દીનનું મહત્ત્વ

દીનનું મહત્ત્વ

રસુલે ખુદા (સ.અ.વ.)ના નૂરે નઝર, જનાબે બતુલ (સ.અ.)ના જીગરના ટુકડા, હઝરત અલીએ મુરતુઝા (અ.સ.)ના આંખોની ઠંડક, હઝરત હસને મુજતબા (અ.સ.)ના દિલના સુકુન, સય્યદુશ શોહદા હઝરત હુસૈન (અ.સ.)ની આરઝુ, ખાતેમુલ અવ્સીયા, બકીય્યતુલ્લાહ, હુજ્જતે ખુદા હઝરત હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી ઈમામે ઝમાના હઝરત ઈમામ મહદી (અલય્હે આલાફુત તહીય્યતો વસ્સનાઅ)ની વિલાદતના મુબારક મૌકા ઉપર આપ તમામ હઝરાતની બાબરકત ખિદમતમાં મુબારકબાદીનો તોહફો પેશ કરતા ઈમામ (અ.સ.)ના આબાઅ વ અજદાદ, અઈમ્મએ તાહેરીન (અ.મુ.સ.)ની અઝમતો અને કુરબાનીઓના વાસ્તાથી ખુદાવંદે કરીમની બારગાહમાં ખુબજ આજીજી અને જરૂરતમંદતા, પુર ખુલુસ અને મજબુત યકીનની સાથે દોઆ કરીએ છીએ કે અલ્લાહનો વાયદો હઝરત ઈમામે અસ્ર (અ.સ.)ના ઝુહુર સ્વરૂપે જલ્દીથી જલ્દી અમલી થાય, બધી બાજુથી ઝુલ્મ અને અત્યાચારનો અંત આવે અને અદ્લ તથા ઈન્સાફનો ઝમાનો કાયમ થાય, ગદીરી દીનનું વર્ચસ્વ હોય, જનાબે ઝહરા (સ.અ.)ના દિલને સુકુન હોય, હઝરત અલીએ મુરતુઝા (અ.સ.) જેવી ખરી હુકુમત ફરી અસ્તિત્વમાં આવે, દુનિયા એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયતથી ભરપૂર હોય અને આપણો દરેકનો શુમાર હઝરત વલીએ અસ્ર (અ.સ.)ના મુખ્લીસ ખિદમતગુઝારોમાં થાય. ઈલાહી આમીન.

અઝીઝાને ગિરામી! ઈન્સાનની ઝિંદગીમાં સૌથી વધારે કિંમતી અને મૂલ્યવાન ચીજ અને પૂંજી દીન છે. દીને હક તે મહાન પૂંજી છે જેનો અંદાજ લગાવી શકાતો નથી. આજ પૂંજીના આધારે આ દુનિયામાં ઈઝઝત અને આખેરતમાં નેકબખ્તી અને નજાત પ્રાપ્ત થશે. અગર કોઈની પાસે દીને હકની પૂંજી ન હોય તો ભલે તે દુનિયાનો સૌથી ધનવાન વ્યકિત હોય પરંતુ હકીકતમાં તો તે ફકીર છે અને જે ફકીર પાસે દીનની પૂંજી છે તે હકીકતમાં ધનવાન વ્યકિત છે. ખુદાવંદે આલમે આજ દીને હક, દીને ઈસ્લામ, દીને એહલેબૈત (અ.મુ.સ.) અને ગદીરી દીન માટે અંબીયા અને મુરસલીન મોકલ્યા, ખિલ્કતની હિદાયત માટે નુબુવ્વત, રિસાલત અને ઈમામતના સિલસિલાને કાયમ કર્યો. જેની અંતિમ કડી હઝરત હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી (અ.સ.) છે. દીને હકથી વધીને બીજી કોઈ પૂંજી નથી. એહલેબૈત (અ.મુ.સ.)એ વારંવાર તેની મહાનતા તરફ આપણું ધ્યાન દોર્યુ છે અને તેની હિફાઝત ઉપર ભાર મૂકયો છે.

આ ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે આપણી ઝિંદગીમાં દીનનું મહત્ત્વ કેટલું છે. દીનને ઈન્સાનીય્યતનું માપદંડ અને ચારિત્ર્યની પાકીઝગી માટે તકવાને જરૂરી ઠેરવવામાં આવ્યો છે. મૌલા ફરમાવે છે:

اِعْلَمُوْا  اَنَّ  مِلَاکَ اَمْرِکُمُ الدِّیْنُ

‘જાણી લ્યો કે તમારી તમામ બાબતોનું માપદંડ દીન છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ-૩૪, પાના નં. ૩૪૬)

દીનની શરૂઆત:

દીન કંઈ ફકત અમૂક રિત-રિવાજોની પાબંદીનું નામ નથી. અહિંયા દીનથી મુરાદ તે દીન છે કે જેને ખુદાવંદે આલમે નાઝીલ ફરમાવ્યો છે અને હઝરત આદમ (અ.સ.)થી જેની શરૂઆત થઈ તથા ગદીરના મૈદાનમાં જે દીન તેની સંપુર્ણતાએ પહોંચ્યો. હઝરત અલી (અ.સ.) ફરમાવે છે:

اَوَّلُ  الدِّیْنِ  مَعْرِفَتُہٗ  وَ  کَمَالُ  مَعْرِفَتِہِ التَّصْدِیْقُ بِہٖ   وَکَمَالُ  التَّصْدِیْقِ بِہٖ  تَوْحِیْدُہٗ

‘દીનની શરૂઆત ખુદાની મઅરેફત છે અને તેની મઅરેફતની કમાલ એ છે કે દિલ થકી તેના વુજુદની તસ્દીક કરવામાં આવે અને તસ્દીકની કમાલ એ છે કે તેની વહદાનિય્યતનો એકરાર કરવામાં આવે.’

(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૧)

જે શખ્સ ખુદાવંદે આલમની મઅરેફત નથી ધરાવતો તે દીનની શરૂઆતની બાબતોથી વંચિત છે. અગર આપણા દિલો વાસ્તવમાં ખુદાવંદે આલમની મઅરેફતથી મુનવ્વર હોત તો અખ્લાક અને ચારિત્ર્યની દુનિયામાં આટલો અંધકાર કયારેય ન હોત. કોઈપણ વૃક્ષના જીવંત હોવાની નિશાની તેનું હર્યુ ભર્યુ અને ફળદાર હોવું તે છે. હઝરત અલી (અ.સ.) ફરમાવે છે:

اِنَّ  الدِّیْنَ  لَشَجَرَۃٌ  اَصْلُہَا  الْیَقِیْنُ  بِاللہِ  وَ ثَمَرُ ہَا  الْمُوَالَاۃُ  فِی اللہِ وَ الْمُعَادَاۃُ  فِی اللہِ سُبْحَانَہٗ

‘ચોક્કસ દીન એક વૃક્ષ સમાન છે, તેનું મૂળ ખુદા ઉપર યકીન રાખવું છે અને તેનું ફળ ખુદાની ખાતર મોહબ્બત રાખવી અને ખુદાની ખાતર દુશ્મની રાખવી છે.’

(મિઝાનુલ હિકમત, હદીસ નં. ૬૨૦૦)

અર્થાત અગર કોઈ શખ્સ ખુદા ઉપર યકીન તો ધરાવતો હોય પરંતુ ખુદાના દોસ્તો અને વલીઓથી મોહબ્બત ન કરતો હોય અથવા ખુદાના દોસ્તોથી મોહબ્બતનો દમ તો ભરતો હોય પરંતુ ખુદાના દુશ્મનોથી દુશ્મની ન રાખતો હોય તો તેનું વૃક્ષ હર્યુ ભર્યુ નથી અને તેના મૂળ સુકાઈ ગયા છે.

مَنْ وَالَاکُمْ فَقَدْ وَالَی  اللہَ  وَ مَنْ  عَادَاکُمْ فَقَدْ عَادَی اللہَ

وَ مَنْ اَحَبَّکُمْ فَقَدْ اَحَبَّ اللہَ  وَ مَنْ  اَبْغَضَکُمْ فَقَدْ اَبْغَضَ اللہَ

‘જે કોઈ તમને (એહલેબય્ત અ.મુ.સ.ને) દોસ્ત રાખે તેણે અલ્લાહને દોસ્ત રાખ્યો, જેણે તમારાથી દુશ્મની રાખી તેણે અલ્લાહથી દુશ્મની રાખી, જેણે તમારાથી મોહબ્બત કરી તેણે અલ્લાહથી મોહબ્બત કરી અને જેણે તમારાથી બુગ્ઝ (કીનો) રાખ્યો તેણે અલ્લાહથી બુગ્ઝ રાખ્યો.’

(મન લા યહઝોરોહુલ ફકીહ, ભાગ-૨, પાના નં. ૬૧૩, હ. નં. ૩૨૧૩)

ચોક્કસ એહલેબૈત (અ.મુ.સ.)ની દોસ્તી અને વિલાયતથી વધીને ખુદાની રાહમાં કોઈપણ દોસ્તી અને મોહબ્બત નથી. તે પવિત્ર હસ્તીઓ ખુદાવંદે મોતઆલની સિફતોના મઝહર છે. તેમની દોસ્તી જ ખુદાની દોસ્તી છે અને તેમના દુશ્મનોથી દુશ્મની ખુદાની રાહમાં દુશ્મની છે. આ દોસ્તી અને દુશ્મની જ ખુદાવંદે આલમની નઝદિકી પ્રાપ્ત કરવાનો સૌથી ભરોસાપાત્ર રસ્તો છે.

અંત ખયર ઉપર થવો:

આખેરતની તમામ સફળતાઓ અને જન્નતના દરજ્જાઓનો આધાર તે વાત ઉપર છે કે જ્યારે ઈન્સાન આ દુનિયાથી રૂખ્સત થાય તો તેનો અંતિમ શ્ર્વાસ દીન ઉપર હોય અને દીનને બચાવીને પોતાની સાથે લઈ જાય. અંતિમ પળો સુધી દીને એહલેબૈત (અ.મુ.સ.)થી જોડાએલો રહે, કારણકે ઈતિહાસમાં એવા પ્રસંગો જોવા મળે છે કે જ્યાં શરૂઆતમાં લોકો દીન ઉપર કાએમ હતા પરંતુ તેઓના અંતિમ સમયમાં તેઓ દીનથી ફરી ગયા અને આવી રીતે પોતાની આખેરત ખરાબ અને બરબાદ કરી બેઠા. ખુદાવંદે આલમે કુરઆને મજીદમાં આ બાબતે ખાસ તાકીદ કરી છે કે જુઓ તમાં મૃત્યુ દીને ઈસ્લામ ઉપર થવું જોઈએ. મૌત આવે તો ફકત અને ફકત દીને ઈસ્લામ ઉપર જ આવવું જોઈએ. અલ્લાહ તઆલાનું ફરમાન છે:

يٰٓاَيُّھَا الَّذِيْنَ اٰمَنُوْا اتَّقُوْا اللہَ حَقَّ تُقٰتِہٖ  وَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ۝۱۰۲

“અય ઈમાન લાવનારાઓ! ખુદાનો તકવા ઈખ્તેયાર કરો અને એવી રીતે ઈખ્તેયાર કરો જેવો હક છે અને તમાં મૃત્યુ ન આવે સિવાય કે તમે મુસલમાન હો.

(સુરએ આલે ઈમરાન, આયત નં. ૧૦૨)

وَوَصّٰى بِہَآ اِبْرٰھٖمُ بَنِيْہِ وَيَعْقُوْبُ۝۰ۭ يٰبَنِىَّ اِنَّ اللہَ اصْطَفٰى لَكُمُ الدِّيْنَ فَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ۝۱۳۲ۭ

“જનાબે ઈબ્રાહીમ (અ.સ.) અને જનાબે યઅકુબ (અ.સ.) એ તેમના ફરઝંદોને વસીય્યત કરી. અય મારા ફરઝંદ! ચોક્કસ ખુદાએ તમારા દીન (ઈસ્લામ)ને ચૂંટી કાઢયો છે પછી તમને મૃત્યુ ન આવે પરંતુ એ કે તમે મુસલમાન હો.

(સુરએ બકરહ, આયત નં. ૧૩૨)

અલ્લાહ તઆલાનો હુકમ અને જનાબે ઈબ્રાહીમ (અ.સ.) તથા જનાબે યઅકુબ (અ.સ.)ની વસીય્યતથી આ વાત તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે મૃત્યુ સમયે મુસલમાન રહેવું અત્યંત જરૂરી છે.

ઈન્સાનનો અંત ખૈર ઉપર થાય અને મુસલમાન મરવા માટે તકવા ઈખ્તેયાર કરવો લાઝીમ અને જરૂરી છે. એ અલ્લાહનો તકવા જ છે કે જે ઈન્સાનને તેના અંતિમ શ્ર્વાસ સુધી દીનથી ફરી જવાથી સુરક્ષિત રાખે છે. અલ્લાહના તકવાની લાઝીમ અને જરૂરી શર્ત હઝરત અલી (અ.સ.)ની મોહબ્બત અને વિલાયત છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)નું ફરમાન છે:

‘અય અલી! તમારી મોહબ્બત ઈમાન અને તકવા છે.’

દીન ઉપર સાબિત કદમ રહેવા માટે તકવા જરૂરી છે અને તકવા માટે હઝરત અલી (અ.સ.)ની મોહબ્બત અને વિલાયત જરૂરી છે. એટલા માટે જ નમાઝના કુનુતમાં આ દોઆ પઢવાની તાકીદ કરવામાં આવી છે.

اَللّٰہُمَّ  اجْعَلْ عَوَاقِبَ  اُمُوْرِنَا خَیْرًا

‘અય અલ્લાહ અમારા કાર્યોનો અંત ખય્ર ઉપર કરાર દે.’

દીનની હિફાઝતનું મહત્ત્વ:

જે બાબતની કદર અને મૂલ્યથી ઈન્સાન સારી રીતે માહિતગાર હોય છે તે તેની હિફાઝત પણ એટલીજ કરે છે અને તેને બરબાદ થવા દેતો નથી. આ ઝમાનામાં લોકો અમૂક પૈસાઓ માટે, હોદ્દા અને સ્થાન માટે, સંપિત્ત્ા અને નામના માટે દીનનો ખ્યાલ રાખતા નથી. જૂઠ, ખોટી ગવાહી, ગીબત, તોહમત વિગેરે જેવા બધાજ રસ્તાઓનો ઉપયોગ કરી લે છે. લોકો અમૂક રિત-રીવાજો અંજામ આપવાને દીન સમજે છે. અગર લોકોના મગજમાં દીનની સાચી અને વાસ્તવિક તસ્વીર મૌજુદ હોત તો આ રીતે દુનિયા માટે દીનને વેચતે નહીં.

અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે:

اِذَا  حَضَرَتْ  بَلِیَّۃٌ  فَاجْعَلُوْا  اَمْوَالَکُمْ  دُوْنَ  اَنْفُسِکُمْ  وَ  اِذَا  نَزَلَتْ  نَازِلَۃٌ  فَاجْعَلُوْا  اَنْفُسَکُمْ  دُوْنَ  دِیْنِکُمْ  وَاعْلَمُوْ  اَنَّ  الْہَالِکَ  مَنْ  ہَلَکَ  دِیْنُہُ  وَ  الْحَرِیْبَ  مَنْ  حُرِبَ  دِیْنُہٗ

‘જ્યારે તમારા ઉપર કોઈ બલા નાઝીલ થાય તો તમારો માલ આપી દો, તમારી જાન ન આપો અને અગર તેનાથી વધારે મુસીબત તમારા ઉપર નાઝીલ થાય તો તમારી જાન કુરબાન કરજો, તમારો દીન નહિં. જાણી લ્યો કે હલાક તે છે કે જેનો દીન બરબાદ થઈ જાય. વંચિત તે છે કે જેનો દીન લૂંટાઈ જાય.’

(કાફી, ભાગ-૨, પાના નં. ૩૧૬, મિઝાનુલ હીકમત, હ. નં. ૬૨૪૪)

આ રિવાયતોથી એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે એહલેબૈત (અ.મુ.સ.)ની નજરોમાં દીનની કિંમત જાનથી વધારે છે, માલથી વધારે જાન કિંમતી છે અને જાનથી વધારે દીન કિંમતી છે. આથી દીનની હિફાઝત જાનથી વધારે કરવી જોઈએ. જે રીતે આપણે આપણી શારીરિક તંદુરસ્તીનું ધ્યાન રાખીએ છીએ તેનાથી ઘણું વધારે ધ્યાન આપણે આપણા દીનનું રાખવું જોઈએ. જ્યારે દીન આટલો કિંમતી છે તો તેના માટે પણ જરૂર આફતો અને પરેશાની હશે.

આગળના પ્રકરણોમાં આપણે એ બાબતોને ટૂંકમાં જોશું કે આ ગયબતના ઝમાનામાં દીનની હાલત શું હશે. શું આ ગયબતના ઝમાનામાં દીનની હિફાઝત કરવી તે આસાન કામ છે?

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *