હઝરત ઈમામ અસ્ર (અ.સ.)ની બારગાહમાં ઈસ્તેગાસા
ઝીયારત સલામુલ્લાહીલ કામીલનો ભાવાર્થ. દર વરસ મુજબ આ વરસે પણ દોઆઓ, ઝિયારતો, વિવરણો અને વિગતોનો સિલસિલો ચાલુ રાખીને જે ઝિયારતને પસંદ કરવામાં આવી છે તેને ‘ઝિયારત અને ઈસ્તેગાસાએ ઈમામે ઝમાના (અજ.)’ ના નામથી યાદ કરવામાં આવે છે. અમૂક લોકો તેને ‘ઝિયારતે સલામુલ્લાહીલ અલ કામીલુત્તામ’પણ કહે છે.
ઝિયારતની સનદ અને તેના ઉતરવાની શાન
આ ઝિયારતે ઈઅતેગાસાને આ આલીમોએ નકલ કરી છે: જનાબ રઝીયુદ્દીન બીન તાઉસે (રહ.) પોતાની કિતાબ મિસ્બાહુઝ ઝાએરમાં (પાના ૨૨૫-૨૬), જનાબ શયખ કફઅમીએ ‘અલ બલદુલ અમીનમાં’ (પા. ૧૫૮), અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (રહ.) એ પોતાના દળદાર પુસ્તક ‘બેહારૂલ અન્વાર’માં ચાર જગ્યાએ અલબત્તા શબ્દોમાં થોડો વિરોધાભાસ અને તફાવતની સાથે (ભાગ ૯, પા. ૩૧, ભાગ ૧0૧, પા. ૩૭૩, ભાગ ૧0૨, પા. ૯૭ અને ૬૪૨) જનાબ સૈયદ અલી ખાં (ર.અ.) એ કલમ-એ-તય્યબ’માં અને જનાબ શયખ અબ્બાસ કુમ્મીએ (ર.અ.) ‘મફાતીહુલ જીનાન’માં આ ઝિયારત અને ઈસ્તેગાસાને નકલ કરી છે. એ સ્પષ્ટ છે કે જ્યારે આટલા બુઝુર્ગ અને મહાન આલીમોએ આ ઝિયારત અને ઈસ્તેગાસા તેઓના બહુમૂલ્ય પ્રકાશનમાં નકલ કરી છે, તો તે વિશ્વાસનિય ન હોવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. જનાબે શયખ અબુ અબ્દુલ્લાહિલ હુસૈન બીન અલ હસન બીન બાબવયા (ર.અ.) એ પોતાના મોહતરમ કાકા જનાબ જઅફર મોહમ્મદ બીન અલી બીન બાબવયા (ર.અ.)થી નકલ કરે છે કે પવિત્ર શહેર કુમના મારા બુઝુર્ગ ઉસ્તાદોમાંથી એક ઉસ્તાદે નકલ કરી ચે કે મારા ઉપર એક એવી મુસીબત આવી પડી જેમાં મને ઘણી ઈજા પહોંચી, દુ:ખ પહોંચ્યું અને હું પરેશાનીથી ત્રાસી ગયો. મને તે યોગ્ય ન લાગ્યું કે મારા કુટુંબીજનો કે મારા દોસ્તોમાં કોઈને આ મુસીબતની વાત કંરૂ. એક દિવસ દુ:ખ અને ગમગીનીની સ્થિતિમાં હું સ્વપ્નમાં સરી પડયો. મેં સ્વપ્નમાં જોયું કે એક પ્રતિભાશાળી બુઝુર્ગ જે બેહદ ખુબસુરત દેખાઈ રહ્યા હતા અને સર્વશ્રેષ્ઠ પોષાક પહેર્યો હતો, તેમના શરીરમાંથી ઘણી સરસ ખુશ્બુ આવી રહી હતી, તે મારી સામે ઉભા છે. મારા મનમાં એ વિચાર આવે છે કે મારા ઉસ્તાદોમાંથી એક ઉસ્તાદ છે. જેની પાસે કુમમાં મેં શિક્ષણ લીધું છે. મે મારી જાતને કહ્યું, ‘કયાં સુધી હું મારા દુ:ખ દર્દને મારા દિલમાં રાખું અને મારા દોસ્તોને જાણ ન કંરૂ. આ જનાબ તો મારા ઉસ્તાદ છે. હું મારી મુસીબતો તેમને કહી દઉં છું. કદાચ કોઈ માર્ગ મળી આવે. હું તેમને કાંઈ મારી વાત કંરૂ તે પહેલા તેમણે ખુદ વાતની શરૂઆત કરી અને ફરમાવ્યું જાઓ અને તમારા ઝમાનાના ઈમામ પાસે મદદ અને માર્ગદર્શન મેળવો. તેમની પાસે રક્ષણ માંગો કારણ કે તે શ્રેષ્ઠ મદદ કરનાર છે. અને આપણા શીઆ મોઅમીનની સુરક્ષાનું સ્થાન છે. તે પછી તેમણે પોતાનો પવિત્ર જમણો હાથ મારી જમણી હથેળી ઉપર ફેરવીને કહ્યું, ‘જાવ અને તેમની (ઈમામની) ઝિયારત કરો, તેમની ઉપર સલામ પડો. હું પણ ઈમામ (અ.સ.)ને દરખાસ્ત કરીશ કે તે તમારા હકમાં રબ્બુલ આલમીન પાસે શફાઅત અને સિફારીશ કરે.’ મે અરજ કરી, ‘આપ જ મને દેખાડો કે હું કેવી રીતે ઝિયારત અને સલામ પડું? અને કેવી રીતે દોઆ માંગુ? કારણ કે હું આ મુશ્કેલીના કારણે બધી ઝિયારતો ને દોઆઓ ભુલી ગયો છું.’ આ સાંભળીને તેમણે એક લાંબો શ્વાસ લીધો અને ફરમાવ્યું ‘લા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ’અને મારી છાતી ઉપર તેમણે હાથ રાખી દીધો અને કહેવા લાગ્યા, ‘અલ્લાહ તમારા માટે પૂરતો છે. હવે તમારી ઉપર કોઈ મુસીબત નહિ આવે. જાવ, ગુસ્લ કરો, બે રકઅત નમાઝ પડો. આસમાનની નીચે અને કિબ્લા તરફ મોઢું રાખીને ઝિયારત ‘સલામુલ્લાહીલ કામેલુત્તામ’પડો. જ્યારે દોઆ અને ઝિયારત પૂરી થઈ જાય ત્યારે જે ચાહો તે માંગો.’ આ સાંભળતા જ મારી આંખ ખુલી ગઈ અને હું જાગી ગયો. મને ખાત્રી થઈ ગઈ કે મારી મુશ્કેલીનો અંત હાથ વેંતમાં છે. હવે મને આ રાત ઘણી લાંબી લાગવા માંડી. જે કાંઈ મને સ્વપ્નની હાલતમાં શીખવવામાં આવ્યું હતું તે હું ભૂલી જાઉં તે પહેલા મેં લખી લીધું. ત્યાર પછી ગુસ્લ કર્યુ, આસમાનની નીચે બે રકાત નમાઝ પડયો. પહેલી રકાતમાં હમ્દના સુરા પછી સુરએ ફત્હની તિલાવત કરી. જેવી રીતે કે તે આખો સુરો મારી નજરની સામે છે. બીજી રકાતમાં હમ્દની સુરા પછી સુરા એઝા જાઅ નસરૂલ્લાહ પડયો. નમાઝ પુરી કરીને કિબ્લા સામે મોઢું રાખીને આ ઝિયારત પડયો. અને અંતમાં મારી હાજતો માંગીને અને મારા મૌલા અને આકા સાહેબુઝઝમાન પાસે આશ્રય માગ્યો, પછી શુક્રનો સીજદો બજાવી લાવ્યો અને એજ હાલતમાં મારી દોઆઓને એ સમય સુધી લંબાવી કે મને એ બીક લાગી કે નામઝે શબ કઝા થઈ જાય. નમાઝે શબ અને તેની તઅકીબાતો પૂરી કર્યા પછી નમાઝે સુબ્હ પઢયો. પછી મહેરાબમાં બેસી દોઆ માંગતો રહ્યો. ખુદાની કસમ! હજુ સુરજ નીકળ્યો પણ ન હતો કે મારી મુસીબત દૂર થઈ ગઈ. અને આખી ઝીંદગી બીજી વખત આ પ્રકારની મુસીબતમાં સપડાયો નથી. મેં આજ સુધી કોઈને પણ આ મુસીબતના બારામાં નથી જણાવ્યું. બધી રહેમતો અલ્લાહના માટે છે અને તેના માટે અપૂર્વ પ્રશંસા અને વખાણ છે. (નોંધ: એ વાત ધ્યાનમાં રહે કે તહારત સાથે રહેવું, ગુસ્લ કરવું, આસમાનના નીચે ઉભુ રહેવું, બે રકાત નમાઝ પડવી. આ બધું અફઝલ છે. પરંતુ કોઈ વ્યકિત કોઈ પણ કારણના લીધે આ રીતે ન કરી શકે તો પણ આ ઝિયારતને છોડી ન દેવી જોઈએ.
જો તે માત્ર ઝિયારત પડે તો પણ સવાબનો હકદાર થશે. જેમકે રિવાયતોમાં મળે છે કે ‘અખ્ઝુલ કલીલે ખરૂયન મીન તરકીલ કસીર’એટલે થોડું પ્રાપ્ત કરવું કુલ કે વધુને છોડી દેવા કરતાં બેહતર છે.
ઝિયારતના શબ્દો
ઝિયારત અથવા ઈસ્તેગાસએ ઈમામે ઝમાના (અજ.)ની શરૂઆત આ વાકયથી થાય છે.
(૧) સલામુલ્લાહીલ કામેલુત્તામ શ્શામેલુલ આમ: અલ્લાહના સંપૂર્ણ, તમામ, દરેક વસ્તુને ભેગી કરનારા અને આમ, સલામ થાય.
ઝિયારતના પહેલા ફકરામાં આપણે સલામ અને દરૂદ મોકલી રહ્યા છીએ. અહિં આ સલામના ગુણ અને મહત્વ વિષે કહેવામાં આવી રહ્યું છે કે અલ્લાહના સલામ કોઈ મામુલી સલામ નથી. બલ્કે આ તે સલામ છે કે જેમાં ન તો કોઈ ખોડ અને ન કોઈ ત્રૂટી અને દરેક દિશાએથી આ દરૂદ ઉતરે છે અને પૂરેપૂરી રીતે આ દરૂદ અને સલામ ઈમામ (અ.સ.)ને સાંકળી લે છે. એટલે ખુદાની તરફથી ઈમામ ઉપર તે સલામતિ અને સલામ ઉતરે કે જે પરિપૂર્ણ છે અને દરેક વસ્તુમાં શામીલ છે. એટલે ભરપૂર છે. સલામતી જ સલામતી.
(૨) વ સલવાતો હુદ્દાએમતો વ બરકાતોહુલ કાએમતુત તામ્મહ: અને ખુદાનું કાયમી દરૂદ અને હંમેશા નિરંતર ભરપૂર બરકતો ઉતરે. સલામતી પછી આપણે દરૂદ અને બરકતોની દોઆ કરીએ છીએ અને કેવી રીતે દરૂદ અને બરકતો તે કે જે હંમેશની અને સંપૂર્ણ છે. કયારે પણ પૂરી ન થાય, કાયમ હોય અને સંપૂર્ણ હોય.
ઝિયારતના આ બંને ફકરામાં આપણે માત્ર દરૂદ, સલામ, બરકતો અને વિશેષતાઓની વાત કરીએ છીએ. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સલામ, દરૂદ, બરકતોનો ખુદાવંદે આલમ પ્રત્યે નિર્દેશ કરવામાં આવ્યો છે એટલે કે સુબ્હાનહુ વ તઆલાની એ જાત કે જે બધા કમાલોનો સ્ત્રોત છે. તે આપે છે, પરંતુ તેના આપવાથી તેમાં કોઈ કમી કે નુકશાન નથી થતું. તેની માત્ર એક દ્રષ્ટિ આપણને દિવ્ય પ્રેરણા શકિતથી માલામાલ કરી શકે છે અને તેની નારાજગી આપણી તબાહી અને બરબાદીનું કારણ બની શકે છે. આપ ખુદ અનુમાન કરી શકો છો કે આવી હસ્તીનું કેવું સ્થાન અને મુલ્ય હશે જેના પર ખુદાની સંપૂર્ણ, બધી જ અને હંમેશાની બરકતો અને સલામ બરાબર ઉતરતા રહે છે. જેમકે ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે લોકોની અક્કલો કયારેય પણ અમારો મોભો અને ભવ્યતા નથી સમજી શકતી (ઉસુલે કાફી, કિતાબુલ હુજ્જત)
(૩) અલા હુજ્જતીલ્લાહે વ વલીય્યેહી ફી અર્ઝેહી વ બેલાદેહી વ ખલીફતેહી અલા ખલકેહી વ એબાદેહી (આ બધા સલામ, દરૂદ અને બરકતો થાય) અલ્લાહની હુજ્જત ઉપર, તેની જમીન અને તેના શહેરોમાં, તેના વલી અને પ્રતિનિધી અને તેના સર્જનો અને તેના બંદાઓમાં, તેના ખલીફા અને વારસદાર ઉપર.
બધા દરૂદનો સિલસિલો તેના ઉપર ઉતરવાની દોઆ કરી રહ્યા છે, જે અલ્લાહની હુજ્જત અને દલીલ છે. જે પરવરદિગારે આલમના વલી અને પ્રતિનિધી છે અને તેના ખલીફા છે. હુજ્જત તે દલીલને કહે છે જે હેતુને પ્રકાશિત કરી દે છે, વાતને એ રીતે સ્પષ્ટ કરી દે છે કે નકારવાનો કોઈ અવકાશ બાકી નથી રહેતો. ઈમામે ઝમાના (અ.સ.) અલ્લાહની હુજ્જત છે. એટલે હાલમાં ઝમાનાના ઈમામના વ્યકિતત્વથી વધીને કોઈ બીજી દલીલ હોય જ નથી શકતી. ખુદાના સર્જન ઉપર ઈમામનું અસ્તિત્વ ખુદાની સૌથી મોટી હુજ્જત છે. હઠધર્મી અને બદબખ્ત સિવાય તેનો કોઈ ઈન્કાર નથી કરી શકતું. ઈમામે ઝમાના (અ.સ.) બાકીના ઈમામોની જેમ અલ્લાહની પુખ્ત હુજ્જત છે. વલીનો અર્થ અહિ સત્તા ધરાવનાર પ્રતિનિધી છે. તેનો અર્થ એ છે કે જો કોઈને અલ્લાહના હુકમો અને ઈસ્લામના કાનુનો અંગે કોઈપણ વસ્તુ જાણવી હોય તો તેને માત્ર અને માત્ર ઈમામની તરફ રજૂ થવું જોઈએ. અને મોટી ગયબતના ઝમાનામાં (ગૈબતે કુબરામાં) તેમના સર્વમાન્ય નાએબ, સમગ્ર શરીઅતના મુજતહેદની તરફ રજુ થવું જોઈએ. જો કોઈને જ્ઞાન અને સમજ મેળવવી હોય તો તે એહલેબયત (અ.સ.)ની હદીસો અને કથનો દ્વારા જ મળી શકે. ‘ફમન અરાદલ હીકમત ફ લયાતેહા મીન બાબેહા.’ જે લોકો જ્ઞાન અને સમજ પ્રાપ્ત કરવા માંગતા હોય, તેઆએ માત્ર ઈલ્મના શહેરના દરવાજાથી જ દાખલ થવું જોઈએ.
(૪) વ સોલાલતીન નુબુવ્વતે વ બકીય્યતીલ ઈતરતે વસ્સફવતે: સલામ થાય નબુવ્વતના પવિત્ર પુત્રો ઉપર. પવિત્ર વંશજો અને ખુદાના પસંદ થયેલા બંદાઓના અંતિમ સિલસિલા ઉપર.
‘સોલાલા’નિર્મળ અવલાદને કહે છે. ‘બકીય્યા’એટલે બાકી રહેલા અને ‘ઈતરત’અને ‘સફવત’નો અર્થ એહલેબયત (અ.સ.) છે, તેથી ઈમામે ઝમાના (અજ.) નબીની અહલેબયતના અંતિમ અને બાકી રહેલા છે. હિદાયતના સિલસિલાની આખરી કડી છે. જો કોઈ તેમની પાસેથી હિદાયત મેળવી ન શકે તો હંમેશ માટેની બદબખ્તી અને જહન્નમનો કાયમનો અઝાબ તેના નસીબમાં હશે.
(૫) સાહેબીઝઝમાને વ મુઝહેરીલ ઈમાને વમોલક્કેને અહકામીલ કુરઆને વ મોતહહેરીલ અર્ઝે વ નાશેરીલ અદલે ફીત્તુંલે વલ અર્ઝે. (સલામ થાય) ઝમાનાના માલિક અને મુખ્તાર ઉપર. ઈમાનને જાહેર અને પ્રકાશિત કરનારા ઉપર, કુરઆનના હુકમોની તાલીમ અને હિદાયત કરનારા પર, ઝમીનને ઝુલ્મ અને અત્યાચારથી પવિત્ર કરનારા ઉપર, ઝમીનને વિશાળ અને ન્યાય અને ઈન્સાફને સર્વત્ર કરનાર ઉપર.
એટલે જે ઈમામ ઉપર દરૂદ અને સલામ મોકલી રહ્યા છીએ તે ઝમાનાના માલિક અને સત્તાધીશ છે. ઝમાનો તેનો માલિક નથી. તે ચાહે તો સમયને રોકી શકે છે. અને તેના ઉપર પાબંદી લાદી શકે છે. પરંતુ સમયમાં એટલી શકિત કયાં છે કે પોતાની તાકતથી તેની જવાનીને વૃધ્ધાવસ્થામાં પરિવર્તિત કરી શકે. ‘રાદુલ શમ્સ’(સુરજને પલ્ટાવનાર)ના ફરઝંદ છે. સમગ્ર ઝમાનો તેની શકિતના કબ્જામાં છે. અરબી વ્યાકરણના નિયમ મુજબ તે ઈસ્મે ફાએલ – કર્તા છે. એટલે જાહેર કરનાર. ઈમામે ઝમાના (અજ.) ના ઝુહુર પછી ઈમાન અને દિને ખુદાનો ઝુહુર થશે, અને બધા દિનો પર તે વ્યાપક હશે. ‘મુલક્કેને’નો અર્થ ભલામણ કરનાર, યાદ કરાવનાર તેનો અર્થ એ છે કે ઈમામ (અજ.) કુરઆનના હુકમો, કાનુનોની એટલી હદ સુધી ભલામણ અને જાહેરાત કરશે, યાદ કરાવશે, જ્યાં સુધી તે લોકોના દિલોમાં ન સમાય જાય. એ એટલું સહેલું નથી. કારણ કે જ્યારે ઝુહુર થશે ત્યારે ન તો સાચું ઈમાન હાથવગું હશે ન કુરઆનના કાનુનો. રીત રિવાજને દિનનું નામ આપીને તેની તબ્લીગ કરવામાં આવી રહી હશે. મુતહહીર એટલે પાક કરનારા. ઈમામે ઝમાના (અજ.) દુનિયાના પટને ઝુલ્મ, અત્યાચાર, શીર્ક અને ગુનાહોની ગંદકીથી પાક કરશે. અને દુનિયાના ખૂણેખુણાને ન્યાય અને ઈન્સાફથી ભરી દેશે.
(૬) વલ હુજ્જતીલ કાએમીલ મહદીય્યીલ ઈમામીલ મુન્તઝરીલ મરઝીય્યે: અને ખુદાની કાએમ હુજ્જત મહદી અલ મરઝીએ, ખુદાના પ્રકાશિત ઈમામ મુન્તઝર ઉપર.
અહિં ઈમામે ઝમાના (અજ.) ના જુદા જુદા લકબોની વાત થઈ રહી છે કે આપ અલ્લાહ તઆલાની હુજ્જત છે. કાએમ છે. એટલે એમના જ કારણે ઈસ્લામ અને કુરઆન સ્થાપિત થશે. ઈમામ રઝા (અ.સ.)ની એક હદીસ મુજબ જ્યારે ઈમામે ઝમાના (અજ.) નું આ લકબ (કાએમ) બોલવામાં આવે ત્યારે આપણે કિબ્લાની સામે ઉભું થઈ જવું જોઈએ અને આપણો જમણો હાથ માથા ઉપર મૂકવો જોઈએ. (જો કે આ કાર્ય વાજીબ નથી, પરંતુ એમના સન્માનની અપેક્ષા જરૂર છે). ‘અલ મહદી’એટલે હિદાયત સંપન્ન. જેને સંપૂર્ણ હિદાયત પ્રાપ્ત છે દરેક ઈમામ અલ્લાહની તરફથી હિદાયત મેળવીને આ દુનિયામાં પધારે છે. જેથી લોકોની હિદાયત કરી શકે. કારણ કે જો ખુદ હિદાયત સંપન્ન ન હોય તો લોકોની હિદાયત કેવી રીતે કરશે? ‘અલ ઈમામ’એટલે જે આગળ આગળ રહે ને લોકોનું માર્ગદર્શન કરે. એટલે આપણે તેમની પાછળ તેમના પગલે ચાલીએ.
આપણાં માટે જરૂરી છે કે સંપૂર્ણ રીતે તેમની તાબેદારી કરીએ, જેવી રીતે નમાઝે જમાઅતમાં એક મામુન જમાઅતના ઈમામને અનુસરે છે. બીજા શબ્દોમાં ન તો તેમનાથી આગળ વધવાની કોશિશ કરીએ ને ન પાછળ રહી જઈએ. ‘અલ મુન્તઝર’એટલે કે તે કે જેની પ્રતિક્ષા થઈ રહી છે. આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ અને જેનો ઈન્તેઝાર કરવામાં આવી રહ્યો છે તે ઈમામે ઝમાના (અજ.) છે. ‘અલ મરઝી’એટલે કે જેનાથી ખુદા અને તેના રસુલ રાજી અને ખુશ હોય અને તે કે જે તેઓના પસંદ કરાએલા હોય.
(૭) વબ્નીલ અઈમ્મતીત તાહેરીનલ વસીય્યીબીનલ અવસીયાઈલ મરઝીઈઈનલ હાદીલ મઅસુમીબ્નીલ અઈમ્મતીલ હોદાતીલ મઅસુમીન: અને પવિત્ર વલી, દરેક ઈમામના પુત્ર ઉપર, તે વસી અને વારસદાર ઉપર જે પસંદ થએલા વારસદારોના પુત્ર છે. તે હિદાયત કરનારા, મઅસુમ અને ગુનાહોથી રક્ષિત છે (સલામ) તેના ઉપર, જે હિદાયત કરનાર મઅસુમ ઈમામોના ફરઝંદ છે.
જો આપણે આ વાકયોના શબ્દો ઉપર આજના સમયની દ્રષ્ટિથી જોઈએ તો જણાશે કે ત્રણેય શબ્દો ‘ઝાહેરીન’, ‘મરઝીય્યીન’અને ‘મઅસુમીન’એ વાતને જાહેર કરે છે કે હઝરત મહદી (અજ.) ઈમામોની પવિત્ર ખાનદાનનું સંતાન છે. ‘હોદાત’હાદીનું બહુવચન છે. ઈમામે ઝમાના (અજ.) ન માત્ર હિદાયત પામેલા છે બલ્કે હિદાયત કરનાર પણ છે. અવસીયાના વંશમાં હોવું એ પણ એ વાતની દલીલ છે કે આ મહત્વના હોદ્દા પર હોવું દરેક માનવીના બસની વાત નથી. બલ્કે રસુલે ખુદા (સ.અ.વ.)ના વસીની અવલાદમાંથી હોય. જે પરહેઝગાર પછી પરહેઝગાર, સાચા પછી સાચા, સબીલ પછી સબીલ અને ખૈર પછી ખૈરના સિલસિલાની અંતિમ કડી છે.
નોંધ: અહિ સુધી ઝીયારતમાં સંબોધન ત્રીજા પુરૂષમાં થઈ રહ્યું હતું. હવે આપણે સીધા ઈમામે ઝમાના (અજ.) ને સંબોધન કરીએ છીએ. અને આપ પર દરૂદ અને સલામ મોકલીએ છીએ.
(૮) અસ્સલામો અલયક યા મોઈઝઝલ મોઅમેનીનલ મુસ્તઝઅફીન, અસ્સલામો અલયક યા મોઝીલ્લલ કાફેરીનલ મોતકબ્બેરીનઝ ઝાલેમીન: ખાસ સલામ આપ પર એ મોઅમેનીન, કમજોરો અને મઝલુમોને ઈઝઝત બક્ષનારા. સલામ થાય આપ ઉપર એ કાફરો, ઘમંડીઓ અને જાલીમોનું અપમાન કરનારા.
આ ટૂંકા વાકયમાં એ વાત સમજમાં આવે છે કે ઈમામના દોસ્ત કોણ છે કે જેને આપ ઈઝઝત આપશે ને દુશ્મન કોણ છે જેને આપ અપમાનિત કરશે. ‘મુસ્તઝઅફ’એ વ્યકિતને કહે છે જે પોતે કમજોર ન હોય. પરંતુ બીજાઓએ તેને કમજોર બનાવી દીધો હોય અને કુરઆને કરીમનો આજ દાવો છે કે:
‘વ નોરીદો અન નમુન્ન અલલ લઝીનસ તુઝેએફુ ફીલ અર્ઝે વ નજઅલહુમ અઈમ્મતન વ નજઅલોહોમુલ વારેસીન’અને અમે એ ઈરાદો રાખીએ છીએ કે જે લોકોને પૃથ્વીના પર વૃધ્ધ અને અશકત બનાવી દેવામાં આવ્યા છે તેઓના ઉપર એહસાન કરીએ ને તેઓને ઈમામ બનાવીએ અને તેઓને (જમીનના) વારસદાર બનાવીએ.
ખરેખર જો કોઈ વ્યકિતમાં કુફ્ર, અભિમાન, ઘમંડ અને ઝુલ્મ જેવી હલ્કી આદતો જોવામાં આવે, તો એવા માણસને ઈમામે ઝમાના (અ.સ.) અપમાનીત અને બદનામ કરશે ને ઉઘાડા પાડશે. અહિં તકબ્બુર અને ઘમંડની ટૂંકી વાત કહેવી અસ્થાને નહિ ગણાય. મવલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ફરમાવે છે:
‘અજીબ્તો લે ઈબ્ને આદમ અવ્વલોહુ નુતફતુન વ આખેરોહુ જીફતુન વ હોવ બયનહોમા વેઆઅુન સુમ્મ યતકબ્બરો’: મને આશ્ર્ચર્ય થાય છે ઈન્સાન ઉપર કે જેની શરૂઆત નુત્ફાથી થઈ (એટલે નજાસતથી) અને જેનો અંત મુરદારગી (મૃત્યુ) હશે (ફરી નજાસત) અને તે બન્ને અવસ્થાની વચ્ચે એટલે કે પોતાનું સમગ્ર જીવન નજાસતના અંશથી ભરેલું છે, તેમ છતાં તે ઘમંડ અને અભિમાન કરે છે.
દરેક ઈન્સાન જેમાં થોડા ગુણોકમાલ જોવા મળે છે, જેમ કે જ્ઞાન, ખુબસુરતી, માલ અને દૌલત, ખાનદાન અને કબીલા વગેરે, તેઓએ આ હદીસને યાદ રાખવી જોઈએ અને ઘમંડથી દૂર રહેવું જોઈએ. આપણા માટે જરૂરી છે કે જેમાં આ બિમારી જોવા મળે તેને સમજાવવા અને તે છતાં ન માને તો આપણે ખુદ તેની સાથે ઘમંડથી વર્તન કરવું. કારણ કે મઅસુમનું કથન છે કે : ‘અલ કીબ્રો મઅલ મોતકબ્બેરીન ઈબાદહ’એટલે ઘમંડીઓની સામે અભિમાન કરવું તે ઈબાદત છે.
ઈમામે ઝમાના (અજ.) જ્યારે પધારશે ત્યારે ગરૂર અને ઘમંડ, કુફ્ર અને નિફાક (બનાવટ, જાહેરમાં દોસ્તી ખાનગીમાં દુશ્મની), ઝુલ્મ અને અત્યાચાર વગેરેના પુતળાઓના ટૂકડે ટૂકડે કરી નાખશે.
(૯) અસ્સલામો અલયક યા મવલાય યા સાહબઝઝમાન અસ્સલામો અલયક યબ્ન રસૂલીલ્લાહે અસ્સલામો અલયક યબ્ન અમીરીલ મોઅમેનીન અસ્સલામો અલયક યબ્ન ફાતેમતઝ ઝહરાએ સય્યેદતે નિસાઈલ આલમીન. અસ્સલામો અલયક યબ્નલ અઈમ્મતીલ હોજ્જીલ મઅસુમીન વલ ઈમામે અલલ ખલ્કે અજમઈન: સલામ ખાસ થાય આપ ઉપર એ મારા આકા મવલાએ સાહેબુઝઝમાન, ખાસ સલામ થાય આપ પર એ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના પુત્ર, ખાસ સલામ થાય આપ ઉપર એ સમગ્ર જગતની સ્ત્રીઓના સરદાર જનાબે ફાતેમહ ઝહરા (સ.અ.)ના પુત્ર, ખાસ સલામ થાય આપ ઉપર એ ઈમામો અને મઅસુમ હુજ્જતોના પુત્ર અને સમગ્ર સૃષ્ટિ ઉપર ખુદાના પ્રતિનિધી ઈમામ ઉપર.
(૧0) અસ્સલામો અલયક યા મવલાય સલામ મુખ્લેસીન લક ફીલ વેલાયતે અશહદો અન્નકલ ઈમામુલ મહદીય્યો કવલન વ ફેઅલન વ અન્તલ્લઝી તમલઉલ અર્ઝ કીસ્તન વ અદલા બઅદ મા મોલેઅત ઝુલ્મન વ જવરા: ખાસ સલામ થાય આપ ઉપર એ મૌલા (તેના) સલામ જે આપની વિલાયતનો નિર્મળ હૃદયથી (ઈમાન) ધરાવે છે. હું સાક્ષી આપું છું કે આપ જ હિદાયત સંપન્ન ઈમામ છો, કથન અને કાર્યમાં પરિચલન અને વાતચીતમાં અને આપ જ દુનિયાને ન્યાય અને ઈન્સાફથી એવી રીતે ભરી દેશો જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.
અહિં આપણે સ્વિકારીએ છીએ કે આપણે આપણી વિલાયત અને મોહબ્બતમાં નિર્મળ છીએ એટલે સામાજીક રીતે અથવા વ્યકિતગત જીવનમાં આપણે આપણાં ઈમામના હકને અદા કરીએ છીએ. અને માત્ર તેમને જ આપણાં માર્ગદર્શન અને ઈમામ મનાવીએ છીએ. આ વિલાયત અને શીઆ હોવામાં ન તો કોઈ દેખાવ છે અને ન બનાવટ. તેમની તાબેદારી અને અનુસરણ કોઈ વ્યકિતગત સ્વાર્થના માટે નથી કરતાં, બલ્કે ખુદાની ખુશી મેળવવા માટે નિર્મળ દિલથી તાબેદારી કરીએ છીએ. એકાંતમાં પણ અમે કોઈ એવું કામ નથી કરતા જેનાથી આપણા ઈમામને સદમો પહોંચે. ‘ઈત્તકુ મીન મઆસીલ્લાહે બીલ ખલવાતે ફ ઈન્ન શાહેદ હોવલ હાકેમો.’ એકાંતમાં પણ અલ્લાહની નાફરમાનીથી ડરો, કારણ કે જે સાક્ષી છે તેજ કાજી અને જજ પણ છે.
ઈમામે ઝમાના (અ.સ.) મહદી, ખરેખર, જે દુનિયાને અદલ અને ઈન્સાફથી ભરપૂર કરી દેશે. તે ખોટા અને કાગળના મહદીઓ જેવા નથી. જેમણે દાવા તો ઘણા કર્યા પરંતુ દુનિયાને અદલ અને ઈન્સાફથી ભરી ન શકયા. જુઠ્ઠાઓને, ફરેબીઓને પારખવાનું શ્રેષ્ઠ ધોરણ આ જ છે કે જો તે અલ્લાહના આ વાયદાને પૂરો કરે, જે અશક્ય છે. કારણ કે દુનિયાના નકશા ઉપરથી ઝુલ્મ અને અત્યાચારનો સફાયો કરી નાખવો તે માત્ર આલે મોહમ્મદ (સ.અ.વ.)ના મહદી (અજ.)થી મખ્સુસ છે. તેમની સિવાય કોઈ આ કામ કરી નહિ શકે. ખોટી વાતો, બહાનાઓ બતાવવા તે આલે મોહમ્મદ (સ.અ.વ.)નું કામ નથી.
(૧૧) ફ અજ્જલલ્લાહો ફરજક વસહહલ મ ખ્રજક વ કર્રરબ ઝમાનક વ કસ્સર અનસારક વ અઅવાનક વ અન જઝ લક, મા વઅદક ફ હોવ અસ્દકુલ કાએલીન વ નોરીદો અન નમુન્ન અલ્લ લઝીનસ તુઝએફૂ ફીલ અર્ઝે વનજઅલહુમ અઈમ્મતવ વ નજઅલહોમુલ વારેસીદન યા મવલાય યા સાહેબઝઝમાને યબ્ન રસૂલિલ્લાહે હાજતી કઝા વ કઝા:
બસ અલ્લાહ આપના ઝુહુરમાં જલ્દી કરે અને આપને આવવામાં આસાની કરી દે અને આપના હકુમતના અને રીયાયતના ઝમાનાને નજદીક કરી દે. આપના અન્સાર અને મદદગારની સંખ્યામાં વધારો કરી દે અને જે કાંઈ તેણે (અલ્લાહે) આપ સાથે વાયદો કર્યો છે તે વફા કરે. કારણ કે તે વાત કરનારાઓમાં સૌથી વધુ સાચો છે. ‘અને અમે એ ઈરાદો ધરાવીએ છીએ કે જે લોકોને પૃથ્વી પર અશકત બનાવી દેવામાં આવ્યા છે તેઓ ઉપર એહસાન કરીએ અને તેઓને ઈમામ બનાવીએ અને તેઓને (દુનિયાના) વારસદાર અને પેશ્ર્વા બનાવીએ.’ એ મવલા, એ સાહેબે ઝમાના, એ અલ્લાહના રસૂલના પુત્ર, મારી માંગણી અને મુરાદ આ મુજબ છે….. (આ પછી પોતાની માંગણી રજૂ કરે ઈન્શાઅલ્લાહ પૂરી થશે.)
સલામ, દરૂદ મોકલ્યા પછી આપણે પહેલા તો ઈમામે ઝમાનાના હકમાં દોઆ કરીએ છીએ અને પછી આપણાં માટે. આ એક ઘણી મહત્ત્વની રીત છે. જેની તાલીમ આપણને અહિં આપવામાં આવી રહી છે. અને તે એ કે જ્યારે પણ આપણે દોઆ કરીએ ત્યારે પહેલા ઈમામે ઝમાનાના હકમાં દોઆ કરીએ. તેમના ઝુહુરના માટે એમનો માર્ગ મોકળો કરવા માટે, એમની મુશ્કીલો અને તકલીફો દૂર થવા માટે. અને પછી આપણી હાજતો માગીએ. આ કાર્ય પોતેજ એક નિર્મળ ભાવની શીય્યત, વિલાયત અને મોહબ્બતની નિશાની છે. જે માનવી માત્ર પોતાના પ્રશ્ર્નોની ફીકર કરે છે ને બીજાની મુશ્કેલીઓને ભૂલી જાય છે, તેને સ્વાર્થી કહેવામાં આવે છે. એ ખુદા, આ ખરાબ આદતથી અમને મુકત કર.
બીજી ધ્યાન આપવા જેવી વાત એ છે કે અલ્લાહ તઆલા વાયદાને વફા કરનારો છે. તે બેવફા કે વાયદાને તોડનારો નથી. જે એક સાંત્વન આપનાં ઈમાન છે. જે આ વાત સ્વિકારે છે તે કયારે પણ અલ્લાહની રહેમતથી નિરાશ થતો નથી. ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે.
‘ઈન્તઝેરૂલ ફરજ વલા તયઅસુ મીન રવ્હીલ્લાહે ફઈન્ન અહબ્બલ અઅમાલે એલલ્લાહે ઈન્તેઝાલ ફરજે’: ઝુહુરની પ્રતિક્ષા કરો અને અલ્લાહની રહેમતથી નિરાશ ન થાવ, કારણ કે અલ્લાહની નજદીક સૌથી વધુ પ્રિય કાર્ય તે ઝુહુરની પ્રતિક્ષા છે.
ત્રીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે આ દોઆઓ દશર્વિે છે કે ખુદાની કુદરત સંપૂર્ણ છે. તે જ્યારે ચાહે ત્યારે બધી વ્યવસ્થાને પલ્ટાવી એક નવી વ્યવસ્થા કાયમ કરી શકે છે અને તેમાં તેને કોઈ અડચણ નથી. તે ચાહે તો અત્યારે જ ઈમામે ઝમાના (અજ.) નો ઝુહુર નક્કી કરી નાખે અને હઝરતને મોકલી આપે. એક રાતમાં તેમના માટે ભૂમિકા બાંધે અને તેઓના અન્સાર અને મદદગારની સંખ્યા જરૂરત મુજબ તૈયાર કરી દે. તેથી દિવસ અને રાત આપણે તેમના માટે આશા અને ઉમેદ રાખવી જોઈએ અને નિરાશાથી દૂર રહેવું જોઈએ.
(૧૨) ફશ્ફઅ લી ફી નજાહેહા ફકદ તવજ્જહતો એલયક બે હાજતી લે ઈલ્મી અન્ન લક ઈન્દલ્લાહે શફાઅતન મકબુલત વ મકામમ મહમૂદા ફબે હક્કે મનીખતસ્સકુમ બે અમરેહી વરતાઝાકુમ લે સિર્રેહી વબીશ્શાનીલ લઝી લકુમ ઈન્દલ્લાહે બયનકુમ વ બયનહૂ સલીલ્લાહે તઆલા ફી નુજ્હે તલેબતી વ એજાબતે દઅવતી વ કશ્ફે કુરબતી:
આપ મારી દોઆઓને કબુલ અને કામયાબ કરવામાં મારી મદદને ભલામણ કરો. કારણ કે હું મારી હાજત લઈને આપની ખીદમતમાં હાજરૂર થયો છું. કારણકે મને સમજ અને વિશ્વાસ છે કે અલ્લાહ તઆલાની નજદીક આપની ભલામણ અને સિફારીશ કબુલ થશે અને આપ ખુદાની નજદિક ‘મકામે મહમૂદના’સ્થાન ઉપર બિરાજેલા છો. તેથી તેના હકની કસમ જેણે આપને તેની ઈમામત ને વિલાયતના માટે મખ્સુસ ફરમાવ્યા અને પોતાના રહસ્યો અને જાણકારી માટે આપને પસંદ કર્યા અને તે શાન અને મહાનતાનો વાસ્તો કે જે આપના અને આપના મઅબુદની વચ્ચે સ્થાપિત થએલો છે. આપ જ અલ્લાહ તઆલાને મારી સફળતા અને મારી દોઆ સ્વિકારાય જાય અને મારી મુસીબતો દૂર થાય એ દોઆ કરો.
અહલેબયત (અ.સ.) અલ્લાહ તઆલાની નજદિક આપણા ગુનાહોને માફ કરવા માટે ભલામણ કરશે. કારણકે ઈમામે ઝમાના (અ.સ.) આપણા ઝમાનાના ઈમામ છે. તેથી આપણે તેમની પાસે સિફારીશની દોઆ કરીએ છીએ. અને આ શીઆઓનું પાકું ઈમાન છે કે જે સ્થાન અને ભવ્યતા અલ્લાહ તઆલાની નજદિક પવિત્ર એહલેબયત (અ.સ.)નું છે તે કોઈનું નથી. ‘મકામે મહમૂદ’રસુલે ખુદા (સ.અ.વ.)ની એહલેબયતની મહાનતાને કહે છે. આ સ્થાન કયામતના દિવસે તેની સંપૂર્ણ નુરાનીય્યતથી પ્રકાશિત થશે. અંતમાં તે જાતનો વાસ્તો દેવામાં આવી રહ્યો છે જેણે એહલેબયત (અ.સ.)ને આ સ્થાન અને ભવ્યતા બક્ષી. એટલે ખુદા અઝઝ વ જલ્લની પવિત્ર જાત. દોઆનો અંત આ વાકયથી થાય છે કે અલ્લાહ તઆલાની બારગાહમાં આપ જ ભલામણ કરો અને આપ જ અમારી મુશ્કેલીઓ અને દુ:ખોને દૂર કરો. બીજા શબ્દોમાં, એક ગરીબ બંદો જે ફકીરી અને લાચારીનો અનુભવ કરી રહ્યો છે તે શબ્દોમાં કહી શકાતું નથી. પોતાના સમગ્ર કાર્યને એહલેબયત (અ.સ.)ને સોંપી દે છે અને પોતાની બધી આશાઓ તેમને જ સોંપેલી રાખે છે. અંતમાં વિનંતી છે કે આ ઝીયારતને જરૂર પડયા કરે, ખાસ કરીને સોમવાર, ગુરૂવાર, શબે જુમ્આ અને જુમ્આના દિવસે (જે આપણા ઈમામ અ.સ.થી સંબંધિત છે). આ દિવસોમાં આપણા આમાલ આપણા ઈમામની ખિદમતમાં રજૂ કરવામાં આવે છે.
Comments (0)