ઇમામે ઝમાના (અજ.) અને અલ્લામા સૈયદ મહદી બહરૂલ ઓલુમ (રહ.)
ખુદાવંદે આલમનો પોતાના બંદાઓ ઉપર હરહંમેશ એક ખાસ લુત્ફ અને કરમ રહ્યો છે. તેના સર્જન પછી તેને એકલો નથી છોડી મૂક્યો. પરંતુ એક પછી બીજા એમ પોતાના ખાસ હાદીઓ દ્વારા હિદાયતના ઝરણાથી તેઓને તૃપ્ત કર્યા છે. ત્યાં સુધી કે ઇમામે અસ્ર (અજ.)ની ગયબતમાં પણ તેઓને આ ઇનાયતોથી તરસ્યા નથી રાખ્યા. બલ્કે આ ખાસ નૂરાની હસ્તીઓ સાથે જોડાએલી અમૂક એવી વ્યક્તિઓને પૈદા કરી જેમણે તે પવિત્ર હસ્તીઓ પાસેથી એવો પ્રકાશ મેળવ્યો જેના કિરણો તેઓના અસ્તિત્વમાં ઝળકી ઉઠ્યા. નવાઇ નથી કે તેઓ આ આદ્યુનિક યુગના ‘અબુઝર’ (રહ.) અને ‘સલમાન’ (રહ.) હોય. બેશક ખુદાવંદે આલમે આજ ચૂંટી કાઢેલી વ્યક્તિઓ દ્વારા ગયબતના ઝમાનામાં અઇમ્મા (અ.સ.)ના ઇલ્મને લોકો સુધી પહોંચાડ્યું છે.
અલ મુન્તઝરની પ્રણાલિકા મુજબ આ અંકમાં પણ અમે અલ્લામા સૈયદ મહદી બહરૂલ ઓલુમ અને તેમના ઇમામે ઝમાના (અ.સ.) સાથેના સંબંધોનું વર્ણન કરીશું.
(1) જન્મ અને ટૂંકો પરિચય :
આપનું નામ મહદી હતું અને આપના પિતાનું નામ સૈયદ મુરતુઝા તબાતબાઇ બુરૂજર્દી (રહ.) હતું. આપના વંશનો ક્રમ ઇબ્રાહીમ (જેમનો લકબ તબાતબા હતો)થી હસને મોસન્ના થકી ઇમામ હસને મુજતબા (અ.સ.) સાથે મળે છે.
(અઅયાનુશ શીઆ, ભાગ-48, પા. નં. 164)
અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમનો જન્મ કરબલાએ મોઅલ્લામાં શબે જુમ્આ માહે શવ્વાલ હિજરી સન 1155માં થયો હતો. મરહુમ હાજ શયખ અબ્બાસ કુમ્મી (રહ.) ફવાએદુર રઝવીય્યહમાં લખે છે કે : ‘જે રાત્રે અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.)નો જન્મ થયો તે રાત્રે તેમના પિતાએ સ્વપ્નમાં જોયું કે ઇમામ રઝા (અ.સ.) તશરીફ લાવ્યા છે અને તેમના શાર્ગીદ મોહમ્મદ બીન ઇસ્માઇલ બીન બઝીઅને હુકમ આપીને એક મોટી શમ્અ (મીણબત્તી, દીવો) આપે છે. પછી મોહમ્મદ તે શમ્અને મકાનની છત ઉપર લઇ ગયા અને તેને પ્રગટાવી. અચાનક તે શમ્અનો પ્રકાશ આસમાનની ઉંચાઇએ પહોંચ્યો અને દુનિયામાં તેનો પ્રકાશ ફેલાઇ ગયો.’
અલ્લામા બહરૂલ ઓલુમની તાલિમ અને ઉછેર તેમના પિતા અને બીજા વિદ્વાનોની દરમિયાન થયો. શરૂઆતના ચાર વર્ષ અલ્લામાએ આ મહાન હસ્તીઓના ઉછેર હેઠળ નહવ – સર્ફ, સાહિત્ય, મન્તિક, ફીકાહ અને ઉસુલની તાલિમ પ્રાપ્ત કરવામાં પસાર કર્યા. ત્યાર બાદ બાલિગ થવાની અવસ્થામાં આયતુલ્લાહ વહીદ બહબહાની અને શયખ યુસુફ બહરાનીના વર્ગોમાં અભ્યાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યંુ. પછી પાંચ વર્ષના સમયગાળામાં ઇજતેહાદના દરજ્જા ઉપર પહોંચી ગયા.
કિતાબો :
અલ્લામા બહરૂલ ઓલુમે અસંખ્ય કિતાબો લખી છે જે ઇલ્મી ખજાનાઓથી ભરપૂર છે. તેમાંની અમૂક કિતાબોના નામ નીચે મુજબ છે.
1. મસાબીહ ફી શરહે મફાતીહ, ફીકાહની કિતાબ (ઇબાદતો અને મોઆમેલાત).
2. અદ દુર્રતુન નજફીય્યહ, (તહારત અને નમાઝ) હજાર અશ્આર અને તેની સમજૂતિ તથા તફસીર ઉપર આધારિત છે.
3. મિશ્કાતુલ હિદાયહ, અલ્લામા બહરૂલ ઓલુમ (રહ.)ના હુકમથી શયખ જાફર કાશેફુલ ગેતાઅ (રહ.)એ શરહ (સમજૂતિ) લખી.
4. અલ ફવાએદુલ ઉસુલિય્યહ.
5. હાશિયતો અલા તહારતે શરાએઇલ મોહક્કેકીલ હિલ્લી (રહ.).
6. અલ ફવાએદુર રેજાલીય્યહ.
7. રેસાલતુન ફીલ ફેરકે વલ મેલલે.
8. તોહફતુલ કેરામ ફી તારીખે મક્કતે વલ બયતિલ હરામે.
9. શરહો બાબીલ હકીકતે વલ મજાઝ.
10. કવાએદો અહકામીશ્શોકુક.
11. અદ દુર્રતુલ બહીય્યતો નઝમ બઅઝીલ મસાએલીલ ઉસુલીય્યહ.
12. દીવાન, (જે હજારથી વધુ પંક્તિઓ ઉપર આધારિત છે.)
(ફોકહાઇ નામદાર શીઆ, પાના નં. 295 અબ્દુર્રહીમ અકીકી બખ્શાઇશી પ્રકાશિત, કિતાબ ખાનએ આયતુલ્લાહ મરઅશી રહ.)
(2) લકબ ‘બહરૂલ ઓલુમ’ ઇમામે ઝમાના (અજ.)ની ઇનાયત :
અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.) શીઆ આલિમોમાં ભવ્ય ગુણો અને ઉચ્ચ સ્થાન ધરાવે છે. આપની દિની સેવાઓને અમૂલ્ય ગણવામાં આવે છે અને તેની પ્રસંશા કરવામાં આવે છે. અલ્લામાના ઉજ્જવળ વ્યક્તિત્વના કારણે શબ્દ તશીઅ (શીઆ હોવું) આપના નામની સાથે જોડાએલો રહેતો હતો. આપ જ્યાં પણ જતાં ત્યાં શીય્અતનો પ્રચાર કરતા. આ બધી જાહેરી અને રૂહાની ખૂબીઓ આપને માત્ર અને માત્ર હઝરત બકીયતુલ્લાહ (અજ.) પાસેથી પ્રાપ્ત થઇ છે.
મરહુમ મિરઝા અબુલ કાસિમ કુમ્મી (રહ.) નોંધ કરે છે કે હું અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.)ની સાથે આકા બાકિર બહબહાની (રહ.)ના દર્સમાં જતો હતો અને તેમની સાથે દર્સ સંબંધિત ચર્ચા વિચારણાનો સિલસિલો ચાલ્યા કરતો હતો. બલ્કે તે મારી ચર્ચાથી ફાયદો મેળવતા હતા. હું ઇરાનમાં જ સ્થાયી થયો અને અલ્લામા ઇરાક ચાલ્યા ગયા. તે દરમ્યાન અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.) ઓલમાઓ વચ્ચે ઇલ્મ અને મહાનતાના ક્ષેત્રમાં ઘણા જ મશ્હૂર થયા.
મને આશ્રર્ય થયું અને ખુદ પોતાની જાતને કહેતો કે અલ્લામા આ કાબેલિયત અને ખૂબીઓ તો ધરાવતા ન હતા. તો પછી આ મહાન ખૂબીઓ કેવી રીતે મળી?
ત્યાં સુધી કે મેં અઇમ્મા (અ.મુ.સ.)ના પાક હરમોની ઝિયારત માટે મુસાફરી કરી. નજફે અશ્રફમાં અલ્લામાના દિદારનો લાભ લીધો. અલ્લામાના દર્સમાં હાજરી આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા એકસોથી વધુ હતી. અલ્લામાની મજલીસમાં મેં પણ હાજરી આપી અને મજલીસમાં થયેલા સવાલ જવાબથી માલુમ થયું કે ખરેખર અલ્લામા ‘ઇલ્મના સ્તંભ’ છે અને તેમને બહરૂલ ઓલુમ (ઇલ્મનો મહાસગાર)નો લકબ આપવો યોગ્ય છે.
એક વખત મેં એકાંતમાં અલ્લામાને પુછયું કે જ્યારે આપણે બંને સાથે હતા ત્યારે આપ આટલા ઉચ્ચ સ્થાન ઉપર ન હતા અને ન તો આટલું ઇલ્મ ધરાવતા હતા. બલ્કે મારી સાથેની ચર્ચાથી ફાયદો ઉઠાવતા હતા. જ્યારે આજે અલ્લાહના ફઝલથી ઇલ્મ અને વિદ્વતાના એક ભવ્ય સ્થાન ઉપર જોઇ રહ્યો છું.
આપે કહ્યું, મિરઝા અબુલ કાસિમ (રહ.)! તમારા સવાલનો જવાબ એક રહસ્ય છે. હું તમને એક શર્તે એ રહસ્ય જાહેર કરીશ કે મારા જીવન દરમ્યાન આ રહસ્ય કોઇને કહેશો નહિં. મેં વાયદો કર્યો કે હું આપની હયાતીમાં આ રહસ્ય કોઇને જાહેર નહિં કરૂં. પછી આપે કહ્યું : આવું કેમ ન થાય જ્યારે કે હઝરત વલીએ અસ્ર (અ.સ.)એ એક રાત્રે મસ્જીદે કુફામાં મને છાતી સરસો ચાંપ્યો.
મેં પુછયું, કેવી રીતે? તેમણે કહ્યું : એક રાત્રે મેં મસ્જીદે કુફામાં જોયું કે મારા આકા હઝરત વલી એ અસ્ર (અજ.) ઇબાદતમાં તલ્લીન છે. મેં ઊભા થઇને સલામ કરી. આપ (અ.સ.)એ મારા સલામનો જવાબ આપ્યો અને ફરમાવ્યું કે નજીક આવો. હું આગળ વધ્યો. આપ (અ.સ.)એ ફરમાવ્યું: વધુ નજીક આવો. તેથી હું થોડો વધુ આગળ વધ્યો. આપ (અ.સ.)એ ફરમાવ્યું : હજુ વધુ નજીક આવો.
હું આપ (અ.સ.)ની વધુ નજીક ગયો. એટલે સુધી કે આપ (અ.સ.)એ મને ગળે લગાડ્યો અને આપ (અ.સ.)ની પવિત્ર છાતી સરસો ચાંપ્યો. પછી જે કાંઇ ખુદાવંદે આલમે ચાહ્યું તે આ દિલમાં હરતું – ફરતું કરી દીધું.
હઝરત બકીયતુલ્લાહ (અજ.)ની નવાઝીશ અને મહેરબાનીથી અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.)ના ઇલ્મ અને ખૂબીઓથી જ્યારે ઓલમાઓ માહિતગાર થયા તો ખૂબજ આશ્ર્ચર્ય ચક્તિ અને પ્રભાવિત થયા. અલ્લામા મશ્હદે મુકદ્દસમાં સાત વર્ષ રહ્યા. તે સમયગાળામાં તેઓ ઉસ્તાદ શહીદ મિર્ઝા મહદી ઇસ્ફહાની (રહ.)ની સેવામાં હાજર થયા. ઉસ્તાદ અલ્લામાની અસાધારણ ઇલ્મી લાયકાત અને બુદ્ધિકક્ષાથી દંગ રહી ગયા અને અલ્લામાને આ ખિતાબથી પોકાર્યા.
ખરેખર તમે ઇલ્મોના મહાસાગાર છે.
રૌઝાતુલ જન્નાતના લેખક આયતુલ્લાહુલ ઉઝમા મીર સૈયદ મોહમ્મદ બાકિર ખુન્સારી (રહ.) જેમની ગણના મહાન આલિમોમાં થાય છે. તેઓ અલ્લામાના ઉપરોક્ત લકબ અંગે લખે છે :
સૈયદ ના ગૌરવ માટે એટલું પુરતું છે કે આપની પહેલા અને ન તો આપની પછી કોઇ વ્યક્તિને આ લકબથી નવાઝવામાં આવ્યા છે.
(3) ઇમામે ઝમાના (અજ.)ની ખુશ્નુદી :
ઇમામ (અ.સ.) સંબંધિત શીઆઓની એક મહત્ત્વની જવાબદારી આપ (અ.સ.)ની ખુશ્નુદી પ્રાપ્ત કરવાની છે. અલ્લામા બહરૂલ ઓલુમ (રહ.)નું જીવન આપણને આ શીખવે છે. આપના જીવનનો ટૂંકો અભ્યાસ કરવાથી જાણી શકાય છે કે આપના ઉચ્ચ સ્થાન ઉપર પહોંચવાનું કારણ ઇમામ (અ.સ.)ની ખુશ્નુદી, ઇમામ (અ.સ.)ની રાહમાં માલ ખર્ચ કરવો, ઇમામ (અ.સ.)ની યાદમાં મજલીસોનું આયોજન કરવું અને લોકોને આપ (અ.સ.)ની તરફ આમંત્રણ આપવું, આપ (અ.સ.)ના પવિત્ર નામની તબ્લીગમાં મદદ કરવી અથવા તેવી કિતાબોના પ્રકાશનમાં ભાગ લેવો જે આપ (અ.સ.)થી સંબંધિત હોય, તેમજ સાદાત અને મોઅમીનોની મદદ કરવી, આ પ્રકારના અમૂક કાર્યો એવા છે જે ઇમામે ઝમાના (અ.સ.)ની ખુશ્નુદી પ્રાપ્ત કરવાનું માધ્યમ છે.
હઝરત બકીયતુલ્લાહ (અરવાહોના ફીદાહ)ને મદદ કરવાની એક રીત એ છે કે મોઅમીનોની મદદ કરવી અને તેઓને સાંત્વન આપવું. જેમકે મજમઉલ બહરયનમાં છે કે:
સારાંશ: મવાસાત એ અર્થમાં છે કે મોઅમીન બિરાદરોની રોજી અને આજીવિકામાં ભાગીદાર રહે અને તેને દોસ્ત ગણે.
અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.) જીવનના દરેક તબક્કામાં લોકોના દુ:ખ અને દર્દમાં શરીક રહેતા હતા અને મદદ કરતા હતા. ચાહે તે મદદ ભૌતિક હોય કે રૂહાની. ત્યાં સુધી કે તેમણે આ કાર્ય પદ્ધતિ દ્વારા ઇમામે ઝમાના (અ.સ.)ની ખુશ્નુદી અને રાજીપો હાસિલ કર્યો.
અલ્લામા જુદા જુદા પ્રકારે ઇમામે ઝમાના (અજ.)ની નુસ્રતમાં મશ્ગુલ રહેતા. ટૂંકમાં હંમેશા ફકીરો અને કમજોર વ્યક્તિઓની ચિંતામાં લાગેલા રહેતા અને તેઓની સાથે ભાઇચારાની વર્તણુંક રાખતા. તેમના બુઝુર્ગ દાદા ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)એ દર્શાવેલા માર્ગને અનુસરતા. અંધારી રાત્રે યતીમો અને ફકીરો માટે ખોરાકનો સામાન પોતાની પીઠ ઉપર લાદીને નીકળતા અને પોતાના હાથે તે વહેંચતા અને ખૂબજ મહેરબાનીથી વ્યવહાર કરતા.
(4) હજના એહકામોની નિયુક્તિ :
અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.) ઇમામે ઝમાના (અ.સ.)ના હુકમથી બે વર્ષ સુધી મક્કએ મોઅઝઝમામાં સ્થાયી રહ્યા. આ સમયગાળા દરમ્યાન તેઓ તકય્યામાં રહ્યા. મક્કામાં રહીને ચારેય ફીરકાની માન્યતા ધરાવતા લોકોને દર્સ (તાલિમ) આપતા. દરેક એમ સમજતા કે તેઓ તેના ફીરકાથી સંબંધ ધરાવે છે. આપનો આ સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહ્યો કે આપે ઇમામે ઝમાના (અજ.)એ સોંપેલ બધી જવાબદારીઓ અદા કરી.
આલિમોનું કહેવું છે કે અલ્લામાએ હઝરત વલી એ અસ્ર (અજ.)ના હુકમ મુજબ બે વર્ષ મક્કામાં પસાર કર્યા અને ત્યાં સુધી કે આપે હજના સ્થળો ઉપર કરવાની વિધિઓ અને ત્યાં થોભવાના એહકામોને નિયુક્ત કર્યા.
ઇમામે ઝમાના (અ.સ.)ની તરફથી કોઇપણ કામની સોંપણી માત્ર અને માત્ર આપની રૂહાની પવિત્રતાને કારણે હતી.
મરહુમ સૈયદ મોહસીન અમીન (રહ.) લખે છે : અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.) જેટલો સમય મક્કામાં રહ્યા તે દરમ્યાન એવી અસંખ્ય નિશાનીઓને પ્રકાશિત કરી જે છુપાએલી હતી. તેથી આજે હાજીઓ હજના એહકામને ખુદ પોતે સહેલાઇથી એહલેબય્ત (અ.સ.)ના મઝહબ મુજબ અદા કરી શકે છે.
આજે તેમના પછી પણ આ નિશાનીઓ બાકી છે અને લોકો તેનાથી લાભ ઉઠાવે છે. આપે અમલના સમયો અને એહરામની હદો પણ નક્કી કરી. મુઝદલફા અને મશ્અરને પણ નક્કી કર્યા. જે રીતે આ સ્થળો પહેલા છુપાએલા હતા અને પછીથી જાહેર થયા.
(ઇમામે ઝમાના (અજ.) અને અલ્લામા સૈયદ મહદી બહરૂલ ઓલુમ (રહ.) – 106, સૈયદ જઅફર રફીઅ કૃત)
તેથી આજે હજના જે એહકામો આપણા સુધી પહોંચ્યા છે તેમાં અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.)ની એક મહત્ત્વની કારકિર્દી છે. તેનાથી એ પણ જાહેર થાય છે કે ગયબતે કુબરાના સમયમાં ઇમામ (અ.સ.) આપણી એવી જ રીતે હિદાયત કરે છે જેવી રીતે જાહેરી હાલતમાં કરે છે.
(5) મુલાકાતના બીજા થોડા પ્રસંગો :
(1) સરદાબમાં અલ્લામ સૈયદ બહરૂલ ઓલુમ (રહ.)ની મુલાકાત :
મોહદ્દીસે નૂરી (રહ.) કહે છે કે મોહક્કીક અને બસીર આલિમ ભરોસાપાત્ર સૈયદ અલી (રહ.) કે જે અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.)ની પુત્રીના પૌત્ર હતા (બુરહાનુન કાતેઉન કિતાબના લેખક) તેમણે કહ્યું કે સૈયદ મુરતુઝા (રહ.) જે અલ્લામાની બહેનના પુત્ર હતા તે ફરમાવે છે :
હું સામર્રાની ઝિયારત માટે અલ્લામાની સાથે હતો. આપ જે રૂમમાં હતા ત્યાં એકલા સૂઇ જતાં હતા. મારો રૂમ આપના રૂમથી જોડાયેલો હતો. હું દિવસ રાત અલ્લામાની સેવામાં રોકાએલો રહેતો. તે દિવસોમાં લોકો આપની આજુબાજુ વધારે પ્રમાણમાં રહેતા હતા એટલે સુધી કે રાતનો એક ભાગ પસાર થઇ જતો હતો.
એક રાત્રે રાબેતા મુજબ અલ્લામા બેઠા હતા અને લોકો આપની આજુબાજુમાં ભેગા થએલા હતા. પરંતુ આપને જોઇને એમ લાગતુ હતું કે અલ્લામા લોકોથી બેખબર છે અને એકાંત ચાહે છે. તેઓ કોઇની સાથે વાત પણ કરતા ન હતા. આથી લોકો વિખેરાઇ ગયા અને મારી સિવાય બીજું કોઇ બાકી ન રહ્યું. પછી મને બહાર જવાનો હુકમ આપ્યો. હું મારા રૂમમાં તો ચાલ્યો ગયો પરંતુ અલ્લામાની સ્થિતિની ચિંતામાં મગ્ન હતો. મારી આંખોમાંથી ઊંઘ જતી રહી હતી. થોડીવાર મેં ધીરજ ધરી પછી હું છુપી રીતે બહાર નીકળ્યો કે અલ્લામાની સ્થિતિ કેવી છે તે જાણી શકું. મેં જોયું તો રૂમનો દરવાજો બંધ છે. જ્યારે મેં જરૂખામાંથી રૂમમાં નજર કરી તો જોયું કે દિવો બળે છે અને બીજું કોઇ નથી. હું અંદર દાખલ થયો અને જોયું કે આપ ત્યાં સુતા ન હતા. પછી હુંં ખુલ્લા પગે મારી જાતને છુપાવીને અલ્લામાને શોધવા નીકળ્યો. પછી સહેનમાં દાખલ થયો અને જોયું કે અસ્કરીય્યેન (અ.સ.)ના રોઝાના દરવાજાઓ બંધ છે.
ત્યાંથી પાછા ફરી હરમની આજુબાજુમાં શોધ કરી પરંતુ અલ્લામા ન મળ્યા પછી સરદાબના સહેનમાં દાખલ થયો. જોયું કે ત્યાંના દરવાજા ખુલ્લા હતા. પછી હું સરદાબની સીડીથી ધીરે ધીરે નીચેની તરફ ઉતરવા લાગ્યો. સરદાબમાં દાખલ થતાની સાથે જ કાંઇક વાતચીતનો અવાજ સંભળાયો. જાણે કે કોઇની સાથે વાતચીત કરી રહ્યા હોય. હું વાતોને સમજી ન શક્યો. ત્યાં સુધી કે હું ત્રણ કે ચાર પગથીયા ઉપર હતો અને ખૂબજ ધીરેધીરે પગથીયા ઉતરી રહ્યો હતો. ત્યાં અચાનક અલ્લામાનો અવાજ એજ જગ્યાએથી ઉંચો થયો કે : અય સૈયદ મુરતુઝા, આ શું કરી રહ્યા છો? અને ઘરની બહાર શા માટે નીકળ્યા? અલ્લામાનો આ અવાજ સાંભળીને હું હેબતાઇ ગયો. ડરનો માર્યો એજ જગ્યાએ ઉભો રહી ગયો. પછી વિચાર્યંુ કે જવાબ આપ્યા પહેલાં પાછો ફરી જાઉં. પછી મારી જાતને કહ્યું, હું કેવી રીતે મારા આગમનને છુપાવી શકું છું જ્યારે કે અલ્લામાએ મને ઓળખી લીધો છે.
તેથી માફી માગવાની ગણતરી સાથે સીડીથી નીચે આવ્યો અને સરદાબમાં દાખલ થયો. અલ્લામાને જોયા કે એકલા કિબ્લા તરફ ઉભા છે અને ત્યાં બીજા કોઇને ન જોયા. તેથી હું સમજી ગયો કે આપની વાતચીત ઇમામે ગાએબ (અ.સ.) સાથે થઇ રહી હતી.
(નજમુસ સાકીબ, પાના નં. 256 , જન્નતુલ માવા, પાના નં. 228, અને દારૂસ્સલામે નૂરી, ભાગ – 2, પાના નં. 211, મુન્તહલ આમાલ, ભાગ – 2, પાના નં. 475 – 476)
(2) અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.) દ્વારા ઇમામ મહદી (અજ.)ના મુબારક હાથોને ચૂમવા :
આલિમે રબ્બાની આખુન્દ મુલ્લા ઝૈનુલ આબેદીન સલમાસી (રહ.) કે જેઓએ મક્કામાં અલ્લામાની મુલાકાતનો લાભ લીધો હતો તે કહે છે :
અલ્લામા પોતાના શહેરથી દૂર અને પોતાના કુટુંબીજનોની જુદાઇ પછી પણ મજબુત દિલ ધરાવતા હતા. ભરપૂર બખ્શીશ અને મહેરબાનીના કારણે તેમની પાસે કાંઇ ન હતું. આકસ્મિક રીતે એક દિવસ હું પણ આપની પાસે ગયો. મારી પાસે ખર્ચ કરવા માટે હાથ ઉપર કાંઇ ન હતું. તેથી અલ્લામાને મારી પરિસ્થિતિ જણાવી. આપે સાંભળીને કાંઇ ન કહ્યું.
અલ્લામાનો નિત્યક્રમ એ હતો કે દરરોજ સવારે ખાનએ કાબાનો તવાફ કરતા હતા. પછી પોતાના રૂમમાં ચાલ્યા જતાં હતાં. આ દરમ્યાન આપના માટે હું હોકો લાવતો અને આપ તેને પીતા. પછી બહાર આવતા અને બીજા રૂમમાં જતા જ્યાં બીજા મઝહબના શાર્ગિદો રહેતા. આપ દરેક સમૂહને તેઓની રીત મુજબ દર્સ આપતા.
મેં મારી આર્થિક સંકડામણની અલ્લામાને ફરિયાદ કરી હતી તે દિવસ પછી જ્યારે આપ તવાફ કરીને પાછા ફર્યા ત્યારે રાબેતા મુજબ મેં હોકો હાજર કર્યો કે અચાનક કોઇએ દરવાજો ખટખટાવ્યો. સૈયદ બહરૂલ ઓલુમ (રહ.) આ અવાજ સાંભળીને ઘણા બેચૈન થઇ ગયા અને મને કહ્યું કે હોકાને લઇને અહિંથી બહાર જાવ અને પોતે ઝડપથી દરવાજા તરફ ગયા અને દરવાજો ખોલ્યો.
મેં જોયું કે એક પ્રતિભાશાળી વ્યક્તિ અરબી પહેરવેશમાં દાખલ થયા અને સૈયદ ના રૂમમાં જઇને બેઠા અને સૈયદ ખૂબજ નમ્રતા પૂર્વક અને અદબની સાથે દરવાજાના ખુણા ઉપર બેસી ગયા અને મને ઇશારો કર્યો કે હોકાને નજીક ન લાવતા.
તેઓ થોડીવાર બેઠા અને આપસમાં ચર્ચા કરતા રહ્યા. પછી તે પ્રતિભાશાળી વ્યક્તિ અને સૈયદ પણ થોડીવારમાં ઉભા થયા અને રૂમનો દરવાજો ખોલ્યો અને તેમના બંને હાથોને ચૂમ્યા અને બહાર ઉભેલી સવારી ઉપર સવાર કર્યા. તે અરબ વ્યક્તિ ચાલ્યા ગયા. અલ્લામાનો ચહેરો બદલાઇ ગયો હતો. ત્યાંથી પાછા ફર્યા અને એક ડ્રાફ્ટ મારા હાથમાં આપ્યો અને કહ્યું જાવ અને આ ડ્રાફ્ટ તે શાહુકારને આપી દયો જે સફાના પહાડ ઉપર છે. ડ્રાફ્ટ લઇ જાવ તેમાં રકમ લખેલી છે.
પછી હું તે ડ્રાફ્ટને તે માણસ પાસે લઇ ગયો. તેણે જેવો તે ડ્રાફ્ટને પોતાના હાથોમાં લીધો અને તેના ઉપર નજર કરી અને તેને ચૂમ્યો, આંખે લગાડ્યો અને કહ્યું : ચાર હમાલ લઇ આવો. હું ગયો અને ચાર હમાલ લઇ આવ્યો. તે માણસે ચારેય હમાલની શક્તિ મુજબ જેટલું તેઓ ઉપાડી શકતા હતા તેટલાં ફ્રાન્સી રીયાલ (જે તે ઝમાનાનું ચલણ હતું) લાવ્યો અને આપી દીધા. તે હમાલોએ રીયાલ મારા ઘર સુધી પહોંચાડી દીધા. એક ફ્રાન્સી રીયાલ પાંચ ઇરાની કિરાન બરાબર હતો (કિરાન, રીયાલની પહેલા ચલણમાં હતો).
એક દિવસ મેં ઇરાદો કર્યો કે તે શાહુકારના ખબર – અંતર પુછું. જ્યારે હું સફાના પહાડ ઉપર ગયો ત્યારે જોયું કે ન તો ત્યાં તે શાહુકાર છે અને ન તો તે દુકાન. પછી મેં જે લોકો ત્યાં રહેતા હતા તેઓને શાહુકાર સંબંધિત પુછયું. તો તેઓએ કહ્યું કે અમે આજ સુધી અહિંયા કોઇ શાહુકારને નથી જોયો. હું સમજી ગયો કે આ એક અલ્લાહનો ભેદ છે.
(દર ઇન્તેઝારે ખુરશીદે વિલાયત : પા. 147)
(3) સય્યદુશ્શોહદા ઇમામ હુસૈન (અ.સ.)નું માતમ:
એક બુઝુર્ગ આલિમનું બયાન છે : હું હિજરી સન 1333ની સાલમાં જ્યારે નજફે અશ્રફમાં તાલિમ મેળવી રહ્યો હતો ત્યારે મોહર્રમના મહિનામાં આલિમોના સમૂહ સાથે પગપાળા કરબલા જવા રવાના થયો. અમે ‘તવીરજ’ નામના સ્થળે પહોંચ્યા, જે કરબલાથી ચાર ફરસખ દૂર છે.
એક બુઝુર્ગ આલિમે મને કહ્યું : આશુરાના દિવસે આ સ્થળેથી માતમી દસ્તાઓ કરબલા તરફ જાય છે. તેઓની સાથે એક આલિમોની જમાત પણ હોય છે. ત્યાં સુધી કે તેમાં મરજએ તકલીદ પણ શામેલ હોય છે અને ઘણા જુસ્સાથી માતમ કરે છે. પછી આ મહાન આલિમે મને કહ્યું કે : આશુરાનો દિવસ હતો અને હું ‘તવીરજ’ના સમૂહો સાથે કરબલા જઇ રહ્યો હતો કે માતમ દરમ્યાન એક મરાજેએ તકલીદને જોયા કે બીજા આલિમોની જેમ ખૂબજ ખુલુસતાની સાથે આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને માતમમાં મશ્ગુલ છે.
તેમને મેં સવાલ કર્યો કે આપની પાસે આ કામ સંબંધિત કોઇ ઇલ્મી દલીલ છે? આપે જવાબ આપ્યો : મરહુમ અલ્લામા સૈયદ બહરૂલ ઓલુમ (રહ.) આશુરાના દિવસે થોડા વિદ્યાર્થીઓ સાથે તવીરજના માતમી દસ્તાનું સ્વાગત કરવા માટે કરબલાથી જઇ રહ્યા હતા. અચાનક વિદ્યાર્થીઓએ જોયું કે અલ્લામા તેમની પ્રતિભા અને ઇલ્મની ઉચ્ચતા હોવા છતાં બીજા લોકોની જેમ કુરતુ ઉતારીને સખત રીતે માતમ કરવા લાગ્યા. વિદ્યાર્થીઓએ ઘણી કોશિશ કરી કે તેમની લાગણી ઉપર નિયંત્રણ મેળવે પરંતુ નિષ્ફળ રહ્યા. પછી વિદ્યાર્થીઓ આપની સલામતિ માટે આપની આજુબાજુમાં ઘેરાવ કરી ઉભા રહી ગયા.
…. માતમ પુરૂં થયા પછી અમૂક ખાસ આલિમોએ આપને પુછયું : આપને એવું શું થયું કે માતમ દરમ્યાન આપ કાબુની બહાર અઝાદરીમાં મશ્ગુલ હતા?
આપે જવાબ આપ્યો : જ્યારે હું માતમી સમૂહની નજીક ગયો ત્યારે જોયું કે હઝરત બકીય્યતુલ્લાહ (અજ.) ખુલ્લા માથે અને પગે સમૂહની વચ્ચે માતમ કરી રહ્યા છે તથા રૂદન અને કલ્પાંતમાં મશ્ગુલ છે. બસ હું પણ બેકાબુ બની ગયો અને આપ (અ.સ.)ની સાથે માતમ કરવામાં મશ્ગુલ બની ગયો.
(6) મૃત્યુ :
અલ્લામાએ પોતાનું સમગ્ર જીવન ઇમામે ઝમાના (અજ.)ના ઝુહુરના ઇન્તેઝારમાં અને આપને શોધવામાં પસાર કર્યંુ. અંતે હિજરી સન 1212માં સાચા વાયદાના અવાજ ઉપર લબ્બયક કહી આ નાશવંત જગતમાંથી કૂચ કરી ગયા.
અલ્લામાની વસીય્યત મુજબ મિરઝા મહદી શહરસ્તાની (રહ.)એ આપની નમાઝે જનાઝા પઢાવી અને વસીય્યત મુજબ આપના શરીરને શયખ તુસી (રહ.)ની પવિત્ર કબ્રની નજીક દફન કરવામાં આવ્યું.
કિતાબ ફવાએદુર રેજાલીય્યહમાં લખ્યું છે કે :
જ્યારે આ મહાન ફકીહ અને આરીફ બુઝુર્ગવાર ઉપર માટી નાખવામાં આવી ત્યારે હાજર રહેલા લોકોએ એક અજાણ્યો અવાજ સાંભળ્યો જે કહી રહ્યો હતો કે :
આપની કબ્ર તે કબ્રો પૈકીની છે જે અમ્બીયાઓનું ઇલ્મ ધરાવે છે અને નુહ (અ.સ.)થી ખલફ (સાલેહ સુધી) સુધી ભરપૂર છે.
આપનું જીવન ઇસ્લામને પ્રગટ કરવામાં પસાર થયું અને આપના મૃત્યુથી ઇલ્મ અને શરફનું મૃત્યુ થયું.
Comments (0)