ઇમામે અસ્ર (અ.સ.)ની નજદિકી મેળવવા માટે વ્યવહારૂ જરૂરતો
ઇમામે અસ્ર (અ.સ.)ની નજદિકી મેળવવા માટે વ્યવહારૂ જરૂરતો
માનનીય વાંચકો, બે મહત્ત્વના વિષયો, ઇમામત અને ઇમામે અસ્ર (અ.સ.)ની ઇમામતના મહત્ત્વ પછી એવા ક્યા કાર્યો છે જે આપણને ઇમામે ઝમાના (અ.સ.)થી નજીક કરી શકે? અને એવી કઇ બાબતો છે જેના વડે આપણે તેમની દોઆઓમાં શામેલ થઇ શકીએ. આ સંદર્ભમાં અમૂક બાબતો આપની ખિદમતમાં રજુ કરવાની ખુશનસીબી પ્રાપ્ત કરીએ છીએ.
૧. મઝહબ ઉપર સાબિત કદમ રહેવું.
અત્યારે આપણા બારમા ઇમામ હઝરત હુજ્જત ઇબ્નિલ હસન અલ અસ્કરી (અ.સ.) અલ્લાહ તઆલાના હુકમથી ગૈબતમાં છે. તેઓ (અ.સ.) આપણને જોઇ રહ્યા છે. પરંતુ આપણે આપણા ગુનાહો અને અમુક ઇલાહી મસ્લેહતોને લીધે તેમના દિદારથી વંચિત છીએ. આ ઝમાનામાં મઝહબ ઉપર સાબિત કદમ રહેવું આસાન કામ નથી. ખાસ કરીને એ પરિસ્થિતિમાં કે જ્યારે દરેક બહેકાવવાવાળા પોતાની જાળો પાથરીને બેઠા છે.
હઝરત ઇમામ ઝૈનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે :
‘અમારા કાએમ (અ.સ.)ના ગયબતના ઝમાનામાં જે અમારી વિલાયત અને મોહબ્બત ઉપર સાબિત કદમ રહેશે અલ્લાહ તઆલા તેને બદ્ર અને ઓહદના શહીદોની જેમ હજાર શહીદોનો અજ્ર અને સવાબ અતા કરશે.’
(બેહાર, ભાગ – ૫૨, પાના નં. ૧૨૫, હદીસ નં. ૧૩)
હજાર શહીદો અને તે પણ બદ્ર અને ઓહદના શહીદોની જેટલો અજ્ર અને સવાબ મળવો એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે ગયબતના ઝમાનામાં હક્ક મઝહબ ઉપર એટલે કે એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને મોહબ્બત ઉપર સાબિત કદમ રહેવું લડાઇના મેદાનમાં શહીદ થવા કરતાં વધારે કઠિન અને સબ્રનું કાર્ય છે.
૨. ઝુહુરનો ઇન્તેઝાર કરવો :
આજના ઝમાનાની એક મહત્ત્વની જવાબદારી ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર કરવો છે. હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)એે ફરમાવ્યું :
‘ઝુહુર અને આસાનીઓનો ઇન્તેઝાર કરો, અલ્લાહની રહેમતથી માયુસ ન થાવ કારણકે અલ્લાહની નજદિક સૌથી વધુ પસંદનીય કાર્ય ઝુહુરનો ઇન્તેઝાર છે.’
(બેહાર, ભાગ – ૫૨, પાના નં. ૧૨૩, હદીસ નં. ૭)
ઇન્તેઝારની એક નિશાની એ પણ છે કે આપણે દરેક વાજીબ અને મુસ્તહબ નમાઝો પછી ઇમામ (અ.સ.)નો જલ્દી ઝુહુર થાય તે માટે દોઆ કરીએ અને વાજીબ નમાઝોના કુનુતમાં દોઆ ‘અલ્લાહુમ્મા કુન્લે વલીય્યેક…. ’ પાબંદીની સાથે પઢીએ.
૩. એહલેબૈત (અ.મુ.સ.)ના ઇલ્મોનો પ્રચાર અને પ્રસાર:
અલ્લાહ તઆલાએ એહલેબૈત (અ.મુ.સ.)ને તમામ ઇલ્મોનું કેન્દ્ર બિન્દુ અને સ્ત્રોત નિયુક્ત કર્યા છે. અલ્લાહ તઆલાએ એહલેબૈત (અ.મુ.સ.)ના ફરમાનોમાં તે સત્યતા અને આકર્ષણ મુક્યું છે કે અગર લોકોને તેનું સાચું ભાન થઇ જાય તો આપોઆપ તેઓ ખેંચાઇને એહલેબૈત (અ.મુ.સ.)ની ચૌખટ ઉપર આવી જાય. હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :
‘ઇન્તેઝાર કરવાવાળો એક સમૂહ એવો છે જે અમારાથી મોહબ્બત કરે છે અને અમારા ફરમાનોનું રક્ષણ કરે છે. અમારો હુકમોની ઇતાઅત કરે છે અને અમારી મુખાલેફત નથી કરતા. આ લોકો અમારાથી છે અને અમે તેઓથી છીએ.’
(બેહાર, ભાગ -૭૫, પાના નં. ૩૮૦)
આ ઝમાનામાં જ્યારે દરેક પોત-પોતાના ગુણગાન ગાઇ રહ્યું છે. બાતિલ અલગ-અલગ રીતે શણગારીને પેશ કરવામાં આવે છે. જેના લીધે દુનિયાની તબાહીમાં રોજબરોજ વધારો થતો જાય છે. આ પરિસ્થિતિમાં દુનિયાને એવા આબે હયાતની જરૂરત છે જે અઇમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની હદીસોના સ્વરૂપે આપણી પાસે મૌજુદ છે. એ બહુમૂલ્ય મોતીઓ અને લા જવાબ રત્નોને કિતાબોના ખજાનામાંથી બહાર કાઢીને લોકો સુધી પહોંચાડવા એ આપણી મહત્ત્વની જવાબદારી છે.
હઝરત ઇમામ અલી રઝા (અ.સ.) ફરમાવે છે :
‘અગર લોકો અમારા ફરમાનની ખૂબીઓથી માહિતગાર થઇ જાય તો અમારી પૈરવી કરવા લાગે.’
(વસાએલુશ્શીઆ, ભાગ – ૨૭, પાના નં. ૨૯, હદીસ નં. ૩૩૨૯૭)
૪. યુવા પેઢીનું રક્ષણ :
અસંખ્ય રિવાયતો દ્વારા એ બાબત સ્પષ્ટ છે કે એહલેબૈત (અ.મુ.સ.) પોતાના શીઆઓ, દોસ્તો અને તેમને ચાહવાવાળાઓને ખુબ વધારે મોહબ્બત કરે છે અને તેમના માટે દોઆ કરે છે.
શું એ વાત બરદાશ્ત થઇ શકે તેવી છે કે એક બાળક જે શીઆ ઘરમાં પૈદા થયું હોય અને જેને તેની માંના દૂધ પહેલા ખાકે શીફા ચખાડવામાં આવી હોય, જેની ગળથુથીમાં એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બતને દાખલ કરવામાં આવી હોય તે દુનિયાની રંગીનીઓમાં, પશ્ર્ચિમી – સંસ્કૃતિમાં, કેબલ અને ઇન્ટરનેટ કલ્ચરમાં સપડાઇને હક મઝહબથી દુર થઇ જાય? અથવા તો તેના દિમાગમાં એહલેબૈત (અ.મુ.સ.)ના મઝહબ સંબંધિત સવાલો તથા શંકા, કુશંકાઓ પૈદા થવા લાગે?
આજના ઝમાનામાં અલગ – અલગ અને વિવિધ પ્રકારે શીઆઓના અકીદાઓ ઉપર હુમલો થઇ રહ્યો છે. આથી આ ગયબતના ઝમાનામાં આપણી દરેકની મહત્ત્વની જવાબદારી આપણી યુવાપેઢીના રક્ષણની છે તથા તેમની સાચી અને યોગ્ય મઝહબી તઅલીમ અને તરબીયતની છે. આપણી જવાબદારી છે કે આપણે નવી પેઢીને એહલેબૈત (અ.મુ.સ.)ના ઇલ્મથી એવી રીતે સુસજ્જ કરી દઇએ કે દુનિયાની કોઇપણ તાકત તેમને એહલેબેત (અ.મુ.સ.)ના રસ્તાથી દૂર ન કરી શકે.
જે લોકો આ પ્રકારનું કામ કરે છે તેમનો અલ્લાહની બારગાહમાં ખુબ જ ઉચ્ચ દરજ્જો છે. રિવાયતમાં છે કે :
‘અમારા આલિમો સરહદોનું રક્ષણ કરી રહ્યા છે જ્યાં ઇબ્લીસ અને તેના સમૂહો હુમલો કરવા તૈયાર હોય છે. આ આલિમો તે શૈતાનોને કમજોર શીઆઓ ઉપર હુમલો કરવાથી રોકે છે તથા ઇબ્લીસ અને તેના સમૂહને તેઓ ઉપર વર્ચસ્વ મેળવવા દેતા નથી.
હા, જાણી લ્યો કે અમારા શીઓઓમાંથી જે આ કામમાં આગળ આવશે અને આ મહત્ત્વની જવાબદારી અદા કરશે તેઓનો દરજ્જો એ સિપાહીઓથી દસ લાખ ગણો વધારે છે જે ઇસ્લામના દુશ્મનોથી જંગ કરે છે.’
ત્યાર બાદ આ ફઝીલત અને ઉચ્ચતાનું કારણ પણ ફરમાવે છે :
‘એ માટે કે આ લોકો અમારા દોસ્તોના મઝહબનું રક્ષણ કરે છે જ્યારે કે સિપાહીઓ માત્ર શરીરનું રક્ષણ કરે છે.’
(એહતેજાજે તબરસી : ૧૭)
માનનીય વાંચકો, આ હદીસ ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આ ઝમાનામાં યુવાન અને નવ યુવાન પેઢીનું રક્ષણ કેટલું મહત્ત્વનું કાર્ય છે.
જે લોકો આ મહત્ત્વની ખિદમત કરી રહ્યા છે અલ્લાહ તબારક વ તઆલા મોહમ્મદ અને આલે મોહમ્મદ (સ.અ.વ.)ના તુફૈલમાં તેમની તૌફીકમાં વધારો કરે, તેમની મદદ, નુસ્રત અને તાઇદ કરે તથા તેમને દુશ્મનોની ઇજાઓથી સુરક્ષિત રાખે.
ઇલાહી આમીન.
૫. દોઆએ ગરીક પઢવી :
આ ગયબતના ઝમાનામાં મઝહબની હિફાઝત સૌથી મહત્ત્વની જવાબદારી છે. અલ્લાહ તઆલાએ આપણને એહલેબૈત (અ.મુ.સ.)ના દરથી જોડીને, આપણા દિલોને તેમની મોહબ્બતથી પ્રકાશિત કરીને એવો મહાન ઉપકાર કર્યો છે કે જેનો શુક્ર અદા કરવો દરેકના ગજા બહારની વાત છે. એહલેબૈત (અ.મુ.સ.)નો બેશુમાર કરમ છે કે તેમણે આપણને આ ગયબતના ઝમાનાની તકલીફોથી આગાહ કર્યા છે. તેમાં ઉપસ્થિત થનાર ફીત્નાઓ તરફ આપણું ધ્યાન દોર્યંુ તેમજ તે બલાઓથી સુરક્ષિત રહેવાની રીતો શીખવી.
હઝરત ઇમામ જાઅફરે સાદિક (અ.સ.)એ ઇબ્ને સનાનને ફરમાવ્યું:
‘અનકરીબ એવા ફીત્નાઓ માથું ઉંચકશે કે જેમાં ન કોઇ પરચમ દેખાશે અને ન કોઇ માર્ગદર્શન આપનાર ઇમામ જાહેર હશે. શંકા – કુશંકાઓના ઝમાનામાં ફક્ત તેજ નજાત પામશે જે દોઆએ ગરીક પઢશે.’
ઇબ્ને સનાને અરજ કરી અય મૌલા! દોઆએ ગરીક શું છે?
ફરમાવ્યું : ‘દોઆએ ગરીક આ છે.’
یَا اَللّٰہُ یَا رَحْمَانُ یَا رَحِیْمُ یَا مُقَلِّبَ الْقُلُوْبِ ثَبِّتْ قَلْبِیْ عَلٰی دِیْنِکَ۔
‘અય અલ્લાહ! અય રહમાન! અય રહીમ! અય દિલોને પલટાવનાર! મારા દિલને તારા મઝહબ ઉપર સાબિત કદમ રાખ.’
ઇબ્ને સનાને આ મુજબ દોઆ પઢી.
મોકલ્લેબલ કોલુબની સાથે વલ અબ્સાર શબ્દનો ઉમેરો કર્યો.
یَا مُقَلِّبَ الْقُلُوْبِ وَالْاَبْصَارِ ثَبِّتْ قَلْبِیْ عَلیٰ دِیْنک۔
ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :
‘અલ્લાહ ખરેખર મોકલ્લેબલ કોલુબ વલ અબ્સાર છે, પરંતુ તમે એવી રીતે પઢો જેવી રીતે મેં ફરમાવ્યું છે.’
(બેહાર, ભાગ – ૫૨, પાના નં. ૧૪૯, હદીસ નં. ૭૩)
‘ગરીક’તેને કહેવામાં આવે છે જે પાણીમાં ડૂબી રહ્યો હોય. કદાચ ઇમામનો ઇશારો એ તરફ હોય કે જેમ પાણી ઇન્સાનની ભૌતિક જીંદગીને ખતમ કરી નાખે છે અને ઇન્સાનને ડુબાડીને મારી નાખે છે તેવી જ રીતે અલગ – અલગ શંકા – કુશંકાઓ ઇન્સાનની મઝહબી અને રૂહાની ઝીંદગીને ખતમ કરી નાખે છે અને ઇન્સાનને હલાક કરી નાખે છે. આથી જ્યારે આ પ્રકારના બલાઓના મોજા ચોતરફથી ઉછળી રહ્યા હોય ત્યારે ઇન્સાનને જોઇએ કે અલ્લાહની બારગાહમાં કરગરીને પોતાની હિફાઝતની દોઆ કરે.
આવો આપણે અહદ કરીએ કે આપણે પાબંદીની સાથે આ દોઆ પઢીશું.
અલ્લાહ તબારક વ તઆલા મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલની અઝમતોના સદકામાં આપણા ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કરે.
આપણને દરેકને આ ઝમાનાના ફીત્નાઓથી સુરક્ષિત રાખીને એહલેબૈત (અ.મુ.સ.)ના મઝહબ ઉપર જીંદગીના અંતિમ શ્ર્વાસ સુધી સાબિત કદમ રહેવાની ખુશનસીબી અતા કરે અને આપણે સૌને ઇમામે ઝમાના (અ.સ.)ના ખિદમત ગુઝારોમાં શામીલ કરે. આમીન
٭ ٭ ٭ ٭ ٭
Comments (0)