હઝરત મહદી (અજ.)નો ઝુહુર અને જનાબે ઈસા (અ.સ.)નું નાઝીલ થવું.

ઈમામ મહદી (અ.સ.)ના ઝુહુરના અકિદામાં તમામ મુસલમાનો વચ્ચે સર્વસંમતિ છે. તેની સાથે હઝરત ઈસા (અ.સ.)નું ઉતરવું. ખ્રિસ્તી લોકો પણ ઈસા (અ.સ.)ના નોઝુલ અને ઝુહુરને સ્વિકારે છે. બલ્કે તેઓના મત મુજબ હઝરત ઈસા (અ.સ.) જ દુનિયાને મુકિત આપનાર છે.

પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના ફરમાનો અને અઈમ્મએ હોદા (અ.સ.) અને બીજા સહાબાએ કેરામ (ર.અ.)ના કથનોના પ્રકાશમાં એ વાત સાબિત છે કે ઈમામ મહદી (અ.સ.) જ્યારે ઝુહુર ફરમાવશે ત્યારે હ. ઈસા (અ.સ.) ચોથા આસમાન ઉપરથી પધારશે. અને ઈમામ મહદી (અ.સ.)ની પાછળ નમાઝ પડશે. અને એ હઝરત (અજ.)ના મીશનમાં ભાગ લેશે. તેનો અર્થ એ છે કે મહદી (અજ.) નો ઝુહુર અને હ. ઈસા (અ.સ.)નો નોઝુલ એક સર્વમાન્ય અકીદો છે. સેહાહે સિત્તાના હદીસકાર જનાબ મોહમ્મદ બીન ઈસ્માઈલ બુખારીએ પોતાની સહીહમાં ‘કિતાબુલ અમ્બીયા’અને ઈમામ મુસ્લિમ બીન અલ હજ્જાજે પોતાની સહીહમાં ‘કિતાબુલ ઈમાન’માં ઝબાન-ઝદ આમ સહાબી અબુ હુરયરાહાના સંદર્ભથી નકલ કરે છે:

(૧) અન અબી હુરયરહ, કાલ રસૂલુલ્લાહ (સ.અ.વ.) કયફ અનતુમ એઝા નઝલબ્ને મરયમ ફી કુમ વ ઈમામોકુમ મીનકુમ: રસુલ્લિાહે ફરમાવ્યું તે સમયે તમાં શું થશે જ્યારે ઈસા ઈબ્ને મરયમ ઉતરશે અને તમારામાંથી તમારા ઈમામ તમારા દરમ્યાનમાં હશે? (સહીહ બુખારી પુ. ૧૩ પા. ૫૭, પ્રકાશિત હિન્દુસ્તાન હી.સ. ૧૨૭૨ કિતાબુલ અમ્બીયા, સહીહ મુસ્લીમ ૧/૫૧. ૨૯, પ્રકાશન, દારૂલ ફુરકાન ૭૨૨ જામેઅ મસ્જિીદ, દિલ્હી, કિતાબુલ ઈમાન)

(૨) ઈમામ મુસ્લિમે મશહૂર સહાબી જનાબ જાબીર બીન અબ્દુલ્લાહ અન્સારીથી પણ એક હદીસ નકલ કરી છે કે પયગમ્બર અકરમ (સ.અ.વ.)મે ફરમાવ્યું ઈસા બીન મરયમ (જમીન ઉપર) ઉતરશે અને મુસલમાનોના અમીર (ઈમામ) તેમને કહેશે આવો અમને નમાઝ પડાવો. ઈબ્ને મરયમ તેમનું માન અને ભવ્યતાની આમાન્ય રાખીને, જે ખુદા એ ઉમ્મત (એટલે ઉમ્મતે મોહમ્મદી) ઉપર રહમત ફરમાવી છે કહેશે: નહિ, તમારામાંથી જ અમુક અમુકના અમીર હશે. (સહીહ મુસ્લિમ ઉપરનો હવાલો)

(૩) બીજી હદીસમાં હ. ઈસા (અ.સ.)નું વર્ણન વધુ વિસ્તારથી લખ્યું છે. આ હદીસના રાવી તો અનસ બીન સમઆન છે. દજ્જાલની હાલતને રજૂ કરીને નકલ કરે છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: ખુદાવંદે આલમ મસીહ બીન મરયમને મોકલશે. જે દમિશ્કના પૂર્વના ભાગમાં સફેદ મીનારા ઉપર ઉતરશે. તે દિવસે મસીહે બે પીળા કપડાં પહેર્યા હશે. અને પોતાના બંને હાથ ફરિશ્તાઓની પાંખો ઉપર રાખેલા હશે અને તે પોતાનું માથું નમાવશે તો માથામાંથી ટીપાં ટપકશે અને માથું ઉચકશે તો ચાંદીના મોતીઓ જેવા બન્ને ટીપા પડશે. જે કાફીર એમના શ્ર્વાસની હવા લેશે, તે મરી જશે. અને આપના શ્ર્વાસની હવા જ્યાં સુધી નજર પહોંચશે ત્યાં સુધી જશે. પછી હઝરત મસીહ દજ્જાલની શોધ કરશે અને બાબે લુધ્દ (શામના પહાડનું નામ) ઉપર તેને મેળવીને કતલ કરશે. પછી ઈસા (અ.સ.)ની પાસે તે લોકો આવશે જેઓને ખુદાએ દજ્જાલના ફીત્નાથી સુરક્ષિત રાખ્યા હશે. ઈસા (અ.સ.) તેઓના ચહેરા ઉપરથી ધૂળ અને માટી સાફ કરશે અને એ દરજ્જાઓની ખુશખબર આપશે જે તેઓને જન્નતમાં આપવામાં આવશે. (સહીહ મુસ્લિમ ૨/૨૪૩ કિતાબ અલ ફેતન વ ઈશરાતુસ સાઅત).

આ ત્રણેય હદીસોનો ખુલાસો:

(૧) પહેલી હદીસમાં હઝરત ઈસા (અ.સ.) અને ઈમામ મહદી (અજ.)નું જાહેર થવું.

(૨) બીજી હદીસમાં હ. ઈસા (અ.સ.)નું ઈમામ મહદી (અજ.)ની પાછળ નમાઝ પડવી.

(૩) ત્રીજી હદીસમાં હ. ઈસા (અ.સ.)નું ઉતરવું, તેમના થકી દજ્જાલનો કત્લ, કાફરોની હલાકત, મોઅમીનોનું રક્ષણ અને દરજ્જાઓની ખુશખબરીનું વર્ણન છે. આ અર્થ અને મતલબ ઉપર આધારિત અસંખ્ય હદીસો, સહીહો ઉપરાંત બીજી સહીહ અને હદીસોની કિતાબોમાં પણ નકલ થઈ છે, જે તેની સચ્ચાઈની દલીલ છે. નમૂના તરીકે થોડી હદીસો નકલ કરીએ છીએ. ‘અન અબી સઈદ અનન-નબી (સ.અ.વ.): મીનન લઝી યોસલ્લી ઈસબ્નોમરયમ ખલફહુ.’ તે એ કે જેની પાછળ ઈસા બીન મરયમ નમાઝ પડશે, તે અમારામાંથી હશે. (ઉકદુદ દોરર, પ્ર. ૭ હદીસ ૨૨૩) અબુ નઈમ ઈસ્ફરૂહાનીએ ‘મનાકિતબુલ મહદી’માં શયખ ઓબયદુલ્લાહ હનફી અમૃતસરીએ ‘અરજહુલ મતાલીબ’પા. ૩૭૮, જલાલુદ્દીન સુયુતીએ ‘અલ અરકુલ વરદી ફી અખબારીલ મહદી,’ હાફીઝ અબી અબ્દુલ્લાહ નઈમ બીન હમાદે કિતાબ ‘અલ ફેતન’માં આ હદીસને નકલ કરી છે.

આ ટૂંકા લેખમાં અવકાશ નથી કે બધી હદીસોને નકલ કરવામાં આવે. તેના માટે એક દળદાર પુસ્તકની જરૂર છે. તેથી સંતોષ લેવા પૂરતું, માત્ર કિતાબોના નામ અહિ લખીએ છીએ. રસ ધરાવતા વાંચકોએ આ કિતાબો વાંચવી.

(૧) જનાબ કામીલ સુલયમાને પોતાની કિતાબ ‘યવ્મુલ ખલાસ’ફારસી તરજુમો: ‘રોઝગારે રેહાઈ’ભાગ ૧ પ્રકારણ ૧૩ માં ૧૩ હદીસો શીઆ અને સુન્ની કિતાબોમાંથી નકલ કરી છે.

(૨) શયખ નજમુદ્દીન જઅફર બીન મોહમ્મદ અલ અસ્કરીએ તેમની કિતાબ ‘અલ મહદીયુલ મવઉદ અલ મુન્તઝર’ભાગ ૨ પા. ૨૧૫ થી ૨૪૬ ઉપર ૪૪ હદીસો માત્ર સુન્ની હવાલાથી નકલ કરી છે. તેમાં કિતાબોના નામો જાણવા જેવા છે. ઉકદુદ દોરર, અરબઈન, સેહાહે સિત્તા, નુરૂલ અબ્સાર, યનાબીઉલ મોવદ્દહ, અસઆફુર રાગેબીન, અલ કવલુલ મુખ્તસર ફી અલામાતીલ મહદીઅલ મુન્તઝર, ફરાએદુસ સિમતૈન, અરજહુલ મતાલીબ, અલ હાદી લીલ ફતાવા.

હઝરત ઈસા (અ.સ.)ના નોઝુલની સાબિતી માટે પ્રસ્તુત હદીસો સ્પષ્ટ અને પૂરતી છે. આ અંગે ઈસ્લામના વિદ્વાનોમાં કોઈ મતભેદ જોવા મળતો નથી. અલબત્તા જેવી રીતે ઘણી બાબતોમાં થોડી બનાવટી અને બિન વિશ્વાસપાત્ર હદીસોની મદદથી સમાજને ગેરમાર્ગે દોરવવાની કોશિશ કરવામાં આવી રહી છે, તેમાંની એક હદીસ ‘નોઝુલે ઈસા અને ઝુહુરે મહદી (અજ.)’ના અકીદાને ઠેસ પહોંચાડવા માટે રજૂ કરવામાં આવી હતી. તે હદીસ આ રીતે છે ‘લા મહદી ઈલ્લા ઈસા’મહદી, સિવાય ઈસા, બીજું કોઈ નથી.

અશકય વાત:

આ હદીસની વિગત અમે ‘અલ મુન્તઝર’૧૪૧૩ હિજરૂરીના શઅબાનના વિશેષ અંકમાં ‘ઘડી કાઢેલી હદીસૌ’ના શિર્ષક હેઠળ કહી ગયા છીએ. સુજ્ઞ વાંચકો તે જૂએ. ચર્ચા કરવાના હેતુથી એ નકલ કરીએ છીએ કે ઈમામ મહદી (અજ.) અને હ. ઈસા (અ.સ.) એક વ્યકિત કદાપી ન હોઈ શકે. કારણ કે એક જ માણસ એક વખતે પેશ ઈમામ પણ હોય (નમાઝ જમાઅતમાં)અને મામુન (પાછળ નમાઝ પડનાર) પણ હોય? આ અંગેની હદીસોની પૂરેપૂરી સ્પષ્ટતા સાથે ચર્ચા કરવામાં આવી છે.

‘અન ઈબ્ને અબ્બાસ કાલ, કાલ રસુલુલ્લાહે (સ.અ.વ.) ઈન્ન ખોલફાઈ વ અવસેયાઈ વ હોજજલલ્લાહે અલલ ખલ્કે બઅદી અલ ઈસ્ના અશર અવ્વલોહુમ અલીય્યુન વ આખેરોહુમ અલ મહદીય્યો ફયન્ઝલો રૂહુલ્લાહ ઈસબ્નો મરયમ ફયોસલ્લી ખલ્ફલ મહદીય્યે વ તશરફુલ અર્ઝો બેનૂરે રબ્બેહા વયબ્લોગો સુલ્તાનોહુલ મશારેક ન મગારેબ.’ (યનાબીઉલ મોવદ્દત ૪૪૭)

ઈબ્ને અબ્બાસ નકલ કરે છે કે રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું: ‘ખરેખર મારા પછી મારા ખલીફાઓ અને મારા વસી અને ખુદાની હુજ્જતો લોકો પર બાર હશે. તેમાંના પહેલા અલી અને અંતમાં મારા સંતાનમાં મહદી હશે. પછી રૂહુલ્લાહ ઈસા બીન મરયમ ઉતરશે.અન મહદીની પાછળ નમાઝ પડશે અને દુનિયા પોતાના રબના નૂરથી પ્રકાશિત થઈ જશે અને તેની (મહદીની) સલ્તનત પૂર્વથી પશ્ર્ચિમ સુધી ફેલાઈ જશે.’

નોંધ: હદીસ કોઈ સ્પષ્ટતા કે અર્થઘટનની મોહતાજ નથી. બલ્કે સામાન્ય સમજ ધરાવનાર પણ સહેલાઈથી સમજી શકે છે કે હઝરત મહદી (અજ.) પયગમ્બરના સંતાનમાંના એક સભ્ય છે અને હઝરત ઈસા એક બીજી વ્યકિત છે. જેના વંસ વારસ તેમના (અજ.)થી જુદા છે.

બીજી હદીસોમાં તો તે બન્ને હઝરાત (અ.સ.)ને આપસમાં વાતચીત કરતા રજૂ કરવામાં આવ્યા છે. જૂઓ જાબીર બીન અબ્દુલ્લાહ અન્સારીએ હુઝુર (સ.અ.વ.)થી નકલ કર્યું છે:

‘પછી ઈસા બીન મરયમ (જમીન પર) ઉતરશે અને મુસલમાનોના અમીર (ઈમામ મહદી) તેમને કહેશે આવો અમને નમાઝ પડાવો. ઈબ્ને મરયમ આ સન્માન અને ભવ્યતાની આમાન્યા રાખીનેકે જે ખુદાએ આં ઉમ્મત (એટલે ઉમ્મતે મોહમ્મદી)ને અર્પણ કરેલ છે, (જવાબમાં તેઓ) કહેશે નહિ. (એટલે તમારી ઈમામત નહિ કં) તમારામાંથી જ અમુક અમુકના આગેવાન હશે. (એટલે તમારા અમીર તમારામાંથી જ હશે). (સહીહ મુસ્લિમ ઉર્દુ તરજુમો પ્રકાશન દારૂલ ફુરકાન, દિલ્હી, કિતાબુલ ઈમાન પા. ૨૯)

આ હદીસમાં વાત વધુ સ્પષ્ટ થઈ જાય છે કે બંને વિભૂતિઓ આપસમાં વાતચીત કરશે અને પછી મસ્લેહત પછી એ નક્કી કરશે કે હ. મહદી (અજ.) ઈમામ હોય અને હ. ઈસા (અ.સ.) મામુન.

આ રીતે કોઈ અવકાશ નથી કે ‘લા મહદી ઈલ્લા ઈસા’ને સાચી હદીસ માનવામાં આવે.

આશ્ચર્ય છે:

સાહેબે અલહાદીલીલ ફતાવા ભા. ૨ પા. ૧૬૭ ઉપર ફરમાવે છે, હ. ઈસા (અ.સ.)ની પાછળ નમાઝ પડવાનો જે લોકો ઈન્કાર કરે છે. ‘હાઝા મેનલ અજબુલ અજબ’આશ્ચર્ય પામવા જેવી વાતોમાં સૌથી વધુ આશ્ર્ચર્ય પમાડનારી છે. કારણ કે હઝરત ઈસા (અ.સ.)એ હઝરત મહદી (અજ.)ની પાછળ નમાઝ પડવી તે રસુલ (સ.અ.વ.) કે જે સત્યનો સ્ત્રોત છે, તેમની અસંખ્ય સાચી હદીસોથી સાબિત થાય છે જેનો ઈન્કાર નથી કરી શકાતો. આ હદીસોને અહમદ બીન હન્બલે પોતાની મુસનદમાં અને હાકીમે મુસ્તદરકમાં ઉલ્લેખ કર્યો છે અને તેવી જ રીતે સહીહહય્ને અબી હુરયરાથી નકલ કરી છે: તે વખતે તમાંરૂ શું થશે જ્યારે ઈસા બીન મરયમ ઉતરશે અને તમારા ઈમામ તમારામાંથી હશે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *