તહસબન્નલ્લઝીન કોતેલૂ ફી સબીલીલ્લાહે અમવાતન, બલ અહ્યાઉન ઇન્દ રબ્બેહીમ યુરઝકૂન
“જે લોકો અલ્લાહની રાહમાં શહીદ થઇ ગયા છે તેને તમે હરગીઝ મુર્દા ન સમજો. પરંતુ તેઓ જીવતા છે અને પોતાના પરવરદિગાર તરફથી રિઝ્ક મેળવે છે.
(સુરે આલે ઇમરાન, આ. ૧૬૯)
એક બીજી જગ્યાએ ઇરશાદ થાય છે :
“ફલ નોહયેયન્નહૂ હયાતન તય્યેબતન
“પછી અમે તેને યકીનન પાક જીવન અતા કરશું.
(સુરે નહલ, આ. ૯૭)
અને જીવતા કાફીરોને મુર્દા ગણવામાં આવ્યા છે.
“ઇન્નક લા તુસ્મેઉલ મવ્તા. . .
” અય પયગમ્બર આપ યકીનન મુર્દાઓને સાંભળનારા નથી બનાવી શકતા.
(સુરે નમલ, આ. ૮૦)
આજ કારણ છે કે માં બાપ્નો હક એટલા માટે વાજીબ થાય છે કે આ નાશવંત ઝીંદગીમાં સંતાનોના ઉછેર અને સંસ્કારમાં તેઓની એક મહત્વની કામગીરી હોય છે. જેના પરિણામે ઇન્સાનના જીવનને બળ અને સહાય પ્રાપ્ત થાય છે.
જ્યારે કે રસુલે ખુદા(સ.અ.વ.) અને મઅસુમ ઈમામો(અ.મુ.સ.)નો હક લોકો ઉપર બન્ને રીતે છે. (શારીરિક જીવન અને રૂહાની જીવન) શારીરિક જીવન એટલા માટે કે આ હઝરતો તમામ સર્જનોના મકસદ છે. આ પવિત્ર હસ્તીઓના કારણે અલ્લાહના સર્જનો જીવન નિર્વાહની મીઠાશનો સ્વાદ ચાખી રહ્યા છે અને રોઝી મેળવી રહ્યા છે. તેઓના લીધે વરસાદના પાણીથી તૃપ્ત થઈ રહ્યા છે. તેઓના લીધે લોકો ઉપરથી અઝાબ ટળી જાય છે. આ જ હસ્તીઓ બધા અસબાબના સબબ છે. હવે રહી અબદી અને રૂહાની જીવનની વાત તો આ જ મહાન હયાત છે. રસુલે ખુદા(સ.અ.વ.) અને પવિત્ર ઈમામો(અ.મુ.સ.)ની હિદાયતના આધારે લોકો હિદાયત મેળવે છે. તેઓના નૂરથી નૂરાનીયત મેળવે છે અને તેઓના અગાધ ઈલ્મ થકી અલ્લાહ તઆલા લોકોને પવિત્ર જીવન અર્પણ કરે છે જેના કારણે તેઓ હંમેશા હંમેશા માટે અમર બની જાય છે.
(બેહારૂલ અન્વાર, ભા. ૩૬, પા. ૧૩)
(૮)”અસ્સલામો અલય્ક સલ્લલાહો અલય્ક વ અલા આલે બય્તેકત તય્યેબીનત્તાહેરીન
“સલામ થાય આપ ઉપર અને ખુદા રહેમત ઉતારે આપ ઉપર અને આપના પાક અને પવિત્ર ખાનદાન ઉપર.
શબ્દ “સલ્લાનું મૂળરૂપ “સલવ છે અને “સલ્લા અરબીના નિયમ મુજબ બાબે તફઈલનો પહેલો સીગો છે. (એટલે મુફરદે મુઝક્કરે ગાએબ) સલ્લા ફઅઅલના માપ પર છે. “સલ્લા નો અર્થ છે તેણે દુરૂદ મોકલ્યું અથવા તેણે રહમત ઉતારી. ઘણી વખત ભૂતકાળનું પહેલુ ક્રિયાપદ દોઆના અર્થમાં પણ વપરાય છે. જેમકે આપ કહો છો “રહેમ હુલ્લાહો એટલે અલ્લાહ તેની ઉપર રહેમત ઉતારે. જો કે રહેમ ભૂતકાળનું પહેલુ ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે તેણે રહેમત ઉતારી. આ વાકયમાં ઝીયારત પડનાર હઝરત હુજ્જત ઉપર દુરૂદ મોકલી રહ્યો છે અને ખુદાવંદે આલમને દોઆ કરે છે કે ઈમામે ઝમાના(અ.સ.)ની સાથે સાથે તમામ પવિત્ર અહલેબૈત(અ.મુ.સ.) ઉપર રહેમત ઉતાર.
ઉપર દર્શાવ્યા મુજબ શબ્દ “સલ્લા – “સલવ થી બન્યો છે અને સલવ ના મૂળથી જ બન્યો છે “સલવાત‘. જેમકે આપણે મજલીસો અને મહેફીલોમાં સાંભળતા રહીએ છીએ. અહલેબૈત(અ.મુ.સ.) એવી હસ્તીઓ છે જેઓની ઉપર ખુદા, તેના ફરિશ્તાઓ અને બીજી પાક વ્યક્તિઓએ દુરૂદ અને સલામ મોકલ્યા છે : જેમ કે ઇરશાદે હક છે :
“ઇન્નલ્લાહ વ મલાએકતહૂ યોસલ્લૂન અલન્નબીય્યે, યા અય્યોહલ્લઝીન આમનૂ સલ્લૂ અલય્હે વ સલ્લેમૂ તસ્લીમા
અહિં શકય છે કે કેટલાક અપરિપકવ મગજમાં આ સવાલ ઉભો થાય કે આ આયતમાં તો માત્ર નબી કરીમ ઉપર સલવાત મોકલવાની વાત કરવામાં આવી છે. અહલેબૈત (અ.મુ.સ.)નું નામ દર્શાવ્યું નથી. આવો, આ સવાલનો જવાબ સહીહ બુખારીના હવાલાથી આપીએ છીએ, જે એહલે સુન્નત વલ જમાઅતની સૌથી વધુ વિશ્ર્વાસપાત્ર કિતાબ છે. બુખારીમાં રિવાયત છે કે “એક વખત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ સલ્લમ ને સવાલ કરવામાં આવ્યો કે એ રસુલલ્લાહ અમે આપ્ની ઉપર દુરૂદ કઈ રીતે મોકલીએ? આપે જવાબ આપ્યો કે તમે કહો “સલ્લલ્લાહો અલયહે વ આલેહી અર્થાત અલ્લાહ રહેમત ઉતારે તેમની ઉપર અને તેમની ઔલાદ ઉપર.
આ હદીસથી બિલકુલ સ્પષ્ટ થાય છે કે આલ ઉપરના દુરૂદની વગર પયગમ્બર(સ.અ.વ.) ઉપરનું દુરૂદ પુરૂ નથી થતુ. પરંતુ અલ્લાહ લઅનત કરે તે પક્ષપાત ઉપર. બુખારી સાહેબે હદીસની નોંધ તો કરી દીધી પરંતુ જો આપ હદીસને ફરીથી વાંચો તો હદીસ શરૂ કરતા પહેલાં તે ખુદ લખે છે (સલ્લલ્લાહો અલયહે વસ્સલ્લમ) અર્થાત પયગમ્બર(સ.અ.વ.) ઉપર તો દુરૂદ મોકલ્યું પરંતુ આલના હકને ગસબ કર્યો.
ખરેખર તો નબી અને આલે નબી ઉપર સલવાત મોકલવાની ફઝીલત એટલી બધી છે કે આ લેખમાં લખવાનો અવકાશ નથી કે તેનો હક અદા થઇ શકે. તબરરૂક તરીકે એક રિવાયત નકલ કરીએ છીએ.
રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું: જ્યારે મને મેઅરાજ ઉપર લઈ જવામાં આવ્યો ત્યારે “યા અલી‘ તમે જાણો છો કે મેં તમારા બારામાં ફરિશ્તાઓને શું કહેતા સાંભળ્યા ? મેં સાંભળ્યું કે તેઓ આપ્નો વાસ્તો આપીને પોતાની હાજતો પૂરી કરાવી રહ્યા હતા. આપ્ની મોહબ્બત થકી ખુદાની નઝદીકી મેળવી રહ્યા હતા અને મારા ઉપર અને આપ્ની ઉપર દુરૂદ અને સલવાતને પોતાની શ્રેષ્ઠ ઈબાદત ગણતા હતા અને આ દોઆ કરી રહ્યા હતા.
“અલ્લાહુમ્મ વ તહહીરના બિસ્સલવાતે અલય્હે વ અલા આલેહિત તય્યેબીન
“બારે ઈલાહા! પયગમ્બર અને તેમની પાકીઝા આલ ઉપર સલવાત દ્વારા તું અમને પાક અને પવિત્ર રાખ.
(તફસીરે ઈમામે હસન અસ્કરી (અ.સ.), પા. ૩૦–૩૨ અને બેહારૂલ અન્વાર, ભા. ૪૧, પા. ૧૯ હ. ૧૨)
આપે જોયુ કે મોહમ્મદ અને આલે મોહમ્મદ(સ.અ.વ.) પર દુરૂદ અને સલામ દ્વારા મઅસુમ ફરિશ્તાઓની પાકીઝગીમાં વધારો થાય છે. તો પછી આપણી જેવા ગુનેહગારોને આ સલવાતોની જરૂરત તેમની સરખામણીમાં વધુ છે કારણકે આપણે માથાથી પગ સુધી ગુનાહોથી ભરાએલા છીએ.
બીજી મહત્વની વાત એ છે કે અમુક લોકો મજલીસો અને મહેફીલોમાં મોટા અવાજે સલવાત મોકલવામાં પોતાની શાન માટે ઉણપ સમજે છે. જ્યારે હકીકત એ છે કે આપણને હુકમ આપવામાં આવ્યો છે કે જ્યારે પણ સલવાત મોકલો, બુલંદ અવાજે મોકલો કારણકે તેનાથી દિલમાંથી નિફાકનો નાશ થાય છે.
(કાફી, ભા. ૨, પા. ૪૯૩)
ઝિયારતના આ વાકયમાં શબ્દ તય્યેબીન અને તાહેરીન પણ વાપરવામાં આવ્યો છે. એટલે કે એહલેબૈત(અ.મુ.સ.)ની તહારતની વાત થઈ રહી છે. એહલેબૈતે નબી(સ.અ.વ.)એ પવિત્ર હસ્તીઓ છે, જે પોતાના નુરાની અસ્તિત્વથી પાક અને પાકીઝા છે. આ એ હકીકત છે કે જેનુ એલાન આયએ તત્હીર (સુરા. અહઝાબ, આ. ૩૩) માં થયુ. એહલેબૈત(અ.મુ.સ.) ન માત્ર ખુદ પાક અને પાકીઝા છે, પરંતુ આપ હઝરાત તહારત અને પાકીઝગીના સ્ત્રોત છે. તેથી આ બદગુમાની કે તેઓ આયએ તત્હીર ઉતર્યા પછી પાક થયા, તે બિલ્કુલ એ રીતે છે કે મુસલમાનો એમ અકીદો રાખે કે અલ્લાહ તકબીર પછી મહાન થાય છે. તેથી આ પ્રકારના વિરોધો ન ફક્ત પાયા વગરના છે, બલ્કે તેમાં પક્ષપાતની ગંધ આવી રહી છે.
અલ્લાહ તબારક વ તઆલા આપણને સૌને આ વર્ણવેલ ઝિયારતથી દુનિયાની અને રૂહાની ફાયદો મેળવવાની ખુશનસીબી અને તૌફીક આપે અને આપણી ગણતરી હુજ્જતે ખુદા, ફરઝન્દે ઝહરા(સ.અ.)ના ગુલામો અને મદદગારોમાં કરે. આમીન
Comments (0)