ઇમામતના અકીદાનું મહત્ત્વ
ઇમામતના અકીદાનું મહત્ત્વ
માનનીય વાંચકો, સલામુન અલય્કુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ
૧૫મી શાબાનુલ મોઅઝઝમના હઝરત ઇમામે ઝમાના (અ.સ.)ની વિલાદતના મુબારક પ્રસંગે આપ તમામ લોકોની ખિદમતમાં આ મહાન દિવસની મુબારકબાદ પેશ કરીએ છીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બારગાહમાં હઝરત મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના વાસ્તાથી દોઆ કરીએ કે અલ્લાહ આપણા ઇમામે અસ્ર (અ.સ.)ના પુરનૂર ઝુહુરમાં જલ્દી કરે. તેમના આગમનથી આ દુનિયામાં શાંતિ, સલામતી, સુલેહ અને ભાઇચારો કાયમ કરે અને આપણી દરેકની ગણતરી તેમના ખાલિસ ખિદમત ગુઝારોમાં કરે.
માનનીય ભાઇઓ, આ વર્ષે આપણે અત્યંત મહત્ત્વના વિષયોની ચર્ચા કરીશું. જો કે આ વિષયો પ્રાચીન છે પરંતુ દરેક ઝમાનામાં તેનું ખાસ મહત્ત્વ છે. તેનું મહત્ત્વ એટલું બધું છે કે આખેરતની નજાતનો આધાર જ તેની ઉપર છે. તેમાં જરા બરાબર પણ ગફલત હલાકતની નઝદીક કરી શકે છે.
આ અતિ મહત્ત્વના વિષયનું નામ ‘ઇમામત’છે. ‘ઇમામત’એટલે રેહબરી, હિદાયત, અલ્લાહ અને તેના દીન તરફ માર્ગદર્શન. હિદાયતના મહત્ત્વ માટે એટલું કહેવું પુરતું છે કે આપણે આપણી રોજીંદી નમાઝમાં ઓછામાં ઓછું દસ વખત હિદાયત તલબ કરીએ છીએ. આ હિદાયત ઇલાહી રેહનુમા (રેહબર, માર્ગદર્શક એટલે કે ટૂંકમાં ઇમામ) વગર સંપૂર્ણ થઇ શકતી નથી.
અલ્લાહના મઝહબમાં ઇમામત એટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે કે આ ધરતીના પટ ઉપર અલ્લાહે જેને સર્વ પ્રથમ મોકલ્યા તેને પોતાના પ્રતિનિધિ, ખલીફા એટલે કે લોકોના માર્ગદર્શક બનાવીને મોકલ્યા, અને જે સૌથી અંતમાં આ દુનિયાથી રૂખ્સત થશે જેના પછી કયામત આવશે તે પણ અલ્લાહના પ્રતિનિધિ, ખલીફા અને ઇમામ હશે. અર્થાંત આ દુનિયાની શરૂઆત પણ હુજ્જતે ખુદા થકી છે અને આ દુનિયાનો અંત પણ હુજ્જતે ખુદા ઉપર આવશે.
હઝરત ઇમામ જાઅફરે સાદિક (અ.સ.) ફરમાવ્યા કરતા હતા :
اَلْحُجَّۃُ قَبْلَ الْخَلْقِ وَ مَعَ الْخَلْقِ وَ بَعْدَ الْخَلْقِ۔
‘હુજ્જતે ખુદા મખ્લુકાતથી પહેલા છે, મખ્લુકાતની સાથે છે અને મખ્લુકાતની પછી છે.’
(કમાલુદ્દીન : ૧/૪)
ખિલ્કતનો હેતુ :
અલ્લાહ તઆલાએ ઇન્સાનને પોતાની ઇબાદત માટે પૈદા કર્યો છે.
مَا خَلَقْتُ الْجِنَّ وَالْاِنْسَ اِلاَّ لِیَعْبُدُوْنِ۔
“અને મેં જીન્નાતો તથા ઇન્સાનોને પૈદા નથી કર્યા પણ એ માટે કે તેઓ મારી ઇબાદત કરે.
(સુરએ ઝારેયાત : ૫૬)
અને અલ્લાહની ઇબાદત માટે તેની (અલ્લાહની) મઅરેફત જરૂરી છે. જેને અલ્લાહની મઅરેફત ન હોય તે અલ્લાહની ઇબાદત કેવી રીતે કરી શકે?? અલ્લાહ તઆલાની મઅરેફત માટે ઇમામતનો અકીદો જરૂરી છે. ફક્ત મઅસુમ ઇમામો (અ.સ.) જ લોકોને અલ્લાહની મઅરેફત અતા કરી શકે છે.
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)એ અબુ હમ્ઝાને ફરમાવ્યું:
اِنَّمَا یَعْبُدُ اللّٰہَ مَنْ یَّعْرِفُ اللّٰہَ فَاَمَّا مَنْ لاَّ یَعْرِفُ اللّٰہَ فَاِنَّمَا یَعْبُدُہٗ ہٰکَذَا ضَلاَلاً۔
‘ફક્ત તે જ અલ્લાહની ઇબાદત કરે છે જે અલ્લાહની મઅરેફત ધરાવે છે, જેને અલ્લાહની મઅરેફત નથી તે અલ્લાહની ઇબાદત કરે છે પરંતુ ગુમરાહીની હાલતમાં.’
(કાફી, ભાગ – ૧, પાના નં. ૧૮૦)
એટલે કે તે ઇબાદત જ ઇબાદત છે જે મઅરેફતની સાથે અદા કરવામાં આવી હોય.
અબુ હમ્ઝાએ ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ને પુછયું : મૌલા! અલ્લાહની મઅરેફત શું છે?
આપ (અ.સ.)એ ફરમાવ્યુ : ‘અલ્લાહના વુજુદનો એકરાર કરવો. એ વાતની સાક્ષી આપવી કે અલ્લાહ છે અને મૌજુદ છે અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની રિસાલતની ગવાહી આપવી અને હઝરત અલી (અ.સ.)ની વિલાયત અને ઇમામતને કબૂલ કરવી અને તેમના વંશના ઇમામોની ઇમામતને કબુલ કરવી. તેની સાથોસાથ તેમના દુશ્મનોથી બેઝારી અને બરાઅત કરવી. આ છે અલ્લાહની મઅરેફત.’
(કાફી, ભાગ – ૧, પાના નં. ૧૮૦)
આ સંદર્ભની ઘણી બધી રિવાયતો જોવા મળે છે.
આ આધારે અલ્લાહ તઆલાની મઅરેફત ફક્ત અલ્લાહની વહદાનિય્યત અને તેની ઉલુહીય્યતનો એકરાર જ નથી પરંતુ અલ્લાહની મઅરેફત ત્યારે જ હાસિલ થાય જ્યારે નીચે મુજબના પાંચ મઅરેફતના કાર્યો સંપૂર્ણ થાય.
૧. અલ્લાહની વહદાનિય્યતનો એકરાર કરવો.
૨. રસુલ (સ.અ.વ.)ની રિસાલત ઉપર ઇમાન લાવવું.
૩. હઝરત અલી (અ.સ.)ની વિલાયત અને ઇમામતને કબુલ કરવી અને તેની સાથોસાથ.
૪. બીજા અગીયાર ઇમામો (અ.સ.)ની ઇમામત ઉપર યકીન રાખવું.
૫. અલ્લાહ, રસુલ (સ.અ.વ.) અને ઇમામો (અ.સ.)ના દુશ્મનોથી બેઝારી દાખવવી.
હવે ખૂબજ ધ્યાનથી વિચારીએ.
અગર આજે આ સમયે કોઇ વ્યક્તિ પોતાની ખિલ્કતનો મકસદ એટલે કે અલ્લાહની ઇબાદત કરવા માગતો હોય, પોતાના જીવનને બેમકસદ બનવાથી સલામત રાખવા ઇચ્છતો હોય તો તેના માટે આવશ્યક અને જરૂરી છે કે રિસાલત અને ઇમામતની મઅરેફત પ્રાપ્ત કરે. કારણકે ઇમામતની મઅરેફત વગર ઇબાદત, ઇબાદત જ નથી. આ આધારે ઇમામનું મહત્ત્વ આજે પણ બાકી છે. એટલે કે ઇમામતની ચર્ચા ઝીંદગીની ચર્ચા છે. ફક્ત એક ઇતિહાસનો કિસ્સો માત્ર નથી.
ઇમામતનો અકીદો એટલો બધો મહત્ત્વનો છે કે તેના વગર કોઇપણ અમલ અલ્લાહ તઆલાની બારગાહમાં કબુલ થવાને પાત્ર નથી. હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ની એક રિવાયતમાં બયાન કરવામાં આવ્યું છે.
‘અગર કોઇ વ્યક્તિ અલ્લાહની ઇબાદત કરવામાં બેશુમાર તકલીફો સહન કરે પરંતુ તે અલ્લાહએ નિયુક્ત કરેલા ઇમામને પોતાના ઇમામ અને માર્ગદર્શક કબુલ ન કરે તો તેની બધી જ મહેનત બેકાર જશે અને તેનો કોઇપણ અમલ કબુલ થવાને પાત્ર નથી. તે ગુમરાહ છે તથા હૈરાન અને પરેશાન છે.’
(કાફી, ૧/૧૮૩, બેહાર, ૨૩/૨૨૮)
આ આધારે અગર કોઇ એહલેબૈત (અ.મુ.સ.)ની ઇમામતમાં માનવાવાળો નથી અને તેમને પોતાના ઇમામ તરીકે કબુલ કરતો નથી તો ફક્ત તેનો કોઇપણ અમલ કબુલ કરવામાં નહિં આવે એટલું જ નહિં બલ્કે અલ્લાહ તેના અમલને નાપસંદ કરે છે. આથી જે કામ અલ્લાહ તઆલાને નાપસંદ હોય તે ઇબાદત ન હોય શકે. કારણકે ઇબાદત તે કાર્ય છે જેને અલ્લાહ (સુ.વ.ત.) પસંદ કરતો હોય.
હઝરત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની નીચેની હદીસ ઉપર ધ્યાન આપીએ. આ હદીસની શરૂઆત કસમથી થઇ છે. અગર અલ્લાહના રસુલ (સ.અ.વ.) કસમ ખાધા પછી કોઇ વાત બયાન કરે તો તે અત્યંત મહત્ત્વની હશે. તેઓ (સ.અ.વ.) પોતાની બેઅસતની કસમ ખાઇને એટલે કે જે વાત તેઓ બયાન કરવાના છે તે એટલી હદે મહત્ત્વની છે કે તેના વગર બેઅસતનો હેતુ સંપૂર્ણ થતો નથી.
આં હઝરત (સ.અ.વ.) ફરમાવે છે :
‘કસમ છે તે અલ્લાહની જેણે મને હકની સાથે નબી બનાવીને મબ્ઉસ કર્યો. અગર કોઇ શખ્સ અલ્લાહ તઆલાની બારગાહમાં એવી રીતે હાજર થાય કે તેની પાસે ૭૦ અમ્બિયા જેટલો અમલ હોય પરંતુ અગર તે શખ્સ એહલેબય્ત (અ.મુ.સ.)ની ઇમામતનો માનવાવાળો ન હોય તો અલ્લાહ તેના કોઇપણ અમલને કબુલ નહીં કરે.’
(બેહાર, ૨૭/૧૯૨)
તેનાથી એ સ્પષ્ટ થાય છે કે અમલની માત્રા વધારે હોય તો તે કબુલ થવાની દલીલ નથી. અમલ ફક્ત ત્યારે જ કબુલ થવાને પાત્ર થશે જ્યારે એહલેબૈત (અ.મુ.સ.)ની ઇમામતના અકીદાની સાથે અંજામ આપવામાં આવ્યો હોય.
ઘણીવાર અમુક લોકોના મગજમાં આ પ્રકારનાં સવાલો ઉપસ્થિત થતા હોય છે. અલ્લાહ તઆલા આદિલ છે ઝાલિમ નથી. કુરઆનમાં ઘણી બધી જગ્યાએ ફરમાવવામાં આવ્યું છે કે અગર કોઇનો અમલ રણના એક કણ બરાબર હશે તો અમે તેને પણ હાજર કરીશું. જેણે નાના એવા કણ બરાબર નેકી અથવા બુરાઇ કરી હશે તેને તે જરૂર જોશે. તો એ કેવી રીતે શક્ય છે કે ફક્ત એક ઇમામતના અકીદા વગર તેના તમામ આમાલ રદ કરી દેવામાં આવે અને તેની આખી ઝીંદગીની મહેનત બરબાદ થઇ જાય. શું આ અકીદો અલ્લાહની અદાલતની વિરૂદ્ધનો નથી??
આનો જવાબ અત્યંત સરળ અને આસાન છે. આ અકીદો હરગિઝ અલ્લાહની અદાલતની વિરૂદ્ધનો નથી. બલ્કે સંપૂર્ણ રીતે અલ્લાહની અદાલત મુજબનો છે. જેને આપણે એક ઉદાહરણ વડે સ્પષ્ટીકરણ કરશું.
અગર કોઇ વ્યક્તિ જીવનભર પાબંદીની સાથે નમાઝ પઢે, નમાઝ તેના અવ્વલ સમયે પઢે, ખૂબજ ખુઝુઅ અને ખુશુઅ સાથે પઢે અને તમામ તાઅકીબાતોની સાથે પઢે.
પરંતુ વઝુ વગર પડે અથવા વઝુ એવી રીતે ન કરે જેવી રીતે અલ્લાહે બયાન ફરમાવ્યું છે. દા.ત. ફક્ત કાંડા સુધી જ હાથ ધુએ અને જીવનભર આજ રીતે અમલ કરતો રહે અને દિલને સમજાવતો રહે કે નમાઝ તો નમાઝ છે ચાહે તે વઝુ સાથે હોય કે વઝુ વગર.
અગર આવું હોય તો તે વ્યક્તિની કેટલી નમાઝો કબુલ થશે? આપણો જવાબ એક જ હશે કે તેની એક પણ નમાઝ કબુલ થવાને પાત્ર નથી.
શા માટે? શું જીવનભરની નમાઝોનું બાતિલ થઇ જવું અલ્લાહના અદ્લની વિરૂદ્ધ નથી?
હરગિઝ નહિં, કારણકે નમાઝ ત્યારે જ કબુલ થાશે જ્યારે તેની તમામ જરૂરી શર્તો સાથે અદા કરવામાં આવી હોય. જરૂરી શર્તો વગર અમલ કરવો તે અમલ ન કરવા બરાબર છે.
તો જેવી રીતે નમાઝના સહીહ થવામાં વઝુ અને તે પણ સહીહ વઝુ શર્ત છે તેવી જ રીતે આમાલની કબુલિય્યત માટે એહલેબૈત (અ.મુ.સ.)ની ઇમામતને કબુલ કરવી આવશ્યક અને જરૂરી છે. અગર કોઇ વ્યક્તિ એહલેબૈત (અ.મુ.સ.)ની ઇમામત અને વિલાયતને કબુલ કર્યા વગર અમલ બજાવી લાવે તો તે જાણે એવું છે કે તે વગર વઝુએ નમાઝ પઢી રહ્યો હોય.
આનાથી એ બાબત વધારે સ્પષ્ટ થાય છે કે અગર આપણે જન્નતમાં જવું હોય અને જહન્નમની આગથી નજાત મેળવવી હોય તો અમલ બજાવી લાવવા જરૂરી છે અને તે જ અમલ જન્નતમાં જવાનું નિમિત્ત બનશે જે અલ્લાહની બારગાહમાં કબુલ થાય તથા ફક્ત તે જ અમલ કબુલને પાત્ર થશે જે એહલેબૈત (અ.મુ.સ.)ની ઇમામતના અકીદા સાથે અંજામ આપવામાં આવ્યો હોય.
આથી દરેક તે વ્યક્તિ કે જે ચાહતો હોય કે તેનો અમલ અલ્લાહની બારગાહમાં કબુલ થાય તો તેણે હઝરત અલી (અ.સ.) અને તેમના અગિયાર ફરઝંદોની ઇમામતને કબુલ કરવી જોઇએ.
એહલબૈત (અ.મુ.સ.)ની ઇમામતના મહત્ત્વનો અંદાજ આ હકીકત ઉપરથી લગાવી શકાય છે. અલ્લાહ તઆલાએ આજ વિલાયતના સંદેશાના સંદર્ભમા પોતાના પ્યારા નબી હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ને સંબોધીને ફરમાવ્યું :
یٰٓاَیُّہَا الرَّسُوْلُ بَلِّغْ مَآ اُنْزِلَ اِلَیْکَ مِنْ رَّبِّکَط
وَ اِنْ لَّمْ تَفْعَلْ فَمَا بِلَّغْتَ رِسَالَتَہٗط
وَاللّٰہُ یَعْصِمُکَ مِنَ النَّاسِط
“અય રસુલ! તમારા પાલનહાર તરફથી જે સંદેશો નાઝીલ કરવામાં આવ્યો છે તેને લોકો સુધી પહોંચાડી દયો અગર તમે આ સંદેશો ન પહોંચાડ્યો તો જાણે તમે અલ્લાહની રિસાલત બજાવી નથી અને અલ્લાહ તમને લોકોના ભયથી સુરક્ષિત રાખશે.
(સુરએ માએદાહ : ૬૭)
ફક્ત ઉપરોક્ત આયત ઉપર વિચાર કરવાથી ઇમામતની મહાનતા અને તેનું મહત્ત્વ જાહેર થઇ જાય છે. એક બાજુ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના જીવનભરના તમામ શિક્ષણો છે. તૌહિદ, નબુવ્વત, કયામત, નમાઝ, રોઝા, ઝકાત, હજ વિગેરે. એ ઉપરાંત અલ્લાહની રાહમાં સતત ૨૩ વર્ષોની તકલીફો, કાફિરો તથા મુશ્રિકો તરફથી પહોંચાડવામાં આવતી ઇજાઓ તથા મુનાફિકોના પ્રપંચો જ્યારે બીજી બાજુ ફક્ત થોડાક વાક્યોનો સંદેશો. (હઝરત અલી (અ.સ.)ની ખિલાફત અને ઇમામતનું એલાન) અગર આ સંદેશો અત્યંત મહત્ત્વનો ન હોત તો હરગિઝ અલ્લાહ આ શબ્દોમાં પોતાના પ્યારા નબીને સંબોધન ન કરત. એટલે કે આ સંદેશો તમામ સંદેશાઓ અને રિસાલતની રૂહ છે.
આ આધારે કુરઆને કરીમ અને સીરતે નબી (સ.અ.વ.)ના પ્રકાશમાં ઇમામતને હલ્કી સમજવી અને તેના પ્રત્યે કોઇ ખાસ ધ્યાન ન દેવું તે કુરઆને કરીમ અને સીરતે નબી (સ.અ.વ.)ની સંપૂર્ણ વિરૂદ્ધ છે.
આ સંદર્ભમાં નીચે આપેલી હદીસ ઉપર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)થી રિવાયત છે.
અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હદીસે કુદસીમાં ફરમાવે છે.
‘હું મુસલમાનોના તે દરેક સમૂહ ઉપર જરૂર અને જરૂર અઝાબ નાઝિલ કરીશ જેઓ તે લોકોની ઇમામત અને વિલાયતના માનવાવાળા છે કે જેની નિમણુંક અલ્લાહે નથી કરી.
અને
મુસલમાનોના તે દરેક સમૂહને જરૂર અને જરૂર માફ કરી આપીશ જે અલ્લાહ તરફથી નિયુક્ત થયેલા આદિલ ઇમામની ઇમામતમાં માનવાવાળા હશે.’
(કાફી, ૧/૩૭૬, હદીસનં નં. ૪)
આ વિષયની બીજી ઘણી બધી હદીસો છે.
આથી અગર આપણે એમ ચાહતા હોઇએ કે અલ્લાહ આપણાથી રાજી થાય, આપણા આમાલ તેની બારગાહમાં કબુલ થાય, આપણા ગુનાહો માફ થાય, આપણી તૌબા કબુલ થાય, આપણી મૌત હક્ક મઝહબ ઉપર થાય, કબ્ર અને બરઝખની મંઝિલો આસાન થાય, કયામતમાં હિસાબ અને કિતાબ સરળ રીતે થાય, ખૂબજ સરળતાથી પુલે સેરાત ઉપરથી પસાર થઇ શકાય, જન્નતમાં જગ્યા મળે, કૌસર અને તસ્નીમ (જન્નતના ઝરણાંઓ)ના જામ નસીબ થાય તથા દુનિયા અને આખેરતની તમામ ખુશ્હાલી નસીબ થાય તો..
આપણે માટે જરૂરી છે કે અલ્લાહ તરફથી નિયુક્ત થયેલા અને તેના રસુલ હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)એ બયાન કરેલ બાર (૧૨) ઇમામો (અ.સ.)ની ઇમામતમાં માનીએ.
આ ઇમામતના સિલસિલાની પહેલી કડી હઝરત ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને આખરી હઝરત ઇમામ મહદી આખેરૂઝઝમાન (અ.ત.ફ.શ.) છે.
તેની સાથોસાથ તેમના દુશ્મનો તથા વિરોધીઓથી મહોબ્બત કરવાથી અને લગાવ રાખવાથી પોતાના દિલને સંપૂર્ણપણે પાક અને સાફ રાખીએ.
وَاٰخِرُدَعْوَانَا عَنِ الْحَمْدُ لِلّٰہِ رَبِّ الْعَالَمِیْنَ
٭ ٭ ٭ ٭ ٭
Comments (0)