દીને ખુદાના મદદગારો
આ એક વિચિત્ર સંયોગ છે કે બધાય નબીઓ અને રસુલોને જે જે સાથીઓ – મદદગારો મળ્યા તે મિશ્ર પ્રકારના મળ્યા. એટલે કે કેટલાક સાચા વફાદાર, જાંનિસાર, કેટલાક મુનાફિક-ગદ્દાર. કોઈ નબી કે મુરસલ તેની તારવણી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ન કરી શકયો. જનાબે મુસા (અ.સ.) સાથે સીત્તેર હજારનો સમૂહ હતો, જેમાંથી સત્તરસોને સમજી – વિચારીને ચુંટાયા હતા, પણ અનુભવે બતાવ્યું કે હજુ પણ તેમાં, કાઢી નાખવા જેવા રહી ગયા છે. ફરી તેમાંથી છાંટવા પડયા અને ફકત સત્તર માણસોને “ઈમાનમાં પુખ્ત” ગણીને અલગ કરવામાં આવ્યા. પણ જ્યારે એ સત્તરને લઈને તૂર ઉપર પહોંચ્યા તો એમના મોટા ભાગના કહેવા લાગ્યા કે જ્યાં સુધી ખુદાને ખુલ્લમ ખુલ્લી રીતે સાક્ષાત બતાવશો નહિ ત્યાં સુધી અમે ઈમાન નહિ લાવીએ. જનાબે મુસા (અ.સ.) નબી હતા, કલીમ હતા પણ મોઅમિનને મુનાફિકમાંથી અલગ ન કરી શકયા અથવા એમ કહો કે બધાયને સાચા મોઅમિન ન બનાવી શકયા.
જાલૂતની સામે લડવા માટે તાલૂતની સાથે જે સમૂહ હતો તે પણ મિશ્ચ પ્રકારનો હતો. જનાબે શમુઈલ અને જનાબે દાઉદ સાથે હતા, પણ આ સમૂહની તારવણી ન કરી શકયા. છેવટે એક નહેર વડે તેઓનું ઈમ્તેહાન લેવામાં આવ્યું. તાલૂતે કહ્યું, અલ્લાહ તઆલા એક નહેર વડે તમારૂં ઈમ્તેહાન લેવા માગે છે, જે પણ કોઈ આ નહેરનું પાણી પીશે તે મારામાંથી નહિ રહે અને જેણે આનું પાણી ચાખ્યું નહિ, માત્ર એક ખોબો પીને અટકી ગયા, તે મારામાંથી છે. જ્યારે એ નહેર આવી ત્યારે મોટા ભાગનાએ ખુબ ગટગટાવી પાણી પીધું, એટલું બધું કે એમના પેટ ફુલી ગયા. જનાબે સુલયમાન પણ પોતાના દરબારમાં બેસનારા મોઅમિનોને જુદા ન પાડી શકયા. કેટલાક મુનાફિક જીનો સાચા મુખ્લિસ સાથીઓ સાથે વળગી રહ્યાં.
જનાબે ઝકરિયાની ઉમ્મતમાં પણ આ જ સ્થિતિ હતી તેમના કેટલાક સગાઓ જાહેરમાં તેમના દોસ્ત અને બાતિનમાં (અંદરખાનેથી) દુશ્મન હતા. એમના વિશે કુરઆનમાં જનાબે ઝકરિયાના આ શબ્દો આજ સુધી મૌજુદ છે: “હું મારી પાછળ મારા મિત્રોથી ભયભીત છું.”
જનાબે ઈસા (અ.સ.)ના સહાબીઓ પણ મિશ્ર પ્રકારના હતા, જ્યારે આપત્તિ આવી, ત્યારે કેટલાંક દીવાલ ઉપરથી કૂદીને ભાગી ગયા અને કેટલાક હ. ઈસા (અ.સ.)નું ઠેકાણું બતાવી દીધું.
અને હદ થઈ ગઈ. આખરી નબીના સાથીઓ પણ શુદ્ઘ અને નિખાલસ મોઅમિનો નહોતા. એમાં પણ મોઅમિનો સાથે મોટી સંખ્યામાં મુનાફિકો મળી આવે છે. અલ્લાહે ઠેરઠેર ખુલ્લંખુલ્લી રીતે એમના નિફાકનું વર્ણન કર્યું છે. બલ્કે કુરઆનમાં એક આખો સૂરો તેઓની મઝિમ્મતમાં આવ્યો છે. છતાં પણ તેઓ મોઅમિનો સાથે ભળેલા રહ્યા. ખાતેમુલ અંબિયા જેવા નબી પણ પોતાના સહાબીઓને એકસરખા ન કરી શકયા! લડાઈઓમાં આ મુનાફિકોના કારણે હુઝુર (સ.અ.વ.)ને કેટકેટલી મુશ્કેલી ઉપાડવી પડી. ઈસ્લામને કેટલું નુકસાન થયું, પણ સમૂહમાં ભળી ગયેલું આ ઝેર દૂર ન કરી શકાયું. આ સમૂહ મુસલમાનોમાં એવી રીતે ભળી ગયો કે રસુલ (સ.અ.વ.)ની વફાત પછી ખબર જ ન પડી કે એ કયાં ગયો, જમીન ગળી ગઈ કે આસ્માન ખાઈ ગયું?! રસુલ (સ.અ.વ.)ના વખતમાં જેની સંખ્યા હજારોની હતી તે આં હઝરત (સ.અ.વ.)ના આંખ મીચાતા જ અદ્રશ્ય થઇ ગઈ! એને શોધો તોય પત્તો ન મળે! કાં તો એ બધા મોઅમિન થઈ ગયા અથવા બધાય એક રંગમાં રંગાઈ ગયા.
હ. અલી (અ.સ.) સાથેના લોકો પણ મિશ્ર હતાં. એવાં લોકો પણ હતાં કે જે આપને ખલીફએ બિલા ફસ્લ માનતા હતા અને એવાય પણ હતા જે આપને ચોથા ખલીફા માનતા હતા અને એવાય હતાં કે જે પાકા દુનિયાપરસ્ત હતા. એવાંય હતા કે જે ખાલિસ મોઅમિન હતા, વફાદાર – જાંનિસાર હતા. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફૂલને કાંટાથી અને હીરાને કાંકરામાંથી અલગ ન કરી શકયા. આ ભેળસેળવાળો સમૂહ છેવટ સુધી સાથે જ રહ્યો.
ઈમામ હસન (અ.સ.)ના સાથીઓ પણ આ જ પ્રકારના હતા. મુનાફિકોના હાથે આપને જે કષ્ટ પડયાં એનું વર્ણન શી રીતે થઇ શકે!
મુસલમાનોમાં આ મિશ્રિત પ્રકારના લોકો – દૂધ ને પાણી, હીરા ને કાંકરા – વર્ષોથી સાથે ચાલી રહ્યા હતા. એવો કોઈ રસ્તો ન નીકળ્યો કે આ સત્ય અને અસત્ય, પ્રકાશ અને અંધકાર એકબીજાથી જુદા પાડી શકાય.
અલ્લાહની મશીય્યતે આ કામ ઈમામ હુસયન (અ.સ.) માટે ખાસ નક્કી કર્યું હતું. ઈમામ (અ.સ.)એ આ સમૂહની છટણી કરી, એક વર્ગને બીજાથી સંપૂર્ણ રીતે અળગો કરી દીધો. મક્કાથી કરબલા સુધી તેમની સાથે જે મિશ્ચિત સમૂહ આવી રહ્યો હતો, તેમાંથી કેટલાકોને તો માર્ગમાં જ જુદા પાડી દીધા અને જેમના વચ્ચે બહુ બારીક (ઝીણો) ફેર દેખાઈ રહ્યો હતો તેમને આશૂરની રાત્રે એમ કહીને વળાવી દીધા કે મેં તમારી ગરદનમાંથી બયઅત હટાવી લીધી, જેને જવું હોય એ આ રાતના અંધકારમાં ચાલ્યો જાય. જે જવાના હતા એ ચાલ્યા ગયા. પછી જે બાકી રહ્યા તે શુદ્ઘ સોના જેવા હતા, ભમકતા મોતી હતા, નિખાલસતાભર્યામોહિબ્બો – જાંનિસાર હતા. હવે એમાં વાળ જેટલીય ત્રુટિ નહોતી. ઈમામ (અ.સ.)એ માત્ર પોતાના સમૂહને જ છાંટયો એવું નથી, બલ્કે શત્રુના સમૂહને પણ છાંટી નાખ્યો. આશૂરની રાત સુધી ત્યાંનો સમૂહ પણ મિશ્ર પ્રકારનો હતો, મોઅમિન ઓછા અને મુનાફિક ઝાઝા. ઈમામે ઈચ્છયું કે આ છેતરામણી સ્થિતિ બાકી રહેવી જોઈએ નહિ. માટે યઝીદી ફૌજના પથ્થરોમાં રહી ગયેલા એક-બે હીરાને પોતા તરફ ખેંચી લીધા. હવે ઊંડા ધ્યાનથી જુઓ, બંને બાજુ ચોખ્ખો સમૂહ રહી ગયો. ઈમામ તરફ જેટલા સાથીઓ હતા તે બધા મોઅમિન, મુખ્લિસ, દીનદાર, ખુદાપરસ્ત, સત્યવાદી; તેમાં એક પણ ખોટો સિક્કો નહિ. જ્યારે એનાથી વિરૂધ્ધ યઝીદી સૈન્યમાં જેટલાં હતા તે બધાય એક જ રંગમાં રંગાયેલા પાક્કા દુનિયાદાર, દીનથી માઈલો સુધી દૂર, આખેરતથી બેપર્વા, ઈસ્લામ પ્રત્યે તદ્દન અજાણ, સત્યથી છેટા, અસત્યથી તદ્દન નજીક, ઈમાનથી કોરા અને નિફાકથી ભરપુર. આ બધામાં એક પણ એવો નહિ કે જેના પર મોઅમિન હોવાનો વહેમ પડે. જે હતા તેને ઈમામે પોતા પાસે બોલાવી લીધેલા. હવે દુનિયાવાળાઓ વિચારે કે કુદરતે કેવી રીતે ઈ. હુસયન (અ.સ.) દ્વારા સત્ય અને અસત્ય વચ્ચે એક સીમારેખા દોરી દીધી.
ખોટો અને હળાહળ ખોટો છે એ માણસ જે એમ કહે છે કે યઝીદી સૈન્ય મુસલમાન હતું, ખુદાને માનનારૂં હતું, તૌબા… તૌબા… જો તેઓ એવા હોત, તો કરબલાનો બનાવ બનતે જ નહિ. ખુદાના સોગંદ, જ્યારે ઈમામ હુસયન (અ.સ.)ની આ ખુસૂસિયત (વિશિષ્ઠતા) ઉપર નજર પડે છે, ત્યારે આપણી રૂહ થનગની ઉઠે છે અને એનો સ્વીકાર કર્યાવગર રહેવાતું નથી કે ઈમામે એવો આશ્ચર્યજનક રૂહાની અસર બતાવ્યો કે જેની ઈતિહાસમાં જોડ નથી મળતી.
હવે સાંભળો, ઈમામે જેમને ચુંટીને પોતાના સાથી બનાવ્યા હતા તે કેવા હતા? ઈમામના જ શબ્દોમાં એમની પ્રશંસા સંભળાવી દઉં! આપે ફરમાવ્યું છે: “વલ્લાહ અલ્લાહના સોગંદ જેવાં નેક અને વફાદાર સાથીઓ મને મળ્યા છે એવા ન કોઈ નબીને મળ્યા છે ન કોઇ વલીને.”
યબ્ન રસુલિલ્લાહ, મારા પ્રાણ આપના ઉપર નિછાવર, આપે તદ્દન સાચું કહ્યું છે; કોઈ નબી અથવા વલીની કયાં વાત કરવી, ખુદ આપના દાદા રસુલે ખુદા (સ.અ.વ.)ને આવા વફાદાર સાથી નથી મળ્યા. કોણ નથી જાણતું કે રસુલ (સ.અ.વ.)ના અસ્હાબો કે જેના ઉપર બહુ મોટો ગર્વ અને નાઝ કરવામાં આવે છે તે પણ જ્યારે રસુલુલ્લાહ ઉપર વખત પડયો ત્યારે મૈદાને જંગમાંથી જાન બચાવીને ભાગી છુટયા હતા. જેની સાક્ષી ઓહદનું મૈદાન આપે છે. જોકે હુઝુર (સ.અ.વ.) તેઓને દિલાસો આપતા હતા અને વિજય મેળવવાની ખુશખબરી પણ સંભળાવતા હતા. જ્યારે અહિ એનાથી વિરૂદ્ઘ જુઓ કે ઈમામ હુસયન (અ.સ.) ઉઘાડે છોગે મૌતાના સમાચાર સંભળાવી રહ્યા હતા – સ્પષ્ટ રીતે કહી રહ્યા કે આપણે કતલ થઇ જશું. મારો એક પણ સાથી જીવતો બચવાનો નથી, છતાં પણ એ વફાદારો ઈમામનો સાથ મૂકી આપવાને મૌત માની રહ્યા છે.
સીફફીનના યુદ્ઘમાં હ. અલી (અ.સ.)ના સાથીઓ દગો દઈને તેમની વિરૂદ્ઘ થઇ ગયા હતા.
ઈમામ હસન (અ.સ.)ના સાથીઓએ પણ ગદ્દારી કરીને આપને દુશ્મનના હાથમાં સોંપી દેવાનો ઈરાદો કર્યો હતો.
પણ વાહ રે ઈ. હુસયન (અ.સ.)ના સાથીઓ! તમારી વફાદારીનું શું કહેવું! કયારેય ઈમામની મદદ કરવામાં ઊણપ ન રાખી. કઈ મુસીબત હતી કે જે એમના ઉપર ન આવી હોય, ત્રણ દિવસની ભૂખ-તરસ, વતનથી દૂર, હજારો દુશ્મનનો સામનો, હથિયારોનો તોટો, સવારીઓની અછત, છતાં પણ દિલમાં નિરાશા નહોતી. એમની હાલત તો એવી હતી કે જાણે બખ્તર ઉપર દિલ પહેર્યું હતું, જાન દેવા એવી રીતે થનગની રહ્યા હતા જાણે શમા ઉપર પરવાના.
જો એમની દિલની નિર્મળતામાં જરા પણ કચાશ હોત, ઈમાનમાં વાળ જેટલી પણ ઓછપ હોત, તો આ જવાંમર્દો ત્રણ દિવસની ભૂખ-પ્યાસમાં ભારે સંકટોનો સામનો ન કરી શકતે.
ખુદા ન કરે, જો તેઓને ઈમામ (અ.સ.)ના પગલામાં જરા જેટલીય ત્રુટિ દેખાત, તો આવા જોશ અને ઉત્સાહ સાથે પોતાના માથા ન કપાવતે. તેઓને ઈમામ (અ.સ.) સત્ય માર્ગે હતા તેની પૂરી ખાત્રી હતી. તેઓ કંઇ સામાન્ય માણસ નહોતા. તેઓમાં ઓછામાં ઓછા આઠ તો સહાબીએ રસુલ (સ.અ.વ.) હતા અને લગભગ બત્રીસ જણ તાબેઈનમાંથી હતા. તેઓમાં રાત રાત જાગીને ઈબાદત કરનારા પણ હતા, કુરઆનના કારીઓ પણ હતા, દીનના આલિમો પણ હતા, એ સમયના ફકીહો પણ હતાં, ઝાહિદો પણ હતાં. એમના પ્રાણ કાંઈ એટલા સસ્તા નહોતા કે મામુલી વાત ઉપર કુરબાન કરી નાખે. તેમણે સારી રીતે સમજી લીધું હતું કે હુસયન (અ.સ.) હક ઉપર છે અને યઝીદ બાતિલ ઉપર. આ વાત એટલી મજબુત ખાત્રી ને યકીનપૂર્વકની હતી કે તેમાં મરણ પર્યન્ત જરા જેટલોય ફેર નહોતો પડયો.
ઈમામ (અ.સ.)ના ઉત્તમ અને ઊંડા ચિંતન – મનન અને અજોડ રૂહાની અસરોનો આનાથી પણ અંદાજો આવી શકે છે કે એક-બે નહિ, પણ બોતેર બોતેર દિમાગોને એક સપાટી ઉપર એકઠા કરી દીધા. જુદા જુદા વિચારો અને દ્રષ્ટિબિંદુઓને બદલીને સૌને એક જ વિચારના એક જ મધ્યબિંદુ ઉપર એકત્ર કરી દીધા. કોઈના પણ વિચાર – દિમાગ, દિલના વલણમાં ફેર દેખાતો નહોતો. આ વાત પણ ઈમામે મઝલુમ સિવાય કોઈને નસીબ નથી થઇ. એ તો દેખિતું છે કે બધાય સહાબી ન તો એક ખાનદાનના હતા, ન તો એક મરતબાના. તેમાં પોતાના પણ હતા અને પારકાં પણ હતા, નાની વયના પણ હતા અને મોટી ઉમરના પણ. પણ ઇમામના દામનના સાયાનો અસર હતો કે માનસિક સપાટી અને સ્વાભાવિક વલણ એકસરખાં થઈ ગયાં હતાં કે તેમાં કોઇ પણ રીતે વાળ જેટલોય ફેર દેખાતો નહોતો. જે વૃદ્ઘો હતાં તેઓમાં જવાનો જેવો ઉમંગ હતો. જે જવાનો હતાં તેઓમાં વૃદ્ઘો જેવી પાકટ બુદ્ઘિ હતી. જે ગુલામો હતાં તેઓમાં આઝાદો જેવી હિંમત હતી બાળકોમાં જવાનો જેવો જોશ હતો, જે પારકાં હતાં તે વર્તનમાં પોતાનાઓ કરતાં ઓછા ઉતરે તેવા નહોતા. આ કાંઇ સામાન્ય વાત નહોતી. કોઇ પણ સૈન્યમાં, સમૂહમાં આવી સમાનતા, એકતા, એકરૂપતા જોવા નહિ મળે.
આ વાત પણ વિચારવા જેવી છે કે કોઇ સૈન્યને જ્યારે પોતાના હરીફ સામે ટકરાવાનો વખત આવે છે ત્યારે સરદારો અને સૈનિકો વચ્ચે કોઈ ને કોઈ મુદ્દા ઉપર મતભેદ પડે જ છે. એ બીજી વાત છે કે સેનાપતિ સામે સૈનિકનું કંઈ ચાલે નહિ અને જાન જવાના ડરથી તે ઉઘાડો વિરોધ ન કરી શકે, પણ તેના દિલમાં તો દુશ્મનીના બીજ વવાઈ જાય છે. આવી સ્થિતિમાં તેને જાન દેવાનો પ્રસંગ આવી પડે, તો તે ભારે ઘૃણા સાથે જાન આપે છે. પણ ઇમામ (અ.સ.)ની કાર્યપદ્ઘતિનું શું કહેવું, સુબ્હાનલ્લાહ! કોઇ એક જણના પણ દિલમાં મરણ પર્યન્ત વિરોધનો વિચાર આવ્યો જ નહિ, બલ્કે ઈમામના હુકમ ઉપર અમલ કરવામાં તેઓને આનંદ આવતો હતો.
દાખલા તરીકે તાલુતે નહેરનું પાણી પીવાની મનાઇ કરી, પણ તેના સૈન્યે જરાય દાદ દીધી નહિ અને પેટ ભરીને પાણી પીધું. હવે એની સરખામણી કરો કરબલાના હુસયની મુજાહિદો સાથે. ઈમામે નહેર સુધી જવાની કે પાણી પીવાની કોઈને મનાઇ નહોતી કરી, છતાં પણ ન તો કોઈએ નહેર ઉપર જવાની કે પાણી પીવાની કોશીશ કરી. પાણી પીવું તો એક બાજુ રહ્યું, એક મદદગાર સાથીનો પુત્ર રૂમની સરહદ પર ગિરફતાર થઇ ગયો છે, ઈમામ કહે છે કે તમે જાવ અને તેની મદદ કરો, પણ વફાદાર સાથી કહે છે: રસુલ (સ.અ.વ.)ના પુત્ર! જો તે જીવતો રહેશે, તો કયારેય પણ મને મળી જશે, પણ ખુદા ન કરે, જો અહિ દુશ્મનોએ આપ ઉપર હુમલો કર્યો, તો હું શહાદતની લઝઝતથી વંચિત રહી જઈશ, અને એ દુ:ખથી મારૂં આખું જીવન મૌતથી બદતર થઇ જશે.
હ. અબુઝરના ગુલામ જનાબે જોન પાસે રજા માગે છે. ઈમામ કહે છે કે, જોન, તમે અમારી પાસે અમારા સંગાથમાં એટલા માટે આવ્યા હતા કે, આરામ – ચૈનથી રહો, પણ હવે આરામ કયાં! હું તમને કેવી રીતે રજા આપું, જો કે મૌતની વર્ષા ચાલુ છે. જોન જવાબ વાળે છે: યબ્ન રસુલિલ્લાહ! એ કેવી રીતે બને કે સુખ-ચૈનના વખતમાં તો તમારી સાથે રહું અને દુ:ખના વખતે સાથે છોડી દઉં?! એ વાત સાચી છે કે મારૂં કુટુંબ-કુળ પછાત જાતિનું છે, મારા શરીરમાંથી વાસ આવે છે, મારૂં લોહી કાળું છે. શું આપ નથી ચાહતા કે મારો મર્તબો બલંદ થાય, મારા શરીરમાંથી સુગંધ પ્રસરે, મારૂં કાળું લોહી આપના પવિત્ર લોહીમાં ભળી જાય!
આ પ્રકારના ઘણા દાખલા – દલીલો છે કે જેનાથી પુરવાર થાય છે કે હુસયની અન્સારો કેવી રીતે એક જ દ્રષ્ટિબિંદુ ઉપર એકત્ર – એકમત હતા. તેઓનો એક જ ધ્યેય હતો કે ગમે તે ભોગે રસુલ (સ.અ.વ.)ના પુત્રનો પ્રાણ બચી જાય.
બનવાજોગ હતું કે કષ્ટ અને આપદાથી કંટાળીને હથિયાર હેઠાં મૂકી દે, ભાગી છૂટવાનો કોઈ રસ્તો શોધી કાઢે, ઈમામ ઉપર દુશ્મન સાથે સમાધાન કરવાનું દબાણ કરે; પણ તેઓએ આમાંનું કંઈએ કર્યું નહિ. આનાથી એ પુરવાર થાય છે કે ઇમામ હુસયન (અ.સ.)ના સાથી – મદદગારો પોતાની વફાદારી – દીનદારીમાં કેવાં અજોડ હતા.
યા લય્તની કુન્તો મઅકુમ ફઅફુઝ ફવઝન અઝીમા.
Comments (0)