નબીઓએ ઈમામ હુસયન (અ.સ.)ને વસીલો બનાવવા અને તેમની કબ્રની ઝિયારત કરવી

ઉપરોકત વિષય ઉપર અહી એક જ વાત લખવી પૂરતી સમજીએ છીએ. જેમને વધારે વિગત જાણવી હોય તે આ વિષય ઉપરની કિતાબો જોઈ જાય.

(તફસીરે બુરહાન, સૂરએ બકરહ ૩૭મી આયતના પેટામાં “અહકાકુલ હક”, ભાગ ૯ માંથી)

સાદિકે આલે મોહમ્મદ (સ.અ.વ.) આ આયત: હ. આદમે પરવરદિગાર પાસેથી કેટલાંક વાકયો શીખ્યાના અનુસંધાનમાં ફરમાવે છે: હઝરત આદમે જે વાકયો શીખ્યા તે આ હતા કે “પરવરદિગાર! મોહમ્મદ (સ.અ.વ.), અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.) અને હુસયન (અ.સ.)ના સદકામાં મને બખ્શી દે” ખુદાવંદે આલમે તેમને બખ્શી દીધા.

અમારી જાન કુરબાન થઇ જાય બારગાહે ખુદાવંદીના એ પ્યાર, મહબૂબ અને ચુંટી કાઢેલા બંદાઓ ઉપર જેમનું મુબારક નામ દરેક મુશ્કેલીને દૂર કરે છે અને દરેક મુસીબતમાં – તકલીફમાં આરામ આપે છે.

હઝરત અબુ અબ્દીલ્લાહિલ હુસયન (અ.સ.) માત્ર હઝરત આદમ (અ.સ.)ના જ ખાસ વસીલા નથી, બલ્કે બીજા નબીઓએ પણ અલ્લાહના તકર્રૂબ (નઝદીકી) માટે હ. ઈ. હુસયન (અ.સ.)ને વસીલા બનાવ્યા છે.

અલ્લામા મજલિસી (અ.ર.)એ પોતાની કિતાબ “બેહારૂલ અનવાર”માં “કામિલુઝ ઝિયારત”ના હવાલાથી એક હદીસ નકલ કરી છે. ઇસ્હાક બિન અમ્માર કહે છે કે મેં હ. ઈ. જઅફરે સાદિક (અ.સ.)ને કહેતા સાંભળ્યા કે જમીન અને આસ્માનમાં કોઈ એવો પયગમ્બર નથી કે જે અલ્લાહ પાસે હ.ઈ. હુસયન (અ.સ.)ની ઝિયારતની રજા ન માગતો હોય એટલે જ એક સમૂહ આવે છે – એક સમૂહ જાય છે.


ફર્ઝો અને સુન્નતો

મહાન આલિમ અને વિખ્યાત વિધ્વાન શૈખ અબ્દુલહુસયન અમીની નુરૂલ્લાહ પોતાની કિતાબ સીરતોના વ સુન્નતોનામાં ઘણી મૂલ્યવાન વાતો લખી છે. અમે એ કિતાબના એક ટુકડાનો તરજુમો વાચકોની સેવામાં રજૂ કરીએ છીએ.

સહીહ અને ભરોસાપાત્ર સુન્નત દ્વારા જે ઉસૂલ અને પછી એમાંથી જે ફુરૂઅ ઘડાયા છે તેનાથી કેટલાંક વઝાઈફ અને સુન્નતો નક્કી થઈ છે. જે રીતે એક સાચા મુસ્લિમે પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ની સુન્નતો ઉપર ચાલીને તેને અનુસરીને સત્યવકતા બનવું જોઈએ, એ જ સ્થિતિમાં તેને સ્વીકારી, તેના ઉપર અમલ કરી, તેને જ પોતાનો માર્ગ ગણ્યા વગર છૂટકો નથી.

અહિં એ વાતોનો એક ભાગ ઉતારીએ છીએ-

(૧) પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના અહલેબયતની મુસીબતો – દુ:ખોને પોતાના ઘરવાળાઓની મુસીબતો અને દુ:ખોથી કયાંય વધારે ગણવા જોઈએ.

(૨) ઈમામ હુસયન (અ.સ.)ની વિલાદત અને શહાદતના દિવસે, એમની કબરની માટી ઉપર નજર પડતાં અને જ્યારે પણ જમીને કરબલા ઉપર પગ મૂકે ત્યારે ઈમામ (અ.સ.) ઉપર રૂદન કરે.

(૩) કેટલાક વખતમાં એકાદી વાર પોતાના ઘરમાં અઝાએ હુસયન (અ.સ.) બર્પાકરે અને પોતાના ઘરવાળાઓને આ હૃદયદ્રાવક અને ભારે દુ:ખપૂર્ણ બનાવથી વાકેફ કરે.

(૪) જ્યારે પણ કરબલાની ખાકને હાથમાં લ્યે ત્યારે તેને ફેરવી ફેરવીને સુંઘે અને ચુમે અને કપડામાં વીટીને રહયાનએ (રસુલ (સ.અ.વ.)ના ફૂલની) યાદગાર રૂપે પોતાના ઘરમાં રાખે.

(૫) આશૂરના દિવસને ગમ-રૂદનનો ગણે અને રસુલ (સ.અ.વ.)ની જેમ વાળ વીખરાયેલા અને ધૂળમાં રગદોળાયેલા રાખે.

(૬) આશૂરાના દિને રડતી આંખો અને વ્યાકુળ હૃદય સાથે કરબલાની ધરતી ઉપર હાજરી આપે, જે રીતે આં હઝરત (સ.અ.વ.) એ તે દિવસે કરબલામાં હાજર રહી રૂદન કર્યું હતું એ રીતે તેમનું અનુસરણ કરે.

આ છે આપણા હુસયન (અ.સ.) અને તેમની અઝા-એમની કબરની ખાક અને એમની કરબલા.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *