મુનાજાત
ખુદાએ અઝઝો જલ્લની બારગાહમાં પોતાના મનની વાતો, હાજતો, મુનાજાતો કરવા માટેના નિયમો – આદાબમાં સૌથી શ્રેષ્ઠ અને પ્રથમ નિયમ છે તેની “મઅરેફત” ઓળખાણ. જ્યારે એની બારગાહમાં મુનાજાત કરીએ ત્યારે તેના તરફ અંતરથી ધ્યાન ધરીએ.
ઈતિહાસમાં છે કે સાદિકે આલે મોહમ્મદ (અ.સ.) પાસે એક સમુહ આવ્યો અને કહેવા લાગ્યો કે અમે દોઆ તો કરીએ છીએ, પણ કબુલ થતી નથી! હઝરતે કહ્યું કે તમે એવાને પોકારો છો કે જેને ઓળખતા નથી. (વાફી, સદુકની તવહીદમાંથી)
એટલે જ આપણી ફર્ઝ થઈ પડે છે કે આપણે ખુદાને ઓળખીએ અને તે પણ મઅસુમ (અ.સ.)ની પવિત્ર જીભે એમના શબ્દોમાં. ત્યાર પછી જ એની બારગાહમાં મુનાજાત – યાચના કરીએ. આ મહત્વના કામ માટે આપણે સય્યદુશ શોહદા (અ.સ.)ની એક મુનાજાતના એક ટુકડા તરફ આપણું ધ્યાન દોરીએ, જેનાથી ખુદાની મઅરેફત સાથે દોઆ કરવાના આદાબ અને રીતે – નિયમ પણ શીખી શકીએ.
ગાલિબ અસદીના પુત્રો બશર અને બશીર કહે છે કે, ઝિલ્હજ્જ માસની નવમી તારીખ હતી, મક્કાએ મુઅઝઝમા પાસેનું અરફાતનું મૈદાન હાજીઓથી છલકતું હતું, સૌ અલ્લાહની હમ્દોસના – મુનાજાતમાં તલ્લીન હતાં. એટલામાં રાવીની નજર પહાડના એક ભાગ ઉપર પડી જ્યાં હઝરતે સય્યદુશ શોહદા ઈમામ હુસયન (અ.સ.) પોતાના સાથીઓ સગાવહાલાઓ સાથે મુનાજાતમાં મશ્ગુલ હતા. હાલત એવી હતી કે દોઆ માટે આસ્માન તરફ ઊંચા કરેલા હાથ ઝબાન મુબારક ઉપર અલ્લાહની હમ્દોસના અને આંખમાંથી આંસુની ધાર. અવાજમાં એવું દર્દ અને કાકલૂદી હતી કે જાણે કોઈ નિસહાય – કંગાળ – આપત્તિમાં ફસાયેલો માનવી બાદશાહોના બાદશાહ પાસે પોતાની હાજત માગી રહ્યો હોય!!
“બધીય તારીફ એ અલ્લાહ માટે છે કે જે માગ્યા વગર આપનારો છે, અમાર્યાદ કૃપાઓ કરનારો છે. તેને કોઈ ન તો તેના નિર્ણયમાં ટોકી શકે છે ન તેની બખ્શીશને રોકી શકે છે. ન તેના જેવી કોઈ વસ્તુ બનાવી શકે છે. તેણે અજોડ વસ્તુઓનું સર્જન કર્યું છે અને પોતાની સંપૂર્ણ હિકમત (બુદ્ઘિ) વડે દરેક વસ્તુને મજબૂત અને દ્રઢ બનાવી છે. ઝમાનાના સર્જનો એનાથી છુપા નથી અને એની પાસેથી કોઈ અમાનત વ્યર્થ નથી થતી. દરેક નેકી કરનારને બદલો આપનાર, દરેક સંતોષી જીવને તેનું વળતર આપનાર, દરેક ફરિયાદ કરનાર ઉપર દયા કરનાર, ફાયદા અને લાભાલાભ આપનાર, પ્રકાશવંતા નૂર સાથે સંપૂર્ણ અને સવિસ્તર કિતાબ મોકલનાર છે. દરેક દોઆ અને ફરિયાદ સાંભળનાર, દરેકના દુ:ખ-દર્દ દૂર કરનાર, મર્તબાઓ વધારનાર, ઘમંડી અને અત્યાચારીઓના માથા નમાવનાર છે. એના સિવાય કોઈ ખુદા નથી, એનો કોઈ બરોબરીયો નથી, એના સમાન કોઈ નથી, તે અજોડ છે. દરેકને સંભાળનાર, દરેક વસ્તુને જોનાર અને દરેક વસ્તુ ઉપર શકિતમાન છે.
ખુદાયા! હું તારી તરફ ધ્યાન ધરું છું અને તારી રબુબીયતની સાક્ષી આપું છું. મને એનો સ્વીકાર છે કે તું મારો પરવરદિગાર છે અને મારે પાછા ફરીને તારી બારગાહમાં હાજર થવાનું છે.
તેં મને નેઅમતો આપવાનું એવા વખતે શરૂ કર્યું કે જ્યારે હું કશા ઉલ્લેખને પાત્ર પણ નહોતો. મને માટીમાંથી પૈદા કર્યો: કેટલીય પેઢીઓમાંથી પસાર કર્યો. સમયના સંકટો, દુનિયાના સંજોગો, વખતના પરિવર્તનો વગેરેથી રક્ષિત રાખ્યો. એક લાંબા સમય સુધી પેઢીઓથી માની કુખ તરફ મારો પ્રવાસ ચાલુ રહ્યો અને છેલ્લે તારી આ કૃપા થઈ કે મને દુનિયામાં મોકલી દીધો. પણ તેં તારી અનંત મહેરબાની અને અમર્યાદ દયા બતાવી કુફ્રના એ હાકેમોની હુકુમતમાં ન મોકલ્યો, કે જેણે તારી સાથેના કરારોનો ભંગ કર્યો, તારા ઉસુલોને ખોટા કહ્યા. તેં મને એવા વાતાવરણમાં મોકલ્યો કે જ્યાં સરળતાપૂર્વકની હિદાયતની વ્યવસ્થા હતી અને પછી એમાં જ મારા ઉછેરનો બંદોબસ્ત કર્યો. આ પૈદાઈશ અને ઉછેર પહેલાં પણ તારૂં ઉત્તમોત્તમ વર્તન અને સૌથી સંપૂર્ણ નેઅમતોની પરંપરા એવી હતી કે એક નજીસ ટીપામાંથી બનાવ્યો અને તે પણ અજબ (આશ્ચર્યકારક) બનાવ્યો. માસ, લોહી અને ચામડીના ત્રણ ત્રણ પડદાઓમાં રાખ્યો અને મને પોતાને પણ મારા જન્મથી માહિતગાર ન રાખ્યો. મારા સંબંધેની બધીય વાતો પોતાના હાથમાં રાખી. મને મારી હાલત ઉપર મૂકી ન આપ્યો. તેં મને દુનિયામાં મોકલ્યો તો બધીય હિદાયત અને માર્ગદર્શનની બધીય વ્યવસ્થા સાથે પુરેપુરૂં સર્જન બનાવીને મોકલ્યો. ઘોડિયામાં બાળક હતો, તો મારા રક્ષણનો બંદોબસ્ત કર્યો, ખોરાક માટે તાજું દુધ આપ્યું, ઉછેરનારી સ્ત્રીઓને દયાળુ બનાવી. મમતા ધરાવનારી માતાઓને મારૂં ધ્યાન રાખનારી બનાવી. જીન્નાતના દુ:ખ અને ત્રાસથી રક્ષિત રાખ્યો. છત અને આછતથી બચાવ્યો. ખરેખર, અય કૃપાળુ અલ્લાહ તારી હસ્તી ઘણી ઉચ્ચ છે.
ત્યાર પછી જ્યારે હું બોલી શકવાને લાયક થયો ત્યારે તેં ઓર વધારે નેઅમતો આપી અને ઉછેર દ્વારા દર વર્ષે મને આગળ વધાર્યો, એટલે સુધી કે જ્યારે મારી ફિત્રત (સ્વભાવ) પુખ્ત બની ગઈ અને મારા અવયવો મજબુત થઈ ગયા ત્યારે તારી હુજ્જત મારા માટે જરૂરી બની. મને પોતાની મઅરેફત કરાવી અને પોતાની હિકમતની અજાયબીઓ વડે આશ્ચર્યચકિત કરી દીધો. ઝમીન અને આસ્માનમાંની અજાયબી પમાડે એવી મખ્લુકાતને સમજવા માટે મને જાગૃત બુદ્ઘિનો બનાવ્યો. પોતાની યાદ અને તેનો આભાર માનવા માટે હોશીયાર બનાવી દીધો. પોતાની ઈતાઅત અને બંદગી મારા ઉપર વાજીબ કરી દીધી. મને એટલી લાયકાત આપી કે રસૂલોના પયગામ સમજી શકું. એટલી સરળતા કરી દીધી કે તારી મરજી મુજબની વાતોને કબુલ કરી શકું અને પછી એ બધાય પ્રસંગો ઉપર પોતાની મદદ અને પોતાની મહેરબાનીઓથી મને વંચિત નથી રાખ્યો. મને સર્વશ્રેષ્ઠ માટીમાંથી જન્મ આપ્યો અને પછી એ એક જ નેઅમત ઉપર બસ નથી કર્યું, બલ્કે જાતજાતના ખોરાક અને રોજી આપી, ભાતભાતના વસ્ત્રો આપ્યાં. મારા ઉપર તારો એહસાન (મહાન) અને કૃપાઓ ઘણી જૂની (ઘણા વખતથી) છે.
જ્યારે બધીય નેઅમતો પૂરી કરી દીધી અને બધી બલાઓ દફે કરી દીધી ત્યારે જહાલત (અજ્ઞાનતા) અને મારી જસારત (હિમ્મત) અને પોતાના કરમ (કૃપાઓ) કરવાથી રોકી નથી શકી. તેં એ રસ્તાની રહનુમાઈ કરી કે જે તારાથી (મને) નજીક કરી શકે અને એવા અઅમાલની તૌફીક આપી કે જે તારી કરબત (નઝદીકી) મેળવવાના કારણરૂપ બની શકે. અત્યારે પણ હું જ્યારે દોઆ કરૂં છું, તો તું કબુલ કરી લે છે અને જ્યારે કંઈ માંગુ છું તો તું મને આપ્યા કરે છે. જ્યારે તારી ઈતાઅત કરૂં છું, તો તું આભાર માને છે અને જ્યારે આભાર માનું (શુક્ર કરૂં) છું તો વધારે આપે છે. ખરી રીતે આ બધું તારી કૃપાઓ અને એહસાનોની પરિપૂર્ણતા છે, બસ એના સિવાય બીજું કંઇ નથી. તું પાક છે, બેનિયાઝ છે, પૈદા કરનારો, પાછા લઈ જનારો, તારીફ અને વખાણને પાત્ર, બુઝુર્ગી – મહાનતાનો માલિક છે. તારૂં નામ પવિત્ર અને તારી નેઅમતો મહાન છે. ખુદાયા! હું તારી કઈ કઈ નેઅમતોની ગણત્રી કરૂં અને કઈ રીતે યાદ રાખું! તારા કયા કયા ઈનામોનો શુક્ર અદા કરૂં! જ્યારે કે તારી બધીય નેઅમતો મોટા મોટા આંકડાશાસ્ત્રીઓની મર્યાદાની બહારની વાત છે. મોટી મોટી યાદશકિત ધરાવનારાઓના કાબૂ બહાર છે. આ સિવાય જે જે સંકટો અને નુકસાનો અને આફતોનું નિવારણ કરનાર છે તે આ સુખ અને સલામતીથી કયાંય અગત્યનું છે જેનો અનુભવ મને થયો છે અને જે મારી નજરની સામે છે.
અય ખુદા! હું મારા ઈમાનની હકીકત, મારી દ્રઢ અને મજબુત શ્રદ્ઘા, નિર્મળ અને સ્પષ્ટ તવહીદ, મારી બુદ્ઘિના છુપા રહસ્યો, મારી દ્રષ્ટિના પ્રકાશના રસ્તાઓ, કપાળની સપાટી, શ્વાસ પસાર થવાના માર્ગો, સૂંઘવાની શકિત, સાંભળવાની શકિત સુધી અવાજ પહોંચવાના છિદ્રો, હોઠ હેઠળ દબાયેલા રહસ્યો, જીભના ચાલવાથી નીકળેલા શબ્દો, જડબાંના ઉપર નીચેના મૂળિયાઓ, દાઢના ઉગવાની જગાઓ, ખાવા-પીવાની સરળતાના માર્ગો, માથાને સ્થિર રાખી સંભાળનાર હાડકાંઓ, ગરદનની નસો, છાતીની વિશાળતા, ગરદનને સંભાળનારી રગો, દિલના પર્દાઓને પકડી રાખનારી રસ્સીઓ, જીગરના ટુકડાઓને એકત્ર રાખનાર તત્વો, પડખાં, સાંધાઓ, કાર્યશકિત, આંગળાઓ, સ્પર્શશકિત, માંસ, હાડકાં, લોહી, વાળ, ચામડી, અવયવો, દૂધ પીવાના કાળમાં ઘડાતાં શરીરના ભાગો અને જમીન કે જે મારા અસ્તિત્વનો ભાર ઊંચકી રહી છે; મારી ઊંઘ, જાગૃતિ, હલન-ચલન, રૂકુઅ-સજદા, એ બધાય વતી ગવાહી આપું છું કે જો હું ઝમાનાના અંત સુધી જીવતો રહી તારી કોઈ એક નેઅમતનો શુક્ર અદા કરવા માંગું, તો તે અશકય છે – અસંભશ્વિત છે. પણ હા, જો તેમાં તારી દયા-કૃપા શામિલ થાય તો શકય છે. પણ તારી એ દયા-કૃપા પણ તો એક શુક્ર કરવાને પાત્ર છે ને?! મારા ઉપર દરેક પળ તારો એક નવો અહેસાન છે અને તે એક નવો શુક્ર માગે છે. હું શું, મારી સાથે દરેક આંકડાશાસ્ત્રી મળીને તારા નવાં જુના એહસાનોની અંતિમ હદ જાણવા માંગે, તો હરગિઝ જાણી નથી શકતા, ન તેની ગણત્રી કરી શકે છે…
ખુદાયા! મને એવો બનાવી દે, હું તારાથી એવો ડરૂં કે જાણે તને જોઈ રહ્યો હોઉં તકવા (તારા ડર)થી મને મદદ કર અને ગુનાહોથી મને શકી (બદબખ્ત) નહિ બનાવજે….
બારે ઈલાહા! તું મને દિલનો ગની બનાવજે. મારા નફસમાં યકીન, અમલમાં નિર્મળતા, દ્રષ્ટિમાં પ્રકાશ અને દીનમાં દ્રષ્ટિ આપજે. મારા માટે હાથ-પગને બંદીવાન બનાવજે…
ખુદાવંદા! હું તારી નેઅમતો, તારા એહસાનો, તારી મહાન બખ્શિશોની ગણત્રી કરવા પણ માગું, તો કયારેય ગણી નથી શકતો.
માલિક! તું જ એ છે કે જેણે એહસાન કર્યો છે, તું જ એ છે કે જેણે ઉત્તમોત્તમ વર્તાવ કર્યો, તું જ એ છે કે જેણે કૃપાઓ કરી છે, તું જ એ છે કે જેણે સંપૂર્ણ નેઅમતો આપી છે, તુજ એ છે કે જેણે તૌફીક આપી છે, તું જ એ છે કે જેણે ઈનામો આપ્યા છે, તું જ એ છે કે, જેણે ગની બનાવ્યા છે, તું જ એ છે કે જેણે ચૂંટેલી નેઅમતો આપી છે, તું જ એ છે કે જેણે રક્ષણ આપ્યું છે, તું જ એ છે કે જેણે મદદ કરી છે, તું જ એ છે કે જેણે હિદાયત કરી છે, તું જ એ છે કે જેણે અમને નુકસાન અને ભયથી બચાવ્યા છે, તું જ એ છે કે જેણે અમારો ઢાંકપિછોડો કર્યો છે, તું જ એ છે કે જેણે ગુનાહો માફ કર્યાછે, તું જ એ છે કે જેણે ગુનાહો માટેના કારણો – બહાનાઓને કબુલ રાખ્યા છે, તું જ એ છે કે જેણે પડતી વખતે ટેકો દીધો છે, તું જ એ છે કે જેણે ઈઝઝત – માન અને દબદબો આપ્યો છે, તું જ એ છે કે જેણે મદદ કરી છે, તું જ એ છે કે જેણે બાવડામાં જોર આપ્યું છે, તું જ એ છો કે જેણે સમર્થન કર્યું, મદદ કરી, શફા આપી, તું જ એ છો કે જેણે સલામતી આપી, બુઝુર્ગી અને ઈઝઝત આપી, તું બરકત અને મહાનતાનો માલિક છે. તારી તારીફ અને વખાણ હંમેશા હંમેશા માટે છે. તારો શુક્ર અગણિત અને અમર્યાદ છે અને પછી મારી હાલત એવી છે કે હું ગુનાહગાર બંદો કે જેને પોતાના ગુનાહોનો ઈકરાર અને ભૂલોનો સ્વીકાર છે.
માટે અય મારા સર્જક! મારા ગુનાહોને માફ કરી દે, (મહાતીહુલ જીનાન).
એ દિવસે સય્યદુશ શોહદા (અ.સ.)એ આ દોઆ પઢીને લોકોના દિલોને એવી રીતે અલ્લાહ તરફ વાળી દીધાં કે લોકોના રૂદન વિલાપનો અવાજ મોટો થઈ ગયો. તેઓએ પોતાના ઈમામ (અ.સ.)ના પવિત્ર મુખેથી નીકળેલા શબ્દોના જવાબરૂપે “લબ્બૈક” કહીને “આમીન” કહેવાનું શરૂં કર્યું.
Comments (0)