ઈમામે હુસૈન (અ.સ.)નું ચેહલુમ
ઈમામે હુસૈન (અ.સ.)નું ચેહલુમ
આ વિષય અંગે વિગતવાર જણાવીએ તે પહેલાં એ વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે હઝરત સૈયદુશ્શોહદા અરવાહના ફીદાહ) (અમારી રૂહ તેમના પર ફીદા થાય) ના ચેહલુમ અને એહલેબૈતના શામથી કરબલા પહોંચવાની તારીખ વિશે ઈતિહાસકારો અને સંશોધનકર્તાઓ એકમત નથી. અત્રે ફકત એ રિવાયતો બયાન કરીએ છીએ, જે અંગે સામાન્ય રીતે બધા ઝાકીરો અને આલીમો એકમત છે અને જેને અબુ મુખન્નીફે પણ કબુલ કરેલ છે.
ઈમામે મઝલુમ (અરવાહના ફીદાહ) ના એહલેહરમના આગમન પછી દમીશ્કના વાતાવરણમાં ઝડપી પલટો આવ્યો. યઝીદની જાલિમ હુકુમત પણ આમ જનતાની વિચારધારા અને સમજ ઉપર પહેરો બેસાડી શકી નહીં. બેબસ અને બેકસ લુંટાયેલા કાફલાના આગમનના દિવસની જેમ આજે પણ સડકો પર લોકોના ટોળેટોળા ભેગા થયા હતા, પણ આ પરિસ્થિતિમાં ફર્ક એટલો જ છે કે તે દિવસે લોકો આપનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતા અને આજે વિદાય કરવા માટે આવ્યા છે. કાફલાના આગમનના દિવસે લોકો (મઆઝલ્લાહ) કાફલાને બાગી (બળવાખોર) બે દીન સમજીને તમાશો જોવા ભેગા થયા હતા. બધા નવા કપડાં પહેરીને મુશ્ક અને અંબરની ખુશ્બુ લગાવીને આવ્યા હતા. બધાના મુખ પર આનંદ અને હાસ્ય છવાયેલું હતું પણ આજે? આજે લોકો કાળા કપડાં પહેરીને, ગમગીન હાલતમાં અને રોકકળ કરતા હતા અને બીજો તફાવત એ પણ નજરે પડે છે કે કાફલાના આગમનને દિવસે તેઓની હાલત દુ:ખદ હતી. ઉંટો પર પલાણ નહતા. પર્દાદાર પાકદામન સ્ત્રીઓના હાથ પીઠ પાછળથી બાંધેલા હતા. એક બિમાર અને કમજોર જેના હાથોમાં હાથકડીઓ, પગમાં બેડીઓ, કમરમાં લંગર બાંધેલી હોવાથી ડગલે ને પગલે લથડતી ચાલે ચાલતા. આ હતા હુસૈની કાફલાના સરદાર, ઈમામે વકત ફરઝંદે રસુલ, આબએ કાઅબા, અંબિયાઓના વારસ, શરીઅતના રક્ષક, હુસૈને મઝલુમના દિલના ટુકડા સય્યદે સજ્જાદ ઝયનુલ આબેદીન અલ્યહીસ્સલામ.
આજે એ જ કાફલો માનપૂર્વક હુકુમતે વકતના લશ્કરની દેખરેખ હેઠળ અંબાડી પર પરદા, એવી કડક વ્યવસ્થા કે કોઈ નામહેરમ નજદીક પણ આવી ન શકે. એક એક ડગ પર્દાદાર પાકદામન ઔરતો ખાસ કરીને જનાબે ઝયનબ (સ.અ.) ના આદેશ મુજબ આગળ વધે. તેઓ જ્યાં કાફલાને રોકે ત્યાં રોકાય, જ્યારે ચાલવાનું કહે ત્યારે રવાના થાય – સાનીએ ઝહેરા સલામુલ્લાહ અલયહાની નજર આ વ્યવસ્થા પર પડી. નહીં, મઝલુમો, બે-વારિસો, ઉમ્મતે સતાવેલા લોકોનો આ કાફલો આ રીતે આવી ભવ્યતાની શૌકત સાથે નહી જાય. યઝીદ તરફથી નીમાએલ આ કાફલાના વ્યવસ્થાપક નોઅમાન બિન બશીરને સાનીએ ઝહેરા (સ.અ.)ની ખિદમતમાં બોલવવામાં આવ્યા: ઈજઅલુહાસુદાઅ હત્તા યઅલમન્નાસો અનાફી મોસીબતીન વ અઝાઅીન બે કતલે અવલાદીઝ ઝહેરા અલયહાસ્સલામ.
આ રેશમી (નવા અને ભવ્ય) પરદાની જગ્યાએ કાળા પડદા નાખો, જેથી લોકોને ખબર પડે કે અમે ફાતેમા (સ.અ.)ના ફરઝંદોના સોગમાં – ગમમાં ડુબેલા છીએ અને તેમના અઝાદાર છીએ.
કાફલો કરબલા તરફ રવાના થયો. નોઅમાન બશીરે ખાનદાને – નબુવ્વતના એહતરામ અને આરામમાં કોઈ ખામી રહેવા દીધી ન હતી. જનાબે સૈયદે સજ્જાદ અને જનાબે ઝયનબ (સ.અ.) તરફથી જે કોઈ હુકમ મળતો તે માથે ચડાવીને તુરત જ તેનો અમલ કરતા હતા. દમીશ્કના જે રસ્તાથી કાફલાને કરબલાથી લાવવામાં આવ્યો હતો તેના કરતાં, કરબલા જવાનો આ માર્ગ બિલકુલ જુદો હતો. તે માર્ગ લાંબો અને રસ્તો વળાંકથી ભરપુર હતો. પરંતુ આલે અત્હાર સલવાતુલ્લાહે વસલામોહુ અલયહીમને વહેલામાં વહેલી તકે કરબલા પહોંચાડવા માગતા હતા. તેથી જલ્દી પહોંચવાના આશયથી સૌથી ટુંકા માર્ગે કાફલાને કરબલા લઈ જવાઈ રહ્યો હતો. કુફાથી શામની રવાનગી વખતે આપણને ઈતિહાસમાં બીજી ત્રણ વ્યકિત પણ જોવા મળે છે. જેનો ઉલ્લેખ “નફસુલ મહમુમ”માં મળે છે. તેમાં બે પુરૂષ અને એક સ્ત્રી જે મોહીબ્બાને આલે મોહમ્મદ હતા, સલીમ, હલીમા અને મુસ્લીમે હસ્સાસ. આ ત્રણેય વ્યકિતઓ કૈદીઓની સાથે કુફાથી શામ સુધી ગયા હતા. જ્યારે આલે અત્હારને મુકિતનો હુકમ મળ્યો ત્યારે અઝાએ હુસૈન (અ.સ.)માં શિરકત કરીને કાફલો કરબલા જવા માટે નીકળે તે પહેલાં આ ત્રણેય વ્યકિતઓ, કાફલા જે રસ્તેથી કરબલા જવાનો હતો તે જ રસ્તે કરબલા જવા રવાના થઈ ગયા. માર્ગમાં જે ગામ કે શહેર આવતાં ત્યાંના રહીશોને કરબલાના બનાવ, એહલેબૈત (અ.મુ.સ.)ની અસીરી, યઝીદના ઝુલ્મો – સિતમ અને આલે અત્હાર (અ.મુ.સ.)ના પાછા ફરવાની વિગતોનું વર્ણન કરતા આગળ વધી રહ્યા હતા, તેથી આ કાફલો જે ગામ કે શહેરમાં પહોંચતો ત્યાંના લોકો કાળા કપડાં પહેરીને ગમગીન હાલતમાં કાફલાનું સ્વાગત કરતા અને તેવી જ રીતે ગમગીન હાલતમાં વિદાય પણ કરતા. હઝરત સૈયદે સજ્જાદ અને સાનીએ ઝહેરા (સ.અ.) સમય અને પરિસ્થિતિ જોઈને કયારેક ટુંકમાં તો કયારેક વિગતવાર વાકેયાતે કરબલાનું વર્ણન કરતા હતા. લોકોમાં ઉમવી હુકુમતની વિધ્ધ ઈન્કીલાબ કરવાની અને જાલિમ હુકુમત વિશે ધ્યાન દોરી, વિરોધ કરવા પ્રેરણા આપતો કાફલો આગળ વધતો રહ્યો. એટલે સુધી કે ૨૦ સફર અરબઈનના દિવસે આ કાફલાનું ફરી જમીને કરબલા પર આગમન થયું.
ઔરતો પોત પોતાના વાલી અને વારસની કબ્રને વળગી પડી. સાનીએ ઝહેરા જ. ઝયનબ (સ.અ.) તેના વહાલાસોયા ભાઈ હ. ઈ. હુસૈન (અ.સ.)ને કરબલાની સરજમીન પર જે હાલતમાં મૂકીને ગયા હતા તે હાલતમાં તો તેઓ ન હતા. જ. ઝયનબ (સ.અ.) ને જાણવા મળ્યું કે તેમના ભાઈને દફન કરી દેવામાં આવ્યા છે. આપના ભત્રીજાએ જણાવ્યું હતું કે તેમણે ઈમામતના અખત્યારથી તેમના ભાઈને દફન કરી દીધા છે. કેમકે જ. ઝયનબ (સ.અ.) ઈમામ હુસૈન (અ.સ.)ની લાશને કચડાએલી ચુરચુર થયેલી હાલતમાં, રણમાં છોડીને ગયા હતા. તેથી સ્વભાવગત રીતે જ જ. ઝયનબ (સ.અ.) ની ઈચ્છા હતી કે ભાઈની કબ્રને જોઈ લે. કેટલાય સમય પછી જ. ઝયનબ (સ.અ.) ભાઈની કબ્ર પર આવ્યા હતા. માત્ર ભાઈની કબ્રની ઝિયારત કરવાની તમન્ના હતી. કેવા ભાઈ! વારીસે અંબિયાના વારીસ સમા એ ભાઈ હતા. ખુદાવંદ તઆલાના હુકમ પ્રમાણે રોઝે આશુરથી લઈને કયામત સુધી હજારો ફરિશ્તાઓ હારબંધ નવહાખાની કરતાં કરતાં આવીને અએ કબ્રનો તવાફ કરશે, પાછી કરશે પછી બીજી, ત્રીજી એમ સતત ફરિશ્તાઓની કતાર કયામત સુધી આવતી જતી રહેશે. દિવસો કે ફરીશ્તાઓની સંખ્યાને ગણી શકશે નહીં… એ નૂરાની અને ઈતઆત ગુઝાર મખ્લુકનો સિલસિલો ચાલુ જ રહેશે. નીસબ્બેહી બે હમ્દેક વ નોકદદેલો લક…
ખુદાવંદના હુકમ સામે કોની મજાલ છે કે મુખ ફેરવે? જ. ઝયનબ (સ.અ.)ના ભાઈનો આ શરફ ખુદા પાસે છે. પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)નો ઈરશાદ છે કે (આવો) ઈન્કાર ઈસ્લામથી વિમુખ કરી દેશે અને એવા ભાઈની કબ્ર મુબારક જોઈને બહેનને આમ સંતોષ થાય – તડપીને તાવીઝે કબ્ર (કબ્ર પરના પત્થરના નિશાન)ને વળગી પડી. ભાઈ, ઝયનબ આવી ગઈ છે. ભાઈ, તમને નમાઝે શબમાં ઝયનબ ભૂલી નથી. ઝયનબે સંપૂર્ણ જવાબદારી સાથે તેની ફરજ અદા કરી છે. દરબારે ઈબ્ને ઝિયાદમાં કુફા અને શામની બજારોમાં ગામેગામ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગલી ગલી, રસ્તે રસ્તે યઝીદનો દરબાર દેશેદેશના પ્રતિનિધઓથી ભરેલો હતો. ભાઈ, આપની ઝયનબ મઝલુમ બેહાલ, બેકસ, બેવારસ, મજબુર, લાચાર, ભૂખ્યા, મુસાફરીની તકલીફોથી થાકેલા, બધી રીતે મુસીબતઝદા લોકોના દિલોમાં આપની મોહબ્બતની જ્યોત જલાવીને આવી છે. મારી મઝલુમીના બનાવો મારી અસીરી (કૈદીની હાલત), મને પડેલા કોરડાનો રણકાર છે. આપના પયગામના એલભી છે. આપના નવમાં ફરઝંદ અને ખુદાએ ઈજ્જ વ જલ્લની આખરી હુજ્જતના ઝુહુર સુધી દરેક મઝલુમોના દિલમાં આપની મોહબ્બતનો દિવો પ્રગટી ઉઠશે. જેનો પ્રકાશ સુતેલા ઝમીરને ઢંઢોળશે અને ત્યારે જજ કયામે મહદી (અ.સ.) માટેનો માર્ગ ખુલશે. અલી, હસન, હુસૈન… બધા ઈમામો ખુદાના સાચા પ્રતિનિધિ હઝરત બકીયતુલ્લાહ (અ.સ.) ના સાચા પ્રતિનિધીની પૂર્વભૂમિકા હતા અને છે. … હાં તો બહેન તડપીને તાવીઝે કબ્ર સાથે વળગીને આપવીતી સંભળાવી રહી છે. પરંતુ શહઝાદી શું આપ અબ્બાસ પાસે નહી જાવ? અલી અકબર તો આપને ભાઈની પાસે જ મળી ગયા અને કાસિમ, અલી અસગર, મુસ્લીમના દિલના ટુકડા ઈમામુન નબીય્યીન (નબીઓના ઈમામ)ની સઘળી કમાણી તો અહી લુંટાઈ છે કરબલા… કરબલા… આહ… આહ… શીઆઓના આંસુઓ કઈ રીતે રોકાય, શાહઝાદી ઉઠીને એક એક શહીદની કબદ પર પહોંચી ફાતેહા પઢયા. શહાદત માટે મુબારકબાદ આપી. દિલેરો જાંબાઝો: ઈલાહી જંગના સિંહો! દુનિયા આપની અને આખેરત પણ આપની… હુસૈન…? આકા શાહઝાદી હુસૈનની વ્હાલાસોઈ બહેન, શું શીઆ મરદો અને ઔરતોને દીનદારી અને ફીદાકારીની ભાવના અપર્ણ નહી કરો? – ઈલ્મ, અમલ, ખુદાવંદાની ઈતાઅત, અલવી સિરતની એક સામાન્ય ઝલક અને બસ – શીઆઓ ખરેખર વાસ્તવમાં શીઆ થઈ જશે. – આપના દરવાજાના ફકીર, ખાદીમ, ગુલામ… પણ આ કાફલાની પહેલા એક બીજો કાફલો કબ્રે હુસૈની (અ.સ.) પર અરબઈનના દિવસે પહોંચી ગયો હતો. એ હતા સહાબીએ રસુલ (સ.અ.વ.) જાબીર ઈબ્ને અબ્દુલ્લાહ અન્સારી અરવાહના ફીદાહ, હાં અને તમામ શીઆઓ જાબીર પર કુરબાન થઈએ છીએ. અય જાબીર! રહેમુલ્લીસ આલમીનના સહાબી, આપના દિલમાં નવાસએ રસુલ (સ.અ.વ.)ની મોહબ્બતનો જે દરિયો હીલોળા લઈ રહ્યો છે તેમાંથી માત્ર એક ટીપુ અમો ભિખારીઓની ઝોળીમાં પણ નાખી દેશો જેથી અમારા કદમ સેરાતે મુસ્તકીમ પરથી ડગમગે નહીં, સેરાતે મુસ્તકીમ એટલે આલે મોહમ્મદ (સ.અ.વ.)નો રસ્તો, આલે મોહમ્મદની મોહબ્બત કરતા વધારે મોટી જન્નત બીજી કઈ હોઈ શકે? અમો ગુનેહગારના દિલોમાં આલે મોહમ્મદ (સ.અ.વ.)ની સાચી મોહબ્બત પૈદા થઈ જાય.
શેખ જલીલુલ કદ્ર અુમાદુદીન અબુલ કાસીમ તબરી આમેલી તેમના કિંમતી સંપાદન “બશારતુલ મુસ્તુફા”માં તેમની સનદ સાથે અતીય્યાહ બીન સઅદ બીન જુનાદેહ ઔફી કૂફીથી રિવાયત કરે છે કે: અમે જાબિર બિન અબ્દુલ્લાહ અનસારીની સાથે ઝિયારતે કબ્રે હુસૈન (અ.સ.) ની નિય્યતથી નિકળ્યા. જ્યારે કરબલા પહોંચ્યા ત્યારે જાબિર ફુરાતના કિનારે ગયા, ગુસ્લ કરી એક કપડાને લુંગીની જેમ બાંધ્યું. બીજા કપડાને (એહરામની જેમ) ખભે નાખ્યું. એક પોટલી ખોલી જેમાં ખુશ્બુ હતી. તે તેમના શરીર પર મસળી અને ધીમે ધીમે એક એક ડગ ભરતા ભરતા કબ્રે હુસૈન (અ.સ.) સુધી પહોંચ્યા. દરેક કદમ પર ઝીક્રે ખુદા કરતા જતા હતા. જ્યારે ઈમામ (અ.સ.)ની કબ્ર સુધી પહોંચ્યા ત્યારે મને કહ્યું કે મારો હાથ કબ્ર પર મૂકી દો. (તે વખતે જાબિરની આંખોની રોશની ચાલી ગઈ હતી). મેં જાબિરનો હાથ પકડીને કબ્ર પર રાખી દીધો. જેવો તેમનો હાથ કબ્ર પર મૂકયો કે તુરતજ તેઓ બેહોશ થઈને કબ્રે અત્હાર પર ઢળી પડયા. મેં તેમના મુખ પર પાણી છાટયું ત્યારે તેમણે ત્રણ વખત કહ્યું, યા હુસૈન! યા હુસૈન! યા હુસૈન! પછી કહ્યું, “કબીબુન લા યોજીબો હબીબહ”, શું દોસ્ત તેના દોસ્તને જવાબ નહી આપે? જવાબ આપો. હા, જાણું છું આપની ગરદનની રગ તેના સ્થાને નથી. તમારા શરીર અને માથું અલગ થઈ ગયું છે. હું ગવાહી આપું છું કે આપ ખયલ નબીય્યીનના ફરઝંદ, સૈયદુલ મોઅમેનીનના પુત્ર, તકવા અને હિદાયતના લાલ, અસ્હાબે કિસાના પાંચમાં પંજેતન, સૈયદે નુકબા અને ફાતેમા સૈયદુન્નીસાના ફરઝંદ છો અને આપની ફઝીલત ઓછી કેમ હોય? આપની પરવરીશ સૈયદુલ મુસ્લમીનના હાથોમાં થઈ છે. આપનો ઉછેર મુત્તકીનના ખોળામાં થયો છે. આપે ઈમાનની છાતીનું દૂધ પીધું છે. ઈસ્લામે આપની પરવરીશ કરી છે. આપ હયાતીમાં પણ પાકીઝા હતા અને શહાદત પછી પણ પાકીઝા છો. આપની જુદાઈથી ઈમાનદારોના દિલ ગમગીન થયા છે. આમ, આપની અઝમત અને બુઝુર્ગીમાં શંકાને સ્થાન નથી. ખુદાની રહેમત અને તેની ખુશ્ નુદગી આપની ઉપર – બેશક આપ પર એ જ વીત્યું જે આપના ભાઈ યહ્યા બિન ઝકરીયા પર વીત્યું હતું.
ત્યાર પછી જાબિરે તેમની આંખો કબ્રની ચારેબાજુ ફેરવી અને શોહદાઓને આ રીતે સલામ કરી.
અસ્સલામો અલયકુમ અય્યતોહલ અરવાહુલ્લતી હલ્લત બેફેનાએ કબીલ હુસયને અલયહીસ્સલામો વ અના ખત બે રહલેહી અશહદો અન્નકુમ અકમૈતોમુસ્સલાત વ આતયૈતોમુઝ ઝકાત વ અમરતુમ બીલ મઅરૂફે વ નહ્યતુ અનીલ મુનકરે વ જાહદ તુમ મુલહેદીન વ અબદ તો મુલ્લાહ હત્તા અતા કોમલુ યકીન.
પછી કહેવા લાગ્યા: એ જાતની કસમ, જેણે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ને નબુવ્વતે હક્કાની સાથે મોકલ્યા, જેમાં તમે દાખલ થયા તેમાં હું પણ શરીક થઈ ગયો. અતિતકા કહે છે કે મે જે જાબિરને પૂછયું, આપણે તેઓની સાથે શરીક કઈ રીતે થઈ શકીએ? કારણ કે તે (કરબલાના બનાવ) વખતે તમે ન તો રણમાં આવ્યા હતા કે ન તો પહાડ પર ચડયા હતા, કે ન તો તમે તલવાર ચલાવી હતી. તે લોકોના શરીર પર તલવારો વિંઝવામાં આવી છે. તેમના ધડ માથાથી જુદા કરી દેવામાં આવ્યા છે. તેઓના બાળકો યતિમ થઈ ચુકયા છે અને તેમની સ્ત્રીઓ વિધવા થઈ ચુકી છે. જ. જાબિરે જવાબ આપ્યો, અય અતિયો, મેં મારા હબીબ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) પાસેથી સાંભળ્યું છે કે જે માણસ જે જમાત (સમૂહ)ને દોસ્ત રાખતો હશે તેની સાથે મહશુર થશે (રોઝે હશ્ર ઉઠાડવામાં આવશે) જો કોઈ માણસ જે જમાત (સમૂહ)ના અમલ કાર્યો – ને દોસ્ત રાખતો હશે તો તેને તે સમૂહના અમલમાં સામેલ ગણવામાં આવશે. માટે હું એ ખુદાની કસમ ખાઈને કહું છું કે જેણે મોહમ્મદ (સ.અ.વ.)ને સાચા રસુલ બનાવીને મોકલ્યા છે, હ. ઈ. હુસૈન (અ.સ.) અને તેમના અસહાબોની જે નિયતહતી તે જ મારી અને મારા સાથીઓની નિયત હતી.
એ પછી જાબિરે કહ્યું: મને કુફાવાળાઓના ઘરે લઈ જાવ… હજુ થોડે દુર પહોંચ્યા હતા ત્યાં મને કહ્યું, અય અતિયા, શું તમને વસીયત કરૂ? કેમ કે મારા ખ્યાલથી આ સફર પછી હું જીવતો રહીશ નહીં. અને એ વસીયત આ છે: આલે મોહમ્મદના દોસ્તો સાથે ત્યાં સુધી દોસ્તી રાખજો જ્યાં સુધી તેઓ આલે મોહમ્મદ સાથે દોસ્તી રાખે. ભલે તેઓ રોઝા-નમાઝના પાબંદ કેમ ન હોય! આલે મોહમ્મદના દોસ્તોનો હંમેશા ખ્યાલ રાખજો. ભલે કદાચ તેઓ ગુનાહ કરવા માટે વિચલિત થઈ જતા હોય. પરંતુ તેમની દોસ્તીના કારણે બીજી બાબતોમાં વિચલિત નહી થાય. બેશક, આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દોસ્તોનું ઠેકાણું જન્નત છે અને તેમના દુશ્મનોનું ઠેકાણું જહન્નમ છે.
Comments (0)