ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ

ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ

માનનીય વાંચકો પ્રથમ આપણે ‘ઇમામતના અકીદાનું મહત્ત્વ’સંબંધિત અમૂલ્ય બાબતો વાંચી. હવે આપ તમામની ખિદમતમાં એ અરજ કરવાની તૌફીક પ્રાપ્ત કરીએ છીએ કે જ્યારે ઇમામતનો અકીદો એટલી હદે મહત્ત્વનો છે કે તેના વગર આપણો કોઇપણ અમલ કબુલ થવાને પાત્ર નથી. તો આ સમયે અને આજના ઝમાનામાં આપણે કોની ઇમામતનો અકીદો રાખીએ છીએ જેના આધારે આપણા અમલ અલ્લાહ તઆલાની બારગાહમાં કબુલ થવાને પાત્ર બને. જેથી કરીને આપણે કયામતમાં એક સફળ જીવન પસાર કરી શકીએ.

આજે ઇમામે ઝમાના (અ.સ.)ની ઇમામતનો અકીદો અને તેમની મઅરેફત કેટલું મહત્ત્વ ધરાવે છે આ હકીકત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આ મુબારક હદીસ દ્વારા સ્પષ્ટ થાય છે.

હઝરત રસુલુલ્લાહ  (સ.અ.વ.) ફરમાવે છે.

مَنْ مَاتَ وَ لَمْ یَعْرِفْ اِمَامَ زَمَانِہٖ مَاتَ مِیْتَۃً جَاھِلِیَّۃً

‘જે કોઇ પોતાના ઝમાનાના ઇમામની ઓળખાણ  વગર મરી જાય તે જાહિલની મોતે મરે છે.’

ઉપરોક્ત વિષયની બીજી એક હદીસમાં હઝરત રસુલુલ્લાહ  (સ.અ.વ.) ફરમાવે છે :

مَنْ لَمْ یَعْرِفْ اِمَامَ زَمَانِہٖ مَاتَ مِیْتَۃً جَاہِلِیَّۃً

‘જે કોઇ પોતાના ઝમાનાના ઇમામની મઅરેફત ન ધરાવતો હોય તેની મૌત જાહેલિય્યતની મૌત હશે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૮, પાના નં. ૩૬૮)

ઉપરોક્ત બંને હદીસોને તથા આ સંદર્ભની બીજી ઘણી બધી હદીસોને શીઆ અને સુન્ની બંને આલિમોએ પોતાની ભરોસાપાત્ર કિતાબોમાં નોંધ કરી છે. એહલે સુન્નતના લગભગ ૭૦ (સિત્તેર) આલિમોએ પોતાની કિતાબોમાં આ વિષયની હદીસોની નોંધ કરી છે.

એ ઉપરાંત પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના સાતથી વધુ સહાબીઓ દ્વારા આ હદીસોની નોંધ કરવામાં આવી છે. આ પછી આ હદીસોના સહીહ અને ભરોસાપાત્ર હોવામાં લેશમાત્ર પણ શંકા બાકી રહેતી નથી. દુનિયાના તમામ મુસલમાનો એ વાત ઉપર એકમત છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની સહીહ અને ભરોસાપાત્ર હદીસ કુરઆને કરીમની આયતોની જેમ ભરોસાપાત્ર અને પ્રમાણિત છે. એટલે કે તેના ઉપર અમલ કરવો દરેક મુસલમાનની જવાબદારી છે. તેનો ઇન્કાર કરવો કુફ્ર અને તેનાથી વિમુખ થઇ જવું ઝલાલત અને ગુમરાહી છે.

આ હદીસમાં અમૂક બાબતો ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

૧.  જાહેલિય્યતથી મુરાદ શું છે?

૨.  જાહેલિય્યતની મૌત કોને કહેવામાં આવે છે?

૩.  મએરફતથી મુરાદ શું છે?

૪.  આપણા ઝમાનાના ઇમામ એટલે કે ‘ઇમામે ઝમાના’થી મુરાદ ક્યા ઇમામ છે?

અલબત્ત એ વાત પણ ધ્યાનમાં રહે કે હદીસનું સંબોધન એવું છે કે તે દરેક વ્યક્તિને સંબોધન છે. ‘મન માત’એટલે કે જે કોઇ મરી જાય, ‘વ લમ યઅરીફ ઇમામ ઝમાનેહી’અને તે પોતાના ઝમાનાના ઇમામની મઅરેફત ન ધરાવતો હોય, ‘માત મિતતન જાહેલિય્યહ’તેની મૌત જાહેલિય્યતની મૌત હશે.

આ હદીસથી કોઇ પણ વ્યક્તિ પોતાની જાતને જુદી કે અલગ કરી શકતી નથી. હઝરત રસુલુલ્લાહ  (સ.અ.વ.)ની આ મુબારક હદીસનું સંબોધન આપ (સ.અ.વ.)ના ઝમાનાથી લઇને કયામત સુધીની દરેક વ્યક્તિને છે.

આથી આજે જે શખ્સ જાહેલિય્યતની મૌતથી સુરક્ષિત રહેવા ઇચ્છતો હોય તેની એ જવાબદારી છે કે તે પોતાના સમયના ઇમામની મઅરેફત હાસિલ કરે. તથા અહિં એ વાત પણ તદ્દન સ્પષ્ટ થઇ જાય છે કે ઇમામત ઉસુલે દીનમાં છે નહિં કે ફુરૂએ દીનમાં.

૧. આવો જોઇએ ‘જાહેલિય્યત’થી મુરાદ શું છે?’

કુરઆને કરીમની આયતોની રોશનીમાં ઇસ્લામથી પહેલાના ઝમાનાને જાહેલિય્યતનો ઝમાનો કહેવામાં આવે છે. એટલે કે તે સમયગાળો જ્યારે ઇસ્લામના સૂરજનો ઉદય થયો ન હતો. રિસાલતના સૂરજની રોશની પ્રકાશિત થઇ ન હતી. આ સમયગાળાને જાહેલિય્યતનો ઝમાનો કહેવામાં આવે છે. જે ઝમાનામાં ઇન્સાન શિર્ક અને કુફ્રના અંધકારમાં જીવન પસાર કરી રહ્યો હતો. ચોતરફ શિર્ક અને કુફ્રનું વાતાવરણ હતું, અકીદાઓ અને વિચારધારાઓમાં જબરદસ્ત વિરોધાભાસ હતો, દરેક પોતાની આંખો બંધ કરીને અંધકાર તરફ આગળ વધતા હતા, સામુહિક રીતે લોકો જાતીય ઉચ્ચ-નીચના શિકાર હતા. એક બીજાના લોહીના તરસ્યા હતા. વંશીય અને ભાષાકીય પક્ષપાત (અરબ અને ગૈર અરબ)ના શિકાર હતા. તે સમયમાં ઇલ્મ અને અક્કલનો પ્રકાશ દૂર – દૂર સુધી ક્યાંય નજરે પડતો ન હતો. સ્ત્રીઓમાં શરમ અને પાકદામનીની ગૈરત જેવી કોઇ બાબત જોવા મળતી ન હતી. બદકાર્યો સામાન્ય હતા. પિતા સમાજના મ્હેણાં – ટોણાથી બચવા પોતાના હાથે પોતાની દીકરીઓને જીવતી દફન કરી દેતાં હતાં.

હા, અગર તે ઝમાનામાં કોઇ વસ્તુ તરક્કી ઉપર હતી તો તે હતી શેર અને શાયરી, તેમાં ફક્ત શબ્દોની સુંદરતા સિવાય કોઇ તાર્કિક કે રૂહાની ઉંડાઇ ન હતી. અગર વખાણ હતા તો બદકાર્યોના, શરાબના, ઉંટના, ઘોડાઓના અથવા તો તેમની શાયરીઓમાં ફાડીખાનાર જાનવર જેવી તેમની વર્તણુંકનો ઉલ્લેખ હતો જે એક કબીલાવાળા બીજા કબીલાવાળા સંબંધિત અંજામ આપતા હતા. ઝુલ્મોની એ કહાનીઓ ખુબજ ફખ્રની સાથે અરબોના વાર્ષિક મેળાવડાઓમાં બયાન કરવામાં આવતી.

કુરઆને કરીમે સુરએ આલે ઇમરાન આયત નં ૧૫૪, સુરએ અહઝાબ આયત નં. ૩૩, સુરએ માએદાહ આયત નં. ૫૦ અને સુરએ ફત્હ આયત નં. ૨૬માં ‘જાહેલિય્યત’શબ્દનો ઉપયોગ કર્યો છે. દરેક જગ્યાએ તે એ અકીદાઓ, વિચારશ્રેણીઓ, વર્તન અને રિત-રિવાજોના અર્થમાં છે જે ઇસ્લામ આવવા પહેલાં પ્રચલિત હતા.

આનાથી એ તદ્દન સ્પષ્ટ છે કે અગર કોઇ શખ્સ ઇમામે વક્તની મઅરેફત ન ધરાવતો હોય તો તેની જીંદગી ઇસ્લામથી પહેલાંની જીંદગી હશે કે જેમાં ફક્ત અને ફક્ત અંધકાર અને ગુમરાહી જ હતી. તેની જીંદગીને કુફ્રની જીંદગી કહેવામાં આવી છે.

૨. જાહેલીય્યતની મૌત

અહિંયા બીજી બાબત પણ સ્પષ્ટ થઇ જાય છે કે જાહેલિય્યતની મૌતથી મુરાદ કુફ્રની મૌત છે. કુફ્રની મૌતના સંબંધમાં કુરઆને કરીમ સુરએ બકરહની આયત નં. ૧૬૧-૧૬૨માં બયાન ફરમાવે  છે કે :

اِنَّ الَّذِیْنَ کَفَرُوْا وَمَاتُوْا وَہُمْ کُفَّارٌ اُولٰٓئِکَ عَلَیْہِمْ لَعْنَۃٌ اﷲِ وَالْمَلٰٓئَکَۃِ وَالنَّاسِ اَجْمَعِیْنَ  خٰلِدِیْنَ فِیْہَاج لاَ یُخَفَّفُ عَنْہُمُ الْعَذَابُ وَلاَ ہُمْ یُنْظَرُوْنَ

“બેશક તે લોકોએ કુફ્ર ઇખ્તેયાર કર્યંુ અને કુફ્રની હાલતમાંજ મૃત્યુ પામ્યા તેઓ ઉપર જ અલ્લાહની લઅનત અને ફરિશ્તાઓની તથા તમામ લોકોની લઅનત છે. હંમેશા તે જ ફીટકારમાં રહેશે ન તો તેમના અઝાબમાં ઘટાડો કરવામાં આવશે અને ન તો તેમને અઝાબમાંથી મોહલત આપવામાં આવશે.

જાહેલિય્યતની મૌત એ કુફ્રની મૌત છે. અને કુફ્રની મૌતનું પરિણામ અલ્લાહની લઅનત છે, ફરિશ્તાઓની લઅનત અને તમામ લોકોની લઅનત છે. તેમજ તે હંમેશા રહેવાવાળો અઝાબ છે જેમાં જરાપણ ઓછપ કે ઘટાડો કરવામાં આવશે નહિં.

આ ચર્ચાની રોશનીમાં ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ આપોઆપ સ્પષ્ટ થઇ જાય છે. દરેક તે વ્યક્તિ કે જે પોતાના ઝમાનાના ઇમામ (અ.સ.)ની મઅરેફતથી વંચિત છે તેણે હંમેશના અઝાબની રાહ જોવી જોઇએ. તે બાબત કે જે તેને એ હંમેશના અને દર્દનાક અઝાબથી બચાવી શકે છે તે છે ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફત. આ વાત બયાન કરી ચૂક્યા છીએ કે ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફત એ એવી વ્યાપક મઅરેફત છે જેમાં અલ્લાહ, રસુલ અને બીજા ઇમામોની મઅરેફત શામેલ છે. આ સિલસિલામાં આપનું ધ્યાન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની એક હદીસ તરફ દોરવું યોગ્ય ગણાશે.

મૌલા નહજુલ બલાગાહના ખુત્બા નં.૧૫૨માં ઇરશાદ ફરમાવે છે.

وَ اِنَّمَا الْاَئِمَّۃُ قُوَّامُ اللّٰہِ عَلٰی خَلْقِہٖ وَ عُرَفَاؤُہٗ عَلٰی عِبَادِہٖ وَلاَ یَدْخُلُ الْجَنَّۃَ اِلاَّ مَنْ عَرَفَہُمْ وَ عَرَفُوْہُ وَلاَ یَدْخُلُ النَّارَ اِلاَّ مَنْ اَنْکَرَہُمْ وَ اَنْکَرُوْہُ۔

‘ખરેખર મઝહબના સાચા માર્ગદર્શક, અઇમ્મા (અ.મુ.સ.) અલ્લાહ તરફથી તેની મખ્લુકાતના સરપરસ્ત અને જવાબદાર છે. આ લોકો અલ્લાહના બંદાઓ ઉપર અલ્લાહ  તરફથી દેખરેખ રાખનાર અને હિફાઝત કરનાર છે. જન્નતમાં દાખલ નહિં થાય, પરંતુ તે કે જે એમની મઅરેફત ધરાવતો હશે અને તેઓ તેને ઓળખતા હશે તથા જહન્નમમાં જશે એ કે જે એમની સાચી ઇમામતનો ઇન્કાર કરશે અને તે કે જેઓની આ હઝરાત પોતાના માનવાવાળાઓમાં ગણતરી નહિં કરે.’

૩. હવે રહી ત્રીજી બાબત કે ‘મઅરેફતથી મુરાદ શું છે?’

આ બાબત અત્યંત મહત્ત્વની છે કારણકે આ હદીસનો પાયાનો હેતુ ઇમામની મઅરેફત છે. આથી મઅરેફતનો પ્રશ્ર્ન અત્યંત મહત્ત્વનો છે. આ વાત દરેક માટે તદ્દન સ્પષ્ટ છે કે ઇમામની મએરફત એટલે ફક્ત એટલી જાણકારી પુરતી નથી કે ઇમામનું નામ શું છે? તેમના માતા – પિતાનું નામ શું છે? તેમનું ખાનદાન ક્યું છે? તેમની વિલાદતની તારીખ કઇ છે? અથવા તો તેમનું રહેઠાણ ક્યાં છે?

તેવી જ રીતે તેમની મુલાકાત કરવી, તેમને સલામનો જવાબ આપવો, ક્યારેક ક્યારેક તેમની સેવામાં હાજર થવું અથવા તેમનાથી ઇલ્મી ફાયદો હાંસિલ કરવો. આ બધી બાબતો ઇમામની મઅરેફત નથી તેમજ આ બધી માહિતીઓ ઇન્સાનને જાહેલિય્યતની મૌતથી છુટકારો પણ અપાવી શકતી નથી.

તેનું કારણ એ છે કે ઇતિહાસમાં એવા અસંખ્ય લોકો નજર પડે છે કે જેઓને ઇમામના બારામાં આ બધી જ બાબતોની માહિતી હતી પરંતુ તે છતાં તેમના સખત દુશ્મન હતા તથા ઇમામના લોહીના તરસ્યા હતા.

હઝરત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની રહેલત પછી એવું કોણ હતું જે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ના બારામાં ઉપરોક્ત તમામ માહિતીઓથી અજાણ હોય? કોણ એવું હતું જે હઝરત અલી (અ.સ.)ના નામ, લકબ, ખાનદાન, શોર્ય, બહાદુરી અને બીજી ખૂબીઓથી જાણકાર ન હોય? પરંતુ તેમ છતાં તે લોકો એહલેબૈત (અ.સ.)ના ખાનદાન ઉપર બદતરીન ઝુલ્મો કરી રહ્યા હતા. આ ઉપરાંત બની ઉમય્યા અને બની અબ્બાસના જેટલા પણ ખલીફાઓ હતા તે દરેક પોતાના ઝમાનાના ઇમામના ફઝાએલ અને મનાકીબથી તથા બીજી બાબતોથી ખૂબ સારી રીતે પરિચિત હતા. પરંતુ તેમ છતાં આજ લોકો ઇમામોને તથા તેમના ચાહવાવાળાઓને કત્લ પણ કરતા હતા. આથી સ્પષ્ટ છે કે આ પ્રકારની જાણકારીથી મુરાદ તે ‘મઅરેફત’નથી જે જાહેલિય્યતની મૌતથી નજાતનો ઝરીયો છે. તો પછી હવે ‘મઅરેફત’થી મુરાદ શું છે?

એક ઉદાહરણ દ્વારા વાત સ્પષ્ટ કરવાની કોશિષ કરીએ.

એક વ્યક્તિ એક ખતરનાક બિમારીમાં સપડાએલો છે. તેમાં આળસ અને બેધ્યાનપણું તેને મૌતની નજદીક કરી શકે છે. હવે તે કઇ વસ્તુ છે જે તેને હલાકતથી નજાત અપાવી શકે છે?

૧. શું ફક્ત દવાનું નામ, તેની કિંમત અથવા તો તેના મેળવવાના સ્થળની જાણકારી માત્ર  તથા એ જાણી લેવું કે ક્યા – ક્યા લોકોને તે દવા વડે બિમારી દૂર થઇ ગઇ છે. શું આટલી માહિતી બિમારીના દૂર થઇ જવા માટે કાફી છે.

નહિં હરગીઝ નહિં.

૨. ડોક્ટર સંબંધિત જાણકારી પ્રાપ્ત કરવી, તેની નિપુણતા અને સ્પેશ્યાલિટી સંબંધિત ચોક્સાઇ કરવી તથા સંપૂર્ણ જાણકારી હાંસિલ કરવી, પછી તેના તરફ રજુ થવું, બિમારીની તપાસ કરાવવી, દવા લખાવવી પરંતુ દવાનો ઉપયોગ ન કરવો અને તેણે બતાવેલી કાળજીઓની દરકાર ન કરવી;

તો શું આમ કરવાથી બિમારી દૂર થઇ જશે, કે પછી બિમારી પોતાની જગ્યાએ બાકી રહેશે?

૩. ત્રીજી રીત ડોક્ટર સંબંધિત સંપૂર્ણ જાણકરી પ્રાપ્ત કરવી, તેની નિપુણતા અને સ્પેશાલિટીની ચોક્સાઇ કરવી, તેના તરફ રજુ થવું, તેની સામે સંપૂર્ણ રીતે સમર્પિત થવું, તેણે લખી આપેલા પ્રિસ્ક્રીપ્શન ઉપર સંપૂર્ણ રીતે અમલ કરવો, તેણે બતાવેલી સુચનાઓ મુજબ જીવન વિતાવવું. આ તે પરિસ્થિતિ છે કે જેમાં સંપૂર્ણ શિફા નસીબ થઇ શકશે અને દરેક પ્રકારની બિમારીઓથી નજાત મળી શકશે.

ઇમામે વક્તની મઅરેફતનો અર્થ એમ છે કે :

તેમનું નામ, લકબ, ખાનદાન, ફઝીલતો અને ખૂબીઓની જાણકારીની સાથે સાથે એમ પણ કબુલ કરવું કે તેમને લોકોએ નહિં પરંતુ અલ્લાહ તબારક વ તઆલાએ નિયુક્ત કર્યા છે. તેમજ હઝરત રસુલુલ્લાહ  (સ.અ.વ.)એ અલ્લાહના હુકમથી તેમની ઓળખાણ કરાવી છે. આજ તેઓ છે કે જેમની ઇતાઅત, ઇમામત, વિલાયત અને મોહબ્બતને અલ્લાહે દરેક વ્યક્તિ ઉપર કોઇપણ અપવાદ વગર વાજીબ અને જરૂરી ઠેરવી છે. તેઓ એ જ છે કે જેમને અલ્લાહે પોતાના ગૈબના ખઝાનામાંથી ઇલ્મ અર્પણ કર્યંુ છે. તેમજ તેમને દરેક રીતે પાક અને પાકીઝા તથા મઅસુમ બનાવ્યા છે. તેમના તરફથી બયાન કરવામાં આવેલો દરેક હુકમ અલ્લાહનો હુકમ છે. તેમની ઇતાઅત અલ્લાહની ઇતાઅત અને તેમની મુખાલેફત (વિરોધ, ઇન્કાર કરવો) અલ્લાહની મુખાલેફત છે. તેમનો હુકમ માનવો નજાત અને તેમનાથી મોઢું ફેરવવું અથવા દૂરી ઇખ્તેયાર કરવી હલાકતનું કારણ છે. આ દરેક બાબતોની સાથે તેમણે સુચવેલા રસ્તા ઉપર સાબિત કદમ રહેવું અને તેમના હુકમો મુજબ અમલ કરવો વિગેરે. આ છે ઇમામે વક્તની મઅરેફત.

જેનું દિલ ઇમામે વક્તની આ પ્રકારની મઅરેફતથી રોશન છે તે હકીકતમાં જાહેલિય્યતની મૌતથી સુરક્ષિત રહેશે. આજ તે શખ્સ છે કે જન્નતની હૂરો જેની રાહ જોઇ રહી છે.

ટૂંકમાં એમ કે ઇમામની મઅરેફતનો અર્થ એ છે કે  :

ઇમામને અલ્લાહની તરફથી નિમણૂંક પામેલા કબુલ કરવા, તેમની મોહબ્બતને અલ્લાહની મોહબ્બત અને તેમની ઇતાઅતને અલ્લાહની ઇતાઅત કરાર દેવી, તેમની મુખાલેફત અને દુશ્મનીને અલ્લાહની મુખાલેફત અને દુશ્મની ઠેરવવી, તેમજ દિલથી તેમણે બતાવેલા હુકમોને કબુલ કરવા તથા કોઇ બીજાને ન તો તેમની ઉપર પ્રાથમિક્તા આપવી અને ન બીજા કોઇને તેમની બરાબર ગણવા.

૪. હવે રહી ગઇ છેલ્લી બાબત, કે આ સમયે આપણા ઇમામ કોણ છે?

હદીસ ‘મન માત વ લમ યઅરિફ…’ની સાધારણ સમજ મુજબ દરેક સમયે અલ્લાહના એક પ્રતિનિધિનું હોવું જરૂરી છે. નહિંતર એ સવાલ યોગ્ય ગણાશે કે ઇમામે વક્તની મઅરેફત વાજીબ છે. હવે અહીં એક સવાલ ઉભો થાય છે કે જે ઇમામે વક્તની મઅરેફત વાજીબ છે એ કોણ છે?

ઉપરોક્ત હદીસ ઉપરાંત કુરઆને કરીમના સુરએ બની ઇસરાઇલની ૭૧મી આયત પણ આ હકીકત તરફ ઇશારો કરે છે.

یَوْمَ نَدْعُوْا کُلَّ اُنَاسٍم بِاِمَامِہِمْ

“જ્યારે કયામતમાં દરેક ઇન્સાનોને તેના ઇમામની સાથે બોલાવવામાં આવશે.

(સુરએ બની ઇસરાઇલ : ૭૧)

ઉપરોક્ત આયત એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે દરેક જમાનામાં એક ઇમામનું હોવું જરૂરી છે. આ ઉપરાંત અત્યંત ભરોસાપાત્ર અને પ્રમાણિત હદીસ, હદીસે સકલૈનથી ફાયદો ઉઠાવીએ. એહલે સુન્નતના બુઝુર્ગ આલિમ ઇબ્ને હજરે મક્કીએ પોતાની કિતાબ ‘સવાએકૂલ મોહર્રેકા’માં (એ વાત ધ્યાનમાં રહે કે આ કિતાબ શીઆ અકીદાઓની વિરૂદ્ધમાં લખવામાં આવી છે.) પણ આ હકીકતનો સ્વિકાર કર્યો છે.

“પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની હદીસોમાં એહલેબૈતથી તમસ્સુક (જોડાએલા રહેવા)ની તાકીદ કરવામાં આવી છે. આ તમસ્સુકનું જરૂરી તારણ એ છે કે કયામત સુધી દરેક સમયે એહલેબૈત (અ.મુ.સ.)માંથી એક વ્યક્તિ જરૂર મૌજુદ રહેશે જે રીતે કુરઆને કરીમ દરેક સમયે મૌજુદ છે. જેવી રીતે દરેક ઝમાનામાં કુરઆન મૌજુદ છે તેવી જ રીતે એહલેબય્ત (અ.સ.)ના ઇમામ પણ દરેક ઝમાનામાં જરૂર મૌજુદ છે.

(સવાએકુલ મોહર્રેકા, પાના નં. ૯૦)

ખાનદાને એહલેબૈતમાંથી દરેક જમાનામાં એક મઅસુમ ઇમામનું હાજર હોવું એટલી હદે સ્પષ્ટ અને જાહેર છે કે પક્ષપાત રાખનાર લોકો પણ તેમના અસ્તિત્વનો ઇન્કાર કરી શક્તા નથી.

હઝરત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ભરોસાપાત્ર હદીસોમાં આ વાસ્તવિકતા બયાન કરવામાં આવી છે કે આં હઝરત (સ.અ.વ.)ની પછી તેમના જાનશીનોની સંખ્યા બાર (૧૨) છે. આં હઝરત (સ.અ.વ.)એ તેમની હદીસોમાં આ બાર ઇમામોના નામ તેમજ લકબો પણ બયાન ફરમાવ્યા છે. રસુલુલ્લાહ  (સ.અ.વ.) ફરમાવે છે :

‘મારા પછી મખ્લુકો ઉપર અલ્લાહની હુજ્જત મારા અવ્લીયા અને અવ્સીયા બાર (૧૨) છે. જેમાંનો પ્રથમ મારો ભાઇ છે અને અંતિમ મારો ફરઝંદ છે.’

લોકોએ પુછયું કે અય અલ્લાહના રસુલ! તમારા ભાઇ કોણ?

ફરમાવ્યું : ‘અલી ઇબ્ને અબી તાલિબ’

પુછવામાં આવ્યું : તમારા ફરઝંદ કોણ?

ફરમાવ્યું : ‘અલ મહદી, તે જમીનને ન્યાય અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને જૌરથી ભરાએલી હશે.’

(ફરાએદુસ સીમ્તૈન, ભાગ – ૨, પાના નં. ૩૧૨)

તમામ શીઆ આલિમો, હદીસવેત્તાઓ, ફકીહો અને ઇતિહાસકારો સર્વેનો આજ અકીદો છે કે બારમા ઇમામ હઝરત હુજ્જત ઇબ્નિલ હસન અલ અસકરી (અ.સ.) છે. તેમની વિલાદત હિજરી સન ૨૫૫માં પંદરમી શાબાનના દિવસે ઇરાકના સામર્રા શહેરમાં થઇ છે અને તેઓ આજ સુધી જીવંત અને યુવાન છે. જેવી રીતે હઝરત ઇસા (અ.સ.) જીવંત છે. અલ્લાહના હુકમથી તેઓ અત્યારે ગયબતના પર્દામાં છે અને જ્યારે અલ્લાહ હુકમ આપશે ત્યારે તેઓ (અ.સ.) જાહેર થશે અને દુનિયાને સંપૂર્ણ રીતે ન્યાય અને ઇન્સાફથી ભરી દેશે.

આ બાબત ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે કે ફક્ત શીઆ આલિમો જ તેમને બારમા ઇમામ અને આજ સુધી જીવંત ઇમામ કબુલ કરતા નથી. પરંતુ એહલે સુન્નતના બુર્ઝુગ આલિમો પણ આ વાતને સ્વિકારે છે કે હઝરત હુજ્જત (અ.સ.) બારમા ઇમામ છે અને આજ સુધી જીવંત છે જેવી રીતે હઝરત ઇસા (અ.સ.) અને જનાબે ખિઝર (અ.સ.) જીવંત છે.

આથી આ સમયે જે ઇમામે વક્તની મઅરેફત આપણા માટે જરૂરી અને વાજીબ છે તે હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના ફરઝંદ હઝરત હુજ્જત ઇબ્નીલ હસનીલ અસ્કરી (અ.સ.) છે.

અગર આપણે પોતાની જાતને કુફ્ર અને જાહેલિય્યતની મૌતથી નજાત અપાવવા ઇચ્છતા હોઇએ તો આપણા માટે આવશ્યક અને જરૂરી છે કે આપણે વધારેમાં વધારે હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અલ અસ્કરી (અ.સ.), હઝરત મહદી આખેરૂઝ્ ઝમાન (અ.ત.ફ.શ.)ની મએરફત હાસિલ કરીએ, આપણા દિલોને તેમની મોહબ્બતથી પ્રકાશિત કરીએ અને તેમની ઇતાઅત અને પૈરવી કરીને પોતાની જાતને જહન્નમની આગથી બચાવીએ. તેમજ આવી જ રીતે આપણી ઔલાદ, કુટુંબીજનો અને દોસ્તોને જહન્નમના દર્દનાક અઝાબથી સુરક્ષિત રાખવાના અસ્બાબ પુરા પાડીએ.

આમીન, યા રબ્બલ આલમીન.

٭ ٭ ٭ ٭ ٭

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *