ઈતિહાસની સાક્ષી આશૂરની અસ્રથી ઈબ્ને ઝિયાદના દરબાર સુધી

ઈતિહાસની સાક્ષી આશૂરની અસ્રથી ઈબ્ને ઝિયાદના દરબાર સુધી

દુનિયા ધ્રુજી ઉઠી:

હ. રસુલે ખુદા (સ.અ.વ.)ના ફરઝંદ હ. ઈ. હુસૈન (અ.સ.)નું માથું જ્યારે ધડથી અલગ કરીને એક મોટા ભાલા (નેઝા) ઉપર બુલંદ કરવામાં આવ્યું તો યઝીદના લશ્કરમાંથી ત્રણ વખત તકબીર (અલ્લાહો અકબર)ની આવાઝ ગુંજી ઉઠી. જમીન ધ્રુજી ઉઠી, પૂર્વ-પશ્ર્ચીમમાં અંધકાર છવાઈ ગયો. ધરતીકંપ, ગડગડાટ, વીજ ઝબકાર વગેરેએ સમગ્ર વાતાવરણને ઘેરી લીધું. આસમાનમાંથી તાજા ખૂન (લોહી)ની વર્ષા થવા લાગી. આસમાનમાંથી એક અવાજ આપવાવાળાએ અવાજ આપી: “અલ્લાહના સોગંદ! ઈમામના પુત્ર ઈમામ, ઈમામના ભાઈ ઈમામ અને ઈમામોના પિતા હ. ઈ. હુસૈન ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને કતલ કરી નાખવામાં આવ્યા.”

આસમાનમાંથી બે પ્રસંગો સિવાય કદી ખૂનની વર્ષા (રકતવર્ષા) નથી થઈ. પહેલા તો જ્યારે અલ્લાહના નબી હ. યાહ્યા ઈબ્ને ઝકરિયા (અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા અને બીજા જ્યારે હ. ઈ. હુસૈન (અ.સ.)ની શહાદત થઈ.

નીચ કુળના અને લુંટારા સૈનિકો

જ. ફાતેમા ઝહરાના ફરઝંદ અને હ. રસુલે ખુદા (સ.અ.વ.)ના જીગરના ટુકડા હ. ઈ. હુસૈન (અ.સ.)ની લાશ રણમાં (બેગોરો કફન એમ જ) પડી હતી. એવે સમયે એ લૂટારા સૈનિકો આપના જીસ્મે મુબારક શરીર પર તૂટી પડયા. અબજર બિન કઅબ મલઉન અને અશ્અસ બિન કૈસ મલઉને આપનો લિબાસ ઉતારી લીધો. બની વહીબામાંનો એક જણ આપની તલવાર લઈ ગયો. અસ્વદ બિન વદદ મલઉને આપનો કમરબંદ (પટ્ટો) કાઢી લીધો એવી જ રીતે બીજા શહીદોના શરીરો પરથી પણ બધું લૂંટી લીધું.

ઝુલ્જનાહ:

હ. સૈયદુશ્શોહદા હ. ઈ. હુસૈન (અ.સ.) નો વફાદાર ઘોડો હણહણાટ કરતો શહીદોની લાશોની વચ્ચે થઈને હઝરતના નાજુક શરીર મુબારકની પાસે આવીને ઉભો રહી ગયો. પોતાનું કપાળ આપના ખૂનથી રંગીન કર્યુ અને ઝમીન પર પગ મારતો એવી રીતે આક્રંદ કરવા લાગ્યો કે કરબલાના પૂરા રણમાં તેનો અવાજ ગૂંજી ઉઠયો અને સૌ લોકો પોતપોતાની જગ્યાએ આશ્રર્યથી તાકતા ઉભા રહી ગયા.

જ્યારે ઉમરે સાદની નઝર હ. ઈ. હુસૈન (અ.સ.) ના ઘોડા પર પડી તો બૂમ પાડીને બોલ્યો: “ફિટકાર છે તમારા ઉપર એને પકડીને મારી પાસે લઈ આવો. હ. રસુલે ખુદા (સ.અ.વ.) ની પાસેના તમામ ઘોડાઓમાંનો એ સર્વશ્રેષ્ઠ ઘોડો છે.” આથી ઘોડે સવારોએ તેનો પીછો કર્યો. જ્યારે ઘોડાને જણાયું કે તેનો પીછો કરવામાં આવી રહ્યો છે ત્યારે તેણે પોતાના રક્ષણ માટે લાતો મારવાનું શ કર્યુ તે ત્યાં સુધી કે કેટલાય જણાને તો (લાતે લાતે જ) જહન્નમ ભેગા કરી દીધા અને ઘણા ઘોડાઓને પણ પછાડી દીધા અને લશ્કરવાળાઓ તેને કાબૂમાં ન લઈ શકયા.

છેવટે ઉમરે સા’દે કહ્યું, “એને એના હાલ પર છોડી આપો. આપણે જોઈએ કે તે શું કરે છે?” જ્યારે ઘોડાએ પોતાને સલામત જોયો તો ઈ. હુસૈન (અ.સ.) ના કુમળા બદનની નજીક આવ્યો ફરીથી પોતાનું કપાળ આપના ખૂનથી ખરડી લીધું અને એવી રીતે રોવાનું શરૂ કર્યુ જે રીતે કોઈ સ્ત્રી પોતાના યુવાન પુત્ર પાછળ વિલાપ કરતી હોય.

હુસૈન (અ.સ.) ની લાડલી સકીના

ઝુલ્જનાહ પોતાનું કપાળ ઈમામ (અ.સ.) ના રકતથી રંગીન કરીને ખૈમા (તંબૂ)ના દરવાઝા પાસે આવ્યો. જનાબે ઝયનબ (સ.અ.) ઘોડાના હણહણાટની અવાજ સાંભળીને જ. સકીના પાસે આવીને ફરમાવ્યું, “સકીના જાન! તમારા પિતા પાણી લાવ્યા છે.”

પિતાનું નામ સાંભળી જ. સકીના ખુશ થઈ ગયા અને દોડીને ખૈમાની બહાર નીકળી અને નજર કરી તો શું જુએ છે કે ઘોડો એકલો જ છે અને ઝીન (જીન) ખાલી છે (તેના પર પોતાના પિતા નથી!) આથી ફરિયાદ કરવા લાગી:

“હાય બાબા! હાય રે શહીદ! હાય આ લાંબી સફર અને પરદેશનો આલમ! હાય આ મોટી મુસીબત! હાએ મારા બાબા હુસૈન (અ.સ.) કે જેનો અમામો અને અબા અને વીટી અને લિબાસ (પોષાક) કરબલાના રણમાં લૂંટી લેવામાં આવ્યા. હું મારા એ પિતા પર કુરબાન થઈ જાઉ કે જેનું મસ્તક કયાંક છે અને ધડ કયાં (પડયું) છે હું મારા એ બાબા ઉપર ફિદા થાઉ કે જેનું મસ્તક શામની તરફ લઈ જવામાં આવશે. એ વ્હાલા પિતા પર વારી જાઉ કે જેના પવિત્ર કુટુંબને દુશ્મનોની દરમ્યાન ઝલીલ, રૂસ્વા અને બદનામ કરવામાં આવે છે. હાએ, હાએ પ્યારા પિતા, આપનું પૂરું લશ્કર તલવાર તળે કરી નાખવામાં આવ્યું” આટલું કહેતા કહેતા જ. સકીના ધુસ્કા ભરી ભરી રડવા લાગી. જ. ઉમ્મે કુલસુમ પણ ખૈમાના દરવાજા પર આવી ગયા અને ફરિયાદ કરવા લાગ્યા.

આસમાની સવારી ઝુલ્જનાહ

ઘોડો ખૈમાઓ પાસેથી પાછો ફર્યો અને ફુરાત નદીની તરફ ચાલ્યો ગયો અને પોતાને ફુરાતમાં નાખી દીધો. કહેવાય છે કે હવે જ્યારે હ. ઈ. ઝમાન (અ.સ.) ઝુહુર ફરમાવશે ત્યારે આવશે.

ખૈમાઓની લુંટ

જ્યારે પવિત્ર અને પાકીઝા ઔરતોના રૂદન, વિલાપ વિ. નો આવાઝ બુલંદ થયો તો ઉમર ઈબ્ને સાદે લશ્કરવાળાઓને અવાજ આપ્યો: “તમાંરૂ બુરૂ થાય! ખૈમાઓ પર હુમલો કરો અને તેને જલાવીને રાખ કરી નાખો.”

એક જણે કહ્યું, “અય સા’દના દીકરા, શું હ. ઈ. હુસૈન (અ.સ.) અને તેમના સાથીઓનું કત્લ થઈ જવું તારા માટે પુરતું નથી થયું કે તેં એમના બચ્ચા અને ઔરતોને જલાવી દેવાનો ઈરાદો કર્યો છે? શું તું એમ ચાહે છે કે આપણે જે ઝમીન ઉપર ઉભા છીએ તે (સમૂળગી) અંદર (નીચે) ધસી જાય?”

જ. ઝયનબ (સ.અ.)નું બયાન છે કે, “હું એ વખતે ખૈમાની અંદર હતી જ્યારે એક નીલી આંખોવાળો (ખૂલી અસ્બહી) ખૈમામાં દાખલ થયો. અને તેમાં જે કંઈ હતું તે લૂંટી લીધુ અને એક વાર નઝર ઉઠાવી હ. અલી ઈબ્નુલ હુસૈન (ચોથા ઈમામ) (અ.સ.) તરફ જોયું જે બીમારીની હાલતમાં એક ચામડા પર (બેહોશ) પડયા હતા. તેણે તે ચામડું ખેંચી લીધુ અને ઈમામ (અ.સ.) ને ઝમીન પર પછાડી દીધા. પછી મારા તરફ ફરીને મારા માથા પરથી ચાદર ખેંચી લીધી અને મારા બંને એરિંગ ખેંચી લઈ પોતે રોવા લાગ્યો! આથી (નવાઈ પામી) મેં પૂછયું: “તું એક તો મારા એરિંગ પણ લૂંટી રહ્યો છે અને પાછો રોવે પણ છે?”

તેણે જવાબ આપ્યો: “હું તો તમો આલે રસુલ (સ.અ.વ.) પર જે મુસીબત આવી પડી તે જોઈને રોઈ રહ્યો છું.”

મેં કહ્યું: “ખુદાવંદે આલમ તારા હાથો અને પગોને કાપી નાખે અને આખેરતની આગમાં જલાવવા પહેલાં તને દુનિયાની આગની પણ મઝા ચખાડે.”

અને વધુ સમય નહોતો ગયો કે મુખ્તાર ઈબ્ને અબુ ઉબૈદા સકફીએ હ. ઈ. હુસૈન (અ.સ.) ના ખૂનનો બદલો લેવાનું શ કર્યુ ત્યારે આ મલઉન જે ખૂલીના નામે જાણીતો હતો તે તેમના હાથમાં આવી ગયો જ્યારે તેને મુખ્તાર (ર.હ.) ની સામે રજુ કરવામાં આવ્યો તો હ. મુખ્યારે તેને પૂછયું: “તે કરબલામાં શું શું અત્યાચાર કરેલા?

ખૂલીએ જવાબ આપ્યો: “મેં હ. અલી ઈબ્નુલ હુસૈન (અ.સ.)ની નીચેથી ચામડાનું બિછાનું ખેંચી લીધું હતું. હ. અલી (અ.સ.) ની પુત્રી જ. ઝયનબના સર પરથી ચાદર અને તેના કાનમાંથી એરિંગ (લટકણિયા) આંચકી લીધા હતા.”

(આ સાંભળી) હ. મુખ્તાર (ર.હ.) રોવા લાગ્યા અને પૂછયું, “તો પછી તેમણે તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો કે, તેમણે મને ફરમાવ્યું હતું કે, “ખુદાવંદા તારા હાથપાગને કાપી નાખે અને તને (આખેરતમાં) જહન્નમની આગમાં નાખવા પહેલાં દુનિયાની આગમાં બાળે.”

મુખ્તાર (રહે) એ ફરમાવ્યું: “બેશક, હું એ પવિત્ર અને પાક બીબીની દોઆને અમલી સ્વરૂપ આપીશ.” આમ કહી આગળ વધ્યા અને તેના હાથપગ કાપી નાખ્યા અને પછી આગ સળગાવરાવી તેને તેમાં ફેંકી દેવરાવ્યો.

ખૈમાઓને લૂંટતા લૂંટતા જ્યારે એ લોકો હ. ઈ. ઝયનુલ આબેદીન (અ.સ.) પાસે આવ્યા તો લશ્કરના કેટલાક જણ કહેવા લાગ્યા કે એમને પણ કતલ કરી નાખવા, પણ કેટલાકોએ કહ્યું કે “નહીં, તેમને તેમના હાલ પર છોડી દો.” આ સાંભળી જ. ઉમ્મે કુલસુમે ફરિયાદ શરૂ કરી, આથી તેઓએ તેમને જીવતા રહેવા દીધા.

હ. રસુલે ખુદા (સ.અ.વ.) ના ફરઝન્દના શરીરની પામાલી

ઈબ્ને સા’દે અવાજ આપ્યો: “કોણ છે કે જે હુસૈન (અ.સ.) ના (કોમળ) શરીરને પાયમાલ કરે?” દસ સવારો આગળ વધ્યા અને હઝરતની (પવિત્ર) લાશને ઘોડાની ટાપો વડે પાયમાલ કરી નાખી ખૂલી શિમ્ર અને સિનાન બિન અનસ, ઉમર સા’દની પાસે આવ્યા. એમની પાસે હ. સય્યદુશ્શોહદા (અ.સ.) નું (કપાયેલું) મુબારક મસ્તક હતું. આ મલઉનોએ હઝરતને કત્લ કર્યા બદલ ગર્વ અને અભિમાન કરવા લાગ્યા.

હ. ઈ. હુસૈન (અ.સ.) ના મસ્તક પાસે રસુલે અકરમ (સ.અ.વ.) અને અન્ય નબીઓનું આગમન

તિરિમ્માહ ઈબ્ને અદી વર્ણવે છે કે:

હું કતલ થયેલાઓની વચમાં પડયો હતો. હું પણ ઝખ્મોથી ચૂર ચૂર થઈ ગયેલો હતો અને કસમ ખાઈને કહ્યું છું કે હું (તે વખતે) સ્વપ્નની હાલતમાં ન હતો પરંતુ જાગૃત હતો. મેં જોયું કે 20 સવારો સાફ, સ્વચ્છ, શ્ર્વેત વસ્ત્રો પરિધાન કરેલા ત્યાં આવ્યા તેમના શરીરમાંથી કેસર કસ્તુરીની સુગંધ આવી રહી હતી. તેઓ ઈ. હુસૈન (અ.સ.) ના મુબારક શરીરની પાસે ગયા. તેમાંથી એક વ્યકિત આગળ આવ્યા અને હ. ઈ. હુસૈન (અ.સ.) ના પાયમાલ શરીર મુબારકની પાસે આવીને બેસી ગયા. તેમણે પોતાના હાથોથી કૂફાની તરફ ઈશારો કર્યો, (કે તુર્તજ) ઈમામ (અ.સ.) નું મસ્તક (ત્યાં) આવી ગયું અને તેમના ધડ સાથે જોડાઈને અલ્લાહની કુદરતથી બિલ્કુલ પહેલા જેવું થઈ ગયું! હવે આ વ્યકિતએ કહેવું શરૂ કર્યુ:

“મારા ફરઝંદ! તને કતલ કરી નાખ્યો! તારા પર પાણી બંધ કરી દીધું. આ ઝુલ્મી કૌમે અલ્લાહના હુકમની વિરૂધ્ધ કેવી ઘૃષ્ટતા અને હિંમત આચરી!” પછી એ લોકોની તરફ ફર્યા જે તેમની સાથે હતા અને કહ્યું, “અય મારા પિતા આદમ (અ.સ.) અય મારા પિતા ઈબ્રાહીમ (અ.સ.), અય મારા પિતા ઈસ્માઈલ (અ.સ.)! હાય મારા ભાઈ મૂસા! અય મારા ભાઈ ઈસા (અ.સ.)! આપે જોયુંને કે આ નાફરમાનો અને બળવાખોરોએ મારા પુત્ર સાથે કેવો વર્તાવ કર્યો? ખુદાવંદે આલમ તેમને મારી શફાઅતથી દૂર રાખે.” તિરિમ્માહ કહે છે મેં ધ્યાનથી જોયું તેઓ રસુલે ખુદા (સ.અ.વ.) હતા.

કરબલા ખુદા હાફિઝ

અહલેબૈતની ઔરતો, હ. અલી ઈબ્નુલ હુસૈન (અ.સ.) તથા હસન (અ.સ.) મોસન્નાને પલાણ વગરના ઉંટો પર ઉઘાડા માથે સવાર કરવામાં આવ્યા. શહીદોની લાશોને કફન દફન વગર (એમને એમ) છોડીને એમના કપાયેલા મસ્તકોને કે જેમાં ૧૮ (અઢાર) મસ્તક પવિત્ર એહલેબૈતની હસ્તીઓના હતા તેમને ભાલાઓ પર ઉંચા કરીને લઈ ગયા.

જદીલતુલ્અસદીનું બયાન છે કે જે વરસે હ. ઈ. હુસૈન (અ.સ.)ની શહાદત થઈ તે વખતે હું કુફામાં હતો.

મેં જોયું કે કુફાની સ્ત્રીઓ પોતાની છાળો ફાડીને, પોતાના વાળ વિખેરીને પોતાના મોઢાઓ પર તમાચા મારી રહી છે. આથી મેં એક વૃધ્ધની પાસે જઈને પૂછયું “આ વિલાપ, રૂદન અને ફરિયાદ ક્રંદન શા માટે છે?”

તેણે જવાબ આપ્યો કે એ હ. ઈ. હુસૈન (અ.સ.) ના સરે મુબારકના કારણે છે. હું આથી લશ્કર પાસે આવ્યો. લશ્કરવાળાઓની સાથે એ વખતે પાક સ્ત્રીઓ પણ હતી. મારી નજર એક નેક સીરત (સુશીલ) સ્ત્રી પર પડી. જે બેઠક વગરના ઉંટ પર સવાર હતી. મેં પૂછયું કે એ કોણ છે? જવાબ મળ્યો કે ઉમ્મે કુલસુમ (સ.અ.). હું એ બીબીની પાસે ગયો અને કહ્યું, “આપ પર જે વિપત્તીઓ પડી તેનું વર્ણન કરો.”

તેમણે મને પૂછયું કે, “તું કોણ છો?” મેં કહ્યું કે હું બસરાનો રહેવાસી છું. પછી તેમણે ફરમાવ્યું કે “અય શખ્સ! હું ખૈમામાં હતી કે મેં અચાનક ઘોડાનો વિલાપ સાંભળ્યો. બહાર આવીને જોયું તો જીન ઝૂકી ગયેલું અને સવાર વગરનું હતું. હું ચીસ પાડી પાડીને રોવા લાગી. મારી સાથે બીજી બીબીઓએ પણ ફરિયાદ રૂદન કરવાનું શંરૂ કર્યુ.”

કુફા ૧૨ માહેર્રમ હિ.સ. ૬૧

એહલે હરમને કુફામાં લાવવામાં આવ્યા. હ. અલી ઈબ્નીલ હુસૈન (અ.સ.) ને એક પાલકી અને બેઠક વગરના ઉંટ પર બેસાડવામાં આવેલા. જેથી કરીને આપની રાંગમાંથી ખૂન ઝરી રહ્યું હતું. તે હઝરત રૂદન કરતાં કરતાં આ અશ્આર પડી રહ્યા હતા.

“અય કનીષ્ટ કૌમ! તારા ઘરો કદી આબાદ ન થાય! એ કૌમ કે જેણે અમારી સાથેના વર્તાવમાં અમારા નાના (રસુલે ખુદા સ.અ.વ.) નો પણ કંઈ માન-ખ્યાલ ન રાખ્યો. જો કયામતના દિવસે રસુલે ખુદા (સ.અ.વ.) તમોને પૂછશે તો શું બહાનું બતાવશો? અમોને ઉઘાડી પીઠવાળા ઉંટો પર એવી રીતે ફેરવી રહ્યા છો, જાણે અમે કદી તમારા વચ્ચે ધર્મનો ઝંડો ઉંચો જ ન હોતો કર્યો!”

કુફાવાળાઓ ઈ. હુસૈન (અ.સ.) ના બાળકો તરફ ખજુર અને અખરોટ ફેંકી રહ્યા હતા. ત્યારે જ. ઉમ્મે કુલસુમ (સ.અ.) રૂદન અને ફરિયાદ કરતા કરતા ફરમાવી રહ્યા હતા: “અય કુફાવાળાઓ સદકો અમો (અહલેબૈત) ઉપર હરામ છે.” આમ કહી તે બાળકો પાસેથી લઈને ફેંકી દેતી હતી.

લોકાનો ઘોંઘાટ આસ્તે આસ્તે આહો રૂદનમાં બદલાઈ ગયો હતો. ઉમ્મે કુલસુમ (સ.અ.) ફરમાવતા હતા: “તમારા પુરૂષોએ અમાર પુરૂષોને કતલ કર્યા અને હવે તમો અમારા હાલ પર રડો છો! તમે લોકોએ અમારા પર ઘણો અત્યાચાર કર્યો અમારી સાથે દુશ્મનાવટ અને વેરઝેર પ્રકટ કર્યા અને અમો ઉપર બહુ મોટા મોટા ઝુલ્મ કર્યા એ ઘણી અજબ વાત છે. નજીક છે કે (તમારા આવા ઝુલ્મોથી) આસમાન ફાટી પડે. ઝમીન અંદર ધસી જાય અને પહાડ ટુકડે ટુકડે થઈ જાય.”

હજી જ. ઉમ્મે કુલસુમ કુફાવાળાઓને સંબોધી જ રહ્યા હતા અને કુફાવાળાઓ રૂદનમાં વ્યસ્ત હતા ત્યાં જ જ. ઉમ્મે કુલસુમ (સ.અ.)ની નઝર હ. ઈ. હુસૈન (અ.સ.) અને બની હાશીમના અઢાર જવાનોના કપાયેલા મસ્તકો પર પડી અને આપ હિબકા ભરી ભરી રડવા લાગ્યા અને ફરી ફરમાવવા લાગ્યા:

“જ. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તમને જો સવાલ કરે કે તમે મારા પછી મારી એહલેબૈત સાથે કેવો વર્તાવ કર્યો તો શું જવાબ આપશો? જ્યારે કે તમે છેલ્લી ઉમ્મત (માંથી) છો. તમે કેટલાકને કૈદી બનાવ્યા અને કેટલાકને રકત રંગે રંગ્યા.”

સહલ શહરોઝી વર્ણવે છે કે: “આ વર્ષ જ્યારે હું હજ્જથી પાછા ફરતાં કુફા શહેરમાં આવ્યો તો જોયું કે બઝાર બંધ હતું. દુકાનોને તાળા લાગ્યા હતા અને અમૂક લોકો રોઈ રહ્યા હતા. જ્યારે કેટલાક ખુશી પ્રકટ કરી રહ્યા હતા.

હું એક શખ્સની પાસે ગયો અને પૂછયું “શું કારણ છે કે કેટલાક લોકો ખુશી મનાવી રહ્યા છે અને કેટલાક દુ:ખી અને ગમગીન દેખાય છે? શું એવી કોઈ ઈદ છે જે જાણમાં ન હોય?” આથી તેણે મારો હાથ પકડયો અને મને પકડીને એક તરફ લઈ ગયો અને ચીખ મારીને રોવા લાગ્યો અને કહ્યું: “જનાબ! ઈદ વીદ તો કંઈ નથી. પણ લોકોની જે આ ખુશી અને ગમ છે તે બે સૈન્યોને કારણે છે એક સૈન્યને વિજય મળ્યો. બીજું રહેંસી નાખવામાં આવ્યું.”

મેં સવાલ કર્યો કે “અય બે લશ્કર કોના હતા?” તેણે જવાબ આપ્યો કે “હ. ઈ. હુસૈન (અ.સ.) ના લશ્કરને કત્લ કરી નાખવામાં આવ્યું અને ઈબ્ને ઝિયાદના લશ્કરને વિજય પ્રાપ્ત થયો.” આમ કહી ફરી તેણે રડવાનું શરૂ કર્યુ.”

સહલ કહે છે કે હજી એની વાત પૂરી પણ નહોતી થઈ ત્યાં મેં જોયું કે લોકો બ્યુગલ વગાડતા અને ઝંડો લહેરાવતા ચાલ્યા આવે છે. આ રીતે લશ્કર કુફામાં દાખલ થયું અને મેં એક ઉંચો આવાઝ સાંભળ્યો. તેની પછી હ. ઈ. હુસૈન (અ.સ.) નું મસ્તક દેખાયું જેમાંથી પ્રકાશ ચમકી રહ્યો હતો. જ્યારે મારી નજર હ. ઈ. હુસૈન (અ.સ.) પર પડી તો રોતાં રોતાં માંરૂ પણ ગળું રૂંધાઈ ગયું.

એની પાછળ કૈદી ઔરતોને લાવવામાં આવી રહી હતી જેમની આગળ હ. અલી ઈબ્નુલ હુસૈન ઝૈનુલ આબેદીન (અ.સ.) હતા, જેમણે કુફાવાળાઓને સંબોધીને ફરમાવ્યું: “અય કુફાવાળાઓ! અમારી તરફથી આંખો બંધ કરી લો. શું તમોને અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) થી શરમ નથી આવતી? કે તમો રસુલે ખુદા (સ.અ.વ.) ના ખાનદાનની પવિત્ર ઔરતોની તરફ જોઈ રહ્યા છો! જ્યારે કે એમના ચેહરા બેનકાબ છે.”

યઝીદી કુફામાં હુસૈની કુરઆન

કૈદીઓના કાફલાને બની ખુઝૈમાના દરવાજા પાસે રોકી દેવામાં આવ્યો. ઈમામ હુસૈન (અ.સ.) નું મસ્તક એક ખૂબ લાંબા ભાલા પર હતું, જે સુરએ કહફની તિલાવત કરી રહ્યું હતું. સહલ કહે છે કે જ્યારે તે આ આયત પાસે પહોંચ્યા, કે “અમ’હસિબ્તુમ અન્ન અસ્હા-બલ કહફે વર્ર કીમ કાનૂ મિન આયાતેના અજબા?” યાને કે શું તમે એમ સમજો છો કે અસ્હાબે કહફ અને રકીમ અમારી અજાએબ નિશાનીઓમાંથી હતા?” તો હું રડવા લાગ્યો અને કહ્યું “અય રસુલે ખુદા (સ.અ.વ.) ના ફરઝંદ! બેશક આપનું સરે મુબારક સૌથી વધુ અજબ નિશાની છે.” આટલું કહેતાં જ જ. સહલ બેહોશ થઈને પડી ગયા અને જાગૃત થયા તો સુરાની તિલાવત પુરી થઈ ગઈ હતી.

ઈબ્ને ઝિયાદની મુંઝવણ

પછી અલહેબૈતે રસુલ (સ.અ.વ.) ને ઈબ્ને ઝિયાદ મલ્ઉનના દરબારમાં પેશ કરવામાં આવ્યા આલે રસુલ (સ.અ.વ.) ના કૈદીઓને બંધન વશ હાલતમાં ઉભા રાખવામાં આવ્યા. હ. ઈ. ઝૈનુલ આબેદીન (અ.સ.) મે ફરમાવ્યું “બહુ જલ્દીથી અમોને અને તમે લોકોને મયદાને કયામતમાં ઉભા કરવામાં આવશે અને અમોને તથા તમોને સવાલ કરવામાં આવશે. પણ તમારી પાસે આનો કોઈ જવાબ નહી હોય.”

ઈબ્ને ઝિયાદ ચુપ રહ્યો. અને કોઈ જવાબ ન આપ્યો. થોડીવાર પછી પવિત્ર સ્ત્રીઓની તરફ ફર્યો અને કહેવા લાગ્યો: “તમારામાંથી ઉમ્મે કુલસુમ કોણ છે?” પરંતુ ઉમ્મે કુલસુમ (સ.અ.) એ આનો કોઈ જવાબ ન આપ્યો. તેણે કહ્યું, “તમને તમારા જદ હ. રસુલે ખુદા (સ.અ.વ.) ના હકની કસમ મારી સાથે વાત કરો.” આથી હ. ઉમ્મે કુલસુમે ફરમાવ્યું, “તું શું કહેવા ચાહે છે?”

તે મલ્ઉન બોલવા લાગ્યો: “તમે લોકો ખોટું બોલ્યા અને તમારા નાનાએ અસત્ય વાદ આચર્યો એટલે આમ બદનામ અને રૂસ્વા થયા. અલ્લાહ તઆલાએ અમારા હાથોને તમારા સુધી પહોંચાડી દીધા.”

જ. ઉમ્મે કુલસુમ ફરમાવ્યું, “અય અલ્લાહના દુશ્મન! અય વ્યભિચારીના પુત્ર, તું ગુનેહગાર છો. બદનામી તો (કયામતના દિવસે) તારા નસીબમાં આવશે. જુઠો તો તુંજ છો. અલ્લાહની કસમ, આ આળને માટે તો તુંજ વધુ ઉપયુકત છો તને જહન્નમની ખબર આપું છું. (કે તું ત્યાંજ જવાનો છે).”

બેશરમ ઈબ્ને ઝિયાદ (લ.અ.) હસવા લાગ્યો અને કહ્યું, “જો જહન્નમમાં જાઉં તો પણ હવે તમારી આ હાલત જોયા પછી મને રાહત રહેશે.”

જ. ઉમ્મે કુલસુમે ફરમાવ્યું, “અય વ્યભિચારીના બેટા, તે અમો એહલેબૈતના રકતથી ધરતીને ધરવી દીધી.” ઈબ્ને ઝિયાદ (લ.અ.) કહેવા લાગ્યો: “અય બહાદુર દીલેર બાપની દીકરી! જો તમે સ્ત્રી ન હોત તો તમારી ગરદન ઉડાવી દેત.” જ્યારે જનાબે ઉમ્મે કુલસુમે તેની આવી વાત સાંભળી તો રડતા રડતાં આવા મતલબના શેર પડવા શરૂ કર્યા:

“મારા ભાઈને અત્યંત બેદર્દી અને બેરહેમીથી કતલ કરવામાં આવ્યા. તારી માના હાલ પર અફસોસ છે. બહુ જલ્દી તમારે જહન્નમમાં ભડકાઓથી પનારા પડનાર છે અને આવી પાશવી કામગીરીનો સીધો બદલો મળશે. મારા ભાઈને કતલ કરી નાખ્યા અને તેના કુટુંબ પર ઝુલ્મ (કરવો) વ્યાજબી જાણ્યો. તેમનો માલ સામાન લૂંટી લીધો અલ્લાહ તો જો કે આ બધુ જોઈ રહ્યો હતો. (પરંતુ તમે તેની પણ કોઈ પરવા ન કરી). ખુદાના હરમનું ખૂન વહાવ્યું. જ્યારે કે એના હરમ તે કુરઆન અને રસુલે ખુદા (સ.અ.વ.) ના હરમ હતા. પવિત્ર ઔરતોને ઉઘાડે મોઢે માથે જાહેર જગાઓમાં ઝિલ્લત અને સ્વાઈ (બદનામી) સાથે ફેરવી બચ્ચાઓને કતલ અને ઝબેહ કરવાનો ઈરાદો રાખો છો? આ વાતો મારા બુઝુર્ગ બાબા, નામદાર નાના, મહાન માતા અરે કોઈપણ શરીફ અને નેક લોકો માટે સખ્ત અને અસહ્ય છે. હાએ અફસોસ, સફરની હાલતમાં શહીદ થનાર (મારા ભાઈ!) તારા પર મારી જાન કુરબાન થાય. અફોસોસ (અમો) કૈદીઓના હાલ પર જેમને બંધનોમાં જકડીને ખેંચતા ખેંચતા લઈ જવામાં આવ્યા. હઝાર હઝાર અફસોસ મારા પર અને મારા ભાઈ પર કે જેનું મસ્તક ભાલાની અણી પર ચડાવી ફેરવવામાં આવ્યું.”

કૈદીઓને જ્યારે ઈબ્ને ઝિયાદ (લ.અ.) ના દરબારમાં લાવવામાં આવ્યા તો તેણે ડાબે અને જમણેથી તેમના પર નઝર કરી. જ. ઝયનબ (સ.અ.) ના લટકણિયા તથા ચાદર (કયારના) છિનવાઈ ગયા હતા. વાળ વિખરાયેલા હતા અને આપે હાથોથી પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો. ઈબ્ને ઝિયાદ (લ.અ.) આ પવિત્ર ઔરતો તરફ નઝર ફેરવી કહેવા લાગ્યો: “આ સ્ત્રી કોણ છે?”

લોકોએ કહ્યું, “તે હ. ઈ. હુસૈન (અ.સ.)ની બહેન ઝયનબ છે.”

ઈબ્ને ઝિયાદ પાક સ્ત્રીઓ તરફ ધ્યાન આપી કહેવા લાગ્યો: “તમને તમારા નાનાની કસમ મારી સાથે વાત કરો.”

જ. ઝયનબ (સ.અ.) એ ફરમાવ્યું: “શું કહેવા ચાહે છે?”

અય ખુદા અને તેના રસુલ (સ.અ.વ.) ના દુશ્મન! તે હરેક ભલા બુરા માણસની હાજરીમાં મારી બદનામી અને બેહુરમતી (અપમાનતા) કરવામાં કોઈ કસર બાકી નથી રાખી.”

ઈબ્ને ઝિયાદ (લ.અ.) એ કહ્યું, “તમે અલ્લાહના આ કાર્યને જોયું જે તેણે તમારી અને તમારા ભાઈ સાથે કર્યુ? તમારા ભાઈ યઝીદ (લ.અ.) પાસેથી ખિલાફત લેવા ચાહતા હતા, પરંતુ તેમની ઈચ્છા પૂરી ન થઈ અને તેમની આશા નિરાશામાં બદલાઈ ગઈ. ખુદાએ તેની વિરુદ્ધ અમારી મદદ કરી.”

જ. ઝયનબ (સ.અ.) એ ફરમાવ્યું: “તારી હાલત પર અફસોસ છે એ મરજાનાના બેટા! મારા ભાઈએ (કદી) ખિલાફતની ઈચ્છા (કરી જ ન હતી અને જો) કરી (પણ) હોત તો તે તેના નામદાર નાના અને મહાન પિતાનો વારસો (જ) હતો. (એટલેકે તેમણે એવી તમન્ના કરી જ ન હતી અને કરી પણ હોત તો તે તેમનો હક હતો અને હક માગવાનો શું પણ હક માટે લડવું પણ ગુન્હો કે દોષ પાત્ર કે શરમજનક પણ નથી) તું ફકત તારી જ ફિકર કર અને જ્યારે હ. મોહમ્મદ (સ.અ.વ.) મુદ્દઈ (વાદી-દાવેદાર), અલ્લાહ ફેંસલો કરનાર (ન્યાયધીશ) અને તારી સજા (જેલખાનું) જહન્નમ હશે તે દિવસે શું કહેવું તે માટે તારો જવાબ તૈયાર કરી રાખ.”

ફિદાકાર ફોઈ અને ગૈરતદાર (સ્વમાની) ભત્રીજો

હ. ઈ. ઝૈનુલ આબેદીનને ફોઈની આ સ્થિતિ જોઈ લજ્જા આવી અને ફરમાવ્યું: “અય ઝિયાદના દીકરા! મારી ફુઈમાને કયાં સુધી સતાવતો રહીશ? તું તો એમની ઓળખ એવા લોકો સુધી પહોંચાડી રહ્યો છે જે તેમને ઓળખતા નથી.”

ઈમામ (અ.સ.) ના આ બોલવા પર, ઈબ્ને ઝિયાદ ગુસ્સાથી તમતમી ગયો અને પોતાના ગુલામને હુકમ આપ્યો કે ઈમામ (અ.સ.)ની ગરદન ઉડાવી દે.

એ ગુલામ ઈમામ (અ.સ.) ની તરફ વધ્યો. હઝરત ઝયનબ (સ.અ.) ઈમામ (અ.સ.) ને બચાવવા વચ્ચે પડયા અને ગર્જ્યા “હાય! શું મારા બેટાને કત્લ કરવા માંગે છે? એ ઝિયાદના બેટા! શું ફરી તું અમારે માટે અફસોસજનક પ્રસંગ ઉભો કરવા માંગે છે?” આ સાંભળી ઈબ્ને ઝિયાદ (લઅન) ખચકાઈ ગયા અને કત્લ ન કરી શકયો.

કપાએલું માથું… કુરઆનની તિલાવત… મલાએકાની આવાઝ

ઈબ્ને ઝિયાદ મલઉને, ખુલી અસ્બહીને બોલાવી હુકમ આપ્યો કે: “આ માથાને લઈ જા. જ્યાં સુધી ન માંગુ ત્યાં સુધી તારી પાસે રાખજે.” ખુલી કપાએલા ઈમામ હુસૈન (અ.સ.) ના માથાને પોતાના ઘરે લઈ આવ્યો.

એની બે પત્નીઓ હતી. એક “મઝર” નામના કબીલાની હતી જ્યારે બીજી “તગલબ” કબીલાની. પહેલે મઝરવાળી પત્નીને ઘરે ગયો. પત્નીએ પૂછયું: “આ માથું કોનું છે?” એ બોલ્યો: “ઈ. હુસૈન (અ.સ.)નું.” પત્નીએ કહ્યું કે “પાછું લઈ જા.” અને એક લાકડી ઉપાડી ખુલીને મારવા લાગી. કહેતી હતી: ખુદાની કસમ, ન તો હું તારી પત્ની છું, ન તું મારો ધણી.

ખુલી ત્યાંથી નીકળી બીજી પત્ની પાસે આવ્યો. એ સ્ત્રીએ પણ પૂછયું, આ કોનું માથું છે? જવાબ મળ્યો: “આ એક ખારજીનું માથું છે જેણે ઈરાકમાં ચઢાઈ કરી હતી. ઈબ્ને ઝિયાદે એને કત્લ કરી નાખ્યા.” પત્નીએ પૂછયું: “એમનું નામ શું છે?” ખુલીએ જવાબ ન આપ્યો. એ પછી ખુલીએ માથું મુબારક, એક ખૂણામાં મૂકી દીધું અને સુઈ ગયો.

એની પત્ની કહે છે કે મેં આ માથામાંથી સવાર સુધી કુરઆનની તિલાવત સાંભળી. છેલ્લી આયત આ હતી: “વ સયાલમુલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલેબીન યનકલેબુન.”

એટલે “બહુ જ જલ્દી એ લોકો જાણી લેશે જે લોકોએ ઝુલ્મ કર્યા છે, કે કઈ પાછા ફરવાની જગ્યાએ એ લોકો પાછા ફર્યા છે.”

પછી મેં માથાની ચારે બાજુ વીજળીના ગગડાટનો અવાજ સાંભળ્યો. હું સમજી ગઈ કે ફરીશ્તાઓ ખુદાની તસ્બીહ કરી રહ્યા છે.”

ઈમામ હુસૈન (અ.સ.) નું માથું મુબારક કુફાની ગલીઓમાં

ઈબ્ને ઝિયાદ (લઅન) એ ઈમામ હુસૈન (અ.સ.)નું માથું મંગાવી ઉમર બીન જાબીર મખ્ઝુમીને હવાલે કર્યું અને હુકમ કર્યો કે કુફાની ગલીઓમાં ફેરવવામાં આવે.

ઝૈદ બીન અરકમ કહે છે: “હું મારા ઘરમાં ઉપરના મજલે બેઠો હતો. મેં ઈ. હુસૈન (અ.સ.) નું માથું, એક લાંબા ભાલા પર જોયું જે મારી સામેથી પસાર થઈ રહ્યું હતું. મેં ઈ. હુસૈન (અ.સ.) ના માથાને આ આયત તિલાવત કરતા સાંભળ્યું: “અમ હસીબતુમ અન અસ્હાબીલ કહફ વરરકીમ કાનુ મીન આયાતેના અજબા.”

એટલે: “તું એવો વિચાર કરે છે કે અસ્હાબે કહફ અને રકીમનો કિસ્સો અમારી કુદરતની શકિતની નિશાનીઓમાંથી અજાબ પમાડે તેવી છે?”

આ સાંભળી મારા રૂવાળા ઉભા થઈ ગયા. મોઢું સુકાઈ ગયું અને મેં જોરથી કહ્યું: એ ફઝંદે રસુલ (સ.અ.વ.) આપના મુબારક માથાનો કિસ્સો તો એનાથી (અસ્હાબે કહફ અને રકીમના કિસ્સાથી) બહુ જ વધારે અજબ કિસ્સો છે. (“મકતલે અબી મખનફ” તરજુમો ફારસીમાંથી)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *