ઇમામે ઝમાના (અ.સ.) સાથે મુલાકાતની શક્યતાઓ
ગયબતના ઝમાનાની જવાબદારીઓમાંની એક જવાબદારી દરરોજ સુબ્હની નમાઝ પછી ‘દોઆએ અહદ’ પઢવી છે. હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે :
‘જે શખ્સ ચાલીસ દિવસ આ દોઆ પઢશે તેની ગણતરી અમારા કાએમ (અજ.)ના મદદગારોમાં થશે. જો તેમના ઝુહુર પહેલા તે મૃત્યુ પામશે તો ખુદા તેને કબ્રમાંથી જીવતો ઉઠાડશે જેથી ઇમામે અસ્ર (અ.સ.)ની સેવામાં હાજર થાય.’
આ મહત્ત્વની દોઆમાં મોઅમીન સાચા દિલથી ખુદાની બારગાહમાં આ દોઆ કરે છે.
‘અય અલ્લાહ! મને તેમના હિદાયત ધરાવનારા ચહેરા અને તેમના પ્રસંશનીય મુખને દેખાડી દે, તેમના દિદાર થકી મારી નજરોને પ્રકાશિત બનાવી દે,’
ગયબતના ઝમાનાની દોઆમાં આ વાક્ય મળે છે :
‘પરવરદિગાર, હું તને દરખાસ્ત કરૂં છું કે તારા વલીએ અમ્રના દિદાર કરાવી આપ.’
આ પ્રકારના વાક્યો દોઆએ નુદબામાં અને ઇમામે ઝમાના (અ.સ.) અંગેની બીજી દોઆઓમાં પણ જોવા મળે છે. દોઆએ નુદબામાં મોઅમીન આ રીતે ફરિયાદ કરે છે અને ઇમામે અસ્ર (અ.સ.)ને આ રીતે સંબોધન કરે છે.
‘આ બાબત મારા માટે ઘણી સખત છે કે હું બધાને જોઇ શકું અને આપના દિદારથી વંચિત રહું.’
આ બધી દોઆઓ મઅસુમીન (અ.સ.) તરફથી વારીદ થઇ છે. દોઆઓમાં એજ બાબતનો ઉલ્લેખ થાય છે જે શક્ય હોય. તેથી આ દોઆઓથી સ્પષ્ટ થાય છે કે ગયબતના ઝમાનામાં ઇમામે ઝમાના (અ.સ.) સાથે મુલાકાત થઇ શકે છે. આ મુલાકાત ખુદાવંદે આલમની મહેરબાનીથી થઇ શકે છે.
ગયબતનો અર્થ :
અહિંયા એ યોગ્ય ગણાશે કે ગયબતના અર્થ તરફ ધ્યાન દોરવામાં આવે. ગયબતનો અર્થ શું છે તે અંગે ‘અલ મુન્તઝર’ના જુદા જુદા અંકોમાં ચર્ચા થઇ ચૂકી છે. માત્ર ઇશારો કરીને આગળ વધી જઇએ છીએ કે ગયબતનો અર્થ એ નથી કે ઇમામે અસ્ર (અ.સ.) ભૂગર્ભમાં અથવા કોઇ એવી જગ્યાએ જીવન પસાર કરે છે જ્યાંથી તેમનો લોકો સાથે કોઇ સંપર્ક ન હોય.
બલ્કે ગયબતનો અર્થ એ છે કે ઇમામે અસ્ર (અ.સ.) એવી રીતે જીવન પસાર કરી રહ્યા છે કે લોકો તેમનાથી પરિચિત નથી. આપ (અ.સ.) લોકોની વચ્ચે આવે છે, લોકોની મુશ્કેલીઓ દૂર કરે છે, પરંતુ લોકો તેમને ઓળખી શક્તા નથી. હઝરત ઇમામ સાદિક (અ.સ.)ની એક રિવાયતમાં છે :
‘ઇમામે અસ્ર (અ.સ.) દર વર્ષે હજમાં તશ્રીફ લાવે છે, લોકોને જૂએ છે અને તેઓને ઓળખે છે તથા લોકો તેમને જુએ છે પરંતુ ઓળખી શકતા નથી.’
(કમાલુદ્દીન, ભાગ – 2, પાના નં. 440)
શું એ શક્ય છે કે એક માણસ લોકોની વચ્ચે હાજર હોય, તેઓની મુશ્કેલીઓને દૂર કરી રહ્યો હોય, તેઓના પ્રશ્ર્નોનું નિરાકરણ કરી રહ્યો હોય પરંતુ લોકો તેને ઓળખતા ન હોય?
જ. યુસુફ (અ.સ.)ના કિસ્સામાં આ સવાલનો જવાબ મૌજુદ છે. જ્યારે તેમના ભાઇ મીસ્ર આવ્યા અને તેમની સેવામાં હાજર થયા ત્યારે કુરઆનના શબ્દો આ રીતે છે :
“અને યુસુફના ભાઇઓ (પણ મીસ્રમાં) આવ્યા અને ખુદ તેની પાસે પહોંચ્યા, પછી યુસુફે તો તેમને ઓળખી લીધા પણ તેમણે તેને ઓળખ્યા નહિં.
(સુરએ યુસુફ : 58)
જ્યારે અલ્લાહની હુજ્જત લોકોની વચ્ચે મૌજુદ હોય અને હુજ્જતે ખુદા ચાહે કે લોકો તેમને ન ઓળખે તો સામે હોવા પછી પણ લોકો તેમને ઓળખી શક્તા નથી.
રિવાયતોમાં છે કે ઇમામે ઝમાના (અ.સ.)માં જ. યુસુફ (અ.સ.)ની પણ એક સામ્યતા જોવા મળે છે.
જ. યુસુફ (અ.સ.)ના ભાઇઓએ તે સમયે તેમને ઓળખ્યા જ્યારે ખુદ તેમણે પોતાની ઓળખ આપી. કુરઆને કરીમમાં તેનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે.
“પછી જ્યારે તેઓ (હઝરત યુસુફના ભાઇઓ) તે (હઝરત યુસુફ)ની પાસે આવ્યા ત્યારે કહેવા લાગ્યા કે હે અઝીઝે મીસ્ર! અમને તથા અમારા કુટુંબને (દુકાળના કારણે) તકલીફોએ ઘેરી લીધા છે અને અમે ખૂબજ નજીવી પૂંજી લઇને આપની સેવામાં હાજર થયા છીએ. આપને ગુઝારીશ છે કે આપ અમને વધારેમાં વધારે બદલામાં આપો અને અમારા ઉપર એહસાન કરો. નિસંશય અલ્લાહ એહસાન કરનારાઓને નેક બદલો આપે છે.
ત્યારે હઝરત યુસુફે કહ્યું શું તમે જાણો પણ છો કે તમોએ યુસુફ અને તેના ભાઇ સાથે કેવી (ખરાબ) વર્તણુંક ચલાવી હતી જ્યારે કે તમે અજ્ઞાનતામાં હતા?
(આ સાંભળી તેઓ સઘળા ચોંકી પડ્યા અને પછી) બોલ્યા શું ખરેખર આપ જ યુસુફ છો? કહ્યું: હા, હું જ યુસુફ છું. અને આ મારો ભાઇ છે, ખરેજ આપણા પર અલ્લાહે (મોટો) ઉપકાર કર્યો છે, બેશક જે કોઇ તકવા અને પરહેઝગારી અપનાવે છે ત્થા ધીરજ ધરે છે તો નિસંશય અલ્લાહ નેક કાર્યો કરનારાઓનો બદલો એળે જવા દેતો નથી.
કહેવા લાગ્યા અલ્લાહની કસમ! અલ્લાહે આપને અમારા પર ખચીતજ બુઝુર્ગી અર્પણ કરી છે અને અમે ખરેજ અપરાધી છીએ.
(યુસુફે) કહ્યું હવે તમારા પર કોઇ દોષ નથી; (મેં તમારા ગુન્હાઓ માફ કરી દીધા છે) અલ્લાહ (પણ) તમને માફ કરે, અને તે ઉત્તમ રહેમ કરનારો છે.
(સુરએ યુસુફ : 88 થી 92)
આ આયતો ઉપર વિચાર કરવાથી સ્પષ્ટ થાય છે કે આ લોકો જનાબે યુસુફ (અ.સ.)ને ઓળખી ન શક્યા બલ્કે તેમની સાથે ઉભા રહેલા તેમના ભાઇ બિન્યામીનને પણ ન ઓળખી શક્યા જે અગાઉની સફરમાં તેમની સાથે હતા અને જેમને જનાબે યુસુફ (અ.સ.)એ પોતાની પાસે રોકી લીધા હતા. તેનો અર્થ એ થયો કે અગર ખુદાની હુજ્જત ચાહે તો સામે હોવા છતાં લોકો તેમને જ ન ઓળખી શકે બલ્કે તેને પણ ન ઓળખી શકે કે જેને હુજ્જતે ખુદા ન ઓળખાવવા ચાહે અને તે જ્યારે ચાહે ત્યારે લોકો તેમને ઓળખી શકે.
આથી જે સમયે ઇમામે ઝમાના (અ.સ.) ચાહશે અને ખુદાની મસ્લેહત હશે ત્યારે લોકો તેમને ઓળખી લેશે.
આ ગયબતના ઝમાનામાં આપણી દોઆ છે કે આપણને સૌને તેમના દિદાર નસીબ થાય.
મુલાકાતના પ્રકારો :
(1) રૂહાની મુલાકાત :
આપણે રૂહાની રીતે એવો સંપર્ક પૈદા કરીએ કે ખુદ ઇમામે અસ્ર (અ.સ.) સામે હોવાનું મહેસુસ કરીએ. જેવી રીતે એક ઇન્સાન જ્યારે દૂરથી ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત મઅરેફતની સાથે પઢે છે તે પોતાને ખુદને રૂહાની રીતે ઇમામ હુસૈન (અ.સ.)ની સામે અનુભવે છે. તેને એવી અનુભૂતિ થાય છે કે જાણે ઇમામ હુસૈન (અ.સ.) તેની સામે હાજર છે અને તે તેમને સલામ કરી રહ્યો છે. જ્યારે કોઇને આ ખુશનસીબી પ્રાપ્ત થાય છે ત્યારે તે અંદરથી બદલાઇ જાય છે અને આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે.
જ્યારે કોઇ ‘અસ્સલામો અલય્ક યા સાહેબઝઝમાન’ કહે છે ત્યારે તે રૂહાની રીતે ઇમામે અસ્ર (અ.સ.) સાથે સંપર્ક પૈદા કરે છે. હા, આ તે સલામ અને ઝિયારતની વાત છે જે સંપૂર્ણ મઅરેફત અને ધ્યાનપૂર્વક અદા કરવામાં આવે. બેધ્યાન અને આદતના લીધે પઢવામાં આવતી ઝિયારતની વાત નથી. આ રૂહાની સંપર્ક અંગે દોઆએ નુદબાના આ વાક્યો કેટલા અર્થસભર છે.
‘મારી જાન આપના ઉપર કુરબાન થાય, આપ એ ગાયબ છો કે જેમની યાદથી અમારૂં અસ્તિત્વ કદી ખાલી નથી,
મારી જાન આપના ઉપર કુરબાન થાય, તમે તે વિખુટા પડેલા છો જે ક્યારેય અમારાથી જુદા નથી.’
ગાએબ રહીને પણ તેઓ હાજર છે તથા નજીક રહીને પણ દૂર છે.
(2) સ્વપ્નમાં મુલાકાત :
લોકોએ ઇમામે ઝમાના (અ.સ.) સાથે સ્વપ્નમાં મુલાકાત કરી હોય તેવા ઘણા બધા પ્રસંગો મળે છે. રિવાયતોમાં આમાલની રીત, અમૂક ચોક્કસ દોઆઓ અને કુરઆને મજીદના ખાસ સુરાઓ સૂચવવામાં આવ્યા છે જેને પઢવાથી અને તેના ઉપર અમલ કરવાથી મઅસુમ ઇમામો (અ.સ.)ને સ્વપ્નમાં જોઇ શકાય છે. હઝરત ઇમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :
‘અગર કોઇ શખ્સ દરેક શબે જુમ્આ સુરએ બની ઇસ્રાઇલની તિલાવત કરે તો તે ત્યાં સુધી મૃત્યુ નહિં પામે જ્યાં સુધી કે તે કાએમ (અ.સ.)ના દિદાર ન કરી લ્યે તથા તેની ગણતરી તેમના સાથીદારોમાં થશે.’
(મિક્યાલુલ મકારિમ (ફારસી) ભાગ – 2, પાના નં. 528)
(3) મુકાશફહમાં મુલાકાત :
માનવીની રૂહને ખુદાવંદે આલમે એ શક્તિ આપી છે કે જો તેને ભૌતિક સંબંધોથી મુક્ત રાખવામાં આવે તો તેની સામેથી બધાજ પરદાઓ હટી જાય છે. આ સિદ્ધિ ઘણી મહેનત પછી પ્રાપ્ત થાય છે. આ શક્તિ વડે માનવી ભવિષ્યના બારામાં આગાહી મેળવી શકે છે. માનવી મુકાશફહમાં પણ ઇમામે ઝમાના (અ.સ.)ની મુલાકાતનું સન્માન મેળવી શકે છે. પરંતુ આ બાબત ખાસ ધ્યાનમાં રહે કે મુકાશફહમાં ઇમામે ઝમાના (અ.સ.)ના દિદારનું સન્માન માત્ર ત્યારેજ મળી શકે જ્યારે કે ઇમામે ઝમાના (અ.સ.) પરવાનગી આપે. અગર તેમની પરવાનગી કે મરજી ન હોય તો લાખ મહેનતો પણ ઇમામ (અ.સ.)ના દિદાર કરાવી શકતી નથી. આ બધું તેમની મહેરબાનીથી સંબંધિત છે.
(4) જાહેરી મુલાકાત :
તેના અમૂક પ્રકારો છે :
અ. મુલાકાત નસીબ થાય પરંતુ મુલાકાત દરમ્યાન કે મુલાકાતની બાદ એ એહસાસ પણ ન થાય કે ઇમામે ઝમાના (અ.સ.)ની સાથે મુલાકાત થઇ હતી.
બ. મુલાકાત નસીબ થાય પરંતુ મુલાકાત દરમ્યાન એહસાસ ન થાય કે ઇમામે ઝમાના (અ.સ.)ની સાથે મુલાકાત થઇ રહી છે. મુલાકાત બાદ ખબર પડે કે જેમની સાથે વાતચીત થઇ રહી હતી તે બીજું કોઇ નહિં પરંતુ હઝરત હુજ્જત (અ.સ.)ની પવિત્ર ઝાત હતી. તેના પણ બે પ્રકાર છે.
(1) ક્યારેક મુલાકાત બાદ તરતજ એ એહસાસ થઇ જાય છે.
(2) ક્યારેક અમૂક સમય પસાર થયા પછી એ એહસાસ થાય છે.
ગયબતે કુબરા દરમ્યાન ઇમામે ઝમાના (અ.સ.) સાથેની મુલાકાતના જે પ્રસંગોની નોંધ કરવામાં આવી છે તેમાં આ પ્રકારની મુલાકાતના ઘણા બધા પ્રસંગો જોવા મળે છે.
(ક) મુલાકાત દરમ્યાન જ એ એહસાસ થઇ જાય કે જે પવિત્ર વ્યક્તિના દિદારનો લાભ મળી રહ્યો છે તે ખુદ બકીય્યતુલ્લાહિલ અઅઝમ, હજરત હુજ્જત ઇબ્નીલ હસનીલ અસ્કરી (અ.સ.) છે. આ પ્રકારની મુલાકાતના પ્રસંગો બહુ ઓછા છે. ઇસ્માઇલ હરકલીનો પ્રસંગ આ જ પ્રકારનો એક પ્રસંગ છે અથવા જનાબ અલ્લામા સૈયદ મહદી બહરૂલ ઓલુમનો પ્રસંગ.
ઇમામ (અ.સ.) જીવંત છે :
હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) સાથેની મુલાકાતના પ્રસંગો એટલી મોટી સંખ્યામાં છે કે કોઇપણ આ મુલાકાતની વાસ્તવિકતાથી ઇન્કાર કરી શકતું નથી.
આ મુલાકાતથી અમૂક વાતો સ્પષ્ટ થાય છે.
1. ઇમામે ઝમાના (અ.સ.) જીવતં છે.
2. આ દુનિયામાંજ જીવન વિતાવી રહ્યા છે.
3. લોકોની મુશ્કેલીઓને દૂર કરે છે.
4. આપણે આપણી મુશ્કેલીઓમાં તેમની તરફ રજુ થવું જોઇએ.
5. દુનિયા અલ્લાહની હુજ્જતથી ખાલી નથી.
6. આ મુલાકાતો એ બધાના મોઢાં ઉપર તમાચો છે જે આપના અસ્તિત્વનો ઇન્કાર કરે છે અથવા તેમની તાકત અને શક્તિનો સ્વિકાર કરતા નથી.
કોણ મુલાકાત કરી શકે છે?
આપની સાથેના મુલાકાતના પ્રસંગોનો અભ્યાસ કરવાથી એ જાણવા મળે છે કે મુલાકાત કરનાર વ્યક્તિ કોઇ ખાસ ગુણથી સંબંધ ધરાવતો હોતો નથી. તેમાં આલિમો તેમજ આલિમ સિવાયના લોકોનો પણ સમાવેશ થાય છે. તેમાં મુત્તકી અને પરહેઝગાર પણ છે અને ગૈર મુત્તકી પણ, વેપારી પણ અને ગૈર વેપારી પણ, મજુરો પણ અને તે સિવાયના લોકો પણ, ગરીબ, અમીર, દુ:ખી, એટલે સુધી કે ગૈર શીઆ વ્યક્તિઓનો પણ તેમાં સમાવેશ થાય છે. તેમાં કોઇ એક ખાસ પ્રકારની વ્યક્તિઓ નથી. આ હકીકત ઉપરથી એમ જણાય છે કે આ મુલાકાતનો આધાર ઇમામે અસ્ર (અ.સ.)ની મહેરબાની ઉપર છે.
હા, તેમાં તકવા, પરહેઝગારી, દોઆ, રૂદન, મુલાકાતની તીવ્ર ઇચ્છા, તડપ અને મુલાકાત માટેની ઉત્કંઠાથી મુલાકાતની શક્યતાઓ પ્રબળ બની શકે છે પરંતુ તેનાથી મુલાકાતની ખાત્રી આપી શકાતી નથી.
મુલાકાત ન થવાનું કારણ ખુદ ઇમામે ઝમાના (અ.સ.) એ તેમની એક તવકીઅ (લેખિત સંદેશા)માં બયાન ફરમાવ્યું છે.
(1) ‘ખુદા અમારા શીઆને તાબેદારી કરવાની તૌફીક આપે. જો તે લોકો તેઓના વાયદા અને વચનનું પાલન કરતા હોત તો અમારી મુલાકાતની નેઅમતમાં વિલંબ ન થાત. મઅરેફતની સાથે અમારા દિદારની ખુશનસીબી તેઓને જલ્દી નસીબ થતી.
જે વસ્તુએ અમને તેઓથી દૂર કરી દીધા છે તે તેમના તરફથી અમારા સુધી પહોંચતી એ ખબરો છે જે અમને નાપસંદ છે અને અમે તેઓ પાસેથી તેની આશા નથી રાખતા.’
(એહતેજાજે તબરસી, ભાગ – 2, પાના નં. 325, નોંધ મીક્યાલુલ મકારીમ (ફારસી) ભાગ – 1, પાના નં. 160)
આ તવકીઅ ઉપરથી જણાય છે કે આપની મુલાકાત ન થવાનું કારણ ખુદ આપણે અને આપણા આમાલ તથા ખાસ કરીને એવા કાર્યો છે કે જે આપણા ઇમામને નાપસંદ છે અને જેની તેઓ આપણી પાસેથી અપેક્ષા રાખતા નથી.
(2) અલી બીન ઇબ્રાહીમ બીન મેહઝીયાર એવી ખુશનસીબ વ્યક્તિઓમાંથી છે જેમને હઝરત હુજ્જત ઇબ્નીલ હસન (અજ.) સાથે મુલાકાતનું સન્માન મળેલ છે. જેની વિશેષતા એ હતી કે તે જાણતા હતા કે તે ઇમામે ઝમાના (અ.સ.) સાથે મુલાકાત કરી રહ્યા છે. જ્યારે તે ઇમામ (અ.સ.)ની સેવામાં હાજર થયા, ત્યારે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :
‘અય અબુલ હસન, અમે રાત દિવસ તમારી રાહમાં હતા. ક્યા કારણથી આવવામાં મોડું થયું?’
તેણે જવાબ આપ્યો. મૌલા કોઇ એવું ન હતું જે મને તમારા સુધી પહોંચાડે.
આપે ફરમાવ્યું :
‘તમને કોઇ અહિં સુધી પહોંચાડનાર ન મળ્યું!’
પછી ઇમામ (અ.સ.)એ પોતાની મુબારક આંગળીથી જમીન ઉપર લીટી દોરી અને ફરમાવ્યું :
‘નહિં એવું નથી પરંતુ,
- તમે લોકોએ માલમાં વધારો કર્યો છે,
- તમે લોકો નબળા મોઅમીનોની સાથે અકડાઇને વર્તો છો અને
- તમે તમારા સગપણોને તોડી નાખ્યા છે.
આ ઉપરાંત પણ કોઇ બહાનુ બાકી રહી જાય છે?’
તેણે કહ્યું :
‘મૌલા, તૌબા, તૌબા, માફી, માફી.’
પછી ફરમાવ્યું :
‘અય ઇબ્ને મેહઝીયાર, જો તમારામાંથી અમૂક લોકો અમૂકના માટે ઇસ્તીગફાર ન કરતા હોત તો માત્ર ખાસ શીઆઓની સિવાય બધા હલાક થઇ જાત અને ખાસ શીઆ તેઓ છે કે જેનું કથન અને કાર્ય એક હોય છે.’
(તબ્સેરતુલ વલી, પાના નં : 146)
આ મુલાકાતથી એ જાણવા મળે છે કે ઇમામે અસ્ર (અ.સ.)ના દિદાર ન થવાના કારણોમાં વધારે પડતો માલ ભેગો કરવો, મોઅમીનો સાથે અકડાઇને વર્તવું અને સગાઓથી દૂર રહેવું છે.
અગર આ બાબતો ઇમામ (અ.સ.)થી દૂર રહેવાના કારણો છે અને અગર આપણે તેમની નજદિકી ચાહતા હોઇએ તો આપણે તે દરેક બાબતોથી દૂર રહેવું જોઇએ. જો આપણે ખરેખર અલ્લાહ અને રસુલના માટે ગુનાહોથી દૂર રહેશું અને ખુદા પાસે ઇમામ (અ.સ.)ની મુલાકાતની દોઆ કરીશું તો એ સમય દૂર નથી કે ઇમામે અસ્ર (અ.સ.)ની મહેરબાની આપણા ઉપર પણ થઇ જાય.
આમીન…..
Comments (0)